“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ: આજીવિકાનું સાધન મેળવવું અને આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું.”..ડોલરરાય માંકડ
સ્વતંત્રતા મળવાની કોઈ હવા ન હતી ત્યારે 1900 ની સાલમાં શ્રી ઘનશ્યામ પંડિત દ્વારા રાજકોટમાં એક હાઈસ્કૂલની સ્થાપના થઇ અને તેને “શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ’ નામ અપાયું. અંગ્રેજ શાસકોને આ ખૂંચ્યું પણ શ્રી પંડિત અને ધોળકિયા બંધુઓએ ઝીંક જીલી અને નામમાં કશો જ બદલાવ ન જ કર્યો ! આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને સવા સોમું વર્ષ થયું. તે અવસરે એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી થયું છે, જેનો કેન્દ્રીય વિષય છે :: શ્રી ડોલરરાય માંકડનું શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન. આ શુભ અવસરે આજનો લેખ શાળા અને શાળાના એ અપૂર્વ વિદ્યાર્થીઓને સ્મરણાજંલિ રૂપે પ્રસ્તુત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના સ્થાપક કુલપતિ ડોલરરાય રંગીલદાસ માંકડ. તેઓશ્રીને બધા આદર અને પ્રેમથી ડો’કાકા કહેતા અને કહે છે. એક વિચક્ષણ વ્યક્તિત્વ અને વિરલ જ્ઞાનપુરુષ, ડો’કાકાએ માધ્યમિક શિક્ષણ સાતમા ધોરણની છેલ્લી ટર્મ થી તે મેટ્રિક સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં મેળવ્યું. શાળા પોતાના સવાસોમાં વર્ષે તેના ધુરંધર વિદ્યાપુરુષ ડો’કાકાને સ્મરણ કરીને આવતી પેઢીને આ સારસ્વતના જીવન કાર્યથી જ્ઞાત કરાવવા પ્રયત્નશીલ છે તેને બિરદાવીએ અને આપણે પણ ડો’કાકાના જીવન દર્શનનું વિહંગાવલોકન કરીએ.
“૧૯૨૨થી ૧૯૪૭ સુધી હું કરાંચી રહ્યો. તે દરમિયાન મારા જીવનના આદર્શો બંધાતા ગયા. ૧૯૪૫-૪૬માં મેં મારા વડીલ ભાઈ હરિભાઈને લખ્યું કે, માણસે પોતાને પચાસ વર્ષ થાય ત્યારે ગામડામાં જઈ કામ કરવું જેઈએ અને કમાણી પણ અરધી કરી નાંખવી જેઈએ.”
ઉપરોકત જીવન આદર્શ વિકસતો જતો હતો તે દરમ્યાન કરાંચીમાં જ ડોલરકાકાએ વલ્લભવિદ્યાનગરની ગ્રામ વિદ્યાપીઠ માટે વિગતો મેળવી. ગામડામાં જઈને પ્રયોગ કરવાની ઈચ્છાથી તેમણે કરાંચી છોડયું. વલ્લભવિદ્યાનગરમાં છ વર્ષ પ્રાધ્યાપક/આચાર્ય તરીકે રહ્યા. તેમના જીવનના આદર્શને મોકળું વાતાવરણ ન મળ્યું આથી ડોલરકાકા લખે છે કે,
“૧૯૪૭ના જૂનથી મેં વિદ્યાનગરમાં કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૪૮ના માર્ચ-એપ્રિલમાં એ કોલેજનો હું આચાર્ય થયો. ૧૯૪૮ના ડિસેમ્બરમાં હું રાજકોટ આવ્યો ત્યારે મારે દરબાર ગેપાળદાસ સાહેબને મળવાનું થયું. વિદ્યાનગરની વાત નીકળી. મેં કહ્યું, “હું તો ગ્રામ–વિદ્યાપીઠના મોહે ત્યાં ગયો, પણ ત્યાં ગ્રામવાતાવરણ જેવું કંઈ દેખાતું નથી.”
આમ શ્રી દરબાર ગેપાળદાસ સાથેની વાતચીત પછી તેમના જ સૂચનથી અને શ્રી ઢેબરભાઈની સંમતિથી અલીઆબાડામાં ગંગા-જળા વિદ્યાપીઠનો પ્રયોગ શરૂ કર્યો. આ વિદ્યાપીઠ કે અન્ય આવી વિદ્યાપીઠો કેવી હોવી જેઈએ, તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોવી જેઈએ, અભ્યાસક્રમની યોજના કેવી હોવી જેઈએ તે વિષે ડો’કાકા પહેલેથી જ સ્પષ્ટ હતા, “એક–સૂત્રિત શિક્ષણયોજના” નામે લેખ લખી તેમણે તેમના શિક્ષણવિચારો જણાવ્યા છે. તેમની વિદ્યાપીઠની સંકલ્પના સમજવી હોય તે તેમણે વ્યવહારની દ્રષ્ટિએ, સિદ્ધાંતની દ્રષ્ટિએ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ સમગ્ર શિક્ષણયોજનાનું કરેલું વિશ્લેષણ આજે પણ અતિ ઉપયોગી છે .
શિક્ષણક્રમની યોજના :
વ્યવહારની દ્રષ્ટિએ તેમણે શિક્ષણના ત્રણ તબકકા ગણાવ્યા છે:
(1) પ્રાથમિક (2) માધ્યમિક, અને (3) ઉચ્ચ.
આ તબકકા માટે તેઓ લખે છે કે :
“સમાજમાં કેળવણી લેનારા વર્ગના, અત્યારે ત્રણ પ્રકારો ગણી શકાય:
(૧) પ્રાથમિક કેળવણી લઈ પોતાના બાપીકા અથવા બીજા ધંધામાં પડનારા,
(૨) થોડી વધુ કેળવણી લઈ કોઈ પણ વિષયમાં કે ધંધામાં મધ્યમ નિપુણતા મેળવનારા, અને
(૩) કોઈ પણ વિષયમાં પારંગત કે નિષ્ણાંત સંશોધક બનવાની હોંશવાળા.”
ઉપરોકત સંદર્ભમાં તેમની દ્રઢ માન્યતા હતી કે, શિક્ષણના ત્રણેય તબકકાની કેળવણી માટેના અભ્યાસક્રમમાં ચાર બાબતો હોવી આવશ્યક છે:
- જ્ઞાનના અમુક વિષયોનો અભ્યાસ. 2. હાથ મહેનત.
- જનસેવાકાર્ય. 4. આત્મવિકાસ.
શિક્ષણની ફિલસૂફી :
શિક્ષણજગતના કેાઈ પણ તત્વચિંતકે વિચાર્યું છે તેટલું જ અને કોઈ કોઈ બાબતમાં વિશેષ સ્વ. ડોલરભાઈએ શિક્ષણના સિધ્ધાંતો વિષે વિચાર્યું હતું અને સ્પષ્ટપણે રજૂ પણ કર્યું છે. તેમના શિક્ષણ-સિધ્ધાંતોની સ્પષ્ટતા તેમની વાણીમાં જેઈએ :
“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ ગણી શકાય:
(1) આજીવિકાનું સાધન મેળવવું તે, (2) આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું તે. આ દ્રષ્ટિએ હું કેળવણીના ચાર આવશ્યક અંગો ગણું છું ::
1) જ્ઞાનપ્રાપ્તિ 2)જનસેવાકાર્ય 3) હાથમહેનત અને 4) આત્મવિકાસ
મને તો એમ લાગે છે કે, શિક્ષણની દ્રષ્ટિએ, સમગ્ર સમાજની કેળવણીની વાત કરતા હોઈએ ત્યારે જુદા જુદા દ્રષ્ટિકોણને એમાં સ્થાન હોઈ શકે, છતાં દરેકમાં પ્રધાનત્વ અમુક તત્ત્વનું રહે એમ થવું જોઈએ. આખા સમાજના, આપણી પ્રાચીન પ્રણાલિકા મુજબ, આપણે ચાર ભાગ પાડી શકીએ :
(1) ત્યારની પ્રધાન ભાવના ઉપર જીવનધારા અથવા બ્રાહ્મણો, (2) શરીરબળની આજીવિકા મેળવનારા અથવા ક્ષત્રિયો, (3) પોતાની બુધ્ધિથી વેપાર કરી આજીવિકા મેળવનારા અથવા વૈશ્યો, અને (4) પોતાની હાથ-મહેનતથી આજીવિકા મેળવનારા અથવા કારીગરો. આમ સમગ્ર સમાજમાં ચતુર્વિધ સંસ્કૃતિ હોય છે. બ્રાહ્મણસંસ્કૃતિ, ક્ષત્રિયસંસ્કૃતિ, વૈશ્યસંસ્કૃતિ. અને મારે એમ કહેવું છે કે, જુદા જુદા વિદ્યાકેન્દ્રોમાં જુદી જુદી સંસ્કૃતિનું પ્રધાનત્વ હોય. સંસ્કૃતિનું આ પ્રધાનત્વ કેળવણીના તબકકામાં જેમ જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ વધુ સ્પષ્ટ બનતું જાય. છેક નીચેના તબકકામાં આવા ભેદો બહુ ઓછા હોય, એટલે સંસ્કૃતિ પ્રધાનત્વની આ દ્રષ્ટિએ જુદાં જુદાં વિદ્યાકેન્દ્રની વિશિષ્ટતા માધ્યમિક અને ઉચ્ચ તબકકાઓમાં ખાસ સ્પષ્ટ થાય.
આમ વિદ્યાકેન્દ્રોમાં, સંસ્કૃતિપ્રધાનત્વની દ્રષ્ટિએ, ભેદ રહે છતાં, જીવનનાં દ્રષ્ટિકોણની તો સળંગસૂત્રતા જ રહેવી જેઈએ. અને મને લાગે છે કે આપણા દેશમાં તેમજ જગતભરમાં, નોખાં નોખાં વિદ્યાકેન્દ્રોને સળંગસૂત્રિત કરનારું તત્વ તે સર્વોદયની ભાવના જ હોઈ શકે. બ્રાહ્મણનું તો સમગ્ર જીવન બીજાના ઉદય માટે સમર્પિત કરેલું હોવું જોઈએ. ક્ષત્રિય શરીરબળથી પૈસા કમાય, પણ એનો મુખ્ય હેતુ સર્વનું હિત થાય તેમ શરીરબળ વાપરવાનો હોવો જોઈએ. એવી જ રીતે વૈશ્ય અને કારીગરે પણ સર્વજનોનું હિત મુખ્ય ગણવું જેઈએ. આ સર્વોદયની ભાવના માટે, આજીવિકાની દ્રષ્ટિએ વિદ્યાર્થી ગમે તે વિદ્યાશાખાની ઉપાસના કરે, ગમે તે સંસ્કૃતિમાં પ્રધાનત્વ કેળવે, પણ દરેક તબક્કામાં અને દરેક પ્રકારનાં સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રખાવવી જોઈએ, એ શિક્ષણનું ધ્યેય હોવું જેઈએ. આમ સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રાખીને એની આજુબાજુ ગોઠવાયેલું અનેક વિશિષ્ટતાઓવાળું શિક્ષણતંત્ર પ્રજાનું અને રાષ્ટ્રનું અવ્યય અને શાશ્વત ધન છે.”
શિક્ષણમાં કરૂણા :
ડો’કાકાની સાથે જ કુલનાયક તરીકે કાર્યરત શ્રી ગૌરીભાઈ ભટ્ટ કહે છે કે, સ્વ. ડોલરભાઈ છેવટે વ્યક્તિ બનીને સંસ્થા બની ગયા. પરિણામે સંસ્થામાં બનતા દરેક પ્રસંગ કે પ્રશ્ન માટે તેમણે એક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો. આ દ્રષ્ટિકોણના કેન્દ્રમાં ભારોભાર કરુણા હતી. સંસ્થામાં રહેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ ન હોય. વિદ્યાર્થી તો વિકસતું દશામાં હોવાથી અશિસ્ત-દોષ કરે તે સ્વાભાવિક છે. આથી પરિવારના વડા તરીકે તેમણે દોષ નિવારણ–અશિસ્ત નિવારણ માટેની કરુણાકેન્દ્રી પ્રક્રિયા ઊભી કરી હતી, તેમના જ શબ્દમાં તે જોઈએ.
“કરુણા ઉપર રચાયેલી શિસ્ત જ સાચી શિસ્ત છે. વાતાવરણમાં શિસ્ત હોય પણ કરૂણા ન હોય તો ત્યાં અચેતનત્વ છે, ચેતનનો ધબકાર નથી. માટે, શિક્ષણસંસ્થાઓમાં, જ્યારે જ્યારે મતભેદના, ઘર્ષણના કે શિસ્તના પ્રશ્નો ઊભા થાય ત્યારે તેને નિકાલ અહિંસક રીતે થવો જોઈએ.
- અહિંસક રીતે માટે, એને અપનાવનારી તૈયારી અને તાલીમ જેઈએ. અને એને માટે મનને રાગ-દ્વેષરહિત, સર્વસમભાવી અને કરુણાથી ભરેલું કરવું જેઈએ.
- કેળવણીથી મનને આવું કરી શકાય. એટલે કે મનને આ કક્ષાએ લઈ જવાનું શક્ય છે અને એના માટે કેળવણી પણ શક્ય છે.
- અહિંસક રીતે અપનાવનારે ધ્યાનમાં રાખવું જેઈએ કે (1) અન્યાય, દોષ કે અશિસ્તને કોઈ પણ સ્વરૂપમાં નભાવાય નહીં, છતાં અન્યાયાદિ આચરનાર વ્યક્તિ તરફ દ્વેષ કરાય નહીં. (2) સામો માણસ સાચો હોવાનો સંભવ છે એમ માનીને ચાલવું અને એ દોષવાન ઠરે તો પણ હજી એ સુધરશે એમ માનીને ચાલવું. (૩) જ્યારે એમ લાગે કે આ૫ણી અહિંસક તૈયારી કે તાલીમ પૂરતી નથી ત્યારે અન્યાયાદિને દૂર કરવા ઓછામાં ઓછી હિંસક રીત, તત્કાળ પૂરતી જ વાપરવી પડે તો વાપરવી. (આ અહિંસક રીતની મર્યાદા સમજવી.)
- અહિંસક રીતમાં પણ સજા હોય. દોષની સજા વગર કોઈ પણ સમાજને ચાલ્યું નથી કે ચાલવાનું નથી ૫ણ સજાનું સ્વરૂપ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને ઉગ્રમાંથી સૌમ્ય થતું રહેવું જોઈએ. આ રીતે, સંસ્થાઓમાં દોષનિવારણ તરીકે, પ્રાર્થના, પ્રાયશ્ચિત, ઉપવાસ, સત્યાગ્રહાદિ અપનાવાય. સજા, ભૂલ, કે દોષની ગંભીરતાનાં પ્રમાણમાં હોય. તેને ક્રમ કંઈક આવો હોય.
અ) દોષ સામા માણસ પાસે કબૂલ કરવો.
બ) દોષ માટે સામા માણસની માફી માગવી.
ક) દોષ જાહેરમાં કબૂલ કરવો.
ડ) દોષની જાહેરમાં માફી માગવી.
ઈ) દોષ કરનારે પોતે કષ્ટ ભોગવવું.
ફ) ન્યાય કરનારે પોતે કષ્ટ ભોગવવું.
નોંધ : કષ્ટ ભોગવવાના પ્રકારમાં (1) ઉપવાસ, (2) અમુક સુખસગવડનો ત્યાગ, (3) શ્રમ વગેરે આવે.
- થયેલા દોષાદિ માટે જેમ પ્રાયશ્ચિતાદિ જરૂરનાં છે, તેમ થવાના દોષોનાં નિવારણ માટે વ્રતો જરૂરનાં છે. વ્રત નિત્ય અને નૈમિત્તિક હોય. શિક્ષણસંસ્થામાં શિક્ષકો અને શિષ્યો વ્રતને પોતાનાં જીવનમાં, કોઈ કોઈ રીતે, સ્થાન આપે તે જરૂરી છે
એક વિચક્ષણ સાક્ષર અને બહુશ્રુત શિક્ષણવિદ કેટલા ઊંચા સ્તર સુધી જઈને વિચારે છે તે ડોલરકાકા ના અહીં પ્રસ્તુત થયેલ વિચારોથી જાણી શકાય છે. આવા દિવ્ય પુરુષના પ્રદાનને પ્રણામ કરી તેઓના આશિષ માટે પ્રાર્થના કરીએ.