

“અમે વિચાર્યું કે આપણી માતૃભાષાથી વધુ સારી ભેટ આપણાં સંતાનને બીજી કઈ હોય શકે ?” પેરિસમાં વસેલ એક દંપતી !!
પાંચેક વર્ષ પહેલાં પેરિસમાં શ્રી રામકથા નિમિત્તે નિરાંતે રોકાવાનું થયું ત્યારે અનુભવ્યું કે, અહીં કોઈ અંગ્રેજી બોલવા કે સાંભળવા માંગતા જ નથી. તમને યુરોપિયન લોકો કટ્ટર માતૃભાષાપ્રેમીઓ જ ભાસે. ફ્રેંચ એટલે ફ્રેંચ જ, એના સિવાય બીજું કંઈ જ નહીં, ફ્રાંસમાં ! આપણા બારડોલીમાં ઉછરીને અહીં આવી વસેલ મહેન્દ્ર અને ધર્મિષ્ઠા ચૌધરી પાક્કા ગુજરાતી છે ને સાચા ઈન્ડીયન છે. ૨૦૦૨ માં લગ્ન પછી મહેન્દ્ર ફ્રાંસ આવી વસ્યા તો પહેલાં બે વર્ષ તો તેમને ક્યાંય જોબ કે વર્ક ન મળ્યું, કારણ શું જાણો છો ? મહેન્દ્રને અંગ્રેજી આવડતું હતું, પણ ફ્રેંચ આવડતું ન હતું. એમણે બે વર્ષ ફ્રેંચ બોલતાં – લખતાં – વાંચતાં શીખવું પડયું પછી તેનું કંઈક થાળે પડયું ! જો કે, ખુબ જ ઉત્સાહી મહેન્દ્ર કહે છે કે, હજુ મને સડસડાટ ફ્રેંચ બોલતાં નથી ફાવતું એટલે મારો એટલો સ્વીકાર નથી થયો. આપણી ફ્રેંચ બોલી પરથી અહીંના યુરોપિયન તમારી સાથે કેમ વ્યવહાર કરવો તે નક્કી કરે છે ! તમને સ્વીકારે જ નહીં અને પોતાની સાથે વ્યવહારને લાયક ગણે જ નહીં ને !
પેરિસમાં ઈન્ડીયન ગુજરાતી કલચરલ એસોસિએશનના પાયાના કાર્યકર એવા મહેન્દ્ર ચૌધરીએ પોતીકા ગણીને આ વ્યથા વહેંચી ત્યારે સમજાયું કે, આ ભારતીય ગુજરાતીઓ પોતાનું એક સંવાદ કેન્દ્ર અહીં કેમ બનાવવા ઈચ્છે છે ? એમને લોકો દિલથી સ્વીકારતા નથી ને તેથી તેઓએ ક્યાંક પોતાનાઓને હળવું છે, મળવું છે, દિલ ખોલી અભિવ્યક્ત થવું છે ને પોતાનો ખાલીપો વહેંચો છે. વારે તહેવારે પ્રસંગે મળતા રહે તો પોતીકું લાગે ને !
એક યુવાન ટુર ઓર્ગેનાઈઝર સ્વિત્ઝર્લેન્ડથી અહીં આવેલા. પૂજ્યશ્રી મોરારિબાપુના પ્રેમી એટલે કથામાં સેવા આપવા અહીં રોકાયા ને પોતાની ગાડીમાં મહેમાનોને લાવવા લઈ જવાની સહજ ફરજ બજાવતા હતાં. એમણે પણ એ જ વાત દોહરાવી. હા, એ હવે ફ્લુઅન્ટ ફ્રેંચ બોલે છે ને વાને પણ ગોરા લાગે છે. પણ એણે જે વાત કરી તે પ્રત્યેક ગુજરાતીએ ગાંઠે બાંધવા જેવી છે. સ્પષ્ટ ને મીઠું ગુજરાતી બોલતાં એમણે કહ્યું કે : અમને જયારે બાળક થવાનું છે એવા રિપોર્ટ મળ્યાં ત્યારે મારો જન્મદિન હતો. અમે માન્યું કે ઈશ્વરે અમને મારા જન્મદિનની ભેટ આપી તો આપણે ઈશ્વરને કશુંક વચન દેવું જોઈએ. અમે વિચાર્યું કે આપણી માતૃભાષાથી વધુ સારી ભેટ આપણાં સંતાનને બીજી કઈ હોય શકે ? પણ અમે દંપતીએ નક્કી કર્યું કે આપણે સાચી ને શુદ્ધ ગુજરાતી ભાષા ઘરમાં ને આપણાં વ્યવહારમાં બોલીશું તો જ આપણું બાળક માતૃભાષા ઉત્તમ જાળવશે – શીખશે. એટલે અમે શુદ્ધ ઉચ્ચારથી ગુજરાતી બોલીએ છીએ ને વ્યવસાય તથા જ્યાં ખુબ જરૂર પડે ત્યાં જ ફ્રેંચ કે અંગ્રેજી કે જર્મન ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ બધું જાણીને મને થયું કે વાત ખુબ પ્રશંસનીય છે, જો ફ્રાંસના લોકો પોતાની માતૃભાષા માટે અતિઆગ્રહી હોય તો પછી આપણે શા માટે અંગ્રેજી માટે ઘેલા થયા છીએ ? એ મિત્ર કલ્પિત ઝાલાને અમે શબ્દવર્ષાથી અભિનંદન આપ્યા. મનમાં થયું કે મારા ગુજરાતમાં ભલે બધાં અંગ્રેજીનાં રવાડે ચડ્યા હોય પણ અહીં ફ્રાંસમાં એક ગુજરાતીપ્રેમી નીકળ્યો ખરો ! ગુજરાતનો કલ્પિત સ્ટુડન્ટ વિઝા પર અહીં આવી બિઝનેશ માટે રોકાય ગયેલ છે.
માતૃભાષાનો આગ્રહ છેક કટ્ટરતા સુધી પહોંચે તેવી વાત પણ જાણી. જર્મની અને ફ્રાંસના વડાઓ અંગ્રેજી + ફ્રેંચ + જર્મન ભાષા જાણે છે. બંનેને ત્રણેય ભાષા ફ્લુઅન્ટ આવડતી હોવા છતાં તેઓ જયારે મળે ને વાતચીત કે વાટાઘાટ કરે ત્યારે ફ્રાંસના વડા ફ્રેંચમાં જ બોલે ને જમર્નીના વડા જર્મનમાં જ બોલે !! માતૃભાષા સિવાય કશું નહીં એટલે નહીં જ. બંને નેતાઓ યાદ રાખે કે, પોતાને આવડતી બીજી કોઈ ભાષા ન બોલાય જાય અને પોતાની માતૃભાષા જ બોલવામાં જીભે રહે ! ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ખાલી ખાલી પાટલીઓની દશામાં છે ત્યારે અહીં કહેવાતા ગોરાઓનાં દેશમાં માતૃભાષાના ઘોડાપુર છે. હા, રામકથાનાં આયોજકો સુરતી કે મહેસાણી કે કાઠિયાવાડી લ્હેકામાં સતત ગુજરાતી જ બોલતા હતા. અમેરિકી ગુજરાતીઓની જેમ વારંવાર અંગ્રેજી છંટાતું ન હતું, તે પણ રાજીપા સાથે નોંધ્યું. આપણાં મલકના માનવી માતૃભાષા બોલે તો કેવા માયાળુ લાગે. !
