
ભારતીય વિદ્યા ભવનના લોકો એટલું કહીને ગયા હતા કે, કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો, જે અહીંયા ન થાય.
“તમે દમન કરશો તો કામ તમને વધુમાં વધુ પકડશે. પણ શમન કરશો એટલે કે અભિવ્યક્ત કરશો તો તમે કામમાંથી મુક્ત થતા જશો.” ભારતીય વિદ્યા ભવન દ્વારા યોજાયેલ આ પ્રવચનશ્રેણીના પ્રથમ દિવસે જ રજનીશે એવી જોરદાર વાતો કરી કે, જયારે મંચ ઉપરથી ઉતર્યા ત્યારે ભારતીય વિદ્યા ભવનનાં કોઈ હોદ્દેદારો હાજર નોહ્તા. એ લોકો એટલું કહીને ગયા હતા કે, કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો જે અહીંયા ન થાય. એટલે એ શ્રેણી ત્યાં બંધ થઈ ગઈ.પણ ઓશોને બહુ મોટી હાઈટ મળી. આપણને ખબર છે કે તમારી પ્રવચન શ્રેણી દસ દિવસ ચાલે તો લોકો રાજી ન થાય પણ એક દિવસ પછી બંધ થઈ જાય તો બહુ રાજી થાય. એટલે હાઈટ વધી અને ખરેખર એવું બન્યું કે એક જ મહિના પછી 28મી સપ્ટેમ્બર 1968 ગોવાલિયા ટેન્કના મેદાનમાં ભરચક લોકો વચ્ચે એમણે શ્રેણી શરુ કરી ”संभोग से समाधी तक”. એમના ઉપરથી એનું પુસ્તક અનેક ભાષાઓમાં પ્રકાશિત થયું. હકીકતમાં એમાં એમણે સેક્સ વિશે વાત નથી કરી. રજનીશે પોતે પણ ઘણી જગ્યાએ કહ્યું છે કે, હું મીરા ઉપર બોલ્યો હોઉં, કૃષ્ણ ઉપર બોલ્યો હોઉં, કબીર ઉપર બોલ્યો હોઉં, ઘણા વિષયો વિષે બોલ્યો હોઉં એ તમે વાંચતા નથી અને એક જ પુસ્તક વાંચો છો ? અને મને પૂછો છો ? વર્લ્ડની અંદર એને લોકો “સેક્સ ગુરુ” તરીકે ઓળખવા લાગ્યા. પણ ઓશોની બહુ મોટી ખાસીયત એ હતી કે એના કોઈપણ કૃત્યથી લોકો ડિસ્ટર્બ થાય તો તેઓ એ એન્જોય કરતા. અને એ વિચારતા કે, બહુ સારું ચાલો આને ચલાવાય. એટલે એમણે ચલાવ્યું.
જબલપુરમાંથી એમણે પોતાની નોકરી છેલ્લે છોડી દીધી 1970માં અને પછી મુંબઈ આવ્યા, મુંબઈ આવીને 50 સાધકો સાથે રહેવા લાગ્યા. પછી એમને વિચાર આવ્યો કે, મારે જે વાત કહેવી છે એ જાજા લોકોને કહું છું તો એનું મૂલ્ય નથી રહેતું, એટલે એણે ઓછા લોકોને કહેવાનું શરુ કર્યું. અને 1970થી રજનીશે ડાયનેમિક મેડિટેશન (સક્રિય ધ્યાન) શરુ કર્યું. જે આજે પણ જ્યાં જ્યાં ઓશો કોમ્યુન છે ત્યાં સવારનાં અચૂક થાય છે. ધ્યાનની વિધિને ખુબ સ્પષ્ટતા સાથે તેઓએ રજુ કર્યા. એમણે વિપશ્યના પણ નવું રીતે શોધ્યું. બુદ્ધની પચીસસો વર્ષ જૂની વિપશ્યના માટે એમને કેટલાક પ્રશ્નો હતા. એમણે કહ્યું કે મારો પ્રશ્ન એ છે કે, મનમાં બધું ભરીને આવેલા લોકોને તમે એક જગ્યાએ બેસાડી દ્યો અને એમ કહો કે, હવે વિચારી વિચારીને બધું બહાર કાઢો તો કેમ કરીને નીકળે ? ડબ્બામાં કંઈક ભરવું હોય તો સૌ પહેલા ભરેલા ડબ્બાને બરાબર ઠબલવવો પડે. જો ઠબલાવશો તો જગ્યા થશે. એટલે હું ઠબલાવવાની પ્રક્રિયાથી વાતની શરૂઆત કરીશ. એટલે વિપશ્યનાથી લઈને અનેક ધ્યાન એમણે શરુ કર્યા.
કુલુમનાલી ની અંદર 1970માં એમણે પહેલી વખત કોઈને દીક્ષા આપવાની શરૂઆત કરી. એ પ્રક્રિયાને નિયો સન્યાસ એવું નામ આપ્યું. રજનીશે જાહેર કર્યું કે, પરંપરાગત સંન્યાસ જે અત્યારના પ્રચલિત છે એનો હું આજથી વિરોધ જાહેર કરું છું. તેઓએ સમજાવ્યું છે ખુબ સુંદર રીતે કે, અત્યાર સુધીનો સંન્યાસ બધું છોડીને આવો એમ કહે છે. તમે ગીતાના છઠ્ઠા અધ્યાય ઉપરનાં ઓશોના વ્યાખ્યાન સાંભળો તો પહેલા જ શ્લોકમાં એમણે કહ્યું છે કે ” कृष्ण के पहले भारत का संन्यास भगेरु था. घर छोड़ के भागो, दुनिया छोड़ के भागो, जंगल में जाके ठहेरो में वो नहीं चाहता” એમનું કહેવાનું એવું હતું કે જ્યાં છો ત્યાં જ બરાબર છો. અને ત્યાં બરાબર છો એટલે જ્યાં છો ત્યાં તમે સંન્યાસ અનુભવો. કેવી રીતે? એની એમણે ટેક્નિક આપી.
1970 થી 1985 વચ્ચેના 15 વર્ષમાં એણે બહુ મોટા ફેરફારો કર્યા અને એવા ફેરફારો કર્યા કે જેની અસરો ખુબ રહી. એક સુંદર સવારે એમણે કહ્યું કે કાલથી બધા મારું રોબ પહેરજો અને મોટી 108 મણકાની એક માળા રાખજો, એમાં વચ્ચે લોકેટ રાખવાનું કે જેમાં ઓશોનો ફોટો હોય !! આવું કરવા પાછળના કારણો આપ્યા છે આ પુસ્તકમાં. એમણે કહ્યું કે એટલા બધા સંન્યાસીઓ વધી ગયા કે હું કોઈને ઓળખતો નોહ્તો કે આમાં મારો કોણ છે ? એટલે ઘણી વખત મને એમ થાય કે, હું દૂધ રેડું છું પણ બોઘેણામાં પડતું નથી ને નીચે જતું લાગે છે. તો મારે identify કેમ કરવા? એટલે મેં આ યુનિફોર્મ આપ્યો. મને ખબર પડે કે, આ બધા આપણા છે. પાછળના ભાગમાં એમણે સત્યવેદાંત સ્વામીનાં એક પુસ્તકમાં લખ્યું છે કે, ”આ બધા આપણા છે એ માનવું મારો ભ્રમ હતો એ મને પાંચ વર્ષમાં ખબર પડી. ખબર પડી તેથી મેં કહ્યું, હવે ભગવા જવા દ્યો” તો પોતાના જે જે નિર્ણયો છે એ રજનીશે લીધા છે બેધડક, ખોટા લાગે ત્યારે પાછા પણ ખેંચી લીધા છે, કશું જ કીધા વગર.
એક સરસ કામ એમણે કર્યું કે, સંન્યાસીઓને નવા નામ આપ્યા. પહેલા નામ આપતા હતા પણ એને હવે ટિપિકલ નામ આપ્યા. પુરુષ હોય તો એની આગળ “સ્વામી” લગાડવાનું, સ્ત્રી હોય તો એની પાછળ “મા” લગાડવાનું. અને એમની સ્પષ્ટતા એ હતી કે, મારા મતે પુરુષ છે એ ચેતનાનાં પંથે ચાલનારો છે. સ્ત્રી છે એ પ્રેમનાં પંથે ચાલનારી છે. ચેતનાનાં પંથે ચાલે એ આખા અસ્તિત્વને ચૈતન્ય આપી શકે એટલે કે એનો ‘સ્વામી’ થઈ શકે માટે ‘સ્વામી’ લગાડ્યું છે. અને પ્રેમનાં પંથે જે ચાલે એ અસ્તિત્વનું માતૃત્વ કરી શકે માટે એ ‘મા’ છે. આ કહેવાનું પણ કારણ હતું. એમણે કહ્યું કે, બધા પોતાના નામ લઈને આવ્યા હતા, એટલે પોતાના નામમાં જ જીવતા હતા. મારે એમનું નામ ખેરવી નાખવું હતું, અને મેં આપેલ નામ મને યાદ રહે એટલા માટે મેં બધાના જુના નામ ખેરવ્યા ને નવું નામ આપ્યું. આવી એક નાનકડી એવી તરકીબ પોતે કરી અને એનું બરાબર justification આપ્યું. એમણે એક સરસ વાત કરી, કોઈએ એમને પૂછ્યું હતું કે, તમે ધર્મનો વિરોધ કર્યો અને તમેય પાછા કપડાં તો આવા જ પહેરાવ્યા? રજનીશે કહ્યું કે, મને સમજાણું કે, લોકો કપડાં જલ્દી બદલી શકે છે, મન બદલતા વાર લાગે છે. પછી મેં બીજું નોંધ્યું કે, કપડાં બદલે પછી એની મન ઉપર અસર ય થાય છે તો મેં નક્કી કર્યું કે, આપણે શું વાંધો? પહેરાવો ને એવા કપડાં…એનાથી એનું મન મારી ભેગું ચાલતું હોય તો મારે તો એને આંગળી પકડીને લઈ જવાં છે. ધીમે-ધીમે કરતાં રજનીશ મુંબઈમાં સેટ થયા. પહેલા વુડલેન્ડ નામનાં બહુ મોટા આલીશાન એપાર્ટમેન્ટમાં રહ્યા. નાના-નાના જૂથના લોકો સાથે સંવાદ કરવા લાગ્યા, નજીકમાં સાગર કિનારો હતો એના તટે બેસીને સંવાદ કરે, બધા સંન્યાસીઓ છે એ સાગર ઉપર સૂતા હોય, ડૂબકીઓ મારતા હોય, પોતે પણ એકબાજુ બેઠા હોય.. આવું એણે શરુ કર્યું. અને 1972ના મે મહીનામાં એમણે પોતાની જાત ને ‘ભગવાન રજનીશ’ કહેવાનું શરુ કર્યું. ભગવાન રજનીશ એટલા માટે કે ત્યારે એમણે, “મને આત્મસાક્ષાત્કાર થયો છે” એવી જાહેરાત કરી. કોઈએ પૂછ્યું કે ક્યારે થયો ? તો કહે 20 વર્ષ પહેલા…તો હવે કેમ બોલ્યા? તો કહે, લોકો જિજ્ઞાસાથી આ વાતને ન સ્વીકારે પણ પુરી પુખ્તતાથી સ્વીકારે એની હું રાહ જોઈ રહ્યો હતો. હવે મને લાગે છે કે, મારા કેટલાક શિષ્યોમાં કેવળ જીજ્ઞાસા નથી, પુખ્તતા છે એટલે આ વાત હું કરી રહ્યો છું. એટલે બરાબર 20 વર્ષ પછી એણે આત્મસાક્ષાત્કારની જાહેરાત કરી. જો કે, એને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા હતા કે, ઓશો તમારામાં બદલાવ આવી ગયો છે, તમે પહેલા જેવા દેખાતા નથી, તમે બદલાઈ ગયા છો… ત્યારે એને વિચાર આવ્યો કે ‘હા, હું બદલાઈ ગયો છું, મને ખબર છે પણ તમે નોંધવા લાગ્યા છો તો હવે એને જાહેર કરવામાં મને કોઈ હરકત નથી.’
સક્રિય જ્ઞાનની સાથે સંગીત લાવ્યા, પોતે રોક લઇ આવ્યા, ઝાઝ પણ લઈ આવ્યા, સંગીત શૈલીઓ લઈ આવ્યા, બેસી-બેસીને ધ્યાનનાં મ્યુઝિકને કમ્પોઝ કરાવવા લાગ્યા, અને આત્મસાક્ષાત્કાર પછીના 21 વર્ષે પૂનાના કોરેગાંવ પાર્કમાં છ એકરમાં બે બંગલા ખરીદ્યા અને તેની લોનમાં બેસીને શરૂઆત કરી. ધીમે-ધીમે આખો આશ્રમ બનતો ગયો જે કોમ્યુન બન્યો. એમને એવું લાગ્યું કે, કોઈને હું એક કલાક આપું છું તો એ લોકો મને એક ચિત્તે નથી સાંભળતા. એટલે એમણે નક્કી કર્યું કે, એક મિનિટ માટે આપણે બેસીએ અને સંવાદ કરીએ. એમણે તારવ્યું કે એક મિનિટમાં જે પ્રશ્ન આવે છે ને એ નક્કર પ્રશ્ન આવે છે. એક કલાકમાં જે પ્રશ્ન આવે છે એ બધા વેગ આવે છે, એમાં કાંઈ જાણવાની વાત હોય છે, સમજવાની નથી હોતી. એટલે એમણે બહુ નાનું-નાનું ગ્રુપ કરવાનું શરુ કર્યું. એમની અંગ્રેજી ઉપરની પકડ સારી, અંગ્રેજી એટલું સારું નહિ, પણ પકડ ખુબ સારી અને એની શરૂઆત એમણે 1974થી કરી. એને નામ આપ્યું ‘ My way, the way of the white clouds’ -સફેદ વાદળ… આ નામની બહુ સરસ સમજૂતી આપી કે, સફેદ વાદળ એવું હોય છે કે, પવન જ્યાં લઈ જાય ત્યાં તે ચાલે. પવન સાથે સંચરણ કરે કારણ કે ખાલી છે. કાળું વાદળું ભરેલું છે, એ ઝડપથી પવનનું કીધું માનતું નથી. એટલે My way, white clouds… “તમે પણ ખરેખર વિરોધ કે સંઘર્ષ વગર જીવનમાં જે બની રહ્યું છે એને સ્વીકારવા લાગો તો તમે પણ એ સફેદ વાદળ છો”, એવું એ શ્રેણીનું અર્ક નીકળતું હતું. સતત એણે પ્રયાસ કર્યો કે આ વાતને હું સમજાવું અને અંગ્રેજીની અંદર આ જે આખી વાતની શ્રેણી હતી એણે આખા વિશ્વની અંદર ઓશોને બરાબર પ્રચલિત કર્યા.
1974માં નવો તબક્કો શરુ થયો, ઘણા સાધકો આવવા લાગ્યા, ધ્યાન મંડપમાં બેસતા હતાં એની જગ્યાએ એમણે પ્રયોગ શરુ કર્યો કે, ધ્યાન મંડપમાં ખુરશી હશે, હું નહિ હોઉં…એટલે એનો બુદ્ધ હોલ હોય એ આખો ભરેલો હોય, પણ વચ્ચે મંચ પર ખુરશી પડી હોય, પણ ઓશો ન હોય. આ પ્રયોગ માટેનો જવાબ એમનો એવો હતો કે, એક વખત હું નહિ જ હોઉં, એની ટેવ હું તમને અત્યારે પાડું છું. અને એમનું બહુ સુંદર એવું વાક્ય છે કે ‘ જે ઘટશે ત્યારે શું થશે એ તમે ત્યારે જ સ્વીકારી શકો કે જયારે તમે એની કોઈ પ્રેકટીશ કરેલી હોય. otherwise આપણને સદ્દમો પહોંચે છે‘. સાયં દર્શન શરુ કર્યા, ધીમે-ધીમે પાશ્ચાત્ય ચિકિત્સાના જૂથો શરુ કર્યા. પોતાને એવું લાગ્યું કે હું વ્યાખ્યાન આપું છું, ધ્યાન સમજાવું છું, પણ એના પછી follow up માટે કોઈ ગ્રુપ હોવું જોઈએ. એટલે એમણે ચિકિત્સા જૂથ ઉભા કર્યા. જે ચિકિત્સા જૂથની અંદર વિચિત્ર વાતો આવી. દાખલા તરીકે તમારે જીવન કેમ જીવવું, એના માટે એક જૂથને જઈને મળો; તમારે આપઘાત કરવો તો કેમ આપઘાત કરવો જોઈએ? દેહ નો નહિ મનની ગ્રંથિઓનો એના માટે બીજું જૂથ હોય; એમાં એણે એક વિષય રાખ્યો, સેક્સ સંબંધી પ્રશ્નો હોય તો પણ એક જૂથને મળી શકો છો… એ સમયે કોઈ એક વ્યક્તિએ કોમ્યુનમાં આવીને એની documentary બનાવી. અને એ documentary વિશ્વ આખામાં ફેલાણી. છેક ભારતથી લઈને અમેરિકા સુધી ફેલાયેલ આ ફિલ્મથી લોકોએ ભગવાન રજનીશ ઉપર ફિટકાર વરસાવ્યા.(ક્રમશ:)
