ઉદ્ભવ ગુરુ, ઉછેર ગુરુ, ઉદય ગુરુ અને ઉમંગ ગુરુ

ઉદ્ભવ ગુરુ, ઉછેર ગુરુ, ઉદય ગુરુ અને ઉમંગ ગુરુ

આપણે જ આપણા ગુરુ છીએ. ગીતાજી કહે છે કે : મારું  શર, મારું  કુટુમ્બ અને સમગ્ર  અસ્તિત્વ મારા ગુરુઓ છે. 

આપણે આપણી જાતને એક સાદો પ્રશ્ન પૂછીએ કે આપણો જન્મ શા માટે થયો છે ?

શું ખાલી પીલી જીવવા માટે  ઈશ્વરે મોકલ્યા એટલે અહીં આવ્યા અને ઈશ્વર બોલાવશે એટલે પાછા ચાલ્યા જશો એટલું જ શું ? જીવવા માટે, ખાવા માટે, રળવા માટે, કુટુંબ માટે, પરણવા માટે,  whatsapp પર ચેટ કરવા માટે ??  કઈ બાબત માટે આપણો જન્મ થયો છે ?? આ પ્રશ્નાર્થ છે જેનો આપણને સીધો જવાબ મળતો નથી. સીધો જવાબ જોઈતો હોય તો એવું કહી શકાય કે, આપણે સૌ જન્મીએ  છીએ એટલે જીવીશું એટલે રોજબરોજની પ્રક્રિયામાંથી પસાર થઈશું, ઊંઘી જઈશું, સવારે ઉઠી જઈશું,  બ્રશ કરીશું , નાસ્તો કરીશું,  ભણવા જઈશું અથવા વાંચવા બેસીશું અથવા કોમ્પ્યુટર સામે બેસીશું અથવા 24 કલાક મોબાઈલ ઉપર બેઠા રહીશું !! અને બપોર પછીનો સમય ફરી એકવાર આખો દિવસ ઢળતો  હોય ત્યારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈશું. આટલું બધું કરવા માટે જ શું  આપણે જન્મ  લીધો છે ? આપણા જન્મનો ઉદ્દેશ ગણો તો ખરેખર આટલો જ છે કે આપણે આનંદ અને મોજ કરવા માટે જ જન્મ લીધો છે. આપણે ભણ્યા, આપણે નોકરીએ લાગ્યા, આપણે પરણ્યા, આપણે સંતાનો થયા, આપણા સંતાનો મોટા થયા, એ સંતાનોને પરણાવ્યા, આ બધી પ્રક્રિયા એ આપણા જીવનનો એક ભાગ છે અને એ એક ભાગ એટલે જીવનને આનંદપૂર્વક વિતાવવા માટેની આ બધી કસરતો, બીજું કશું જ નહીં ,  આટલું જાણી લઈએ તો ખાતરી થાય કે હકીકતમાં જીવનનો ઉદ્દેશ જીવવું છે. 

વિચારવા જેવો  મુદ્દો એ છે કે, મિત્રો,  આપણે લોકો જન્મ લઈએ છીએ પછી આપણને કોઈકે  ઉછેરવું પડે છે.  ગાયનું વાછરડું  જન્મે તો એ થોડીવારમાં ચાર પગ ઉપર ઉભું થઈ જાય ને ચાલવા લાગે,  પોતાની માતાને ચાટવા લાગે,  થોડોક  સરખો ચારો ખાવા લાગે છે ! પક્ષીનું કોઈ બચ્ચું હોય એ માળામાંથી નીકળે એક ડાળેથી બીજી ડાળે,  બીજી ડાળેથી ત્રીજી ડાળે એમ  ધીમે ધીમે આગળ વધતું જાય અને પછી એક દિવસ અનેક પક્ષીઓની જેમ આકાશમાં ઉડવા લાગે !!  માણસના કિસ્સામાં આવું બનતું નથી.  માણસની આજુબાજુ કશુંક  જોઈએ છીએ.  આપણે જન્મ લઈએ કે તરત જ આપણને ઈશ્વરે ચાલતા નથી કર્યા,  કારણ કે આપણને જન્મ આપવો એ આપણા માતા-પિતાના જીવનનું એક બહુ મોટું સપનું  હતું.  એમાં એમનો ઉત્સાહ  હતો. એમની સાંવેગિકતા  જોડાયેલી હતી. એમની આશા હતી,  અરમાન હતા કે,  અમારા ઘરમાં એક બાળક અવતરશે તેની સાથે અમે એના જેવડા થઈ જઈશું. અને  ફરીવાર અમને અમારું બાળપણ મળશે અને શક્ય છે કે અમારા બાળક દ્વારા  અમારા જેવા જ  એક માતા અથવા એક પિતાનું સર્જન થશે અને સૃષ્ટિનો ક્રમ જાળવવામાં અમારું પણ યોગદાન અમે આપી શકીશું… બસ, આ પ્રકૃતિમાંથી સર્જાયને અમારું સર્જન પણ ફરી એક સર્જન પ્રકૃતિને પરત કરશે અને પ્રકૃતિ ચક્ર ચાલતું  રહેશે.  આ જ તો જીવનનો ઉદેશ્ય છે અને એમાં જ તો આનંદ છે.  

આપણે આજે વાત કરવી છે ગુરુપૂર્ણિમાની. આ ગુરુ શબ્દ આપણે નાના હતા ત્યારે પહેલીવાર આપણા કાનમાં પડ્યો, સાત વારના એક અઠવાડિયામાં ગુરુવારથી, ‘આજે ગુરુવાર છે’, એમ જ્યારે કોઈએ કહ્યું ત્યારે આપણે અઠવાડિયાનો એક દિવસ અને એનું કોઈકે પાડેલું નામ એટલે ગુરુવાર, એવું જાણ્યું પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આપણને સમજાતું ગયું કે ગુરુવાર સપ્તાહનો એક દિવસ ખરો, પણ એમાં વપરાયેલો શબ્દ ગુરુ ઘણો મોટો અર્થ ધરાવે છે અને એનું ઘણું બધું મહત્વ છે.  એ આપણો પથદર્શક બની શકે એટલો શક્તિશાળી શબ્દ છે. આપણે શેરીમાં હતા, રમત રમતા હતા, એકબીજા મિત્રો સાથે ધીંગા મસ્તી કરતા હતા, ત્યાં સુધી આપણને આ ગુરુ એ શબ્દથી કૈંક વધુ છે એવું સમજાયું, પણ જેવા આપણે ભણવા માટે બેઠા અને સ્કૂલમાં ગુરુપૂર્ણિમાના ઉત્સવની વાત આવી અને એમાં સરસ્વતી માતાની છબી મૂકીને એમને આપણા ‘ગુરુ’ કહેવામાં આવ્યા ત્યારે આ ‘ગુરુ’ શબ્દ આપણને જરા વિશિષ્ટ લાગ્યો !

આમ જોઈએ તો જીવનના ચાર તબક્કાઓ છે અથવા તો એમ કહીએ કે, આપણે જીવનમાં ચાર વખત જન્મ લઈએ છીએ. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ ચાર જન્મ ના આપણા ચાર ગુરુઓ હોઈ શકે. આમ તો ગુરુ શબ્દનો શાબ્દિક અર્થ બહુ સીધોને  સાદો છે,  ગુ એટલે અંધારું અને રૂ એટલે દૂર કરે તે.. આપણા જીવનના કોઈપણ તબક્કે જ્યારે આપણે અંધારામાં ફસાઈ જઈએ ત્યારે, આપણને ત્યાંથી આંગળી પકડીને પ્રકાશ તરફ લઈ જાય તે આપણો ગુરુ છે. સીધી સાદી વાત તો આટલી જ, પરંતુ પ્રશ્ન એ થાય કે જે બાળક ધીમે ધીમે વિકાસના અનેક તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યું હોય એમાં વળી એને અંધારું ક્યાં આવે ?? અને અંધારું આવે તો પ્રકાશ તરફ જવાની વાત આવે તેવી તેની સમાજ ક્યાં હોય ? આપણા ચાર જન્મમાંથી સૌથી પહેલો જન્મ એ ભરચક અંધારી કોટડી માંથી આપણે બહાર આવીએ એ પહેલા નો જન્મ છે. આપણે આપણી માતાના ગર્ભાશયની અંદર લગભગ લગભગ નવ  મહિના કાળ કોટડી  જેટલા અંધારામાં પડ્યા હોઈએ છીએ અને આપણી માના પોષણ દ્વારા આપણે ધીમે ધીમે મોટા થઈએ છીએ. એક નાનકડું ફલિત અંડ હતું અને તે વિકસતું વિકસતું  અઢી ત્રણ કિલોનું બાળક થઈ ગયું, જેને અંગ છે,  ઉપાંગો છે,  જેના શરીરની અંદર તંત્રો છે,  કોષો છે પેશીઓ છે,  એવું બાળક જે નવ મહિના માતાના ગર્ભમાં ગાળે છે એ જન્મને આપણે કોષીય જન્મ અથવા તો સેલ્યુલર બર્થ કહીએ છીએ. પરંતુ આ કાળકોટડી  કાયમની નથી રહેતી અને આપણને સમય થાય ત્યારે કોઈ બહારની  આ દુનિયાના  જીવન સાથે પરિચય કરાવે છે.  આ પ્રક્રિયાની અંદર આપણે ગર્ભમાં આવ્યા એ માટે આપણા માતા-પિતા આપણા પહેલા ગુરુ છે.  એમણે  ધાર્યું,  એમણે  મનમાં  એક સુંદર સર્જન માટે વિચાર્યું ત્યારે આપણે ગર્ભમાં જઈને સ્થિત થયા. આમ જીવનના પ્રથમ  ગુરુ ગણીએ તો આપણા માતા-પિતા છે.  ઉદાહરણ તરીકે આપણો કોષીય  જન્મ પૂરો થયો. અંદર થવો જોઈએ તેટલો વિકાસ થયો અને આપણે હવે ભૌતિક જન્મ લેવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને આપણી માતા બહુ મોટી પીડા ભોગવીને  પણ બહાર લઈ આવે છે અને એ સમયે ત્યાં આપણી સામે બે હાથ પહોળા કરીને સ્વાગત કરવા તત્પર બે સ્ત્રીઓ હાજર હોય છે. હકીકતમાં એ બે સ્ત્રીઓ આપણા ધરતી પરના અવતરણના પહેલા સાક્ષીઓ છે. એમણે  આપણને પ્રકાશમાં પહેલો શ્વાસ લેતા કાર્ય છે. આપણને ખબર નથી કે એ કોણ હતાં ? આપણે એને જીવનમાં ક્યારેય યાદ કરતા નથી,  સંભારતા નથી. મારી માતા એકલપંડે   મને જન્મ ના આપી શકી હોત !!  મારી માતાના અરમાનો ફળીભૂત  થયા છે એને પરિણામે મારી માતાની  આંખમાં એક તેજ પુંજ જોવા મળે છે.  મને જોવા માટે તત્પર એવા મારા પિતાશ્રી  બહુ મોટા અરમાનો સાથે મારું સ્વાગત કરે છે અને હવે મારો સાંવેગિક જન્મ  શરૂ થાય છે. અનેક પ્રકારના લોકો દ્વારા ટેકો મળે છે અને ઘોડિયામાં સૂતો હોઉં તો મારી ઘોડિયાની ઝોળીને નાની બેન અથવા તો આજુબાજુની કોઈ દીકરી અથવા તો મારા પપ્પા પણ હિંચોળે છે, આ સૌ મારા ગુરુ છે, કારણ તેઓ મને કશુંક શીખવી રહ્યા છે.   મને ધીમે ધીમે એવા લોકો મળતા જાય છે કે જે મને ઉછેરવામાં મદદ કરે  છે તે લોકો પણ મારા થોડા ઘણા અંશે ગુરુ છે.  હું રીખવા લાગું  છું, ધીમે ધીમે દોડવા લાગું  છું, ઘરમાંથી નીકળીને શેરીમાં જાઉં છું, શેરીમાં મિત્રોની વચ્ચે ભળી જાઉં છું અને  જઈને સૌ સાથે રમું છું,  આ દરેક વખતે કોઈ મારી  બાજુમાં હોય જ છે. કોઈ મને ધક્કો મારી જાય તો મને એ શીખવા મળે છે કે,  આપણને કોઈએ પછાડી દીધા હોય ત્યારે કોઈ બે ત્રણ જણા આપણને  ઊભા કરવા પણ હાજર હોય છે આ સાંકેતિક ભાષા જેણે મને સમજાવી અને એક સંવેગ  મારા મનમાં  ઉમેર્યો ,  એ હકીકતની અંદર મારો ગુરુ છે.

સાંવેગિક  જન્મમાં મારા સંવેગો અને મારી લાગણી ધીમે ધીમે ઘડાતી  જાય છે આ સમય દરમિયાન કેટકેટલા લોકોને  હું મળું છું  અને મારી વાત એમને કહું છું, એમની વાત સાંભળું છું આ બધા લોકો મારામાં કશુંક મને ખ્યાલ ન આવે તેમ ઉમેરતા જાય છે. મારી કેટલીક શંકાઓને દૂર કરતા જાય છે.  મને જગત અને જીવ હવે સમજાવવા લાગે છે. મારાં  આ દરેક પગલાં પર જે જે લોકોએ, ઘટનાએ કે પરિસ્થિતિએ મને સાથ આપ્યો તે  દરેકને મારે ગુરુ ગણવા જોઈએ.

મારો  એક સીધો અને સાદો મુદ્દો  છે કે,  આજે હું તમારી સાથે એક વિષય ઉપર વાત કરી શકવાને સમર્થ બન્યો છું,  એમાં હું એકલો જવાબદાર નથી.  મારા ભૌતિક જન્મથી લઈને આજે આપની સાથે વાત કરી રહ્યો છું તે સામાજિક જન્મ સુધી મને ગણ્યા ગણાય નહીં એટલા મારા કુટુંબીઓએ,  મારા શિક્ષકોએ,  મારા મિત્રોએ, મારા વિરોધીઓએ,  મને ઓળખનાર અને મને ન ઓળખનાર ઘણા બધા લોકોએ ટેકો કર્યો છે ત્યારે હું આજે અહીં ઉભો છું. આ બધા મારા ગુરુઓ છે. અને એ ગુરુઓને પ્રણામ કરવા માટે આજે ગુરુપૂર્ણિમા ઉત્સવ છે.  આપને કદાચ એમ થશે કે આટલા બધા ગુરુ હોઈ શકે ?? ના, હકીકતમાં આપણે એને ગુરુ ગણતા નથી,  પણ ગણવાં  જોઈએ એવું  મનમાં બરાબર બેસે એટલા માટે મેં  આટલી લાંબી વાત કરી છે.   મારે જે જ્યારે કરવું જોઈએ ત્યારે તે કરવા માટે જેણે મને ટચલી આંગળીનો ટેકો દીધો હોય તે મારો ગુરુ છે, આવી મારી માન્યતા છે.  એમ કહેવાય છે કે,  ‘ચપટી ધૂળ જો આપણને મદદમાં આવી હોય તો આપણે તેનો આદર કરવો જોઈએ અને ક્યારેય પણ તેને વિસરવું ન જોઈએ’, કારણ કે એ ધૂળ  આપણને ફરી ક્યારેય ધૂળમાં મેળવી દે અથવા તો શિખર પર ચડાવી દે એ નક્કી નથી.  અસ્તિત્વની આખી યોજના એવી છે કે, આજે જે મળે છે એ કદાચ કાલે  નહીં મળે અને શક્યતા એવી છે કે,  જે નહીં મળે એવું ધારેલ હોય એ વ્યક્તિ સાથે તમારે આખું જીવન વિતાવવાનો વારો આવે. એકપણ વ્યક્તિને ભૂલી જવી એ  ખોટનો ધંધો છે. આપણી સમક્ષ ગુરુ દત્તાત્રેયનું ઉદાહરણ છે, જેણે  ચોવીસ  ગુરુઓ કરેલા! આપણને આજે આશ્ચર્ય થાય કે ચોવીસ ચોવીસ ગુરુ ??  આપણને ગુરુ દતાત્રયજી એ શીખવ્યું છે કે,  શિક્ષાગુરુ અનેક  હોઈ શકે.

હું જરા જુદી રીતે આખા વર્ગીકરણને મૂકવા માગું છું:

આપણને આ પૃથ્વી ઉપર જન્મ આપનાર આપણા માતા-પિતાને અને અજ્ઞાત એવી અનેક વ્યક્તિઓને કે જેમણે આપણને ભૌતિક જન્મ સુધી સાથ આપ્યો છે તે સૌને આપણે   ‘ઉદ્ભવ ગુરુ કહીએ. આપણા  ભૌતિક જન્મ દરમ્યાન જેણે  આપણને અનેક રીતે ટચલી આંગળીનો ટેકો કર્યો છે અને આપણને તારૂણ્ય  સુધી ચાલતા કર્યા છે તેને આપણે ‘ઉછેર ગુરુ કહીએ.  જીવનના પ્રશ્નને સમજી તેમાંથી માર્ગ શોધતા જેમને આપણને કોઈએ શીખવ્યું.  આપણી લાગણી, આપણી ઊર્મિઓ,  આપણા ગમા અને અણગમા  વગેરે ઘડવામાં જેણે આપણને સાચો માર્ગ દેખાડયો  છે તેને આપણે ‘ઉદય  ગુરુ કહીએ. આપણને ભણાવી ગણાવીને સમાજમાં અથવા તો જીવનમાં કુટુંબના એક અગ્રણી તરીકે જેણે  સ્થાન આપ્યું છે એ પ્રત્યેકને આપણે આપણા ‘ઉમંગ ગુરુ ગણી શકીએ.

ઉદ્ભવ ગુરુ મને જન્મ આપે છે, ઉછેર ગુરુ મને પગ પર ઉભો થતા શીખવે છે,

ઉદય ગુરુ મારા જીવનના ઉદય માટે પરિશ્રમ કરે છે અને ઉમંગ ગુરુ મને સદાકાળ માનવ બની રહેવાનો ઉત્સાહ ભરી આપે છે.

શ્રીમદ ભગવત ગીતામાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે, આપણે જન્મ લઈએ ત્યારે આપણી સાથે ત્રણ પ્રકારની સંસ્થાઓ જોડાયેલી હોય છે અને આ ત્રણ પ્રકારની સંસ્થાઓ માટે આપણે જીવીએ તેવી ભગવાન શ્રીકૃષ્ણની અપેક્ષા છે. પહેલી સંસ્થા એ શરીર છે. શરીરમાં વસેલા હાડકાઓ, સ્નાયુઓ, અંગ ઉપાંગો દરેકનું સંવર્ધન કરવું અને સુરક્ષા કરવી એ પહેલી આપણી ફરજ છે. બીજી સંસ્થા તરીકે શ્રીમદ્ ભગવત ગીતા આપણને કુટુંબની વાત કરે છે. અહીં કુટુંબ એટલે માત્ર મારું કુટુંબ નથી,  પણ હું જેની જેની સાથે સંપર્કમાં આવું છું,  મારા પાડોશી,  મારા શેરીના મિત્રો,  હું સ્કૂલે જાઉં ત્યારે મારા સ્કૂલના મિત્રો,  સ્કૂલના શિક્ષકો… આ બધું કુટુંબ છે.  કુટુંબ એટલે વસુધૈવ કુટુમ્બકમ એ સંકલ્પનાનું કુટુંબ છે.  હું જેની સાથે શ્વસી રહ્યો છું તે પ્રત્યેક જીવ મારા કુટુંબનો સભ્ય છે આ કુટુંબના સભ્યોને સાચવી રાખવા,   સંવર્ધિત કરવા  અને તેની સુરક્ષા કરવી એ મારી બીજી ફરજ છે. શ્રીમદ  ગીતા ત્રીજી સંસ્થા તરીકે સમગ્ર અસ્તિત્વને આપણી સાથે જોડી દે છે અને એવું કહે છે કે,  જે અસ્તિત્વએ  તમને ઘડયા  છે,  તમને મોટા કર્યા છે,  એ પંચમહાભૂતમાંથી તમે  ઘડાયા છો,  એ તમારી ત્રીજી સંસ્થા છે,  એને કોઈ પણ સંજોગોમાં નુકસાન ન થાય એ આપણી ફરજ છે. એને સાચવી રાખીને એને સંવર્ધિત  કરવાનું અને એમાંથી  આપણે જેટલું લીધું છે એના કરતાં અનેક ગણું પાછું આપવાનું કામ એ આપણી  ત્રીજી સંસ્થા માટેનો ધર્મ છે.  ભગવાન શ્રીકૃષ્ણના કહ્યા  પ્રમાણે આપણે માનીએ તો,  આપણા ગુરુઓ ત્રણ પ્રકારના બની શકે.   મને ખબર છે કે મારાથી શું ખવાય,  શું ખાવાથી શું થાય, ન ખાવાથી  તો શું થાય,  કેટલું ચાલવું જોઈએ,  કેટલું સૂવું  જોઈએ ??  મારા શરીરની પૂરેપૂરી ઓળખ કેવળ  મને  છે એટલે મારું શરીર મારું ગુરુ છે. મારું કુટુંબના  માતા પિતા કે મારો મિત્રો કે સંબંધીઓ માંથી કોઈ નાદુરસ્ત થશે તો મને અસર થશે  અથવા તો હું નાદુરસ્ત હોઈશ તો આ બધા મળી કાળજી  લેશે એટલે આ કુટુંબ પ્રત્યે મારે મારો સદભાવ જાળવી રાખવો જોઈએ.  સદા એના માટે મારે મિત્રતાના ભાવથી તત્પર થવું જોઈએ.  મારે મારી ફરજ  વડીલો પ્રત્યે અદા કરવી જોઈએ, એ મારું  કુટુંબ મારો  ગુરુ છે.  અને અસ્તિત્વની અંદર જે પંચ મહાભૂત છે એ ના હોય તો આપણે જીવી શકીએ ખરા ?? વિચાર કરો કે કાલ સવારથી ચાર પાંચ છ દિવસ સુધી સૂર્યદેવ દર્શન ના આપે તો આપણી શી હાલત થાય ? ધરતી પર અતિશય પાણી વરસવા લાગે અને અનરાધાર વરસાદ મહિનાઓ સુધી ચાલતો રહે તો આપણી  શી  સ્થિતિ થાય ?  એ જ રીતે પવન થંભી  જાય તો આપણે શ્વાસ કેવી રીતે લઈએ ? વૃક્ષો છે એ ઓક્સિજન બહાર કાઢવાનું ભૂલી જાય તો આપણે જીવતા  કેમ રહી શકીએ ? અસ્તિત્વના આ બધા ઘટકો સુપેરે કામ કરે છે એટલે આપણું  જીવન ટકેલું છે,  આમ અસ્તિત્વ આપણું સર્વોચ્ચ ગુરુ છે એવું આપણે માનવું જ પડે.

અનેક મહાપુરુષો ગુરુના જુદા જુદા પ્રકારો અને ગુરુ મહિમાને પ્રગટ કરવાની અનેક રીતો આપણી સમક્ષ રજુ કરતા હોય છે.  પણ આપણે નાના માણસો  છીએ એટલે બહુ ઊંડાણમાં જઈને આપણે ગહન રીતે વાતો નથી કરવી.  પૂજ્ય શ્રી મોરારીબાપુ કહે છે કે,  ગુરુના બે પ્રકાર છે :  એક  પૂર્ણ ગુરુ છે, અને  એક શૂન્ય ગુરુ છે.  આપણે જે વાત કરી તેમાં જે તબક્કે જેણે આપણને સાથ આપ્યો તે સ્વયં  પૂર્ણ ન હોત તો આપણે સફળ ન થયા હોત. જે કોઈ આપણને મળ્યા અને આપણને માર્ગ ચીંધી ગયા  તે પૂર્ણ હતા.. પણ એવું જરૂરી નથી કે દરેક ગુરુ પૂર્ણતાથી તમારી સાથે રહે.   કેટલાક એવા વ્યક્તિત્વ છે કે,  મારી તમારી નજર સામે નથી, કદાચ  આજે જીવંત પણ નથી છતાં એ આપણને માર્ગદર્શન કરી રહ્યા છે.  લોક ભારતી ની જ વાત કરીએ તો,  નાના દાદા, દર્શક દાદા, બુચ દાદા  અને મૂળશંકર દાદા ને આપણે ક્યાં કોઈએ જોયા છે ?? છતાં આપણને અને આપણી સંસ્થાને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે.  મોરારીબાપુ તો એમ કહે છે કે,  શક્ય બને ત્યાં સુધી વધુને વધુ શૂન્યતા તરફ જાવ,  મૌન તરફ જાવ,  કદાચ એવું બને કે મૌનમાં તમને આજે જ સામે નથી તે બધા જ ગુરુઓ સામે આવીને ઉભા  રહે.  એ સૌ એ સમયનું  કામ કરીને પછી આપણાથી વિમુક્ત થઈ જાય છે અને  આપણને કદાચ આખા જીવનમાં ક્યારેય  ફરી મળતા પણ નથી, એમણે  આપણને જે શીખવવું હતું એ શીખવીને પોતાના માર્ગ ઉપર આગળ ચાલતા  રહ્યા.  એટલે આપણા જીવનમાં એનો કોઈ ભાર નથી.

ગુરુ અને સદગુરુ – આ બે શબ્દો વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. આવા અનેક ઉદાહરણો આપણને શાસ્ત્રોમાંથી, વિશિષ્ટ બુદ્ધ પુરુષોના જીવનમાંથી જોવા મળ્યા છે. એ ઉદાહરણની મદદથી આપણે આ બે શબ્દોને હંમેશા સરખાવવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ. પણ, કહેવાનું તો એટલું જ થાય કે ગુરુ તો ગુરુ છે, અને સદગુરુ તો સદગુરુ જ છે. શ્રી રામકૃષ્ણ દેવ અને સ્વામી શ્રી વિવેકાનંદના જીવનમાં બનેલી એક ઘટના આપણને એ સ્પષ્ટ કરે છે કે, સદગુરુ પોતાના શિષ્ય દ્વારા, પરમ શિષ્ય દ્વારા જો નાની સરખી પણ ભૂલ થાય તો પુરા પ્રયત્નથી તેને એ માર્ગેથી પાછો વાળે છે. એમને એવું લાગે કે આ માર્ગે મારો આ પરમ પ્રિય શિષ્ય હવે આગળ નહીં વધી શકે, તો પૂર્ણ વિરામ મૂકવાનું કામ પણ એ સદગુરુ જ કરે છે. વિવેકાનંદજીના જીવનમાં એક નાનકડો અનુભવ સમાધિ અંગેનો થયેલો તેનો ઉલ્લેખ છે. રામકૃષ્ણદેવના આશ્રમમાં દક્ષિણેશ્વરમાં કાલુ નામનો એક  ગરીબ હતો, ગામડાનો હતો. પરંતુ એની ભક્તિ એવી હતી કે ભક્તિમાં અને ભક્તિમાં આખો દિવસ પસાર કરતો હતો. તેમણે પોતાના રૂમની અંદર લગભગ લગભગ બધા જ દેવ દેવતાઓની મૂર્તિઓ રાખી હતી. જ્યાંથી મૂર્તિ મળે એને સ્થાન આપે, અને દેવતાની મૂર્તિ રાખે. એનું પૂજન કરે.  પોતાના રૂમમાં પોતાને સુવાની જગ્યા નહોતી, એટલી મૂર્તિઓ હતી. પોતે બહાર સૂતો. બધાની  પૂજા કરે, ભાવથી પૂજા કરે. એવું ન હતું કે માત્ર વારો વદાડવા માટે પૂજા કરે, આરતી કરે, થાળ ઘરે અને આઠ દસ મિનિટમાં બધું આટોપી લે. ના, એમનો તો લગભગ આખો આખો દિવસ એમાં જતો. કારણ કે ભાવથી પૂજા કરતો હતો. એકે એક  મુર્તિની પૂજા કરતો હતો. ક્યારેક તો પૂજા કરવામાં સાંજ પડી જાય, તો જ્યારે પૂજા પૂરી થાય ત્યારે એ બિચારો ભોજન કરે. વિવેકાનંદજી આ વસ્તુ જોવે અને તેને હસવું આવે કે, આ માણસ કેવો મૂર્ખ છે. એમણે  ક્યારેક એને સમજાવ્યો પણ ખરો કે તારું આ પાગલપન છોડી દે, તો આ બધા પથ્થરોમાં કાંઈ નથી, પરંતુ કાલુની આંખમાં આ સાંભળીને આસું આવી જાય એટલે  વિવેકાનંદજી પોતાની વાત આટોપી લે.  પરંતુ એ કહે કે આ બધાને ગંગામા પધરાવી દે. તારી જાતને એકલીને બચાવી લે. પરંતુ કાલુને તો પ્રેમ હતો. એના રૂપને એ ગંગામાં ક્યાંથી ફેકે? સ્વામી શ્રી વિવેકાનંદજી ને રામકૃષ્ણ દેવે ધ્યાનની રીતિ આપી હતી કે જેથી કરીને સાક્ષી ભાવમાં તેઓ પોતાના વિચારો ને નિરખી શકે. તેઓ એક વખત આ ધ્યાન કરી રહ્યા હતા ત્યારે એવું બન્યું કે સાક્ષી ભાવમાં એને થોડી ઝલક દેખાણી અને વિચાર સમાપ્ત થઈ ગયો. પરંતુ નાનકડી એ ઝલકે જાણે પર્દાફાશ કર્યો. એક નવો ઝરૂખો ખોલી દીધો. એ કિરણ અંદર પ્રવેશી તત્ક્ષણ એને એવું લાગ્યું કે આ સમયે પોતે કાલુને જઈને વિચાર આપવો જોઈએ કે તારી બધી મૂર્તિઓ છે એને બાંધી પોટલીમાં અને ગંગા માં પધરાવી દે. એમને લાગ્યું કે સમાધિષ્ઠ વ્યક્તિનો વિચાર બહુ બલશાલી હોય છે. એટલે મારે અત્યારના મને જે દેખાયું તેને કહી દેવું જોઈએ. કાલુ તો ભક્ત હતો, પરમ ભક્ત હતો. એના અનુભવની એક દુનિયા હતી. એ ગદગદ હતો, આનંદિત હતો. રામકૃષ્ણદેવે  એ અગાઉ એક બે વખત વિવેકાનંદજીને કહેલું કે આ કાળુ ને તારે છંછેડવાની જરૂર નથી. એ સીધો સાદો આદમી છે, પોતાની મસ્તીમાં મસ્ત છે. એનો પોતાનો એક માર્ગ છે માટે તર્ક-વિતર્ક ન કરવો, એનું નુકશાન ન કરવું. પરંતુ સ્વામીજી ને પણ પહેલો જ અનુભવ થયો. જરાક દ્વાર ખુલ્યું સમાધિનું અને તત્ક્ષણ વિચાર આવ્યો અને એનો ઉપયોગ કર્યો. બહાર નીકળીને કહ્યું કે કાળુ બાંધ પોટલી અને બધા દેવી-દેવતાઓને ગંગામાં પધરાવી દે. શ્રી રામકૃષ્ણદેવ બહાર પંચવટી માં બેઠા હતા. તેમણે જોયું કે,  વિવેકાનંદ પોતાના રૂમમાંથી બહાર આવીને આવો વિચાર આપી રહ્યા છે. સહસા તેઓ ઉભા થયા અને ભાગ્યા. કાળુ પોતાના દેવદેવીઓની પોટલી બાંધીને ગંગા તરફ જતો હતો ત્યાં જઈને રોકી ને કહ્યું ક્યાં જાય છે? તેમણે  કહ્યું, બધું બેકાર છે, કોઈ સાર નથી. આજે મને વાત સમજાણી છે કે વિવેકાનંદજી કહે છે કે ઠીક છે, એટલે હું તેને ફેંકી દઉં છું. શ્રી રામકૃષ્ણદેવે  કહ્યું ઉભો રે, થોડી વાર ઉભો રે. આ તારો વિચાર નથી, આ તું નથી બોલી રહ્યો. તું ઉભો રે, હું તને હમણાં કહું છું. તેઓએ જઈને વિવેકાનંદજીના ખંડની બહાર દરવાજા ઉપર ટકોરા લગાવ્યા. દરવાજો ખુલ્યો અને વિવેકાનંદને કહ્યું કે આ તેં  શું કર્યું? તે શા માટે કાળુ ને આવો  વિચાર આપ્યો? સમાધિમાં આવેલો દરેક વિચાર સંપ્રેક્ષિત કરવાનો નથી. આ તો સમાધિનો ઉપયોગ થયો, દૂર-ઉપયોગ થયો. શ્રી રામકૃષ્ણદેવ નારાજ થયા અને એમણે  એમ પણ કહ્યું કે, તારી સમાધિ આનાથી આગળ નહિ વધે. એની ચાવી હું મારી પાસે રાખી લઉં છું. તરત જ કાળુને સમજમાં આવ્યું. તેમનો વિચાર પોતાનો ન હતો. એ પૂજા કરી રહ્યો હતો, સરળ ચરિત આદમી હતો. એ દેવ દેવતાઓને લઈને ભીતર ઉપડી ગયો હતો. અને એને જોઈને વિવેકાનંદજીને જે વિચાર આવ્યો, એ એમને કહ્યો. વિવેકાનંદ રામકૃષ્ણ દેવના શિષ્ય હતા. સદગુરુ ની વાતથી જ સ્વામીજીએ કહ્યું, “હું કાળુની ક્ષમા માંગી લઉં.” અને તેમને દિલથી ક્ષમા માંગી. વિવેકાનંદને એ શબ્દો મનમાં બરાબર રહ્યા કે, હવે તારું ધ્યાન અહીંયા રહેશે, આગળ નહીં વધે, તેની ચાવી હું મારી પાસે રાખું છું. કહેવાય છે કે વિવેકાનંદનું ધ્યાન ત્યાં અટકી ગયું. પોતાના મરવાના મૃત્યુના ત્રણ દિવસ પહેલાં  એક પત્રમાં તેઓએ લખ્યું છે કે, ‘હે ભક્તો, હું સમાધિમાં અનુભવ નથી કરી શક્યો. આજ સુધી અનુભવ નથી કરી શક્યો. તે દિવસે રામકૃષ્ણ દેવે  ચાવી રાખી લીધી હતી, તે ફરી પાછી નથી મળી. પછી ક્યાં ખોવાઈ ગઈ, એ ચાવી મને ખબર નથી. પરંતુ મેં દુરુપયોગ કર્યો હતો, એટલે તેની સજા સદગુરુ એ મને આપી છે.’ આ ઘટનાથી  ગુરુ અને સદગુરુ વચ્ચેના નિકટમ આત્મીય દિવ્ય સંબંધોની પ્રસાદી આપણને મળે છે.

આપણને એકાદો નાનો  વિવેક જે શીખવી જાય છે તે શિક્ષા ગુરુ છે,  પરંતુ બધાના જીવન સરખી રીતે ચાલતા હોય એમાંથી કોઈ એક નવો માર્ગ પકડીને આપણે આગળ વધવું છે,  પ્રગતિ કરવી છે,  ત્યારે જે ગુરુ આપણને પ્રાપ્ત થાય છે દીક્ષા ગ્રુપ છે.  જે તમને વિશિષ્ટ કૌશલ્ય માટે સતત ઘડે છે અને તમને એ કૌશલ્યના માસ્ટર બનાવે છે તે તમારા દીક્ષા ગુરુ છે. આજે પણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં દીક્ષા ગુરુની પરંપરા બરાબર ચાલે છે.  ખૂબી એ છે કે આરંભે  તમારું નામ  ગુરુ સાથે જોડાઈ જાય અને એક સમય એવો આવે કે જ્યારે તમારું નામ લેવાતું થાય અને ગુરુ નામ મૌન થતું થાય.

અને છેલ્લી વાત, બહુ ટૂંકમાં કે..

જીવનને જીવતાં શીખવે તે ગુરુ.

જીવનને માણતાં શીખવે તે ગુરુ.

જીવનને આંનદ ને મૌજથી છલકાવી દે ગુરુ. 

મને અને તમને કશુંક નવું શીખવે તે શિક્ષા ગુરુ

પણ 

મને અને તમને જીવનના કૌશલ્ય માટે કેળવે તે દીક્ષા ગુરુ.

(લોકભારતી, સણોસરા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે આપેલું વક્તવ્ય તા. 21-07-24)

 

 

 

નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.

નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.

નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.

કોડિયું : શ્રીરામ કથા વિશેષાંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

નેશનલ એજ્યુકેશન પોલીસી- 2020’ માં 80% બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે.  

‘જય સિયારામ’.

આજે એક વરિષ્ઠતમ  શિક્ષકના સાનિધ્યમાં એક નાનકડા શિક્ષક તરીકે મારી વાત રજૂ કરવાનો મને લ્હાવો મળ્યો છે, તે બદલ હું આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરું છું. 

બાપુ, મને એક  વિચાર આવ્યો કે, રાષ્ટ્ર અત્યારના ‘નેશનલ એજ્યુકેશન પોલીસી- 2020’ ઉપર મહેનત  કરી રહેલ  છે. પણ જો કોઈ એનો ડ્રાફ્ટ જીણવટથી વાંચે તો એની અંદર 80% બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે, કોઈ કારણથી ગાંધીનું નામ નથી લેવામાં આવ્યું એ એક જુદી વાત છે. એ મૂલ્યો ઉપર રાષ્ટ્ર  ખૂબ વર્ક કરી રહેલ છે  એ અહીંયા જીવાયા છે.

મારો લગભગ 45 વર્ષનો લોકભારતી સાથેનો નાતો છે. મનુદાદાની સાથે યુવાન અવસ્થામાં ગોષ્ઠીઓમાં ભાગ લેવાનો મને લ્હાવો મળ્યો. બુચદાદા તો મારા પરમ ગુરુના મામા થાય એટલે એમણે  જમણી આંખનું ઓપરેશન કરાવ્યું ત્યારે પણ અહીંયા આવીને એમને મળેલા, અને અરુણભાઈ સાથે તો મારો અતૂટ નાતો છે. બાપુને જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે,  મારા જીવનનું પહેલું પુસ્તક મેં લખ્યું એની પ્રસ્તાવના અરુણભાઈએ લખી હતી!!  આ ઋણ ચૂકવવાનો મને લ્હાવો મળ્યો, એટલે કે લોકભારતી યુનિવર્સિટીનું મંગલાચરણ કરવાની તક  મને મળી છે. આ લોકભારતી યુનિવર્સિટીના ‘પ્રથમ નિમંત્રિત કુલપતિ’ હોવાનું ગૌરવ પ્રદાન થયેલ છે. 

આજે પરિસ્થિતિ એવી થતી  જાય છે કે, ન્યુસન્સ વેલ્યુ ની વેલ્યુ વધી ગઈ છે અને વેલ્યુની વેલ્યુ કરવા માટે થઈને આખી એક રામકથાનું આયોજન કરવું પડતું હોય છે. પણ આ સંસ્થા એવી છે કે, જેની સાથેનો અનેક લોકોનો અપાર નાતો છે, છેક નાનાદાદાથી લઈને આજ સુધી પણ એવા લોકો જોડાયેલા છે કે જેને લઈને સંવર્ધન થતું આવ્યું છે. 

આ લોકભારતી યુનિવર્સિટી એ વર્ગખંડનું શિક્ષણ આપતી યુનિવર્સિટી નથી, અહીંયા શીખીને શીખવાનું નથી, અહીંયા કરીને કેળવવાનું છે. અત્યાર સુધી અહીંયા બધું જ ચાલ્યું છેએની ઉપર પ્રાધાન્ય વર્ગખંડનું રહ્યું છે, જ્યારે યુનિવર્સિટી ની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓ ખેતરોમાં જઈને કામ કરે, ખેતરોમાં એ સજીવ ખેતી કરીને અળસિયા ઉગાડે, કુદરતી ખાતર બનાવે, એ ખાતર નાખીને ખેતી કરે, ખેતી કરીને પાક લણે, લણીને જોખીને એ ખળામાં મોકલે અને એનું વેચાણ કેવી રીતે થાય છે તે જાતે પંડે શીખે.  એટલે એગ્રોનોમી, એગ્રો-પ્રોસેસિંગ,  એનિમલ હસબન્ડરી, ડેરી સાયન્સ, આ બધા કોર્સ અહીંયા લોકભારતી યુનિવર્સિટીના વડપણ હેઠળ શરૂ થયા છે. એમ કહેવાય કે ફરી એકવાર ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સિટીના માધ્યમથી ગામડા માટે પ્રવૃત્ત થઈ છે. મને એવું લાગે છે કે નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત અહીંયા થઈ છે. શ્રી અરૂણભાઇએ પહેલે દિવસે કહ્યું કે, અમારી અનેક સંસ્થા બંધ કરશો તો પણ  નઈ તાલીમ તો રહેશે જ , પણ હું એમાં વિનમ્ર ભાવે ઉમેરીશ કે, આ લોકભારતી યુનિવર્સિટી એ નઈ તાલીમના નવા કલેવર નો આરંભ છે અને તેનાં આરંભે પ્રિય બાપુ  અહીંયા કથાગાન માટે પધાર્યા છે એ અમારા સૌ માટે બહુ મોટું સીમાચિહ્ન બની રહેવાનું છે.  

આ લોકભારતીના ચાર માનવીય આધારોસ્તંભો વિષે  ટૂંકી વાત કરવાનું ગમશે. 

૧) નાનાદાદાએ લોકભારતીની સ્થાપના ચોક્કસ કરી, પણ નાનાદાદાએ તો 1961 માં વિદાય લીધી અને 56-57 માં એમણે મનુદાદા ને કહ્યું કે,  લ્યો હવે વહીવટ સંભાળો. નાનાદાદાનો પછીનો સમય હતો એ માર્ગદર્શક મંડળનો સમય હતો. પણ આ માર્ગદર્શક મંડળ શબ્દ અત્યારે થોડો વગોવાયેલો છે, પરંતુ ત્યારે ખરેખર બહુ મૂલ્યવાન હતો.  એટલે નાનાદાદા પોતાના નિવાસમાં, જ્યાં પ્રિય બાપુ  અત્યારના  નિવાસ કરી રહ્યા છે, ત્યાં બેસીને એવા કામ કરતાં કે જે કામથી મનુભાઈ, મૂળશંકરભાઈ અને બુચદાદાને ટેકો મળતો. બહુ નાનકડી   યાદ રાખવા જેવી એક  વાત છે.  એ સમયે દિલ્હીથી ડોક્ટર ભાણ નામના એક સરકારી પ્રતિનિધિ લોકભારતી જોવા આવ્યા, અને જોઈને નારાજ થયા. એણે એવું કહ્યું કે ”जहा विद्यार्थी पढ़ते है, वहाँ ही वो सोते है?, ऐसी तो कोई कॉलेज हो सकती है?, यूनिवर्सिटी हो सकती है?” લાઇબ્રેરીથી નારાજ થયાં, લગભગ એ નારાજનાં મૂડમાં આવ્યા અને નારાજનાં મૂડમાં ગયાં. પણ જાય એ પહેલા આ મુરબ્બીઓ એમને નાનાભાઈ પાસે લઇ ગયા. નાનાભાઈ પાસે પણ એમણે એ જ સરકારી તોર થી વાતચીત કરી. પણ નાનાભાઈ તો નાનાભાઈ હતા, એમણે પણ કહ્યું કે, ”आपकी बात सही है, जहा बच्चे पढ़ते है, वहां सो केसे सकते है?, यह अच्छी बात नहीं है, आप सरकारकी और से जो भी ग्रान्ट मिलती है, वो वापस ले सकते है. आप जाके ऑर्डर करवा दीजिए, हमें ग्रान्ट नहीं चाहिये, और हो सके तो यहाँ के जो मकान बने हुए है, वो भी सरकारी ग्रान्ट से बने हुए है, यहासे उनको उखाड़ के दिल्ही  ले जाइए”. My dear Friend, At that time, Nanabhai was not head of the institution.  પણ એક વડીલ તરીકે નાનાભાઈ એ દિલ્હીના એ ડો. ભાણ ને મક્કમ થઈને  સમજાવ્યા. ભાણે જઈને દિલ્હીમાં રજૂઆત કરી, એ વખતે શિક્ષણ મંત્રી ‘શ્રીમાળી’ હતા, એમણે  અફસોસનો પત્ર લખ્યો, નાનાભાઈની માફી માંગી અને કોઈ જ કોર્સ બંધ નહિ કરવામાં આવે અને  સરકારી સહાય ચાલુ રહેશે, એવો  એ પત્રમાં એમણે વિશ્વાસ બંધાવ્યો. આ લોકભારતીનો સધ્ધર  માનવીય આધારસ્તંભ. 

૨) મનુભાઈ વિશે એક વાત બહુ યાદ કરવા જેવી છે કે, મનુભાઈ પણ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. 5000 મતથી જીત્યા હતા. મનુભાઈ ની પહેલા જે લોકો ઉભા રહ્યા હતા એ વખતે એ લોકોએ પોતાના સંસ્થાના કાર્યકરો, વિદ્યાર્થીઓ, અને વાહનોનો ઉપયોગ કર્યો હતો. પણ મનુભાઈને જયારે ચૂંટણીમાં ઉભા રહેવાનો વારો આવ્યો ત્યારે મનુભાઈએ ત્રણ મુદ્દાઓની  જાહેરમાં  જાણ કરી. એમણે કહ્યું કે… અ) પ્રચારમાં સંસ્થા નું વાહન વાપરવામાં આવશે નહીં, અને સંસ્થાના કોઈ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે નહીં. બ) હું નિયામક પદ ઉપર રહીશ નહીં. શિક્ષણ સંસ્થામાં કોઈ રાજકીય વ્યક્તિ રહીને પોતાનું રાજકારણનું કામ કરે એવું હરગીઝ ન થવું જોઈએ. એટલે હું નિયામક પદે રહીશ નહીં અને ક) ધારાસભાનું જે કંઈ વેતન મળશે તે લોકભારતીમાં જમા કરાવીશ, સમય કાઢીને હું આવતો રહીશ અને મારા વર્ગો લેવાનું  હું ચાલુ રાખીશ. બાપુને ગમે એવું એક સુંદર મજાનું અર્થઘટન મનુભાઈએ છેલ્લે કર્યું કે, ‘આમ પણ તમે ખરું જુઓ તો ચાર વર્ષને અંતે મને લાગ્યું કે, ધારાસભામાં ચૂંટાઈને જાઓ પછી વર્ષે તમારે ત્રણ મહિના જ કામ કરવાનું હોય છે, બાકી તમે ફ્રી જ હોવ છો.’  અત્યારના ધારાસભ્યોએ વિચારવા જેવી વાત છે. 

૩) મૂળશંકરભાઈ મો. ભટ્ટ., જેમણે આપણને  ‘દુઃખીયારા’ આપ્યું, ‘લા મીઝરેબલા’નો બહુ સુંદર મજાનો અનુવાદ આપ્યો. અને આપણા સુધી એક ઉત્તમ બીજી ભાષાની કૃતિ પહોંચાડી આપી. આ મૂળશંકરભાઈ ઉત્તમ ગૃહપતિ હતા,  એવું નાનાભાઈ એ પ્રમાણપત્ર આપ્યું. બહુ ઓછું બોલનારા અને છતાં પણ વ્યાપ્ત રહેનારાં મૂળશંકરભાઈ અહીંયા થોડો વખત રહ્યાં છે. એ ‘ગુજરાતવિદ્યાપીઠ’માં પણ રહ્યાં, દક્ષિણામૂર્તિમાં પણ રહ્યાં, અને લોકભારતીમાં પણ રહ્યાં. એ સમય દરમિયાન એક નોંધાયેલી ઘટના છે. લક્ષ્મણભાઈ કરીને ગૃહપતિ હતા, એ વાત કરતા હતા કે.., 26 જાન્યુઆરીની એક પરેડની તૈયારી  ચાલતી હતી. ગ્રાઉન્ડ ઉપર બધા વિદ્યાર્થીઓ એની પ્રેક્ટિસ કરતા હતા. એ સમયે મૂળ શંકરભાઈ ત્યાંથી નીકળ્યા. નીકળીને છેડે જઈને ઊભા રહ્યા. ઉભા રહીને  લક્ષ્મણભાઈને બોલાવ્યા. બોલાવીને આંગળી ચિંધી ને કહ્યું કે, ‘ પેલો છોકરો છે માંદો છે?’ તો કહે, ‘ના ના એને સારું છે, કંઈ તકલીફ નથી.’ તો કહે, ‘ના જરા રૂબરૂ મળો, તપાસ કરો, એની ચાલ ઉપરથી મને લાગે છે કે એ માંદો છે.’  લક્ષ્મણભાઈએ મૂળશંકરભાઈના કહેવા પ્રમાણે વિદ્યાર્થીને બોલાવ્યો, એને અમરગઢ લઈ જવામાં આવ્યો, અને એવું તારણ નીકળ્યું કે, આ વિદ્યાર્થીને  ‘ક્ષય’ના લક્ષણો છે. જે વ્યક્તિ વિદ્યાર્થીની ચાલ જોઈને સમજી જઈ શકે કે, આનામાં ક્ષયના લક્ષણો છે, એ મૂળશંકરભાઈ નામનો કરુણા આધાર.  

૪) બહુ મહત્વના  અને એકદમ રસિક વ્યક્તિત્વ બુચદાદા. બુચદાદા વિશે ઘણું લખાયું છે, પણ ઘણું છૂટી પણ ગયું છે. બુચદાદા, મેં હમણાં જેનો ઉલ્લેખ કર્યો એમની જમણી આંખે તકલીફ થઈ એટલે જમણી આંખનું ઓપરેશન કરવું પડે. તો લોકોએ કહ્યું કે,  તમારી જો ડાબી આંખ બચાવવી હોય જમણી આંખ કાઢી નાખવી પડશે, સર્જરી નહીં થાય, બુચદાદાએ કહ્યું, કાઢી નાખો, કોઈ વાંધો નથી. પછી ડાબી આંખથી પોતાનું કામ કરતા હતા, એ સમયે એક રાજકીય વ્યક્તિ બુચદાદાની ખબર કાઢવા આવી અને કટાક્ષમાં કહ્યું, દાદા તમારી તો હવે ડાબી આંખ જ કામ કરે છે. એટલે બુચદાદાએ કહ્યું, I am extremely leftist now. My right side is wrong side now. આ બુચદાદા વિદ્યાર્થી બહેનોની ટપાલો ભેગી કરીને પોસ્ટ બોક્સ માંથી ટપાલ નીકળે એ પહેલા પોતે સમયસર જઈને પોસ્ટ કરવાનું કામ સંભાળે એવો આ માનવીય આધાર લોકભારતીનો હતો. 

આ ચાર વાત પરથી ખ્યાલ આવે કે લોકભારતી કેવા મોટા ચારસ્તંભો સાથે આગળ વધે છે. કોઈ કહે છે કે આ ચાર વ્યક્તિઓ પણ એકબીજાથી નિયત અંતર રાખીને રહેતી હતી. હા, એ સાચું, કારણ જીબ્રાન્ કહે છે કે,  ‘સ્તંભો વચ્ચે અંતર હોવું જોઈએ. નહિ તો મંદિરનો ઘુમ્મટ ઉભો ન થાય.’ 

 છેલ્લી વાત કરું, આપણો મૂળ ઉદ્દેશ તો લોકભારતી યુનિવર્સિટીને આર્થિક અનુદાન આપીને સદ્ધર બનાવવાનો છે. એને આપણે લોકભારતી ના ઝાપા માંથી બહાર લઈ જવી છે, સણોસરામાંથી બહાર લઈ જવી છે, ગુજરાત થી બહાર લઈ જવી છે અને ભારતથી પણ બહાર લઈ જવી છે. કારણ કે   અત્યારે અહીંયા એવું કામ થઇ રહ્યું છે.  આ વાત હું બહુ મક્કમતાથી બોલું છું જેથી કરીને જે કોઈ સત્તા   ઉપર બેઠેલા લોકો હોય અને સમાજના શ્રેષ્ઠિ હોય એ સાંભળે કે, આ યુનિવર્સિટીને ટેકો કરવાથી તેઓ રાષ્ટ્રનું કામ કરવાના છે. આ પરિસરમાં જ્યાં હશો ત્યાં તમે જોતા હશો કે બધું જ કામ વિદ્યાર્થીઓ કરે છે. એ પરંપરાને જો ચાલુ રાખવી હોય તો યુનિવર્સિટીને આર્થિક અનુદાનની બહુ જ આવશ્યકતા છે.

ગઈકાલે બાપુ વાત કરતા હતા દક્ષ પ્રજાપતિની. હું એ યાદ કરું.  એમની પાસે ત્રણ સમાજ ગયા. દેવ ગયા, દાનવ ગયા, અને માનવ ગયા. ત્રણેય  જઈને તેમની પાસે આંખ બંધ કરીને બેઠા અને અપેક્ષા હતી કે દક્ષ પ્રજાપતિ કોઈ સંદેશો આપે એ પ્રમાણે આપણે જીવન જીવીએ. એ ઋષિએ લાંબો સમય આંખ બંધ રાખી, અને જ્યારે આંખ ખોલી ત્યારે એ એક જ અક્ષર બોલ્યા, ”દ”. પેલા ત્રણેય સમજ્યા નહીં કે આ ”દ” એટલે શું? પણ પછીતો આંખ મીંચાઈ ગઈ, એટલે અર્થઘટન પોતે કરવાનું હતું. આપણને ખ્યાલ છે કે આજે પ્રશ્ન અર્થનો નથી હોતો, અર્થઘટનનો જ હોય છે. પણ ખરેખર આ ”દ” નો શો  અર્થ કરવો? તો દેવ લોકોએ એમ કીધું કે, અમે બહુ ઈર્ષાળુ છીએ. એટલે કદાચ અમારા માટે દક્ષ પ્રજાપતિએ દમનની વાત કરી છે કે તમારી ઈર્ષા નું ‘દમન કરો’. દાનવોને એવું લાગ્યું કે  અમે બહુ હિંસા કરનારા છીએ, બહુ લોકોને મારીએ છીએ, તો અમારા માટે ‘દયા કરો’ એવો અર્થ થતો હશે. અને માનવને એમ થયું કે અમે બહુ લોભિયા છીએ, બીજાને મળે તો ગુંજે ભરી લઈએ છીએ. મકરંદભાઈ ભલે કહે કે, ગુંજે ન ભરીએ પણ વેરી  દઈએ, પણ અમે વેરતા નથી. તો અમારે ખરેખર ”દ” નો અર્થ ‘દાન કરો ‘ સમજવાનો છે.  વિનોબાજીનાં મા કહેતાં કે, ‘દે તે દેવ, અને રાખે જે રાક્ષસ’ 

આપણે દઈને જવાનું છે અને દેવ થવાનું છે… 

  

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


5478 5471