માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને જગાડવાનું ને ઢંઢોળવાનું કામ “સહયોગ” કરે છે.
ન માની શકાય તેવી આ વાત છે. ગમે તે જાતિ, ધર્મ હોય પણ માણસ આખરે તો માણસ છે. ભગવાને બધાને સરખા જ બનાવ્ય છે, પણ માણસે જ ધર્મ ને જાતિનાં વાડા બનાવ્યા છે.
સાબરકાંઠાનું ઈલોલ ગામ. ત્યાં મુસ્લિમોની વસ્તી વધુ છે. હિન્દુ-મુસલમાન પ્રેમથી હળીમળીને રહે છે. ઈલોલના મુસ્લિમ દંપતી નોખી માટીના છે. શ્રી હલીમાબેન અને શ્રી રહેમતુલા ઘણા વર્ષોથી ઈલોલમાં રહે છે. તેમના પરિવારમાં ત્રણ દિકરી ને એક દિકરો છે.
તેમના ઘરે થોડા ઘણા મંદબુદ્ધિવાળા એક હિન્દુ માનાભાઈ કચરાભાઈ વણકર અવારનવાર આવતો. હલીમાબેન તેને ક્યારેક ચા-નાસ્તો આપતા. માનાભાઈના પરિવારમાં કોઈ હતું નહિ. માતા-પિતા મૃત્યુ પામેલા. એટલે માનાભાઈ હલીમાબેનનો પ્રેમ જોતા ચા માંગે, એમ કરતાં પતિ- પત્નીને તેમના તરફ માયા બંધાઈ. પછી તો તે દરરોજ આવે અને બે ટાઈમ તેમને જમવાનું મળે. આ દંપતીએ વિચાર્યુ કે કાયમ એમને આપણે ત્યાં જ રાખીએ તો કેવું ? અને બાજુના રૂમમાં ખાટલો, ગોદડુ આપી તેમને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી અને ધીમે ધીમે તેઓ કુટુંબના સભ્ય બની ગયા. દિકરીઓ પણ તેમને સાચવતી.
થોડી બુદ્ધિ ઓછી અને ગુસ્સો બહુ. એટલે ક્યારેક સમયસર ચા ન મળે તો ગુસ્સે થઈ ગાળો બોલે. રહેમતુલ્લાની ભત્રીજી કે બીજા સગા આવે તો કહે “તમે બધા અહીં કેમ આવ્યા છો ? ખાવા આવો છો ? જતા રહો.
એકવાર હલીમાબેન કામમાં હતા, જમવાનું આપવામાં મોડું થયું તો તેમને સાવરણી મારી. હલીમાબેન એટલા ભલા અને લાગણીશીલ કે ગુસ્સે થવાને બદલે પ્રેમથી ચા પીવડાવીને ઠંડા પાડયા. આજુબાજુ પાડોશીઓ આ જુવે અને રહેમભાઈ – હલીમાબેનને કહે “તમે શું કામ આ માણસને રાખો છો ? તમારા સગા તો છે નહિ”. ત્યારે તેઓ કહે, “એ બિચારાનું કોઈ નથી, આ તો પ્રેમનો સંબંધ છે, મારો દિકરો આવું કરે તો હું એને કાઢી મૂકું, કાંઈ ?”
એકવાર હલીમાબેનની નજર માનાભાઈના હાથ પર પડી. ફોલ્લા પડેલા. દવાખાને લઈ ગયાં. જલ્દી રૂઝાય નહિ. રહેમભાઈ તેમને નવડાવે, કપડા પહેરાવે. તેમણે ચામડીના ડોક્ટરને બતાવ્યું. ખબર પડી કે રક્તપિત્તને કારણે તેમને રૂઝ આવતી નથી. અમદાવાદમાં નારોલમાં રક્તપિત્તની હોસ્પિટલમાં દાખલ કર્યા. દવા શરૂ કરી. થોડા મહિના રહ્યાં. સારૂં થયું. એકલા ઘેર ભાગી આવ્યા. રક્તપિત્ત રોગને કારણે, કુટુંબ-સમાજ, સ્વજનો હડધૂત કરે છે, તિરસ્કૃત કરે છે ત્યારે આ દંપતી તેમને પ્રેમથી રાખે છે. કોઈ પણ જાતના સંબંધ વગર !!
એકવાર પગમાં જખમ થવાથી તેમાં કીડા પડયા. હલીમાબેનની મોટી દિકરીએ દવા નાખી કીડા જાતે કાઢી પાટો બાંધ્યો, અને તે પણ મોઢું બગાડયા વગર, સૂગ ચડાવ્યા વગર. ચાર વર્ષ પહેલા ક્યાંકથી વૃદ્ધાશ્રમ શરૂ કરવા માનાભાઈને લેવા આવ્યા, આ ભાઈ ઘરડા થશે, તમારી પણ ઉંમર થશે, ત્યારે તમને તકલીફ પડશે, માટે અમે શરૂઆત માનાભાઈથી કરવા માંગીએ છીએ.
માનાભાઈને સમજાવી પટાવીને મોકલ્યા. સવારના ચાર વાગે બારણે ટકોરા સંભળાયા. જોયું તો માનાભાઈને મૂકવા આવનાર ભાઈ કહે, “માનાભાઈ તો એવું કહે છે, તમારા કરતા તો હલીમાબેન સારા, મને રાત્રે ૧૨ વાગે ચા માંગુ તો બનાવી આપે છે. મારે અહિં રહેવું નથી.” આવો નિસ્વાર્થ પ્રેમ આ દંપતી જ કરી શકે. આ માનાભાઈ પાસે કોઈ મિલકત નથી, છતાંય આ દંપતી પ્રેમથી તેમને રાખતા.
એકવાર ગામના મોભીઓએ રહેમતુલ્લાભાઈને કહ્યું, “આપણે મુસલમાન અને ભાઈ હિન્દુ છે. ક્યારેક તેમને કશું થશે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો. માટે તમે ગમે ત્યાં મૂકી આવો.” આ સાંભળી દંપતી ગભરાઈ ગયું. જે વ્યક્તિને ૨૦ વર્ષથી પોતાના ઘેર પરિવારનો સભ્ય ગણી રાખ્યો, પ્રેમ આપ્યો, તેમને કોઈ ગુના વગર કાઢી મૂકતા જીવ નહોતો ચાલતો.
ન છૂટકે તેઓ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્રનગર ચોકડી, હિંમતનગર માં શ્રી સુરેશ સોનીને મળ્યા અને કહ્યું, “માનાભાઈને અમે ૨૦ વર્ષ અમારે ત્યાં રાખ્યા હતા. હવે તમારી સંસ્થામાં કાયમ માટે મૂકવા આવ્યા છીએ. અમે મળવા આવતા રહીશું.” મૂકીને ભારે હૈયે વિદાય થયા. સંસ્થામાં બધાની સાથે રહે છે.
હલીમાબેનની દિકરીને રાજસ્થાન પરણાવી છે, તે રાજસ્થાન જતાં માનાકાકાને મળવા આવી. તેમને માટે નાસ્તો, સ્વેટર વગેરે લાવી, તેણીએ પૂછયું, “કાકા બીજું શું જોઈએ છે ?” તો કહે, મારે પાકિટ જોઈએ છે, “તમારે કેમ જોઈએ છે? તો માનાકાકા કહે, “મને દર મહિને સંસ્થામાંથી ૧૩૦ રૂ. વાપરવા આપે છે. જમવાનું, કપડાં, દવા તો મફત મળે છે. એટલે પૈસા મૂકવા પાકીટ જોઈએ ને ?”
દીકરીએ ફોનથી તેના પપ્પાને જણાવ્યું, “તમે સહયોગમાં જઈ માનાકાકાને પાકીટ આપી આવજો.” હલીમાબેન- રહેમતુલ્લા તેમના મિત્રની ગાડીમાં આવી સુરેશભાઈને મળ્યા અને બધા માનાભાઈને મળવા ગયા. પાકીટ, નાસ્તો, બિસ્કીટ વગેરે આપ્યું.
સુરેશભાઈએ તેમના ધર્મપત્ની ઈન્દિરાબેનને બોલાવીને કહ્યું, “ઇંદિરા, આ કંપનીને મળ. અહિં રહેતા આપણા ઘણાં રક્તપિત્તગ્રસ્તી અને મંદબુદ્ધિવાળાને કોઈ મળવા આવતું નથી, સગા વ્હાલા હોવા છતાં જ્યારે આ દંપતી લોહીનો સંબંધ ન હોવા છતાં માનવતાના સંબંધે લાગણીભર્યા દિલથી મળવા આવ્યા છે.
તેમના મુખે આ વાતો સાંભળી હૈયું ગદ્ગદીત થઈ ગયું. આવી ઘટનાઓ માણસમાં ઢબૂરાઈ ગયેલી સંવેદનાઓને જગાડવાનું, ઢંઢોળવાનું કામ કરે છે. આ દંપતીના હૃદયમાં વસેલા ખુદાને વંદન કરીને એટલું જ કહીએ કે પરવરદિગાર તેમને સુખી કરે અને એંસી વર્ષની કગારે ઉભેલા સન્યાસી સુરેશ સોની દંપતીને અને આખા ‘સહયોગ પરિસર’ ને સેવા કરવાનું બળ આપે.
હિન્દુ યા મુસલમાન, શીખ હૈ ઈસાઈ હૈ, યા પારસી હૈ હમ,
એતબારસે આજસે કહો ઈન્સાન હૈ હમ ઈન્સાન હૈ હમ…