ગુજરાતમાં તો છેક ૧૯૬૨માં સ્વીકારાયેલ કલ્પસર સરોવર પ્રોજેક્ટ ૨૦૨૪માં પણ કચેરીના કાગળિયામાં અટવાઈ રહ્યો છે.
રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે પૂજ્ય મોરારીબાપુની ભવ્ય રામકથાનું જબરું આયોજન થયું. સદભાવનાના સ્વપ્નદ્રષ્ટા શ્રી વિજય ડોબરિયાનો એક મનોરથ એવો છે કે, ભારતભરમાં કુલ એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવીને ઉછેરવા !! આ કથાના આયોજનમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક બહુ મોટું મોડેલ મૂકેલું હતું અને તેની પાસે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકો તે મોડેલ નિહાળવા સૌને વિનંતી કરતા હતા અને સૌને વિગતે સમજૂતી આપતા હતા. ત્યાં લગભગ ત્રાણું વર્ષના ભાવનગરના ધોતિયું ને ટોપી પહેરેલ જ્ઞાનવૃદ્ધ શ્રી વિનુભાઈ ગાંધી અને રાજકોટના ડોક્ટર પમ્પના માલિક અને અનેક સેવા સંસ્થાઓના પ્રણેતા શ્રી પુરુષોત્તમભાઈ કામાણી સૌને આ યોજના વિષે દિલથી માર્ગદર્શન કરી રહ્યા હતા.આ બંને સેવાભાવી નાગરિકો આ મોડેલમાં મુકેલ કલ્પસર યોજના સાકાર થાય તો ગુજરાતની શકલ બદલાય જાય તેવી આશા વ્યક્ત કરતા હતા.
શું છે આ કલ્પસર યોજના અને તે શા માટે આગળ ધપાવવી જોઈએ તેનો વિગતે અભ્યાસ કર્યા પછી જે નવનીત તારવ્યું તે અહીં પ્રસ્તુત કરું છું.
દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનની પ્રજા જળ કટોકટીનો ભોગ બની ચૂકી છે. ત્યાંની સરકારે તો પાણી પૂરું પાડવાની અસમર્થતા જ જાહેર કરી દેવી પડી. ત્યાં સ્નાન કરવાની મનાઈ ફરમાવવી પડી. પાણીના ટેન્કર આવે ત્યારે માત્ર પચ્ચીસ લિટર પાણી મળે… આથી વધુ માંગણી કરનાર કે બળજબરી કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવી પડી. આપણે ત્યાંના કર્ણાટક રાજ્યમાં કાવેરી નદીના કાંઠે આવેલું પાટનગર બેંગલુરુ જળ કટોકટીનો ભોગ બન્યું છે.
વૈશ્વિક તાપમાન અને નિરંતર વધ્યે જતા વિવિધ પ્રદૂષણોના પ્રકોપને કારણે ઋતુચક્રના પ્રતિકૂળ પરિવર્તનનો ભોગ વિશ્વ બની રહ્યું છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની ઘટનાઓ પણ વધી રહી છે. ભૂગર્ભજળનું સ્તર વધુ ને વધુ ઊંડુ ઉતરી રહ્યું છે. સંખ્યાબંધ નદીઓનો જળપ્રવાહ ઘટી રહ્યો છે. અનેક નાની નદીઓ સૂકી ભટ્ટ બની ગઈ છે.
ભારતના ૭.૭૬ કરોડ લોકોને સુરક્ષિત પીવાલાયક પાણી મળતું નથી. સુરક્ષિત પાણી મેળવી શકતા ન હોય તેવા વિશ્વના દસ દેશોની યાદીમાં ભારત પ્રથમ નંબરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સૂચન મુજબ દરેક વ્યક્તિ માટે દરરોજ ઓછામાં ઓછું ૫૦ લીટર પાણી ઉપલબ્ધ હોવું જોઇએ. ભારતની વાર્ષિક માથાદીઠ જળઉપલબ્ધિ ઘટીને ૧૭૦૦ ઘનમીટર થઇ છે. જ્યારે ગુજરાતની માત્ર ૯૯૦ ઘનમીટર છે. દર વર્ષે સરેરાશ ૩૮૦૦૦ મીલીયન ઘનમીટર વરસાદી જળ ગુજરાતને મળે છે. તેમાંથી સરદાર સરોવરની મહત્તમ ઉંચાઇ સહિત પચીસેક હજાર મીલીયન ઘનમીટરનો હાલ સંગ્રહ થાય છે. બાકીનું ૩૫ થી ૩૮ ટકા વરસાદી જળ સમુદ્રમાં વહી જવા દેવાય છે.
ભારતમાં ખેતી માટે ૬૦ ટકાથી વધુ સિંચાઇ ભૂગર્ભજળ દ્વારા થાય છે. આપણું પીવાનું પાણી પણ ભૂગર્ભજળના ભંડારમાંથી આવે છે, જે ઝડપથી ખતમ થઇ રહ્યું છે. આપણે હાઇડ્રોલોજીકલ દુષ્કાળનો ભોગ બની રહ્યા છીએ. ૨૦૧૭માં દેશના ૫૯૭ જિલ્લા પૈકી ૧૭૩ જિલ્લામાં અપૂરતો વરસાદ થયો છે. જ્યારે દેશમાં ૧૦૨ ટકા વરસાદ નોંધાયો છે. ૧૯૭૦ના દાયકાથી ભૂગર્ભજળ મોટા પાયે ઉલેચાવા માંડયું અને ૧૯૮૦ના દાયકા પછીના ગાળામાં ગ્રાઉન્ડવોટર – ભૂગર્ભજળની સપાટી ૮ થી ૧૬ મીટર સુધી ઊંડી ઉતરી ગઇ છે. ભૂગર્ભજળમાં જેટલું પાણી રીચાર્જ થાય છે તેના કરતાં ઉલેચાવાનું પ્રમાણ વધું છે. તેથી ભારતમાં ભૂગર્ભજળની સપાટી દર વર્ષે 0.3 મીટર ઊંડી ઉતરે છે, જ્યારે ગુજરાતમાં દર વર્ષે ૩ થી ૫ મીટર ઊંડી ઉતરે છે.
ગુજરાતની વાત લઇએ તો છેક ૧૯૬૨માં સ્વીકારાયેલ કલ્પસર સરોવર પ્રોજેક્ટ ૨૦૨૪માં પણ કચેરીના કાગળિયામાં અટવાઈ રહ્યો છે. ગુજરાતનું કોઇક શહેર કેપટાઉન કે બેંગલુરુ જેવી જળ કટોકટીનો ભોગ ન બને તે માટે આ પ્રોજેક્ટ સત્વરે સાકાર થવો જરૂરી છે. ભૌતિક વિકાસની દોટમાં ગરકાવ રહીને આવા પાયાના પ્રાણ પ્રશ્નોની ઘોર ઉપેક્ષા થયા કરશે તો જળ સંકટના ખપ્પરમાં શું શું અને કેટલું હોમાઈ જશે તે કપરો કોયડો કંપાવનારો બની જશે. અરે સ્વયં વિકાસ જોખમાશે અને ખોરવાશે
આ એક જ પ્રોજેક્ટથી…
- ગુજરાતની જી.ડી.પી.માં નોંધપાત્ર વધારો થાય તેમ છે.
- બેરોજગારીની સમસ્યા પણ ઠીક ઠીક ઉકેલાય તેમ છે.
- આયોજન ઉપયોગ માટે દોઢ થી બે લાખ હેક્ટર જમીન નવસાધ્ય થાય તેમ છે. જેથી ગ્રામોદ્યોગ અને કૃષિ વિકાસ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ વિકસે તેમ છે.
- સૌરાષ્ટ્રથી સુરત સુધીનું જુદા જુદા શહેરોથી ૧૫૦ થી ૩૪૩ કિ.મી. સુધીનું માર્ગ વાહન વ્યવહારનું અંતર ઘટવાથી ઇંધણના વપરાશથી દર વર્ષે અબજો રૂપિયાનો ફાયદો થાય તેમ છે. પ્રદુષણ ઓછુ થશે.
- સૌરાષ્ટ્ર કચ્છનો સર્વગ્રાહી વિકાસ શક્ય બને તેમ છે.
- ૨૩૦૦ થી ૨૪૦૦ ચોરસ કિલોમીટર ખારા પાણીનો વિસ્તાર મીઠા પાણીનો વિસ્તાર બની જાય તેમ છે.
- ગુજરાતને આંગણે વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બની શકે તેમ છે.
- પી.પી.પી. પ્રોજેકટ તરીકે દુઝણી ગાય સમાન કલ્પસર સરોવર યોજના સવેળા સાકાર થાય તો ન ધારેલા ફળ મળે તેમ છે.
- સમગ્ર વિશ્વમાં વરસાદી જળનું વિશાળતમ સરોવર થઇ શકે એવી વિશિષ્ટ સુવિધા કુદરતે ગુજરાતને બક્ષી છે.
ભાવનગરની ખાડીવાળા સમુદ્રમાં ખંભાતના અખાત તરીકે ઓળખાતા સમુદ્રી વિસ્તારમાં જબ્બર જળાશય બનાવવાનું વિચારબીજ ૧૯૬૨ માં સ્વીકારાયા બાદ પૂરા પંચાવન વર્ષની વહીવટી માવજત છતાં હજુ બીજ ભોંભીતર રહ્યું છે !! કુદરતી કોપનો પણ સફળ સામનો શક્ય બનાવે તેવી આ યોજના બધા જ શાસકો સ્વીકારતા રહ્યા હોવા છતાં અસહ્ય ઢીલ થતી રહી છે.
ભારતીય સંસ્કૃતિમાં કિંમત કરતાં મૂલ્યને સવિશેષ મહત્વ અપાતું રહ્યું છે. પ્રગતિપ્રેરક ચાર્વાકે તેમજ ચાણક્યના અર્થશાસ્ત્ર માનવીય પોષણ માટે દેવું કરીને પણ ઘી પીવો જેવું સૂત્ર પ્રબોધ્યું છે. તેમ છતાં વારંવાર ચાણક્યની દુહાઈ દેનાર આપણે કેમ કશું કરતા નથી ??
- અગર જો દશ દિવસના કોમનવેલ્થ રમતોત્સવ માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી શકાતા હોય,
- જો બુલેટ ટ્રેઈન માટે સવા લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ દેવું કરીને પણ થઈ શકતું હોય તો
- જો કલ્પસર યોજના માટે થવાપાત્ર ખર્ચ/ મૂડી રોકાણની સામે ચારથી પાંચ સદી સુધી મળવા પાત્ર વળતર અનેક ગણું વધુ હોય તો પછી શાસકો કેમ જાગતા નથી?
(ક્રમશ:)