
”કિશોરાવસ્થાની મૂંઝવણ અને મારગ” પુસ્તક લઈને આવ્યા છે એક ગ્રામ પરિવેશના શિક્ષક.
અખિલ એમનું નામ.
ચાર વર્ષ એમણે હાઈસ્કૂલના તરુણોને ભણાવ્યા છે. અને 14 વર્ષથી વધુ સમય તેઓ પ્રાથમિક શાળામાં ગાળી ચુક્યા છે.
શ્રી સણોસરા પ્રાથમિક શાળા, સણોસરા, અમરેલીના એક સતત જીવંત શિક્ષક શ્રી અખિલ દવે.
આ અખિલ દવે શિક્ષકોને માટે રેડી-રેકનર જેવું એક પુસ્તક આપી રહ્યા છે.
પુસ્તકનું શીર્ષક ”કિશોરાવસ્થાની મૂંઝવણ અને મારગ” દર્શાવે છે કે, ભાઈ અખિલે પોતાના ધોરણ 6 થી 8 વચ્ચેના કિશોરાવસ્થામાં રહેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના કેટલાક પાયાના પ્રશ્નોને સ્પર્શ કર્યો છે.
આ પુસ્તક થોડું નોખું છે. કારણ કે આ પુસ્તક લેખક તરીકે અખિલ દવે લખી રહ્યા નથી, પરંતુ એક શિક્ષકે વર્ગખંડમાં તાદાત્મ્ય સાધીને ભણાવતા ભણાવતા જે અનુભવ થયો છે તેને અહીં ઉકેલરૂપે માર્ગ દેખાડીને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે.
સાચો શિક્ષક એ છે કે, જેને માણસ પણ ગમતા હોય છે.
સાચો શિક્ષક એ છે કે, એને ભણાવવું ગમતું હોય છે.
સાચો શિક્ષક એ પણ છે કે, માણસોને ભણાવતા ભણાવતા જે નાના-મોટા પ્રશ્નો શિક્ષક પોતે ફેસ કરી રહ્યા છે તેના અંગે તે મંથન કરે, આ પ્રશ્ન શા માટે ઉદ્ભવે છે તેનો વિચાર કરે અને પછી પોતાને તેના ક્યા ઉકેલો સૂજે છે તેની વાત પણ વિચારીને આપણી સમક્ષ મૂકે.
ખાસ આપણે શીખવાનું કે, શિક્ષક માત્ર પ્રશ્નો મેળવનારો નથી, પણ રોજબરોજની ઘટનાઓમાં પોતાની સમક્ષ જે પ્રશ્નો આવતા હોય અથવા જે વિદ્યાર્થીઓને જોઈને કે તેમના વર્તન વ્યવહારો અનુભવીને મૂંઝવણો પોતે અનુભવતા હોય તેના અંગે થોડું ચિંતન કરે. ચિંતન કરીને એમાં દોષપાત્ર તરીકે વિદ્યાર્થીને ન રાખે, પરંતુ મારા વર્ગખંડમાં આવો પ્રશ્ન કેમ ઉભો થયો? અથવા કોઈ એક વિદ્યાર્થી મારા શિક્ષણ કાર્ય દરમિયાન કેમ મુશ્કેલી અનુભવે છે? એને ક્યાં શું ખૂંટે છે? એને કોઈનું, ક્યાં, શું ખૂંચે છે?…તે જે વિચારે છે તે સાચો શિક્ષક છે.
…..અને એ નજરે અખિલ દવે આપણી સમક્ષ એક સર્વાંગ શિક્ષક થઈને ઉભરી આવ્યા છે. એમણે વર્ગખંડમાં જે પ્રશ્નો અનુભવ્યા તેની યાદી બનાવી, તે પ્રશ્નો થવા માટેના કારણો કયા હોઈ શકે તેનું મંથન કર્યું, અને પછી એ પ્રશ્નો અને તેના મંથનમાંથી આ પ્રશ્ન માટે આપણે શું કરી શકીએ? એક શિક્ષક તરીકે આપણે કેવી રીતે વિચારવું જોઈએ? એવો એક ઉપક્રમ પોતાના પ્રત્યેક લેખમાં તેમણે સર્જ્યો. પરિણામે……
કિશોરાવસ્થામાં અનુભવાતી મૂંઝવણો એક શિક્ષકની નજરે સમસ્યા તરીકે મળી, એક ચિંતકની નજરે આ સમસ્યાના કારણો મળ્યા, અને એક નિદાન કરનાર વ્યક્તિત્વ તરીકે એ મૂંઝવણમાં આપણે શું કરી શકીએ એવા ત્રણ ભાગમાં પ્રત્યેક લેખને તેમણે વહેંચ્યો છે. પુસ્તકના લેખોની એક ખૂબી એ છે કે, એ વર્ણનાત્મક નથી, પરંતુ તે વાતચીત કરતા હોય તેવા સ્વરૂપમાં લખેલ છે. દરેક લેખ કોઈ એક પાત્રનું નામ લઈને આવે છે. એનાથી એક ફાયદો એ છે કે, આપણને કોઈ વિદ્યાર્થી નથી દેખાતો, પણ આપણને કાં તો રેન્સી દેખાય છે, કાં તો તરંગ દેખાય છે અથવા તો આપણને કૃતિ સામે મળે છે, અને આપણે કૃતિ, તરંગ કે રેન્સીના મૂંઝવણના મુદ્દાઓ જાણે જાણતા હોઈએ એવો અહેસાસ આપણને થાય છે.
હું આ પુસ્તકને “શોધ યાત્રા” કહું છું, કારણ આ અવિરત ચાલતી યાત્રાનો આરંભ છે અને હજુ કોઈ અખિલ કે કોઈ નિખિલ દ્વારા આમ ખેડાણ થતું જ રહેશે.
અખિલ દવે આ એક નવા પ્રકારનું પુસ્તક લઈને આપણી સમક્ષ આવ્યા છે. એમ કહેવાય છે કે આપણે બાળકોની વૃદ્ધિની અવસ્થા અને તેમના વિકાસના તબક્કાઓને જો જાળવી લઈએ તો બાળકો આપણી વૃદ્ધાવસ્થાને પણ જાળવી લેશે. આ વાતને માત્ર જાળવી લેવાથી નહીં પણ કેટલો ઊંડાણથી વિચારી શકાય તે ખ્યાલ રાખીને અખિલે કુલ પચીસ લેખોમાં પોતાની વાત રજૂ કરી આપી છે.
આનંદ એ વાતનો છે કે પોતે શિક્ષક છે એટલે પોતે અનુભવ્યું છે. પોતે જાગૃત શિક્ષક છે એટલે અનુભવ્યુ તેના વિશે ચિંતન કર્યું છે. અને પોતે સમાજની સાથે જીવે છે, સમાજની સાથે અનુબંધ જાળવનાર બાબાપુર ગામની ‘શ્રી સર્વોદય સરસ્વતી મંદિર’ નામની સંસ્થામાં તેઓ મોટા થયા છે અને ત્યાં આજે પણ જોડાયેલા છે તેથી સમાજની સમક્ષ આનો ઉકેલ શું હોઈ શકે એવું એમણે દરેકે દરેક મૂંઝવણ માટે વિચાર્યું છે અને આપણને એક નાનકડું પણ અતિ મહત્વનું પુસ્તક પ્રાપ્ત થયું છે.
ગમવા જેવી વાત એ છે કે સમગ્ર પુસ્તકની અંદર ક્યાંય ફીલોસોફી અથવા તો જ્ઞાન છાંટવાની પ્રક્રિયા થઈ નથી. આજકાલના શિક્ષણના પુસ્તકોમાં મોટી તકલીફ એ છે કે, લખનારો તરત જ ચિંતક થઈ જાય છે અને જ્ઞાન ઉપાસના કરવા લાગે છે. અખિલના આ પુસ્તકમાં આ વાત ક્યાંય જોવા મળતી નથી એ આનંદનો વિષય છે. એમણે બહુ સાહજીકતાથી છેલ્લે કેટલાક પુસ્તકો પણ સૂચવ્યા છે કે, જો આપણે શિક્ષકોએ અને વાલીઓએ બાળ વિકાસ માટે કંઈ ચિંતા કરવી હોય તો કયા પુસ્તકો પહેલે હાથે વાંચવા જોઈએ. આવા ગાગરમાં સાગર સમાવી લેવાના અખિલ દવેના નાનકડા પ્રયાસને હું સમાજ સમક્ષ મુકતા ખૂબ આનંદ અનુભવું છું અને એક શિક્ષક તરીકે મને એ વાતનો આનંદ છે કે, આપણી પાસે એવા શિક્ષકો ક્યાંક ક્યાંક છે કે જે કેવળ અભ્યાસક્રમ અને મધ્યાહ્ન ભોજન વિષે જ ના વિચારે, પણ શિક્ષકોની સાચુકલી મૂંઝવણ વિશે વિચારે.
આજે જયારે શિક્ષણ વિપથગામી પ્રવાહની વચ્ચે ટકી રહેવા મથે છે ત્યારે અખિલ દવે જેવા “જીવથી શિક્ષક”ની અખિલાઈ પણ ટકી રહે તે જોવાની જવાબદારી આપણી છે.
