દરિયાપાર પહેલી કથા મેં અહીંયા નૈરોબીમાં કરેલી. અને આપને બીજી પણ એક ગોપનીય વાત કહી દઉં કે, મેં કથાના પૈસા લેવાનું બંધ કર્યું એ પણ નૈરોબીથી જ કર્યું. ત્યાંથી મને ઘણા પૈસા મળવાની તક હતી અને તેની મારે જરૂરતય પણ હતી. કાંઈ આપણી કાંઈ પેઢીઓમાં રૂપિયા નહોતા સાહેબ. પણ છતાંય દક્ષિણા આપે ત્યારે મોઢું થોડુંક મલાન થતું હતું. આંખ ભીની થઈ જતી હતી કે, નવ દિવસ પછી મારે આ લેવું પડે !! પણ લેવું પડતું પણ એનો સંકલ્પ જે ભૂમિ પર વધારે પૈસા મળવાના હતા એ જગ્યાએથી જ મેં જઈને લીધેલો.. મારો કાર્યક્રમ અસ્તિત્વએ નક્કી કરેલો હતો.
મને તો જન્મ્યો ત્યારથી મારું ટાઈમ ટેબલ કોઈકે નક્કી કરેલું છે સાહેબ કે, ક્યાં શું કરવું ને કેવો સંકલ્પ કરવો. આપણે કાઠીયાવાડી ભાષામાં લીંબડજસ જેવી જ વાતો કર્યા કરે. ઘણા માણસો એમ કહે કે, અમારા ગામમાં બાપુએ કથા કરીને પછી બાપુનું ઉપડી ગયું. મારું એરોપ્લેન રનવે ઉપર જ હતું, સિગ્નલ મળે એટલી જ વાર હતી સાહેબ. મારા ગુરુએ સિગ્નલ આપ્યું પછી આ પોથીના પ્રતાપે ક્યાં ક્યાં પહોંચ્યા સાહેબ અમે…?? આ કેવળ અને કેવળ પોથીનો પ્રતાપ. એનું સ્મરણ હું નિરંતર કરું. હું રાત્રે સૂવું ત્યારે મને યાદ આવે કે, આ ન હોત તો મોરારી બાપુ ક્યાં હોત સાહેબ ?? આ કોઈ પોતાની વાત કરવાની વાત નથી પણ પોતાના છો એટલે વાત કરવામાં શું વાંધો?? આશિષ મને કહેતો હતો કે બાપુ અઠવાડિયા પહેલા દુબઈની મારી ઓફિસમાં એક ભાઈ આવ્યા અને એણે સીધી રજૂઆત કરી કે, મોરારીબાપુ કથા કહેને એના 1 કરોડ રૂપિયા લે છે. આ છોકરાની રૂબરૂમાં એણે કીધું. એટલે આ છોકરાએ તો સાંભળ્યા જ કર્યું, સાંભળ્યા જ કર્યું, એટલે પછી આને ધીરે રહીને કહ્યું કે, પણ તમને આ માહિતી કોણે આપી કે મોરારી બાપુ કરોડ રૂપિયા લે છે?? એટલે એ બીજા વાતું કરે એના કરતા હું સત્ય કહી દઉં એટલે મારે મારી જીભે બોલવું પડે, નહીંતર આ કાંઈ કહેવાની વાતો નથી. મેં અહીંથી પૈસા છોડેલા. અહીંથી સારી રકમ મળવાની હતી, તો પણ છૂટ્યું એટલે છૂટ્યું… આ મારા જીવનના અનુભવ… આ નૈરોબી સાથે જોડાયેલી વસ્તુ છે. જેને દાંત દીધા છે તે ચાવવાનું પામ આપી રહેશે. એ તો આપવાનો જ છે,સાહેબ, એટલે તો લહેર કરીએ છીએ સાહેબ.. આનંદ આનંદ છે…તો આ કેન્યાની ભૂમિ એમાંય નૈરોબી આ મારા વિશેષ સંકલ્પની પણ એક ભૂમિ ગણાય. મારે કહેવું છે કે સાહેબ ભુખ્યાને ભોજન આપવું, એ કદાચ રામ રામ સતત નહિ રટે તો ચાલશે. તમે જે કાંઈ દાન કરશો, જે કાંઈ ભુખ્યાને આપશો એની પાછળ એ રામનામનું બળ હશે તો જ ફળશે, નહીંતર તમને આપ્યાનો અહંકાર આવી જશે. એનાથી બચવા માટે હરિનામ બહુ જરૂરી છે.પણ કદાચ કોઈ ન લઈ શકે તો પણ દો, ભુખ્યાને ભાખરી પ્રભુને દેજો…