લાલદે મા શરીર ઉપર વસ્ત્ર રાખતી નહિ અને પહાડોની ગુફાઓમાં પડી રહેતી. પંખીઓ તેના માથે ખભે બેસતાં ને ટહુકા કરતાં. લાલમા તેમને ગીતો  સંભળાવતી !!

“પહેલગામથી શ્રીનગર તરફ આમારું સ્ટેશન-વિન પૂરપટ આવતું હતું. અવંતીપુર વટાવી અમે પેંપુર(પદ્મપુર) તરફ હંકાર્યું ત્યારે સંધ્યાકાળ થયો. કાશ્મીરની સંધ્યા જેણે જોઈ હશે તે સમજી શકશે કે એની રમ્યતા કેવી હેાય છે !?!

પેંપુરથી થોડેક દૂર ડ્રાઈવરે સ્ટેશન-વેગન અટકાવ્યું. અમારા મનમાં એમ કે, એને જરા થાક ખાવો હશે અને બીડી પીવી હશે. અમે સૌ લટાર મારવા ઊતર્યા. સંધ્યાકાળનું આકાશ ચારે તરફની ગિરિમાળા ઉપર બેઠું બેઠું જાણે સંગીતની લહરીઓ  છોડતું હતું.

ડ્રાઈવર બાજુની એક ટેકરી ઉપર ચડવા લાગ્યો. ટેકરી ઉપર એક નાના સરખા ચોગાનમાં કેટલાક દીવાએ બળતા હતા. ડ્રાઈવરે અમને બધાને પોતાની પાછળ આવવા કહ્યું.

એક સમાધિ ઉપર ફૂલ હતાં અને  મોટો દીવો પ્રકાશતો હતો. મુસ્લિમ ડ્રાઈવરે આંખો મીંચીને ધ્યાન ધર્યું. પછી પોતે ઘૂંટણિયે પડ્યો અને સમાધિ ઉપર પોતાનું  માથું મૂક્યું. એની ભાવનિમગ્નતા હું જોઈ રહ્યો.

“કોની સમાધિ છે આ?” આખરે મેં એને પૂછ્યું,

“લાલદે માની.”

થોડી વાર સુધી મને એ નામની કશી સમજ પડી નહિ. વધુ જાણવાના ઇરાદાથી હું તેના તરફ જોઈ રહ્યો.

“ લાલદે મા મોટાં તપસ્વી હતાં.” ટેકરી ઉપરથી નીચે ઊતરતાં તેણે ચોખવટ કરી.

મારા મનમાં વાત કંઈક ગોઠવાવા લાગી. કાશ્મીરની વિખ્યાત યોગિની લલ્લેશ્વરીની જ આ સમાધિ હશે એવું મને લાગ્યું. સંધ્યાકાળનું આકાશ ઈશ્વરની માયા જેવું અદ્ભુત લાગતું હતું. સ્ટેશન-વેગન પૂરપાટ ચાલવા લાગ્યું.

“લાલદે માનાં ગીતો દરેક કાશ્મીરીને મોંએ છે, સાહેબ ! મામાં ભારે સત હતું.” ડ્રાઈવરે મારા અજ્ઞાનનો પડદો દૂર કરવા કોશિશ કરી.

“આ લાલદે તે મશહૂર લલ્લેશ્વરી કે?” મેં પૂછયું.

ડ્રાઈવરને એ નામમાં કશી ગમ પડી નહિ. એ મારા તરફ પોતાને  કાંઈ ન સમજાયું હોય  તેમ જોઈ રહ્યો.

“એની મને ખબર નથી. અને સાહેબ ! માએ ઘરબાર છોડી દઈ કાશ્મીરની ખીણમાં ઘૂમવા માંડ્યું અને ઈશ્વરની ભક્તિમાં પોતે મસ્ત રહેતાં. એમનાં ગીતો અમારે કંઠે રહ્યાં છે.” મને વાત સમજાઈ ગઈ. પેલી સમાધિ લાલદે એટલે કે લલ્લેશ્વરીની હતી. એ શૈવયોગીની વિષે મેં થોડું વાંચ્યું હતું. વાચન તાજું કરવાની મને ઈચ્છા થઈ.

શ્રીનગર પહોંચ્યાં ત્યારે સૂરજ આથમી ગયો હતો. શિકારામાં હું હાઉસબોટ ઉપર આવ્યો ત્યાં સુધી લલ્લેશ્વરીની વાત મારા મનમાં ઘોળાયા કરતી હતી.

કાશ્મીરના એક વિદ્વાન પંડિત તે જ રાતે મને અચાનક મળવા સારું  આવ્યા. એ સંસ્કારી અને પ્રેમી માણસ અમારા જમવાના ખંડમાં અમારી કોફીનો સત્કાર કરવા બેઠા.

“પંડિતજી, પેંપુરની પાસે પેલી જે લાલદેની સમાધિ છે તે લાલદે કોણ?” મેં પૂછ્યું.

“લાલદે તે લલ્લાવાક, જેને લલ્લેશ્વરી પણ કહે છે.” એટલું કહી તેમણે એક કાશ્મીરી ગીત લલકાર્યું, જે નીચે મુજબ હતુંઃ

તૂરિ સલિલ ખટુ તાય તૂરી, હ્યમ્ય ત્રિ ગૈય ભિન્ના ભિન્ન વિમર્શા.

ચૈતન્ય રવ ભાતિ સબ્ સમે, શિવમય ચરાર્ જગ પશ્યા.

એ જૂની કાશ્મીરી બાની પેલા પંડિતના સુંદર કંઠમાં ઘણી મીઠી લાગતી હતી. ત્રણ ચાર વાર એમણે ઉથલાવી ઉથલાવીને એ ગીત ગાયા કર્યું. અને પછી એમણે  અર્થ જે સમજાવ્યો તે નીચે મુજબ હતો:

માયાવી જગત બરફનો કટકો છે. આખરી સત્ય એની અંદર રહેલું પાણી છે. જુદીજુદી જાતનાં હું પદ ઝાકળનાં બિંદુઓ જેવાં છે. વિશ્વને તમે એ રીતે ઓળખો.

એ ગીતમાં શૈવ ફિલસૂફી છલોછલ ભરી હતી. લલ્લેશ્વરીની જ્ઞાનમસ્તીનો ઝાંખો ખ્યાલ એમાંથી તરી આવતો હતો.

લલ્લેશ્વરીનું ક્ષર જીવન આપણી મીરાંબાઈના જીવનને ઘણું મળતું છે. લાલદે શિવની ભક્ત હતી. મીરાં કૃષ્ણની ભક્ત હતી. એનો જન્મ ચૌદમા સૈકાની મધ્યમાં થયો હતો. માતાપિતા બ્રાહ્મણ હતાં અને પેંપુરની પાસેના એક ગામડામાં વસતાં હતાં. જન્મથી જ તેમનામાં યોગસિદ્ધિ દેખાતી હતી. યોગિની ધ્યાનમગ્ન રહેતી અને મૌન રાખતી. એનું વળી લગ્ન કરવામાં આવ્યું. સાસરું પેંપુરમાં હતું. વર અને તેનું કુટુંબ ઊંચા કુળનાં હતાં. પણ વાતાવરણ જુદી જાતનું હતું. વર પૂરો દુનિયાદારી માણસ હતો, સંસારનો પાકો કીડો હતો. લલ્લેશ્વરીને ત્રાસ અને દુઃખ આપવામાં બંને જણાંએ બાકી રાખી નહિ. શિવમાં મસ્ત બનેલી યુવાન છોકરી એક રાતે ઘર છોડીને રસ્તે પડી.

શ્રીનગરની પાસે એને એક વૃદ્ધ તપસ્વીએ આશરો આપ્યો, એ તપસ્વીનું નામ સિદ્ધ શ્રીકંઠ, જેમને લોકો સિદ્ધમોલ કહેતા. લાલદે એમની પાસેથી યોગદીક્ષા પામી, અને પોતાના બાપનું નામ જે કોઈ પૂછતું તે સિદ્ધમોલનું નામ દેતી. એ સિદ્ધ પુરુષે લલ્લેશ્વરીને ગૂઢ જ્ઞાન આપ્યું અને પછી તો પોતે દિવસ અતે રાત શિવની મસ્તીમાં રહેવા લાગી. એની મસ્તી અને જ્ઞાનસિદ્ધિ એવા તો જામ્યાં કે સિદ્ધ- મોલને પણ પોતે ટપી ગઈ.

જ્ઞાનમસ્તીની ભરતીમાં ઉચ્ચારેલાં તેનાં વાક્યોનો એક સંગ્રહ થયો છે. જૂની કાશ્મીરીને સંસ્કૃતમાં રૂપાંતર કરનાર રાજાનક ભાસ્કર મૂળની મસ્તીને બરાબર ઉતારી શક્યા નથી. છતાં ગીતોના ભાવ થોડાઘણા લાવી શક્યા છે, એવું જ્યોર્જ ગ્રીઅર્સન કહે છે.

લલ્લેશ્વરીનાં ગીતો સાંભળવા હિંદુ-મુસલમાન સૌ ટોળે મળીને એકઠા થતા. મુસલમાનો  પણ એનાં ગીતો ગાતા અને લલ્લેશ્વરીની બાધા માનતા. સનાતની પંડિતોને જોઈ યોગિની લાલદે ચાબખો મારતી કે,

 “મૂર્તિ પથ્થર છે અને નીચે ધરતી મંદિર છે. કોની પૂજા કરીશ તું, ઓ પંડિત ! તને કહું કે ઉપર જે આકાશ છે તે મન છે અને નીચે જે ધરતી છે તે આત્મા છે.

જ્ઞાનની જેને કેવળ આરૂઢ દશા કહેવામાં આવે છે એવી દશામાં આખરે તે પ્રવેશી ગઈ. શરીર ઉપર વસ્ત્ર રાખતી નહિ અને પહાડોની ગુફાઓમાં પડી રહેતી. પંખીઓ તેના માથે અને ખભે બેસતાં અને ટહુકા કરતાં. લાલમા તેમને ગીતો  સંભળાવતી અને તેમની ચાંચમાં જે તેઓ ફળનો કટકો લાવતાં તે લાલમાના ખોળામાં મૂકી દેતાં. યોગિની એ ફળો ખાતી.

મનનું નિરીક્ષણ કરતી પોતે લલકારે છેઃ

મન, આ તારું નથી છતાં તું કેમ મસ્તાને ચડે છે? અસત્યને તું સત્ય રૂપે કયે કારણે ઓળખે છે? તારી ટૂંકી સમજને લીધે તું છેતરાય છે અને નાહક આવન-જાવન કરે છે.

જેને આપણે ઋતંભરા પ્રજ્ઞા અર્થાત્ દૈવી જ્ઞાન કહીએ તેવું જ્ઞાન લલ્લેશ્વરીમાં ભર્યું હતું. એની વાણીમાં ઋષિઓની વાણીના પડઘા હતા. ઋગ્વેદની ઘોષા, વાક, સરસ્વતી, આદિ સ્ત્રી–ઋષિઓનું આ૫ણને સ્મરણ કરાવે એવી લલ્લેશ્વરીની આર્ષ પ્રતિભા હતી. શૈવદર્શનના પંડિતો લલ્લેશ્વરીને ઋષિનું પદ આપે છે.

લલ્લાના બોધે કાશ્મીરના શૈવદર્શનને એક નવો જ વળાંક આપ્યો. હિંદુ અને મુસલમાન બંને ધર્મોના તત્વોની એણે એકતા સમજાવી. પ્રણવની એટલે કે ઓંકાર ની એની ઉપાસના પ્રખર હતી. મુસ્લિમ સૂફીઓ એના ચરણની રજ માથે મૂકતા અને તેમને તે અલ્લાહ શબ્દની અંદરનો મહાપ્રાણ એટલે કે દીર્ઘ હકાર છૂટો કરી બતાવી ઓંકારનું રહસ્ય સમજાવતી.

એણે કોઈ સંપ્રદાય સ્થાપ્યો કે ચલાવ્યો નથી, પરંતુ તેની પાસેથી ગૂઢ જ્ઞાન મેળવનારા યોગીજનો આજે પણ ગુરુપરંપરાની રીતે પ્રણવની ઉપાસના કરે છે.

(1959 માં જેની પ્રથમ  આવૃત્તિ બહાર પડી અને 1980માં જેની બીજી આવૃત્તિ પ્રકાશિત થઇ તે પુસ્તક એટલે અગમનિગમ. એક સમયના સમર્થ લેખક અને ચિંતક શ્રી નર્મદાશંકર મહેતાના પુત્ર તે શ્રી યશોધરા મહેતા. એ સમયના ‘ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય’ ના બંધુઓ સર્વશ્રી શંભુભાઈ અને ગોવિંદભાઇ શાહ દ્વારા ‘અગમનિગમ’ શીર્ષકથી  પહેલી આવૃત્તિ છપાઈ. તેની બીજી આવૃત્તિ તરત જ કરાવી  પડે તેમ હતી પરંતુ તે પહેલા એ ગુર્જર બંધુઓ કાળના પ્રવાહમાં અચાનક ચાલ્યા ગયા અને વાત રહી ગઈ. તે છેક 1980માં બીજી આવૃત્તિ બહાર આવી !!… આ પુસ્તકનો સંદર્ભ લઈને આ લેખ તૈયાર કરેલ છે, તેની સાદર નોંધ લઉં  છું.)  (ક્રમશ:)