મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ ગ્રંથનું ભવ્યસ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી.

જયસિંહ સિધ્ધરાજ માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. વિદ્વત્તાપ્રેમી રાજા જયસિંહ સિધ્ધરાજ સેંકડો ગાડાંઓ ભરીને એ ગ્રંથો પાટણમાં લાવ્યા. આ જ્ઞાનભંડારને જોઈને એ આશ્ચર્યચકિત થતો હતો ત્યાં જ  એમાં ભોજરાજ વિરચિત ‘સરસ્વતીકંઠાભરણ’ નામના વ્યાકરણગ્રંથ પર નજર પડી. પંડિતોને પૂછ્યું કે આ ગ્રંથનું મહત્તમ કેટલું ? તો જાણવા મળ્યું કે,  પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજરાજનું આ વ્યાકરણ છે અને  તે એના રાજ્યમાં ભણાવાય છે. પંડિતોએ ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસા કરી અને તેથી જયસિંહ  સિધ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતાનું સ્મરણ થયું. એ સમર્થ રાજા હતા એટલે એમને થયું કે, રાજા ભોજ અને માળવા દેશ નથી, કિંતુ વિદવાનોના  હૃદયમંદિરમાં તો એ બંનેની ઉપસ્થિતિને શાશ્વત રાખનારું આ વ્યાકરણ તો છે.!!

રાજા સિધ્ધરાજને મંથનના અંતે  વિચાર આવ્યો કે, તલવારથી મેળવેલા વિજય તો આજે છે અને કાલે ભૂંસાશે. પરંતુ  વિદ્વત્તા તો  વહેંચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. રાજાએ જાણ્યું કે,  જ્ઞાનોપાસના માટે માળવાના વિદ્યાર્થીઓને ક્યાંય જવું ન પડે એ માટે જુદી જુદી વિદ્યાના ગ્રંથો ત્યાં રચાયા, જેમાં ચિકિત્સાશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્ર છે. આ જાણીને તો બાર બાર વર્ષની મહેનત પછી મેળવેલો માળવાના વિજયનો આનંદ જાણે  ઝાંખો પડી ગયો. રાજાએ સંકલ્પ કર્યો કે,  સરસ્વતીના તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનાં વહેણ વહેતાં કરવાં.

વિ. સં. ૧૧૯૩માં સિધ્ધરાજે આ વ્યાકરણ લખવાનું કાર્ય હેમચંદ્રાચાર્યને સોંપ્યું અને સકારણ માનભેર કાર્ય સોંપતાં કહ્યું કે, “હે મુનિનાયક ! મને થશ મળશે અને આપને પ્રસિધ્ધિ અને પુણ્ય — બંને મળશે, તેથી વિશ્વના લોકો ઉપર ઉપકાર થાય તે માટે આપ નવીન વ્યાકરણની રચના કરો.” જયસિંહ સિધ્ધરાજે ઠેર ઠેરથી રાજચિહ્ન સાથે પત્રો પાઠવીને હસ્તપ્રતો મંગાવી. રાજદૂતોને તત્કાળ કાશ્મીર મોકલી  ત્યાંના ભારતીદેવી પુસ્તકાલયમાંથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણ મોકલવા ઉપરાંત ઉત્સાહ નામના પંડિતને પણ હેમચંદ્રાચાર્યને વ્યાકરણ રચનામાં મદદ કરવા માટે મોકલ્યા.

મહારાજ સિધ્ધરાજની માનસસૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું. યુધ્ધનાં દુંદુભિ નાદોનું શ્રવણ કરનારા રાજાના કાનમાં વ્યાકરણનાં સૂત્રો અને મધુર દૃષ્ટાંતો ગુંજવા લાગ્યાં. હવે રાજ્યોનો  વિસ્તાર નહીં પણ વિદ્યાવિસ્તાર અંગેનું  ચિંતન શરુ થયું. સમય મળે કે તરત  મહારાજ સિધ્ધરાજ ઉપાશ્રયમાં આવીને શાંતિથી એક ખૂણે બેસે  અને વિદ્યા- યજ્ઞમાં સામેલ થાય. સિધ્ધરાજની ઉપસ્થિતિએ સાધુઓ અને વિદ્વાનોના ઉત્સાહમાં ઉલ્લાસનો રંગ પૂર્યો.

હેમચંદ્રાચાર્યનો જન્મદિન કાર્તિક પૂર્ણિમા ! એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણસર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ બરાબર એક વર્ષે પૂર્ણ થયું. એક વર્ષમાં તો સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ, પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના કરી, જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું. વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિધ્ધરાજ અને રચનાર હેમચંદ્રાચાર્યનું સંયુક્ત સ્મરણ જાળવવા માટે સિધ્ધહેમશબ્દાનુશાસનરાખવામાં આવ્યું. જયસિંહ સિધ્ધરાજે ત્રણસો લહિયાઓ રોકીને “સિધ્ધહેમ’ વ્યાકરણની પ્રતિલિપિ તૈયાર કરાવવાનું શરુ કર્યું. થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો તૈયાર થઈ. મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ ગ્રંથનું ભવ્યસ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી. ભારતના જુદા જુદા પ્રદેશોમાં કંકોતરીઓ મોકલવામાં આવી. આ વિદ્યાના ઉત્સવમાં કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યાં. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો. છેલ્લે દિવસે ગ્રંથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી-સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી. પાછળ સૂર્યમુખી ફૂલ ને કૂકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એમની પાછળ ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ  ચાલવા લાગ્યા. અને ત્યારબાદ સ્વયં મહારાજ સિધ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્ર ચાલતા નજરે પડ્યા… આ સમગ્ર પ્રસંગોનું નખશીખ વર્ણન જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન અને અભ્યાસુ પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ તેમના લેખમાં સુપેરે કર્યું છે, તેની નોંધ સાદર લેતા ઉપકૃત છું.

અંબાડી પર ગગનભેદી નાદોની વચ્ચે સિધ્ધહેમ વ્યાકરણ મૂકવામાં આવ્યું. બે પટ્ટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી. હજારો સ્ત્રીપુરુષો એ ગ્રંથની સ્વાગત યાત્રામાં જોડાયાં. ભારત વર્ષમાં હાથીની અંબાડી પર આજ સુધી માત્ર રાજા-મહારાજાઓ બિરાજમાન થયા હતા. વિજયી રાજવી અંબાડી પર બેસીને પ્રજાનું અભિવાદન ઝીલતા  હતા. આજે પહેલીવાર હાથીની અંબાડી પર સિધ્ધહેમશબ્દાનુશાસનગ્રંથ બિરાજમાન હતો અને એની સાથે વિદ્વત્તાના ભંડાર સમા આચાર્યશ્રી અને વીરતાના પ્રતીક સમા રાજા સિધ્ધરાજ ચાલતા હતા. આચાર્ય હેમચંદ્રના મુખ પર અચલ શાંતિ અને સાધુસુલભ નમ્રતા વિલસી રહ્યાં હતા. આજુબાજુ પંડિતો અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા  હેમચંદ્ર શોભાયાત્રાની મધ્યમાં તેજરાશિ જેવા શોભતા હતા. ભારતના ઇતિહાસમાં વિદ્યાની ક્યારેય આવી ભવ્ય પ્રતિષ્ઠા થઈ નહોતી.

જુઓ, મહાન ગ્રંથની રચના કરીને સંતોષ ન માનનાર રાજાએ રાજસભામાં પંડિતોની સમક્ષ એનું વાચન કરાવ્યું અને પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવીને પાટણના કાયસ્થ વૈયાકરણ કક્કલને ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. આ વ્યાકરણનું અધ્યાપન કરનારા વિદ્યાર્થીઓની જ્ઞાનપંચમીને દિવસે પરીક્ષાઓ લેવાતી. ત્રણસો લહિયાઓને બેસાડી આ વ્યાકરણની નકલ કરાવી, અંગ, બંગ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઈરાન, લંકા એમ સઘળે ઠેકાણે એની નકલો મોકલી આપવામાં આવી. શ્રી કુમારપાળ લખે છે કે, ગુજરાતમાં સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી.

શબ્દાનુશાસન’ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે

કવિશ્રી નિરંજન ભગતને મળવા આવેલા એક ફ્રેન્ચ અભ્યાસીએ એમને પૂછ્યું કે, ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ઘટના કઈ ? પાટણમાં નીકળેલી ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની શોભાયાત્રા કે ગાંધીજીએ કરેલી દાડીકૂચ.

ત્યારે નિરંજન ભગતે જવાબ આપ્યો કે આજથી આશરે હજાર વર્ષ પહેલાં પાટણમાં થયેલી આ સરસ્વતી યાત્રા એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય.