અસ્મિતા વિશેષ સંવાદ : 25
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ગાંધીને જેમણે જોયા નથી પણ જેમણે ગાંધી કાર્ય અને તેમાં પણ ગાંધી લેખન સાથે સીધો જીવન સંપર્ક બાંધ્યો છે. વિનોબાજીની બહુ નજદીક રહીને અમૃતભાઈએ કાર્ય કર્યું છું. વિનોબાજીની રોજિંદી કાર્યવાહીની નોંધ કરતા રહેવાનું કાર્ય એમણે કર્યું છે. એવા સાબરમતી આશ્રમના નિવાસી શ્રી અમૃત મોદી સાથે ધીર ગંભીર સંવાદ થયો. દાંત વગરનું મોઢું પણ વાત સ્પષ્ટ અને ક્રમબદ્ધ. ચાલીસ વર્ષોથી કેવળ ગાંધી-શબ્દ-દેહ સાથે વિતાવનાર અમૃત મોદી બહુ નિખાલસતથી વાતો માંડે છે. થોડી વાતોનો આસ્વાદ માણીએ :
“1947 ની 15મી ઓગસ્ટે અમે આખી રાત જાગેલા અને અનેક જાતના મશાલ સરઘસ અને સ્લોગનોથી માહોલ જામ્યો. એક નાટક કર્યું ૩ કલાકનું… મારે કહેવું જોઈએ કે એટલા નાના ગામમાં એક જયંતીભાઈ રાવલ હતા, એમણે ‘આઝાદીની લડતનો ઇતિહાસ’ જેવું નાટક લખેલું અને અમે ગામના યુવાનોએ એ ભજવેલું. ત્રણ કલાક સુધીનું નાટક લખી શકે એવું કોઈ નાના ગામડામાં હોઈ શકે એ બતાવે છે કે ગામ નાનું હતું પણ ત્યાંનું વાતાવરણ સ્વતંત્રતાના રંગે રંગાયેલું તેજસ્વી હતું એટલે કોઈ માણસને આવું ત્રણ કલાકનું સુંદર નાટક લખવાનું સૂઝી શકે. અને નાટ્યલેખક ન હોય તો એ અંદરના ઉમળકાથી લખાય, એવું અહીં બનેલું. બધી જાતની રાષ્ટ્રીય પ્રવૃત્તિ જે દેશમાં ચાલતી એનો પડઘો અમારા ગામમાં પડે અને લોકો એને પ્રતિસાદ આપે. સમાચાર પણ રસપૂર્વક બધા વાંચે એટલે છાપા આવે અને છાપા જાહેરમાં મુકાય. આવા ગામ સાથે સબંધ પણ બહુ સારો જ બધાય ને ?
એ ૧૪ મી અને ૧૫ મી ઓગસ્ટ મારા ગામમાં ભારે ઉત્સાહ હતો. લોકોનો બહુ, ઉમંગ પણ કારણ કે ૧૯૪૨ થી દર વર્ષે ગાંધી જયંતિએ ઉજવણી થાય અને ગાંધીજીની ઝૂંપડી બનાવવામાં આવે, બીજા પણ અનેક નાના મોટા કાર્યક્રમો જેવા કે ખાદી, કાંતણ અને જાત જાતની હરીફાઈઓ જેવી કે વકતૃત્વ અને કવિતાઓ પઠન એથી વાતાવરણ જામતું. બીજું કે આગેવાનો પણ દ્રષ્ટિવાન હતા. એટલે અનેક પ્રકારની પ્રવૃતિઓ થતી. મને સૌથી વધારે લાગ્યું કે એ ગામમાં સ્વતંત્રતા માટેની ભૂખ, સ્વતંત્રતા માટેની તલપ હતી. હવે નાના ગામમાં, અંતરિયાળ ગામમાં આ એક વિશેષતા હતી.
એ દરમિયાનમાં ગુજરાતમાં ભૂમિદાનની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. એનું કામ બહુ ચાલતું હતું. અનેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી પણ કોઈ સંગઠન નહોતું. સંગઠન બહુ જ સ્વાભાવિક રીતે હતું એટલે કે નોન ફોર્મલ હતું. નારાયણની દેસાઈની પ્રેરણાથી સાબરમતી આશ્રમમાં દર મહિનાની ૭ મી તારીખે એક સભા થાય એ સભાના કોઈ સંયોજક નહીં, કોઈ મંત્રી નહીં, કોઈ આવાહક નહીં, બધાને જાહેર કરી દીધેલું કે ૭ મી તારીખે સવારે ૧૦ વાગે સભા શરૂ થશે ને સાંજે ૫ સુધી ચાલશે, એમાં જેને રસ હોય તે આવે. એટલે સીધા પ્રવૃત્તિ સાથે જોડાયેલા માણસો આવી જતા હતા. અને કોઈ પણ પ્રકારના સંગઠન વિના સભા યોજાતી. એનું નામ પણ ૭ મી તારીખ ને લીધે ‘સપ્તમી સભા’ રાખેલું. બધી જ વ્યવસ્થા સાબરમતી આશ્રમમાં બપોરની જમવા વગેરેની થઈ જાય. અને એ સભાઓ ચાલતી હતી એની મારફત બધું કામ ચાલતું હતું. પણ પછી દાન, પૈસા મળવા મંડયા એટલે એની વ્યવસ્થા માટે સંગઠનની જરૂર પડી. તો ૧૯૫૯ માં અમે ‘ગુજરાત સર્વોદય મંડળ’નું સંગઠન કરી અને રજીસ્ટર કરાવ્યું. આ પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે હું મહેસાણા જિલ્લાનું પણ કામ કરતો, ધીરે ધીરે આ પ્રવૃત્તિમાં પણ જોડાતો રહ્યો. એટલે એ સંઘઠનનો આરંભ કરવાની અને તેનું કાર્યાલય સંભાળવાની જવાબદારી મને સોંપવામાં આવી. મેં સાબરમતી આશ્રમમાં એની શરૂઆત કરી. દરમિયાન અમને એક પ્રેસ પણ શરૂ કરવું હતું અને ભૂમિપુત્ર તો એના પહેલા ૧૯૫૧ થી કે ૧૯૫૫ થી શરૂ કરી દીધું હતું. એટલે એની પણ કાયમી વ્યવસ્થા માટે મકાનની જરૂર હતી. આ સર્વોદય મંડળની રચના કરી એટલે એને માટે પણ મકાનની અને જમીનની જરૂર હતી. તો મકાન અમને વડોદરામાં એક જગ્યાએ ભાડેથી મળી ગયું અને એક તૈયાર પ્રેસ મળ્યું. એનું કામ બધું ખાસ કરીને પ્રમોદ ચોક્સી સંભાળતા. પ્રમોદ ચોક્સી પણ વડોદરાના અને એમની અનુકૂળતા માટે આ કાર્યાલય અમે વડોદરા રાખ્યું અને ત્યાં વિનોબાજી વડોદરામાં રહેલા પણ ખરા, એ પણ લાગણી એટલે ગુજરાત સર્વોદય મંડળનું બધું અને ભૂમિપુત્રનું બધું કામ વડોદરાથી શરૂ કર્યું. ૧૯૭૪ સુધી હું વડોદરા રહ્યો અને આ બધા કામમાં હું સક્રિય એટલે ગુજરાત સર્વોદય મંડળનું કાર્યાલય એના પછી સેક્રેટરી તરીકે અને પછી ભૂમિપુત્રના પ્રિન્ટર તરીકે યજ્ઞ પ્રકાશનના મુદ્રક… એવી બધી પ્રવૃત્તિમાં મારું નામ રહ્યું અને એ કામ કરતો રહ્યો.
ભૂદાનનું કામ બધું યજ્ઞ ભાવનાથી જ થતું હતું. એટલે અમે એના પ્રકાશનનું નામ ‘યજ્ઞ પ્રકાશન’ રાખ્યું છે. અને એ બધું કામ સારા પ્રમાણમાં ચાલ્યું. અને ધીરે ધીરે વધતું પણ ગયું. આ પ્રવૃત્તિ સતત ચાલી. એમાં અખિલ ભારતીય કક્ષાના અમારા કાર્યક્રમો પણ થાય અને જયપ્રકાશ પારાયણ તેમજ વિનોબાની ભૂદાનની પદયાત્રા પણ આવી ગઈ તો એના કામો અને પછી દાદા ધર્માધિકારી, ધીરેન્દ્ર મજમુદાર અને બીજા અખિલ ભારતીય કક્ષાના બધા આગેવાનોના પ્રવાસો ગોઠવાય અને પ્રવૃતિઓ સતત ચાલે અને એના સંયોજનના કામમાં સક્રિય થવાનું રહ્યું એટલે એ પ્રકાશનનું કામ અને સંગઠનના કામમાં સમય ગયો. જીવનનો એ પણ એક આનંદનો ભાગ છે, એટલે ૬૦ થી ૭૪ સુધીનો..
આ એ વખતે વિનોબા સાથે અમારે દર વર્ષે બે પ્રકારના સંમેલનો થાય. એક કાર્યકર્તાનું સંમેલન થાય એને ‘સર્વસેવાસંઘની સભા’ કહે અને એક લોકોનું સંમેલન થાય એને ‘સર્વોદય સંમલેન’. બીજી નાની નાની સભાઓ થાય, જુદા જુદા કામો માટે. લગભગ એ વખતે બધે એવો જ રિવાજ હતો કે વિનોબાની પદયાત્રા જ્યાં હોય ત્યાં આવી સભાઓ ગોઠવવી, જેથી એમનું માર્ગદર્શન મળી શકે. એટલે આ રીતે અનેક પ્રસંગોમાં મારે વિનોબાજીને મળવાનું થયું અને દર્શન પણ થયાં. પછી ૧૯૭૦ માં વિનોબાના પ્રવચનોની નોંધ લેનારા માણસોમાં ત્રણ ચાર જણા થયા અને એમાં મારો પણ સમાવેશ થયો અને વિનોબાની યાત્રામાં સાથે રહેવાનું અને એના પ્રવચનો જે થાય અને એમની સાથે લોકોની વાટાઘાટો કે વાતચીતો ચાલે એ બધું પણ નોંધવાનું કામ મને મળ્યું. એટલે વિનોબાજી ના નજીકના સંપર્કમાં આવવાનું થયું. જીવનના આ વર્ષો ખુબ સુખદ લાગે છે.
એટલૅ કે ચાલીશ વર્ષની ઉંમરે વિનોબાજી સાથે પદયાત્રાનો પણ લાભ મળ્યો અને નારાયણભાઈ કે જયપ્રકાશજી કે રવિશંકર મહારાજ સાથે પણ પદયાત્રા થઈ. ( આવી વિભૂતિઓ સાથે ૪૦ વર્ષ સુધીમાં પરિચય થવો, એમના કામના સહભાગી બનવું અને વિનોબાજીની નોંધો કરવી !! એટલે જીવનનો પહેલો અર્ધ ભાગ તો સુંદર અને સમૃદ્ધ કામ થયું એટલે પછીનો જીવન-ભાગ તો એમના કામમાં જ વીત્યો હોય, બીજું કઈ વિચારી જ ન શકાય. !!)
એ દરમિયાન મારા માતા પિતા તો હયાત હતા. પણ એ બધા પોતાના ગામમાં રહેતા અને પત્ની પણ મારી પદયાત્રા અને એ બધામાં સાથે સાથે રહે. સાઠથી ચુમોત્તેર વચ્ચેના ગાળામાં મારે દીકરા અને દીકરીનો જન્મ થયો એટલે કુટુંબની જવાબદારી ઉભી થઈ ગઈ અને એને કારણે મારે કોઈ એક જગ્યાએ સ્થિર કામ કરવું જોઈએ એવી જરૂરિયાત ઉભી થઈ. પછી હું સાબરમતી આશ્રમમાં પાછો આવ્યો. એ વખતે પણ સાબરમતી આશ્રમ સાથે પરીક્ષિતભાઈ મજમુદાર અને મામા સાહેબ ફડકે હતા એમની સાથેનો સંપર્ક સતત હતો. અને આવી પરિસ્થિત ઉભી થઈ એટલે મને સાબરમતી આશ્રમમાં સ્થાન મળી ગયું. એટલે ૧૯૭૪ થી આજ સુધી હું સાબરમતી આશ્રમ નિવાસ કરું છું અને ગાંધીના શબ્દદેહને પ્રકાશિત કરવાનું કાર્ય કરું છું.”
