ઓશો અને મૃત્યુના અનુભવો: ઓશો મૃત્યુ સિખાતે હૈં!!

ઓશો અને મૃત્યુના અનુભવો: ઓશો મૃત્યુ સિખાતે હૈં!!

 

 

 

 

 

 

જીવન માટેની તૃષ્ણા શરૂ થાય તે પહેલાં મૃત્યુએ મારી સામે તાકીને જોયું.”

ઓશોને મૃત્યુનો પહેલો અનુભવ નાની બહેન કુસુમના અવસાન સમયે થયો. ઓશોને એ ખૂબ વહાલાં હતાં. એમના અવસાનથી ઓશો ખૂબ વ્યથિત થયા અને ભોજનનો ઇનકાર કરી દીધો અને પારંપરિક જૈન સાધુની જેમ વર્તવાનો આગ્રહ કર્યો, પંચિયું પહેરીને ભિક્ષાપાત્ર લઇ લીધું. તેઓની માતાએ એ દૃશ્યનું વર્ણન કરતાં આ પ્રમાણે કહ્યું- ‘‘તે એમને એક પંગતમાં ભોજન લઇને બેસવાનું કહેતા. સાધુ જેવાં વસ્ત્રો પહેરીને એક છેડેથી બીજા છેડે હાથમાં ભિક્ષાપાત્ર લઇને ભોજન માગતા.”,

મૃત્યુ સાથેના આવા અનેક સામનાઓ એમના પોતાના જ અનુભવોનો એક ભાગ હતા. એમાંના મહત્ત્વના ત્રણ પ્રસંગો વિશે એક જ્યોતિષીએ આગાહી પણ કરી હતી. ઓશોના દાદાએ એક અતિ નામાંકિત જ્યોતિષીની સલાહ લીધી હતી, જેમણે ઓશોના જન્માક્ષર જોઇને આગાહી કરી હતી કે, આ બાળક સાત વર્ષ પછી જીવિત નહીં રહે. તેઓએ એ વાતને નોંધપાત્ર ગણી નહીં, માટે આટલું અલ્પ જીવન નિયત થયેલી વ્યક્તિ માટે બીજી કુંડળી તૈયાર કરાવી. જ્યોતિષીના અવસાન પછી, એમના દીકરાએ ઓશોની જન્મપત્રિકા પર કાર્ય કરવાનું ચાલું રાખ્યું. પુત્ર પણ મૂંઝવણમાં મુકાયા અને છેવટે જાહેર કર્યું કે, આ બાળક દરેક સાત વર્ષ પછી મૃત્યુનો સામનો કરશે અને એકવીસ વર્ષની ઉંમરે લગભગ મૃત્યુ પામશે. આ ભવિષ્યવાણીએ સ્વાભાવિક રીતે જ ઓશોનાં માતા-પિતા અને કુટુંબીજનોને ચિંતામાં મૂક્યાં. પણ, ઓશો નોંધે છે તેમ, જ્યોતિષીઓ એક રીતે સાચા હતા, સાત, ચૌદ અને એકવીસ એ વર્ષો હતાં જેમાં એમણે મૃત્યુનો ઊંડાથી પણ ઊંડો સામનો કર્યો.

ઓશો મૃત્યુના એમના પ્રથમ સૌથી ગહન અનુભવ વિષે બોલતાં કહે છે : સાત વર્ષની ઉંમરે હું બચી ગયો, પણ મને મૃત્યુનો ગહન અનુભવ થયો, મારો પોતાનો નહીં પણ મારા નાનાના અવસાનનો. હું એમની સાથે એટલો બધો જોડાયેલો હતો કે, એમના મૃત્યુમાં મને મારું જ મૃત્યુ દેખાયું. મારા નાનાએ મૃત્યુ પહેલા આઘાતમાં જ એમની બોલી ગુમાવી દીધી. ચોવીસ કલાક તો અમે ગામમાં રાહ જોઈ કે કોઈને કોઈ ઘટના તો બનશે, જો કોઈ સુધારો થયો નહીં. મને યાદ છે, એ કૈંક બોલવા માટે મથામણ કરી રહ્યા હતા, પણ કંઇ કરી શક્યા નહીં. એમને કંઇક કહેવું હતું, પણ કહી શક્યા નહીં. એટલે અમારે એમને બળદગાડામાં ગામ તરફ લઇ જવા પડ્યા. ધીમે ધીમે એમની ઇન્દ્રિયોએ એક પછી એક એમ કામ કરવાનું છોડી દીધું. તેઓ એક જ ઝાટકે મૃત્યુને ન પામ્યા, પણ ધીમે ધીમે અને દર્દપૂર્ણ રીતે. પ્રથમ તેઓનું બોલવાનું બંધ થયું. પછી સાંભળવાનું. પછી તેઓએ એમની આંખો પણ બંધ કરી. બળદગાડામાં હું આ બધું ખૂબ નજીકથી જોતો રહ્યો અને બત્રીસ કિલોમીટરની લાંબા અંતરની મુસાફરી હતી. જે કંઇ બની રહ્યું હતું એ એ સમયે મારી સમજની બહાર હતું. આ પહેલું મૃત્યુ હતું જેને હું મારી નજરે જોઈ રહ્યો હતો અને તેઓ ગુજરી રહ્યા છે તે પણ હું સમજી શકતો નહોતો. ઇન્દ્રિયોને ધીમે ધીમે ગુમાવતાં છેવટે એમનું મરી જવું, એણે મારી સ્મૃતિ પર ખૂબ ઊંડી છાપ અંકિત કરી.’ એવું લાગ્યું, જાણે એમના વહાલા નાના અદૃશ્ય થઇ જવાથી ઓશોની આખી દુનિયા જ અલગ થઇ ગઇ હોય.

ઓશો એમના નાનાના અવસાન વખતે એમને કેવું લાગી આવ્યું હતું એ વર્ણવતાં કહે છે.

“જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે મને લાગ્યું કે, ખાવું એ એક વિશ્વાસઘાત થઇ પડશે. હવે, મારે જીવવું નથી. જો કે એ નાદાની હતી, પણ એ દ્વારા કશું ગહન ઘટી ગયું. ત્રણ દિવસ હું પડી જ રહ્યો. હું પથારીમાંથી બહાર નહોતો નીકળતો. હું કહેતો, જો એ મરી ગયા છે તો હું જીવવા નથી ઇચ્છતો.’ હું જીવી ગયો પણ એ ત્રણ દિવસો મૃત્યુનો અનુભવ બની ગયા. હું એક રીતે મરી ગયો હતો. અને મને એ સમજમાં આવ્યું હતું કે – હવે, એ વિશે હું કહી શકું એમ છું કે-એ સમયે એ એક અસ્પષ્ટ અનુભવ જ હતો. મને એ લાગી રહ્યું હતું કે મૃત્યુ અસંભવ છે.”

ઓશો એ વાતને આ રીતે મૂકે છે: જીવન માટેની તૃષ્ણા શરૂ થાય તે પહેલાં મૃત્યુએ મારી સામે તાકીને જોયું. મારા જીવનના પ્રથમ તબક્કે જ કોઇપણ મારા જીવનનું કેન્દ્ર બને એ શક્યતા જ મારા માટે નાશવંત થઇ ગઇ. સાત વર્ષની ઉંમરે એકાંતની હકીકતે મારો કબજો લઇ લીધો. એકલતા મારો સ્વભાવ બની ગઇ. એ મૃત્યુએ

મને બધા સંબંધોમાંથી હંમેશાં માટે મુક્ત કરી દીધો. એ મૃત્યુ મારા માટે તમામ વળગણોનું મૃત્યુ બની રહ્યું. એ પછી હું કોઇની પણ સાથે બંધન પ્રસ્થાપિત ન કરી શક્યો. જયારે પણ કોઈની સાથેનો સંબંધ પ્રગાઢ બને કે મૃત્યુ મને તાકી રહેતું.’

ઓશો સમજાવે છે કેઃ ‘એ એકલતાની પ્રથમ લાગણી ઊંડીને ઊંડી બનતી ગઈ, જીવનમાં કશુંક નવું જ ઘટી રહ્યું હતું. પ્રથમ તો એ એકલતાએ મને દુ: ખી જ કર્યો, પણ ધીમે ધીમે એ સુખમાં પરિવર્તિત થતી ગઇ. એ પછી, મેં કદી અસુખને સહન કર્યું નથી.’

એમને એ દેખાવા લાગ્યું કે એ એકલતા વાસ્તવમાં પોતાની જાતના જ કેન્દ્રમાં રહેવાની એક અવસ્થા છે, એવી અવસ્થા જેમાં બીજા પર અવલંબિત રહેવાનું બહુ ન લાગે. અવલંબનમાંની આ મુક્તિએ વાસ્તવમાં તેઓને કાયમી સુખી બનાવી દીધા. તેઓ નોંધે છે: ‘પોતાની જાત તરફ પુનઃ પાછા વળવા સિવાય બીજો કોઇ માર્ગ જ નથી. આ કહેવા, હું મારી જાતમાં પાછો ફેંકાયો. ધીમે ધીમે તેણે મને વધુને વધુ સુખી બનાવ્યો. પાછળથી મને એ લાગ્યું કે એ નાજુક ઉંમરમાં મૃત્યુનું એ અવલોકન મારા માટે અભિશાપમાં આશીર્વાદ બની રહ્યું.’ આ ઘટનાની નાના બાળકના વિકાસમાં બહુ ગહેરી અસર હતી. ઓશો તેને પોતાના શબ્દોમાં મૂકે છે. ‘આ ઘટનાને હું પ્રથમ ગણું છું કે જેણે મારા પર ઊંડી અસર અને છાપ છોડી હોય. દિવસથી, પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ, જીવનની સજગતા અચૂકપણે મૃત્યુની સજાગતા સાથે જોડાઇ ગઇ. ત્યારથી હોવું કે ન હોવું મારા માટે સરખાં મૂલ્યવાન બની ગયાં.’

ઓશો એક એવી વ્યક્તિ શોધવામાં નસીબદાર હતા જે નદીના પ્રેમમાં ગરકાવ હતી. આ માણસે યુવાન ઓશોને તરવાના પ્રથમ પાઠો આપ્યા, નદીનો સ્પર્શ કરાવી આપ્યો. આ તરવૈયા ગુરુએ જે રીતે તરવાનું શીખવ્યું કે તે થકી યુવાન ઓશોને સંપૂર્ણ રીતે સમગ્ર હોવાના રહસ્યમાં અત્યંત આંતરસૂઝપૂર્વકના અનુભવો આપ્યા. ઓશો એને આ રીતે વર્ણવે છેઃ ‘મારા બાળપણમાં મને તરવૈયા ગુરુ પાસે મોકલાવ્યો. તેઓ ગામમાં સૌથી સરસ તરવૈયા હતા અને હું કોઇ એવી વ્યક્તિના સંપર્કમાં કદી ના આવ્યો જે પાણીના આટલા ગહેરા પ્રેમમાં હોય. પાણી એમના માટે ઇશ્વર હતો. એમણે એની ભક્તિ કરી હતી – અને નદી એમનું ઘર હતી. સવારે વહેલા ત્રણ વાગ્યે તમે એમને નદીમાં જૂઓ અને રાત્રે તમે એમને નદી પાસે ધ્યાનમાં બેઠેલા પણ જૂઓ. એમની આખી જિંદગી નદીની સાથે રહેવાનો સરવાળો હતો.’

“જ્યારે મને એમની પાસે લાવવામાં આવ્યો—મારે કેવી રીતે તરવું એ શીખવું હતું-એમણે મારી સામે જોયું, એમને કંઇક લાગ્યું. એમણે કહ્યું, ‘કેવી રીતે તરવું એ શીખવાનો કોઇ રસ્તો નથી. હું તને બસ પાણીમાં ફેંકી દઉં અને તરવું તો એમાંથી જ નીકળશે. એને શીખવાનો કોઇ માર્ગ નથી – એ શીખવી પણ શકાય નહીં. એ કુનેહ છે, જ્ઞાન નહીં.’ અને એમણે એ જ કર્યું – એમણે મને પાણીમાં ફેંક્યો અને તેઓ કિનારે ઊભા રહ્યા. બેથી ત્રણ વખત હું નીચે સરકી ગયો અને મને લાગ્યું કે હું લગભગ ડૂબી રહ્યો હતો. તેઓ ત્યાં ઊભા જ રહ્યા હતા. તેઓ મને બચાવવાનો પણ પ્રયાસ કરતા નહોતા! અને ચોક્કસ જ્યારે જિંદગી દાવ પર લાગી હોય, ત્યારે તમે જે કરી શકતા હો તે બધું જ કરો. અને મેં મારા હાથ ફેંકવા માંડ્યા, ગમે તેમ, ઉતાવળા, ઉતાવળા પણ ધીમે ધીમે કુશળતા આવવા માંડી. જ્યારે જિંદગી દાવ પર લાગી હોય, ત્યારે તમે જે કરી શકતા હો તે બધું જ કરો – અને જ્યારે પણ તમે કંઇ સમગ્રતાથી કરો, ઘટના ઘટી જાય છે.” “હું તરી શક્યો! હું અચંબિત હતો! ‘ફરી વખત,’ મેં કહ્યું, ‘તમારે મને પાણીમાં નાખવાની જરૂર નથી, હું જાતે જ કૂદીશ. હવે મને ખબર છે કે શરીરની કુદરતી શક્તિ છે. આ તરવાનો પ્રશ્ન નથી. આ પાણીરૂપી તત્ત્વ સાથે તાલ મેળવવાનો પ્રશ્નન છે. એક વખત તમે પાણીરૂપી તત્ત્વ સાથે તાલ મેળવી લો છો પછી પાણી તમારું રક્ષણ કરે છે.

ઓશોએ મૃત્યુનો ખુલ્લંખુલ્લા સામનો કરવા માટે નદીનો ઉપયોગ કેવી રીતે કર્યો, એ જાણવું રોચક બની રહેશે. (ક્રમશ:)

 

“યાદ રાખો કે તમે બુદ્ધ છો.”

“યાદ રાખો કે તમે બુદ્ધ છો.”

 

 

 

 

 

 

 

       “બસ, મને જવા દો. અસ્તિત્ત્વ પોતાનો સમય નક્કી કરે છે.”

રજનીશ જે સવારે ૪.૦૦ વાગ્યે પૂના પહોંચ્યા અને મજાની વાત એ બની કે તેના ચાર કલાક પછી રજનીશ તેમની પથારીમાં જ હતા ત્યારે પોલીસે આવીને તેમને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપી દીધો. આ ઘટના રજનીશની સમજ બહારની હતી, કેમ કે તેમણે એવો કોઇ ગુનો કર્યો ન હતો જેને કારણે તેમને તેમના પોતાના જ દેશના, પોતાના જ ઘરની બહાર નીકળી જવાનું કહેવામાં આવે પણ પોલીસના શબ્દોમાં “તમે એક વિવાદાસ્પદ વ્યક્તિ છો અને પોલીસ કમિશનર એમ માને છે કે તમારી હાજરી શહેરમાં હિંસા ફેલાવી શકે છે.” બીજા દિવસે રજનીશના વકીલે પોલીસ કમિશનરને મળીને પરિસ્થિતિની જાણ કરી ત્યારે મામલો શાંત પડયો.

જો કે હજી વાત પુરી થઈ ન હતી અને ઘટનાક્રમ જારી હતો. ફેબ્રુઆરીની એક રાત્રે અચાનક પોલીસ આવી અને ૧૧ આશ્રમવાસીને લઈને જેલમાં પૂરી દીધા.  આશ્રમના ટેલિફોનના વાયર કાપી નાખવામાં આવ્યા. સવારે પોલીસની વાન આવી. કથિત ‘ગેરકાયેદસર બાંધકામ ધરાવતા’ આ આશ્રમને તોડી નાખવા માટે, પણ ભલું થાય નગર યુવા કોંગ્રેસના નેતા બાબાસાહેબ બોરાડેનું જે આ તમાશો જોઈ રહ્યા હતા અને જાણી ગયા હતા. તેમણે જાહેરાત કરી કે ‘અમે તમારા માટે લડીશું’ પાછળથી આ ખોટા કામ માટે પૂનાના મેયરે તેમને મળીને તથા તેમને પત્ર લખીને માફી માગતાં કહ્યું કે પૂના શહેરમાં તમારું સ્વાગત છે અને હું ઇચ્છું છું કે તમે હંમેશાં અહીં રહો.” અને આમ જ બન્યું. રજનીશે પોતાના છેલ્લા શ્વાસ આ જ પૂના શહેરમાં પોતાના કમ્યુનમાં લીધા.

આ દરમિયાન કમ્યુનનો વ્યાપ વધતો રહ્યો. તેની પ્રવૃત્તિઓ પણ પોતાની રીતે આગળ વધતી રહી પણ સૌથી ચિંતાજનક બાબત એ હતી કે, ઓશોનું આરોગ્ય સતત કથળતું રહ્યું હતું. ૧૯૮૭નો ઓક્ટોબર આવતા સુધીમાં તો તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા. ૧૯૮૭ની છઠ્ઠી નવેમ્બરે તેઓ પ્રવચન આપવા આવ્યા અને એ વખતે તેમણે પોતાના આરોગ્ય વિશે વિગતવાર વાત કરી હતી. એ પ્રવચનનો આ ભાગ માત્ર ઓશોની ગંભીર તબિયતની જ જાણકારી આપતો નથી, પરંતુ તેમની વિરુદ્ધમાં રચાયેલા કાવતરા તથા તેમ છતાં તેમની હિંમતનો પણ પરિચય આપે છે. ઓશોએ પોતાના આ પ્રવચનમાં કહ્યું હતું કે, “હવે ડો. અમૃતોને લાગે છે કે, મને ઝેર આપવામાં આવ્યું છે. કદાચ તેમણે મને એ તમામ છ જેલમાં ઝેર આપ્યું હતું. આ જ કારણ હતું કે તેમણે (અમેરિકા) મને જામીન આપ્યા ન હતા અને આ જ કારણ હતું કે છ કલાકની મુસાફરી ૧૨ દિવસમાં પૂરી કરવામાં આવી. આ એક ધીમે ધીમે ઝેર આપવાની રીત હતી જેથી મારું તરત જ મૃત્યુ થાય નહીં, જેથી ધીરે ધીરે હું નબળો પડતો જાઉં અને તેનાથી જ હું નબળો પડી ગયો છું.”

“અમેરિકાની જેલમાં ગાળેલા એ ૧૨ દિવરાના સમયગાળા પછી જ મારી ઊંઘ ઊડી ગઈ છે. શરીરમાં એવું ઘણું બધું થાય છે જે પહેલાં ક્યારેય થતું ન હતું. ભૂખ પૂર્ણ રીતે સમાપ્ત થઈ જવી, ખોરાકમાં સ્વાદ લાગે નહીં, પેટમાં ગરબડ રહેવી, શ્વાસ રૂંધાવો, ઊલટી-ઉબકા આવવા, તરસ લાગવી. એક એવી લાગણી થવી કે જાણે મૂળમાંથી જ કાંઈક ઉખડી ગયું હોય. નર્વસ સિસ્ટમમાં પણ લાગતું હતું કે કાંઈક અસર થઈ ગઈ છે. ઘણીવાર આખા શરીરમાં ઝણઝણાટી આવી જતી હતી જે એટલી તીવ્ર હોય છે કે બંને હાથ અને પગમાં ખેંચ આવી જાય છે.”

“જે દિવસે હું જેલમાં પ્રવેશ્યો, એ દિવસે મારું વજન ૧૫૦ પાઉન્ડ હતું. આજે મારું વજન માત્ર ૧૦૦ પાઉન્ડ છે. મારો ખોરાક એવોને એવો જ છે પણ કોઈ કારણ વિના વજન ઘટી રહ્યું છે અને એક સૂક્ષ્મ નબળાઈ ઘર કરી ગઈ અને ત્રણ મહિના પહેલાં મારા જમણા હાથના હાડકામાં દર્દ શરૂ થઈ ગયું. આ તમામ લક્ષણ ઝેરનાં છે. મારા વાળ ઘટી રહ્યા છે, મારી દ્રષ્ટિ નબળી પડી ગઈ છે, મારી દાઢી સફેદ થઈ ગઈ છે. જેવી ૭૫ વર્ષના મારા પિતાની હતી. અમેરિકાએ મારા જીવનનાં લગભગ ૨૦ વર્ષ આંચકી લીધાં છે”.

“ડોક્ટર અમૃતોએ તરત જ તમામ ડૉક્ટરોને જાણ કરી જેઓ મારા સંન્યાસી હતા. તેમણે તમામને કહ્યું કે, તેઓ વિશ્વના તમામ ઝેર નિષ્ણાતોનો સંપર્ક કરે અને મારા ડોક્ટર્સમાંથી એક ડોક્ટર ધ્યાન યોગી તરત જ મારા લોહી અને વાળના નમૂના લઈને ઈંગ્લેન્ડ અને જર્મનીના નિષ્ણાતોને મોકલવા માટે રવાના થઈ ગયા.”

“યુરોપના તમામ નિષ્ણાતોનું માનવું છે કે, બે વર્ષ પછી શરીરમાં ઝેર શોધી કાઢવું શક્ય નથી પરંતુ તમામ લક્ષણ પરથી ખ્યાલ આવે છે કે ચોક્કસપણે ઝેર અપાયું છે.”

આમ છતાં ઓશોનાં પ્રવચનો જારી રહ્યાં. તેઓ થાક્યા હતા પણ હાર્યા હતા. ક્યારેક તો તેમનાં પ્રવચન લાંબાં ચાલતાં હતાં પણ આખરે ક્યાં સુધી આ બધું શક્ય બને, શરીરનું પણ પોતાનું વિજ્ઞાન હોય જ છે ને? અંતે ૧૯૮૯ની ૧૦મી એપ્રિલ એ દિવસ બની ગયો જ્યારે ઓશોએ પોતાનું છેલ્લું પ્રવચન આપ્યું. તેમના આ અંતિમ પ્રવચનના અંતિમ શબ્દો હતા. ‘જેને તમે ઓશોનો અંતિમ સંદેશો પણ કહી શકો છો કે યાદ રાખો કે તમે બુદ્ધ છોસમ્માસતિ.”

ઝેર તો ઝેર જ હોય છે. ઝેરે પોતાની અસર હવે દેખાડવા માંડી હતી. હવે પોતાના શિષ્યોના પ્રશ્નોના જવાબ આપવા માટે લાંબા પ્રવચન કરવાની રજનીશની સ્થિતિ ન હતી. તેમનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું, થાકી રહ્યું હતું, તેમના બાવડામાં બળ રહ્યું ન હતું અને એટલો દુ: ખાવો થતો હતો કે તેમને હલાવવા કે અહીથી ત્યાં ખસેડવા પણ શક્ય ન હતું પરંતુ તેઓ ગમે તેમ કરીને ૧૯૯૦ની ૧૬મી જાન્યુઆરીએ તેમના પૂના આશ્રમના બુદ્ધા હોલમાં આવ્યા અને અહીંથી પોતાના શિષ્યોને અંતિમ દર્શન આપ્યા.

બીજા દિવસે એટલે કે ૧૭ મી જાન્યુઆરીએ ડૉ. અમૃતોએ આવીને ઓશોના એ સંદેશાની જાહેરાત કરી કે ઓશો હવે આવીને માત્ર “નમસ્તે” જ કહેશે. દેખીતી વાત હતી કે આ જાહેરાત ઓશોની તબિયત લથડતી હોવાનો પુરાવો હતો. ૧૮મી જાન્યુઆરીએ તો તેમણે સંદેશો પણ મોકલી દીધો કે “તેમની હાજરીનો એવો જ અનુભવ કરાશે જાણે કે તેઓ અહીં જ છે.” આ સંદેશાથી તમામ સંન્યાસીઓના ચહેરા પર ચિંતા પ્રસરી ગઈ. ઊંડી ચિંતા પ્રસરી ગઈ. બધા સમજી ગયા હતા પણ મૌન હતા અને અંદરથી ભગવાનને પ્રાર્થના કરતા હતા કે સૌ સારાં વાનાં થઈ જાય.

અને પછી આવી એ છેલ્લા દિવસની છેલ્લી ક્ષણ. જ્યારે ધરતી નામના ગ્રહ ઉપર ૫૯ વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી આ વિદ્રોહી, ક્રાંતિકારી અને પોતાની રીતના એક અનોખા સંતે અહીંથી કાયમ માટે વિદાય લઈ લીધી. ૧૯૯૦ની ૧૯મી જાન્યુઆરીએ સાંજે ૫.૦૦ વાગ્યાનો સમય અને સ્થળ પૂનાનો આશ્રમ. જયારે લોકો ઓશોનાં દર્શન માટે એકત્રિત થયા તો ડો. અમૃતો આવીને આ કડવા સત્યની જાહેરાત કરે છે કે “ઓશો હવે આપણી વચ્ચે રહ્યા નથી”. માત્ર આ શબ્દોએ ઓશોના ૫૯ વર્ષને સમેટીને તેની સમાપ્તિની જાહેરાત કરી દીધી.

શરીર છોડતા અગાઉ ઓશોએ જયેશને બોલાવીને કહ્યું કે “આનંદો મારું માધ્યમ હશે.” ઓશોએ નિવેદન આપ્યું હતું કે તેમણે પોતાના સંન્યાસીઓને મૃત્યુ ઉપર ઉત્સવ મનાવવાનું શીખવ્યું છે એ જ રીતે મારા મૃત્યુનો પણ ઉત્સવ મનાવવો.

પરિણામે પહેલાં તો તેમના મૃતદેહને દસ મિનિટ માટે બુદ્ધા હોલમાં ઉત્સવ માટે લાવવામાં આવ્યો અને પછી ભવ્ય સરઘસ સાથે સ્મશાને લઈ જવાયો જયાં આખી રાત ઉત્સવ મનાવાયો. ૨૧મી જાન્યુઆરીએ ઓશોનાં અસ્થિ તેમની સમાધિ સુધી લાવવામાં આવ્યાં. આ સમાધિ ચ્યાંગત્સુ ઓડિટોરીયમમાં છે. જેને તેમના બેડરૂમમાં બદલી નખાયો હતો. હવે આ સમાધિ સ્થળે મૌન—ધ્યાન ધરવામાં આવે છે.

રજનીશના મૃત્યુ અગાઉથી જ કેટલીક ઘટનાઓને જોઈને લાગે છે કે, રજનીશ ને પોતાના મૃત્યુનો આભાસ થઈ ગયો હતો. છ મહિના પહેલાં જ તેમણે પોતાની સમાધિ બંધાવી હતી. મૃત્યુના નવ મહિના અગાઉ તેમણે પ્રવચન આપવાનું બંધ કરી દીધું હતું અને કહ્યું હતું કે “મારા વિના જીવતાં શીખો.” ત્યાં સુધી કે તેમણે પોતાના પુસ્તકાલયમાં જઈને પોતાના પુસ્તકો ઉપર શીર્ષકો લખ્યાં, જેવા કે થોડીવાર પોકાર કરીશ અને પછી ચાલ્યો જઈશઅનેઅહીંથી નીકળ્યો તો વિચાર્યુ કે સલામ કરતો જાઉં વગેરે…

મૃત્યુના એક દિવસ અગાઉ તો ઓશોએ પોતાની નિકટના અમૃતો અને જયેશને સ્પષ્ટ કહી દીધું હતુ કેબસ, મને જવા દો. અસ્તિત્ત્વ પોતાનો સમય નક્કી કરે છે.” અને તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે દસ મિનિટ માટે મને બુદ્ધા હોલમાં લઈ જવો અને પછી સીધો સ્મશાને અને ત્યાં લઈ જતાં પહેલાં મને ટોપી અને મોજા પહેરાવી દેવા.”

ઓશો વિશે પણ તેમણે કહ્યું હતું કે “મૃત્યુ પછી પણ હું મારા લોકો વચ્ચે અત્યારે છું એટલો જ હાજર રહીશ પણ એ તેમની ઉપર આધારિત છે તેથી હવે હું ધીરે ધીરે તેમની દુનિયામાંથી વિદાય લઇ રહ્યો છું જેથી હવે તેઓ પોતાના બળ પર ઊભા રહે.” (ક્રમશ:)

 

“ભગવાન તમને પૂના બોલાવે છે.”

“ભગવાન તમને પૂના બોલાવે છે.”

 

 

 

 

 

 

 

અમે બાર થી સોળ કલાક કામ કરતા હતા. સવારે થી સાંજે સુધી ને વચ્ચે બે કલાકનો વિરામ રહેતો.”

સ્વામી: હું શિકાગોની કૉલેજમાં ડિરેક્ટર હતો. પણ સાન ફ્રાન્સિસ્કોમાં શ્રી અરવિંદના ભક્ત ડૉ. હરિદાસ ચૌધરી હતા. એમણે એક ઇન્સ્ટિટ્યૂટ ખોલ્યું હતું. એમના નિધન પછી એમના પત્ની તે સંભાળતાં હતાં. એમને એક એકેડેમિક ડીનની જરૂર હતી. એમણે મારો સંપર્ક કર્યો અને એ પદ માટે મને બોલાવ્યો. તેથી હું શિકાગોથી સાન ફ્રાન્સિસ્કો આવ્યો. 1976થી 1979 સુધી ત્યાં રહ્યો.

1979માં પૂનાથી સંદેશો આવ્યો કે, ભગવાન તમને પૂના બોલાવે છે. મેં એ સંસ્થામાંથી રાજીનામું આપ્યું અને 1979માં પૂના આવ્યો અને 1981 સુધી ત્યાં રહ્યો. 1981માં ઓશો અમેરિકા જવા રવાના થયા. એમને બેક પેઇનની તકલીફ હતી તે માટે અમેરિકામાં સારી સારવાર મળે એમ હતું. ઓશોએ એ વખતે ત્રણ જાહેરાત કરી. એક, પોતે મૌનમાં જશે. તેઓ દોઢબે વર્ષ સુધી મૌનમાં રહ્યા. બીજું, સંન્યાસદીક્ષા અને દર્શન નહીં આપે. ત્રીજું, હવેથી મા યોગ લક્ષ્મી, હું અને ત્રીજા એક સંન્યાસી હતા ત્રણ દીક્ષા આપશે. આવી જાહેરાત કરીને તેઓ અમેરિકા જતા રહ્યા. મને તો કશી ખબર નહોતી કે દીક્ષા આપવામાં શું કરવાનું? દીક્ષા આપતી વખતે હું ઊભો થયો અને ઓશોની તસવીરને પગે લાગીને મેં તેઓ કરતા હતા એ રીતે કર્યું. ઓશોએ તે જાણ્યું ત્યારે કહેલું કે તમે કરો છે એ રીતથી હું ખુશ છું. 1981માં હું પૂનામાં રહ્યો પછી કેલિફોર્નિયા જતો રહ્યો.

રજનીશપુરમ્ 1981માં બન્યું. હું 1982થી 1985 સુધી રજનીશપુરમ્ ખાતે રહ્યો. 64,000 એકર જમીન હતી. તેમાં એક ઘાસનું તરણું નહોતું. ત્રણ વર્ષમાં અમે સૌએ મળીને આખું નગર ત્યાં વસાવ્યું. એમાં મોલ પણ બનાવ્યો. 50 ગાય, 25 ભેંસ હતી. ખેતી કરી, બગીચા બનાવ્યા. આખું રજનીશપુરમ્ ઊભું કર્યું. તેમાં એર રજનીશ પણ હતું, જેમાં તેર એરપોર્ટ હતા. અમે 12 થી 16 કલાક કામ કરતા હતા. સવારે થી સાંજે સુધી તો કરતા હતા. વચ્ચે બે કલાકનો વિરામ રહેતો. ઓશોને ડ્રાઇવ કરવાનો બહુ શોખ હતો. તેઓ ડ્રાઇવ પર નીકળતા અને અમે બધા ઊભા રહીને જોતાં રહેતાં. તેઓ નીકળી જાય પછી ફરી અમે કામે લાગી જતા. કદી થાક, ફરિયાદ, વ્યથા નહોતી. એવી રીતે કામ કરતા ઓશોએ શીખવ્યું હતું. જેને જે જોઇએ એ મળી રહેતું હતું. પૈસાની લેવડદેવડ વિના બધું ચાલતું હતું. દાન પર બધું જ નભતું હતું. ખાવા-પીવાનું, કપડાં વગેરે જરૂરિયાતની વસ્તુઓ મફત મળી રહેતી. ક્યાંક પૈસા આપવાના નહોતા. એ બધો ખર્ચ દાનમાંથી નીકળતો હતો. તેમાં ચારસો જેટલા વિભાગો હતા. દરેકની મુખ્ય વ્યક્તિ એક સ્ત્રી હતી. આ રીતે, ઓશોએ બે સ્તરે કામ કર્યું. એક કે, સ્ત્રીમાં પણ બધી ક્ષમતા છે, તેનો સ્વીકાર થયો. બીજું, પુરુષના અહંકારને દૂર કર્યો.

ઓશોએ કહ્યું એ રીતે કર્યું છે. એનું ઉદાહરણ આપું કે – ઓશોએ મને એક અનુવાદનું કામ સોંપ્યું હતું. મેં મૃત્યુ શીખાતા હૂં – એનો અંગ્રેજીમાં અનુવાદ કરી રહ્યો હતો. એ કામ કરતા થાકી જતો ત્યારે એમ થતું કે બહાર એક ચક્કર મારીને આવું. ત્યારે મારું ધ્યાન ગયું કે – મોલ પાસે સંન્યાસીઓ નાચતા હતા. મેં પૂછ્યું કે કેમ બધા નાચે છે? તો કહે – આજે આપણે હાઇકોર્ટમાં કેસ હારી ગયા છીએ, એટલે નાચીએ છીએ. આવું એક વાતાવરણ ઓશોએ ઊભું કરેલું કે જ્યાં કેવળ પ્રેમ, આનંદ, ઉત્સવ અને સહયોગથી સૌએ સાથે રહેવાનું હતું. અમે એમાં જીવતા હતા.

મારું એક ઉદાહરણ આપું. મને ગાર્ડ તરીકે કામ સોંપેલું, જેમાં સિક્યુરિટીનું કામ હતું. અમારી ચારે બાજુ ખૂબ શત્રુ હતા. અમારા જાહેર રસ્તા પર એ લોકો ગાડી પર ગન રાખીને નીકળતા. ગમે ત્યારે અમને શૂટ કરી નાખી શકે. એટલે અમે પણ તાલીમ લેતા હતા. મેં પણ ત્યાં શૂટિંગની તાલીમ લીધી હતી. તેઓ અમારા ચારને મારી નાંખે તો અમે પણ એમના ચારને મારી શકીએ એમ છીએ – એવું અમે એ લોકોને દેખાડતા હતા. કદી ગોળી ચલાવી નહોતી પણ હું બંદૂક લઈને એ કામ કરતો હતો. ત્યાં એક નદી હતી. એની બીજી બાજુ બીજા લોકોની હદ હતી. નદી પાર કરીને ઓશોને મારવા કોઈ ન આવી જાય એ માટે ત્યાં ગાર્ડ તરીકે મારે કામ કરવાનું હતું. નદી કિનારે એવી ઠંડીમાં આખી રાત જાગતા રહીને કારની અંદર હીટર ચાલુ કરીને, એક ધાબળો ઓઢીને બેસી રહીને મારે ચોકી કરવાની હતી. સાંજે સાતથી સવારે સાત સુધી હું એ કામ કરતો. એમ ત્રણ સપ્તાહ સુધી મેં એ કાર્ય કર્યું. કહેવાનો આશય એ છે કે જે કામ હોય એ અમે આનંદ, ઉત્સાહ, પ્રેમથી કરતા હતા.

એક ઘટના એવી ઘટી કે – રજનીશપુરમ્ શહેરને કાયદેસર બનાવવા 180 અમેરિકન નાગરિકોની સહીની જરૂર હતી. તો એ માન્યતા મળે. એ ક્યાંથી લાવવા? આમ તો ત્યાં વિશ્વભરના પાંચ હજાર સંન્યાસી રહેતા હતા. ગુરુપૂર્ણિમા, ઓશોના જન્મદિને 30-35 હજાર સંન્યાસીઓ દુનિયાભરમાંથી આવતા હતા. એમની બધી જ ઉત્તમ વ્યવસ્થા થતી હતી. પણ અહીં તો 180 અમેરિકનની જરૂર હતી. તો એવો વિચાર આવ્યો કે શેરીમાં રહેતા જેને આપણે ભિખારી કહીએ છીએ એમને લેતા આવીએ અને એમની સહી મેળવી લઈએ, તો કાયદેસર થઈ જાય. આ માટે અમે કામે લાગ્યા.

હું ન્યૂયોર્ક એક બસ લઈને પહોંચ્યો. ત્યાં ડાઉન ટાઉનમાં રસ્તે રહેલા લોકોને અમે ખાવા-પીવાનું આપ્યું. એ રીતે એમની સાથે વાત કરી અને ઓરેગન સ્ટેટમાં રજનીશપુરમ્ ખાતે ત્રણ હજાર માઇલ દૂર આવવાનું કહ્યું. તો એ લોકોને શંકા જતા ખાઈ-પીને ભાગી ગયા. હું એમના નાયકને મળ્યો અને બધી વાત કરી. એણે પૈસા માગ્યા એ આપ્યા. એણે બધાને તૈયાર કર્યા. બીજા દિવસે 55 લોકો અમારી સાથે બસમાં આવ્યા. એમાંથી દસ-બાર લોકો શિકાગોમાં ઉતરી ગયા. ચાર દિવસ અને ત્રણ રાતનો એ પ્રવાસ હતો. છેવટે રજનીશપુરમ્ પહોંચ્યા. એ રીતે બીજી પણ બસો હતી. એમ લગભગ પાંચેક હજારને અમે બધા લઈને આવ્યા. એમાંથી 1500 તો ત્યાં જ રહી ગયા. એ લોકોએ સહી કરી અને રજનીશપુરમ્ શહેર કાયદેસર બન્યું.

એકવાર રજનીશપુરમ્ ખાતે ઓશો એકલા બેઠા હતા અને મને સામે બેસાડીને 45 મિનિટ સુધી એમણે મારી સાથે શિક્ષણ-પદ્ધતિ વિશેના એમના વિચારો અંગે વાત કરી હતી. તેઓ પ્રૅક્ટિકલ શિક્ષણમાં માનતા હતા.

ઓશો રોજ ડ્રાઈવ પર નીકળતા. એક જાહેર રસ્તો હતો. એમાં ખૂબ ખાડા-ખબડા હતા. અમે વિચાર્યું કે રોડ બનાવીએ. તેના નિષ્ણાતોને બોલાવીને અમે શીખ્યા. એ રીતે બધા અમે સંન્યાસીઓએ ભેગા થઈને 22 માઇલનો રસ્તો બનાવ્યો, જેથી ઓશોની કાર સડસડાટ જતી રહેતી. અમે બોજ વિના, આનંદથી એ બધું કાર્ય કરતા હતા, જે જીવનમાં કદી કર્યું નહોતું.

પછી ખ્રિસ્તીઓએ અમારો વિરોધ કર્યો. પ્રેસિડેન્ટ રેગન સાથે મળીને પોપે ષડયંત્ર કર્યું. ઓશો અને અમારે ત્યાંથી નીકળવું પડ્યું. ઓશોની એક એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. એમને એક પછી એક 12 જેલમાં લઈ ગયા. ત્યાં જમવામાં એમને ઝેર આપવામાં આવતું હતું. ઓશો 1985માં ત્યાંથી બહાર નીકળીને વિશ્વમાં ઘણા સ્થળોએ જઇને અંતે 1987માં ફરી પૂના આવ્યા અને ત્યાં રહ્યા. હું 1985માં કેલિફોર્નિયામાં આવી ગયેલો. ત્યાં હું ફૂલ વેચવાનું કામ કરીને કમાણી કરતો હતો.

1989માં ઓશોનો સંદેશો આવ્યો કે બધું મૂકીને અહીં આવો, મોડું થઈ રહ્યું છે! બધું છોડીને હું પૂના જતો રહ્યો. 1989માં પૂના આશ્રમે પહોંચ્યો ત્યારે ઓશોએ કહ્યું કે, હવે આ જ તમારું ઘર છે. આ તમારો પરિવાર છે. અહીં જ રહો. કશે જવાનું નથી. ઓશોના ચરણ સ્પર્શ કર્યા ત્યારે એમણે કહ્યું કે – મારા કાર્યમાં સંપૂર્ણપણે ડૂબી જાવ. તમારા માટે વધુ જન્મ નથી. ઇનફ ઇસ ઇનફ! પછી હું ત્યા જ રહ્યો. ઓશો મલ્ટિવર્સિટીમાં મને કામ સોંપ્યું હતું. ઓશોએ 1990માં શરીર છોડ્યું. એ સમયે હું ત્યાં જ હતો. એમણે શરીર છોડતા પહેલા ચાર લોકોના નામ એમને કાંધ આપવા કહેલા એમાંથી એક નામ મારું હતું. મેં ઓશોને કાંધ આપી છે. વિશ્વભરમાંથી લોકો ત્યારે એકઠા થયેલા. 1990 પછીથી મારો પ્રવાસ દુનિયાભરમાં ચાલ્યા કર્યો.

ઓશોની ગીતા પ્રવચન શ્રેણી અમદાવાદમાં હતી. કોઈએ કહ્યું કે, તમે ગીતાનું ગહન અધ્યયન કર્યું હશે. તો ઓશો કહે – ના, મેં થોડા પાનાં વાંચ્યા અને મને થયું કે આ તો મારે કહેવું છે તે જ છે. તેઓ કોઈ પણ પુસ્તક હાથમાં લે તો સ્કેન થઈ જતું અને એમના મગજમાં એ સચવાઈ જતું. ત્રણ હજારથી વધુ એમણે ધ્યાનની વિધિઓ આપી છે. ઓશોએ જીવન નિષ્ઠાની પરંપરા આપી છે. બોધપૂર્વક હોવું અને જીવવું એ ઓશોએ શીખવ્યું છે. (ક્રમશ:)

મનના ત્રણ લક્ષણો છે::મનની શુદ્ધતા, મનની એકાગ્રતા અને મનની સૂક્ષ્મતા

મનના ત્રણ લક્ષણો છે::મનની શુદ્ધતા, મનની એકાગ્રતા અને મનની સૂક્ષ્મતા

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મન ઝંઝીર, મન ઝાંઝર 

મન welcome box છે.

મનના ત્રણ લક્ષણો છે::મનની શુદ્ધતા, મનની એકાગ્રતા અને મનની સૂક્ષ્મતા.

પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજના મારા વિષયમાં પ્રવેશ કરું તે પહેલા એક સુંદર મજાનું અવતરણ મારે આપની સમક્ષ રજૂ કરવું છે. અરુણાચલમના રમણ મહર્ષિનું આ અવતરણ છે. તેઓ કહે છે “Correcting oneself is correcting the whole world. The Sun is simply bright. It does not correct anyone. Because it shines, the whole world is full of light, transforming yourself is a means of giving light to the whole world” આ અવતરણથી શરુ કરવાનું કારણ એ છે કે મારો આજે વિષય છે “મન ઝંઝીર, મન ઝાંઝર”

અહીં બે વિરોધાભાસ છે અથવા તો બે સમાનધર્મીઓ છે, એમ કહીએ તો પણ ચાલે. કારણ કે ઝંઝીર અને ઝાંઝર એ બંને આપણને પહેરવાનું ગમે એવા પણ છે અને કોઈ પહેરાવે તે ન ગમે એવું પણ છે. શ્રી રમણ મહર્ષિનું આ વાક્ય આપણને એવું કહે છે કે, એક વ્યક્તિની અંદર તમારે ફેરફાર થોડોક સુધારો કરવો હોય તો આખા વિશ્વને સુધારવા જેવું મોટું કામ છે. કેમ એમ કહ્યું હશે તેનું મને આશ્ચર્ય થાય…શ્રી રમણ તો બહુ ટૂંકા જવાબ દેવાયેલો મહર્ષિ હતા. કોઈએ એને ચાલતા ચાલતા પૂછ્યું કે, ‘મહર્ષિ આ પર્વત, નદી, નાળા એ બધું ક્યાંથી આવે છે?’ મહર્ષિએ સરસ જવાબ આપ્યો, ‘તમારો પ્રશ્ન ક્યાંથી આવે છે…?’ આ જવાબમાં એક પ્રશ્ન હતો.

આજે આપણી સામે પણ પ્રશ્ન છે કે મન ઝંઝીર છે કે મન ઝાંઝર છેમહર્ષિ એવું કહે છે કે, સૂર્ય માત્ર પ્રકાશે છે. એનો ધર્મ છે, સ્વધર્મ માટે એ પ્રકાશે છે. એ આપણને અજવાળું આપવાના ઉદ્દેશ્યથી પ્રકાશતો નથી. પરંતુ સૂર્ય એની મેળે પ્રકાશે એના ફળ સ્વરૂપે આખું વિશ્વ પ્રકાશ-પ્રકાશ બને છે. એટલે કે તમારી એક જાતને બદલવી હોય તો તમારે આખા વિશ્વને પ્રકાશિત કરવા માટેનો ઉદ્દેશ્ય લઈને નીકળવું પડે ત્યારે તમે તમારી જાતને બદલી શકો છો.

આપણને ખબર છે આ મન જેને આપણે અનેક રીતે વખોડયું છે અને અનેક રીતે સંવાર્યું છે એના ઉપરના કેટલા બધા સુંદર મજાના લોકગીતો અને સુગમ ગીતો લખાયા છે. મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ આ મૂળ ટાગોરની રચના અને એને મેઘાણીભાઈ આપણી પાસે લઈ આવ્યા. આજે પણ એ ગીત આપણે સાંભળીએ છીએ તો આપણું મન મોર બનીને થનગાટ કરવા લાગે છે. આ મારો, તમારો આપણા સૌનો અનુભવ છે. પણ છતાં આ મન છે એ એકલવાયું છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એ નિરાશ્રિત છે. મનનો આટલો બધો પ્રભાવ આપણા ઉપર હોવા છતાં મન dependent છે. મન પોતે હકીકતની અંદર પરાવલંબી છે. આપણા અવલંબનમાં રહેલ છે એટલે આ મન વિચિત્ર છે. જે મન હું અને તમે પકડી શકતા નથી અથવા તો પામી શકતા નથી. સતત એવું અનુભવાય કે મન સમય નિરર્થકતામાં પસાર કરવા માટેનું સાધન છે. પણ એનો ખ્યાલ તો એ પસાર થઈ ગયા પછી આવે. ખુબ વિચારે ચડીએ અને વિચારનાં ચકડોળમાં ફરી લઈએ પછી અડધી કલાક પછી ખ્યાલ આવે કે, આ હું શું વિચાર કરતો હતો…?  એ રીતે એ dependent છે.

આપણી ઈચ્છાઓને પોષવામાં, આપણી વાસનાઓને સંતોષવામાં, શબ્દોને વાંચવામાં, સિદ્ધાંતોને સમજવામાં, સલામતીને શોધવામાં, કશું બનવાની દોડમાં, કશુંક પુરવાર કરવાની દોડમાં, સ્વયંને સાબિત કરવા માટેની દોડમાં, ઘટનાઓની રાહ જોવામાં, અન્યને સમજવામાં, અનેક ને સાચવવામાં, આપણો અહમ છે એને મોટો કરવામાં, ક્યારેક અહમને સંતાડવામાં, અને અરે ક્યારેક આપણા જ અહમનો ભાર આપણને લાગે ત્યારે એને ઉપાડવામાં આપણું જીવન બરાબર વ્યતીત થાય છે. આ જે શૃંખલાઓ મેં રજૂ કરી એ શૃંખલા એવું કહે છે કે, મન ઝંઝીર છે. ઝંઝીર એટલા માટે છે કે આટલા બધા પરિમાણો થી મન મને બાંધી રાખે છે. મારા બાહ્ય પ્રતિભાઓને કોઈ મૂલ્ય આપવા માટે હું મનનો ઉપયોગ કરવા માટે પ્રેરાઉ છું, પરિણામે આજે એવું બન્યું છે કે મનનો હું ગુલામ બનું છું. અને એટલે મન ઝંઝીર છે.

વિચારવા જેવો મુદ્દો બહુ મહત્વનો છે. પણ એક વાત નિશ્ચિત છે કે બહારથી જે ઇન્દ્રિયો મેસેજ મોકલે છે તે મેસેજ હકીકતમાં મન પાસે જાય છે. એક સાદી વાત છે કે, શરીર, મન, અને પ્રજ્ઞા આ આત્મનના ત્રણ પરિમાણો છે. શરીર છે એ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા અભિવ્યક્ત થાય છે, હાલવા ચાલવાના અંગો આપે છે, એ દુનિયાથી સંપર્કમાં આવે છે. અને દુનિયામાં સંપર્કમાં આવે ત્યારે જે એને સંદેશા મળે, આ સારું છે, આ સારું નથી, આ ખાટું છે, આ તીખું છે, બહુ દુઃખી થયો, આ બધા સંદેશાઓ છે. એ સંદેશા તે અંદર મોકલે છે. મન એને વેલકમ કરે છે. મન છે welcome box છે.  એ પોતે deny નથી કરતું. અને welcome કર્યા પછી એ intellect સુધી લઈ જાય એ દરમીયાન પોતાના મત, પોતાના દૃષ્ટિકોણ, અથવા પોતાના અભિપ્રાય સાથે એ intellectમાં બાહ્ય ઇન્દ્રિયોના સંદેશાને મોકલે છે. intellect એટલે પ્રજ્ઞા… એ પ્રજ્ઞા આપણા past data જેવા અગાઉના અનુભવોના આધારે એનાલિસિસ કરીને એનો જવાબ આપે છે. એટલે આમ કહો તો મન એ receiver છે અને આમ કહો તો મન એ deliver છે. એ કશુંક receive કરે છે, આગળ મોકલે છે. પ્રજ્ઞા મોકલે છે એ receive કરે છે. એ પાછું આપણને બહાર અંગો ઉપર આવી મળે છે. સામેની વસ્તુ ખરાબ છે કે સારી તે જોઈએ છીએ પણ એ સાચો સંદેશો આપણને અંદરથી મળે છે એ મન આપે છે. મનમાં તમારો પ્રતિભાવ કેવો પડ્યો, મનને તમે કેવી રીતે એનું મૂલ્યાંકન કરવાની છૂટ આપી એના ઉપર તમારો બધો જ જીવન પ્રભાવ છે.

અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન એક વખત વ્હાઈટ હૉઉસ તરફ જતા હતા. એ દરમિયાન એમણે એક ભૂંડ ને કીચડમાં પડેલું જોયું અને એ પોતે મરી જાય એવું તરફડતું હતું. પ્રમુખ ત્યારે અમેરીકાનાં પ્રમુખ ન રહ્યા. પણ એ સ્વ જેનો આત્મન અબ્રાહમ લિંકન છે બની ગયા અને પરિણામે એણે પોતાના કપડાંની પરવાહ કર્યા વગર કાદવમાં ઝંપલાવ્યું અને ગમે તેમ કરીને ભૂંડને બહાર કાઢી બચાવી લીધું. ત્યાં ઉભેલા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે પ્રેસિડેન્ટ છો, તમે તમારા કપડાંને પણ ગંદા કરવાનું વિચારી શકો છો, તમે ખરા છો. તમે હમણાં વ્હાઈટ હૉઉસમાં જશો આ સ્થિતમાં? બહુ શાંતિથી અબ્રાહમ લિંકને કહ્યું, આમાં કાંઈ નવું નથી. મેં ભૂંડને નથી બચાવ્યું, હકીકતની અંદર ભૂંડને બચાવીને મેં ઉપકાર નથી કર્યો, મેં તો મારી જાતને બચાવી છે. એ ભૂંડમાં મેં મારી જાતને જોઈ કે જે કીચડમાં ફસાયેલી હતી એટલે મેં કશી પરવાહ કર્યા વગર એને મેં બચાવી લીધું છે. મેં કોઈ કામ કર્યું નથી. મેં કોઈનું દુઃખ દૂર કર્યું નથી, હકીકતમાં મને એને જોઈને જે દુઃખ થયું એ દુઃખને દૂર કરવા માટે અંદર ઝંપલાવ્યું છે. આ વાત મનને એકદમ rational રીતે વાળવાની વાત છે. આવી રીતે બધા પોતાની લાગણી વાળી શકે? હા, વાળી શકે. પણ એમાં practice makes a man perfect… તમારે પ્રયાસ કરવો પડે, to be positive, to see the right side, never think about the other side, આ બધા નાના-નાના સૂત્રો છે પણ તેની તમારે practise કરવી પડે.

કોઈ ફિલ્મી ગીત તમને ન ગમતું હોય પણ દસ દિવસ રોજ સાંભળો તો તમને ગમવા લાગે. આ સાદી થિયરી આમાં કામ લાગે છે બીજું કશું જ નથી. આજે કશુંક એવું બન્યું કે, જે તમારા મને positively સ્વીકાર્યું, તમે રાજી થયા, તમારો સમય સરસ મજાનો પસાર થયો, now wait for the other time to get such message from your mind એવું કરીએ તો મન ઝાંઝર છે, ઝંઝીર નથી. મન આપણું ગુલામ બને તે જોવું પડે. મનના આપણે ગુલામ બનીએ તે નહિ ચાલે. વાત થોડી ઊંડાણથી કરું, આપણે જે મનની વાત કરીએ છીએ એ મનના હકીકતમાં ત્રણ લક્ષણો છે. પહેલું છે મનની શુદ્ધતા, બીજું છે મનની એકાગ્રતા, અને ત્રીજું છે મનની સૂક્ષ્મતા. આ ત્રણ શબ્દો સમજવા થોડા અઘરા છે. પણ આપણે તેને સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ.

મનની શુદ્ધતા એટલે “Ability to be clear”. સ્પષ્ટ થવા માટેની તમારી ક્ષમતા. શુદ્ધતા એટલે મને સ્વચ્છ જ જોઈએ, મને ગંદકી ન જોઈએ, મને જ્યાં બેસું ત્યાં સ્વચ્છતા પહેલી ગમે, હું મારા કપડાં પહેરું તો મને સુઘડ કપડા ગમશે, મને મારો ચહેરો સુંદર લઈને નીકળવાનો આદત છે, આ બધી શુદ્ધતા છે બહારની. એ બહારની શુદ્ધતા અંદરના મનને પણ શુદ્ધ બનાવશે, કઈ રીતે? તમારા મનમાં આવું ઠાની લીધું અને બીજી વખત જો તમે ગંદી જગ્યામાં બેસવાનો પ્રયાસ કર્યો તો મન તાત્કાલિક પાછું વળશે. એટલે બહુ સીધી વાત એ કે “Ability to be clear” એ મનની શુદ્ધતા છે.

મનની એકાગ્રતા એટલે “Ability to focus”. આ એકાગ્રતા શબ્દ બહુ જ સુંદર છે. એક અગ્ર. આગળ એક જ વસ્તુ રાખો. તમે જે મનમાં વિચારી રહ્યા છો તે તમારે કરવું છે, તો એક જ લક્ષ્ય રાખો. one-way ટ્રાફિક કરો. don’t allow other vehicles to their street. આ એકાગ્રતા એટલે “Ability to focus”.  તમે નિશ્ચિત છો કે તમારે શું કરવું છે, ક્યારે કરવું છે, કેમ કરવું છે, તમારા માઇન્ડમાં એનો કોઈ નકશો છે? નથી તો પહેલા ઘડો. ઘડીને પછી એમાં આગળ વધો તો તમારા માટે મન ઝાંઝર બની જશે.

મનની સૂક્ષ્મતા એટલે બહુ સીધી ને સટ વાત, “Ability to go deep”. ઊંડા ઉતરવાની ક્ષમતા. હું જે વિચાર પામીશ એમાં ઊંડો ઉતરીશ, હું જે કાર્ય કરવાનું નક્કી કરીશ એમાં પહેલાં ઉંડો ઉતરીશ, એના બધા જ પાસાઓ વિશે વિચારીશ અને પછી જ એ કામ હું શરૂ કરીશ. આ જ તો   Ability to go deep. જે કરો છો એના ઊંડાણમાં જાઓ. કોઈની સાથે વાત કરતા તમે કામ સ્વીકારો છો તો કામમાં ખરેખર શું કરવાનું છે તે ઊંડે સુધી જઈને જાણી લો.

મનના આ ત્રણ લક્ષણો જો આપણને મનમાં બેસી જાય તો હું માનું છું કે મન ઝંઝીર ન બને પરંતુ ઝાંઝર બને. મનની શુદ્ધતા, મનની એકાગ્રતા, અને મનની સૂક્ષ્મતા. જીવન જીવવાનું કામ એ બહુ ક્ષમતાનું કામ છે આનંદનું કામ છે. ઈશ્વર સુધી જવાનો એક સરળ રસ્તો છે કે તમે આજની ક્ષણને આનંદમાં જીવો એટલે તમે ઈશ્વરની સાથે છો. તો પછી આ કામની અંદર શુદ્ધતા હોય, એકાગ્રતા હોય, સૂક્ષ્મતા હોય તો જ મન છે એ તમારી સાથે ઝાંઝરની જેમ જમકતું ચાલ્યા કરવાનું છે.

મનનાં આ ત્રણ લક્ષણો પછી થોડી સૈદ્ધાંતિક વાત આપણે સમજીએ. વેદાંતિક સાહિત્યમાં ‘અંતઃકરણ’ એવો શબ્દ છે. અને આ અંતઃકરણ મનનાં ચાર કાર્યો છે. આ ચાર કાર્યો એ હકીકતમાં મન ઝંઝીર બને કે ઝાંઝર બને તેના લિટમસ પેપર ટેસ્ટ જેવા છે. અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ આપણે સાધુ ભગવંતો પાસેથી સાંભળેલા ચાર સરસ મજાના આધ્યાત્મિક શબ્દો છે. પણ જુઓ તેની શરૂઆત પહેલાં મનથી થાય છે. અને એ મન કયું? પહેલું સરફેસ ઉપરનું સૌથી નીચેનું મન. પછી બુદ્ધિ આવે છે. એ બુદ્ધિ એટલે ઉચ્ચ મન. પછી ચિત્ત આવે છે. ચિત્ત એટલે આપણું સ્મરણ, આપણી સ્મૃતિ જેમાં પડી છે તે ઉપરથી એક શબ્દ આવ્યો “ચૈતન્ય”, તમારામાં શું પડ્યું છે તે. અને છેલ્લું આવે છે અહંકાર. હું પણું … આ મારું, આ મારું મકાન, આ મારી સ્થાવર મિલકત, આ મારી FD એવું વારંવાર જેને બોલવાની ટેવ હોય છે એ આ ચારમાંથી ચોથા સ્ટેજમાં જીવે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર. મિત્રો બે સ્પષ્ટતા   કરવા જેવી છે.  આપણે બે શબ્દો એવા બોલીએ છીએ કે જેનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી. ભૌતિક અસ્તિત્વ નથી. જે વારંવાર આપણે બોલીએ છીએ. મારું મન દુઃખી થઈ ગયું, મને મનમાં લાગી આવ્યું, અથવા મને તો દિલ ઉપર ઘા પડ્યો. હવે જરા વિચારો. આ મન અને દિલ નામના જે બે શબ્દો આપણે બોલ્યા કરીએ છીએ. શું કોઈ મેડિકલ સર્જન એની સર્જરી કરીને આપણને એ બહાર કાઢીને આપી શકે? જવાબ મળશે ના… યાદ રાખીએ અહીંયા મનની મગજ સાથે જોડાયેલ છે અને તેની સર્જરી કરવાની વાત છે.  એવી રીતે દિલ એ હૃદય સાથે જોડાયેલ છે તો મગજ અને હૃદયની સર્જરી થાય, બાયપાસ થાય, transplant થાય, પણ મન કે દિલ તમને ક્યાંય જોવા ન મળે it’s not a physical substance…  પણ એ physical substance ન હોવા છતાં મન અને દિલ આપણા જીવનને જકડીને બેઠેલા છે. આપણને મનમાં લાગી આવે, આપણું દિલ દુભાય જાય, એવું આપણે વારંવાર બોલીએ છીએ. તો યાદ રાખવું પડે કે ખરેખર મન એ એવા પ્રકારની સંકલ્પના છે કે જે નથી છતાં છે. દિલ એ એવા પ્રકારની સંકલ્પના  છે એક જે નથી છતાં છે. આપણે અક્ષાંશ-રેખાંશ માટે કહીએ છીએ કે, રેખાઓ છે પણ શોધવા જાઓ તો ક્યાંય રેખાઓ દોરેલી મળતી નથી. મન અને દિલનું આવું જ છે. એવા મનને જાળવવા અથવા સાચવવાની વાત આવે ત્યારે આપણે ખાસ્સો વિચાર કરવો પડે. જે નથી છતાં છે.

આપણે આંખો બંધ કરીએ, આપણે ચાલતા હોઈએ, આપણે ખાતા હોઈએ કે આપણે સુઈ ગયા હોઈએ તો પણ જે કાર્યરત છે એ આપણું મન છે. આપણે લોકો ધીમે-ધીમે કરતાં ડર અનુભવીએ છીએ એનું કારણ પણ આ મન છે જેને આપણે સમજ્યા નથી. પછી આમ થશે તો…, અકસ્માત થશે તો…, માનો કે પ્લેન તૂટી પડશે તો…, આ ત્રણ મણ ના ‘તો’ જેટલા છે એ હકીકતમાં ભય છે. ભય સૂચક છે કે જે ભય આપણને વારંવાર ડિસ્ટર્બ કરે છે. અને એ પહેલા મનમાંથી આવે છે. એટલે એમ કહેવાય કે એવે સમયે મન ઝંઝીર છે.

મન કેવી રીતે અસર કરે છે? એનો એક સુંદર મજાનું ઉદાહરણ હું તમારી સાથે શેર કરું… એકનાથ મહારાજ મહારાષ્ટ્રનું બહુ મોટું નામ, મોટા સાધુ. ભક્તિ, ધ્યાન અને ઉપાસનામાં ને સાધનામાં જીવન ગુજારે, નામના પણ મોટી. એક વખત એક વ્યક્તિ રોજ આવે, ત્યાં બેસે અને રોજ જતો રહે. એક દિવસ એણે એકનાથજીને આવીને કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હું રોજ આવું છું, તમને રોજ જોઉં છું, મારે એક પ્રશ્ન પૂછવો છે તમે એક સિદ્ધહસ્ત વ્યક્તિ ને સાધુ છો. પણ શું તમે ખરેખર બહારથી જેટલા પવિત્ર છો એટલા અંદરથી પણ છો? આ મને સહજ જિજ્ઞાસા થઈ છે એટલે મારે પૂછવું છે. એકનાથ મહારાજે કહ્યું કે, તારા પ્રશ્નનો તો જવાબ આપું, પણ તું મારી સાથે વાત કરતી વખતે જે હાથના હાવભાવ કરતો હતો ને દોસ્ત એમાં મેં તારી રેખા જોઈ છે. એટલે હું જવાબ આપું એ પહેલા તારું ધ્યાન દોરું.  તારી મૃત્યુની રેખા કહે છે કે, તારું મૃત્યુ નજદીક છે.  સાત દિવસની અંદર તારું મૃત્યુ થઈ જશે. એટલે તારું ધ્યાન દોરું. હવે હું તને જવાબ આપું. પેલો યુવક કહે હવે મારે જવાબ નથી જોઈતો. મારે હવે અહિયાં હાજર જ નથી રહેવું. અને હજી એને એકનાથ મહારાજ કંઈક કહે ત્યાં તો એ ભાગ્યો. એકનાથ મહારાજ સમજતા હતા કે મેં આવું કેમ કીધું છે. પેલો માણસ ઝડપથી ગયો, પોતાના જેટલા લેણા-દેણા જેટલું હતું એ બધું પૂરું કરી નાખ્યું. જેને ક્ષમાયાચના કરવાની હતી એને ક્ષમા યાચના કરી. સાત દિવસની મુદ્દતમાં ભવિષ્યનું થાય એટલું આયોજન કર્યું, પોતાની પત્ની, મા-બાપ સૌની ક્ષમા માંગી, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો…. અને સાતમા દિવસે મૃત્યુની બરાબર અપેક્ષા રાખીને બેઠો હતો ત્યાં સાંજે એકનાથ મહારાજ એને ઘરે આવ્યા. એને જોઈને ઘરના બધા રડવા લાગ્યા કે આ મહારાજે કહ્યું એમાં અમારો દીકરો સાતમે દિવસે જવાનો છે. પણ એકનાથજીએ કીધું કે તમે રડો નહિ, મને એમની પાસે લઈ જાઓ, એ ક્યાં છે? તો એ અંદર ખાટલા ઉપર સૂતો છે. એ બીમાર છે? ના પણ એ એકદમ માનસિક બીમારીમાં આવી ગયો છે. એકનાથ મહારાજ એની નજીકમાં જાય છે. પેલો સુતા-સુતા પ્રણામ કરે છે, અને કહે છે કે,  પ્રશ્ન પૂછવામાં મારી કોઈ ભૂલ થઈ હોય, મારાથી કંઈ એવું થઈ ગયું હોય તો માફ કરજો, હું કાલે વિદાય લેવાનો છું. એકનાથ મહારાજે કહ્યું, બેટા તું ઉભો થા, તારી વિદાય કાલે નથી. શું વાત કરો છો? હા, તારી વિદાય કાલે નથી, સાત દિવસ બાકી છે એવું કહ્યું ત્યારે આ સાત દિવસમાં તેં કોઈ પાપ કર્યું છે? તેં કોઈને દુઃખ પહોંચાડ્યું છે? તેં કોઈની હત્યા કરી છે? કોઈને મારવાનો પ્રયાસ કર્યો છે? કોઈને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો છે? બોલ શું કર્યું છે? છોકરાએ કહ્યું કે, કેવી વાત કરો છો? સાતમે દિવસે મરી જવાનું નક્કી હોય તો કોઈ આવું કરેએકનાથ મહારાજે કહ્યું કે, તેં તે દિવસે મને પૂછેલ પ્રશ્નનો જવાબ તારા આ છેલ્લા પ્રશ્નમાં આવી ગયો??  હું તો તારા પ્રશ્નનો જવાબ આપવા જ આવ્યો છું. તેં કહ્યું એ જ તારો જવાબ છે. જો સાત દિવસ હોય અને તમે કાંઈ ખોટું ન કરો, તમારું મન એવું પ્રબળ બની જાય કે સત્ય સિવાય કાંઈ નહીં, અહિંસા સિવાય કાંઈ નહિ, કરુણા સિવાય કાંઈ નહિ તો જે કાલે મરી જવાનો છે એવી તૈયારી કરીને બેઠો છે એ ભીતરથી ન સુધર્યો હોય એવું તું માને છે? મને તો એમ જ છે કે હું કાલે જતો રહેવાનો છું. એટલે હું જેવો બહાર દેખાઉ છું એવો અંદર છું. સૌ સ્વજનો, મારે ને તમારે જીવવાની આ પ્રક્રિયા સમજી લેવાની જરૂરત છે.

સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કરે છે. તે એમ કહે છે કે રોજ રાત્રે એવું માનીને સુવો કે આજે મારી છેલ્લી રાત્રી છે. તો તમે બીજે દિવસે ઉઠશો ત્યારે આજે મારું નવું જીવન છે એનો સંતોષ તમારી સાથે હશે. વિવેકાનંદજી કહે છે કે, આપણને મૃત્યુનો ભય એટલો ડરાવે છે. આપણે રોજ સામે જોઈએ છીએ કોઈક ને કોઈક તો મરે જ છે.  પણ આપણે એમ માનીએ કે એ તો કોઈ ને કોઈ મરે છે. મારું મરવાનું થવાનું નથી. તો મનને આપણામાં રાખવાનો એક સરસ ઉપાય એ છે કે શુદ્ધ રાખવાનું, એને એકાગ્ર રાખવાનું, એને સૂક્ષ્મ રાખવાનો રોજ વિચાર કરીએ કે આજે મારો છેલ્લો દિવસ છે. બીજે દિવસે સવારે નક્કી કરીએ કે આખી જિંદગી મારી છે અને એવી રીતે આપણે કામ કરીને આગળ વધીએ. આપણે એવું યાદ રાખીએ છીએ કે, મન કહે છે તે કરવું પડે છે. આ વાત સાચી નથી. જો આપણે વિચારીએ કે નાનો નિર્ણય લેવામાં પણ હું દ્રઢતાપૂર્વક નિર્ણય લઈ શકું છું તો મન આપને ફોલો કરે છે. ટેકનોલોજીએ પણ હવે આપણી સમક્ષ આ વાતને સ્પષ્ટ કરી દીધી છે. આજે સવારના ઊઠીને મેં ભયની બે વાત કરી, તો મારો આખો દિવસ ભયજનક જવાનો છે. સવાર પડીને મેં શંકા વ્યક્ત કરી તો મારા 24 કલાક શંકામાં વીતવાના છે.  જે ઇનપુટ તમે પહેલો આપ્યો છે ઇનપુટ અલ્ગોરિધમ પ્રમાણે વારંવાર આવતો રહેવાનો છે.  આપણે સૌ વાતો કરીએ છીએ કે ભાઈ નાના છોકરાઓને તમે મોબાઈલ ન આપવો, કેમ ન આપવો? તો જવાબ મળે છે કે, એ લોકો ન જોવું જોઈએ એવું જોવા લાગે. આનો અર્થ શો? અર્થ બહુ સીધો. વિજ્ઞાન અને ટેકનોલોજીના લોકો એમ કહે છે કે, આને અલ્ગોરિધમ કહેવાય. એટલે કે તમારી નજરે મોબાઇલમાં બીજું કશું જોતા જોતા એક ખરાબ વસ્તુ જોવાઈ ગઈ એટલે એ પેલું મન નામનું અંદરનું બોક્સ પકડે છે કે આમણે આ જોયું, તેથી આની સામે હવે આવું જ રજુ કરો, એને કહેવાય અલ્ગોરિધમ. આ મેં દેશી ભાષામાં અલ્ગોરિધમ સમજાવ્યું. હવે વિચાર કરો દિવસ ઉગે ત્યારે તમે ભય નો ઈનપુટ આપ્યો છે. અને એ ભયનો ઇનપુટ અંદર મનમાં જાય છે એટલે એ નક્કી કરે છે કે આને ભયવાળી વસ્તુઓ સાથે સારો નાતો છે એમાં એ આપણી ભેગો રહે છે એટલે એને ભય દેખાડ્યા કરો. આવું હકીકતમાં જે ટેક્નોલોજીમાં બને છે એ આપણામાં મન સાથે પણ બનતું આવ્યું છે.  તમને ખબર છે કે ટેક્નોલીજીમાં તમે એક શબ્દ લખો તો હવે શું લખવાના એ પણ ઉપર લખાઈ જાય છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જે દુનિયામાં આપણી ઉપર સતત એક કેમેરો છે. અને એ કેમેરો મને અને તમને સતત ઓબ્ઝર્વ કરે છે. એમાં મને ગમ્યું, મને ન ગમ્યું, મને સારું લાગ્યું, મને ન લાગ્યું, આ ખાવાનું સારું, આ ખાવાનું નથી સારું, એ બધું અંદર કેમેરામાં જાય છે અને એમાંથી કેમેરો પકડે છે અને એક કરતાં બીજી વાર શું કર્યું એ વારંવાર આપો. આ પણ જીવનમાં સાબિત થતી રચના છે. તમને ખબર છે કે તમે કોઈ સંબંઘીને ઘરે જમવા ગયા હોવ અને મોહનથાળ કર્યો હોય અને તમે એક બટકો ખાઈ જાઓ તો તાત્કાલિક બીજો ટુકડો આવશે. બીજું ખાઈ જશો તો ત્રીજું આવશે. કારણ એને ખબર પડી કે આને મોહનથાળ ભાવે છે. બસ એ જ ટેક્નોલોજી કરે છે એને અલ્ગોરિધમ કહેવાય છે.

હવે યાદ રાખો અલ્ગોરિધમની મદદથી તમારી આંખ સામે શું મૂકવું, તમારા વિચારમાં શું લઈ આવું, આ બધી વાત જો નિશ્ચિત થતી હોય તો મનને સારા વિચાર આપ્યા વગર આપણે સારું મળે એવી અપેક્ષા નહીં રાખીશું. અને એટલા માટે મનને ઝાંઝર બનાવવું એ આપણા હાથમાં છે. તમે જે આપશો તે તમને મળશે. સીધી જ વાત. ગાઈડ નામનું પિક્ચર આપણે જોયું હશે એમાં દેવાનંદ છે એ હિરોઈનને લઈને ગુફા પાસે જાય છે. અને ગુફા પાસે જઈને એમ કહે છે કે જો આ ગુફામાંથી મારી ઈચ્છા છે એનો જવાબ મળશે. એટલે એ ગુફામાં મોઢું રાખીને બોલે છે, में उनसे प्यार करता हूँ? એટલે જવાબ આવે કે करता हूँ… करता हूँ…. करता हूँ… એટલે હિરોઈનને કહે છે કે જો ગુફા પણ એમ કહે છે કે હું તને પ્રેમ કરું છું. હવે આપણને ખબર છે કે આ પડઘો છે તો એટલું સમજી લેવાની જરૂર છે કે ઘા અને પડઘા જો સરખા હોય તો આપણો ઘા નરમ હશે તો જવાબમાં નરમ મળશે. તમે જે આપશો તે તમને મળશે. સ્પષ્ટ વાત કે આપણું મન ઝંઝીર બનીને ન રહે પણ ઝાંઝર બનીને રહે.

એક બહુ જાણીતું ઉદાહરણ મને યાદ આવ્યું છે આપની સમક્ષ રજુ કરું. ફરી એકવાર એકનાથ મહારાજને યાદ કરું, આમ તો ત્રણ મહાન સંતોની વાત છે.  એકનાથ મહારાજ, તુકારામજી અને આપણા નરસિંહ મહેતા. એકનાથ મહારાજ છે એ પંઢરપુરમાં દર્શને જાય અને વિઠ્ઠલની સાથે આખો આખો દિવસ કાઢે. એકનાથજીને લાયક પત્ની મળી હતી. પત્ની બહુ સારી હતી. પત્નીએ એમ કહ્યું હતું કે તમે ધર્મધ્યાન કરો, તમે ભગવાનની પૂજા અર્ચનમાં રહો, તમે ઘરની ચિંતા ન કરતા એ હું સંભાળી લઈશ. સમજવાનો પ્રયાસ કરીએ. એ હકારાત્મક પત્ની હતી. એકનાથજીએ પંઢરપુરમાં મંદિરમાં જઈને આભાર માન્યો ભગવાનનો. શું આભાર માન્યો, ક્યા શબ્દમાં? કે, હે વિઠ્ઠલ, હું બહુ રાજી થયો છું, બહુ આભાર માનું છું કે મને ઘરની ચિંતા જ નથી. મારી પત્ની એટલી બધી સરસ આપી છે કે એણે કીધું કે ઘર હું સંભાળીશ તમે ધર્મ સંભાળો. હે વિઠ્ઠલ, આ તારી કૃપાથી મને આટલો ફાયદો થયો. તુકારામજી મહારાજમાં આનાથી ઉલટું હતું. તુકારામ મહારાજની પત્ની કર્કશા હતી. બહુ ત્રાસ વિતાવતી. કોઈ શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે ક્યારેક ક્યારેક તુકારામ મહારાજની ઉપર ગુસ્સો કરીને ધોલ ધપાટ કરી લે. પણ તુકારામ મહારાજ હંમેશા આનંદમાં રહેતા. એકનાથજી જે મંદિરમાં ગયા એમાં તુકારામજી દાખલ થયા. અને એણે જઈને કીધું, ભગવાન તારો ખૂબ આભાર માનું છું. તેં એટલી સરસ પત્ની આપી છે કે એ એના કંકાશમાં પડી છે એટલે મારે ઘર સામું જોવાની જ કોઈ જરૂર નથી પડતી.  હું ઘરે નથી જતો અને તારી પાસે પડ્યો રહું છું એટલે હું તારો આભાર માનું છું. અને નરસિંહ મહેતાનાં કિસ્સામાં તો એના પત્નીનું અવસાન વહેલું થઈ ગયું. એના દીકરાનું અવસાન થયું, પણ નરસિંહ છે તે ફરી એકવાર એકનાથ અને તુકારામની જેમ ઈશ્વરનો આભાર માને છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ... ત્રણ વ્યક્તિઓ છે, એકની પત્ની ખુબ સરસ છે, એકની કર્કશા છે, એકની પત્ની જ નથી, જતી રહી છે દેવ પાસે છે. ત્રણેય લોકો વિચારે છે ત્યારે ભગવાનનો આભાર માને છે. બસ આ મનને હકારાત્મકતાથી કેમ ઠેલી શકાય, કેમ ભેગું લઈ શકાય એનું સાદર ઉદાહરણ છે.

એકહાર્ટ ટોલે નામનો બહુ મોટો તત્ત્વચિંતક થઈ ગયો. એણે કહેલું “How you take it and how you make it” કોઈપણ બાબતને તમે કેવી રીતે લ્યો છો એના ઉપરથી એ કેવી રીતે બનશે એ નક્કી થાય છે. તમે હાય-હાય જો કરીને લેશો તો જવાબ હાય હાયમાં આવશે. એક બહુ funny વાત છે કે, મહિલા સંગઠન હતું અને મહિલા સંગઠનમાં એક અગ્રણી મહિલા પ્રવચન કરવા આવવન છે અને એને વિષય આપ્યો “મહિલાઓની હાય-હાય બોલવાની ટેવ” એમણે અડધી કલાક પ્રવચન કર્યું.  પ્રવચન પૂરું થવા આવ્યું જ પણ પેલો વિષય ક્યાંય ન આવ્યો. પ્રવચનનો વિષય હતો “મહિલાઓની હાય-હાય બોલવાની ટેવ”…  વક્તવ્ય પૂરું થતું હતું ત્યાં એનાઉન્સરે જઈને વક્તાના કાનમાં કહ્યું કે, તમારો વિષય તો રહી ગયો. તો મહિલાએ કીધું, હાય હાય તો હું ભૂલી ગઈ. અને પ્રવચન પૂરું થયુ. તમારા મનમાં જે શબ્દો પડ્યા છે એ શબ્દો તમને છોડીને જતા નથી જ્યાં સુધી તમે એને જાકારો ન આપો. તમારા મનમાં જે વિચારો પડ્યા છે એ વિચારો સ્થાયી થઈને રહેશે જ્યાં સુધી તમે એને નહીં હડસેલી કાઢો. તમારે ટેવ પાડવી પડશે મનને, મન માટે વિચારને અને વિચારની પ્રક્રિયા તમે જે પ્રમાણે આગળ ધપાવશો એમ Either or તમારી પ્રશસ્તિ અથવા તો તમારું જે થવાનું હશે તે થતું રહેશે.

મન જો મોબાઇલની જેમ વર્ક કરતું હોય, અલ્ગોરિધમ એમાં પણ છે, પણ એ અલ્ગોરિધમ મને અને તમને કાયમ માટે શિકાર બનાવ્યા કરે તો એના માટે છૂટવા માટે કયો રસ્તો છે? છૂટવાનો બહુ સીધો સાદો રસ્તો છે. પહેલી વસ્તુ છે મનની સજાગતા. to be aware for your mind. એક વિચાર આવે એટલે વિચારને સજાગતા પૂર્વક ઓબ્ઝર્વ કરવો પડશે. હું આપને એક નાનું ઉદાહરણ આપું, આપણને બહુ સરળતાથી આ મુદ્દો સમજાય એવી તાર્કિક વાત કરું. આ પણ કદાચ તમે કોઈ એક ગામડિયા જેવા ગિરધર કાનાણી નામના ભાઈ છે અને એ બહુ તાત્ત્વિક વાત એકદમ હળવાશથી કરે છે. એમણે કહેલી આ વાત છે. (જુઓ આ મેં જેની વાત કરી એનું નામ મેં આપને જણાવી દીધું, કારણ કે મારે એનો અપરાધ નથી કરવો. જૈન દર્શન કહે છે કે, જે જેનું છે તે તેનું છે એમ કહેવામાં તમે સમય પસાર ન કરો અથવા વિનમ્રતા બતાવો એ તમારી અહિંસા છે.)  એ સુંદર વાત કરે છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શું છે? એમણે કીધું, બેઠો હતો ને વિચાર આવ્યો કે હાલો ગામને છેડે આંટો મારી આવું. એટલે બાઇકને કિક મારીને નીકળ્યો. મારા મને કીધું કે નવરો છો તો હાલ ઉપડ, લટાર માર, મજા આવશે. હું નીકળ્યો. નીકળ્યો ત્યાં રસ્તામાં મારો ભાઈબંધ મળ્યો અને કહે કે કઈ બાજુ જાય છે ? તો કહે ગામ ને છેડે, તો કહે ધ્યાન રાખજે ત્યાં પોલીસ ઉભા છે અને હેલ્મેટ ન પેહેરે એનો દંડ કરે છે. તો તરત મારી બુદ્ધિ જાગી અને બુદ્ધિએ કહ્યું કે ભાઈ હજાર રૂપિયાનો દંડ ભરવા લટાર મારવા ક્યાંય જવાય. પાછો વળ… ત્યાં પેલું ચિત્તની અંદર વિશ્લેષણ થઈને ડેટા આવ્યો. કાંઈ હજાર રૂપિયાનો દંડ હોય તો જોવે એમ ચાતરીને વયા જવાય... મન, બુદ્ધિ, ચિત્ત ત્યાં પેલો અહંકાર જાગ્યો. મને કોણ રોકે? રોકે તો ખરો જોઈ લેવું છે. આ ચાર સ્ટેપ વિચારનાં ચાલ્યા. એકમાં આનંદથી ઉપડ્યા, બીજામાં તમને કોઈએ ડરાવ્યા, વિચારવા માંડ્યાં, ત્રીજામાં તમારા ચિત્તે કહ્યું કે ભાઈ એવું બનવાનું નથી અને ચોથામાં અહંકારે વસ્તુ પકડી લીધી. કાંઈ કોઈ ન કરે તને કોણ કોઈ કરે? આ તને કહ્યું એ એટલું મોટું થયું કે નક્કી કર્યું કે જવું છે. અને પછી જે થયું તે થયું. પછીની વાત નથી કરવી. વાત તો આપણે એ કરવી છે કે તમને મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર કેવી રીતે ભેગા આવે, તમને ખબર ન પડે. વિચારો બદલવાની આખી ફ્રીક્વન્સી એટલી ફાસ્ટ હોય કે તમને એનો ખ્યાલ નથી આવતો. છતાં બદલી જાય છે અને એની અસર થઈ જાય છે તે આપણને ખબર છે. આ જ પ્રક્રિયા ઉંધી પણ ચાલે. તમે નીકળી ગયા અહંકારને લઈને, તમને રોકવામાં આવ્યા, હજાર રૂપિયા દંડ થયો, અને તમે દંડ ભરીને પાછા ફર્યા, ત્યારે એ અહંકાર શાંત થઈ જશે જેણે તમને ઉશ્કેર્યા હતા. એ વખતે તમને પેલું મન શાંત થયેલું લાગશે. તમને પેલી બુદ્ધિ થશે કાંઈ કોઈ ન લે. ચાલ ને નિકળ ને… તો એવે ટાણે બુદ્ધિગમ્ય કામ કર્યું ગણાશે, કે અહંકારે શૂન્ય કામ કર્યું ગણાશે. એટલે આ ચાર પગથિયાં એકબીજા સાથે અંદરો અંદર પરોવાયેલા છે. અને પરોવાયેલા પગથિયામાં આપણે ક્યારેય ભેળવાઈ જઈએ એ નક્કી નથી. આપણા જીવનની અંદર ઘણી ઘટના બને છે. મેં તો સાદી સરળ ઘટનાથી તમારી સાથે વાત કરી.

મન નામનો આ જે સિદ્ધાંત છે એને આપણે માકડું કહીએ, એને આપણે કુદાકુદ કરતું જીવજંતુ કહીએ, મન છે એ ચોર છે એવું આપણે બોલીએ છીએ, જે વિશેષણ આપીએ તે આપી શકાય. ખોટા નથી. પ્રસંગે-પ્રસંગે મન પોતાના વિશેષણો ને સાચા પાડે છે.  પણ એટલું નિશ્ચિત, આ મનની અંદર એક વખત જે વિચાર ઘુસી જાય એ જો બહાર કાઢવાની સતર્કતા ન રાખીએ તો મન તમને સુખ શાંતિથી બેસવા દેતું નથી. એક નાનકડી મજાની વાત કરું, એક રાજા હતા બધી વાતે સુખ હતું અને માટે ટાલ પડી ગઈ. ધીમે ધીમે વાળ ઉતરવા લાગ્યા અને ટાલ પડી ગઈ. હવે રાજાને ખૂબ ખરાબ લાગ્યું કે મારા માથે વાળ નથી? આ તો બરાબર ન કહેવાય. પાઘડી પહેરી રાખે, મૂંઝાયા કરે, પોતાનો ચહેરો પોતાને ગમતો નથી, એટલે રાજાએ એક વખત એલાન કર્યું કે મારા માથા ઉપર જે વાળ ઉગાડી આપે એને એક સો સોનામહોર આપું. નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો. બાદશાહનો કોઈ નજીકનો માણસ હતો. મંત્રી એને જઈને ગામમાં કહ્યું કે આવું કોઈ માણસ મળે તો આપો, આપણા રાજા ખૂબ દુઃખી છે, એમની   ટાલ ઉપર વાળ ઉગાડવા છે. એક વાણંદ બહાર આવ્યો. અને એણે આવીને કહ્યું કે હું કરી દઉં. તો કહે ધ્યાન રાખ ભાઈ, સો સોનામહોરના લોભમાં કાંઈ નક્કી ન કરતો. વાળ નહિ ઉગે તો આ રાજા છે એ વાત તું યાદ રાખજે. વાંણદે કહ્યું કે, કહેવાય તો ગયું છે હવે શું કરવું? એટલે એણે કીધું પણ મારી એક શરત… લઈ ગયા રાજા પાસે, રાજાએ કીધું કે તારી શરત શું છે? તો કહે હું વાળ ઉગાડી દઉં તો સો હીરામણી આપવાના તમારે. ન ઉગાડું તો મારી ઉપર કોઈ પ્રત્યાઘાત નહી આપવાનો. પણ મારી શરત એ છે કે,  હું જ્યારે માથામાં તેલથી માલિશ કરવાની શરૂઆત કરું ત્યારે તમારે વાંદરાનો વિચાર નહીં કરવાનો. રાજાને થયું આપણે ક્યાં વાંદરાનું વિચારીએ જ છીએ ભાઈ… અને અમથું અમથું થોડી કોઈ વાંદરા વિષે વિચારે…. કાંઈ વાંધો નહિ ચાલ તારી શરતનું હું પાલન કરીશ. હું વાંદરા વિષે નહિ વિચારું. સમજજો, આ વ્યંગથી આપણને આધ્યાત્મ તરફ લોકો લઈ જાય છે.  પેલા વાંણદે માલીશ શરુ કર્યું.  અને પાંચ મિનિટ થઇ ત્યાં રાજાને વિચાર આવ્યો કે, વાંદરાની વાત આમણે કેમ કરી હશે? હું તો કોઈ દિવસ વાંદરાને યાદ કરતો જ નથી. પછી થયું એવું કે ઉપર પેલો માલિશ કરતો જાય અને રાજા વાંદરાની ભેગા ઘુમરીએ ઘુમરીએ વિચારમાં ચડતા જાય. વાંદરો ક્યાંય નહોતો એની ખાતરી હતી છતાં પણ વાળ ઉગાડવાની આખી પ્રક્રિયાને વાંદરો યાદ ન આવવો જોઈએ એ એક વિચારે ડિસ્ટર્બ કર્યો. કોઈકે નાખ્યો શબ્દ, શરત કોઈકની હતી, પણ એ કોઈકની વાત મારા મનમાં આવી ગઈ એટલે હું એના ચક્રમાં ફસાયો. હકીકતમાં ‘મન ઝાંઝર મન ઝંઝીર’ એ વિષયને આપણે બદલીને એવું કહેવું પડશે કે ‘મન મંદિર, મન પ્રાર્થના.’  ઝાંઝર અને ઝંઝીર બે માંથી કશું નથી જોતું, કારણ કે બંનેમાં એક્સ્ટ્રીમ, બંને અંતિમ, બંને છેડાઓ છે. ઝંઝીર તો છે જ પણ ઝાંઝર સાથે રાખીને આખી જીંદગી ન જીવી શકાય. પરિણામે આપણે એમ કહેવું પડે ‘મન મંદિર, મન પ્રાર્થના.’  અને હકીકતમાં આપણા સંતો મહંતો પણ એવું કહે છે કે પ્રાર્થના એ મનમાં કરવાની વસ્તુ છે. આપણે એમ પણ કહીએ કે, પ્રાર્થના એ મનને કરવાની વસ્તુ છે. કે ‘હે મન તું મને સાચો માર્ગ દેખાડ જે.’

આપણે કોઈ બાહ્ય સંત – ફકીરને મળવું હોય છે અને તે આપણને નાનકડો ફાયદો કરાવીને સાચો રાહ પકડાવી દે છે. મહમદ પેગંબર સાહેબ પાસે ઘણા લોકો દુઆ લેવા આવે. એક વ્યક્તિએ આવીને કહ્યું કે, પયગંબર સાહેબ, હું અલ્લાહને વાસ્તે લડાઈમાં જવા ઈચ્છુ છું. પયગંબર સાહેબ બોલ્યા, વિચાર બહુ સારો છે, પણ તારી મા જીવે છે? હા, મારી મા જીવે છે ને… પયગંબર સાહેબે પાછો પ્રશ્ન પૂછ્યો કે, તું જતો રહે તો એની સારવાર કરવા માટે કોઈ ઘરે છે? તો કહે, ના એની સારવાર કરવા માટે તો કોઈ નથી હું જ છું.  પયગંબર સાહેબે સરસ જવાબ આપ્યો કે, તો જા તારી માની સેવા કર, કારણ કે એના પગમાં જ જન્નત છે. જે જન્નત માટે થઈને તું લડાઈ કરવા જવાનું નક્કી કરી બેઠો છે….  સમજદાર કો ઈશારા કાફી હૈ, એવું આપણે બોલીએ છીએ. આપણા કોઈ બુદ્ધ પુરુષ, આપણા કોઈ આત્મીય પુરુષ, સંત મહંત, સુફી લોકો ક્યારેક ક્યારેક એક નાનકડો ચમકારો કરી જતા હોય છે અને એ ચમકારા ના માર્ગે આપણે વળવાનું શરૂ કરીએ તો અનેક પ્રશ્નો અનેક ભ્રમણાઓ આપણી દૂર થઈ જાય છે. પેલી જાણીતી વાત છે કે નાસ્તિકને આવીને સંત સાથે જરા ગરબડ કરવી હતી એટલે એણે પૂછ્યું કે તમે ભગવાનમાં માનો છો? હા માનું છું, ભગવાન છે એવું તમે માનો છો? તો કહે હા માનું છું. અત્યારે છે એવું ય તમે માનો? તો કહે હા માનું છું…સાબિત કરો, નાસ્તિક નાસ્તિક છે અને આસ્તિક આસ્તિક છે. જેમ નાસ્તિકે નકાર પકડી રાખ્યો તેમ પેલા આસ્તિક ફકીરે હકાર પકડી રાખ્યો. બરાબર આ યુદ્ધ જીવનમાં ચાલતું હોય ત્યારે આપણે સમજવાની જરૂર છે કે હકાર જ જીતશે નકાર જીતશે નહીં. માટે આપણો પક્ષ હકાર તરફ હોવો જોઈએ. પેલા નાસ્તિકે કહ્યું કે સાબિત કરો કે ભગવાન છે. હવે પેલા સંત ફકીર તો શું કરે ભગવાનની પૂજા કરતા હતા અને એણે પંચ પાત્રની અંદર સરસ મજાનું પંચામૃત ભર્યું હતું એ એક આચમની ભરી અને પેલાને કીધું કે લે, એણે પોતે આચમની લીધી પછી એણે પૂછ્યું કે આ શું છે? તો કહે એ પ્રસાદી છે, પંચામૃત છે. તો કહે એમ નહિ આ શું છે? તો કહે દૂધ છે. શું કરવું? પી જા. એટલે પેલો માનીને પી ગયો. કેવું લાગ્યું દૂધ તો કહે ગળ્યું લાગ્યું. ખાંડ છે અંદર. તે જે દૂધ પીધું ને એ દૂધ આમાં પંચપાત્રમાં પડ્યું છે. આ પંચપાત્રમાં ભર્યું બધું લઈને જા. અને ત્યાં ખૂણે બેસી જા. ખૂણે જઈને મને બે જુદા કરી દે, ખાંડ ને દૂધ જુદા કરી આપ. પેલો માણસ તો મૂંઝવણમાં મુકાઈ ગયો કે એ કેવી રીતે થાય? અને એ નતમસ્તક થયો અને કીધું કે, મારી ભૂલ થઈ ગઈ. તો કહે બેટા તારી ભૂલ નથી થઈ, સારું થયું તે પૂછી લીધું. તારી આ ઉંમરે કોઈકને પૂછતો રહેજે.  પછીની જિંદગી આપણી બહુ સુંદર રીતે ચાલે. અને તે પૂછ્યું એટલે મેં તને જવાબ ન આપ્યો સાબિતી જ આપી. જેવી રીતે આ દૂધની અંદર સાકર છે છતાં દેખાતી નથી અનુભવાય છે. એવી જ રીતે આ ઈશ્વર આપણી આજુબાજુ છે જ, પણ એને અનુભવવાનો હોય. ક્યારેય વિચાર કર્યો કે રાત કોણ પાડે છે? ક્યારેય વિચાર કર્યો કે દિવસ કોણ ઉગાડે છે? ક્યારેય વિચાર કર્યો કે મેં ખાધેલો ખોરાક બીજે દિવસે અંદર કોણ પચાવી નાખે છે? આ પ્રશ્ન પૂછ્યા વગર જે જવાબ નથી એ આપણો ઈશ્વર છે. વાત તો બહુ નાની અને સમજની છે. કદાચ ઈશ્વરનો સાક્ષાતકાર જેને થયો હોય એના જેટલી જ આ દ્રઢ વાત છે કે જેમાં માણસે પોતે પોતાના મનને કેવી રીતે કોઈના ઈશારે સુધારવાનું પગલું ભરવું તે મહત્વનો વિષય છે.

રાખવા જેવું એ છે કે, જેવું મન એવો મનુષ્ય. બીજી વાત એ યાદ રાખવા જેવું છે કે મનમાં જે જશે તે પાછું આવશે. ત્રીજી વાત એ યાદ રાખવાની છે કે મન તો આપણને હંમેશા બીજી દિશામાં ખેંચશે. ચોથી વાત એ યાદ રાખવાની છે મન છે એના ભરોસે કાયમ રહેવાય નહીં. જરા આજની ભાષામાં કહેવું હોય તો હમણાં જ બનેલી એક ઘટના સાથે વાત કહું. હમણાં આપે સૌ એ કદાચ જાણ્યું હશે કે એક બેન ઓડી ગાડી ની અંદર બેઠા હતા. પોતે ગાડી ચલાવતા હતા અને એમને ક્યાંક જવું હતું.  એટલે એમણે જીપીએસ માં એ લોકેશન નાખેલું હતું. જીપીએસ માં લોકેશન નાખી દીધું પછી એ બેન હતા. અને નિસફીકર થઈને આનંદથી ગાડી ચલાવતા હતા. બન્યું એવું કે એક સમય આવ્યો કે ગાડી ચાલવાને બદલે ઊંડા નદીનાં પ્રવાહમાં પડી.  જયારે જીપીએસ હજી આગળનો રસ્તો દેખાડતું હતું. એ તો સારું થયું કે નજીકમાં કેટલાક લોકો હતા એને પાછળ ને પાછળ ઝંપલાવ્યુ અને બહેનને જીવતા બહાર લઈ લીધા. મારે કહેવું હોય તો એમ કહી શકું કે આપણું મન છે ને જીપીએસ જેવું છે.  જીપીએસમાં તમે નાખીને નિશ્ચિત થઈ જશો તો નહિ ચાલે. તમારે દરેક વખતે નિશ્ચિન્તતા સાથે રાખીને શું થઈ રહ્યું છે ત્યાં મનને હાજર રાખવું પડશે. તમને એ પણ કદાચ ખ્યાલ હશે કે તમે જીપીએસમાં લોકેશન નાખી દ્યો અને એ લોકેશન નજીક આવે એટલે જીપીએસ પોતાની દુકાન બંધ કરી લે. હવે તમે અહીંયા ગોતી લો. મનનું પણ આવું જ છે. તમને એવી સિચ્યુએશનમાં મૂકી દે છે કે હવે તું લડી લે. તો એવે ટાણે આપણે રસ્તો બોલીને ક્યાંક નદીમાં ખાબકી ન પડીએ એના માટે પણ મનની સાથે દોડવું, મનની સાથે રહેવું, મનને આપણાથી થોડું પાછળ રાખવું. પહેલા વિચારીને પછી નિર્ણય લેવો.

વિચાર મનને સાધવા માટેનો ઉત્તમ રસ્તો છે. અને આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે विचार प्रवाह: इति मनः… મન એટલે શું છે? વિચારોનો પ્રવાહ, ઢગલો, ધોધમાર. મને લાગે છે કે આપણે મનને ઝાંઝર તરીકે શોધવાને બદલે, મનને ઝંઝીર તરીકે શોધવાને બદલે મનને મંદિર તરીકે શોધીએ. આ પર્વ આપણને એવું શીખવે છે કે, પર્વ તરીકે હું દર વર્ષે આવું છું દોસ્ત, આ વર્ષે કશાક સંકલ્પ કરી લે, મનમાં હકારાત્મકતા બેસાડી દે, એ બેસાડી દઈશ તો આવતું વર્ષ તારું અદ્ભૂત જશે. Take away શું? પર્યુષણ, પર્વાધિરાજ દર વર્ષે આવે તો કેમ આવે દર વર્ષે? એને ખબર છે કે એક વર્ષમાં આ મારા ભક્તનું ઇનબોક્સ ભરાઈ ગયું હશે. ઠાંસોઠાંસ ભરાણું હશે.  ચાલો હું પર્વ તરીકે જાઉં, એ લોકો સાથે અમુક દિવસ રહું, અને એને વિચારવા મજબુર કરું કે આ ભરાઈ ગયેલું ઇનબોક્સ ખાલી કરો, નવા વિચારને સ્થાન આપો, અને મનની લગામ તમારા હાથમાં રાખો. નમસ્કાર….

(શ્રી મુંબઈ જૈન યુવક મંડળ, મુંબઈ દ્વારા પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાન માળામાં 2025 ના વર્ષમાં આપેલ વ્યાખ્યાનના હોમવર્ક પરથી આ લેખ તૈયાર કરેલ છે.)

 

 

પ્રવાહ મેં બહતે હુએ સુખે પત્તે કી તરહ બહો.

પ્રવાહ મેં બહતે હુએ સુખે પત્તે કી તરહ બહો.

 

 

 

 

 

 

દોઢ કલાક સુધી ઓશો બોલતા રહ્યા અને હું દોઢ કલાક સુધી રડતો હતો.!!”

આપણે હવે સ્વામી શ્રી સત્યવેદાંતજીને બરાબર ઓળખીએ છીએ. તેઓ પાસેથી ઓરેગોન સ્ટેટમાં રજનીશપુરમના નિર્માણની દિલધડક રોમાંચક કહાની સાંભળીને આશ્ચર્ય ચકિત થયા છીએ. એ સ્વામી શ્રી સત્યવેદાંતજીને પૂછ્યું કે,

પ્રશ્ન: આપે રજનીશપુરમના નિર્માણમાં આટલો મહત્વનો રોલ ભજવ્યો અને ઓશોએ આપને દીક્ષા આપવા સુધી આત્મીય ગણ્યા તો એક વાત જાણવી છે કે, આપ ઓશોના પરિચયમાં ક્યારથી આવ્યા અને ઓશોમય કેવી રીતે બની ગયા??

સ્વામી: ‘ભગવાન મહાવીર મેરી દૃષ્ટિ મેં’ – વિશે પહેલીવાર મેં ઓશોને સાંભળ્યા હતા. ત્યારથી જ મને થયું કે મારે ઓશોને મળવું છે. 1974માં શિકાગોની કૉલેજમાં નોકરી લીધી. પૈસા ભેગા કર્યા વિના પૂના કેવી રીતે જઈ શકું? એટલે એ વર્ષ ત્યાં રહીને કમાણી કરીને પછી 10 જાન્યુઆરી, 1975માં શિકાગો છોડીને પૂના આવ્યો.

સ્ટેશન પાસેની એક લૉજમાં સામાન મૂકીને હું આશ્રમમાં ગયો. ઓશો હજુ 1974માં જ મુંબઈથી પૂના શિફ્ટ થયા હતા. એટલે આશ્રમમાં બધું ગોઠવાતું હતું. મા યોગલક્ષ્મી ઓશોના સેક્રેટરી હતાં, એમની સાથે મારે અગાઉ શિકાગોથી પત્ર વ્યવહાર થયેલો. મેં એમને કહ્યું કે હું શિકાગોથી ભગવાનના દર્શન કરવા આવ્યો છું. તેઓ કહે નક્કી નહીં, દર્શન થાય કે નહીં. કાલે સવારે છ વાગે આવો, સક્રિય ધ્યાન કરો અને નવ વાગે ઓશો પ્રવચન કરશે એ સાંભળજો.

મને ખૂબ નિરાશા થઈ કે આટલે સુધી આવ્યો છું અને દર્શન થશે કે કેમ? ઠંડી ખૂબ હતી એટલે સવારે છ વાગે તો જઈ ન શક્યો. નવ વાગે પ્રવચનમાં ગયો. લાઓત્સે ખંડની ગેલેરીમાં 30-35 શિષ્યો બેઠા હતા. તે વખતે ઓશોએ કબીર પરની વ્યાખ્યાનમાળા ચાલુ કરી હતી. એમણે બોલવાનું શરૂ કર્યું અને મારું રડવાનું શરૂ થયું. દોઢ કલાક સુધી ઓશો બોલતા રહ્યા અને હું દોઢ કલાક સુધી રડતો હતો. ખબર નહોતી કે શા માટે રડવું આવતું હતું ! ઓશો ક્યારે ઊઠીને જતા રહ્યા એનો પણ મને ખ્યાલ નહોતો રહ્યો. દોઢ કલાક પછી હું ઊભો થયો. પછી બહાર હું ચક્કર લગાવતો હતો ત્યારે મને ઑફિસમાં બોલાવ્યો. મને કહ્યું કે આજે સાંજે દર્શન થઈ શકશે. લાઓત્સે ખંડમાં પહોંચી જજો, ત્યાંથી કોઈ અંદર લઈ જશે. અને ઓશોના દર્શન થશે.

11 જાન્યુઆરીની સાંજે ખંડમાં ગયો. ઓશો આવીને ખુરશી ઉપર બેસે. લોકો આવે અને આજુબાજુ બેઠા હોય. મને ઓશોના પગ પાસેની જગ્યાએ બેસાડ્યો. ઓશો આવ્યા અને મા લક્ષ્મી પણ બેઠાં હતાં. બધાના ખબરઅંતર પૂછતા-પૂછતા ઓશો આવ્યા. બે બહેનોના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ આપ્યો. પછી મારા પર નજર પડી. એમનો મધ જેવો મીઠો અવાજ, જેનું વર્ણન હું કરી જ નહીં શકું. રેશમ જેવા કોમળ અવાજમાં મને પૂછ્યું કે – આપ કો કુછ કહેના હૈ? મેં કહ્યું – હું શું કહું? મને તો ખબર જ નહીં કે શું થઈ રહ્યું છે! હું તો ફક્ત દર્શન કરવા ગયેલો. ખબર નહીં કેમ હું ચીસ પાડીને રડવા લાગ્યો અને મોટેથી બોલવા લાગ્યો કે – ભગવાન હવે મને કદી છોડતા નહીં! ઓશોએ કહ્યું કે – હું તમને કદી નહીં છોડું. હું તમારી સાથે રહીશ. શિકાગોમાં પણ તમારી સાથે રહીશ. બધું મારા ઉપર છોડી દો. કશી ફિકર કરો નહીં.

હું 45 વર્ષ ઓશો સાથે રહ્યો. એ દરમિયાન જ્યારે-જ્યારે મેં એમના ચરણ સ્પર્શ કર્યા છે ત્યારે એક જ વસ્તુ બને કે, હું કશું કહેવા જાઉં અને તેઓ એમ જ કહે – બધું મારા ઉપર છોડી દો, કશી ફિકર કરો નહીં – બસ એમ જ હંમેશાં કહ્યું છે. કદી મને કશું કહેવા દીધું નથી.

પછી હું બેસી ગયો. શ્વેત વસ્ત્રો બરોબર રહેશે? એમ મને પૂછ્યું. ઓશો શ્વેત વસ્ત્રોમાં દીક્ષા આપતા હતા. કેમ કે, લોકો કામકાજ કરતા હોય એટલે ભગવા પહેરવાનું અનુકૂળ ન આવે. શ્વેત વસ્ત્રોમાં દીક્ષિત થયાં હોય તે પુરુષને સાધુ અને સ્ત્રીને ‘સાધ્વી’ નામ આપતા હતા. એ રીતે મારું પહેલું નામ ‘સાધુ’ સત્યવેદાંત છે. પછી મને કહે – તમારે જલદી ભગવામાં આવવું પડશે. ત્યારે ખબર પડે કે તમે સંન્યાસી છો કે નહીં! આમ, ઓશોએ મને સંન્યાસની દીક્ષા આપી સાથે માળા પહેરાવી અને સર્ટિફિકેટ આપ્યું. પછી મને કહ્યું કે પાંચ દિવસ પછી ફરીથી મને મળવા આવો. ત્યારે કોઈ નવું ધ્યાન આપીશ.

આ મારું પહેલું દર્શન હતું. હું ત્રણ દર્શનની વાત કરવાનો છું.

ધ્યાનના દસ દિવસના કેમ્પ ત્યારે યોજાતા હતા. હું ત્યાં હતો એટલે મા લક્ષ્મી પાસે જઈને મેં કહ્યું કે મારે કોઈ પ્રદાન આપવું છે. મેં કહ્યું કે ઓશોના અંગ્રેજી પ્રવચનોનો હિન્દીમાં અનુવાદ કરવાનો વિચાર મને આવે છે. અને મેં ગીતા પરના ઓશોના પ્રવચનના અનુવાદ કર્યા.  કદાચ એ અનુવાદ ભગવાન સુધી પહોંચ્યા હોય એમ મને લાગ્યું. કારણ કે, પાંચ દિવસ પછી ગયો ત્યારે એમણે પહેલા જ મને કહ્યું કે, “તમે અનુવાદ ખૂબ સરસ કર્યો છે. હવે તમારું એ જ કાર્ય રહેશે. મારા પ્રવચનોનો અંગ્રેજીમાંથી હિન્દી અને હિન્દીમાંથી અંગ્રેજી અનુવાદ કરો. અને મારા ઉપર એક પુસ્તક લખો. એ 350 પાનાંનું હોવું જોઇએ. એ તમારે અમેરિકામાં પ્રકાશિત કરવાનું છે.” એમ મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરી. એમની પાસે એક નેપ્કિન કાયમ હોય. એ નેપ્કિન આપીને મને કહે – આ તમારી પાસે રાખો. તમને બહુ તકલીફ થાય ત્યારે આ નેપ્કિન હૃદય પર રાખીને સૂઈ જજો. પણ વધારે વાર એવું નહીં કરતા અને તેને કદી ધોવાનું નથી.

પછી મને કહે, વેદાંત પરમ દિવસે જે પ્રાર્થના-ધ્યાન કર્યું હતું એ કરીને દેખાડો. મેં ગોઠણભેર બેસીને ધ્યાન શરૂ કર્યું અને મારું શરીર હલવા મંડ્યું અને હું ધ્યાનમાં ઊંડે સરી ગયો. ઓશોનો દૂરથી અવાજ આવ્યો કે – “કમ બેક. બહુ સરસ રહ્યું. બહુ જલદી ઊંડાણમાં જતા રહ્યા. આવી જાવ હવે!” હું ભાનમાં આવ્યો ત્યારે તેઓ ઊઠીને ચાલ્યા ગયેલા. આ મારું બીજું દર્શન.

ત્રીજું દર્શન મારે પાછા જવાનું હતું એ વખતે થયું.

મારા દસ દિવસ ત્યાં પૂરા થઈ ગયેલા. મા લક્ષ્મી પાસે જઈને મેં કહ્યું કે, ઓશો સાથે એકાંતમાં વાત ન થઈ શકે? એમને પૂછી જુઓ. મને કહેવામાં આવ્યું કે તમે પાંચ વાગે સૌથી પહેલા પહોંચી જજો. એટલે એકલા વાત થશે. હું પાંચ વાગે પહોંચી ગયો. કોઈ આવ્યું નહીં. ત્યારે ધ્યાન શરૂ થતું હતું હું એમાં જઈને બેસી ગયો.

અચાનક જયંતીભાઈ મને બોલાવવા આવ્યા. હું ત્યાંથી ઊભો થયો અંદર ગયો. ત્યાં ખુરશી પર ઓશો બેઠા હતા. હું અંદર ગયો બે બાજુ દીવાલ હતી. એક બાજુની દીવાલ પર એક કપલ બેઠું હતું. એમની સાથે ઓશો વાત કરતા હતા. મને ઓશોએ કહ્યું કે વેદાંત આવો, બેસો. બીજી બાજુની દીવાલે હું બેસી ગયો.

કપલમાંથી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેમાંથી તેનો પતિ બચાવીને લાવેલો. ઓશો કહેતા હતા કે, તારે આત્મહત્યા જ કરવી હોય તો અહીં ચિતા તૈયાર કરીએ અને પછી બધા નાચતાં-ગાતાં ઉત્સવ કરીશું અને તું ચિતા પર ચડી જજે. મરવું હોય તો આમ મરવું જોઇએ. પછી અચાનક કહે – મરવું કેવી રીતે એ તો વેદાંત પાસેથી શીખવું જોઇએ. પછી એ મહિલાને કહ્યું કે, તને ખબર છે તે પાછલા જન્મમાં પણ આવું જ કર્યું હતું! તું ક્યારે બંધ કરીશ? પછી પતિને કહ્યું કે આને અહીં રહેવા દે. ધ્યાન કરશે અને સારું થઈ જાય પછી બોલાવી લેજે.

મેં ચરણ સ્પર્શ કર્યા. કશું બોલવા ગયો તો કહે – બધું મારા ઉપર છોડી દો. મને બધી ખબર છે.

હું શું કહું? મેં કહ્યું મારે જવું છે. તો કહે ક્યાં જવું છે? અહીં બેસી જાવ. પછી લોકો આવવા લાગ્યા. એ વખતે શિષ્ટાચારનો મારાથી ભંગ થયો. ઓશો કોઈ સાથે વાત કરે છે અને મેં વચ્ચે કહ્યું કે, મારે એક વાત કરવાની રહી ગઈ. એ કહે બોલો શું થયું, વેદાંત?

મેં કહ્યું હું છેલ્લે પાંચમા દિવસે આવેલો અને બેઠો હતો ત્યારે બંધ આંખે એવું દૃશ્ય દેખાયું કે કોઈ એક બોક્સ રાખેલું છે. તેમાં કશું છે અને એમાં પાણી છે. પાણીમાં એક માછલી તરે છે. એક હાથ એ દરવાજો ખોલે છે અને કહે છે કે – પાણી વિના માછલી ન રહી શકે, એમ ભગવાન વિના તું નહીં રહી શકે. ઓશો કહે, હા વેદાંત, એવું જ છે. એ સાથે જ હું અભાન અવસ્થામાં જતો રહ્યો. ભાનમાં આવ્યો ત્યારે ઓશો ક્યારે જતા રહ્યા એ મને ખ્યાલ રહ્યો નહીં.!!!

પછી તો હું શિકાગો જતો રહ્યો. ટ્રેનમાં, પ્લેનમાં રડતો જ રહેતો – ઓશોને હું એટલા બધા મિસ કરતો હતો. એ વખતે હું ઇનલેન્ડ પત્ર એમને લખ્યા કરતો હતો. દોઢ મહિના સુધી મેં એમને પત્રો મોકલ્યા પછી છેક એક જવાબ આવ્યો. હિન્દીમાં એક લીટી જ લખેલી – પ્રવાહ મેં બહતે હુએ સુખે પત્તે કી તરહ બહો.  મારી યાત્રા એ રીતે શરૂ થઈ. (ક્રમશ:)