કુલપતિ ‘હોવું’ અને કુલપતિ ‘બનવું’

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

 

કુલપતિ હોવુંઅલગ વાત છે, કુલપતિ બનવુંસદંતર નોખી વાત છે…

‘કુલપતિ’ શબ્દ એવો છે કે તેના શબ્દાર્થ કરતાં તેના ભાવાર્થનું અદકેરું મહત્વ છે, અને એ દ્રષ્ટિએ જોઈએ તો કુલપતિ વિશ્વવિદ્યાપીઠના ભાવજગતના વડા છે ! કુલપતિ હોવું એ હકીકતમાં to be અને to have વચ્ચેની કશ્મકશ છે. કુલપતિ ‘હોવું’ અલગ વાત છે, ને કુલપતિ ‘બનવું’ સદંતર નોખી વાત છે.  કુલપતિનું પદ હાથીની અંબાડીએ બેસવા જેવું. ત્યાં બેસી તો જવાય. સ્થાન પણ માભા અને મોભાનું; પરંતુ ત્યાં બેસીને હાથીની ચાલે પ્રગતિ કરી શકાય; વળી નીચે તો ત્યારે જ ઊતરી શકાય કે જયારે હાથી નીચે બેસે !  સીધી ઉત્પાદકતા (Direct Productivity) કંઈ નહીં; ફૂટપટ્ટી લઈને માપી શકાય તેવું કોઈ કામ નહીં, છતાં સમાજના ઉદ્ધારની જવાબદારીનું પોટલું માથે ને માથે…

વહીવટની પોથીઓમાં ‘શું કરવું’ તે લખ્યું હોય છે, પરંતુ તે ‘કેમ કરવું’ તે લખ્યું હોતું નથી. આ વણલખેલી વાતને વાંચી જનાર ‘to have’ માંથી ‘to be’ તરફ પ્રયાણ કરી શકે છે. વહીવટ શબ્દ જ વિચિત્ર છે. કુલસચિવ વહીવટ કરે એમાં વહી ઓછી ને વટ ઝાઝો હોય એમ બને, પણવહી ભરચક્ક ને વટ આપણા સૌનોકરી જાણે તે કુલપતિ. વિશ્વકવિ ઉમાશંકર જોષી ગુજરાતના એકમાત્ર એવા કેળવણીવિદ્દ હતા કે જે ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનના કુલપતિપદે બિરાજમાન હતા. તેઓ કહેતા : જયારે બધા જ મકાનો ને ભવનો પડીને પાધર થઈ જાય પછી જે બચે તે યુનિવર્સીટી‘  કુલપતિ તે જે હળેમળે અનેકને, સાંભળે સૌને, અમલમાં મૂકે શ્રેષ્ઠને, સ્વીકારે શ્રેષ્ઠત્વને, કામ સોંપે પ્રતિબધ્ધને, શાબાશી આપે સક્ષમને, ધ્રુજાવે અલિપ્તને, સાચવી લે ફેન્સ – સીટરને અને ડામી દે અકર્તાભાવકોને ! એમનાથી પદ શોભે, પદથી પોતે નહીં. જે છોડાવી તો શકે જ, પરંતુ પોતે સ્વયં છોડી દઈ શકે. હા, કોઈક વળી હિમ્મત કરીને કૂદકો મારીને હાથીની અંબાડીને ‘ બાય બાય’  કહી દે એવું બને. કુલપતિપદેથી ખસી જવાના ગૌરવપ્રદ કિસ્સાઓ ઘણા છે. પદની ચાહત છોડી શકે છે તે જ લોકોની ચાહના મેળવી શકે છે. એમનું ભણતર એમના આત્માની ઉંચાઈ છે.  સંસ્કૃતિની ઉપનિષદ કે જ્યાં વૃક્ષની ઘટાઓ હોય, એક ઊંચો ઓટલો હોય અને દિવસ રાત ત્યાં વિદ્યાવ્યાસંગ ચાલતો હોય તો વિશ્વવિદ્યાપીઠનો આત્મા એ તેનો કુલપતિ ! અહીં લક્ષ્મી ન હોય, તો ય નારાયણ તો હોય જ…!

કુલપતિનું પદ ખરેખર તો  ગૌરવશાળી પદ છે. પ્રોફેસર તરીકે excellent knowledge મેળવી લીધા બાદ એ knowledge ને અમલમાં મૂકી શ્રેષ્ટત્વ પ્રાપ્ત કરી શકે તેવા સક્ષમ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની કુલપતિ તરીકે  નિમણૂંક કરવામાં  આવતી  હતી….પણ સત્તામાં ચૂંટાઈને આવતા પક્ષોએ ખુદ એમના દ્વારા નિમાયેલ regulatory authority નાં ધોરણોને નેવે મૂકીને ‘સારા’ને બદલે ‘મારા’ વ્યક્તિઓને કુલપતિ બનાવી દેવાની ભૂંડી રમત શરુ કરી ત્યારથી ગુજરાતની રાજ્યાશ્રિત યુનિવર્સિટીઓની હાલત પ્રાથમિક શાળાઓ જેવી થઇ ગઈ છે, તેના આપણે સૌ સાક્ષી છીએ.  હાઈકોર્ટ ખખડાવીને કહે કે, ‘આ ખોટું છે’ તો પણ તેને ન ગણકારવાનો અવિવેક આજકાલ બહાદુરી ગણાવા લાગેલ છે. સરકાર અંગે ફરિયાદ કરવા જેવું નથી કારણ કે ગાંધી સ્થાપિત ભવ્ય સંસ્થામાં પણ ‘મારી વ્યક્તિ કુલપતિ બને’ તે માટે દાવપેચ ખેલાયા  અને ફલત: જે થયું તે આપણી  સમક્ષ છે. ધીરે ધીરે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં ટોચનાં સ્થાનો ઉપર પોતે જ સીધા પેરેશૂટથી જ મુખિયાઓ ઉતારવાનું નક્કી કરી રહી છે. તાજેતરમાં જાહેર થયું છે કે ડીમ્ડ યુનિવર્સિટીઓ કે જે 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવે છે ત્યાં કુલાધિપતિ અને કુલપતિ બંને દિલ્હીથી જ નિમાશે. ગાંધી સંસ્થા ભલે કહેવાતા ગાંધીજનોનાં હાથમાં ના રહી પણ એ ગાંધી સંસ્થા ઉચ્ચ  શિક્ષણમાં ધરમૂળથી બદલાવ લાવવાનું નિમિત્ત  જરૂર બની, એટલો સંતોષ લઇ શકાય. જો કે હવે તો  પ્રાઈવેટ  યુનિવર્સિટીઓ વધી રહી છે. છેલ્લા આંકડાઓ પ્રમાણે ગુજરાત કુલ 58 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સાથે ભારતમાં નંબર વન છે.!! હવે એમાં તો કુલપતિનું શું થતું હશે તે તો ભગવાન જાણે !! એક બાબત તો નક્કી કે ઉચ્ચ શિક્ષણમાં હવે વિદ્યાર્થી કોઈનું કેન્દ્રસ્થાન નથી, ક્યાંક પૈસા તો ક્યાંક સત્તા તો ક્યાંક વળી કહેવાતાં મૂલ્યોના વાઘાઓ કેન્દ્રમાં છે. જે પગાર આપે છે તેને આધિપત્ય ભોગવવું છે, પછી તે સરકાર હોય કે સંસ્થા હોય. પગાર દેનારો કુલપતિને તો પગારદાર જ ગણે છે એટલે તેને ‘કહ્યાગરા કંથ’ ની અપેક્ષા હોય છે.