“બસ, મને જવા દો. અસ્તિત્ત્વ પોતાનો સમય નક્કી કરે છે.”

રજનીશ જે સવારે ૪.૦૦ વાગ્યે પૂના પહોંચ્યા અને મજાની વાત એ બની કે તેના ચાર કલાક પછી રજનીશ તેમની પથારીમાં જ હતા ત્યારે પોલીસે આવીને તેમને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપી દીધો. આ ઘટના રજનીશની સમજ બહારની હતી, કેમ કે તેમણે એવો કોઇ ગુનો કર્યો ન હતો જેને કારણે તેમને તેમના પોતાના જ દેશના, પોતાના જ ઘરની બહાર નીકળી જવાનું કહેવામાં આવે પણ પોલીસના શબ્દોમાં “તમે એક વિવાદાસ્પદ વ્યક્તિ છો અને પોલીસ કમિશનર એમ માને છે કે તમારી હાજરી શહેરમાં હિંસા ફેલાવી શકે છે.” બીજા દિવસે રજનીશના વકીલે પોલીસ કમિશનરને મળીને પરિસ્થિતિની જાણ કરી ત્યારે મામલો શાંત પડયો.

જો કે હજી વાત પુરી થઈ ન હતી અને ઘટનાક્રમ જારી હતો. ફેબ્રુઆરીની એક રાત્રે અચાનક પોલીસ આવી અને ૧૧ આશ્રમવાસીને લઈને જેલમાં પૂરી દીધા.  આશ્રમના ટેલિફોનના વાયર કાપી નાખવામાં આવ્યા. સવારે પોલીસની વાન આવી. કથિત ‘ગેરકાયેદસર બાંધકામ ધરાવતા’ આ આશ્રમને તોડી નાખવા માટે, પણ ભલું થાય નગર યુવા કોંગ્રેસના નેતા બાબાસાહેબ બોરાડેનું જે આ તમાશો જોઈ રહ્યા હતા અને જાણી ગયા હતા. તેમણે જાહેરાત કરી કે ‘અમે તમારા માટે લડીશું’ પાછળથી આ ખોટા કામ માટે પૂનાના મેયરે તેમને મળીને તથા તેમને પત્ર લખીને માફી માગતાં કહ્યું કે પૂના શહેરમાં તમારું સ્વાગત છે અને હું ઇચ્છું છું કે તમે હંમેશાં અહીં રહો.” અને આમ જ બન્યું. રજનીશે પોતાના છેલ્લા શ્વાસ આ જ પૂના શહેરમાં પોતાના કમ્યુનમાં લીધા.

આ દરમિયાન કમ્યુનનો વ્યાપ વધતો રહ્યો. તેની પ્રવૃત્તિઓ પણ પોતાની રીતે આગળ વધતી રહી પણ સૌથી ચિંતાજનક બાબત એ હતી કે, ઓશોનું આરોગ્ય સતત કથળતું રહ્યું હતું. ૧૯૮૭નો ઓક્ટોબર આવતા સુધીમાં તો તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા. ૧૯૮૭ની છઠ્ઠી નવેમ્બરે તેઓ પ્રવચન આપવા આવ્યા અને એ વખતે તેમણે પોતાના આરોગ્ય વિશે વિગતવાર વાત કરી હતી. એ પ્રવચનનો આ ભાગ માત્ર ઓશોની ગંભીર તબિયતની જ જાણકારી આપતો નથી, પરંતુ તેમની વિરુદ્ધમાં રચાયેલા કાવતરા તથા તેમ છતાં તેમની હિંમતનો પણ પરિચય આપે છે. ઓશોએ પોતાના આ પ્રવચનમાં કહ્યું હતું કે, “હવે ડો. અમૃતોને લાગે છે કે, મને ઝેર આપવામાં આવ્યું છે. કદાચ તેમણે મને એ તમામ છ જેલમાં ઝેર આપ્યું હતું. આ જ કારણ હતું કે તેમણે (અમેરિકા) મને જામીન આપ્યા ન હતા અને આ જ કારણ હતું કે છ કલાકની મુસાફરી ૧૨ દિવસમાં પૂરી કરવામાં આવી. આ એક ધીમે ધીમે ઝેર આપવાની રીત હતી જેથી મારું તરત જ મૃત્યુ થાય નહીં, જેથી ધીરે ધીરે હું નબળો પડતો જાઉં અને તેનાથી જ હું નબળો પડી ગયો છું.”

“અમેરિકાની જેલમાં ગાળેલા એ ૧૨ દિવરાના સમયગાળા પછી જ મારી ઊંઘ ઊડી ગઈ છે. શરીરમાં એવું ઘણું બધું થાય છે જે પહેલાં ક્યારેય થતું ન હતું. ભૂખ પૂર્ણ રીતે સમાપ્ત થઈ જવી, ખોરાકમાં સ્વાદ લાગે નહીં, પેટમાં ગરબડ રહેવી, શ્વાસ રૂંધાવો, ઊલટી-ઉબકા આવવા, તરસ લાગવી. એક એવી લાગણી થવી કે જાણે મૂળમાંથી જ કાંઈક ઉખડી ગયું હોય. નર્વસ સિસ્ટમમાં પણ લાગતું હતું કે કાંઈક અસર થઈ ગઈ છે. ઘણીવાર આખા શરીરમાં ઝણઝણાટી આવી જતી હતી જે એટલી તીવ્ર હોય છે કે બંને હાથ અને પગમાં ખેંચ આવી જાય છે.”

“જે દિવસે હું જેલમાં પ્રવેશ્યો, એ દિવસે મારું વજન ૧૫૦ પાઉન્ડ હતું. આજે મારું વજન માત્ર ૧૦૦ પાઉન્ડ છે. મારો ખોરાક એવોને એવો જ છે પણ કોઈ કારણ વિના વજન ઘટી રહ્યું છે અને એક સૂક્ષ્મ નબળાઈ ઘર કરી ગઈ અને ત્રણ મહિના પહેલાં મારા જમણા હાથના હાડકામાં દર્દ શરૂ થઈ ગયું. આ તમામ લક્ષણ ઝેરનાં છે. મારા વાળ ઘટી રહ્યા છે, મારી દ્રષ્ટિ નબળી પડી ગઈ છે, મારી દાઢી સફેદ થઈ ગઈ છે. જેવી ૭૫ વર્ષના મારા પિતાની હતી. અમેરિકાએ મારા જીવનનાં લગભગ ૨૦ વર્ષ આંચકી લીધાં છે”.

“ડોક્ટર અમૃતોએ તરત જ તમામ ડૉક્ટરોને જાણ કરી જેઓ મારા સંન્યાસી હતા. તેમણે તમામને કહ્યું કે, તેઓ વિશ્વના તમામ ઝેર નિષ્ણાતોનો સંપર્ક કરે અને મારા ડોક્ટર્સમાંથી એક ડોક્ટર ધ્યાન યોગી તરત જ મારા લોહી અને વાળના નમૂના લઈને ઈંગ્લેન્ડ અને જર્મનીના નિષ્ણાતોને મોકલવા માટે રવાના થઈ ગયા.”

“યુરોપના તમામ નિષ્ણાતોનું માનવું છે કે, બે વર્ષ પછી શરીરમાં ઝેર શોધી કાઢવું શક્ય નથી પરંતુ તમામ લક્ષણ પરથી ખ્યાલ આવે છે કે ચોક્કસપણે ઝેર અપાયું છે.”

આમ છતાં ઓશોનાં પ્રવચનો જારી રહ્યાં. તેઓ થાક્યા હતા પણ હાર્યા હતા. ક્યારેક તો તેમનાં પ્રવચન લાંબાં ચાલતાં હતાં પણ આખરે ક્યાં સુધી આ બધું શક્ય બને, શરીરનું પણ પોતાનું વિજ્ઞાન હોય જ છે ને? અંતે ૧૯૮૯ની ૧૦મી એપ્રિલ એ દિવસ બની ગયો જ્યારે ઓશોએ પોતાનું છેલ્લું પ્રવચન આપ્યું. તેમના આ અંતિમ પ્રવચનના અંતિમ શબ્દો હતા. ‘જેને તમે ઓશોનો અંતિમ સંદેશો પણ કહી શકો છો કે યાદ રાખો કે તમે બુદ્ધ છોસમ્માસતિ.”

ઝેર તો ઝેર જ હોય છે. ઝેરે પોતાની અસર હવે દેખાડવા માંડી હતી. હવે પોતાના શિષ્યોના પ્રશ્નોના જવાબ આપવા માટે લાંબા પ્રવચન કરવાની રજનીશની સ્થિતિ ન હતી. તેમનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું, થાકી રહ્યું હતું, તેમના બાવડામાં બળ રહ્યું ન હતું અને એટલો દુ: ખાવો થતો હતો કે તેમને હલાવવા કે અહીથી ત્યાં ખસેડવા પણ શક્ય ન હતું પરંતુ તેઓ ગમે તેમ કરીને ૧૯૯૦ની ૧૬મી જાન્યુઆરીએ તેમના પૂના આશ્રમના બુદ્ધા હોલમાં આવ્યા અને અહીંથી પોતાના શિષ્યોને અંતિમ દર્શન આપ્યા.

બીજા દિવસે એટલે કે ૧૭ મી જાન્યુઆરીએ ડૉ. અમૃતોએ આવીને ઓશોના એ સંદેશાની જાહેરાત કરી કે ઓશો હવે આવીને માત્ર “નમસ્તે” જ કહેશે. દેખીતી વાત હતી કે આ જાહેરાત ઓશોની તબિયત લથડતી હોવાનો પુરાવો હતો. ૧૮મી જાન્યુઆરીએ તો તેમણે સંદેશો પણ મોકલી દીધો કે “તેમની હાજરીનો એવો જ અનુભવ કરાશે જાણે કે તેઓ અહીં જ છે.” આ સંદેશાથી તમામ સંન્યાસીઓના ચહેરા પર ચિંતા પ્રસરી ગઈ. ઊંડી ચિંતા પ્રસરી ગઈ. બધા સમજી ગયા હતા પણ મૌન હતા અને અંદરથી ભગવાનને પ્રાર્થના કરતા હતા કે સૌ સારાં વાનાં થઈ જાય.

અને પછી આવી એ છેલ્લા દિવસની છેલ્લી ક્ષણ. જ્યારે ધરતી નામના ગ્રહ ઉપર ૫૯ વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી આ વિદ્રોહી, ક્રાંતિકારી અને પોતાની રીતના એક અનોખા સંતે અહીંથી કાયમ માટે વિદાય લઈ લીધી. ૧૯૯૦ની ૧૯મી જાન્યુઆરીએ સાંજે ૫.૦૦ વાગ્યાનો સમય અને સ્થળ પૂનાનો આશ્રમ. જયારે લોકો ઓશોનાં દર્શન માટે એકત્રિત થયા તો ડો. અમૃતો આવીને આ કડવા સત્યની જાહેરાત કરે છે કે “ઓશો હવે આપણી વચ્ચે રહ્યા નથી”. માત્ર આ શબ્દોએ ઓશોના ૫૯ વર્ષને સમેટીને તેની સમાપ્તિની જાહેરાત કરી દીધી.

શરીર છોડતા અગાઉ ઓશોએ જયેશને બોલાવીને કહ્યું કે “આનંદો મારું માધ્યમ હશે.” ઓશોએ નિવેદન આપ્યું હતું કે તેમણે પોતાના સંન્યાસીઓને મૃત્યુ ઉપર ઉત્સવ મનાવવાનું શીખવ્યું છે એ જ રીતે મારા મૃત્યુનો પણ ઉત્સવ મનાવવો.

પરિણામે પહેલાં તો તેમના મૃતદેહને દસ મિનિટ માટે બુદ્ધા હોલમાં ઉત્સવ માટે લાવવામાં આવ્યો અને પછી ભવ્ય સરઘસ સાથે સ્મશાને લઈ જવાયો જયાં આખી રાત ઉત્સવ મનાવાયો. ૨૧મી જાન્યુઆરીએ ઓશોનાં અસ્થિ તેમની સમાધિ સુધી લાવવામાં આવ્યાં. આ સમાધિ ચ્યાંગત્સુ ઓડિટોરીયમમાં છે. જેને તેમના બેડરૂમમાં બદલી નખાયો હતો. હવે આ સમાધિ સ્થળે મૌન—ધ્યાન ધરવામાં આવે છે.

રજનીશના મૃત્યુ અગાઉથી જ કેટલીક ઘટનાઓને જોઈને લાગે છે કે, રજનીશ ને પોતાના મૃત્યુનો આભાસ થઈ ગયો હતો. છ મહિના પહેલાં જ તેમણે પોતાની સમાધિ બંધાવી હતી. મૃત્યુના નવ મહિના અગાઉ તેમણે પ્રવચન આપવાનું બંધ કરી દીધું હતું અને કહ્યું હતું કે “મારા વિના જીવતાં શીખો.” ત્યાં સુધી કે તેમણે પોતાના પુસ્તકાલયમાં જઈને પોતાના પુસ્તકો ઉપર શીર્ષકો લખ્યાં, જેવા કે થોડીવાર પોકાર કરીશ અને પછી ચાલ્યો જઈશઅનેઅહીંથી નીકળ્યો તો વિચાર્યુ કે સલામ કરતો જાઉં વગેરે…

મૃત્યુના એક દિવસ અગાઉ તો ઓશોએ પોતાની નિકટના અમૃતો અને જયેશને સ્પષ્ટ કહી દીધું હતુ કેબસ, મને જવા દો. અસ્તિત્ત્વ પોતાનો સમય નક્કી કરે છે.” અને તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે દસ મિનિટ માટે મને બુદ્ધા હોલમાં લઈ જવો અને પછી સીધો સ્મશાને અને ત્યાં લઈ જતાં પહેલાં મને ટોપી અને મોજા પહેરાવી દેવા.”

ઓશો વિશે પણ તેમણે કહ્યું હતું કે “મૃત્યુ પછી પણ હું મારા લોકો વચ્ચે અત્યારે છું એટલો જ હાજર રહીશ પણ એ તેમની ઉપર આધારિત છે તેથી હવે હું ધીરે ધીરે તેમની દુનિયામાંથી વિદાય લઇ રહ્યો છું જેથી હવે તેઓ પોતાના બળ પર ઊભા રહે.” (ક્રમશ:)