અસ્મિતા વિશેષ સંવાદ : 12
વિશ્વભરમાં જૈન સાહિત્યની પગદંડીએ યાત્રાઓ કરનાર પ્રાધ્યાપક ગુજરાતી સાહિત્ય માટે પોતાની નિવૃત્તિને જ નિજાનંદી પ્રવૃત્તિ બનાવે ત્યારે જે વ્યક્તિત્વ મળે તેને શ્રી કુમારપાળ દેસાઈ કહે છે. એ સાહિત્યના, અધ્યાત્મના, જીવન-દિવ્યતાના, સ્પોર્ટ્સ ફિલ્ડના, કટાર લેખન જગતના અને સૌથી વધુ તો જીવનને ભરપૂર જીવનાર જીવનના માલિક છે. કયું ક્ષેત્ર એવું છે કે તેને કુમારપાળભાઈ સ્પર્શ્યા નથી એ જ પ્રશ્ન છે. અને તેમના ગુરુસખા સમાન શ્રી ધીરુભાઈ ઠાકરની નિશ્રામાં રહીને તેઓએ ગુજરાતી સાહિત્યની એકમેવ ગૌરવ-સંસ્થા નું વિશ્વકોશનું નિર્માણ કર્યું અને ધીરુભાઈની વિદાય પછી સુચારુ સંચાલન પણ કરી રહ્યા છે. બિલકુલ મૃદુભાષી કુમારપાળભાઈ સાથે અસ્મિતા વિશેષ સંવાદ થોડી ગડમથલ પછી શક્ય બન્યો, કારણ તેઓનો પ્રશ્ન હતો કે, આ શ્રેણીનું નિર્માણ જો વિશ્વકોશ જ કરતું હોય તો તેમાં હું શા માટે ? પણ તેઓને સમજાવી શકાયા કે અમે તો કુમારપાળભાઈ ના બહુવિધ પ્રદાનની ગાથાને કચકડે મઢવા માંગીએ છીએ. બહુ સરળ અને સહજ પ્રકૃતિના કુમારપાળભાઈ સાથેનો સંવાદ એકદમ ઝરણાની જેમવહ્યો તેનો સંવાદકર્તા તરીકે મને આનંદ છે. આવો, તેમની જ પાસેથી તેમના જીવનની માર્મિક વાતો જાણીએ::
‘મારા પિતાશ્રીનું એકાએક અવસાન થયું અને મારા પિતાશ્રી એમના મિત્રોને કહેતા. એમના મિત્રોમાં એક ગોવિંદપ્રસાદ વૈદ્ય હતા, તે એમને કહેતા કે તમે વૈદ્યરાજ સવારમાં વાંચશો કે મારો મિત્ર ચાલ્યો ગયો, એકાએક જતો રહ્યો. અને વૈદ્યરાજ અમારે ત્યાં આવે. પિતાશ્રીને પુષ્કળ ડાયાબિટીસ છતાં ડબલ ખાંડવાળી ચા લે. વૈદ્યરાજ મારે ત્યાં આવે એટલે મારા મધરને કહે કે વૈદ્યરાજની મોળી ચા અને મારી ડબલ ખાંડવાળી ચા મોકલો. એકવાર પુનિત મહારાજ અમારે ત્યાં આવેલા. પુનિત મહારાજ બહુ ગંભીર અને બહુ ચિંતાગ્રસ્ત હતા. પછી પુનિત મહારાજને કહ્યું કે શું થયું છે તમને ?? તો એ કહે મને ડાયાબિટીસ થયેલ છે. એટલે મારા ફાધરે કીધું, ચાલો પેંડા ખાઈએ આપણે. પેલો ડાયાબિટીસનો ભય છે એ કોઈ દિવસ એમને અડે નહીં. એમના પોતાના જીવનમાં એમને કિડની, ડાયાબિટીસ, આંખે ઓછું દેખાય પણ એમની ખુમારી અદભુત. એ એવી ખુમારી હતી કે જે કદાચ હું આપને વર્ણવી ન શકું. કોઈ પણ માણસ હોય કે કોઈ બહુ મોટા શ્રેષ્ઠી હોય, કસ્તુરભાઈ લાલભાઈ હોય તો એમને પણ પોતાને જે લાગે તે કહી શકતા. કોઈને કોઇ રીતે પાછા પાડવાની વાત જ નહીં.
એમના જીવન વિષે તો મેં એક પુસ્તક પણ લખ્યું છે. એના ઉપરથી અમે એક નાટક પણ તૈયાર કર્યું, એ ઘણી જગ્યાએ રજૂ થયું છે. ઘણા પ્રસંગો છે પણ પિતાશ્રીનું એકાએક અવસાન થયું પછી હું બહુ ડિસ્ટર્બ રહેતો, હું સાંજે જમી ન શકું કારણ કે અમે સાથે જમતા તો મારા કાકા આવે, મારી સાથે બેસે, અમે જમીએ. પછી એક દિવસ મારી માતાએ મને કહ્યું, બેટા તું સિંહનું સંતાન છે. કેમ આવી રીતે રહે છે ? તું જો… કેટલી મોટી વાત છે આ કે હું મારી જિંદગીની પળે પળ એમની માટે વિતાવતી હતી, પણ એ ગયા એટલે તું જો મેં મારું મુખ તારા દીકરાઓ તરફ ફેરવી લીધું છે. એમ તારે હવે તારી જે જવાબદારી છે એ સંભાળવી જોઈએ, નિરાશ ન થવું જોઈએ. મારા કુટુંબમાં કોઈ પણ આઘાતજનક ઘટના બને એટલે બાને સૌ પહેલા બોલાવી લે, કારણકે હિંમત આપનારા એક જ સ્ત્રી છે, બીમાર કોઈ હોય અને ઉપર રહેતો હોય તો એનાથી દાદર તો ન ચડી શકાય, પરંતુ નીચે ફ્રૂટ વગેરે બધું લઇ આવે ને આપે. મારી સોસાયટીમાં કોઈ માણસને ત્યાં પ્રસંગ હોય તો પહેલા ૫૦૦ રૂપિયા લેવા આવે અને કહે જયાબેન ૫૦૦ રૂપિયા આપો. કારણ તમારા પૈસા લઈએ એટલે અમારું કામ પતી જાય છે. પૈસા ઘણા એની પાસે હોય પણ કહે કે તમારા શુકનના પૈસા હોય એટલે અમારું કામ પતી જાય છે !! એની છેલ્લી ઘડી હતી ત્યારે એણે મને બે કામ સોંપેલા. મને કહે એ આપણા વડીલ છે જે એમના પિતાનું એકાએક અવસાન થયું એના દીકરાને નોકરી અપાવવાની જવાબદારી તારી અને બીજા હતા એ સૌરાષ્ટ્રમાં મારા મામાના દીકરા એમને થોડું માનસિક ચિત્તભ્રમ થઇ ગયેલું. મને કહે એના કુટુંબની જવાબદારી તારી. બસ આ બે, બાકી કશું જ નથી.
છેલ્લી વખતે મને એણે બોલાવ્યો . મારા પિતાશ્રી જયારે અવસાન પામ્યા ત્યારે એમણે એક ડાયરી લખી રાખેલી એક મહિના પહેલા ૨૪ ડિસેમ્બર ૧૯૬૯ માં અવસાન પામ્યા. ૨૩ મી નવેમ્બરે આ લખેલી અને એમાં લખેલું કે, જિંદગીમાં આટઆટલા રોગો છે, પણ જિંદગી યાત્રા જેવી ગઈ, રાજા મહારાજા જેવી ગઈ !! તમે વિચાર કરો કેવી ખુમારી હશે. પછી કહે, હવે થોડો સમય છે. મારું મૃત્યુ થાય તો કોઈએ રડવાનું નહીં, સ્મશાનયાત્રામાં માત્ર ભજન ગાવા, મારી માતાએ વૈધવ્યના ચિન્હો ધારણ ન કરવા.. ઈશ્વર પેટલીકરે કહ્યું કે, હું એમને એટલા બધા ક્રાંતિકારી નહોતો માનતો કે એ કહે કે વૈધવ્યના ચિન્હો ધારણ ન કરવા. છેલ્લા ચાર વાક્યો એમની ડાયરીમાં હતાં કે ….
૧) ગરીબોની સેવા કરવી.
૨) પારેવાને જાર નાખવી.
૩) બને તેટલું તીર્થાટન કરવું અને
૪) સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું.
લોકો પોતાના આદર્શની શોધ કરે છે પણ મને આ ડાયરીમાંથી આદર્શ મળી ગયો.’
