1. “નનામીને પણ ગાંસડી બાંધતા હોઈએ એમ બાંધવી પડે છે ..” 
કવિશ્રી અનિલ જોશીની વિદાયે શ્રદ્ધાંજલિ લેખ : 01
ગાંસડી ઉપાડી શેઠની..અંગે કવિ અનિલ જોશી કહે છે કે, “આ કોઈ આત્મકથા નથી. જીવાઈ ચૂકેલા જીવનની વીતકકથા છે” 

ગુલામ મોહમ્મ્દ શેખ સાહેબ કહે છે : કવિશ્રી અનિલ જોશી એટલે  અંતરખોજી અને  શેડકઢા પ્રેમનો માનવી.!!

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો….

આવી સૌનાં હૈયે વસેલી  ગીત રચના આપનાર આપણા વિરલ કવિ શ્રી અનિલ જોશીએ

વિદાય લીધી છે.  આપણને વિશ્વ કવિતા સાથે જોડી આપનાર સર્જકની વિદાય નાળ સંબંધ છેદી  નાખ્યા જેવું દર્દ આપે છે. અતિ સ્પષ્ટ વક્તા કે જેના જીવનમાં  શિક્ષણ અને સર્જન હારોહાર ચાલ્યાં. પોતાની  ફેસબુક વોલ પરથી ફોલોઅર્સ સાથે મુખોમુખ સંવાદ સતત સાધી રાખનાર અનિલ જોશી થોડા સમય પહેલાં દવાખાનાના બિછાના પરથી કવિવર્ય રૂમીની પંક્તિઓ ટાંકે કે છે અને આપણે  સમજવું હોય તો ‘અલવિદા’ કહી દે છે, પણ આપણે તો એને કવિની મસ્તી ગણીને વિચારતા નથી કે અનિલ જોશી રૂમીને વચ્ચે રાખીને આપણને પોતાના જતા રહેવાના અણસારા આપી રહ્યા છે….

રૂમી નામનાં ઇરાનનાં કવિએ બહુ સરસ કહ્યું છે કેઆપણે બધા ગેસ્ટહાઉસ જેવા છીએ. we are just like guest house. એમાં રોજ નવું એરાઇવલ હોય છે. જેમ જિંદગીમાં જીવતા હોઈએ તો રોજ નવું એરાઇવલ હોય. કોઈવાર બીમારી હોય, કોઈવાર સંતાપ હોય, કોઈવાર દુઃખ હોય, કોઈવાર યાતના હોય, કોઈવાર શરીર પીડા હોય, કોઈવાર ઓપરેશન હોય બધું જ હોય પણ તમે યાદ રાખજો કે ગેસ્ટહાઉસમાં જેનું એરાઇવલ છે ને એનું ડિપાર્ચર હોવાનું જ છે, એ પર્મેનૅન્ટલી રહેવાનું જ નથી. આ સત્ય કવિ રૂમીએ રજુ કર્યું હતું. એટલે દુઃખ આવે તો આવે ભઈ, એરાઇવલ છે એનો ટાઈમ છે આવીને જતું રહેશે.

એક ઉત્તમ કામ એ થયું કે કવિશ્રી અનિલ જોશીએ પોતાની આત્મકથા સમયસર લખી, તે પ્રકાશિત થઇ અને તેનાં એકથી વધુ નગરોમાં લોકાર્પણ પણ થયાં. પોતાના નિરાળા અંદાઝમાં અનિલ જોશીએ પોતાની જીવની લખી અને ક્યાંય શબ્દો ચોર્યા વગર જીવનયાત્રા વર્ણવી છે. એનું શીર્ષક છે, ગાંસડી ઉપાડી શેઠની. જરા વિશિષ્ટ કહી શકાય તેવા શીર્ષક સાથે આપણી સમક્ષ એક કવિના જીવનની યાત્રા સુંદર રીતે આપણને મળી.રાજકોટ ખાતે પ્રસિદ્ધ સર્જક શ્રી મધુ રાયની ઉપસ્થિતિમાં આ આત્મકથાનું ગરિમાભર્યું વાચકાર્પણ થયું અને તે સમારંભમાં અનિલ જોશીએ ખુદે મને કહ્યું કે, મારી યાત્રા વિષે તું માંડીને  વાત કરજે.  માતબર કવિ અને ઉમદા માનવનું આ સૂચન મારા માટે સોનેરી અવસર બની રહ્યો. બહુ ઊંડાણથી લખાયેલ આ યાત્રાનો  ઝીણી નજરે મેં અભ્યાસ કર્યો અને સમારંભમાં દિલથી પેશકશ કરી. બંને સર્જકો શ્રી મધુ રાય અને શ્રી અનિલ જોશીએ પોતાના વક્તવ્યમાં મારી પ્રસ્તુતિને નવાજી. એ મારા માટે સંતોષ અને ગૌરવની ઘડી હતી.

અનિલ રમાનાથ જોશી’ નામ છે, એનું જો કે તેઓ આ પુસ્તકના પાંચમા પાનાથી એવું કહે છે કે,  તમે મને જે નામથી બોલાવો છો તે ખરેખર મારું નામ નથી. અનિલ કોઈ ઈશ્વર નથી માનવી છે. હઝરત ઈનાયત ખાનના શબ્દોને આગળ ધરીને અનિલ જોશી કહે છે કે, “તમે મને જે નામથી બોલાવો છો તે નામથી હું સતત છેતરાતો રહ્યો છું. શું કંસારા પાસે ઘરના થાળી, વાટકા અને ચમચા ચમચીઓ પર મારું નામ કોતરાવા માટે મેં જન્મ લીધો છે ?” કવિ અનિલ જોશીનો આ પ્રશ્ન આપણને વિચારમાં નાખી દે છે. આપણને સૌને આપણા નામ માટે આવો પ્રશ્ન હવે થઈ શકે. “ભાષા હોય કે જીવન હોય એ સતત વહેતો પ્રવાહ છે. તમારે એ નક્કી કરવાનું છે કે તમારે જીવનના પ્રવાહના પ્રુફ રીડર  બનવું છે કે પછી વહેતા જીવનની કથા લખવી છે ??”  આવી અતિ વિશિષ્ટ વાત કરીને આપણી સમક્ષ ગાંસડી ઉપાડી શેઠની એવી કથા લઈને કવિ અનિલ જોશી આવ્યા છે.

આ પુસ્તક અશોક ઉર્ફે અનિલ ઉર્ફે માનવના વહેતા જીવનની ખળખળ વહેતી કથા છે. કવિ અનેક ગાંસડીઓ ગણાવે છે કે જે આપણે જીવનભર માથે ઉપાડીને ફર્યા કરીએ છીએ. અને છેવટે આત્યંતિક વિધાન કરે છે કે, નનામીને પણ ગાંસડી બાંધતા હોઈએ એમ બાંધવી પડે છે.અને પછી પોતે ઉપાડેલી શેઠની ગાંસડી મા ના ચરણમાં ઉતારીને કવિ ગાંસડીમુક્ત થાય છે. આપણને પણ ગાંસડીપ્રિય અનિલ જોશી માર્ગ ચીંધે છે કે,  “ગાંસડીમુક્તિ જોઈતી હોય તો બધું મા જગદંબાને સોંપી દેવું જોઈએ.”  કવિ અહીં ભક્ત તરીકે પ્રસ્તુત થાય છે. પણ એક નિરાળો ભક્ત છે. શિવ અને શક્તિમાંથી શક્તિ પાસે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની જેની અંતરંગ ભાવના છે એવા આ કવિ વિષે પુસ્તકની પ્રસ્તાવના લખતા વડોદરાના ખ્યાત સર્જક ગુલામ મોહમ્મ્દ શેખના મતે “આ સર્જન એ ગોંડલની ભગવતપરાની શેરી નંબર ૧૧ થી માંડી ભાયખલાની ખોલી લગીના અનુભવોનો ભરચક ભંડાર છે. એ બીડીના ઠુંઠા ફૂંકતા શીખે છે, સિગરેટ પણ ચડાવે છે, તમાકુનો નશો અને મૌલાનો મજો પણ તે લે છે.

તોતડાતી જીભે અનિલ જોશીને વર્ષો સુધી મૂંગા રાખ્યા છે. જય ભિખ્ખુ ની શિખામણથી રાડો પાડવાનું શરૂ કરે છે ત્યારે તો  જીભ છૂટી થાય છે. ગુલામ મોહમ્મ્દ શેખ સાહેબ બે સુંદર વિશેષણોનો  ઉપયોગ કરે છે. ૧) અંતરખોજી. નાથાલાલ જોશીની સંગતમાં મા નો મેળાપ થાય છે અને આપણા કવિ અંતરખોજી બને છે. ૨) શેડકઢા પ્રેમનો માનવી જયારે અનિલ જોશીને મકરંદ દવે મળી જાય છે ત્યારે એની ઓળખ પલટો મારી જાય છે. અને ત્યારે આ વિશેષણ યથાર્થ જોવા મળે છે. આઠ દાયકાની સફરમાં જીવનમાં મેં જોયું, માણ્યું, જાણ્યું અને વેઠ્યું તેનો નિતાર આ અંતરંગી સંભારણામાં રોજબરોજની બાનીમાં તળ કાઠિયાવાડી બોલીની આંગળી ઝાલીને નિખર્યો છે. એમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. આ કોઈ આત્મકથા નથી. જીવાઈ ચૂકેલા જીવનની વીતકકથા છે,” એવું આરંભે જ આપણને અનિલ જોશી કહે છે. આશ્ચર્ય થાય છે જયારે તેઓ અમુક વાતો આપણી સમક્ષ ભૂતકાળની કરે છે, અતિ નાના બાળપણની કરે છે. આપણને એ વાત જાણીને ઘણી બધી જિજ્ઞાસા જન્મે કે,  પોતાના જન્મ સમયની આ બધી વાતો કવિ ક્યાંથી લઇ લાવ્યા ??  “પૃથ્વી પર મેં ક્યારે પહેલી હવા શ્વાસમાં લીધી તે તો મને યાદ નથી. એ હવાને આંગળીથી ચીંધી શકતો નથી,  કારણકે હું તો કવચકુંડળ કે વીંટી સાથે ન્હતો જન્મ્યો. હું બિલકુલ શેડકઢા દૂધ જેટલો ફ્રેશ હતો. એ પછી જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મારામાં  ભેળસેળ વધતી ગઈ. મને ઓળી ઝૉળી પીપળ પાનનો હીંચકો નાખીને ‘અશોક’ નામ આપવામાં આવ્યું એટલે હું નામધારી થયો. મને પૃથ્વી પર લાવવાનો બધો યશ બબુ સોયાણીને જાય છે. બબુ સોયાણી  એક મુસ્લિમ ઔરત હતી. મધ્યમ બાંધો, ચમકદાર આંખો, પહેરવેશ બહુ સાદો પણ એના હાથમાં જાદુ.”

કવિનો જન્મ થયો ત્યારે કહેવાય છે કે એમનું માથું પહેલું બહાર આવવાને બદલે પગ બહાર આવ્યા. એમના માતાને બહુ તકલીફ પડી. માથું બહુ મોટું હતું એટલે એને સૌ ડાલામથ્થો કહેવા લાગ્યા. પણ બબુ સોયાણીનો એક નિયમ કવિ જે નોંધે છે તે આપણા દિલને સ્પર્શી જાય છે. “જે કોઈ પ્રસુતાને વેણ ઉપડે અને બુલાવો આવે ત્યારે બબુ સોયાણી  બધા કામ છોડીને નમાજ પઢવા બેસી જાય એ પછી હાથ ધોઈને પ્રસુતિ કરાવવા જતી રહે.આ આખા વિસ્તારમાં બબુના હાથે જન્મેલું એક પણ છોકરું મર્યું નહોતું. મા ના ગર્ભમાંથી છોકરું ઉઆ…ઉઆ.. કરતું બહાર નીકળે કે તરત બબુ સોયાણી  નમાજ પઢવા બેસી જતી અને કહેતી, ‘અલ્લાહ આ તારું છે, એ તને જ આપું છું, મારું કંઈ  નથી.’ બબુ સોયાણીની આ વાત રજૂ કરે ત્યારે આપણને સર્વ ધર્મ સમભાવની અત્યારે ચાલતી ગુલબાંગો સાવ નિરાકાર લાગે અને કવિએ વર્ણવેલ બબુ સોયાણીની નમાજ  પઢવાની વાત આપણા દિલને સ્પર્શી જાય. દ્રશ્યો તો ઘણા બધા છે પણ દર્શન નથી. કવિ કહે છે કે,  મારી આંખ ઉઘડી નહોતી એ ભૂલકણી આંખનો ડોળો હજી પણ ફર્યા કરે. પૃથ્વી ફર્યા કરે છે, દિવસો ફર્યા કરે છે, ગ્રહ ફર્યા કરે છે અને બબુ સોયાણી પણ ક્યાંક ફર્યા કરે છે.  આત્મા એ રખડેલ ભટકતી ભવાની જેવો  છે, એટલે રખડેલ માણસની આત્મકથા ન હોય એટલે જ હું એને જીવનની વીતક કથા કહું છું.

આપણા ચહિતા કવિ અનિલ જોશીની બાળપણની વાતો આપણી આંખના ખૂણા ભીના કરે છે. એમની બા ભણેલી નહોતી પણ ઘરરખ્ખુ ગૃહિણી હતી. એકદમ વૈષ્ણવ ધર્મ પાળતા. મરજાદી કુટુંબમાં તે પરણી હતી, ઘરમાં દુજણી બે ગાયો હતી એનું ધ્યાન રાખતી, ખીલે નીરણ નાખતી, પોદળા ઉપાડીને છાણાં થાપતી. પંદર વાસણો લઈને ભગવતપરાના સાસરે આવી ત્યારે આપણા કવિ સાવ ધાવણાં હતા. બા તો ઘરકામની ચક્કીમાં ગોઠવાઈ જતી પણ આ ભવિષ્યના કવિને ઘોડિયામાં નાખીને એ કામે વળગી જતી. હાલરડું ગાઈને સુવડાવવા જેટલો બા પાસે સમય નહોતો. કવિ જયારે ભૂખ્યા થતા ત્યારે ઘોડિયાની ઝૉળીમાંથી રડતા. અને એને રડતા સાંભળી બા સત્તર કામ પડતા મૂકી અને અનિલ જોશીને  ધવડાવવા ખોળામાં લઇ લેતા. પણ એ સમયે આ સંવેદનાથી સભર એ વ્યક્તિને બા ના ખોળામાંથી ખાંડેલા મસાલાની વાસ આવતી. “બા ને મારા માટે બિલકુલ સમય મળતો નથી,”  એવું સાબિત કરવા માટે એમણે ટાંક્યું છે કે,  બા એ મને ધાવણ છોડાવવા માટે એના સ્તન ઉપર કડવાણી ઘસીને મને ધવડાવ્યો એટલે હું રડવા લાગ્યો અને એ રીતે બા ના ધાવણથી હું અલગ થઇ ગયો. ધાવણ છૂટ્યું એટલે બા એક તરફથી મુક્ત થઇ ગઈ. પણ બાના ઘરકામમાં પોતે ક્યાંય આડા ન આવે એટલે બાએ એક નવો નુસખો અમલમાં મુક્યો. અફીણનો ચમચો એ અનિલના મોઢામાં મૂકી દેતા અને અફીણના ઘેનથી તેઓ આખો દિવસ સૂતા રહેતા. પોતાની બા ને પોતે ઘરકામમાં  ડિસ્ટર્બ ન કરે એટલા માટે અફીણ આપીને સુવડાવી રાખવા સિવાય બા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એવું પણ તેઓ મોટા દિલથી કબૂલે છે. તેઓ કહે છે કે, એક તો પેટમાં હતો ત્યારે હું નવ મહિના ઘેનમાં રહ્યો અને જન્મ્યા પછી અફીણના ઘેનમાં ઊંઘતો રહ્યો. જાગૃતિ અને ઊંઘના ઉમરા  ઉપર હું ધીમે ધીમે ઉછરતો ગયો. આમ પોતાના બાળપણને બહુ જ સટીક રીતે,  આપણને ગળે ડૂમો ભરાય એવી વાત લખીને અનિલ જોશી વાચકને અચંબામાં નાખે છે કે, જે સમયે સમજ હજુ ઘણી દૂર માર્ગમાં ચાલી આવતી હતી ત્યારે આ અણસમજભરી વાતો કવિ લાવ્યા ક્યાંથી ??

અનિલ જોશી શિશુ બીમારીનો ભોગ બનનાર બાળક હતા અને નાનપણથી એને ખુબ બીમારી રહેતી. એટલે કોઈએ કહ્યું કે જ્યોતિષની સલાહ લો તો જ્યોતિષના કહેવા મુજબ ઘરના વડીલોએ નામ બદલીને અશોકમાંથી અનિલ કર્યું. અને એ જ્યોતિષની સલાહ મુજબ આપણને કવિ અનિલ જોશી મળ્યા. પિતાજી ફર્ગ્યુસન કોલેજમાંથી ભણીને પાછા આવ્યા હતા. એમનો મિજાજ બહુ તેજ હતો. ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા હતા. એટલે પિતાજી પાસે આ અનિલને રમાડવાનો કોઈ સમય ન હતો. એ આખો દિવસ નિશાળે ભણાવે અને સાંજે ભગવદ્ગોમંડલ શબ્દકોશની કચેરીએ જાય. અને શબ્દકોશના સંપાદક ચંદુલાલ બેચરદાસ પટેલ સાથે મોડી  રાત સુધી કામ કર્યા કરે. પિતાજી ઘરે આવે ત્યારે અનિલ ઊંઘી ગયો હોય. જો કે કવિ લખે છે કે, રાતે પિતાજી મારી સાથે સૂતા અને મને વાર્તા કહેતા એવું મને થોડું સ્મરણ છે. ગોળકેરી ભીતરડી ને શેરડી કેરા ફુવારા, ટોપરડે ઘર છાયા બચ્ચા બારણાં ઉઘાડો હું તમારી મા છું.  મારા ગાલે હાથ ફેરવીને મારા પિતા મને સુવડાવી દેતા. જો કે મારા પિતાજી બહુ સારું ગાતા નહોતા. પૂનાની ફર્ગ્યુસન કોલેજની વાતો કર્યા કરતા. કેટલાય પ્રોફેસરને યાદ કરતા. અને પોતાના જીવનની એવી વાતો કરતા કે,  જેથી તેમને લશ્કરી તાલીમ લેવા માટે નસીરાબાદ જવું પડ્યું હતું અને તેના આધારે પોતે કેવા ઘડાયા હતા એ મને કહેતા. કવિના ઘરમાં પહેલીવાર રાયફલનો પ્રવેશ થયો હતો. મોટી બંધૂક ભીંતે લટકતી. લશ્કરી ગણવેશ પણ ખીંટીએ  ઉપર ટીંગાતો તેઓએ જોયો છે. આ બધા દ્રશ્યો તેઓ ચુપચાપ જોયા કરતા. અનિલની એક બીજી ખામી એ હતી કે,  જેની જીભ તોતડાતી હતી એટલે એ બોલતા નહીં. બા તો એક પછી એક સુવાવડ અને ઘરકામમાંથી ઉંચી નહોતી આવતી. બા ને એક નવું રમકડું મળ્યું ત્યારે બહેન કુમુદનો જન્મ થયો.  પિતાજી શિસ્તના બહુ આગ્રહી હતા. એકવાર મેજર શેષાદ્રી અમારે ઘરે જમવા આવવાના હતા તે દ્રશ્ય હું ભુલ્યો નથી. ઘરમાં સફાઈ થવા લાગી. કાબરી ગાયને મચ્છો ભરવાડ ધણમાં લઇ ગયો. મેજર શેષાદ્રી આવવાના હતા એ પહેલા પિતાજીએ બા સાથે રસોઈમાં શું બનાવવું એ વિષે ચર્ચા કરી. બા ને કડક સૂચનાઓ આપી. બા બિચારી ચિઠ્ઠીની ચાકર,  વળી અમારું કુટુંબ ચુસ્ત વૈષ્ણવ મરજાદી એટલે નોનવેજ શબ્દ પણ બોલવાની મનાઈ. બા તો રસોઈમાં વળગી ગઈ. એ બધી રસોઈ પિતાને ચાખવા માટે પિતળની થાળીમાં અલગ કાઢી અને પિતાજીને ચખાડવામાં આવી. બા એ પિતાજીના હાથમાં થાળી આપી. પિતાજીએ જોયું એમાં એકાદ બટેટાનું ફોડવું થોડું કાચું હતું અને એકાદ રોટલી થોડી કાચી રહી ગઈ હતી. એટલે પિતાજીનો મિજાજ એવો કે,  એમણે પિતળની થાળીનો ઘા સીધો ફળિયામાં કર્યો અને બુટ પછાડતા પછાડતા ચાલ્યા ગયા. ઓસરીમાંથી ફળિયામાં ફેંકાયેલી થાળીનો રણકાર હજી મારા કાનમાં સચવાયો છે,  પરંતુ બા એ બધું સાંભળી લીધું હતું એ પણ ભાવ મનમાંથી જતો નથી,  આ બધી વાતોથી હું ડરી ગયો હતો. પિતાજીએ મારી ઓળખાણ શેષાદ્રી સાહેબ સાથે કરાવી ત્યારે હું થોડો ડર્યો,  શેષાદ્રીએ મને સીધો જ તેડી લીધો. મારું નામ પૂછ્યું નામ તો મને યાદ હતું પણ જીભ તોતડાતી હતી એટલે બોલી ન શક્યો. પિતાજીએ કહ્યું,  અનિલ..  બોલવાની બાબતમાં મારું એવું હતું કે પેઢા બોલતા અને જીભ સાંભળતી. એક પછી એક વર્ષ પસાર થવા લાગ્યા. હું રોડાબોડા  ની જેમ મોટો થતો ગયો અને મારું જીવન આગળ ચાલતું ગયું.

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ દરબારગઢમાં ૮૪ જ્ઞાતિનો જમણવાર ગોઠવેલો. બધી જ જ્ઞાતિઓ એક ભાણે જમે એવી રાજાની ઈચ્છા હતી, રાજાએ એવું પણ ફરમાન કર્યું હતું કે બ્રાહ્મણોને એક રૂપિયાની દક્ષિણા અપાશે. પણ શરત એટલી કે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બતાવવી પડશે. આ ફરમાનથી અનિલ જોશીના ઘરમાં પ્રોબ્લેમ થઇ ગયો. ઘરમાં કાકા, મોટાબાપાના ભાઈઓની સાથે અનિલ ઉછરતા હતા. એમને કોઈને યજ્ઞોપવિત આપેલું ન હતું. પણ પરિવારમાં નક્કી કરવામાં આવ્યું કે બધા ભાઈઓને ભગવાનનું નામ લઈને જનોઈ પહેરાવી દેવી. એ રીતે અનિલને પણ ખોટી રીતે જનોઈ પહેરાવી દીધી. હજી તો તે નિશાળે ભણવા પણ નહોતો બેઠો. રાજાની ૮૪ જ્ઞાતિના જમણવારના ટોળામાં તે ભળી ગયો અને એક રૂપિયો દક્ષિણા લઈને પાછો આવ્યો. પણ હવે જનોઈનું શું કરવું ? એવો પ્રશ્ન અનિલના મનમાં ઉભો થયો. જનોઈધારી મોટેરાઓને તે સતત નીરખ્યા કરતો. અનિલ જોશીના શબ્દોમાં કહું તો,… બધા ખર્ચુ જતી વખતે કે પેશાબ કરવા જતા ત્યારે જનોઈ કાને ચડાવતા હતા. પણ મને એ ક્યારેય ફાવ્યું નહીં. થોડા દિવસ પછી મારી જનોઈ ખોવાઈ ગઈ. ઘરમાં કોઈએ પૂછ્યું નહીં કે તારી જનોઈ ક્યાં ? આ દ્રશ્ય પછી એકાદ બે વર્ષે અમને બધા ભાઈઓને મોટો પ્રસંગ કરીને યજ્ઞોપવિત ધારણ કરાવ્યું. અમારી જ્ઞાતિનો મોટો જમણવાર કરવામાં આવ્યો. જમણવારની આગલી સવારે ડેલી બંધ ફળિયામાં ચુલયું ખોદાઈ ગઈ. મગ બાફણાનો ઢગલો થયો. સાંજે મોહનથાળ બનાવવાનું રસોઈયા હરિભાઈએ શરૂ કર્યું. પાતર દુના આવી ગયા હતા. ઘરમાં વડીલોને માથે માથું નહોતું. આખી નાતનો જમણવાર બીજા દિવસે  હતો એના ઉચાટમાં વડીલો હતા. વાત વાતમાં સૌ ખિજાઈ જતા હતા. એવામાં હરિ રસોઈઓ આવીને ડુમભાણું એકસાથે મૂકી ગયો કે મોહનથાળ થઇ ગયો છે પણ જામતો નથી. ચોકીમાં ઠાલવ્યો છે. મોહનથાળ એકનો બે થતો નથી. ઘરના બધા  તરત દોડ્યા. બરફના કારખાનેથી બરફની પાટો મંગાવી. મોહનથાળની ચોકીને બરફની પાટો પર મુકવામાં આવી. કોઈ વળી હાથમાં પંખો રાખી મોહનથાળને હવા નાખવા લાગ્યું પણ મોહનથાળ એકનો બે ન  થયો. આખું ઘર મોહનથાળના ટેંશનમાં હતું  ત્યારે હું ઓસરીની થાંભલી પાસે બેસીને બરફના ટુકડા ચગળતો હતો. દાદાજીએ કહ્યું કે,  મોહનથાળ ભલે નથી જામ્યો પણ સ્વાદમાં બહુ સારો છે. કાલે કમંડળમાં ભરીને પિરસજો અને દુનામાં આપજો. એ દિવસે મેં મોહનથાળ ખાધો નહીં,  પણ દુનામાં લઈને મોહનથાળ પીધો.  કવિની વિશિષ્ટ શૈલી કે જેની અંદર લોકબોલીના કેટલાય શબ્દો જોવા મળે અને એના આજે અર્થ કરવા મુશ્કેલ બને. ‘મગ બાફણાનો ઢગલો’ અથવા તો ‘ડુમ ભાણું’ અથવા તો ‘ખર્ચુ’  ‘ચુલ્યુ’  આ બધા શબ્દપ્રયોગો આજના વાચકને તો અર્થ માંગે એવા બની રહ્યા છે પણ આપણને એક બહુ જ સાચી તળપદી અને ગામતળની બોલાતી ભાષાનો કવિ અહીં પરિચય કરાવે છે જાણે અજાણે,  કારણકે એ સમયે એ જ બોલાતું હતું અને એમની જરા પણ વિશેષ ભાષાવિત થવાને બદલે એમણે જે અનુભવ્યું તે જ એમણે મૂક્યું છે.

રતિકુમાર વ્યાસ એ અનિલના માસા, તેઓ મોટા ગાયક. માસીનું ઘર દેવજી સરૈયાની પોળ સાંકડી  શેરીમાં. અનિલના બા એને એકવાર માસીને ત્યાં લઇ ગયા. બે બહેનો ઘણા વખતે મળી અને ખાંટે ઝુલવા લાગી. અનિલ એક ખૂણામાં ઉભો રહીને નવું ઘર જોતો હતો. ઉપર મેડી  હતી. લાકડાનો દાદરો હતો એ પછી માસી અનિલને ઉપર લઇ ગયા તો જોયું કે,  ત્યાં એક હુક્કો પડ્યો હતો. માસી બોલ્યા કાગબાપુ આવ્યા છે. કાગબાપુ એટલે લોકકવિ દુલાભાયા કાગ. રતિકુમાર કાયમ એમના યજમાન હોય. કાગબાપુ અમદાવાદ આવે ત્યારે માસાને ત્યાં જ ઉતરે. માસી અનિલને પહેલી વાર કાગબાપુ પાસે લઇ ગયા અને ઓળખાણ કરાવી ત્યારે તેઓ હુક્કો પીતા ગાદી તકિયે બેઠા હતા. કાગબાપુએ અનિલ માથે હાથ ફેરવ્યો પણ અનિલની નજર તો પેલા ગુડગુડ કરતા હુક્કા ઉપર હતી. એ હુક્કાથી અનિલને ઘણું વિસ્મય જન્મ્યું. થોડીવાર તો પીવાનું પણ મન થયું. હુક્કાનો દેતવા ફૂંકે ફૂંકે ઝગમગતો હતો એ જોવાની એને બહુ મજા પડી. માસા રતિકુમાર વ્યાસને ઘરે બાલાભાઈ દેસાઈ અચૂક આવતા. બાલાભાઈ દેસાઈ એટલે જયભિખ્ખુ. એ વખતે જયભિખ્ખુના નામથી એમના લેખો છાપામાં છપાતા. માસીને ઘેર અનિલ તોતડાતી જીભ હોવાથી બહુ બોલતો નહીં. બધું બા સંભાળી લેતી. પણ બાલાભાઈ આવતા ત્યારે ત્યારે તેઓ અનિલ સાથે વાતો કરવા ખુબ પ્રયત્નો કરતા. પણ અનિલના મોઢામાં મગ ભર્યા હોય એમ એ ચૂપ બેસી રહેતો. અનિલને બરાબર યાદ છે કે, બાલાભાઈએ એ મારી બાને પાસે બોલાવીને કહ્યું કે,  આ છોકરાને બોલતો કરવા માટે અક્કલ કરો વાટીને ખવડાવજે અને બહાર મેદાનમાં જઈને એની પાસે જોરથી બૂમો પડાવજે. તે બોલતો થઇ જશે. બાલાભાઈ અનિલ પાસે ખુબ સારી સારી વાતો કરતા કેટલીક ચોપડીઓ પણ વાંચવા આપતા. જો કે,  અનિલને વાંચતા નહોતું આવડતું,  કારણકે એ હજુ નિશાળે ભણવા બેઠો નહોતો. પણ બાલભાઈનો નેચર અનિલને બહુ સારો લાગ્યો હતો. એ આવતા ત્યારે અનિલ મનોમન રાજી થઇ જતો. માસીને ઘેર બધા ખાવાના બહુ શોખીન એ વખતે ચંદ્રવિલાસની દાળ માસીને ઘેર અચૂક આવે. માસા રતિકુમાર વ્યાસની કાયા પડછંદ  લાંબા વાળ રાખતા અને બીડીઓ પીધા કરતા. માસીને ઘરે અનિલે પહેલી વાર હૂકો અને બીડી એકસાથે જોયા. એને એમાં બહુ રસ પડ્યો,  કારણ એક જ હતું કે,  બીડી તેના જેટલી જ મૂંગી હતી અને હુક્કો બોલતો હતો. માસાનો કંઠ બુલંદ હતો. કાગબાપુના ગીતો ગાય ત્યારે હીબકા ભરતા હોય એવું લાગે. એમાંય વળી કાગપબાપુનું “વગડો  કહે છે વનરાઈ સળગી,  મેલી દિયો ને જુના માળા,  ઉડી જાવ પંખી પાંખોવાળા..હે જી જી રે..”  એ ગાતા ત્યારે તો માસા ખોવાઈ જતા. માસાનો મિજાજ બિલકુલ કાઠિયાવાડી તળપદો. ભાષા પણ બાખડબોલી પણ રોટલે બહુ પહોળા. કોઈ ઘરે આવે તો તરત પૂછે:  “રોટલા હાર્યે  ખાશું.”  આવનાર જો ના પડે તો માસા દેશી ભાષામાં તરત ચોપડાવી દે,  હવે વાયડીનો થામાં જોહટવા બેહી જા…દકાળમાં પેદો થ્યો  છો ? (ક્રમશઃ)