જે દાન આપે તેને આપણે ‘દાનવીર’ કેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું એ સાહસ છે ? જવાબ છે ‘હા‘.
”માણસ તું તારા શુદ્ધાત્માને ઓળખ, પામ, તું તારા કર્મ અંગે જાગૃત થા, તું તારા વિચાર અંગે, તારા ચૈતન્ય સાથે સંવાદ કરી જરૂરી મેલને દૂર કર, તું તારા મૈત્રી ભાવનો વિસ્તાર કર, તું તારી પ્રમોદ ભાવના બળવાન કર, તારી કરુણામાં શંકા ભેળવી એને મલિન ના કર. એ માણસ, તું સર્વ શક્તિમાન છે, તને જગતના નાથે સર્વસ્વ આપ્યું છે, તેનો યોગ્ય દિશામાં ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેને તું સતત ચિંતન કર”.
આપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓ અને સંઘ દ્વારા પ્રકાશિત ‘પ્રબુદ્ધ જીવન’ના દાન ધર્મ વિશેષાંક વિષે ભૂમિકા ગત લેખમાં બાંધી છે. આજે તે અંકની મદદ લઈને દાન મહિમાનું ગાન કરીએ.
અનુકંપા, દાન, સહકાર, સાથ અને હાથ લંબાવવાની ભાવના આપણામાં ઉઘડે એવી આ વાત આપણને સ્પર્શી જાય છે. એક સરસ મજાના ઉદ્યાનમાં હજારો કમળ ખીલતા હોય ત્યારે એ સુંદર દેખાય એ તો સ્વાભાવિક છે. પણ અમુક કમળ ખીલે અને અમુક ન ખીલે ત્યારે એનું પાલનપોષણ કરનારના મનમાં વિશાદ થાય. વિશાદ છવાઈ જાય અને મનુષ્યને ઘેરી વડે. અને એને સતત એવી ઈચ્છા થાય કે હું પણ કોઈ એવું કામ કરું કે મારી બાજુવાળું કમળ ખીલે. આ અન્યનો વિચાર કરવાની વૃત્તિ સાથે જ્યારે કરુણા ભળે છે ત્યારે દાન નો જન્મ થાય છે.
વીતરાગ જિનેશ્વર માનવના ઉદ્ધાર કરનાર જે ધર્મ કહે છે તેમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકાર છે. દાન અને તપ, શીલ અને ભાવની શ્રેણીમાં પહેલા સ્થાને મુકેલ છે. दान, शीलो, तपो, भवये. ખરેખર દાન વિશેના આપણા વિચારો વ્યક્તિએ વ્યક્તિએ જુદા છે. અને આ જુદા વિચારોને લઈને દાન કરતી વખતે આપણે થોડા અસમંજસમાં હોઈએ છીએ. સંસ્થાના પરિચય મેળવ્યા પછી કંઈક કરવું એવો નિર્ણય લેતા હોઈએ છીએ. વ્યક્તિને આજે દાન આપીશું અને કાલે એ યોગ્ય નહિ નીકળે તો ? એવો વિચાર કરીને આપણે અટકી જતા હોઈએ છીએ.
કહ્યું છે એવું કે, દાન સમાજના અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે. આપણે ત્યાં કહેવતોમાં વર્ષોથી કહેવામાં આવ્યું તે છે કે, જમણો હાથ આપે તેની ડાબા હાથને ખબર ન પડે. આપણને મનમાં ચોંટી ગયેલું આ વાક્ય છે. જગતના સર્વ ધર્મોમાં દાનની હુંફ વિશે લખ્યું છે. આપણા ગ્રંથોમાં દાનનો ઉદેશ્ય છે અને એના લક્ષણો પણ છે. આપણો સ્વાર્થ એટલે ‘મારે શું, અને મારું શું ?’ આ સ્વાર્થમાંથી મુક્તિ મળે એને દાન કહેવાય. આપણે ‘હું’ માટે જીવીએ છીએ. ‘મારું’, ‘મારા’ એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આપણા ‘હું’ ના કેન્દ્રને થોડું વિસ્તૃત કરવું અને વસુધૈવ કુટુંમ્બક્મ ની ભાવનામાં પ્રવૃત થવું એ દાન છે.
દાનનો હેતુ સદગતિનો છે. સદગતિના મૂળ વિચારમાં સદવિચાર, સદવર્તન, અને સદ હેતુ રહેલા છે. હેતુ પહેલા, પછી વિચાર, અને પછી વર્તન. ‘મારા થકી કોઈનું સારું કરવું,’ એવું નહીં પણ ‘મારા સુખમાં સૌને સમાવવું,’ એમ જ્યારે કહેવાય ત્યારે દાન દાન બને છે’. સમાજ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, શાસન પ્રત્યે મારી ફરજ છે. અને મને એ ફરજમાંથી ઋણ મુક્તિનો અવસર કોઈ આપતું હોય તો એ વહેંચતા રહેવાની, આપતા રહેવાની આવડત મને બધું આપે છે.
એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે, દાનમાં મૌન ભાવનું આગવું મહત્વ છે. આપણને સૌને વ્હાલી એવી એક કથા આપણે વારંવાર સાંભળીએ છીએ અને કોઈને કહીએ છીએ. કૃષ્ણ અને સુદામાની મૈત્રીની એ અપ્રતિમ ઘટના છે. સુદામા અકિંચન અવસ્થામાં સાત્વિક જીવન જીવે, પરંતુ તેની ઈશ્વર સાથેની મૈત્રી અતૂટ. એ કોઈ દિવસ કશું માંગે નહિ. અને મિત્ર પાસે પોતાની જે સ્થિતિ છે એને છતી ન થવા દે. પણ પત્નીનાં આગ્રહથી દ્વારકા જવા માટે નીકળેલા સુદામા પત્નીએ આપેલા તાંદુલ લઈને સંતાડતા-સંતાડતા દ્વારકા પહોંચ્યા. સુદામા માંગી નથી શકતા અને શ્રી કૃષ્ણ એમને ભેટ સોગાદો આપી નથી શકતા !! સતત ભય રહે છે માંગનારને કે, માંગવું કે નહિ. અને સતત ભય રહે છે આપનારને કે, આપું ને મિત્રને ઓછું આવી જાય તો ? પરિણામે કૃષ્ણ એમને મુલાકાત દરમિયાન કશું આપતા નથી. પરંતુ ઘરે પહોંચે છે ત્યારે ઝૂંપડાની જગ્યાએ સમૃદ્ધિ ભરાઈ ગઇ છે. મિત્રપ્રેમ અને ખુમારીનાં સન્માનનું આ કેટલું અદ્ભૂત રૂપ છે !! પણ આપી દેવાનો તણખલા જેટલો ભાર મિત્રનાં ખભ્ભે ન લાગે તેની કેવી કાળજી છે !!
કહેવાય છે કે જે આપે છે તેને ચિંતામુક્ત અને રોગનાશક વરદાન પ્રાપ્ત થાય છે. કારણ કે આપવાથી અન્યના ચહેરા ઉપર સુખ, સંતોષ જોઈને જે મળે છે તે અમૂલ્ય છે. જે માણસ પરોપકાર નથી કરી શકતો તેના હૃદયનું કરુણાનું ઝરણું સુકાઈ જાય છે અને તે જળ બની જાય છે. યાદ રાખવા જેવું છે કે માત્ર ધન એ દાન નથી. પરંતુ વિચાર, જ્ઞાન, સમય, સ્થાવર મિલકત, અન્ન, એમ અનેકાનેક રીતે દાન આપી શકાય. શાસ્ત્રોમાં આહાર દાન, અભય દાન, ઔષધ દાન, જ્ઞાન દાન એવા ચાર પ્રકાર છે.
‘પ્રબુદ્ધ જીવન’ ના અંકમાં પોતાના વિચાર વ્યક્ત કરતાં માનદ તંત્રી શ્રી સેજલ શાહ કહે છે કે, આ સર્વેમાં ઉત્તમોત્તમ જ્ઞાન દાન છે.કારણ કે એ અજર, અમર અને ક્ષુધાથી મુક્ત અને નિર્ભય બનાવવા સમર્થ છે. જ્ઞાન દાનથી આત્મ વિકાસ થાય છે અને આત્માના ગુણ ખીલવવાનું શક્ય બને છે. જ્ઞાન જીવનનું એક અત્યંત મહત્વનું સત્ય સમજાવે છે કે ‘જે છે તે સદાકાળ નથી. પોતે નષ્ટ થાય એ પહેલા તું સર્વમાં વહેંચીને સફળ બન. જે નથી તે તારું નથી એટલે તેના મોહમાં વ્યર્થ સમય બગાડવાને બદલે તે નથી તેના અભાવથી તું મુક્ત બન.‘ આ અભય દાનનું ઉદાહરણ છે
લક્ષ્મીની ત્રણ અવસ્થા છે : દાન, ભોગ, અને નાશ. એમાં છેલ્લી બે દુઃખદાયી છે. જયારે દાન એ ઉત્તમ અવસ્થા છે. એક પ્રશ્ન વિચારવા જેવો છે કે, જે દાન આપે તેને આપણે દાનવીર કેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું એ સાહસ છે ? જવાબ ‘હા’ છે. આપણી પોતાની કમાયેલી સંપત્તિને આપવા માટે હૃદયની ઉદારતા જોઈએ, વૈશ્વિક વિસ્તૃતતા જોઈએ અને મનની તત્પરતા જોઈએ. જે મમત્વ, આસક્તિ, લોભ, લાલચ આદિ છોડીને નિર્લેપ બનીને પ્રસન્ન રહી જીવી શકે છે, આપ્યાના ભાર વગર આપી શકે છે, તે વીર છે. અને એ દ્રષ્ટિએ દાન આપનારો વીર કહેવાયો છે.
આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ ભગવતગીતામાં દૈવી સંપત્તિ અને આંસુરી સંપત્તિની યાદી ભગવાને ગણાવી છે. અને એમાં દાનને પણ સ્થાન છે. સાત્વિક, રાજસિક, અને તામસિક, એવા દાનના ત્રણ પ્રકાર પડે છે. (1) ઉપકારનો બદલો વાળવા, અથવા ફળની આશાએ જો દાન આપો તો એને રાજસ દાન કહેવાય. (2) જ્યારે મનના ભાવ વિના પરાણે અપાતું દાન એને તામસ દાન કહેવાય. પરંતુ (3) કશું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિશે વિચારીને અપાતું દાન એ સાત્વિક દાન ગણાય. આપણે કોઈનો ઉપકારનો બદલો નથી વાળવો, આપણે કોઈ ઉપર અહેસાન નથી કરતા, પરંતુ હકીકતમાં તો આપણી ઉપર લેનારો અહેસાન કરી રહ્યો છે કે ઈશ્વરે એને આપણી પાસે મોકલ્યો છે અને એ મોકલવામાંથી આપણે એને આપવા માટે યોગ્ય બન્યા છીએ.
પ્રબુદ્ધ જીવનનાં દાન વિશેષાંકમાં શ્રીમતી ભારતી દિપક મહેતાએ આપણો પરિચય એક સુપેરા દાનવીર શ્રેષ્ઠી સાથે કરાવ્યો છે. એ સુપેરા દાનવીર કે જેમણે પિતાની વિદાય પછી નવ જ વર્ષની વયે પેનની નિબ, ચોપડા વગેરે નાની-નાની વસ્તુ વેંચીને પોતાના ભણવાની ફી ભરી અને વીસમે વર્ષે એ ‘સોનેરૂ સપનું જોનાર યુવાન ઉદ્યોગપતિ’ બની ગયા. 45મે વર્ષે કેમિકલની દુનિયાનાં બેતાજ બાદશાહ બન્યા. પરંતુ ગુરુના પરિચયમાં આવ્યા. અને ગુરુના પરિચયમાં આવ્યા પછી મંગલ કાર્યો કરતા-કરતા એવા સ્થાન ઉપર તેઓ પહોંચ્યા કે એમણે ‘अहं करोमि’ એવું કહેવાને બદલે ‘मया क्रियते’ એવું હંમેશા કહેવાનું પસંદ કર્યું. ‘હું કરતો નથી, મારા વડે કરાય છે’ એવી વિભાવના મનમાં બેસે ત્યારે આપણને ગુરુદેવ તરફથી આશીર્વાદ મળે ‘करिष्ये वचनं तव’. એમણે એક વખત ગુરુદેવને પ્રશ્ન પૂછેલો. સાહેબજી, મુંબઈમાં સિગ્નલ આવે ત્યાં ભિક્ષુકોનો હાથ લંબાય. તો નાણું આપીને ભીખની એ ટેવને પોષવી જોઈએ કે નહિ? ગુરુ મહારાજે ઉત્તર આપેલો, ‘સી કે, (સી. કે. મહેતા) કોઈ હાથ લાંબો થાય ત્યારે તે ક્યારેય ખાલી પાછો જવા ન દેવો. એમ વિચાર કરવો કે, એક તો દાન દેવા મળે છે અને બીજું આપણો કરુણાભાવ પોષાય છે. વળી દાન દેતી વખતે યાદ રાખવું કે, આપણો હાથ ઊંધો રાખવો કે જેથી યાદ ન રહે કે, કેટલું આપ્યું છે.’ કદાચ એટલા માટે જ કહેવાય છે કે, દાન દેનારનો ચહેરો ન જોશો, દાન દેનારની સ્થિતિ જોશો.
આપણા શ્રી રામચરિત માનસને વિશ્વભરમાં ખૂણે-ખૂણે લઈ જનાર શ્રી મોરારીબાપુ જયારે સાંધ્ય ગોષ્ઠિમાં બેઠા હોય અને હિંડોળે હિંચકતા હોય ત્યારે કેટલાક આત્મીય લોકો સી.કે. મહેતાની જેમ જ એમને ઉદ્દભવતા પ્રશ્નો બાપુને પૂછી લેતા હોય છે. એક વખત આ સમયે હાજર રહેવાનો મને લ્હાવો મળ્યો ત્યારે, એક નિમિત્ત માત્ર યજમાને પૂછ્યું કે, ‘બાપુ અવિવેક ન થાય તો એક વાત આપને કહેવી છે.’ તરત જ સામેથી હકારાત્મક ઈશારો થયો અને એમણે કહ્યું કે, ‘બાપુ, આપ અહીંયા જે આપની પાસે આવે છે, એવા કેટલાક લોકોને એમની સ્થિતિને જોઈને કંઈકને કંઈક હાથમાં મૂકો છો, કોઈ ને કોઈ રકમ એના હાથમાં આપો છો, કોઈ ને કોઈ વસ્તુ એને પકડાવો છો, પણ બાપુ આપને ખ્યાલ છે કે એવા લોકો બહાર જઈને આપે આપેલા પૈસાથી નશો કરે છે ? વસ્તુ કે રકમનો સાચો ઉપયોગ નથી કરતા.’ થોડીવાર સુધી આકાશ સામું જોઈ રહેલા મોરારીબાપુએ જે જવાબ આપ્યો એ આજના લેખનું સમાપન કરવા માટે યથાયોગ્ય છે. ‘સાંભળો, તમારી વાત સાચી છે. એવું નથી કે, આની મને ખબર નથી. પણ એવું હું ધ્યાનમાં રાખીને આપતો નથી. જુઓ ભાઈ, આપણે તો કુદરત સામું જોવાનું. પ્રકૃતિ નક્કી કરીને હેત વરસાવે છે ?? એક વાદલડી વરસે ત્યારે એ જોવે છે કે નીચે મારું પાણી ખાબોચીયામાં જાય છે કે સરોવરમાં જાય છે? વાદલડીનું કામ વરસવાનું છે. જેવી જેની પાત્રતા તેવો તેનો ઉપયોગ.’
સાહેબ નમસ્કાર, જય સિયારામ 🙏,
સાહેબ ‘ફૂલછાબ’માં સ્વૈર વિહાર ર્કોલમમાં ‘દાન સમાજનાં અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે’ વિષય ઉપર દાનનું મહત્વ ખુબજ ખુબજ સુંદર રીતે આલેખ્યું છે, ખુબજ ખુબજ અભિનંદન, શુભેચ્છાઓ અને અહોભાવ સાથે કોટી કોટી સહૃદય, સહર્ષ સાદર વંદન, પ્રણામ સાહેબ 🙏🕉️🙏
ખૂબ સુંદર આલેખન..જય હો