by Bhadrayu Vachhrajani | Oct 28, 2025 | જનકલ્યાણ |

જામનગરનું પવિત્ર સેવા સ્થાનક એટલે આણદાબાવા આશ્રમ. આ આણદાબાવા સ્થાનકનાં ગાદીપતી મહારાજ શ્રી દેવપ્રસાદજી, જેને સૌ પ્રેમથી ‘બાપુ’ કહે છે, તેમની સમક્ષ એક વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને એમનો ઉત્તર બાપુ વાળી રહ્યા છે તે વાત આપણે કરતા હતા.
પ્રશ્ન એવો હતો કે પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? શાસ્ત્રમાં તેની કોઈ પદ્ધતિ કે યુક્તિઓ બતાવી છે? આપણે ત્રણ યુક્તિઓ વિશે વિગતે વાત કરી છે. શાસ્ત્ર એક એવી યુક્તિ પણ બતાવે છે કે, ઘણીવાર આપણે આ વસ્તુમાં કઠિનતા અનુભવીએ, આપણે ફરિયાદ કરીએ છીએ. ભજન કરવું, મૌન રહેવું, પલાઠી મારીને બેસવું, બધું અઘરું લાગે છે, કઠિન લાગે છે. તેનું કારણ કે વ્યક્તિ પોતાને સંસારનો માને છે અને ભજન ભગવાનનું કરે છે. આથી ચિંતન ભગવાનનું થવાને બદલે સાંસ્કૃતિક વૃતિઓનું થાય છે એટલે બધું કઠિન લાગે છે. આપોઆપ સંસારનું ચિંતન થાય છે. ભગવાનનું ચિંતન કરવું પડે છે. છતાં ચિંતન કરવું પડે છે તેથી ચિંતન થતું નથી. જે કરવું પડે તે થાય નહિ. કારણ કે આપણે સંસારનાં થઈને ભગવાનના બનવા માંગીએ છીએ. ભગવાનના બનીને જ્યારે ભગવાનનું ચિંતન કરીએ ત્યારે કઠિનતા કોમળતામાં પરિવર્તિત થાય છે. હું કેવળ ભગવાનનો જ છું, અને ભગવાન જ મારા છે, આ શરીર સંસારનું નથી અને સંસાર મારામાં નથી, આ રીતે ભગવાન સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વયં થવા લાગશે. ચિંતન કરવું નહિ પડે. શાસ્ત્રે આ એક ચોથી યુક્તિ બતાવી છે.
શાસ્ત્ર બીજી પણ એક યુક્તિની વાત કરે છે. ધ્યાન, ભજન, માળા કરતી વખતે મનમાં કોઈ પણ કાર્ય ભરેલું રાખી જલ્દી-જલ્દી માળા અથવા તેનો ટાઈમ પૂરો કરવા માટે જ્યારે આપણે ઉપાસના કરીએ છીએ ત્યારે મનને ખાલી રાખવું જોઈએ. આપણને ઘણી વખત વિચાર આવે છે કે મારે આજે આ કામ કરવાનું છે, આ જગ્યાએ જવાનું છે, આ વ્યક્તિને મળવાનું છે, આ વ્યક્તિ આજે મને મળવા આવવાની છે, તેની સાથે આ વાત કરવાની છે, તે આવશે તો તેની સાથે શું વાત કરવી? આવા અનેક પ્રશ્નોથી આપણું મન ભરાયેલું હોય છે. કેટલો મોટો બોજ છે !! આવા કાર્યોની સ્મૃતિ ઈશ્વરમાં લિન થતાં આપણને અટકાવે છે. તે મનને લીન નથી થવા દેતી. શાસ્ત્ર કહે છે, આ બધા કાર્યોથી મનને દૂર રાખી, તેની વિસ્મૃતિ કરીને બેસવાથી પરમાત્મામાં ચિત્તને જોડી શકાય છે.
હનુમાન ચાલીસા માં શ્રી તુલસીદાસજી મહારાજ એક સરસ દુહો લખે છે. ”તુમ્હરે ભજન રામ કો ભાવે, જનમ જનમ કે દુઃખ બિસરાવૈ” તુલસીદાસજી મહારાજે વિસ્મૃતિ શબ્દને પ્રાધાન્ય આપ્યું છે. કારણ એટલા માટે કે સુખ–દુઃખ નાશ નથી પામતા, પરંતુ તેની વિસ્મૃતિ એ જ ઈશ્વર તરફ લઈ જવાની એક યુક્તિ છે. ભગવાનને મળવા માટેનું મોટામાં મોટું સુખ વિસ્મૃતિ છે. આથી વિસ્મૃતિ પણ એક યુક્તિ છે ભગવાન સાથે જોડાવાની.
એક ચિંતન એવું પણ છે કે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે ઘણા સંકલ્પો, વિકલ્પો મનમાં આવે છે તેનો એક જ રસ્તો તેને સ્વાહા કરી દેવા, તેની આહુતિ આપી દેવી. આ વાત કઠિન છે, પરંતુ સારી દાનતથી એ સંકલ્પનો વિકલ્પ શોધ્યા વગર તેને સ્વાહા કરવામાં આવે તો પણ મન સરળતાથી ભગવાનમાં યુક્ત થઈ શકે. શાસ્ત્રે એક યુક્તિ એવી પણ બતાવી છે કે, આપણે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે આપણી સામે જે ચિત્ર હોય તેની સામે જોઈને આંખોને થોડીવાર ઝડપથી પટપટાવી આંખો બંધ કરી દેવી, જેનાથી બહારનું દ્રશ્ય કપાઈ જવાથી અંદરના સંકલ્પો અને વિકલ્પો પણ કપાઈ જશે. અને ધીમે-ધીમે મન ભગવાનમાં એકત્ર થઈ જશે.
અમુક યુક્તિઓ એવી પણ છે જે આપણે રોજબરોજ કરીએ છીએ. જેમ કે, આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. જેમાં શાસ્ત્રએ બતાવ્યું કે, નાસિકા દ્વારા શ્વાસને બે-ત્રણ વખત જોરથી વારંવાર બહાર કાઢવા, સાદી ભાષામાં કહીએ તો ફુફાડા મારીને બને એટલો શ્વાસને બહાર રોકવાનો પ્રયત્ન કરવો. જેટલો સમય શ્વાસ બહાર રોકી શકાય. પછી ધીમે ધીમે સ્વાભાવિક શ્વાસ લેવાની સ્થિતિમાં આવવાથી મનમાં આવતા વિચારો, સંકલ્પો, વિકલ્પો, આપોઆપ દૂર થવાથી મન શાંત થશે. બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદ દાસજી યાદ કરીને એમ કહે છે કે, એક સાહિત્યકારે એવું કહ્યું કે ‘દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’ વિચારવાનું એ છે કે, દેવ અને દર્પણ બોલતા થાય તો આપણી શી પરિસ્થિતિ થાય?
જામનગરના શ્રી આણદાબાવા આશ્રમની અનેક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ દ્વારા આપણને આવા ચિંતનની ભેટ મળી છે.બાપુ વિષે અને શાંત જીવે સતત ચાલતી બાપુના આણદાબાવા આશ્રમની સેવા પ્રવૃતિઓ વિષે તો બહુ વિગતે લખી શકાય પણ મને લાગે છે કે, આપણે આ વર્ષમાં પ્રત્યક્ષ જામનગર જઈને પૂજ્ય બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદજીને અતિ પ્રવૃત નિહાળીએ તો આપણને ખ્યાલ આવશે કે, આ ગાદી પર પચાસ વર્ષોનું તેઓનું તપ કેટકેટલા ગરીબ દુખીયારાઓ માટે કરુણા બનીને વરસે છે. આપણે મહારાજ શ્રીના ચરણોમાં પ્રણામ કરીએ. તેઓના ગાદી પરના 50માં વર્ષને અને તેઓના જીવનના 75માં વર્ષે એવી પ્રાર્થના કરીએ કે આપની સેવા અસખ્ખલિત હો…
by Bhadrayu Vachhrajani | Apr 7, 2025 | જનકલ્યાણ |



‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ‘સંતુલન” તરફથી દીર્ઘ સંવાદ કરી રહ્યા છે શ્રી ભદ્રાયુ વછરાજાની.. ભદ્રાયુભાઈ : લહેરી સાહેબ, હું એવા વ્યક્તિત્વ સાથે વાત કરી રહ્યો છું કે ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જેણે અગ્રેસર ભાગ લીધો એ શ્રી કનુભાઈ લહેરીના સુપુત્ર પ્રવીણભાઈ લહેરી સાથેનો આ સંવાદ ખૂબ જ વિરલ છે. મેં ગાંધીજીને જોયા નથી. ડૉ. ભદ્રાયુ વછરાજાની સ્વતંત્રતા પછી હું જન્મ્યો છું, એટલે મારી સાથે કોઈ ગાંધી સત્યાગ્રહના એક અગ્રીમ સૈનિકના પુત્ર ઉપસ્થિત હોય તે મને ધન્ય પળ લાગે છે. લહેરીસાહેબ, મને એ જાણવામાં ૨સ છે કે, આપનું બાળપણ કેમ વીત્યું? આપનો કુટુંબ દ્વા૨ા ઉછેર કેવી રીતે થયો?
પ્રવીણભાઈ : ભદ્રાયુભાઈ, આપે કહ્યું એમ આપનો જન્મ આઝાદી પછી થયો પણ મારો જન્મ આઝાદી પહેલા લગભગ અઢી વર્ષે થયો. 28 માર્ચ 1945 અધિક ચૈત્રની પૂનમના રોજ મારો જન્મ થયો, તે ગામ રાજુલા. ત્યારે ભાવનગર રાજ્યનું એક છેવાડાનાં મહાલનું ગામ અને બાજુમાં દરિયાકાંઠો અને વિસ્તાર ઘણો પછાત. મારા પિતાશ્રીનું વતન નહીં પરંતુ મોસાળ હતું. મારા પિતાશ્રી મુંબઈમાં ખૂબ જ યુવાન વયે 13 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવવાને કા૨ણે તે મોસાળમાં આવ્યા. અમરેલી કપોળ બોર્ડિંગમાં એમણે નિઃશુલ્ક રીતે રહેવાની, જમવાની વ્યવસ્થા કરી અને ભણતા હતા. ત્યાં ઝવેરચંદભાઈ મેઘાણી એ આવીને ભગવાનજી લવજી મહેતાના અખાડામાં જોડાયેલા યુવાનોને ધોલેરા સત્યાગ્રહ માટે ભરતી ક૨વાનું શરૂ કર્યું. શરૂઆતમાં મારા પિતાજીએ ના પાડી. પરંતુ પોતાના એક વધારાના ખર્ચ માટે Rs. 10ની કમ્પાઉન્ડરની નોકરી ડૉ. હરિપ્રસાદ વ્યાસને ત્યાં કરતા હતા. એ હરિપ્રસાદભાઈનાં પત્ની સુમિત્રાબેનને પણ આ સત્યાગ્રહમાં જવાનું મન થયું અને જેમણે જુગલ જુગારી’ નાટક લખેલું એવા જુગલકિશોરભાઈએ કહ્યું કે, ભાઈ તમે બે જાઓ પણ સાથે કોણ? અને અનિચ્છા છતાં એમના પ્રેમભાવને વશ થઈને મારા પિતાશ્રી ધોલેરા સત્યાગ્રહમાં ગયા. એ વાત તો 1930ની મારા જન્મ પહેલાં 15 વર્ષની. પરંતુ પછી એમને જે ગાંધીજીનો રંગ લાગ્યો એટલે વારંવાર સત્યાગ્રહ, ભાવનગર પ્રજા એ પરિષદ એ બધા કામમાં એ ૨હ્યા અને મારા કાકાએ આર્થિક પ્રવૃત્તિ દ્વારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંભાળી.
મારો જન્મ થયો ત્યારે મારા પિતાશ્રીની ઉંમર 31 વર્ષની હતી. 1942માં ખાસ્સો એવો સમય 6-8 એ મહુવાની જેલમાં ડિટેઇન થયા હતા, હિંદ છોડો, સ્વરાજ આંદોલન માટે. મારો જન્મ થયો એક સંયુક્ત પરિવારમાં. મારા પિતાશ્રીના બે મામી, મારાં કાકા-કાકી, મા-બાપ, એટલાં વડીલો અને મારાં ફઈ વહેલા ગુજરી ગયાં હતાં એટલે એમને મારા સમવયસ્ક દીકરો અને બે વર્ષ નાની દીકરી એમ અમે કુલ 13 ભાંડરડાં. મહુવા અને રાજુલા, અમારી લાતીઓ હતી એના વચ્ચે અને રહેતા હતા.રાજુલામાં કે મહુવામાં સગવડમાં થોડો ફે૨. મહુવામાં વીજળી 1956માં આવેલી, અમારે ત્યાં 1959માં આવેલી; મહુવામાં પાકી સડક હતી અને એક નેરોગેજની ટ્રેન ભાવનગર જાય એટલે લોકોનો સંપર્ક વધારે અને મહુવાનું બંદર એ જમાનામાં જીવતું બંદર હતું. આ બધા વચ્ચે રાજુલામાં જન્મ થવો અને ત્યાં ભણવું કે મહુવામાં ભણવું એ પ્રશ્ન થયેલો. આપણે જિંદગીમાં કંઈ આગળ વધી શકીએ એવો કોઈને ખ્યાલ પણ નહોતો. હા, રાજુલામાંથી જે લોકો મુંબઈ ગયેલા એમાં ઘણા ભણીગણીને ડૉક્ટ૨માં, વકીલાતમાં, સોલિસિટ૨માં, વીમાનાં ક્ષેત્રે, બેંકના ક્ષેત્રે રાજુલામાંથી આગળ વધેલા. પરંતુ આઝાદી પછીના જે વર્ષો હતાં એમાં શિક્ષણનો વ્યાપ વધ્યો, પરંતુ ગુણવત્તા સૌરાષ્ટ્રમાં તો એટલી નબળી હતી કે અનેક જગ્યાએ આ યુનિવર્સિટીના લોકોએ અરજી ન કરવી’ એવી હાલત હતી. આ પરિસ્થિતિ વચ્ચે જયારે પહેલાં બે વર્ષ હું રાજુલા ભણ્યો, પછી કૌટુંબિક સગવડ ખાતર મહુવા ભણ્યો. સ્વામિનારાયણ શાળામાં, ત્યાંથી પછી રાજુલામાં શાળા બંધ થઈ ગઈ અને મારા મામા આચાર્ય જાફરાબાદ હાઇસ્કૂલના. બહુ જાણીતું નામ છોટુભાઈ મહેતા, સો વર્ષ ઉપ૨ જીવ્યા અને એમણે આગ્રહ કર્યો એટલે હું મોસાળ ભણવા ગયો. બે વર્ષ જાફરાબાદ ભણ્યો. પાછો રાજુલા આવ્યો ત્યાં સુધીમાં વિરસનપેનવાળા સંઘ પરિવારની શાળા જે બંધ પડી હતી એ ચાલુ થઈ. અને પાંચ વર્ષ ભણીને હું મૅટ્રિક થયો, જે આપણું ધોરણ 11 હતું.
આ સમગ્ર સમયગાળા દરમિયાન અમારે ત્યાં આવતા-જતા કલેક્ટરોને જોઈને મને વિચાર આવ્યો કે, આમાં ઘણો રૂઆબ છે, આની ઘણી જવાબદારી લાગે છે, અને મારા પિતાશ્રીને મુંબઈમાં ભણતા હતા ત્યારે એક જમાનામાં ICS થવું હતું. એટલે એમની પ્રેરણાથી મેં આ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો પરંતુ રાજુલામાં એ સમયે મેટ્રિકમાં આવ્યા ત્યાં ન હતો વિજ્ઞાનનો શિક્ષક, ન હતો ગણિતનો શિક્ષક, ન સમાજ શાસ્ત્રનો શિક્ષક, એક શાસ્ત્રી સંસ્કૃત ભણાવે અને અમારા આચાર્ય જી. એસ. વોહરાસાહેબ અંગ્રેજી ભણાવે એટલે અમારા માટે સ્વાધ્યાય અને કોઈ ઓળખીતાનું ટ્યૂશન મળે એ સિવાય કાંઈ કરવાનું નહોતું, કારણ કે ગામમાં જ કોઈ ભણાવી શકે એવી વ્યક્તિ નોહતી. પરંતુ અમે અરસપરસના સહયોગથી અમારા જૂથ દ્વારા, મિત્રો દ્વારા જે કામગીરી કરી એટલે અમારા ચાળીસના વર્ગમાંથી વીસેક જણા ખૂબ સારી રીતે આગળ ભણી શક્યા. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, કોઈ ઇજનેર થયા, કોઈ ડૉક્ટર થયા, અમેરિકા ગયા, અને મારા ભાગે મારી જે ઇચ્છા હતી, મારા પિતાશ્રીની પ્રેરણા હતી એવા આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાનો લ્હાવો મળ્યો.
ભદ્રાયુભાઈ, પુરુષાર્થ તો સૌ કોઈ કરે છે, | પુરુષાર્થ ક૨વો જરૂરી પણ છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સરવાળે તો પ્રારબ્ધ મહત્ત્વનો ભાગ ભજવે છે. માણસને ક્યારે, કેવી તક મળશે એ આપણે અગાઉથી કહી શકતા નથી. એટલા માટે મારે સૌથી પ્રથમ તો પ્રભુનો આભાર માનવો જોઈએ કે, આપણે એક સ્વપ્ન સેવ્યું હોય અને એ આપણી ધારણા મુજબ સાકાર થાય ત્યારે એનો આનંદ અને સંતોષ અનેરો હોય છે. હું જો કેન્દ્ર હતું, પછી સેકન્ડરી આરોગ્ય કેન્દ્ર બન્યું રાજુલાની વાત કરું તો ત્યાં પ્રાથમિક આરોગ્ય હું અને ત્યારે જે શીતળા ડૉક્ટર કહેવાતા એ પણ મોટાભાગે ડૉક્ટર ન હોય, દવા ન હોય આવીને શીતળાની રસી મૂકતા. ગમે તે કારણે મને રસી મૂકવાનું રહી ગયું અને જેને એકદમએવા પ્રકારના શીતળાના રોગે મને ઘેરી લીધો. મારી ઉંમર પાંચ વર્ષની અને એમાંથી બચીને બહાર નીકળવું એ મને લાગે છે કે પ્રભુ કૃપા વિના શકય ન હોત. એટલું પૂરતું નહોતું, તો એ જ વર્ષે મને ડિપ્થેરિયા અને ટાઈફૉઈડ જેવી એ જમાનાની જીવલેણ બીમારી લાગુ પડી અને ડૉક્ટરો નહીં, પરંતુ પરિવારની કાળજીથી એમાંથી પણ હેમખેમ પાર ઉતર્યા. એને કા૨ણે મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી તબિયતથી હું થોડો ઢીલોપોચો ગણાઉં અને મારી કામ ક૨વાની શારીરિક શક્તિ પણ થોડી ઓછી. ૨મત-ગમત કે એમાં ભાગ લેતા થાક લાગે એવી પરિસ્થિતિમાંથી ધીમે-ધીમે બહાર આવ્યા અને મેટ્રિકમાં એ જમાનામાં ગુજરાતમાં નવું-નવું બોર્ડ બન્યું. અને એમાં 64% એટલે એ જમાનામાં સારા કહેવાય એવા માર્ક સાથે સેન્ટ ઝેવિયર કૉલેજ, મુંબઈમાં મને પ્રવેશ મળ્યો.
બાળપણની વાતમાં આજે અનેક મિત્રોને યાદ કરું છું. મારા એક મિત્ર શાંતિલાલ, એમણે પ્રિલીમ પરીક્ષા પછી મને જો ગણિત શીખવ્યું ન હોત તો હું ગણિત વિષયમાં ચોક્કસ નાપાસ થાત.એ જ રીતે અનેક મિત્રોએ અમને જે રીતે મદદ કરી અને સૌથી વધારે તો એ દિવસો આનંદના એટલે કે આપણે સંપૂર્ણ ચિંતા મુક્ત જીવનમાં એક નાના ગામમાં ખૂબ સાહજીકતાથી જીવતા હતા. એનો જે અનેરો આનંદ છે એ આજે હવે જે તો મિત્રોની ગેરહાજરી થતી જાય છે અને જે કોઈ મળે છે ત્યારે એ દિવસો સાંભરીએ ત્યારે આપણી રગેરગમાં આનંદ પ્રસરી જાય એવી પરિસ્થિતિ હોય છે. તે જમાનાની રીતે બાળપણ માણ્યું એમ કહું તો ખોટું નથી. પરિવારમાં ભાંડરડા ભાઈઓ, બહેનો એટલાં કે સૌની સાથે ખૂબ આનંદથી, આત્મીયતાથી અમે જે રીતે મોટા થયા અને આજે જે કુટુંબોની પરિસ્થિતિ બદલાઈ છે ત્યારે આપણને લાગે કે ભલે એ પછાત સમય હતો, પછાત વિસ્તાર હતો, ઘણી વસ્તુનો અભાવ હતો, પરંતુ માયાળુ સ્વભાવનો અભાવ નહોતો, લાગણીનો અભાવ નહોતો, પ્રેમનો ભાવ નહોતો, અને આના કારણે જે આનંદ અને જે આત્મવિશ્વાસ વિકસ્યા એ કદાચ આજના આ સ્પર્ધાત્મક યુગમાં કેટલા વિકસ્યા હોત એ કહેવું મુશ્કેલ છે. (વધુ આવતા અંકે)
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ, આદરણીય શ્રી પી. કે. લહેરીસાહેબની 81મી જન્મજયંતી નિમિત્તે જનકલ્યાણ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | જનકલ્યાણ |

વિનોબાજીને જેણે પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા તે આપણા બેસ્ટ ડેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. સદીઓ સુધી આખું વિશ્વ જેને સેન્ચુરીના બેસ્ટ હ્યુમન બીઇંગ’ તરીકે મતદાન કરીને પસંદ કરે છે. સાચું એ છે કે, ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન ન કરવો, નહીં સમજાય એ બુદ્ધપુરુષો.. ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય અને ન સમજાય એની જ મજા છે.
મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા અને અઠવાડિયું રહ્યાં. એક નાનકડી પુસ્તિકા છે, વાંચવા જેવી છે. લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું’ અક્ષર ભારતી, ભુજનું પ્રકાશન છે. લુઈ પાશ્ચર દૂરથી આવે છે, એ સાયન્ટિસ્ટ છે, એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબ૨ છે ગાંધીજીને, એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્વરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે, He is not comfortable. એટલે બાપુ ઇશારો કરે કે, નાનું સ્ટૂલ આપો. અને પછી એણે ઊભા થઈને રિકવેસ્ટ કરી કે, You can seat on this small table, you will not be comfortable sitting on the ground. બાપુને જમવામાં બાફેલો કાંદો ખાવાની ટેવ હતી અને એ બાફેલો કાંદો લુઈ પાશ્ચરની થાળીમાં મૂક્યો. અને લુઈ પાશ્ચરને થયું કે, આ શું છે બાફેલું? એટલે એ ભાંગવા ગયા એટલે ગાંધીજીએ કીધું કે If you don’t, don’t do it. It’s a boiled onion you may not like but i feel that it is better for health.અને પછી હળવાશથી કહ્યું : “ખાવાની ટેવ પાડો, અઠવાડિયું ૨હેશો તો કદાચ ફાવી જશે.” આ મહાત્મા ગાંધી.
અરે, જાપાનના ક્યોટોમાં એક ગાંધી સમ વ્યક્તિની કથા છે. એ વાઇસ હોલી પર્સનને જોવા માટે બધા વિઝિટ૨ જાય. એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુ:ખી હતો એટલે એને કોઈએ કહ્યું, ઉ૫૨ એક હોલી પર્સન રહે છે, એમને જઈને મળો. અને એ ગયા. ગયા એટલે એક માણસે સ્વાગત કર્યું. એણે કીધું કે મારે પેલા પવિત્ર માનવને મળવું છે. જવાબ મળ્યો કે, આપનું સ્વાગત છે. અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું હમણાં અહીંયાં મને બેસાડશે. પરંતુ બેસાડવાની બદલે કહ્યું : Have you seen all these things?’ ‘If Yes, let’s go ahead. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પેલેસ જેવી મોટી અને છેવટે બહા૨નું બારણું આવ્યું ત્યાં જગ્યા. બધું જ ખાલી-ખાલી, કશું જ નહીં, એક્ઝિટ હતી. એક્ઝિટમાંથી બંને બહાર નીકળી ગયા. બહા૨ નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પેલાએ હાથ જોડ્યા, Thank you very much for visiting the place. પેલાએ કહ્યું, હજી તો હું એને મળ્યો નથી, મારે મળવું છે એટલે તો અહીં આવ્યો છું. એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દસહ મુકું છું : . “Everyone you may meet in life, even if they appear insignificant see each of them as a wise holy man. If you do this, then whatever problem you brought here today, will be solved.” તમને જીવનમાં જે કોઈ મળે છે, ભલે ને એ તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે કે, આની સાથે શું વાત ક૨વી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પૂરા થઈ જશે.
મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે. સી. કુમારપ્પા નામના એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને સાડા ત્રણ વાગ્યે એને મળવા આવ્યા, અને સવા ત્રણ વાગ્યે એમણે એન્ટ્રી મારી અને એમણે ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કીધું કે, મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે સાડા ત્રણ વાગ્યાનો, મૅસેજ આવ્યો એટલે હું આવી ગયો છું. એટલે પેલાએ એમ કહ્યું કે, ગાંધીજીએ કહ્યું છે ને? તો એ આવી જશે સાડા ત્રણે. અને એ પાછું વાળવા લાગ્યો. પેલા મુલાકાતીને એમ લાગ્યું કે He is neglecting me. એણે ફરીવાર ઊઠીને કહ્યું કે Go and give a message to Gandhi that i am
here. એટલે એણે પાછું થોડીવાર પછી કહ્યું કે, Don’t worry, ગાંધી આવી જશે. He is very particular. સાડા ત્રણ થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવ૨ણો મૂકી, મોઢા ઉ૫૨નો રૂમાલ છોડી અને પછી અંદર ગયો અને પેલાને કહ્યું, આવો, આપણે અંદર બેસીએ. એટલે પેલા મહાશયે કહ્યું, I would like to meet Gandhi.’ એટલે સામે જવાબ મળ્યો કે, Yes Welcome. Meet, I am Gandhi…’ મને એવું લાગે કે He is the holy man of Kyoto કે જેને શોધવા ગયો અને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈનાં કામમાં વ્યસ્ત હતા. આટલી સહજતા. એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે નિંદા કરી શકીએ પણ સાહેબ પેન્સિલ વગર એને નીંદર ન આવે. એટલો બધો વિચિત્ર અને છતાં પવિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને આપણને ખ્યાલ નથી આવતો. વિચારવા જેવું એ છે કે, આ બધા લોકો તો જતા રહ્યા છે, તો આપણે કોને સ્વીકા૨વા? મને એવું લાગે છે કે ઝેન અત્યારે આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે, ક્યાંય શોધવાની જરૂરિયાત નથી.
બાઇબલનું એક વિધાન છે કે, ખખડાવો અને ખૂલશે!” બસ, આ શ્રદ્ધા આપણી ભૂમિના ઝેન ગુરુઓએ બંધાવેલી છે. તેના આધારે આપણી યાત્રા અવિરત કરતા રહીએ.
by Bhadrayu Vachhrajani | Feb 14, 2025 | જનકલ્યાણ |

કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતા હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યા છે તો વળી વિદેશ સુધી કલા–નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યા છે.
આવો, શ્રી મલ્લિકા સારાભાઈના સચોટ જીવન અંશો સંવાદરૂપે માણીએ :
“જિંદગીમાં ઉતાર ચડાવ બહુ આવ્યા. પહેલા પહેલા હંમેશા લોકો પૂછતાં કે, તને શું દબાવ છે ? તારા મમ્મી પપ્પા બંને જણા તો એટલા બધા જાણીતા છે, આટલા મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે, તું નૃત્ય જ કરજે, તું સાયન્સ જ કરજે, તું અમારું નામ ડુબાડી ન દેતી.. એવું કોઈ દિવસ હતું નહીં.
એક બહુ જ સહજ પાર્ટનરશીપ હતી, અમારા ચાર જણાંની. અમે જયારે મોટા થયા હતા ત્યારે અને સામુહિક કોઈ નિર્ણય લેવાનું હોય તો એમાં બાળકો ગમે તેટલા નાના હોય પણ ઇન્વોલ્વ કરવાના, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતા શીખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો..? .. ત્યાં સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઉભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોય શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી, અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની જે પણ પ્રશ્ન હોય ત્યાર સુધી તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો પડશે. હું ઈચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતા તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા, ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. મેં કીધું ને કરો એવું કોઈ દિવસ નહીં. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કઈ સ્ટેન્ડ લેવું હોય ને અમ્મા કહે કે ના,, પણ ના એટલે ના નહીં બેસીને સમજાવે કે કેમ ના ?”
“ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઇ જાય પછી તે સ્વીકારાઈ જાય ખરું ?”
“સહજતાથી નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જયારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખુલે. તો પણ હું જો disagree કરતી હોઉં તો પાછું બે ત્રણ વર્ષ પછી ફરીથી ખુલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં એન્ટી પોઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું હું તમને કહું ને અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ન ઘરમાં ટ્રીટ જ નહીં કરેલા.
મારું પહેલું જો એન્કાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે SSC કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશા ઓળખ્યા છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી રહ્યું છે ?? એમાં અનંગ દેસાઈ એક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલા. અમે એકબીજાના સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકોનોમિક્સ લીધેલું અને નવું નવું મેં બેડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કોર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કોર્ટ અને કેન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શોર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કેન્ટીનમાં આવે. અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. મારા ક્લાસમાં પરવીન બાબી, મારા ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે. મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી, એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખુબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કેન્ટીનમાં ન જઈએ, અમને પણ દાળવડા ખાવા છે એટલે ઝેવિર્યસ ની હિસ્ટ્રીમાં પહેલીવાર પાંચ છ ખુબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો. એટલે આજે પણ મને એવી વ્યક્તિઓ મળે છે અને કહે છે કે, જે અમને HK માં હતા એ વખતે અને HL માં હતા એ વખતે અમે તમને જોવા જ આવતા હતા એટલે અમે આ જેન્ડરનું થોડું ચેન્જ કરવા માંડ્યા. પહેલી મીડ ટર્મ પતી એટલે અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાબુભાઇ પટેલ કે જેમની ગાઈડ યુનિવર્સીટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું ? ગાઈડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ક્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવા કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઇ તમે મારા માર્ક્સ જોવો છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઇ ગયા તો રસ્ટીકેટ કરી નાખી ત્રણ અઠવાડિયા. તો બધા જોવા આવ્યા કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઇ ગયું…”
by Bhadrayu Vachhrajani | Dec 27, 2024 | જનકલ્યાણ |

બહુમુખી વ્યક્તિત્વ શ્રી પ્રફુલ્લ અનુભાઈ. એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, સોસ્યોલોજી, ડિઝાઇન, એન્થ્રોપોલોજી, કરીક્યુલમ ડેવલપમેન્ટ,…. અને… કેટલાય ક્ષેત્રોમાં વ્યસ્ત રહી જીવન વિતાવનાર શ્રી પ્રફુલ અનુભાઈનું જીવન ઘડાયું તેઓના ચુસ્તતાના આગ્રહી પિતાશ્રીના ઘડતરથી..નાનપણમાં જાણતા અજાણતા આપણને આપણા માતા, પિતા કે ઘરનું વાતાવરણ ઘડે છે. કેટલીક ટેવો વડીલોએ રાખેલા આગ્રહોના કારણે પડી ગઈ અને આપણે જયારે મોટા થયા ત્યારે તેનું ફળ મળ્યું !!
શ્રી પ્રફુલ્લ અનુભાઈનું ઘડતર કેવી રીતે થયું તે અંગે થોડી વાતો તેમના જ શબ્દોમાં… :
“ફાધરની બાબતમાં એવું કે બધાની સાથે ફ્રેન્ડલી થઇ જાય પણ કામની બાબતમાં ઝીણવટ અને ચીવટ બહુ, એટલે મને વાત વાતમાં એમ કહે કે, કામ જે કંઈ કરો એ નિયમથી કરો. પછી એ ઉલ્લેખ કરે શ્રીમદ્ રાજચંદ્રના મોક્ષમાળાનો. અમે નાના હતા ત્યારે એવું હતું કે, દર રવિવારે એક સામાયિકમાં બેસાડે, પણ ધાર્મિક શ્લોકો વાંચવાના નહીં, પણ શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા પુસ્તક લઇ અને મણકાઓ લઇ અને વાત કરે અને પ્રેક્ટિકલ એની કોમેન્ટ્રી આપે. એટલે એમ કહે કે, આ મેં તમને નિયમની વાત કરી એ શ્રીમદ્ રાજચંદ્રનો એક મણકો છે, એમાં એ કહે છે : નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે, એટલે એ વાત સમજાવે, પ્રેક્ટિકલ દાખલાઓ લઈને સમજાવે. આ જાતનો એક સંસ્કાર જૂજ રીતે અમારામાં મુકેલો.
કોઈ જગ્યાએ ધર્મ, ઉપવાસ, આંબેલ, પચખાણ એવું કશું આવે નહીં. દેરાસર જવાનું છે, આટલી પૂજા કરવાની છે, એવું કશું ન આવે. અમારી આજુબાજુનું વાતાવરણ એવું હતું છતાં પણ એમનો આવો એક અભિગમ હતો કે, સંસ્કાર આ રીતે મળવા જોઈએ. એટલે એમ કહેતા કે, તમે પેન્સિલ વાપરવા માટે લીધી અને ઘરમાં એક જગ્યાએ મૂકી છે, બધા લોકો વારાફરતી જેને જરૂર પડે એ વાપરે છે, તો તમે ક્યાંક નાખીને ચાલ્યા જાઓ એ બરાબર નથી. પાછલા માણસનો વિચાર કરો કે, એને જયારે પેન્સિલની જરૂર પડશે ત્યારે એને ફાંફા નહીં મારવા પડે, પણ જે તે જગ્યાએથી મળી જશે, એવું દ્રષ્ટાંત આપીને વાત કરે. એમ કહે કે, કોઈ દિવસ રૂમમાં જાઓ ત્યારે તમારે જે વસ્તુ લેવી છે, અહીંયાથી લીધું, ત્યાંથી લીધું, કબાટ ખોલ્યો, કબાટ બંધ કર્યો, એમાંથી બે ત્રણ વસ્તુ લીધી, આમ તેમ કરીએ એમ નહીં. એવો પ્રયત્ન કરો કે, રૂમમાં જે પ્રમાણે વ્યવસ્થિત હતું એ પ્રમાણે તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે એટલું તો થાય જ, if not better. આવો એક પાઠ ભણાવ્યો.
બીજું કે જે કંઈ પણ કામ કરો એમાં excellence મેળવવું. એ સારી રીતે કરો. એ કામ કેમ વધારે સારી રીતે થાય એનો પ્રયત્ન હંમેશા કર્યા કરો, એ ખાસ એમનો આગ્રહ. પોતાના જીવનમાં પણ એમ જ કરેલું એટલે મને પણ એમ કહે કે, આ આપણે કરવું, આવી રીતે કરવું જોઈએ. પોતાનો એમનો દાખલો હતો એટલે અમે સમજી જઈએ તરત જ કે શું વાત કરવા માંગે છે. ઉદાહરણ તરીકે, એમણે એક દેરાસર બનાવ્યું શંખેશ્વરમાં. એનો આરસ લેવાનો હોય તો પોતે મકરાણા જાય. ધાર્મિક કામ છે, પોતાનું પર્સનલ કામ નથી છતાં મકરાણા જાય, સિલેક્ટ કરે અને કઈ જાતનો મારબલ જોઈએ એ નક્કી કરે, કયો મેચ થશે એ જોઈ લે અને પછી બરાબર ભાવતાલ કરીને લઇ આવે. એમણે દેરાસર બાંધ્યું એની એક નોંધ રાખેલી, ચોપડી બનાવેલી કે આ બારણું છે, આ માપ જોઈએ, એની પેલી તક્તિ આટલી જોઈએ. એટલે એમની સાથે રમણભાઈ ગાંધી કરીને એક ભાઈ હતા, એ જયારે મારા ફાધર ગુજરી ગયા ત્યારે પછી આ ચોપડી નીકળી એટલે મેં કીધું આ તમારા કામનું. મને કહે, આ તો દેરાસર બાંધવાનું બાઇબલ છે. એટલું બધું ઊંડાણથી બધું એમાં હતું કે, કેટલા પગથિયાં, કેટલું ડિસ્ટન્સ, કેટલી સાઈઝના દરવાજા, એની તક્તિ કેટલી બનાવવી, આરસ કેવો હોવો જોઈએ..બધું જ બધું અંદર લખેલું હતું. એટલે આવી એક ઝીણવટની વાત હતી. એટલે દરેક વખતે કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે યાદ આવે કે સારી રીતે કરવું જોઈએ. શોભે એવી રીતે કરવું જોઈએ, લોકોને આનંદ થાય એવી રીતે કરવું જોઈએ. એ જે sense of excellence એ પિતાશ્રીમાંથી આવેલી.”
આઈ. આઈ . એમ . અમદાવાદ થી લઈને ગુજરાતને સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ અપાવનાર સપ્તક સુધીની સંસ્થાઓને શ્રી પ્રફુલ્લ અનુભાઈની નિપુણતાનો લાભ મળેલ છે.
by Bhadrayu Vachhrajani | Nov 5, 2024 | જનકલ્યાણ |

બિલિયર્ડ જુનિયર્સના ચેમ્પિયન અને નેવુંના દશકના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ગીત સેઠી . આપણને સ્પોર્ટ્સ ક્ષેત્રના એક વર્લ્ડ ચેમ્પિયન બની રહેનાર શ્રી ગીત સેઠીના જીવનની કેટલીક કસ્મકસ વાળી ઘટનાઓ જાણવાનું રોમાંચક બની રહેશે.
શ્રી ગીત ઉછર્યા રેલવે કવાટર્સના પરિસરમાં જ્યાં સ્પોર્ટ્સની સુંદર સગવડો હોય. તેઓએ ઇન્ડોર ગેમ્સ ના બંધ ઓરડાઓમાં દૂરથી ઘણું દૂરનું જોયા કર્યું અને વિચાર્યા કર્યું, તેમાં તેઓને બિલયાર્ડનો ખંડ અને તેની નાની કાચની બારી ખુબ આકર્ષી ગઈ. એ સમયે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને એ ખંડમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. ગીતજી દૂરથી એ રમતને કાચની આરપાર નિહાળતા હતા અને પોતાની આરપાર ઉતારતા હતા. તેઓને ઈચ્છા તો બહુ થતી કે બિલીયર્ડની દાંડી પકડીને રંગરંગના દડાઓને હળવો ધક્કો લગાવું,, પણ એ શક્ય ન હતું.
ભાગ્યએ અચાનક કરવટ બદલી અને સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યોને અને બધી ક્લબ્સને કહ્યું કે, તરુણોને પણ બિલિયર્ડ શીખવો કે જેથી કરીને તેઓ યુવાન થાય ત્યારે વિશ્વ સાથે રમી શકે અને આપણો દેશ તેમાં નામ રોશન કરી શકે. ગીત સેઠી નામધારી છોકરાને તો દોડવું હતું અને ઢાળ મળ્યો… હવે તે વિધિવત બિલિયર્ડ ખંડમાં પ્રવેશ્યો અને રમવા લાગ્યો. દૂરથી નિહાળેલી રમત તેનું કૌશલ્ય બની ગયું અને તે ઉમરે તો એ જુનિયર્સનો બે વખત નેશનલ ચેમ્પિયન બની ગયો.!! પિતાશ્રીએ ભણવા માટે આગ્રહ તો કરેલો જ અને એસએસસી વખતે તો ત્રણ મહિના બિલીયર્ડને વીંટો વાળી એક બાજુ મુકાવીને પરીક્ષાની તૈયારીએ વાળી દીધેલ. ધોરણ અગિયાર અને બારમા પિતાશ્રીએ સાયન્સ લેવાનો જ આગ્રહ કર્યો તો ગીતે તેમ કર્યું અને સાથે સાથે રમત પણ આગળ વધારી. પણ આ બે વર્ષમાં ગીતની એકાગ્રતા રમતમાં વધારે જ છે તેવું પામી જનાર પિતાશ્રીએ એકદમ સહજતાથી કહ્યું કે, ‘હવે આર્ટ્સ રાખીને ડિગ્રી મેળવી લેવી પણ રમતમાં આગળ વધવું.’ પિતાશ્રીના આ હૃદય પરિવર્તનને ગીત સેઠી બહુ જ આદરપૂર્વક પ્રણમે છે. 1973-74 થી શરુ થયેલ આ રમતે મક્કમ ગતિથી ગીતને સફળતા અપાવી પણ 1989-90 માં તેમને સેડબેક લાગ્યો અને ગીત રમતમાંથી બહાર ફેંકાય જાય એટલી હદે પાછળ પડી ગયા..!!
અહીં નોંધવા જેવી ઘટના બને છે અને શ્રી ગીત સેઠી પોતાના કોચ કે ગુરુને શોધીને પોતાની પાયાની ભૂલ તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. શ્રી ગીત સેઠી કહે છે કે, મને પહેલીવાર ખબર પડી કે, મારી રમવાની ટેક્નિક સાવ ખોટી જ હતી, પણ મારા આત્મવિશ્વાસથી રમતો ને જીતતો હતો અને તેનો અહમ મને ટેક્નિકને સાચા માર્ગે
વાળવા દેતો ન હતો. કોચે ધ્યાન દોર્યું ને સાચી ટેક્નિક શીખવી પછી શ્રી ગીત સેઠીએ પોતાની જાતને ત્રણ વર્ષો માટે સ્પોર્ટ્સ ક્લબના ખંડમાં બંધ કરી દીધી અને સતત મહેનત કરી સાચી ટેક્નિક પ્રાપ્ત કર્યા પછી જ બહાર નીકળી કોઈ ટુર્નામેન્ટ રમે છે. અને આ ઉગ્ર સાધનાનું ફળ પણ ઉત્તમ મળે છે. ત્રણ વર્ષ પછી ફરી તેઓ ટુર્નામેન્ટ
રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ ચેમ્પિયન બની રહેલ માઈકલ ફરેરાને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાવે છે અને રેકોર્ડ બ્રેક સ્કોર કરે છે, જે આજે છેલ્લા પચાસ વર્ષનો ઉચ્ચતમ સ્કોર રહેલ છે.
પરંતુ જયારે અચાનક રમતમાં શિકસ્ત ઉપર શિકસ્ત મળવા લાગે છે ત્યારે ગીત સેઠી હચમચી ઉઠે છે .. જો કે, આ વખતે પણ નાસીપાસ થવાને બદલે કે ડિપ્રેશનમાં આવી જવાને બદલે ગીત તેનો પડકાર રૂપ સામનો કરે છે, અને ગીત ફરી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. શ્રી ગીત સેઠીના જીવનની આ ઘટનાઓ આપણને શીખવે છે કે, જે હારે તે શીખે છે તો ફરી જીતે છે.
by Bhadrayu Vachhrajani | Oct 22, 2024 | જનકલ્યાણ |

વિશિષ્ટ કલા-સમીક્ષક અને ચિત્રો-ગ્રાફિક્સના ખજાનાને સાચવીને બેસેલ એક વ્યક્તિ વિશેષ કે જેનો અતૂટ નાતો વિશ્વના ખ્યાતિ પ્રાપ્ત અને ફકીરીમાં જીવેલા ચિત્રકાર શ્રી એમ. એફ. હુસેન સાથે રહ્યો, તો ભારતના ટોચના ગ્રાફિક આર્ટિસ્ટ્સ સાથે તેઓ આજે પણ કાર્ય કરી રહેલ છે. અમદાવાદના એક આધુનિક ખૂણામાં પોતાની સમૃદ્ધ આર્ટ ગેલેરી સાથે નિજાનંદમાં રહેતા એ કલાકાર છે શ્રી અનિલ રેલીયા.
“મારા પાડોશીઓમાં કાપડના હોલસેલ વેપારીઓ હતા, જે લોકોને ત્યાં બહારગામથી પાર્સલ આવે તે ગાંસડીઓ ઉપર લેબલ હોય. મને એ લેબલ બહુ આકર્ષિત કરતા. એકાદ વખત મેં એ લેબલ કાઢી લીધા તો વઢ પણ પડી હતી કે, “આમાં કયો માલ છે એના માટે લેબલ હોય છે, તારે લેબલ કાઢવા હોય તો બધો માલ ખાલી થઈ જાય પછી કંતાન પડ્યા હોય એના પરથી લઇ લેવાના પણ પહેલાં કાઢવા નહીં.” પછી તો મને મજા પડી ગઈ એ લોકો જ્યારે બધો માલ રાત્રે કાઢી લે પછી દુકાન આઠ સાડા આઠે બંધ થઇ જાય પછી એ લોકો દુકાનના માણસો હોય એ સ્ટોક બધો રેક માં ગોઠવી દે. પછી હું સવારે ભીના કપડાં લઈને જઉં અને એના ઉપર મુકું ને ઉખાડું અને પછી સ્કૂલ નોટબુકમાં રાખતો. એવા લેબલો મેં ભેગા કર્યા.”
“બીજી વાત કે એ સમયમાં ટિકિટો ભેગા કરવાનો શોખ હતો. એ રીતે મને મેચબોક્સના ઉપરના રેપરો ભેગા કરવાનો શોખ, કારણ કે એમાં જુદી જુદી છાપો આવે ! સામાન્ય રીતે અમુક જ બ્રાન્ડ વેચાતી હોય એ મળે પણ મારું ઘર રેલવે લાઈનની બાજુમાં. તો ફરવા માટે અમે રેલવે લાઈન પર જતા તો જુદી જુદી ન સાંભળેલી એવી પરી છાપ હોય કે રોકેટ છાપ હોય કે એવા જુદા પ્રકારની બધી છાપો મળે અને એ છાપો લઈને સ્કૂલે જતો અને બતાવતો એટલે મારો એમાં વટ પડતો. લોકો ખુશ થતા કે, તું તો જુદું જ લઈને આવ્યો. સામાન્ય સુરતમાં વપરાતી માચિસ બોક્સ કરતા જુદા જ પ્રકારનું હોય. તો એ મારા વખાણ થાય એ મને આનંદ થાય. textile ના લેબલની વાત કરું તો આજે પણ મારા સંગ્રહમાં એ સ્કૂલના દિવસોમાં ભેગા કરેલા લેબલ છે. અને એ સહજતાથી સાચવી શકાયા છે. એ સ્કૂલની બૂકમાં હતા.”
હું બરોડા ફાઈન આર્ટ્સમાં માં ભણવા ગયો. પણ એ પણ આકસ્મિક જ રીતે જ થયું હું જયારે દસમા ધોરણમાં હતો ત્યાં સુધી તો મને પણ નહોતી ખબર કે મને એવા શિક્ષક પણ ના મળ્યા કે જે મને ગાઈડ કરે કે આવી ફાઈન આર્ટને લગતી કોઈ કોલેજો હોય કે જેમાં કલા શીખી શકો. મને પણ એવી ખબર ન હતી કે આ જે સરકસના કે ફિલ્મોના ચિત્રો દોરનાર કે જેને હું જોયા કરતો તે કોઈ ભણેલા નહોતા. એ બધા પોતે પોતાની રીતે પીંછીથી બોર્ડ પર પોસ્ટર દોરતા.…. પણ પિતાજીની એવી ઈચ્છા કે ડિગ્રી તો જોઈએ જ. પણ મારા માટે એ અશક્ય હતું. મારા માટે ફાઈન આર્ટ્સની વાત કરી હતી પણ હજુ તો હું દસમામાં હતો એટલે કશો નિર્ણય લેવાયો ન હતો. અને એમ હતું કે જેમ આગળ જશું એમ બધું થશે.
પણ દસમાંના વેકેશનમાં પ્રસંગ એવો બન્યો કે મારા ભાઈ જે ડોક્ટર બન્યા હતા એમને મળવા માટે એક મિત્ર કે જે અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે એ વખતે એ આફ્રિકા રહેતા હતા એમને મળવા એ મિત્ર અને તેમની સાથે વડોદરાના એક ભાઈ આવ્યા, જે વડોદરામાં આર્કીટેક હતો. તો એણે મારા ઘરની દીવાલો ઉપર લાગેલા ચિત્ર અને ફ્રેમમાં મુકેલા મારા ડ્રોઈંગ હોય એ જોયા. એણે બહુ સહજતાથી ભાઈને પૂછ્યું, ‘આ બધું કોનું છે ?’ તો કહે, ‘મારો ભાઈ કશું નથી કરતો, બસ આવું જ કરે છે.’ એમણે આવી રીતે મારો પરિચય કરાવ્યો, તો કહે, ‘એને ફાઈન આર્ટમાં મુકો ને,’ તો ભાઈ કહે, ‘એ શું છે ?’ તો એ કહે, ‘આવી કોલેજ વડોદરામાં છે.’ મારા સુધી વાત આવી એટલે મેં કીધું, મારે જાણવું પડશે એટલે પ્રોસ્પેક્ટ્સ મંગાવ્યું અને એ આવ્યું ને મારા જીવનનો રાહ બદલાઈ ગયો. મેં જયારે જોયું ત્યારે એમાં ક્લે મોડલિંગ, વુડ કાર્ટ, પ્રિન્ટ મેકિંગ, ડ્રોઈંગ ડિઝાઇન આવા જ વિષયો. આપણા સાયન્સ, જિયોગ્રાફી એવા એક પણ વિષય નહીં. મને થયું આવી પણ કોલેજ હોય છે ખરી !!! મારા માટે આશ્ચર્યની વાત હતી. મેં કહ્યું કે, મારે આમાં જ ભણવું છે, બસ ત્યાંથી મારી વાત શરૂ થઇ. એમાં એમ કહેવાયું હતું કે, તમારે એમાં ભણવું હોય તો તમારી પાસે SSC માં (અગિયારમા ધોરણમાં) તમારે ડ્રોઈંગ વિષય તરીકે લેવો પડે. તો મેં એ પણ લીધો. આનંદની વાત એ હતી કે એમાં એડમિશન લેવા માટે તમારે માર્ક્સથી કોઈ મતલબ નહોતો. કેટલા ટકા છે એનાથી મતલબ નહોતો પણ ત્યાં લેવાતી પાંચ વિષયોની એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવે એમાં ક્લે મોડલિંગ, ડ્રોઈંગ અને ડિઝાઇન એ રીતની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાતી એનાથી તમારી આંગળીઓની, તમારી દ્રષ્ટિની ચપળતા શું છે, એનો ખ્યાલ આવે. અને એક લેખિત પરીક્ષા કે જેને ડિગ્રી લેવી છે એના માટે. મારે ડિગ્રી જ લેવાની હતી એટલે મેં ડિગ્રીમાં જ ફોર્મ ભર્યું હતું, અને જયારે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હું ગયો તો પેલા ચાર પેપર તો સરસ રીતે મેં આપ્યા પણ જયારે ડિગ્રી માટેનું લેખિત પેપર આપવાની વાત આવી તો મેં સવાલો વાંચ્યા અને સમજ પણ પડી પણ હું ઇંગલિશ માં લખી શકું એમ ન હતો, કારણ કે ઇંગલિશ મારું બહુ જ કાચું હતું. તો મેં પહેલાં તો ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું પણ તરત મને કહેવામાં આવ્યું કે, આવું તો નહીં ચાલે. મેં કહ્યું, મને આવડે છે, પણ હું લખી નથી શકતો. તરત જવાબ મળ્યો કે, હિન્દી આવડે તો હિન્દીમાં લખો. એટલે મેં હિન્દીમાં લખ્યું. પછી જયારે ઇન્ટરવ્યૂ લેવાયો ત્યારે મારી આગળ આ જ પ્રશ્ન આવ્યો કે, તમારે ડિગ્રી લેવી છે તો તમને ઇંગલિશ આવડવું જોઈએ. તો મેં કહ્યું, મને જેટલું આર્ટ માટેનું જરૂરી હશે એટલું તો હું પીકઅપ કરી લઈશ, પણ મને ચોક્કસ આમાં રહેવું છે અને મને એડમિશન મળી ગયું. જેવું એડમિશન મળ્યું એવી મારી આખી નવી દુનિયા ખુલી ગઈ…”
by Bhadrayu Vachhrajani | Sep 13, 2024 | જનકલ્યાણ |



ગિજુભાઈની બાળવાર્તાઓ તમે વાંચી હશે, મેં ગિજુભાઈ પાસેથી સાંભળી છે! બા ભણેલા નહીં. ભરતકામમાં રસ બહુ. ચાકળા ઊંધા કરી જોતાં કે ભરેલા ટાંકા પાછળથી કેવા લાગે છે નીરખતાં? મારા જન્મ પછી દર બે વર્ષે એક સભ્યનો ઉમેરો થતો. એમને ગમતું વાંચી લેતાં. બા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવેલાં અને બાપુજી ક્રાંતિકારી સુધારામાં માને. પણ બન્નેએ એકબીજાની સ્વતંત્રતા જાળવેલી. કુટુંબમાં પોલીસખાતાનું વાતાવરણ. પિતા પોલીસ શિસ્ત શીખ્યા, હું તે ન જ શીખ્યો. બાપુજી લોકોને મારતા-કૂવામાં ઊંધા લટકાવતા. નાનપણમાં ભય મને બાપુજીનો જ વધુ લાગતો. તેથી હું બહુ બીકણ બન્યો!’ જ્યોતિભાઈ ધીમું બોલે છે, આંખ સજળ છે એટલા ભાવથી બોલે છે, બે વાક્યો બોલે એમાં ત્રણ વાર સહજતાથી હસીને બોલે છે. દિલ કોરા કેનવાસ જેટલું ચોખ્ખું છે તે પામી શકાય છે.
બાલમંદિરથી ધો૨ણ-૧૨ સુધી સળંગ ‘ઘરશાળા’માં ભણ્યા. બાળકને ઘર જેવું લાગવું જોઈએ તેથી ઘ૨શાળા. દસ વર્ષના હતા ત્યા૨થી જ્યોતિભાઈને ન. પ્ર. બુચ સાથે સંબંધ. તેની અસર આજે ય ખરી. બાહ્ય વાતાવરણ આશ્રમ જેવું નહીં પણ બાકી બધું એવું. શાળા નાની, પાંત્રીસનો વર્ગ એક જ. જાણીતા ફોટોગ્રાફર કિશોર પારેખ, છેલ્લાં પચાસ વર્ષોથી અમેરિકા વસતા શિલ્પી નરેન્દ્ર પટેલ વર્ગમિત્રો. દક્ષિણામૂર્તિમાં ટાગોરનો પ્રભાવ હતો. માતૃભાષામાં જ ભણવાનું. પરીક્ષા નહીં. માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ઇન્દ્રિયોનો અનુભવ. માપદંડ નહીં પણ વેલ્યુ જજમૅન્ટ. શીખવવું એ જ હેતુ, પરીક્ષાની હુંસાતુંસી નહીં. ઘરશાળા સિવાય ક્યાંય સહશિક્ષણ ન હતું. ટાબરિયાંઓને પણ શિક્ષકો તું કહીને ન બોલાવે. ભાવનગર રાજ્યની ઑલિમ્પિક થતી ત્યારે. ઘરશાળાનું એમાં પર્ફોર્મન્સ સારું, પણ પુરસ્કાર લેવા નહીં જવાનું! પોસ્ટ વર્લ્ડ વૉર પુસ્તક લખાયું તોતોચાન.’ એમાં જે શાળાની વાત લખી છે તે તો બધું જ ઘરશાળામાં હતું જ! હ૨ભાઈ- માધવજીભાઈ પટેલ-જગુભાઈ શાહ. શિન-રિવ અને વરસાદ પડે ત્યારે શાળા બંધ! રવીન્દ્રનાથ ટાગોરની અસર સાથે પ્રહ્લાદ પારેખ ઘરશાળામાં, એટલે વર્ષામંગલ’ ગવાતું ચોમાસામાં. આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. હરભાઈ સહિત બધા એમાં ફરવા નીકળતા. પક્ષીઓમાં રસ લેતા કર્યા નહીં, પણ થયા! નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? એના બદલે ચીતરીને જ્યોતિભાઈ દેખાડે જગુભાઈ શાહને. ‘ગુભાઈ સારા ચિત્રકાર – સારા શિક્ષક – બાળકોમાં રસ લેનાર જીવ. અમે ચિત્રકાર હોઈએ એવો અહેસાસ કરાવનાર શિક્ષક. આજે પીંછી-પેન્સિલ કે કૅમેરો પ્રેમથી રમાડી શકું છું તેનો બધો જશ ચિત્રશિક્ષકોને…. જ્યોતિ ભટ્ટ અહોભાવથી કહે છે. પ્રખર ચિત્રકાર જ્યોતિ ભટ્ટનું પ્રથમ ચિત્ર સર્જાયું ૧૯૪૬માં બાર વર્ષની ઉંમરે! હિરજન માથે મળનો ડબ્બો લઈને જતો હોય તેવું ચિત્ર. જુગુપ્સા.’ વિરોધ થયેલો. આવું ગંદું ચિત્ર? ત્યારે લાગેલું જ્યોતિભાઈને કે : ‘આ ચિત્ર ગંદું અને ચિત્રનો વિષય ગંદો, એમાં ફેર છે. જુગુપ્સા જન્મે એટલી વાસ્તવિકતા સર્જે તે ચિત્ર ગંદું કેવી રીતે હોઈ શકે!’
ધૂરંધર શિક્ષકોની મૂડીથી ભર્યાભર્યા થયા જ્યોતિભાઈ. બુચભાઈ, હરભાઈ, એન. એસ. બેન્દ્રે (પછીથી અમદાવાદના સ્લમમાં જઈ શિક્ષણની ધૂણી ધખાવનાર) રઘુભાઈ નાયક, છેલભાઈ વ્યાસ…! છેલભાઈએ ઇતિહાસ એવો દિલથી શીખવેલ કે
જ્યોતિભાઈના મનમાં અંગ્રેજો પ્રત્યેની નફરત વધી, પરિણામે મૅટ્રિકમાં અંગ્રેજીનું પેપર દેવા ન ગયા! વર્ગની ભીંત ઉપર ચિત્રો દોરાવવાની શરૂઆત જગુભાઈએ કરાવેલી… (આજે જે બાલમિત્ર વર્ગની સંકલ્પના છે તેનો ઉદ્ભવ જગુભાઈએ નીજી ઉત્સાહથી કરેલો વર્ષો પહેલાં!) જ્યોતિ ભટ્ટ અને મિત્રોએ પોતાનાં કદથી ચાર-પાંચ ગણાં મોટાં ચિત્રો ક૨વા મળતાં ભીંત પર. ધ્રાંગધ્રા કોંગેરા ભરાયેલી. તેની રાજાવટ જગુભાઈએ સંભાળેલી, તેમાં જ્યોતિભાઈ હોંશેહોંશે જોડાયાનું યાદ કરે છે. આમ આતિભાસ પાક્કો બંધાવ્યો, વાતાવ૨ણે અને શિક્ષકોએ. જેમનાં નામ પાઠ્યપુસ્તકમાં વાંચતા તે બધા સંસ્થામાં નજર સામે આવતા! સુંદરમ્, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પ્રહ્લાદ પારેખ, શ્રીધરાણી સાથે સંવાદ સાધવાની તક મળેલી. શિશુવિહારે જ્યોતિ ભટ્ટને કેળવ્યા. શિશુવિહારમાં જીવનલક્ષી પ્રવૃત્તિઓ થતી. રમતગમત + વ્યાયામ + બૅન્ડ વગાડતાં શીખવું અને કોઈને ત્યાં વરઘોડામાં જઈ બૅન્ડ વગાડવાં + ફ્યુઝ બાંધતાં શીખવું + સાઇકલ રીપેરિંગ – પંક્ચર સાંધવું – ગ્રીષ્મ તાલીમ વર્ગો દરમ્યાન તો સાથે જમવું, ગાવું, નાચવું, ચોકીદારી કરવી, ચાલતાં ચાલતાં પ્રવાસો કરવા + શેરી નાટકો ક૨વાં અને ‘ચુંદડિયા બ્રાહ્મણ’નું નાટક કરી અંધશ્રદ્ધા દૂર કરવી.. ઘણું બધું કર્યું શિશુવિહારમાં અને દ્વારા… જીવન તરબતર થઈ ગયું જ્યોતિભાઈનું! નાનપણની પેલી બીક નીકળી ગઈ. જીવન એટલે પ્રવૃત્તિ જાણે કે
એસ.એસ.સી.માં ચિત્રમાં સૌથી ઓછા માર્ક હતા, પણ દિલમાં એક જ સ્વપ્ન કે શાંતિનિકેતન જવું છે, બસ.’ શા માટે તે કંઈ સ્પષ્ટ નહીં. વડોદરામાં કલાભવન ચાલતું હતું. વડોદરામાં જ એમ. એસ. યુનિવર્સિટીમાં પહેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હતી. નરેન્દ્ર પટેલ, સોમાભાઈ શાહ, એન. એસ. બેન્દ્રે, માર્કન્ડ ભટ્ટ… અહીં જ્યોતિ ભટ્ટે ડિપ્લોમા અને પોસ્ટ ડિપ્લોમા કર્યું. વડોદરામાં કેમ ભણ્યા તેની તો એક દાસ્તાન છે. પિતાજીની સ્થિતિ સારી નહીં. પક્ષી વિષેનું બારેક રૂપિયાનું એક પુસ્તક ખરીદવું હતું તો તે પિતા માટે મુશ્કેલ હતું. ‘આવતા મહિને લઈશું,’ એવું કહેલું ત્યારે. એટલે બને એટલા પૈસા ઘરેથી ઓછા લઈ વડોદરામાં ભણવું તેવું જ્યોતિભાઈએ નક્કી કરેલું. સાત વર્ષમાં દસ જગ્યા બદલી રહેવાની. હૉસ્ટેલમાં મિત્રના રૂમમાં સામાન પડ્યો રહે, રાત્રે અગાશી પર, સવારે બાથરૂમ વાપરીને કૉલેજમાં આખો દિવસ કાઢવાનો! સિનેમાની ઓરડીમાં રહ્યા, શિક્ષકોને ઘરે રહી ખાધું-પીધું! પણ આ મુશ્કેલીને જ્યોતિભાઈ સંઘર્ષ કહેવા તૈયા૨ નથી. જીવનની આ તો વાસ્તવિકતા છે, જે તમને ઘડે છે. ૧૯૫૪માં નેહરુએ પાર્લામેન્ટ હાઉસમાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યું, જેમાં ભારતનો ઇતિહાસ હોય. તેમાં બેન્દ્રેસાહેબના ચાર વિદ્યાર્થીઓનાં ચિત્રો ગયાં, તેમાં જ્યોતિ ભટ્ટ એક. પિતા માનભાઈ ભટ્ટ હંમેશાં કહેતા કે : ‘જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવાનું.’ ૧૯૫૭થી ૧૯૫૯ ભારત સરકારની ગુરુ-શિષ્ય કલ્ચરલ સ્કૉલરશિપ’ મળી. ગુરુઓ વડોદરા કૉલેજમાં જ હતા એટલે ત્યાં બે વર્ષો ગાળ્યાં. ગુરુવર્ય ટાગોરપ્રિય કે. જી. સુબ્રમણ્યમ જેને પ્રેમથી સૌ અમારા મણિસાહેબ’ કહેતા તે ઇંગ્લૅન્ડ ગયેલા તેના સ્થાને શીખવવાની પણ તક મળી. એ વખતે ફ્રીલાન્સ જીવવાનું અઘરું હતું. ૧૯૫૯થી ૧૯૯૨ સુધી સળંગ તેંત્રીસ વર્ષ જ્યોતિભાઈ એમ. એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. ઍક્સચેન્જ ઑફ સ્ટુડન્ટ ફેલોશિપ મળતાં ઇટાલી એક વર્ષ, અમેરિકા બે વર્ષ રહ્યા અને ત્યાંના મ્યુઝિયમો ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રૉકફેલર સ્કૉલરશિપ / ફેલોશિપ તથા વચ્ચે ટ્રાવેલ ગ્રાન્ટ. ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, ગ્રીસ, ન્યૂયૉર્કમાં બેસી ચિત્ર, ફોટોગ્રાફી અને લેખોનું સર્જન થયું. નૅશનલ એકૅડેમી દ્વારા નૅશનલ પ્રાઇઝ પ્રેસિડેન્ટ ગૉલ્ડ પ્લૅક’ મળ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાના સહિત ચાર પુરસ્કારો મળ્યા.
ફાઇન આર્ટ સ્કૂલમાં ચોવીસ કલાક કામ થઈ શકે તેવું વાતાવરણ મળ્યું. રાત્રે બે-અઢી સુધી કેવી રીતે કરવું’ તેની નહીં પણ ‘શું કરવું’ અને શા માટે કરવું’ની ગડમથલ ચાલતી. યુનિવર્સિટીમાં હડતાલ હોય પણ અમે પાછલા બારણેથી અંદર આવી કામ કરતા હોઈએ. સર્જનમાં એક વાર રસ પડે પછી વિસર્જનમાં કેવી રીતે રસ પડે?’ કહેનાર જ્યોતિ ભટ્ટ ૧૯૬૭થી ત્રીસ વર્ષ છબીકલામાં માહિર બન્યા. કલા સર્જન વિષે ‘કુમા૨’, મનીષા’, ‘ક્ષિતિજમાં નિયમિત લેખો લખ્યા. સુરેશ જોષીના પ્રથમ પુસ્તકનું ક્યુબિક ટાઇટલ પણ રચ્યું, ગુલામ મહોમ્મદ શેખ સાથે રહી (બ્લૉકનો ખર્ચ ન થાય એટલે) જાતે જ લાકડામાં બ્લૉક કોતરી આપ્યો! શેખ, ભૂપેન ખખ્ખર અને જ્યોતિ ભટ્ટે ફૉકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું. ગામના પાદરમાં રહેલા પાળિયાને કોઈ સાચવતું નથી. પાળિયાને સાચવવા તેને ઉપાડીને તો ન લઈ જવાય, લઈ જાવ તો જ્યાં રાખો ત્યાં શોભે નહીં. પણ તેની બિમાં તો તેને આયુષ્ય બક્ષી શકાય ને? આખરે તો વાત ઇમેજ ક્રિએટ કરવાની છે ને! પીંછી-કલમ કે કૅમેરો તો સાધન જ છે. ‘India 24 hours’ નામનું જબરું મોટું પુસ્તક થયું. તેમાં પચ્ચીસ ભારતીય ફોટોગ્રાફરોમાં એક જ્યોતિ ભટ્ટ છે. ૧૯૭૯માં આંત૨૨ાષ્ટ્રીય બાલવર્ષ દરમ્યાન તેમણે પ્રદર્શન કર્યું : શૈશવ. તેમાં પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ડોકું કાઢીને ઊભી છે ને પાછળ બ્લરમાં દોડતાં બાળકો છે, તેવો ફોટોગ્રાફ હતો એ.
જ્યોતિ ભટ્ટને વિચાર આવ્યો કે : “આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના બાપ ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. હોંગકોંગમાં આવેલ એશિયન આર્ટ આર્કાઇઝ દ્વારા જ્યોતિ ભટ્ટનાં સમગ્ર કાર્યને ડિજિટલાઇઝ કરવાનું કામ ચાલે છે. જ્યોતિ ભટ્ટ કહે છે : કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શે૨ ક૨વામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે? કૃષ્ણએ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું તે સાચું પણ જશોદાએ માટીમાં બ્રહ્માંડ જોયું તેનો આદર કેમ નહીં?’·
by Bhadrayu Vachhrajani | May 31, 2024 | જનકલ્યાણ |
by Bhadrayu Vachhrajani | May 4, 2024 | જનકલ્યાણ |
by Santulan | Mar 29, 2024 | જનકલ્યાણ |
by Santulan | Mar 2, 2024 | જનકલ્યાણ |
by Santulan | Feb 16, 2024 | Articles, જનકલ્યાણ, જાન્યુઆરી-૨૦૨૪ |