ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા પ્રકાશિત થયેલ “બિલ નાઈટ” ના “પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન” નું સંપાદન ભાવ પ્રદેશમાં ખેંચી જાય છે..
“….આપણા સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જક, વિવેચક અને વિચારક કાકાસાહેબ કાલેલકર તો નેવું વર્ષ જીવ્યા હતા. ‘રખડવાનો આનંદ’ એમના જીવનનો આનંદ બન્યો હતો. તેમણે અનેક પ્રવાસો ખેડયા હતા અને છતાં તેઓ પ્રવાસને અંતે થાકેલા કે માંદા દેખાયા ન હતા. એકવાર કોઈકે તેમને તે વિશેનું કારણ પૂછેલું ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે, આ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ મારી પાછળ પડયાં છે. મને પકડવા માંગે છે પણ પકડી શકતા નથી. મારું સરનામું મેળવી તે જગ્યાએ જઈને પૂછે છે : કાકાસાહેબ ક્યાં છે? ત્યારે લોકો કહે છે, ‘કાલે અહીં હતા. આજે ક્યાં છે તેની ખબર નથી. વળી, બુઢાપો મૃત્યુ મારું સરનામું મેળવી હાંફતા હાંફતા નવી જ જગ્યાએ પહોંચે છે. ત્યાં લોકો કહે છે : હમણાં તો અહીં હતા. હવે ખબર નથી ક્યાં ચાલ્યા ગયા. હું જેટલી ઝડપે યાત્રા કરું છું તેટલી ઝડપે ન તો બુઢાપો દોડી શકે છે ન તો મૃત્યુ મને પકડી શકે છે. હું શું કરું? એમને ટાળવાની મેં ક્યારેય કોશિશ કરી નથી, એમને પામવાની ઉત્કંઠા પણ નથી. બંને જૂના દોસ્તો છે. કોઈને કોઈ દિવસ તો જરૂર મળશે. તેમાં જેટલી વાર લાગશે એટલા જ પ્રેમથી એકબીજાને ભેટીશું………!
ઉપરની વાત ૫૨થી આપણને એટલું સમજાય છે કે, કાકાસાહેબે નચિંત બનીને જીવન વીતાવ્યું હતું. એટલે જ તેમણે જીવનનો અધિકમાં અધિક આનંદ મેળળ્યો હતો. એવું આનંદમય અને પ્રવૃત્તિમય જીવન જીવવા આપણામાંથી મોટા ભાગના ભાગ્યશાળી થતા નથી. પરિણામે તેઓ પેલી જીવન ઘટમાળમાં ફસાઈને નિરસ અને કશી પ્રવૃત્તિ વગરનું જીવન જીવતા બુઢાપાને શાપ દેતા જીવન જીવતા હોય છે. ડોસા અને ડોસી બની નકામા અને નિરૂપદ્રવી બનતાં જીવનને આપણા કવિ વિપિન પરીખે સુંદર રીતે એની કાવ્યબાનીમાં મઢી લીધું છે :
ડોસો ચીમળાઈ ગયો છે.
ડોસાઓ ચીમળાતા હોય છે તેમ જ
ગઈકાલને યાદ કરી કપાળ પર હાથ પછાડે છે.
પોતે જ સાંભળતો નથી.
અને મોટે મોટેથી બૂમો પાડીને દીકરાઓને ભાંડે છે.
ડોશી પેલા ખૂણામાં બેઠી બેઠી જ વૃદ્ધ થઈ છે.
ગઈકાલે પતિ અને આજે છોકરાં–વહુ
ઘરમાં કોઈ એને સમજ્યું નહીં.
અને વાતવાતમાં આંખે મોતિયો આવી ગયો.
તોય કોઈને ફરિયાદ ન કરી
છોકરો આવ્યો તે ખૂબ નજર તાણી એ બોલી :
બેટા આવ્યો? જમીને જજે.
દીકરો સાચવીને જૂઠું બોલતો :
મા ભૂખ નથી.
ડોસીએ આગ્રહ કર્યો નહીં.
આંખે મોતિયો હતો, પણ
હજુ આંખમાં થોડાંક આંસુ બચ્યાં હતાં
એટલે કહ્યું: ભલે…
આપણાં વડીલો… વૃદ્ધો… ડોસા. ડોસીઓ. આપણાં પોતીકાં સ્વજન છે, માબાપ છે. આપણું આજનું અસ્તિત્વ એમને આભારી છે તે ભૂલવાનું નથી. એમની સંભાળ રાખવી—એમનું ગૌરવ જાળવવું એ આપણી પવિત્ર ફરજ બને છે. આવી ફરજ આપણો ધર્મ બને છે. વળી, આપણા ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં માબાપને… વડીલોને પ્રભુ સાંનિધ્યમાં મૂકીને “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ’ એવી પ્રાર્થનામાં મઢ્યાં છે… અને છતાં અહીંના આપણા સમાજમાં માબાપને વૃદ્ધાશ્રમમાં, ધરડાઘરમાં, ઑલ્ડ પીપલ્સ હોમમાં મોકલી આપવાનો જે પવન ફૂંકાવા લાગ્યો છે તેની સામે લાલ બત્તી ધરવી જ રહી. એમની પાછલી અને નિ:સહાય અવસ્થામાં ભાડૂતી એવી પરિચારિકાઓ દીકરાવહુની લાગણી, હૂંફ અને સંભાળ ન જ આપી શકે, તેમની પાછલી જિંદગીમાં આપણે તેમની જેવી અને જેટલી સંભાળ રાખી શકીએ તેવી અને તેટલી સંભાળ બીજા કોઈ રાખી શકે નહીં.”
(સદ્દગત બળવંત નાયકનો આ લેખ ‘ઓપિનિયન’ ના સપ્ટેમ્બર, 1999ના અંકમાં પ્રકાશિત થયો હતો, તેની સાદર નોંધ લઈએ.)
‘શ્રી બળવંત નાયકના પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન’ ના ગ્રંથમાં સાંપ્રત કાળ માટે ઉત્તમ સંદેશ આપતા એમના નિબંધ “આપણું આજનું અસ્તિત્વ માબાપને આભારી” ના માર્મિક અંશો વાંચીને આપણે તેઓને વાંચનાનજલિ આપી.
યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ હેઠળ હવે બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જન પુસ્તક પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકનું સંપાદન ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યકાર શ્રી વલ્લભભાઈ નાંઢાએ કર્યું છે. જ્યારે તેનું પ્રકાશન કેતન રૂપેરાની નિપુણ દૃષ્ટિ અનુસાર થયું છે.
બળવંતભાઈ ગાંડાભાઈ નાયક, “બિલ નાઈટ”
જીવનકાળ 15 મી ડિસેમ્બર 1920 થી 15 મી ફેબ્રુઆરી 2012.
ડાયોસ્પોરિક ગુજરાતી સાહિત્ય જમાતનાં એક અગ્રગણ્ય સાહિત્યકાર,
અકાદમી યુનાઇટેડ કિંગડમના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ પણ ખરા.
વલ્લભભાઈએ પોતે લખ્યું છે કે, ‘1972માં દેશના સરમુખત્યાર ઇદી અમીને 21 દિવસની અવધિ પૂર્ણ થાય એ પહેલા એશિયાનો એ દેશ છોડી ચાલ્યા જાય એવો ફતવો બહાર પાડ્યો. આવી કટોકટીભરી સ્થિતિમાં બળવંત નાયક જેવા સંવેદનશીલ સર્જક અવાજ ઉઠાવ્યા વગર રહી શકે ખરા? એ ફતવાના પ્રત્યુતર રૂપે સમ-સંવેદનશીલ સાહિત્ય સર્જક બળવંત નાયકે ‘ને ધરતીને ખોળે નરક વેરાયું‘ નવલકથા લખી. એમાં નંદનવન જેવી યુગાન્ડાની ધરતીને નરક જેવી વેદનશીલ પરિસ્થિતિમાં પલટાવી નાખનાર પરિબળરૂપ ઈદી અમીનની કૂટનીતિને દસ્તાવેજી આધારોને ખપમાં લઈને નિર્ભિકતાથી પડકારી. ભારતીય મીથને આ કથા બીજ સાથે પરોક્ષપણે સંયોજ્યું અને પ્રાદેશિક માન્યતાઓ, હકીકતો, અને તથ્યોને પણ કલાત્મક રીતે રજૂ કર્યા. એમાંથી ઉપસતા વાસ્તવ બોધને કારણે એ આફ્રિકન સભ્યતાની પ્રતિનિધિ કથા બની અને સાથોસાથ પશ્ચિમ જગતની પણ પરિચાયાક કથા બની રહી. આ નવલકથાનો “પેસેજ ફ્રોમ યુગાન્ડા” શીર્ષક હેઠળ લેખકે પોતે અંગ્રેજીમાં ભાવાનુવાદ કર્યો અને નોબેલ પારિતોષિક વિજેતા સર્જક અને અમેરિકાની સૌપ્રથમ અશ્વેત મહિલા ટોની મોરીસને ગુલામોની યાતનાઓને વ્યંજીત કરતી ‘ડાર્લિંગ’ નામની નવલકથા લખી. બળવંત નાયકે નવલકથાનું ‘લાડલી’ નામે ગુજરાતીમાં રૂપાંતર પણ કરી આપ્યું.
બળવંત નાયકની જીવનયાત્રા ગુજરાતી પ્રજાના વિદેશ વસવાટનું એક અનોખું રેખાચિત્ર છે. ગુજરાતના વાપી ગામના રહેવાસી અને 20મી સદીની શરૂઆતમાં જન્મેલા બળવંત નાયક મુંબઈ યુનિવર્સિટીની વિલ્સન કોલેજના વિદ્યાર્થી હતા. ત્યાં તેણે અભ્યાસ પૂરો કરી તેઓ સહકુટુંબ યુગાન્ડાના પાટનગર કંપાલામાં સ્થાયી થયા. તેઓ સ્થાનિક શાળાના આચાર્ય તરીકે સેવા કરતા હતા. ઈદી અમીને 1972માં જ્યારે યુગાન્ડાથી જે લોકો દેશના નાગરિક ન હતા તે લોકોને દેશ નિકાલ કર્યા તેમાંનું એક કુટુંબ બળવંતભાઈનું પણ ખરું. બળવંતભાઈ તેમના પત્ની અને બાળકો સાથે 1973ના ઓગસ્ટ મહિનામાં યુગાન્ડાથી બ્રિટન આવ્યા અને લંડન શહેરના જાણીતા સાઉથહોલ વિસ્તારમાં સ્થાયી થયા. ત્યાં તેમણે શિક્ષક તરીકે કામ કરવાની શરૂઆત કરી. ગુજરાત, યુગાન્ડા, અને બ્રિટનમાં વસવાટ કર્યો તે દરમિયાન બળવંત નાયકે ‘નવનીત સમર્પણ’ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના શ્રી વિપુલભાઈ કલ્યાણીના ‘ઓપિનિયન’ માસિકમાં અવારનવાર વિવિધ સાંપ્રત વિષયો ઉપર પોતાના વિચારોની છણાવટ કરી અને સનાતન માનવતાનાં વિવિધ પ્રશ્નોને તેમણે સાથે જોડ્યા.
બળવંત નાયક ગુજરાતી ભાષા અને સાહિત્યના ચાહક હતા એટલું જ નહિ, ગુજરાતી સાહિત્યના વિકાસમાં ખુબ મહત્વનો તેમણે ભાગ ભજવ્યો. પૂર્વ આફ્રિકા તેમજ બ્રિટનનાં ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસમાં તેમનું નામ હંમેશા અગ્ર સ્થાને અંકાયેલું રહેશે. તેમના રચનાત્મક અને વૈવિધ્યથી ભરપૂર જીવનનો અંત 2012માં 92 વર્ષની વયે થયો. ગુજરાતી સાહિત્યકારોની યાદીમાં તેમનું સ્થાન અનોખું છે. યુનાઈટેડ કિંગ્ડમ ના ગુજરાતી સાહિત્ય અકાદમીએ સ્તુત્ય કાર્ય કર્યાનો રાજીપો વ્યક્ત કરીએ.