
એક આવકારદાયક વાત કે, “ગીતામૃત” પુસ્તકમાં ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું.
વિનોબાજીનું વાક્ય હમેશાં યાદ રાખીએ: ‘મારું શરીર માના દૂધથી પોષાયું છે; પણ, તેથીયે વધુ મારાં હૃદય અને બુદ્ધિનું પોષણ ‘ગીતા‘ના દૂધથી થયું છે.” આવું બેધડક કહેનાર ફકીરી સાધુ શ્રી વિનોબાજીના દર્શન શબ્દોથી આ પુસ્તક “ગીતામૃત”નો ઉઘાડ થયો છે.
“આધ્યાત્મિક અને વ્યાવહારિક માર્ગદર્શનની બાબતમાં મારી શ્રદ્ધા ગીતા પર કેન્દ્રિત થયેલી છે. ગીતાની પહેલાંનાં હિંદુધર્મમાંના વેદ, ઉપનિષદ આદિ મૂળ ગ્રંથ અને પછીનાં દર્શનો, ભાષ્ય, સંતનાં વચનો વગેરે અપાર સાહિત્ય, તેમજ અન્ય ધર્મોના અનેક ભાષામાંના ગ્રંથોના અવલોકનથી ગીતા પરની મારી શ્રદ્ધા અધિક દૃઢ થઈ. ગીતાનો વ્યાપક અને અવિરોધી અર્થ સમજવામાં આ બધાંએ મને મદદ કરી. કર્મયોગ અને પ્રેમયોગ; ધ્યાનયોગ અને જ્ઞાનયોગ; બુદ્ધિયોગ અને શુદ્ધિયોગ – એ બધું જ ગીતાએ એક જીવન-સૂત્રમાં પરોવી દીધું છે એ મારે ગળે ઊતરી ગયું. ગીતાના કહ્યા પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરતાં રહેવાથી અપાર શાંતિ મળે છે એવો અનુભવ આવ્યો; તેથી, અમારા સાથીઓની નિષ્ઠા ગીતા પર સ્થિર થાય એવી સખત તાલાવેલી મને લાગી છે.”…શ્રી ગુર્જર પ્રકાશન, અમદાવાદના સાથીઓ શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખ સલ્લા અને શ્રી હુંદરાજ બલવાણીને પણ તાલાવેલી લાગી અને તેઓના લેખન અને સંપાદનમાં “ગીતામૃત” (ભાગ 1: અધ્યાય 1-2-3) આપણને મળે છે.
‘ગીતા’માં મનુષ્યજીવનનાં શાશ્વત મૂલ્યો રહેલાં છે. આ કારણે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ કોઈ એક ધર્મવિશેષનો ગ્રંથ બની રહેવાને બદલે સમગ્ર માનવજાતને પ્રકાશ તરફ દોરી જતા ગ્રંથ તરીકે સર્વસ્વીકૃત છે. ‘ગીતા’ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. આ પૃથ્વી ઉપર શાંતિ, મૈત્રી અને સંવાદિતા સ્થાપવાં હોય તો “ગીતા”નાં મૂલ્યોને જીવનમૂલ્યો બનવવાં જોઈશે. ઊગતી પેઢીના ઘડતરમાં “ગીતા”નાં મૂલ્યો માટેની પ્રીતિ જાગે તો આ જીવનમૂલ્યોનું સહજ બીજારોપણ થઈ શકે. નવી પેઢીમાં એકવાર બીજારોપણ થાય તો એમનું જીવનવૃક્ષ આપોઆપ જ વિકસશે.
ગીતા આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શિક્ષકોની સજ્જતા વધે અને તેઓ ગીતાના ગહન સિદ્ધાંતોને સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે તો ગીતા માત્ર પૂજવાનો ગ્રંથ મટીને જીવનનો માર્ગદર્શક અને વ્યવહારુ ગ્રંથ બની રહે. ગુજરાત સરકારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં મૂલ્યો સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવું પૂરક સાહિત્ય તૈયાર કરાવવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. આનાથી પ્રેરાઈને આ સંપાદન તૈયાર થયું છે.
ગીતાનાં તત્ત્વોની રજૂઆત રસિક અને સરળ રીતે થવી જોઈએ. અઘરામાં અઘરી વાત પણ ઉચ્ચ-પ્રાથમિક અને માધ્યમિકશાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમજી શકે એ સ્વરૂપમાં દૃષ્ટાંતો સાથે મૂકવી જોઈએ. જો કે આ કામ ધાર્યાં કરતાં વધારે મથામણ કરાવનારું હતું, પરંતુ આપણને સંતોષ છે કે ગીતાનાં પાયાનાં તત્ત્વોને પ્રમાણમાં પ્રાસાદિક રીતે રજૂ કરવામાં ગુજરાતી ભાષાના આ ઉત્તમ લેખકો સફળ થયા છે.
ગીતાનાં મૂળભૂત તત્ત્વો એ કેવળ વાતનો વિષય નથી; પરંતુ જીવનમાં ઉતારવાનાં તત્ત્વો છે. આ માટે સહાયક બને એવી દૃષ્ટાંતકથાઓ અને સાહિત્યકૃતિઓની શોધ કરીને તેને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. હા, મુખર રીતે અમુક તત્ત્વ માટે અમુક કથા ન પણ મળે; પરંતુ અહીં રજુ થયેલ 28 કથાઓ એવી છે જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માબાપોનો ગીતામાં પ્રવેશ કરાવવામાં ખૂબ સહાયક બનશે એવું વિશ્વાસપૂર્વક કહી શકાય તેમ છે. વળી, જે કથાઓ અહીં મૂકી છે તે સાહિત્યની દૃષ્ટિએ, પ્રાસાદિકતાની દૃષ્ટિએ અને પ્રેરકતાની દૃષ્ટિએ ખૂબ જ માર્મિક છે. ગીતાનાં તત્ત્વો ગ્રહણ કરવા માટે આધાર બને એવી આ કથાઓ છે. આ કથાઓ પણ મનુભાઈ પંચોલી, નાનાભાઈ ભટ્ટ, ઉમાશંકર જોશી, દુર્ગેશ શુક્લ, પુરાતન બુચ, ધીરુ પરીખ, યોગેશ જોશી, ગિજુભાઈ બધેકા, પનાલાલ પટેલ, કુમારપાળ દેસાઈ વગેરેની કથાઓને અહીં સ્થાન આપાયું છે.
ઉપનિષદ અને ગીતા જગતભરનાં તમામ મનુષ્યો માટે જીવન આધાર બને તેવા ગ્રંથો છે. ગીતાનો વિચારવારસો અનેક રીતે અદ્ભુત છે. આ વારસો આપણી ઊગતી પેઢી સુધી પહોંચે એવી હોંશ સ્પષ્ટ રીતે સંપાદનમાં તરી આવે છે. અને હા, એમાં પ્રવેશ કરવા માટે મહત્વના શ્લોકો, તેનો શબ્દાર્થ વગેરે પણ સાથે મૂકેલાં છે. વિદ્યાર્થીઓ આ શ્લોકો કંઠસ્થ કરશે અને અર્થો જાતે ઉકેલશે તો મોટા થશે ત્યારે આ શ્લોકો તેમને માટે પથદર્શક બની રહેશે, એવું દર્શાય છે.
એક આવકારદાયક વાત ખાસ નોંધું કે, ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું. એવા ગ્રંથનું સ્વરૂપ ભિન્ન હોય. સંપાદકોની નજર સામે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને છે. વળી, આરંભે પહેલા ત્રણ અધ્યાયને અહીં સ્થાન આપ્યું છે, જેથી આગળના અધ્યાયો વિષે કવાયત કરતી વખતે આ પુસ્તક અંગેના અભિપ્રાયોને સ્થાન આપી આવશ્યક ફેરફારો કરી શકાશે.
આવો, એક કથાને માણીએ અને પુસ્તકમાંથી રસપ્રસાદ મેળવીએ.
ગાંધીજીની નિર્ભયતા
ઉમાશંકર જોશી
સાબરમતી આશ્રમમાં સાંજની પ્રાર્થના પૂરી થઈ છે. કિનારાને ઘસાઈને સાબરમતીનાં નીર ખળખળ વહી રહ્યાં છે. આકાશમાં વસંતની પૂર્ણિમા ખીલી છે.
પ્રાર્થના પછી એક બિછાનામાં તકિયા પર જમણા હાથનો ટેકો રાખી ગાંધીજી આડા પડ્યા છે. તેઓ ઉઘાડે શરીરે છે. ઠંડી લાગશે એમ માની બા એમને એક ચાદર ચોવડી કરીને ઓઢાડે છે. ચાદરનો અર્ધો ભાગ પીઠ પાછળ છે.
સામે રાવજીભાઈ બેઠા છે. વાતો કરતાં રાવજીભાઈની નજર બરડા પરની સફેદ ચાદરમાં પડેલી કાળી ભાત પર જાય છે. અરે કાળો સાપ ! સાપ ચાદર ઉપર થઈ ગાંધીજીના બરડા પર ચડે છે અને બીજી બાજુ ઊતરવા ડોક લંબાવે છે.
રાવજીભાઈનું ધ્યાન વાતમાંથી ખસે છે એ જોઈ—અને પોતાને પણ કાંઈક હોય એમ લાગવાથી—ગાંધીજી પૂછે છે: ‘શું છે ?” રાવજીભાઈનો જીવ અધ્ધર થઈ ગયો છે. ગાંધીજી હલ્યા તો સાપ ડંખવાનો. પોતે ભયથી કંઈ બોલે તો હાજર રહેલાં ભડકશે. ધીમેથી એ જવાબ આપે છે: “કંઈ નહિ, એ તો સાપ છે.”
સાંભળીને બા વગેરે ચિંતાથી ઊઠે છે, પણ ગાંધીજી અને રાવજીભાઈ સ્થિર રહે છે. સાપ આગળ વધતો નથી, પણ ચાંદનીમાં ક્યાંય જતો પણ દેખાયો નહિ. પીઠ અને ચાદર વચ્ચે છુપાયો હશે? રાવજીભાઈ ધીમેથી કહે છે, “બાપુજી, આપ સહેજ પણ હલતા નહિ.”
“હું તો નથી હલવાનો, પણ તમે શું કરો છો?”
“હું આ વાળેલી ચાદરના ચાર ખૂણા પકડીને તેને દૂર ફેંકી દઉં છું. સાપ તેમાં હશે તો ચાદર સાથે દૂર પડશે અને પોલાણમાં છુપાઈ રહ્યો હશે તો, ખુલ્લો થવાથી ત્યાંથી ચાલ્યો જશે, પણ આપ હલશો નહિ.”
“હું નહિ હલું, પણ તમે સાચવશો.”
રાવજીભાઈ ચાદર ઊંચકે છે. ઠીક-ઠીક વજન છે. જોરથી ચાદર એ દૂર ફેંકી દે છે. સાપ ચાદરમાંથી બહાર આવે છે. રાવજીભાઈ વગેરે એને પકડે છે અને દૂર નાખી આવે છે.
છાપાંએ વાત ચગાવી: “મહાત્માજીને મસ્તકે નાગે ધરેલી ફેણ.”
લોકમાન્યતા છે કે, નાગ મસ્તક પર ફેણ ફેરવે તો માણસ ચક્રવર્તી થાય. કોઈ-કોઈ એમ પણ કહેવા લાગ્યા કે, બરડા પર નાગે ફેણ ધરી એટલે ગાંધીજી દેશના નેતા રહ્યા, મસ્તકે ધરી હોત તો આખી દુનિયાના નેતા હોત. આ બધી ચમત્કારની રીતે દંતકથા ચાલી, પણ મોટામાં મોટો ચમત્કાર ગાંધીજીના ને નાગના પ્રસંગમાં એ હતો કે, તેઓ શાંત ચિત્તે, સ્વસ્થતાથી રૂંવાડું પણ ન ફરકે એ રીતે, જે સ્થિતિમાં પડ્યા હતા, તે સ્થિતિમાં પડ્યા રહ્યા.
