પૂર્ણતાને પંથેપુસ્તકમાં  જુગલબંધી છે.જેમાં શબ્દો શ્રી બ્રહ્મવેદાંત સ્વામીજીના છેપણ શબ્દોમાં રમતું પ્રાણતત્વ  પૂજ્ય રામદુલારે બાપુનું છે.

‘પૂર્ણતા ને પંથે’ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી રાજેન વકીલ લખે છે કે, 1975 ની ગુરુપૂર્ણિમાના થોડા અઠવાડિયા પહેલા માધવપુરના સ્વામી બ્રહ્મ વેદાંતજીને ત્યાં મારા માતા-પિતા સાથે એક સંતના દર્શનનો લાભ મળ્યો. બપોરના આશરે ચાર વાગ્યાના સમયે સૂર્યપ્રકાશ અંદર ન પ્રવેશે એવા બંધ બારીના ઓરડામાં સ્વામી બ્રહ્મ વેદાંતજીના પરિવાર સાથે એ સંત બેઠા હતા. તેઓ સ્વામી રામ દુલારે બાપુ હતા. અમે અંદર ગયા, એમણે આવકાર્યા, એમની પાસે અમે બેઠા. એક સહજ રમુજ વૃત્તિથી તેઓ જ પ્રશ્નો પૂછતા અને પ્રશ્નોના જવાબો આપતા.

બપોરના સમયે મારું માથું ખૂબ જ દુખતું હતું. એમણે પૂછ્યું, “શું માથું દુખે છે?” મેં હા પાડી. દશેક મિનિટ સુધી તેઓ મારી સાથે કશું બોલ્યા નહિ, દસ મિનિટ પછી એમણે કહ્યું, “હવે માથું દુઃખે છે?” મેં કહ્યું, ‘હવે નથી દુઃખતું.’  તેઓ બોલ્યા, “પણ મારું  દુખવા માંડ્યું એનું શું?” મેં વાંચેલું કે જીસસે માનવ જાતના દુઃખો પોતાના ઉપર લઈ લીધા હતા. પહેલી વાર નાને પાયે આ બાબતનો જીવંત અનુભવ થયો. એ દિવસથી રામદુલારે જી નું પાર્થિવ શરીર શાંત થયું ત્યાં સુધી સાત વર્ષ એક અદભુત ગાઢ સંબંધની શરૂઆત થઈ. આ સમય દરમિયાન એ મારા જીવનના કેન્દ્રસ્થાને રહ્યા અને મારું જીવન એમની આસપાસ ગોઠવાતું રહ્યું. એ ગુરુ હતા અને હું શિષ્યની ભૂમિકામાં ગોઠવાવાનો પ્રયત્ન કરતો હતો. આજે જે કંઈ છું એ એના ઘડતરનાં ફળ સ્વરૂપે છું. આ સાત વર્ષ દરમિયાન મારા જીવનની દરેક સારી-નરસી ઘટનાઓ, દરેક સંઘર્ષ અને મથામણ, પ્રત્યેક નિરાશામાં એમની હાજરીનો મને અનુભવ થયો છે. કેટલાય લોકોનાં દાવાઓ છતાં એ કોણ હતા?, ક્યાંથી આવ્યા? એ હંમેશ ને માટે ગૂઢ રહસ્ય રહ્યું છે અને લાગે છે કે રહેશે.

તેઓ એક સંન્યાસી હોવા છતાંય જીવન વ્યવહારમાં નિપુણ હતા. અંગ્રેજીમાં એક કહેવત છે ‘ jack of all and master of none’. પરંતુ તેઓ Master of all હતા. જે પૂર્ણતા માટે જન્મ્યા છીએ તેના તરફ જાણે કે તેઓ આપણને લઈ જવા માગતા હોય, એમ જીવનનાં નાનામાં નાના દરેક પ્રસંગે તે પૂર્ણતા એમનામાં પથરાયેલી આવતી. નાના કુટુંબની રસોઈ હોય કે 100-200 માણસોની રસોઈ હોય, સંચા પર કપડાં સીવવાના હોય કે નાના બાળકો માટે કાગળ અને કાતરથી રમકડા બનાવવાના હોય, આશ્રમમાં ખાડા ખોદીને ઝાડ-પાન  વાવવાના હોય, કે વાસ્તુના નિયમો પ્રમાણે આશ્રમનું પ્લાનિંગ કરવાનું હોય, બીજના ચંદ્રનું પૂજન હોય કે પાયાનું ખાતમુર્હુત હોય, મોટી ધંધાકીય આંટીઘૂંટીઓ ને એ જ સરળતા અને સહજતાથી તેઓ ઉકેલી નાખતા. એટલી જ સરળતાથી ગૃહસ્થ જીવનના નાના-નાના પ્રશ્નોને ઉકેલી આપતા.

મને યાદ છે કે જ્યારે આશ્રમમાં આવતા ત્યારે સવારની ચા અને છાપું ટ્રેમાં લઈ જતો. એમને ચા પીતા અને છાપુ વાંચતા જોઈને એટલો આનંદ થતો કે જાણે એ પૂર્ણતા તેમનામાંથી વહીને મને સ્પર્શી જતી હોય. જેમાં કશુંય વધઘટ ન કરી શકાય, જે અરૂપ છે, જે અપરિછિન્ન છે, અખંડ છે, અસીમ છે, એ આખરી કે અંતિમ સત્ય કે જેને તેઓ પૂર્ણતા કહેતા એ તરફ એમનો સંકેત હતો.

આપણી મૂળ શોધ તે પૂર્ણતાને પામવાની છે. આપણે જયારે સ્ત્રી કે પુરુષ ને શોધીએ છીએ, પદ-પ્રતિષ્ઠા શોધીએ છીએ, પૈસા શોધીએ છીએ,ત્યારે પૂર્ણતાને જ શોધી રહ્યા હોઈએ છીએ. આપણી દરેક કામનાનાં મૂળમાં એ પૂર્ણતા માટેની શોધ છુપાયેલી છે. આપણને એવો ભ્રમ છે કે, કામનાની તૃપ્તિમાં પૂર્ણતા છે. આપણું આખું  જીવન સુખની પાછળ દોડવામાં અને દુઃખથી દૂર ભાગવામાં પૂરું થાય છે. આપણને ખ્યાલ જ નથી કે, પૂર્ણતાની અંદર સુખ અને દુઃખ બંને છે. સુખ અને દુઃખ એકબીજાના વિરોધી નથી, પરસ્પર પુરક છે. દુઃખનો ઇન્કાર પૂર્ણતાનો ઇન્કાર છે.

આપણે મંદિરોમાં, ગુરુઓ પાસે ને બીજે ઠેર-ઠેર સુખનું ભિક્ષા પત્ર લઈને ફરીએ છીએ એ ખ્યાલ વગર કે, સુખ અને દુઃખ તો જોડિયા  ભાઈ-બહેનો છે. સુખ માંગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે. સુખ માંગીએ છીએ અને દુઃખી થઈને રડીએ છીએ. આપણી આ સ્થિતિને બેહોશી અજ્ઞાનતા કહેવામાં  છે.

પૂર્ણતાને પંથે એક અજોડ અને અદ્વિતીય પુસ્તિકા છે.જેમાં પૂજ્ય રામદુલારે બાપુ 18 દિવસના જ્ઞાન યજ્ઞમાં આપણી આંગળી પકડીને અજ્ઞાનતામાંથી પૂર્ણતાને પંથે લઈ જાય છે. આ પુસ્તકમાં છુપાયેલા અનેક ગૂઢ રહસ્યોનો સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીએ એમનાં અમૂલ્ય પ્રવચનો દ્વારા ઉઘાડ કર્યો છે. આ એક જુગલબંધી છે.જેમાં શબ્દો સ્વામીજીના છે પણ શબ્દોમાં રમતું પ્રાણ પૂજ્ય બાપુનું છે. આ શબ્દાંજલિ દ્વારા તેઓ આપણા જીવન સાધકોના હૃદયો પૂજ્ય બાપુનાં પ્રાણથી ભીંજવી નાખે એ બદલ આપણે કૃતજ્ઞ રહીએ.

શ્રી રાજેન વકીલ દ્વારા 16મી ફેબ્રુઆરી 2017ના રોજ લખાયેલી આ પ્રસ્તાવના છે. અહીં તેને પેશ કરવાનું સીધું કારણ એ છે કે,  તેઓના શબ્દો અનુભૂતિમાંથી ઉતર્યા છે, એટલે તે સીધા જ આપણને સ્પર્શી શકે એવા છે અને પુસ્તક સુધી આપણને દોરી જઈ  શકે તેમ છે.

ભાવકો પુસ્તક મેળવીને સાધના પથ  ખોજી શકે તેમ છે.

 

5478 5471