કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવા માટેનું હોય તો તે યજ્ઞરૂપ હોય છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(33)
તુકારામજી કહે છે કે, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારનારો, નાથને ત્યાં પાણીની કાવડ ભરી આપનારો, દામાજીને ખાતર અંત્યજ બનવાવાળો, મહારાષ્ટ્રને પ્રિય જનાબાઈને દળવા ખાંડવામાં હાથ દેનારો એવો એ ભગવાન સજન કસાઈને પણ એટલા જ પ્રેમથી મદદ કરતો જોવા મળે છે. ટૂંકમાં કૃત્યોનો સબંધ ઈશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવાનું હોય તો તે યજ્ઞરૂપ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નવમા અધ્યાયમાં આ જ વાત ખાસ છે. આ અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે કર્મ કરી તેના ફળનો ત્યાગ કરવો એ.. કર્મ એવી ખૂબીથી કરવાનું કે ફળની વાસના જ ન વળગે. અખરોટનું ઝાડ રોપવા જેવી આ વાત છે. અખરોટના ઝાડને ૨૫ વર્ષ પછી ફળ આવે. રોપનારને ફળ ચાખવાના ન હોય તો પણ ઝાડ રોપવું અને તેને પ્રેમથી ઉછેરવું. કર્મયોગ એટલે ઝાડ રોપવું અને તેના ફળની અપેક્ષા ન રાખવી તે... તો ભક્તિયોગ એટલે શું ? ભાવથી ઈશ્વર સાથે જોડાવું એનું નામ ભક્તિયોગ. રાજયોગમાં કર્મયોગ અને ભક્તિયોગ બંને એકસાથે ભળી જાય છે. રાજયોગની અનેક લોકોએ અનેક વ્યાખ્યા આપી પણ રાજયોગ એટલે ટૂંકમાં કર્મયોગ + ભક્તિયોગનું મધુર મિશ્રણ એવી વ્યાખ્યા વિનોબાજી આપે છે અને તેની સાથે સંમત થયા વગર આપણે રહી શકતા નથી.
એવું માનવાને કારણ નથી કે શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણએ જે કઈ કહ્યું તે અર્જુને સમજ્યા વગર સ્વીકારી લીધું છે. અહીં ભક્ત અને ભગવાનનો સબંધ તો છે જ પણ હકીકતમાં કૃષ્ણ અને અર્જુન સખા છે. અને આ સખ્યભાવમાં એ સંશય ઉભો કરીને પ્રશ્ન પૂછી શકે છે કે આવું કેમ છે. નવમા અધ્યાયમાં આવો ઉલ્લેખ આપણને સ્પષ્ટ જોવા મળે છે. જયારે શ્રીકૃષ્ણ ભગવાન એમ કહે છે કે, હે પાર્થ હું આત્મસ્વરૂપ છું અને મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ આખું જગત વિસ્તરેલું છે. પરંતુ મારામાં સર્વભૂતો છે પરંતુ તેઓમાં હું નથી. આ વાત સાંભળીને અર્જુનને પ્રશ્ન થયો છે અને પ્રશ્નનો જવાબ પણ ભગવાન શ્રીકૃષ્ણએ બરાબર આપ્યો. એક સુર્વણનું ઉદાહરણ પ્રચલિત છે. જેમ પૃથ્વી વગેરે તમામ વસ્તુઓ આકાશમાં રહેલી છે, પરંતુ આકાશ તેમાં નથી. જેમ તપાવેલા લાલ લોખંડની અંદર અગ્નિ હોય છે, પણ તે અગ્નિમાં લોખંડનો અંશ હોતો નથી. આ બેય વાતોનો આપણને અનુભવ છે. દાગીનામાંથી તમે સુવર્ણનો અંશ કાઢી લો તો પાછળ શું રહે ? બસ એ જ ન્યાયથી દાગીનાઓમાં સુર્વણનો અંશ છે પણ સુવર્ણમાં દાગીના નથી, એ જેમ સમજી શકાય છે તેમ મારામાં સર્વભૂતો છે છતાં હું તેનામાં નથી એવા બે વિરોધી વિધાનો ભગવાન કરે છે અને તેને સમજાવવાનો ઈશારો અર્જુન બહુ સ્પષ્ટ રીતે ઈશ્વરને કરે છે.
કોઈ એક અંધ વ્યક્તિએ સાંભળ્યું કે આ ઝાડમાં ભૂત છે અને તે ઘણું ખરાબ છે, બધાને ખાઈ જાય છે. હવે આ વાત તેમણે બીજાને કહી, બીજાએ ત્રીજાને કહી અને થોડા સમયમાં તો બધા જ અંધ લોકોના કાને વાત પહોંચી ગઈ. પરિણામે તેઓ ભયભીત થઇ ગયા. આક્રોશ કરવા લાગ્યા. આ આક્રોશ સાંભળીને એક બુદ્ધિશાળીએ તેને સાંત્વન આપ્યું, ભાઈ, આમાં ભૂત રહે છે તે તમારામાંથી કોઈએ જોયું છે ? આસપાસમાં એકબીજા બધાને પૂછવા મંડયા અને કહેવા લાગ્યા કે મને તો આમણે કહ્યું, બીજાએ કહ્યું મને તો આ ત્રીજાએ કહ્યું એમ કરતા કરતા જેણે સૌ પહેલા વાત કરી હતી એનો વારો આવ્યો. તેણે કહ્યું, મેં જોયું તો નથી કારણ કે મારે તો આંખ જ નથી. પણ હું સંધ્યાકાળે રોજ આ ઝાડ નીચે વિશ્રાંતિ માટે બેઠો હોઉં તે વખતે કેટલાક છોકરાઓ ‘ જલ્દી નાસો નહીં તો આ ઝાડ નીચે ભૂત બેઠું છે એ બધાને પકડીને ખાઈ જશે’ એમ કહીને દોડવા લાગ્યા. હવે તેમનું સાંભળીને હું પણ હાંફતા હાંફતા પાછળ પાછળ દોડવા લાગ્યો. પેલા છોકરાઓને એમ લાગ્યું કે ઝાડ નીચે બેઠેલું ભૂત ઉઠ્યું અને આપણી પાછળ દોડી રહ્યું છે. એ લોકો પથરા મારવા મંડયા એટલે હું તો મહામુસીબતે મારી પાછળ પડેલા કહેવાતા ભૂતના પંજામાંથી છટકીને અહીંયા પહોંચી ગયો. અહીં આવીને આ વાત બધાને કહી. આ વાત સાંભળીને અંધ પરંપરા ન્યાય શરૂ થયો. હકીકતમાં ત્યાં ભૂત વગેરે કઈ હતું જ નહીં. પરંતુ છોકરાઓ પેલા ઝાડ નીચે બેઠેલા અંધ વ્યક્તિને જ ભૂત સમજ્યા અને પેલો માણસ બીજું કોઈ ભૂત બેઠું હશે એમ માનીને દોડવા લાગ્યો. વાસ્તવિક રીતે જુઓ તો કોઈએ ભૂત જોયું જ નહોતું, એટલે ભૂતની વાત સાવ ખોટી હતી એવું જયારે નક્કી થયું ત્યારે સૌનો સંશય દૂર થયો.
‘સર્વ જગત શુદ્ધ, હું ના અશુદ્ધ, હું રૂપ સ્ફુરણના આધારે મારી અવ્યક્ત પ્રકૃતિ વડે વ્યાપેલું છે,’ એમ જયારે ભગવાન કહે છે ત્યારે તેમાં આ વાત સમાયેલી છે. હું એટલે શરીરધારી કૃષ્ણ નહીં, પરંતુ અનિર્વચનીય એવો તે સ્વરૂપ છે એમ જાણવાનું છે. વેદ આને જ તત્ત્વમસિ કહે છે. ‘તું તે છે’ એમ કહે છે. અહમ બ્રહ્માસ્મિ નો ઉદ્દેશ પણ આ ‘ હું બ્રહ્મ છું’ એમ કહેવાનો છે. અયમાત્મા બ્ર્હ્મમ એ ‘ આત્મા જ બ્રહ્મ છે’, પ્રજ્ઞાનમ બ્રહ્મ ‘જ્ઞાન એ જ બ્રહ્મ છે’ એટલે જે જ્ઞાન સ્વતઃ સિદ્ધ છે માટે જ્ઞાન એટલે જ આત્મા કે બ્રહ્મ છે. આ બધા મહા વાક્યો છે જે આ વાતને સમજાવે છે કે વ્યક્ત સ્વરૂપ અને અવ્યક્ત સ્વરુપ એ કેવળ શ્રી ભગવાનનું છે.
