
જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને, યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા, એ ગાંધી કેવા હશે!!?
(ભાવિ શિક્ષકો સાથેના સાત્વિક સંવાદને આજે આગળ વધારી પૂર્ણ કરીએ.)
પ્રશ્ન: શિક્ષકને સત્ય માનવો કે સત્યને શિક્ષક માનવો? બન્ને વચ્ચે ઘણો ભેદ રહેલો છે અને એ ભેદ મને સમજાતો નથી.
ઉત્તર: પહેલી વાત એ છે કે વિદ્યાર્થી તરીકે હંમેશા માનવું કે શિક્ષક એ સત્ય છે, પણ જ્યારે તમે વિદ્યાર્થી મટી જાઓ ત્યારે વિશ્લેષણ કરવું. શિક્ષક અને સત્ય વચ્ચે ભેદ લાગે ત્યારે બહુ મન ઉપર ન લેવું. ઈશ્વરે આપણને અહીં પૃથ્વી પર અનુભવો લેવા જ મોકલ્યા છે. પ્રભુએ કહ્યું છે કે, સારું હોય એ લેતો આવજે અને નરસું હોય તેને ત્યાં ને ત્યાં પડ્યુ રાખજે. ગાંધીજીને સમજ્યા વિના આચરણમાં મૂકશો તો તમને નહિ સમજાય. ગાંધીજીનું પહેલું સૂત્ર હતું ‘ ઈશ્વર સત્ય છે’ પણ પછી એમને સમજાયું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ આપણને જ્યાં સત્ય દેખાય ત્યાં ઈશ્વર, બાકી બીજી કોઈ માથાકૂટમાં ન પડવું.
પ્રશ્ન: આજના સમયમાં મૂલ્ય શિક્ષણનો હ્રાસ જોવા મળે છે ત્યારે તેને શિક્ષણ દ્વારા પુનઃસ્થાપિત કેમ કરી શકાય?
ઉત્તર: મારી દૃષ્ટિએ ‘મૂલ્ય શિક્ષણ’ જેવો કોઈ વિષય જ નથી. એ તો ઠોકી બેસાડેલો વિષય છે. મૂલ્યનું શિક્ષણ જ ન હોય. આપણા ગુરુકુલોમાં મૂલ્યો ભણાવાયા નથી પણ મૂલ્યને જીવ્યા છે. ગુરુ જેમ જીવતા હોય તેમને જોઈને ઋષિકુમારો શિખતા. આજનો પ્રશ્ન એ છે કે, મહત્તમ ગુરુઓ જ ઉંધા માર્ગે છે. આપણે જાત તપાસની જરૂર છે કે, આપણે શિક્ષક તરીકે કેટલા તૈયાર છીએ. આપણે નાહકની બૂમો પાડીએ છીએ કે, આજના વિદ્યાર્થીઓ ઉત્પાત્ કરે છે, પણ શિક્ષકોએ અપગ્રેડ થવું રહ્યું. મને વ્યક્તિગત ફાયદો એ થયો કે, મેં KG થી શરૂ કરી PG સુધીના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. એટલે જ હું બાલમંદિરના બાળક સાથે બેસીને વાતો કરી શકુ છું એટલો હળવો છું. જો આપણે પ્રાથમિક શાળામાં છીએ તો આપણે પ્રાથમિક શિક્ષક જેટલા વિકસીએ તે સંતોષ માની લઈએ છીએ, માધ્યમિક શાળામાં શિક્ષક છીએ તો માધ્યમિક શિક્ષક સુધી આપણે સંતોષ માની લઈએ છીએ અને જાતને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરતા.
મૂલ્ય શિક્ષણના કિસ્સામાં કેવું થાય છે આપણે બોલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જાણે છે કે ‘આ બોલે છે એ પ્રમાણે કરતો નથી‘ એની નોંધ કરે છે. એટલે એને બોલવા દો. તમે વિચાર કરો કે, જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા એ ગાંધી કેવા હતા? આજની દૃષ્ટિએ જોવા જઈએ તો એનામાં કોઈ ‘પર્સનાલિટી’ નહોતી, કોઈ વ્યક્તિત્વ નહોતું. એ બોલે તો કોઈને સાંભળવું ન ગમે એવા હતા, પણ પોતે જે જીવતા હતા એવું એ કહેતા હતા! એટલે મારી દૃષ્ટિએ મૂલ્ય શિક્ષણ જેવો કોઈ વિષય નથી. મૂલ્ય એ જીવનની અને જીવવાની બાબત છે અને એ જોઈને મારા કુટુંબના સભ્યો કે મારી શાળાના વિદ્યાર્થીઓ કરે એ સાચું.
પ્રશ્ન: મારો પ્રશ્ન વ્યક્તિગત છે. આપ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કૉલેજમાં હતા ત્યારે આપે નિવૃત્તિના ઘણા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી, તો તે પાછળનું કારણ શું હતું?
ઉત્તર: મને જ્યારે એવું લાગે કે અહીં આપણા વિચારોનો વ્યય કરી રહ્યા છીએ ત્યાંથી મને નીકળી જવાની ટેવ છે. યુનિવર્સીટીમાંથી નીકળીને હું અદાણી ફાઉન્ડેશનમાં ગયો. મારી એક જ જિજ્ઞાસા હતી કે, કોર્પોરેટ એવું શું કઈ રીતે કરે છે કે એમના પરિણામો ધાર્યા મળે છે, પણ આપણી સરકાર કે અન્ય સંસ્થાઓ કરે છે તેમાં દમ નથી હોતો. મારે તેઓની સિસ્ટમમાં રહીને જાણવું હતું એટલે હું જોડાયો.
જ્યારે હું બેંકમાં નોકરી કરતો હતો ત્યારે બે થી અઢી વાગે અમે બધા ફ્રી થઈ જતા. ત્યારે મને પ્રશ્ન થતો કે, હું અહીં શા માટે આવ્યો છું? કામ પૂર્ણ થયા પછી બેસી રહેવા? બેસી રહેવાનું કામ મને નથી ગમતું. યુનિવર્સિર્ટીમાં શૈક્ષણિક ક્ષમતાઓને બદલે બીજી કોઈ ક્ષમતાઓ જોઈને નિયુક્તિ થવાનો માહોલ રચાયો હતો. આવા માહોલમાં આપણે સમયનો વ્યય કરીએ તેના કરતાં નીકળી જઈએ તો સારું એવું મને લાગતું હતું તેથી મેં દસ વર્ષ વહેલા નિવૃત્તિ લઈ લીધી.
પ્રશ્ન: વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ત્યારે શિક્ષક પાસે સાચો અથવા પૂરતો જવાબ ન હોય ત્યારે શિક્ષકે શું કરવું? – જેથી વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે કોઈ ગેરસમજ ન થાય.
ઉત્તર: ફ્રેન્કલી કહી દેવું કે, દોસ્ત મને ખ્યાલ નથી. એક કામ કરીએ, કાલે તુંય તપાસ કરી લાવ ને હું ય તપાસ કરી લાવું, એમ કહી દેવું. શિક્ષક છીએ એટલે બધું જ આવડે એવો અભરખો રાખવાની જરૂર નથી. જેટલું જીવતા હોઈએ એ આવડે તો ય ઘણું છે જિંદગીમાં જ્યાં, જ્યારે, જેમ ન આવડતું હોય તે, ત્યારે, તેમ કહી દેવું!
પ્રશ્ન: આજે સવારથી સાંજ સુધી કાર્યક્રમ દરમિયાન તમને મેં જોયા. તમે સતત સ્મિતસભર છો. આજના સમયમાં એક શિક્ષક તરીકે નાના–મોટા અનેક સંઘર્ષો આવે છે. ત્યારે અમારું મોરલ ડાઉન થઈ જાય છે. તો આ સમયમાં સેલ્ફ મોટીવ કેવી રીતે રહી શકાય?
ઉત્તર: હું એવું માનું છું કે, આપણને કોઈ અન્ય પ્રેરણા ન આપી શકે. એટલે આજના જેટલા ‘મોટિવેશનલ સ્પીકર’ છે તે મારી દૃષ્ટિએ ‘ખોટીવેશનલ સ્પીકર’ છે. હું કોઈ પણ પ્રવૃત્તિ મારા સંતોષ ખાતર કરું છું. કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી’ જે કામ આપણું છે એને પુરા આનંદથી કરવું. આપણું નથી એને માથે ન લેતાં, જેનું હોય તેને સોંપી દેવું. બીજી એક આદત કેળવવાની જરૂર છે, સવારે વહેલા ઉઠીશું તો આપણે સ્ફૂર્તિવાન રહીશું. સૂર્યોદય પછી જાગશું તો આપણી સ્ફૂર્તિ ઓછી રહેશે. અને મહત્વની વાત જ્યાં જરૂર નથી ત્યાં આપણા શબ્દનું વાવેતર ન કરવું!
પ્રશ્ન: શિક્ષણ જગતમાં ૨૯ જુલાઈ ૨૦૨૦ પછી ઘણા પરિવર્તનો આવ્યા છે. આ વિવિધ પરિવર્તનોની વચ્ચે ભાષા ફસાઈ ગઈ છે. એટલે એમ કહીએ તો ૧૯૮૬થી આજ દિન સુધી એનો કોઈ નિવેડો નથી આવ્યો. આ વિશે આપનું શું મંતવ્ય છે?
ઉત્તર: હું બહુ જ સહજતાથી કહીશ કે, આપણી પાસે વિચારવા જેવા મહત્ત્વના અન્ય મુદ્દાઓ છે જ નહીં, જેથી આપણે આવા વિષયો પર ચર્ચા કરીએ છીએ. કઈ ભાષા ચાલવી જોઈએ? એ બધું મહત્વનું છે જ નહીં. સરળ વસ્તુ એ છે કે ‘હું જે બોલું છું તે સામેવાળાને પહોંચે છે કે નહીં? સામેવાળાને સમજાય એ ભાષા સાચી‘. બે વ્યક્તિઓ વચ્ચે કે સમુદાયો વચ્ચે ભાષા અંતરાય રૂપ બનતી હોય તો તે ભાષા નકામી! મને લાગે છે કે, જે સમન્વયકારી વાત છે એ જ કરવી જોઈએ.
પ્રશ્ન: પોતાની અને બીજાની જિજ્ઞાસાને કેમ ટકાવી રાખવી?
ઉત્તર: પહેલો મુદ્દો એ કે જીવતી ન રહે એ જિજ્ઞાસા જ નથી. જિજ્ઞાસા એ છે કે જ્યાં સુધી તમે એને જાણી ન લો કે એના મૂળ સુધી ન પહોંચો ત્યાં સુધી એ જીવતી રહે છે.
બીજો મુદ્દો તમે બીજાની જિજ્ઞાસાની પણ વાત કરી. તો તમારા જીવનની દરેક શરૂઆત કે અંત કંઈક ઇનોવેટિવ વાતથી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે ગુજરાતીના શિક્ષક છો તો તમે આજે દિનકરની કવિતાથી વાત શરૂ કરો. બીજા દિવસે વર્ગમાં જાઓ અને અંગ્રેજી ભાષાના જોક્સથી વાત શરૂ કરો. ત્રીજા દિવસે ટાગોરની વાત કરો. આનાથી એ થશે કે, હવે પછી શું નવું આવશે એવી વિદ્યાર્થીઓમાં સતત જિજ્ઞાસા રહેશે. આ મુદ્દા દ્વારા હું એવું કહેવા માગું છું, નવાચારી પ્રવૃત્તિઓ આપણી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને ટકાવી શકે છે. આપણે આપણી ઘરેડમાંથી બહાર નીકળવું એ જ જિજ્ઞાસાને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે!
