‘શ્રદ્ધા રાખી શકાય એવું બને, પણ શ્રદ્ધા બેસે, એવું બને. 

‘જય મહારાજ’નાં નારા સાથે નડિયાદના સંતરામ મંદિરમાં શ્રી મોરારીબાપુની રામકથા ‘માનસ યોગીરાજ’ નું સુંદર રીતે આયોજન થયું અને તેમાં પૂરો સમય હાજર રહેવા માટે અનુકૂળતા ઈશ્વરે કરી તે બદલ રાજીપો અનુભવતો હતો, એ દરમિયાન જાણવા મળ્યું કે,  નડિયાદ થી ડાકોર ખૂબ નજીક છે અને અડધી કલાકમાં તમે જઈને બીજો એક કલાકમાં પાછા ફરી શકો તેમ છો. સાચું પૂછો તો ત્યાંની વિગતો બહુ ખબર નોહતી.

ડાકોર એક વાર ગયેલા છીએ. સુરતના નાટ્યકર્મી અધ્યાપક વિજય સેવક અને તેમના પત્ની સાથે અમે બંને મુલાકાતે ગયેલા ત્યારે ડાકોરજીમાં દર્શન કરેલા. પરંતુ ઘણા વર્ષો પછી ફરી એકવાર ડાકોર જવાનો લ્હાવો મળ્યો. દર્શન થાય, સારી રીતે થાય, કે ધક્કા-મુક્કીથી થાય એ બાબતને ક્યારેય જિંદગીમાં બહુ મહત્વ આપી શકાય એવું નથી. માન્યતા મનની એવી ઘડાઈ ગઈ છે કે,  આપણે ત્યાં પહોંચી ગયા એટલે ઈશ્વરે આપણે આવ્યાની નોંધ લઈ લીધી. પછી વચેટિયાઓને પૈસા આપીને ગર્ભગૃહ સુધી પહોંચી જવું અથવા તો આગળના લોકોને હડફેટે ચડાવીને પણ ભગવાન સામે જઈને ઊભા રહીને આનંદ માણવો,  એવું ક્યારેય જીવમાં ઊતર્યું નથી. પરિણામે સહયાત્રીઓ સાથે ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે  પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ બહુ કહ્યું કે,  “ઝડપથી આવો દર્શન બંધ થઈ રહ્યા છે.”  સાંજે છ વાગે દર્શન બંધ થયાં  એ દરમિયાનમાં અમે ડાકોરના રણછોડરાયજીને ત્રણેક મિનિટ જોયા અને હાથ જોડી શીશ નમાવ્યું. પણ તરત જ મંદિરની પડદાપ્રથા આવી ગઈ એટલે થોડુંક મનમાં એવું રહ્યું કે,  આપણે આવ્યા અને રણછોડરાયજીએ પડદો પાડી લીધો !! .

અમારા સાથી મિત્રોએ એમ કહ્યું કે,  હવે તો દર્શન 7:00 વાગે ખુલશે. આપણે એક કલાક બેસીને શું કરીશું? એટલે સહજતાથી કહેવાયું કે, સામાન્ય રીતે એમ  કહેવાય છે કે,  મંદિરે જાઓ તો દર્શન કર્યા પછી ત્યાં થોડીવાર બેસવું, એટલે  મેં સૂચવ્યું કે આપણે ક્યાં કંઈ કામ છે? કથાનો આજનો દિવસ તો પૂર્ણ થયો છે,  તો નિરાંતે બેસીએ. 15-20 મિનીટ પછી ઉભા થઈને પાછા ફરીશું. બેઠાં એક સ્થળે અને વાતો કરતા હતા, ફોટોગ્રાફ લેતા હતા, મંદિર વિશે કોઈ પાસેથી માહિતી મેળવતા હતા તે દરમિયાન દૂરથી કોઈ એક ભાઈ  મને જોઈ રહ્યા હતા,  તેવું મને લાગ્યું. અને થોડીવાર પછી એમણે મારી સામે ઉપસ્થિત થઈને મને પૂછ્યું કે,  તમે  ભદ્રાયુભાઈ છો? મેં કીધું હા, તો મને કહે,  મને ઓળખો છો?..થોડું વિચારીને  મેં કીધું કે, ચહેરો જાણીતો લાગે છે,  પણ બહુ ઓળખાણ તાજી થતી નથી. એટલે એમણે તરત જ એવી ઓળખાણની યાદ અપાવી કે મગજમાં  વર્ષો પહેલાના એક વિદેશ પ્રવાસનું આખું દૃશ્ય છવાઈ ગયું.  જોગાનુજોગ એ વિદેશ પ્રવાસ પણ પ્રિય શ્રી મોરારી બાપુની કથામાં ઉપસ્થિત રહેવા માટેનો હતો !! દક્ષિણ આફ્રિકાના દેશમાં કોઈ કથા દરમિયાન સંતરામ મંદિરના છ સંતો પણ ઉપસ્થિત હતા. આમ તો ,  સંતરામ મંદિરના સંતો દરિયો પાર ન કરે એવો  તેમને ગુરુ આદેશ છે. પણ એ સમયે શ્રી મોરારીબાપુએ જઈને ગાદીપતિ શ્રી રામદાસજી મહારાજ પાસે વિનંતી કરેલી કે આ ધર્મકાર્ય માટે સંતોને મોકલો અને છ સંતોને રામદાસજી મહારાજે  મોકલ્યા ને એ સમયે એમની સાથે ડાકોરના રણછોડરાયજી મંદિરના મુખ્ય પૂજારી શ્રી સતિષભાઈ સેવક પણ હતા.  મારી સામે ઉભેલા, જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલા એ સતિષભાઈને ઓળખવામાં મને એટલે વાર લાગી કે,  મારી અપેક્ષા એવી હતી કે તેઓ પૂજારી અથવા મુખ્યાજી તરીકે વૈષ્ણવ પહેરવેશમાં જોવા મળશે.

યાદ આવ્યું ઘણું બધું અને તરત જ કહ્યું,  ઓહો આપણે તો  નવ દિવસ સાથે રહ્યા છીએ અને  કથા પણ માણી છે અને દક્ષિણ આફ્રિકાની પ્રકૃતિના દર્શન પણ કર્યા છે. તરત જ તેઓએ ખુલાસો કર્યો કે,  મારી અહીંની ડ્યુટી છ વાગે પૂર્ણ થાય, મને હૃદયની તકલીફ થઈ એટલે સ્ટેન્ટ મુકવા પડ્યા છે,  એટલે હું છ વાગે ઘરે જઈ સ્નાન કરી અને પછી સાદા કપડા પહેરીને અહીંયા રોજ ચાલવા નીકળું છું. એ પ્રમાણે આજે નીકળ્યો ત્યારે મને લાગ્યું દૂરથી કે આ ભદ્રાયુભાઈને હું  બરાબર ઓળખું છું એટલે હું તમારી પાસે આવ્યો.

જે ડાકોરના રણછોડરાયજીના દર્શન અમે અતૃપ્તિથી કરેલા એ ડાકોરના રણછોડરાયજી મહારાજના મંદિરના મુખ્ય પૂજારી આપણને સામેથી આવીને મળ્યા હતા. એનો સંદર્ભ પણ એક પવિત્ર કથાનો હતો. અને એમણે પૂછ્યું કે,  તમે દર્શન કર્યા? એટલે મેં સ્વભાવ પ્રમાણે કહ્યું કે,  અમે રણછોડરાયજીને જોયા છે પણ પ્રભુજીએ અમને જોયા નથી. કારણ કે ઉતાવળે અમે દર્શન કરી લીધા છે. તરત જ એમણે કહ્યું કે,  હવે સાત વાગ્યે દર્શન ખુલશે,  પણ તમે ચિંતા ન કરો,  હું તમને નજીકથી દર્શન કરાવીશ. દરમ્યાનમાં આજુબાજુના જે કોઈ પ્રતિકો છે, બહુ મોટું ત્રાજવું છે, ગુરુગાદી છે એ બધાની રસપ્રદ કહાની  અને રણછોડરાયજી નામ કેવી રીતે પડ્યું, ભગવાન શ્રીકૃષ્ણ એક રાત માટે અહીંયા કેવી રીતે આવ્યા તે બધો રસપ્રદ ઈતિહાસ સેવકજીએ અમને વિગતે સમજાવ્યો.  સતિષભાઈ ન આવ્યા હોત તો આ બાબતો જાણવાની બાકી  રહી જાત !  અને લગભગ પોણા સાત થયા અને  એમણે અમને આગળના ભાગમાં પોતાના મુખ્ય પૂજારીપણાના પ્રભાવને  ધ્યાનમાં લઈને ગોઠવી દીધા. બરાબર રણછોડરાયજીની સામે અમે આવ્યા અને તેમણે કહ્યું કે પડદો ખુલશે એટલે તરત જ તમને દર્શન થશે. તમે અહીં ને અહીં રહેજો. અમે એ ક્ષણની રાહ જોતા હતા અને ખરેખર એવું બન્યું કે,  અમે રણછોડરાયજીના દર્શન બહુ જ નિરાંતે કરી શક્યા ઠાકોરજીની નજર અમારા ઉપર પડી, એમ લાગ્યું કે હવે બંને બાજુએ પ્રણામ પહોંચી ચૂક્યા છે ત્યારે સતિષભાઈ સાથે આખા મંદિરમાં છપ્પનભોગ રોજ કેમ ધરાવાય છે, છપ્પનભોગ ક્યાં બને છે, એક એવી બેઠક કે જ્યાં દુનિયાનો શ્રેષ્ઠ વીઆઈપી આવે તો પણ બેસીને ફોટો પડાવે એ બેઠક ઉપર પહોંચ્યા અને ત્યાં પ્રસાદ લીધો. થોડીવાર થઈ ત્યાં  છપ્પનભોગનો પ્રસાદ પણ તેમણે અમને આપ્યો અને બહુ જ આનંદથી અમે રણછોડરાયજીના દર્શન કરીને પાછા ફર્યા.

આ એક ઘટનાનું વર્ણન છે. પણ અમે કથામાં હતા અને બાકીના ત્રણ સાથીઓ મહુવાના પ્રોફેસર મનોજ જોશી અને તેમના ધર્મપત્ની અસ્મિતાબેન અને અમદાવાદની યુવાન સંપાદક અને અનુવાદક છાયા ત્રિવેદી અમારી સાથે હતા. આવતી વખતે અમે શ્રદ્ધા અને ભરોસો  એ શબ્દ ઉપર ચર્ચા કરતા હતા. મારી માન્યતા એવી હતી કે, શ્રદ્ધા રાખી શકાય એવું બને, પણ શ્રદ્ધા બેસે એવું બને. આપણે રાખીએ ત્યારે શ્રદ્ધા હોય એવું જરૂરી નહીંપણ આપણા મનની એક ઈચ્છા હોય, એને કોઈ અચાનક પરિપૂર્ણ કરી આપે તો શ્રદ્ધાનો વિષય છે. આમ કેવી રીતે બને એની ખુબ સરસ ચર્ચા અમે કરતાં કરતાં પહોંચ્યા હતા અને મંદિરમાં બેસીને પણ એ જ વાત કરતા હતા. ત્યાં અમારી સમક્ષ અચાનક અમે જ્યારે મંદિર છોડીને નીકળી જવાના હતા ત્યાં મુખ્ય પૂજારી પ્રગટ થયા. જેણે પોતે સામેથી વર્ષો પછી લગભગ-લગભગ દશેક વર્ષ પછી મળ્યા છતાં પોતે ઓળખી કાઢ્યા અને પછી અમને ડાકોરનાથના દર્શન ખૂબ નજીકથી કરાવ્યા.  અમે પાછા ફરતી વખતે ફરી એકવાર ગાડીમાં જૂની ચર્ચા શરૂ કરી ત્યારે મેં કહ્યું, કે આજે જે ઘટના બની છે એને હું શ્રદ્ધા ગણું છું, એને હું શ્રદ્ધાનો પુરાવો ગણું છું. મનની અંદર એક નાનકડી ઈચ્છા પણ થાય અને પછી ઈચ્છા માટે આપણે દુરાગ્રહિત રહીએ તેમ છતાં કોઈ એવું પરમ તત્વ છે કે જે આપણી નાનામાં નાની ઈચ્છાને સમજી જાય અને સમજને ધ્યાનમાં લઈને આપણી નાની ઈચ્છાને પરિપૂર્ણ કરાવી આપે શ્રદ્ધાનો વિષય છે. રણછોડરાયજી તો દર્શનને પાત્ર, દર્શન પરમપવિત્ર પણ એમણે જે વ્યક્તિને મોકલી કે જે વ્યક્તિને આપણે સીધા ઓળખતા નોહ્તા એમણે સામેથી ઓળખાણ કરી  એ પરિસ્થિતિમાં જે જવાબ આપણને અસ્તિત્વએ આપ્યો એ આપણી શ્રદ્ધા છે. શ્રદ્ધા માટે થઈને આપણે કોઈને ધક્કા-ધક્કી કરવાની જરૂર નથી, આપણે વચ્ચેના માણસોને પૈસા આપીને આગળ પહોંચી જવાની જરૂર નથી, જ્યાં જે જગ્યા મળી છે તે ઉત્તમ છે. ઈશ્વરની ઈચ્છા હશે તો હવે તે આપણને દર્શન કરાવશે. આવું જ્યારે કોઈ નક્કી કરે છે મનમાં ત્યારે પછીની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે, એ કોઈ વ્યક્તિને મોકલે અને આપણને દર્શન કરાવી આપે છે.

શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો આ બધા શબ્દો અર્થઘટનના મોહતાજ છે. એનું કારણ કે,  તમે કેવી રીતે એને મુલવો છો એના ઉપર તમારો આધાર છે.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર

કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથીઆ જલન માત્રીનો એક વિચાર છે કે જેને ચરિતાર્થ થતો અમે ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં અનુભવ્યો.

 

5478 5471