માનવું પડે કે ભગવાનના ઘરમાં આપણે કરેલા ભેલાણથી ભગવાન નારાજ છે, જોશીમઠનો દાખલો
આપણી સમક્ષ છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
વડીલો એવું કહેતા કે ભગવાનના સ્થાનકો તો દુર્ગમ સ્થળે જ હોય. ત્યાં પહોંચવું અઘરું હોવું
જોઈએ અને હતું જ. દેવી દેવતાઓ આપણાથી દૂર જ બેઠા છે. દેવીઓ તો લગભગ પર્વતો ઉપર
બેઠી છે અને દેવતાઓ એવા સ્થળે જઈને બિરાજમાન થયા છે કે ત્યાં પહોંચવામાં કષ્ટ પડે. એટલે તો
ત્યાં પહોંચવા માટેના પ્રવાસને યાત્રા કહેવાય. જો તમે મુશ્કેલી ભોગવીને, પરસેવો પાડીને ઈશ દર્શને
જાઓ તો તમને સાચો પ્રસન્નતાનો અનુભવ થાય. પણ આપણે હિંદુત્વના નામે દરેક દેવસ્થાન ઉપર
એવું અતિક્રમણ કરી રહ્યા છીએ કે જેમાં દેવસ્થાન નાનું અને સવલતોના ભવનો ખુબ મોટા બની
રહ્યાં છે.
વર્ષો પહેલા ઉત્તરમાં જ્વાલાજીની અચાનક મુલાકાત લેવાનું બનેલું ત્યારે એટલી અદભુત રીતે
જ્વાલાઓ સ્વંયમભુ પર્વતના નાનકડા ગોખલાઓમાંથી નીકળતી ભાળી હતી !! ત્યાં કોઈ મૂર્તિ નથી,
ત્યાં માત્ર જવાળાઓ છે. હમણાં શ્રી મોરારિબાપુની રામકથાનું આયોજન ત્યાં થયું ત્યારે ફરી જવાનું
બન્યું તો આખું દ્રશ્ય પલટાઈ ગયેલું. ચોતરફ બેરીકેટ બનાવીને કિલ્લા જેવી સ્થિતિ સર્જીને
જ્વાલાઓના દર્શન ભાગ્યે જ થાય તેવો યાત્રાધામનો ‘વિકાસ’ થયેલો જોઈ દુઃખ થયેલું. પવિત્ર
સ્થાનકોના ગર્ભબિંદુઓને as it is રહેવા દઈએ તો ?
કહે છે ઉત્તરાખંડના બહુ પ્રસિદ્ધ એવા જોશીમઠની જમીન પાણીમાં ગરકાવ થઇ રહી છે. ૫૦૦ થી
વધુ મકાનોમાં તિરાડો પડી છે અને મકાનો નીચેથી પાણી બહાર આવી રહ્યું છે. આપણને હિંદુઓને
સરળતાથી ત્યાં જઈને ભગવાનના દર્શન કરવાનો એક લ્હાવો મળે એવું કારણ આગળ ધરીને પવિત્ર
ચારધામ સુધી પહોંચવા માટેના સીધા મોટા હાઇવે બનાવી નાખવાનું શરુ થયું છે. પણ આજે તો એ
સ્થાનકોની હસ્તી ખોઈ બેસીએ એવી સ્થિતિ આપણે સર્જી રહ્યા છીએ. ચારધામ યાત્રાના ચારે ય
ધામ કુદરતે એકદમ દુર્ગમ સ્થળે સર્જ્યા છે અને એનું મૂળ સૌંદર્ય જાળવી રાખવું હોય તો એને એમ
જ રહેવા દેવા જોઈએ. પરંતુ આપણે એના સુધી પહોંચવા માટે નદીઓ દબાવીને માર્ગો અને
ઇમારતો ઉભી કરવા લાગ્યા. એ માર્ગોની નીચે વહેતો પ્રવાહ હવે વિદ્રોહ કરીને બહાર આવી રહ્યો છે.
આડેધડ બાંધકામ, આજુબાજુમાં મોટા મકાનો અને પર્વતની એક નાનકડી જગ્યાની ટોચ ઉપર મોટા
મોટા બિલ્ડીંગ્સ ઉભા કરવામાં આવ્યા છે. આ બધાને કારણે ત્યાં જમીન ઉપર ભાર વધી રહ્યો છે.
આપણે ગીરના જંગલમાં ભેલાણ કર્યું. અંદર ઘૂસીને આપણે રિસોર્ટ્સ બનાવ્યા એટલે સિંહો બહાર
આવ્યા. બસ, એવું જ થયું છે જોષીમઠના કિસ્સામાં. ઈશ્વરે પોતાનો પ્રકોપ દેખાડવાની શરૂઆત
કરી છે. છેક 1976થી ચેતવણી અપાતી આવે છે કે આ જગ્યા ભયમાં છે, ભૂકંપના ઉચ્ચ ઝોન
પાંચમા આ વિસ્તાર છે એટલે અહીં કશું બાંધકામ કરશો નહીં છતાં મનસ્વી રીતે વર્તીને સત્તાધીશોએ
આ ભયાનક સ્થિતિ સર્જી છે.
ભગવાન તો એના મૂળ સ્વરૂપમાં જ હોવા જોઈએ. . પણ આપણે તો આપણને ગમે તેવા ભગવાનને
બનાવવા માટે કોઈપણ વાઘા એને પહેરાવી દઈએ છીએ. જૂની પેઢી એવું કહેતી કે શિવલિંગ તો કોઈ
ખોજે તો જડે એવા દુર્ગમ સ્થાનમાં વધુ શોભાપ્રદ લાગે. આપણે ભગવાનોને સોનાથી મઢવા લાગ્યા,
મંદિરોને સોનાવાળા કરવા લાગ્યા, મંદિરોના કળશો ઉપર સોનુ જડવા લાગ્યા એટલે આપણા
ભગવાનને જાહોજલાલીવાળા બનાવીને જોવાનું પસંદ કરવા લાગ્યા. આ ભક્તિ નથી. ભગવાન
ભાવનો ભૂખ્યો છે એવું ભગવાને ખુદ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. પણ આપણે વિકાસની વાતને
ભગવાન ઉપર ઠોકી બેસાડવા લાગ્યા છીએ, પરિણામે જોશીમઠ જેવા ઉત્તમ અને પવિત્ર સ્થળને
જોખમમાં મૂકી રહ્યા છીએ. કેટલાય વર્ષો પહેલા નાની ઉંમરમાં જેમણે શાસ્ત્રોમાં એક ક્રાંતિ સર્જી
આપી તે આદિ શંકરાચાર્ય દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં આવેલા દેવસ્થાનોએ કેવી રીતે પહોંચ્યા
હશે ? ત્યારે ક્યાં રસ્તા હતા ? એને કેટલા વર્ષ લાગ્યા હશે ? આ બધા પ્રશ્નોના જવાબ મળે તો
આપણને ખ્યાલ આવે કે જ્યાં પરિશ્રમ નથી, જ્યાં પ્રસ્વેદ નથી, જ્યાં તકલીફો નથી ત્યાં ભગવાનના
દર્શનમાં મજા પણ નથી. દુર્ગમ દેવસ્થાનો પર પહોંચવા માટે સીધા હેલીકૉપટરથી ઉતરી શકાય તેવી
સગવડ કરવાની માણસે ભૂલ કરી છે તેનો બદલો જોષીમઠમાં આપણને ઈશ્વર દ્વારા મળી રહ્યો છે.
પૂજ્ય શ્રી ડોંગરે મહારાજે ભાગવત કથામાં એવું કહ્યું છે કે યાત્રાધામ ઉપર જઈને તમે તમારી કામ
વિલાસની વાસનાઓને ભોગવવા લાગ્યા છો એટલે ભગવાન નારાજ છે. વાતને સાચી માનવા જેવું
છે, કારણકે જોશીમઠનો દાખલો આપણી સમક્ષ છે.
