પૂર્ણતાને પંથે સંકેત‘…સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીના પ્રવચનોનું અદભુત સંકલન

સાલ 2007માં પ્રકાશિત થયેલ એક અદભુત પુસ્તક હાથમાં છે. શીર્ષક છે પૂર્ણતાને પંથે સંકેત‘. જેમાં સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજીના પ્રવચનોનું સંકલન કરવામાં આવેલ છે. આ પુસ્તકના  ઊઘડતા પાનામાં સુંદર મજાની વાત લખેલી છે. એમનું ટાઇટલ છેવાત પૂર્ણતાના પંથેની‘. એટલે કે આ પુસ્તક ક્યાંથી, કેવી રીતે અવતર્યું એનું  હાર્દ અહીં સમજાવ્યું છે. સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજી એટલે માધવપુરમાં ઓશો સન્યાસી તરીકે જેમને જીવન વિતાવ્યું તે મહાન સાધક.

પ્રસંગો યાદ આવે છે રામદુલારે બાપુના, રામદુલારે બાપુ પહેલા ખૂબ લખતા. બાપુએ ભારત ભ્રમણ ત્રણ વાર કર્યું હતું. બે વાર સાયકલ ઉપર અને એકવાર પદયાત્રા. બાપુ એવી વાત કરતા કે 13000 ફૂટની ઊંચાઈ ઉપર સાયકલિંગ કરવાનો એમનો વિક્રમ છે. અને રાષ્ટ્રપતિએ એ બાબતનો એવોર્ડ આપેલો. બાપુએ ગોવાના સંગ્રામમાં ભાગ લીધેલો. એમની ટીમમાં 12 જણા હતા એમાંથી 11 ખપી  ગયા અને એકલા બાપુ રહી ગયા !!.

1972-73 માં બાપુએ પૂછેલું કે, ‘તમારો શું ઈરાદો છે?’ અમે કહ્યું, ‘બાપુ, બધી રીતે તૃપ્તિ છે. શેષ જીવન કોઈ આશ્રમ જીવન ગાળવું છે. ઓશો એ ‘આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ’ નામ આપેલું છે. અને એવું કંઈ થાય તો ગુરુ પ્રત્યેનું ઋણ ઉતરે. વિશેષ કોઈ સંસારિક ઈચ્છા બાકી રહી નથી.’  બાપુએ કહ્યું, ‘આશ્રમ ક્યાં બાંધવો છે?’ ‘આખા હિન્દુસ્તાનમાં જ્યાં જોઈએ ત્યાં આશ્રમ માટે જગ્યા મળશે.’  બે ઘડી મને થયું કે, બાપુ ટાઢાપાહોરના હાંકે છે. બાપુ સ્વાતંત્ર સેનાની હતા અને ગોવાની લડાઈમાં ભાગ લીધેલો એટલે એમને જ્યાં જોઈએ ત્યાં 18 એકર જમીન મેળવવાનો અધિકાર મળેલો. મેં કહ્યું કે, ‘બહાર ક્યાંય જવાનો કોઈ ઇરાદો નથી. અહીં થાય તો ભલે.’

…એટલે અત્યારે જે જગ્યાએ આશ્રમ છે જ્યાં બાપુનું સમાધિસ્થાન છે, ત્યાં છ એકર જમીન આપી. બીજી છ એકર  તળાજામાં ડોક્ટર ચૌહાણ કે જેમને ત્યાં બાપુ ઉતરતા તેમને સોંપી. દ્વારિકા પાસે વરવાડામાં એક ચારણ રહેતો. જેણે બાપુની સેવા કરી હતી. છ એકર જમીનની સોંપણી એ ચારણને કરી દીધી. એક દિવસ બાપુ તેમના સંશોધનના લખાણોવાળા કાગળો  ફાડતાં હતા અને દીવાસળી મુકતા હતા. મેં કહ્યું, ‘બાપુ આ શું?’ બાપુએ પાસે બેસાડ્યો. એક પુસ્તક એણે લખેલું હતું. રીવાઈલ કર્યું, નાના-મોટા સુધારા કર્યા, અને પુસ્તકનું નામ આપ્યું પૂર્ણતાને પંથે. આમ તો પુસ્તક ન કહેવાય, ખિસ્સામાં રાખી શકાય  એવડી પુસ્તિકા હતી. બીજા બધા લખાણો બાળી નાખ્યા અને કહ્યું કે, ‘સમજવા જેવું જે કંઈ હોય તો આટલું જ છે જો સમજાય તો.’  ચીનનાં લાઓત્સે જેવી વાત થઈ એવું જ અહીંયા પણ બન્યું. લાઓત્સે સરહદ ઓળંગીને હિમાલય જતાં હતા. રાજાએ ચૂંગી નાકા પર અટકાવ્યા અને કહ્યું કે આટલો બધો ખજાનો લઈને તમે ચાલ્યા જાઓ છો તો એમાંથી  કંઈક લખતા જાઓ.લાઓત્સેએ જીવનભર કંઈ લખેલું નહીં, તેમ છતાં થોડા વાક્યોની પુસ્તિકા લખી આપી.  બાપુની પૂર્ણતાના પંથેની વાત આવી જ છે.

એક દિવસ બાપુ નાનકડી કુંડીમાં સ્નાન કરવા પડ્યા. એમનો ગમછો લંગોટી એ ધોતા હતા. સ્વામી બ્રહ્મવેદાંતજી અને સ્વામી સ્વાતિમા ત્યાં હતા.પુનાથી કેટલાક મિત્રો આવેલા. બાપુ પાસે આવીને વંદન કર્યા. બાપુએ કહ્યું, ‘ક્યાં જાઓ છો?’  જવાબ આપ્યો કે, ‘પતંજલિ સમજવા’. બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે,આને અંજલી કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.મિત્રો થોડીવાર ઉભા રહ્યા. બાપુ કહે, ‘શું કરો છો?’ બધાએ કહ્યું, ‘ભગવાનના સૂત્રોનું  અર્થઘટન કરે છે, સમજાવે છે, બધા જઈએ છીએ’. બાપુ લંગોટી ધોતા હતા એના ઉપર જરીક સાબુ લગાડ્યો ને પછી કહ્યું, ‘આની અંદર સાબુ આટલો જ છે હો…’,,આટલું કહીને ઘસવા લાગ્યા. પછી કહે કે, ‘જુઓ ફીણ વળ્યાં? સાબુ આટલો જ છે હો. જેમ-જેમ ઘસશો એમ-એમ વધુ ને વધુ ફીણ વળે. છેલ્લા 25 વર્ષથી મારે કહેવાનું તો આટલું જ છે કે ‘just be in present moment and enjoy your life’. કહેવાનું આટલું જ છે. કહ્યા વિના ચાલે નહિ અને કહેવાય તો જે કહેવું છે તે સમજાય નહિ…(ક્રમશઃ)

 

5478 5471