ચમકા દો આજ લાલિમા અપને લલાટકી, કણ કણ સે ઝાંકતી તુમ્હેં છબી વિરાટકી !!

ચમકા દો આજ લાલિમા અપને લલાટકી, કણ કણ સે ઝાંકતી તુમ્હેં છબી વિરાટકી !!

આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે એક જ છે, તો પછી આપણને  પ્રશ્ન થાય કે માણસ મોહમાં કેમ પડે છે

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                              (18)

“કલ્યાણમાર્ગનું સેવન કરનારનું કશુંય ફોગટ જતું નથી,” આવી શ્રદ્ધા છઠ્ઠા અધ્યાયના અંતે ભગવાનશ્રી કૃષ્ણએ આપણને આપી છે. એમણે કહ્યું છે કે ‘અપૂર્ણ છેવટે પૂરું થશે.’  સાતમા અધ્યાયમાં વિકર્મનો એક નવો જ ભવ્ય ખંડ ઉઘાડવામાં આવ્યો છે. 

સૃષ્ટિદેવીના મંદિરમાં એકાદ વિશાલવનમાં જેમ તરહ તરહના મનોહર દેખાવો આપણને જોવા મળે છે એવું જ આ ગીતાગ્રંથનું છે. છઠ્ઠા અધ્યાયમાં એકાગ્રતાનો ખંડ ખુલ્યો તો હવે  એક નવા ખંડમાં આપણે પ્રવેશ કરીએ છીએ. 

સૃષ્ટિ માત્ર તે અંદર હોય કે બાહ્ય હોય એક જ એક અખંડ આત્માના અને એકની એક અષ્ટદા પ્રકૃતિના બેવડા મસાલામાંથી નિર્માણ થઈ છે. ક્રોધી માણસનો ક્રોધ, પ્રેમાળ માણસનો પ્રેમ, દુખિયાના રોદણા, આનંદી માણસનો આનંદ, આળસુ કે એદીનું ઊંઘવાનું વલણ, ઉદ્યોગી માણસનું કર્મ સ્ફુરણ એ બધું હકીકતમાં તો એક જ ચૈતન્ય શક્તિનો ખેલ છે. અંદરનું ચૈતન્ય જેમ એક છે એમ બહારના આવરણનું સ્વરૂપ પણ એક જ છે. ચૈતન્યમય આત્મા અને જળ પ્રકૃતિના આવા બેવડા મસાલામાંથી આખી સૃષ્ટિ જન્મી છે એવું સ્પષ્ટ રીતે ભગવાન શરૂઆતમાં કહી આપે છે. 

આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે એક જ છે, તો પછી આપણે પ્રશ્ન થાય કે માણસ મોહમાં કેમ પડે છે ?  એને ભેદ  કેમ દેખાય છે ?  પ્રેમાળ માણસનો ચહેરો મીઠો લાગે અને બીજાનો કંટાળો આવે, એકને મળવાનું મન થાય તો બીજાને ટાળવાનું મન થાય એવું કેમ બને છે ? જવાબ સીધો છે. કાગળ એક જ છે, પેન્સિલ એક જ છે. અને ચિત્રકાર પણ એક જ છે અને છતાં ભાતભાતના ચિત્રોથી તરહ તરહના ભાવો ઉત્પન્ન થાય છે. એમાં ચિત્રકારની કુશળતા છે. 

આપણે એક હિન્દી ફિલ્મનું ગીત બરાબર યાદ કરીએ કે….

ये कौन चित्रकार है ये कौन चित्रकार

हरी भरी वसुंधरा पर नीला नीला ये गगन

के जिसपे बादलों की पालकी उड़ा रहा पवन

दिशाएं देखो रंग भरी

दिशाएं देखो रंग भरी चमक रहीं उमंग भरी

ये किसने फूल फूल से किया श्रृंगार है

ये कौन चित्रकार है ये कौन चित्रकार

 

तपस्वियों सी हैं अटल ये पवर्तों कि चोटियाँ

ये बर्फ़ कि घुमरदार घेरदार घाटियाँ

ध्वजा से ये खड़े हुए

ध्वजा से ये खड़े हुए हैं वृक्ष देवदार के

गलीचे ये गुलाब के बगीचे ये बहार के

ये किस कवि की कल्पना

ये किस कवि की कल्पना का चमत्कार है

ये कौन चित्रकार है ये कौन चित्रकार

 

कुदरत की इस पवित्रता को तुम निहार लो

इनके गुणों को अपने मन में तुम उतार लो

चमका दो आज लालिमा

चमका दो आज लालिमा अपने ललाट की

कण कण से झाँकती तुम्हें छबी विराट की

अपनी तो आँख एक हैइसकी हज़ार है

ये कौन चित्रकार है ये कौन चित्रकार

ગીતકાર શ્રી ભરત વ્યાસના શબ્દો ‘બુંદ જો બન ગઈ મોતી’ ફિલ્મમાં ગવાયું. પણ  કેટલી મોટી વિસ્મયની સૃષ્ટિનું તેમાં વર્ણન છે !!   આપણે એ સ્પષ્ટ રીતે સમજી લેવાનું છે કે જેને આપણે માયા કહીએ છીએ કે માયાજાળ કહીએ છીએ એ પરમેશ્વરની શક્તિ છે, એની કળા છે, એની કુશળતા છે. એ કૈં  બહુ વર્જ્ય વાત નથી.  ભગવાનશ્રી કૃષ્ણ  એક વાક્યમાં કહે છે કે,  ‘જે માયાને તરી  જવા માંગે છે તેને મારે શરણે આવવું પડે.’ એટલે માયા એ બીજું કંઈ  નથી પણ ઈશ્વરની એક કલાનો સ્વીકાર છે. પરમેશ્વરને બરાબર ઓળખવા માટેનું મહાન સાધન તરીકે એક મહાન વિકર્મને સમજાવવાના આશયથી  આ સાતમા અધ્યાયમાં ભક્તિનો એક મહાન ખંડ ખોલી આપવામાં આવ્યો છે 

ચિત્તશુદ્ધિને માટે યજ્ઞ, દાન,  જપ, તપ, ધ્યાન, ધારણા અનેક વિકર્મ  બતાવવામાં આવ્યા છે. એ સાધનોને વિનોબાજી સોડા, સાબુ અને અરીઠાની ઉપમા આપે છે પણ ભક્તિ એ પાણી છે. સોડા, સાબુ અને અરીઠા સ્વચ્છતા લાવે છે પણ પાણી વગર તેનું કંઈ  આવતું નથી. પાણી ન હોય તો એ બધાને શું કરવા ?  સોડા, સાબુ અને અરીઠા નહીં હોય તો પણ એકલું પાણી નિર્મળપણું આપી શકે છે. પાણીની સાથે બધા આવે તો ‘અધિકસ્ય અધિકમ ફલમ’ જેવું થાય અને  દૂધમાં સાકર ભળે.  યજ્ઞયાગ, ધ્યાન, તપ એ બધામાં ઊંડો ઉમળકો ન હોય તો પછી ચિત્તશુદ્ધિ થાય કેવી રીતે ? આ ઊંડો ઉમળકો એટલે બીજું કશું નહીં પણ ભક્તિ…  ભક્તિ હશે તો મહાન ચિત્રકારની કળા જોવા મળશે,  તેના હાથમાં એક પીંછી જોવા મળશે. 

એક તત્વજ્ઞાનીને એક વખત લોકોએ જઈને પૂછ્યું ચાલો મહારાજ શહેરમાં આજે મોટી રોશની છે. તે તત્વજ્ઞાનીએ પૂછ્યું,  રોશની એટલે શું ? એક દીવો, તેની પછી બીજો, તેની પછી ત્રીજો એ પ્રમાણે લાખ, દસ લાખ, કરોડ જોઈએ તેટલા દીવા છે એમ માનો.  મેં તમારી રોશની જોઈ લીધી.!’ ગણિતની શ્રેણીમાં ૧ + ૨ + ૩ એમ અનંત સુધી સરવાળો મુકાય. બે સંખ્યા વચ્ચે રાખવાનું અંતર જાણ્યું અને સમજાયું પછી બધી સંખ્યા માંડી જવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે પેલા દીવા એક પછી એક મૂકી દીધા પછી એમાં એટલું બધું તલ્લીન થઈ જવા જેવું શું છે ? પણ માણસને  આનંદ લેવાનું ગમે છે. વિનોબાજી  બહુ સુંદર કટાક્ષ કરે છે કે,  એ પહેલા લીંબુ લાવશે, પછી ખાંડ  લાવશે,  પછી બંનેમાં પાણી ભેળવશે અને પછી કહેશે, ઓહો શું મજાનું શરબત બન્યું છે !!  જીભને ચાખ ચાખ કર્યા સિવાય બીજો કોઈ  ધંધો નથી. (ક્રમશ:)

આખાયે મહાભારત પર પ્રકાશ ફેલાવતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ ઊભી છે.

આખાયે મહાભારત પર પ્રકાશ ફેલાવતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ ઊભી છે.

                 અધ્યાય એક થી છ નું સાર દોહન

ભદ્રાયુ વછરાજાની                           bhadrayu2@gmail.com 

                                            (17)

કુલ અઢાર  અધ્યાયમાં કહેવાયેલી શ્રીમદ ભગવદ ગીતાના ત્રીજા ભાગની યથામતિ ચર્ચા આપણે કરી ચુક્યા છીએ, ત્યારે આપણે છ અધ્યાયનું વિહંગાવલોકન કરીએ અને શ્રી કૃષ્ણની પવિત્ર શીખને દોહરાવી લઈએ.            

અધ્યાય : ૦૧

  • આખાયે મહાભારત પર પ્રકાશ ફેલાવતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ ઊભી છે.
  • ગીતા શ્રીકૃષ્ણે કહી છે અને આ મહાન સંદેશ અર્જુને ઝીલ્યો છે.
  • ગીતાનું પ્રયોજન સ્વધર્મવિરોધી મોહનું નિરસન છે. સ્વધર્મની આડે આવનારો

જે મોહ છે, તેના નિવારણ માટે ગીતાનો જન્મ છે.

  • અર્જુન કૃષ્ણશરણ થયો એમ જ આપણે કરીશું તો તે પાર્થસારથી આપણું પણ સારથીપણું કર્યા વગર નહીં રહે.

અધ્યાય : ૦૨

  • ગીતાના બીજા અધ્યાયથી ગીતાની શીખ નો આરંભ થયો છે.
  • બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત રજૂ થયેલા છે :

(૧) આત્માની અમરતા ને અખંડતા

(૨) દેહની ક્ષુદ્રતા

(૩) સ્વધર્મની અબાધ્યતા

  • સ્વધર્મનો સિદ્ધાંત કર્તવ્યરૂપ છે એટલે કે આચરણમાં મૂકવાનો છે…અને બાકીના બે જ્ઞાતવ્ય છે એટલે કે જાણવાના છે.
  • દેહ વસ્ત્ર જેવો છે. જૂનો ફાટી જાય છે તેથી નવો લઈ શકાય.
  • બ્રહ્માંડ એક સુંદર વણેલું લૂગડું છે. દેહ જેવડી કાતર લઈ આ વિશ્વાત્માના કકડા પાડવા એના જેવી બીજી કોઈ નાદાની છે ખરી કે ?
  • દેહાસક્તિ છૂટી જાય તો દેહ સેવાનું સાધન છે.    
  • ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને જીવન જીવવાના સિદ્ધાંતો અને તેનું આચરણ દર્શાવી કાબેલપણું પેશ કર્યું.
  • જીવનના સિદ્ધાંત અમલમાં મૂકવાની હાથોટીને જ યોગ કહે છે.
  • કર્મ કરનારાઓની વૃત્તિ બેવડી હોય છે.

(૧) અમે કર્મ કરીએ તો તે કર્મનાં ફળ ચાખવાં અમારો હક્ક છે.    

(૨) અમને ફળ ચાખવાના ન મળવાનાં હોય તો અમે કર્મ કરવાના નથી…

  • ગીતા ત્રીજી વૃત્તિ નું પ્રતિપાદન કરે છે : કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર ન રાખશો.
  • કર્મ કરતી વખતે જે સંતોષ ને જે આનંદ મળ્યો તે જ કર્મનું ફળ છે !!
  • ફળ ત્યાગનાં સુફળ સંતોનાં જીવનમાંથી અહીં રજૂ થયાં છે.
  • આ બીજા અધ્યાયના છેવટના અઢાર શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞનું ગંભીર તેમ જ ઉદાત્ત ચરિત્ર ભગવાને વર્ણવ્યું છે.
  • નિર્ગુણ+સગુણ+સાકાર=સંપૂર્ણ જીવનશાસ્ત્ર.

અધ્યાય : ૦ ૩

  • ત્રીજો અધ્યાય કર્મયોગ અને તેનાં વિવિધ પ્રયોજનો તથા કર્મયોગ-વ્રતમાં આવતા અંતરાય વિગતે સ્પષ્ટ કરે છે.
  • કર્મયોગમાં ફળનો ત્યાગ મહત્વની વાત છે. કર્મનું ચલણી નોટ જેવું છે, તેના કાગળિયાની કિંમત નથી, પણ ભાવનાની ને છાપની કિંમત થાય છે.
  • કર્મ એકનું એક હોવા છતાં ભાવનાના ભેદને લીધે ફેર પડે છે. પરમાર્થીનું કર્મ આત્મવિકાસ કરનારું નીવડે તો સંસારીનું કર્મ આત્માને બાંધનારું છે.
  • કર્મયોગીનું કર્મ તેને આખાયે વિશ્વની સાથે સમરસ કરે છે.
  • નિષ્કામ કર્મયોગમાં અદભુત સામર્થ્ય છે. તે કર્મ વડે વ્યક્તિનું તેમ જ સમાજનું પરમ કલ્યાણ થાય છે.
  • કર્મયોગી ફળની ઈચ્છા છોડવા છતાં પાર વગરનાં ફળો મેળવશે અને તેના જીવનનો પવિત્ર આદર્શ ખુલ્લો થશે.
  • કર્મયોગના દિવ્ય વ્રત માટે બે બાબતોથી દૂર રહેવું :

ü  અમુક જોઈએ ને અમુક નહીં

ü  આ લે ને પેલું ફેંકી દે.

અધ્યાય : ૦ ૪

  • ગીતામાં કર્મ શબ્દ સ્વધર્મ ના અર્થમાં વપરાયો છે.
  • કર્મ, વિકર્મ અને અકર્મ એ ત્રણ શબ્દો અહીં મહત્વના છે.
  • કર્મ એટલે બહારની સ્વધર્માંચરણની સ્થૂળ ક્રિયા. આ બહારની ક્રિયામાં ચિત્ત રેડવું તેનું જ નામ વિકર્મ છે.
  • બહારના કર્મની સાથે અંદરનું ચિત્તશુદ્ધિનું કર્મ જોડાય તો જ નિષ્કામ કર્મયોગ પ્રાપ્ત થાય.
  • કર્મમાં વિકર્મ રેડવાથી અકર્મ નીપજે છે, એનો અર્થ એટલો કે કર્મ કર્યા જેવું લાગતું નથી, તેનો ભાર લાગતો નથી.
  • કર્મની સાથે વિકર્મની જોડી બંધાવાથી શક્તિસ્ફોટ થાય છે અને તેમાંથી અકર્મ નિર્માણ થાય છે.
  • કર્મનું અકર્મ કરવાની કળા સંતો પાસેથી શીખવી રહે.

અધ્યાય : ૦ ૫

  • સંસાર બધે ઠેકાણે ભરેલો છે. વિસ્તાર છોડો, ફેલાવો ઓછો કરો તેટલાથી સંસાર ઓછો થતો નથી.
  • અલિપ્તપણું મેળવવા માટે મનોમય પ્રયત્નની જરૂર છે. મનના સહકાર વગર કોઈ વાત પાર પડતી નથી.
  • સાધના માટે બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનનું વિકર્મ બંને જોઈએ.
  • કર્મનું અકર્મ બને એ આપણું ધ્યેય છે. એ ધ્યેય હાંસલ કરવાને સારુ સ્વધર્માચરણરૂપી કર્મ કરવાનાં હોય છે
  • સંન્યાસ એ પરમ ધન્ય અકર્મ સ્થિતિ છે, એ દશાને જ કર્મયોગ પણ કહે છે.
  • કર્મ કરવાનું ચાલુ હોય છે માટે તે “યોગ” છે પણ કરવા છતાં કરું છું એમ કરનારને લાગતું નથી એટલે તે “સંન્યાસ” છે
  • કર્મનો સંન્યાસ એટલે જેટલાં જેટલાં કર્મો કરવાનાં હોય તે બધાંયે કરતા રહેવા છતાં તે બધાં ખરી જાય તેવી તરકીબ સાધવી.
  • જ્ઞાની પુરુષનું અકર્મ-તેનું શાંત રહેવું પ્રચંડ કર્મ કરે છે, પ્રચંડ સામર્થ્ય ઉત્પન્ન કરે છે. અકર્મી રહીને તે એટલું બધું કર્મ કરે છે કે તેટલું ક્રિયાથી કદી પ્રગટ ન થાત.
  • અહીં સંન્યાસના બે પ્રકારની તુલના કરી છે. એકમાં કર્મ કરનારો ચોવીસે કલાક કર્મમાં મચ્યો રહે છે છતાં કશું કરતો નથી અને બીજામાં ક્ષણભર પણ કર્મ ન કરવા છતાં સર્વ કંઈ કરે છે.
  • વેદમાં કહ્યું છે કે : ઈન્દ્ર શબ્દ એ જ એનું રૂપ છે, એ જ એનું સ્વરૂપ છે, એ જ એનું પ્રમાણ છે ને એ જ એની મૂર્તિ છે !! એવું જ વરુણ નું અને એવું જ ઈશ્વર નું છે. ધારીને-માનીને જ આગળ વધવાનું છે.
  • સંન્યાસ અને યોગ એ બે બહુ ઊંચા કુદકા છે. પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ યોગ એ બે કલ્પનાઓ આ દેહમાં સમાય એવી નથી.
  • આમ જુઓ તો પૂર્ણ યોગી અને પૂર્ણ સન્યાસી વ્યાખ્યામાં જ રહેવાના, ધ્યેયભૂત અને અપ્રાપ્ય જ રહેવાના.
  • ભગવાન કહે છે કે : સંન્યાસ અને યોગ બંનેમાં જે એકરૂપતા જોશે તે જ સાચું રહસ્ય સમજ્યો જાણવો.
  • ટૂંકમાં, કર્મયોગી એટલે સન્યાસી અને સન્યાસી એટલે કર્મયોગી.
  • છેવટને મુકામે પહોંચ્યા પછી જ્ઞાન+કર્મ=જ્ઞાન+કર્માભાવ
  • કર્મયોગ સાધન પણ છે અને નિષ્ઠા પણ છે, પણ સંન્યાસ એકલી નિષ્ઠા છે. નિષ્ઠા એટલે અંતિમ અવસ્થા.

અધ્યાય : ૦ ૬

  • કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરશ: એકરૂપ છે. ફક્ત દૃષ્ટિમાં ફેર છે.
  • માણસ પોતાનો વહેવાર શુદ્ધ કરતો કરતો પરમોચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે. એટલા ખાતર જ ગીતાની હયાતી છે.
  • ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે :

(૧) ચિત્તની એકાગ્રતા

(૨) ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા: તેનું  માપસરપણું

 (૩) સામ્યદશા અથવા સમદ્રષ્ટિ. આ ત્રણ મળીને ધ્યાનયોગ બને છે. આ ત્રણે સાધનોની      

       કેળવણીને માટે બીજાં બે સાધનો છે : અભ્યાસ અને વૈરાગ્ય

  • ટૂંકમાં, વહેવાર હો કે પરમાર્થ હો, તેમાં ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે.
  • ચિત્તની એકાગ્રતા આવશ્યક છે એટલું એક વખત માણસને ગળે ઉતરી જશે પછી તે જાતે જ તે માટેની સાધના શોધી કાઢ્યા વગર નહીં રહે.
  • ચિત્તની એકાગ્રતામાં મદદગાર થાય તે જીવનની પરિમિતતા.
  • જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવો. ખરાબ કશું ન ખપે કે આપણાથી ન થાય.
  • વાંકા ચૂકા ચાલ્યા તો અંદર બેઠેલો માલિક સજા કર્યા વગર રહેવાનો નથી એવી બધી ઇન્દ્રિયોને ધાક રહેવી જોઈએ.
  • નિયમિત આચરણને જ જીવનની પરિમિતતા કહીને ઓળખીશું.
  • સમદ્રષ્ટિ એટલે શુભદ્રષ્ટિ અને એ ન કેળવાય તો ચિત્ત કદી એકાગ્ર નહીં થાય.
  • ચિત્તની એકાગ્રતા, જીવનમાં પરિમિતતા અને શુભ સામ્યદ્રષ્ટિ એટલું ધ્યાનયોગ માટે જરૂરી છે.
  • છઠ્ઠા અધ્યાયનાં સમાપનમાં એક વાક્ય ખાસ યાદ રાખીએ : કલ્યાણમાર્ગનું સેવન કરનારનું કશુંયે ફોગટ જતું નથી.

 શ્રીમદ  ભગવદ  ગીતાના આપણે ચર્ચેલા પહેલા છ અધ્યાયોનું આ Take Away છે. મુખ્ય મુખ્ય મુદ્દાઓ તારવેલા છે કે જેથી કરીને ગીતા ના બીજા ભાગમાં પ્રવેશતા પહેલા આપણને પુનરાવર્તન થઇ જાય. (ક્રમશ:)

મરણ એટલે લાંબા ગાળાની ઊંઘ

મરણ એટલે લાંબા ગાળાની ઊંઘ

બધું જ આત્મમય બને ત્યારે કશું ય પારકું ન રહે, અન્ય ન રહે, બધું જ એકાકારબધું આનંદમય, બધું આત્મમય.!!

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com

(16)

ગુજરાતના સમર્થ ચિંતક ગુણવંત શાહ તેમના અતિ પ્રચલિત પુસ્તક ‘કૃષ્ણનું જીવન સંગીત’માં છઠ્ઠા અધ્યાયમાં બે વાતો બહુ જ અદકેરી કરે છે. આપણે તેની નોંધ લેતા હર્ષ અનુભવીએ છીએ. તેઓ કહે છે :

“આપણો  ઉદ્ધાર કોઈ બીજો કરે એવી લાચારી ગીતાને મંજુર નથી. એ જ રીતે શત્રુ પણ આપણી અંદર જ બેઠો છે. તેથી જૈન દર્શનમાં કહ્યું છે :  જીતવી જાતને સારી અન્યને જીતવા થાકી. આત્મા સાથેનો બંધુભાવ કેળવાય એને આત્મભાવ કહેવાય. પણ આ આત્મભાવ પ્રગટે એના માટે લક્ષણો છે. ૧) સમાહિત :  જેની વાત ધ્યાનયોગમાં આપણે  સમદ્રષ્ટિ શબ્દથી જાણી. જે સમત્વ પામ્યો એ સમાહિત ગણાય, તમારી સામે જયારે બે વિરોધી પરિસ્થતિઓ હોય ગમા – અણગમા, સુખ – દુઃખ, માન-અપમાન એવી સામસામી સ્થિતિ હોય ત્યારે જો તમે શાંતિ જાળવી શકો તો એને સમાહિત કહેવાય. 2) બીજું લક્ષણ છે કુટસ્થ: લુહારની એરણની જેમ જે સ્થિર રહે છે તેને કુટસ્થ કહે છે. કુટસ્થ જ્ઞાન અને વિજ્ઞાનમાં પણ સ્પૃહા ન રાખી આત્મતૃપ્ત રહે છે. આત્મભાવ પામ્યા પછી આવી કુટસ્થતા (એટલે કે સ્વસ્થતા) પ્રાપ્ત થાય છે. ૩) સમબુદ્ધિ :  વ્હાલા અને વેરી વચ્ચે, શત્રુ અને મિત્ર વચ્ચે,  પોતાના અને પારકા વચ્ચે,  સાધુ અને અસાધુ વચ્ચે, મધ્યસ્થ અને ઉદાસીન વચ્ચે જે સમાન ભાવ એટલે કે  મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનો ભાવ રહે છે એ યોગારૂઢ છે. આ ચારેય લક્ષણો બુદ્ધ ધર્મમાં બ્રહ્મ વિહાર તરીકે ઓળખાય છે. આ લક્ષણો  પતંજલિ સૂત્રમાં પણ જોવા મળે છે. ખરેખર આ ત્રણ લક્ષણોમાં મૂળ વાત તો સમત્વની જ આવે છે.

આપણને પોતાની વાતને સુસ્પષ્ટ કરતા વિનોબાજી બહુ સરળતાથી કેટલીક વાત કરે છે અને ચોખ્ખો આદેશ આપે છે કે,  “ ચિત્તને જરા શાંત રાખો, સૃષ્ટિ તરફ મંગળપણે નીરખવાનું રાખો. આટલું કરશો તો હૃદયમાં આનંદના ઝરા વહેશે. કલ્પનાના દિવ્ય તારા હૃદયાવકાશમાં ચમકવા માંડશે. સમુદ્ર સામે બેસીએ ત્યારે એમ લાગે કે સમુદ્ર જાણે ઓમકારની ગર્જના કરી રહ્યો છે. ગીતાવચનની યાદ અપાવે સમુદ્ર. સમુદ્ર એકધારું સ્મરણ કરતો હોય અને કર્મ કરતો હોય એવું લાગ્યા કરે. એક મોજું આવ્યું અને ગયું, ફરી બીજું આવ્યું અને ગયું.  એક ક્ષણનો પણ વિસામો નહીં. વેદોના ઋષિઓના દિલમાં આવો જ સમુદ્ર ઉછાળા મારતો હતો આપણે હૃદયમાંના સમુદ્રને જોતા શીખવાનું છે. બહારનું વાદળ વગરનું ભૂરું ભૂરું આકાશ નીરખીને ચિત્ત નિર્મળ તેમજ નિર્લેપ કરવાનું છે. ખરું પૂછો તો ચિત્તની એકાગ્રતા એ રમતની વાત છે. ચિત્તની વ્યગ્રતા અસ્વાભાવિક છે. નાના છોકરાની આંખ જોજો. એ બધું એકસરખું તાકીતાકીને જોશે. એમ કહેવાય છે છોકરું ચાર પાંચ મહિનાનું થાય એટલે બહારની લીલીછમ સૃષ્ટિ બતાવવી એ એકીટશે જોયા કરશે. બાળકના ઉછેરના પહેલા બે ચાર વર્ષમાં જે કેળવણી મળે છે એ જ કેળવણી સાચી છે.”

દિવસે દિવસે વિનોબાજીના મનમાં એક ગાંઠ બંધાતી ગઈ કે આ બધી બહારની કેળવણીની અસર નહીં જેવી છે. પહેલા સંસ્કારો વજ્રલેપ હોય છે અને પછીની કેળવણી બધું ઉપરનું રંગરોગાન છે. ઉપરનો ઓપ છે. વિચારવા જેવું છે કે પહેલાના આ સંસ્કારો આવા જોરાવર કેમ ? અને ત્યાર પછીના કમજોર કેમ ? કારણ તો સીધું છે નાનપણમાં ચિત્તની એકાગ્રતા કુદરતી હોય છે. અને એ હોવાથી સંસ્કાર પડે છે, જે ભૂંસાતા નથી.. આવો આ ચિત્તની એકાગ્રતાનો મહિમા છે. નાના છોકરાને વિશ્વાસ હોય છે. મા કહે તે વાત તેને માટે પ્રમાણ. તેને જે કહેવામાં આવે તે વાત તેને ખોટી લાગતી નથી. જે કહો તે બધું એને સાચું લાગે. બાળકની મંગલ વૃત્તિને લીધે તેના ચિત્ત ઝટ એકાગ્ર થઇ જાય છે.

આપણે જાણ્યું છે કે  ધ્યાનયોગના ત્રણ પરિમાણની સાથે બે સાધનો પણ વર્ણવ્યા છે. વૈરાગ્ય અને અભ્યાસ. એક વિધ્વંશક સાધન છે,  તો બીજું વિધાયક. ખેતરમાં ઉગી નીકળેલું નીંદણ ઉખેડી કાઢવું એ વિધ્વંશક કામ થયું. એને જ વૈરાગ્ય કહ્યું. બી રોપવું કે ઓરવું એ વિધાયક કામ છે. મનમાં સદ્દવિચારોનું ફરી ફરીને ચિંતન કરવું એ અભ્યાસ છે. આપણા આત્મામાં રહેલી મીઠાશ આપણી વસ્તુમાં રેડીએ તેથી પછી તે ચીજ આપણને મીઠી લાગે. તેથી અંદરની મીઠાશ ચાખતા શીખવું જોઈએ. ધ્યાનયોગ બતાવતા ભગવાને શરૂઆતમાં જ મહત્વની વાત કરી કે,  ‘ મારે મારો ઉદ્ધાર કરવો જ છે, હું આગળ જઈશ જ, હું ઉપર ઉંચો કૂદકો મારવાનો જ. આ મનખા દેહમાં હું આવો ને આવો પડી રહેનાર નથી. પરમેશ્વરની પાસે પહોંચવાની હું હિંમત રાખીને કોશિશ કરીશ.’  આવો દ્રઢ સંકલ્પ કરવાનો છે. આ બધું સાંભળીને અર્જુનને તો બહુ શંકા થયેલી તેથી તેણે તો પૂછી લીધું કે,  ‘હે ભગવાન હવે તો મોટા થયા બે દિવસ રહીને મરી જઈશું. પછી આ બધી સાધનાનો શો ઉપયોગ ?’  ભગવાને સ્મિત વેરીને કહ્યું,  મરણ એટલે લાંબા ગાળાની ઊંઘ. રોજની મહેનત કર્યા બાદ આપણે સાત આઠ કલાક ઊંઘીએ છીએ ને ? એ ઉંઘનો આપણને ડર લાગે છે ? ઉલટું એ ઊંઘ ન આવે તો ચિંતા થાય છે. એવી જ ઊંઘની જેમ મરણની જરુર છે. ઊંઘી ઉઠીને આપણે આપણું કામ ફરી શરૂ કરીએ છીએ તેવી જ રીતે મરણ પછી પણ પાછલી બધી સાધના આપણને આવીને મળવાની છે.

છઠ્ઠા અધ્યાયના એક શ્લોક ઉપર ખુબ મોટો ભાર સૌએ આપ્યો છે.

યોગે થયેલા યુક્તાત્મા સર્વત્ર સમદ્રષ્ટિનો

દેખે સૌ ભૂતમાં આત્મા ને સૌ ભુતોય આત્મમાં.. 

કહેવાય છે કે આ શ્લોક વાંચીને હેન્રી ડેવિડ થોડો નાચી ઉઠતો. આત્મભાવમાંથી પ્રગટતી સમદ્રષ્ટિનું મહત્વ છે. પ્રત્યેક જીવમાં રહેલો આત્મા આપણને એની સાથે આત્મીયતા કેળવવા પ્રેરે છે. ભગવાને બુદ્ધે બ્રહ્મ વિહારમાં પ્રબોધેલી મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાનો પાયો આત્મભાવ છે. બધું જ આત્મમય બને ત્યારે કશું ય પારકું ન રહે. અન્ય ન રહે, બધું જ એકાકાર,  બધું આનંદમય, બધું આત્મમય આવી નિઃસંગ વ્યાપક્તામાં બધું ઓગળી જાય. સમરસ થઈ જાય, પછી શોધ્યું ન જડે  એવી  સૂક્ષ્મતાને પામે. (ક્રમશ:)

એક  તરફ શૂન્યાગ્રતા છે,  તો બીજી તરફ અનેકાગ્રતા છે

એક તરફ શૂન્યાગ્રતા છે, તો બીજી તરફ અનેકાગ્રતા છે

સૃષ્ટિ પર મને એટલો ભરોસો હોવો જોઈએ કે જેટલો ભરોસો મને મારી જાત પ્રત્યે છે. 

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com 

                                           (15)

શ્રી ભગવાને કહ્યું, 

‘હે પાંડવ, જેને સંન્યાસ કહે છે, એને જ તું યોગ જાણ. કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈપણ માણસ યોગી નથી હોતો. જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સન્યાસી તેમજ યોગી છે.’ 

‘જયારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય. યોગમાં આરૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય.’ 

ભગવાન શ્રીકૃષ્ણ છઠ્ઠા અધ્યાયના આરંભમાં અર્જુનને આટલી સ્પષ્ટતાથી વાત કરે છે અને “ચિત્તવૃત્તિ નિરોધ” એવા શીર્ષક સાથેના છઠ્ઠા અધ્યાયના મંડાણ કરે છે. આપણે એ જોયું છે કે ધ્યાનયોગના મૂળ ત્રણ પરિમાણો છે :: 

ચિત્તની એકાગ્રતા રાખવી

જીવનની પરિમિતતા ટકાવી રાખવી 

અને સમદ્રષ્ટિને જાળવી રાખવી. 

ચિત્તની એકાગ્રતાનો આપણે વિશેષ ઉલ્લેખ કરીને તેમના વિશેની વાત જાણી ગયા છીએ. પ્રશ્ન એ થાય કે એકાગ્રતા તો જોઈએ પણ સધાય કેવી રીતે ? તે સારું શું કરવું ? ભગવાન કહે છે કે,  આત્મામાં મન પરોવી બીજા કશાનું ચિંતન ન કરવું. પણ એવું થાય ખરું ? મન શાંત, સ્વસ્થ કરવાની વાત મહત્વની ખરી પણ વિચારના  ચક્કરો જોર કરીને ફરતા હોય તેને અટકાવ્યા વિના એકાગ્રતા કેવી રીતે આવે ? બહારનું ચક્ર ગમે ત્યારે એકવાર ફરતું અટકાવી શકાય પણ અંદરનું ચક્ર તો ફર્યા જ કરે છે. ચિત્તની એકાગ્રતાને માટે બહારના સાધનો જેમ જેમ બતાવીએ તેમ તેમ આ અંદરનું ચક્ર વધુને વધુ જોશથી ફરવા લાગે છે. એક અગ્ર તરફ લક્ષ્ય સાધી આગળ વધીએ ત્યારે એક  તરફ શૂન્યાગ્રતા છે,  તો બીજી તરફ અનેકાગ્રતા છે.

કોઈકે વિનોબાજીને પૂછ્યું કે ધ્યાનમાં આંખ અર્ધી ઉઘાડી રાખવી એવું કેમ કહ્યું હશે ? વિનોબાજીએ કહ્યું : તમારા સવાલનો સાદો જવાબ આપું. આંખ પુરી મીંચી દેવાથી ઊંઘ આવે છે. બરાબર જોર કરીને ખુલ્લી રાખો તો ચારે બાજુ નજર ફરતી રહીને એકાગ્રતા થતી નથી. આંખ મીંચવાથી ઊંઘ આવે તે તમોગુણ, જોર કરીને ખુલી રાખવાથી નજર બધે ફર્યા કરે એ રજોગુણ ! આ બંનેમાંથી બચવા માટે થઈને વચલી સ્થિતિ બતાવવામાં આવી છે. એકાગ્રતાને માટે જીવનની શુદ્ધિ જરૂરી, બહારનું ચિંતન જલ્દી છૂટી જવું જોઈએ. ચિત્તની એકાગ્રતા ખુબ જ જરૂરી છે એટલી વાત ગળે ઉતરે તો જ એની શરૂઆત થાય. એક ગૃહસ્થીની બાબતમાં એક ભાઈ કહેતા હતા કે ગમે તેની  ખોલીમાં જાય તો ગમે તેની ખોલીમાં શું ક્યાં છે એ તેના ધ્યાનમાં આવી જાય. સાંભળનાર ભાઈના મનમાં થયું :  ‘હે ઈશ્વર,  આ મહિમા મારે માથે ન મારીશ. પાંચ, પચાસ ચીજોની મનમાં નોંધ રાખનારો હું કઈ તેનો સેક્રેટરી થોડો છું ? કે પછી મારે ચોરી કરવી છે ? પહેલો સાબુ ત્યાં હતો અને પહેલું ઘડિયાળ પણે હતું એ બધું મારે શું કરવા જાણવું ? મારે એ બધું જાણીને કરવું છે શું ? આંખને આમ વધારે પડતી ભટકવાનું મારે છોડવું જોઈશે.’ એવું જ કાનનું. કાન ઉપર ચોકી રાખવાની. કાનની પણ વધારે પડતી નકામી પ્રવૃત્તિ ન થાય. જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવવાની છે. ખરાબ વસ્તુ જોવાની જ નહીં. ખરાબ કંઈ  વાંચવાનું જ નહીં. નિંદા કરતી સ્તુતિ સાંભળવાની જ નહીં. દોષવાળી વસ્તુ ખપે જ નહીં. નિર્દોષ વસ્તુનું પણ  વધારે પડતું સેવન ન જોઈએ. કોઈ ચીજ વધારે પડતી ન ન જોઈએ. ફળાહાર શુદ્ધ આહાર છે પણ તે યથેચ્છ ન હોવો જોઈએ. આ થાય તો જ જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવી શકાય. ત્રીજી ધ્યાનયોગની બાબત છે સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ એટલે શુભદ્રષ્ટિ. તમે જ્યાં સુધી દ્રષ્ટિથી શુભ જુઓ નહીં ત્યાં સુધી ચિત્ત કદી એકાગ્ર થાય નહીં.  સમદ્રષ્ટિ ધીમે ધીમે કેળવવી જોઈએ. એટલે કે આખી સૃષ્ટિ આપણને મંગલ મંગલ ભાસવી જોઈએ. અરે સૃષ્ટિ પર મને એટલો ભરોસો હોવો જોઈએ કે જેટલો ભરોસો મને મારી જાત પ્રત્યે છે. 

એક સરસ પ્રસંગ ટાંક્યો છે વિનોબાજીના ગીતાઈમાં.. સ્વામી રામદાસ રામાયણ લખતા અને લખાતું જાય તેમ તેમ શિષ્યોને વાંચી સંભળાવતા. મારુતિ પણ તે સાંભળવાને ગુપ્ત રીતે આવીને બેસી જતા. સ્વામી સમર્થે લખ્યું કે,  ‘મારુતિ અશોકવનમાં ગયો. ત્યાં તેણે ધોળા ફૂલ જોયા.’ તે સાંભળતા વેંત મારુતિએ છતા થઈને કહ્યું,  ‘મેં ધોળા ફૂલ જરા પણ જોયા નથી. મેં જોયેલા તે ફૂલ લાલ હતા. તમે ખોટું લખ્યું છે સુધારો કરો.’ સ્વામી સમર્થ કહે,  મેં લખ્યું છે તે બરાબર જ છે. તેં  ધોળા જ ફૂલ જોયા હતા. મારુતિએ સામે દલીલ કરી,  અરે,  હું પોતે જોનારો કહું  છું તો પણ ખોટું ? છેવટે તકરાર રાજા રામ પાસે પહોંચી. રામચંદ્રજીએ કહ્યું,  ફૂલ ધોળા જ હતા. પણ મારુતિની આંખ તે વખતે ક્રોધથી લાલચોળ થઇ ગઈ હતી,  તેથી ધોળા સફેદ ફૂલો તેને  લાલ દેખાયા… આ વાર્તા તો મીઠડી છે પણ એનો સાર એનાથી પણ વધુ મીઠો છે. દુનિયા તરફ જોવાની આપણી દ્રષ્ટિ જેવી હશે તેવી દુનિયા આપણને દેખાશે. (ક્રમશ:)

 

વ્યવહાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે

વ્યવહાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે

સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની આપણી ઉદાર દ્રષ્ટિ.

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

                                                 (14)

છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાની શરૂઆત થઈ છે. વળી, અહીં માનસિક સાધના અંગે પણ સ્પષ્ટતા છે. 

ગીતા કહે છે, ‘અરે જીવ,  તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું  રાખી પાંખ બરાબર મજબૂત રાખ…’

સાધનાના વિકર્મના જુદા જુદા પ્રકારો છે…. 

ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાન વિજ્ઞાન, ગુણ વિકાસ, આત્માનાત્મ વિવેક વગેરે.. આ  વિવિધ પ્રકારોમાંથી છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ નામનો સાધનાનો પ્રકાર વર્ણવ્યો છે.

ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે. 

૧) ચિત્તની એકાગ્રતા 

૨) (ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી) જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું 

અને 

૩) સામ્યદશા અથવા સમદ્રષ્ટિ. 

આ ત્રણ બાબત ન હોય તો સાચી સાધના ન થાય. 

ચિત્તની ચંચળતા ઉપર અંકુશ રાખવાનો અર્થ જ ચિત્તની એકાગ્રતા છે. 

જીવનની પરિમિતતા એટલે શું ? સર્વ ક્રિયાઓ માપસર હોય તે.. કોઈ વધુ નહીં કોઈ ઓછું નહીં.. અને સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની આપણી ઉદાર દ્રષ્ટિ. આ ત્રણ બાબતો મળે એટલે ધ્યાન યોગ થાય. 

ચિત્ત એકાગ્ર થવું જોઈએ એટલે કે એની ચંચળતા ઉપર અંકુશ આવવો જોઈએ. બધી ક્રિયાઓ માપસર કરવી જોઈએ. અને સમગ્ર વિશ્વને ઉદાર દ્રષ્ટિથી જોવું જોઈએ. આ ત્રણેય સાધનાની કેળવણીને માટે બીજા બે સાધનો પણ છે. શ્રીમદ ગીતા તેને અભ્યાસ અને વૈરાગ્ય એવું નામ આપે છે. આમ ધ્યાનયોગના ત્રણ મુદ્દા અને પછી બીજા બે સાધનો એમ પાંચેય બાબતોની ચર્ચા છઠ્ઠા અધ્યાયમાં કરવામાં આવી છે.

ધ્યાનયોગનું પહેલું પગથિયું એટલે ચિત્તની એકાગ્રતા. કોઈપણ કામ કરીએ એમાં એકાગ્રતા ન પરોવીએ તો એ કામ યોગ્ય થતું નથી. વ્યવહાર કરીએ તો એમાં પણ એકાગ્રતા જોઈએ. ઘણા લોકો એવું માને છે કે વ્યવહારના નિયમો જુદા હોય અને પરમાર્થના નિયમો પણ જુદા હોય. એ સાચું નથી. વ્યવહાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે. કોઈ પણ વ્યવહાર કેમ ન હોય ? તેમાં જશ અપજશ તમારી એકાગ્રતા ઉપર આધાર રાખે છે.  વેપાર, વ્યવહાર, શાસ્ત્ર શોધન, રાજકારણ, મુત્સદીગીરી ગમે તે લઈ લઈએ. દરેકમાં સફળતા મળશે તેનો આધાર તે પુરુષની ચિત્તની એકાગ્રતા પર છે. 

એકાગ્રતાનો જથ્થો કેટલો હોય એનું એક ઉદાહરણ જોઈએ. 

નેપોલિયન માટે એમ કહેવાય છે કે એક વખત યુદ્ધની વ્યવસ્થા ગોઠવી દીધા પછી રણક્ષેત્રમાં તે ગણિતના સિદ્ધાંત ઉકેલવા બેસી જતો. પોતાના તંબુઓ ઉપર ગોળાઓ પડે, પોતાના માણસો મરતા હોય પણ નેપોલિયનનું ચિત્ત બસ ગણિતમાં જ મશગુલ. આ એકાગ્રતા બહુ જબરી નથી પણ ઉંચા પ્રકારની તો જરૂર અને એનો જથ્થો પણ વધુ સારો… 

ખલીફા ઉંમરની આવી જ વાત છે. લડાઈ ચાલુ હોય ત્યારે પણ પ્રાર્થનાનો વખત થતાની સાથે ખલીફા પ્રાર્થના કરવા માંડતા. અને પ્રાર્થનામાં એમનું ચિત્ત એટલું નિમગ્ન થઈ જતું કે કોના માણસો કપાય છે તેનો ખ્યાલ પણ તેમને રહેતો નહીં. પહેલા મુસલમાનોની આવી પરમેશ્વર નિષ્ઠા અને કેવળ  એકાગ્રતાને લીધે ઈસ્લામ ધર્મનો ખરેખર ફેલાવો થયો છે. 

એક રોમાંચક વાત જાણીએ. એક મુસલમાન સાધુ હતો તેના શરીરમાં બાણ વાગ્યું તે બાણને લીધે તેને ખુબ વેદના થતી હતી.  બાણ કાઢવા જાય તો હાથ લગાડતાંની સાથે વેદના વધારે થતી. આમ એ બાણ કાઢવાનું પણ શક્ય નહોતું. આજે બેભાન કરવા માટેની જે ક્લોરોફૉમ વગેરે દવાઓ આવે છે એવી દવાઓ ત્યારે નહોતી. એટલે મોટો સવાલ ઉભો થયો.  તે સાધુ વિશે જે લોકોને માહિતી હતી તેમાના કેટલાક જણે આગળ આવીને કહ્યું,  ‘અત્યારે બાણ કાઢવાનું રહેવા દ્યો. આ સાધુ પ્રાર્થનામાં બેસશે એટલે પછી તે બાણ કાઢીશું.’ સાંજે પ્રાર્થનાનો વખત થયો, સાધુ પ્રાર્થનામાં બેઠા. એક જ પળમાં તેમના ચિત્તની એકાગ્રતા એવી થઈ ગઈ કે પેલું બાણ તેના શરીરમાંથી ખેંચી કાઢ્યું તો પણ તેને ભાન સરખું ન રહ્યું. બસ આ એકાગ્રતા આપણામાં આવે એને ચિત્તની એકાગ્રતા કહેવાય. ધ્યાન યોગનું આ પહેલું પગથિયું છે. ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે. ચિત્ત એક અગ્ર થાય તો સામર્થ્ય કદી ઓછું ન થાય. એકાગ્રનો અર્થ એવો કે  અગ્ર રહેલા એક ઉપર ધ્યાન બરાબર લગાવો. (ક્રમશ:)

ચિત્ત એક અગ્ર પર ધ્યાનસ્થ થાય તો સામર્થ્ય કદી ઓછું ન થાય

ચિત્ત એક અગ્ર પર ધ્યાનસ્થ થાય તો સામર્થ્ય કદી ઓછું ન થાય

એકાગ્રનો અર્થ એવો કે  અગ્ર રહેલા એક ઉપર ધ્યાન બરાબર લગાવો.

ભદ્રાયુ વછરાજાની                             bhadrayu2@gmail.com 

                                             (13) 

છઠ્ઠા અધ્યાયનું શીર્ષક છે ચિત્ત નિરોધ. ઋષિ પતંજલિ ચિત્ત વૃત્ત્તિ નિરોધ કહે છે,  તે આ છઠ્ઠા અધ્યાયનો પાયો છે. આપણે કર્મ અને સંન્યાસ એ બંને બાબતો વિશે પાંચમા અધ્યાયમાં જાણી ચૂક્યા છીએ. કર્મ, વિકર્મ અને અકર્મ મળીને બધી સાધના પૂર્ણ થાય છે. કર્મ સ્થૂળ વસ્તુ છે. જે સ્વધર્મ-કર્મ આપણે કરીએ તેમાં આપણા મનનો સહકાર હોવો જોઈએ. મનની કેળવણીને માટે જે કર્મ કરવાનું છે તે વિકર્મ છે એટલે કે વિશેષ કર્મ છે અથવા તો સૂક્ષ્મ કર્મ છે. કર્મને વિકર્મ બંને જાણવા જરૂરી છે. એ બંનેનો પ્રયોગ કરતા કરતા અકર્મની ભૂમિકા તૈયાર થાય છે. આપણે અગાઉ જોયું કે એ ભૂમિકામાં કર્મ અને સંન્યાસ બંને એક જ રૂપ થઈ  જાય છે. કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતા અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે એવું આ છઠ્ઠો અધ્યાય કહે છે. ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. શ્રી ભગવાન બોલ્યા : 

ફળનો આશરો છોડી કરે કર્તવ્ય કર્મ જે,

એ સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ નિષ્ક્રિય. 

સંન્યાસ જે કહે લોકો તેને તું યોગ જાણજે

વિના સંકલ્પને છોડી યોગી થાય ન કોઈએ. 

યોગમાં ચડવા કાજે કારણ કર્મ તો કહ્યું

યોગે સિદ્ધ થયેલાને કારણ શાંતિ તો કહ્યું. 

જયારે વિષય ભોગે કે કર્મે આસક્ત થાય ના 

સર્વ સંકલ્પ સંન્યાસી યોગસિદ્ધ થયો ઘણો. 

એક સુંદર સંદેશ છઠ્ઠો અધ્યાય આપણને આપે છે. ગાંઠે બાંધવા જેવો,,,

આપને તારવી આપે, આપને ન ડુબાડવો,

 આપ જ આપનો બંધુ, આપ જ શત્રુ આપનો. 

જીતે જે આપને આપ તે આત્મા આત્માનું સખા 

જો અજીતેલ આત્મ તો આત્મજ શત્રુશો. 

શાંત ચિત્ત જિતાત્માનો પરમાત્મા સમાધિમાં 

ટાઢે, તાપે, સુખે દુખે માનાપમાનમાં રહે,

 વાલા વેરી સખા મધ્ય, ઉદાસી દ્વૈષયને સગા. 

સાધુ અસાધુમાં જેને સમબુદ્ધિ વિશેષ તે. 

મારો આધાર હું છું, મને ડુબાડનારો હું છું, મને તારનારો હું છું, જે કાંઈ કરું તે મારા માટે મારે કરવાનું છે.

છઠ્ઠા અધ્યાયમાં હકીકતમાં પાંચમા અધ્યાયનું વિસ્તૃતીકરણ છે. જે જે અવસ્થાઓનું વર્ણન તે અધ્યાયમાં થયું તેના સાધનો ક્યાં ક્યાં તેનો ઉલ્લેખ આ છઠઠા અધ્યાયમાં થયો છે.

લોકમાન્ય તિલકે ગીતા રહસ્ય લખ્યું છે અને એમાં એમણે એક બાબત તરફ ધ્યાન ખેંચ્યું છે. “ગીતા એ ગ્રંથ સર્વ સાધારણ વ્યવહારુ લોકોને માટે છે. ભગવત ગીતા તમામ દુનિયાને સારું છે. પરમાર્થમાં આવતું એકે એક સાધન દરેક વ્યવહારુ માણસને માટે છે.” આપનો વ્યવહાર શુદ્ધ તેમજ નિર્મળ થાય અને મનને સમાધાન તેમજ શાંતિ કઇ રીતે મળે એ વાત પરમાર્થ શીખવે છે. હકીકતમાં તો વ્યવહાર શુદ્ધ કેમ કરવો તે શીખવા માટે  ગીતા છે. જ્યાં જ્યાં વવ્યહાર કરો ત્યાં બધે જ ગીતા આવે જ આવે. પણ તે તમને ત્યાંને ત્યાં રહેવા દેવા માંગતી નથી. ગીતા તમારો હાથ ઝાલીને તમને છેવટે મુકામ પહોંચાડશે. પેલી કહેવત છે : ‘પર્વત મોહમ્મ્દ પાસે આવતો નહીં હોય તો મોહમ્મ્દ પર્વત પાસે જશે.’ એટલે કે પોતાનો સંદેશો જડ પર્વતને પહોંચે એવી ફિકર મોહમ્મ્દને હતી. પર્વત જડ હોવાથી તેના આવવાની વાટ જોઈને મોહમ્મ્દ બેસી રહેવા માંગતો ન હતો. આ જ વાત ગીતા ગ્રંથને પણ લાગુ પડે છે. ગરીબ, દુબળા, અણઘડમાં અણઘડ જે કોઈ હોય તે સૌની પાસે ગીતા પહોંચી જશે. પણ તે જ્યાં હશે ત્યાંને ત્યાં તેને કાયમ રાખવા માટે નહીં,  તેનો હાથ ઝાલીને આગળ લઈ જવા, ઉંચે ઉઠાવવા ગીતા જશે. માણસ પોતાનો વ્યવહાર શુદ્ધ કરતો કરતો પરમ ઉચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે અને હકીકતમાં ગીતાની હયાતી એટલા ખાતર છે.

આપણે લોકો છટકબારી શોધનારા વ્ય્વહારિયા છીએ. ‘હું સંસારી જીવ છું, મારાથી શું થાય ? આ સાડા ત્રણ હાથનો દેહ છે એમાં જે કયો તે બધું આવી ગયું.’ આ બધું બોલવું એ બંધનોની દીવાલ પોતાની આજુબાજુ ઉભી કરીને વર્તવા જેવું છે. આમ તો પશુઓ વર્તે. આગળ વધવાની, ઉંચે ચડવાની હિંમત રાખવી પડે. હું મારી જાતને ઉંચે લઈ જનાર છું એવું તો સતત મનમાં રટણ કરવું પડે. મનની શક્તિને હણવા માટે થઈને આપણે જાણે અજાણે  એવું બોલતા હોઈએ કે,  ‘હું તો શુદ્ર સંસારી જીવ છું.’ એમ કરીને આપણે કલ્પનાની પાંખો તોડીએ છીએ. કલ્પનાને તો વિશાળ કરવાની છે. કલ્પનાની શક્તિથી તો સૂર્ય સુધી પહોંચી જ શકાય  છે આપણે.  સૌ એનાથી ઉલટી રીતે ચાલીએ છીએ. આપણામાં રહેલી શક્તિને આપણે હીનભાવને લીધે મારી નાખીએ છીએ. ખુદ કલ્પનાના પગ તોડી નાખીએ તો પછી નીચે પડવા સિવાય બીજું કંઈ છે ? એટલે જ ગીતા કહે છે,  ધોરી રસ્તો ના છોડીશ. આત્માનું અપમાન ન કરીશ.’’  સાધકમાં તો વિશાળ કલ્પના હોવી જોઈએ. આત્મવિશ્વાસ હશે તો જ તે ટકવાના છે. અને એમ થશે તો ઉદ્ધાર થશે.

આપણે એવું માનીએ છીએ કે ધર્મ કેવળ સંતો માટે છે. અને સંતો પાસે જઈએ ત્યારે પણ એવું પ્રમાણપત્ર લેવાનું કે ‘હું જે રીતે વર્તુ છું તે બરાબર છે’ આ તો દુન્યવી અને ક્ષુલ્લ્ક બાબત થઈ. કર્મની મદદમાં વિકર્મ હંમેશા રહેવું જોઈએ. એ બંનેની મદદથી અકર્મની જે દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે તેની અને તેના પ્રકારોની વાત પાંચમા અધ્યાયમાં કરી છે. છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાની શરૂઆત થઈ છે. માનસિક સાધનાની વાત અહીં બતાવી છે. ગીતા કહે છે,  અરે જીવ,  તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું  રાખી પાંખ બરાબર મજબૂત રાખ… સાધનાના વિકર્મના જુદા જુદા પ્રકારો છે. ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાન વિજ્ઞાન, ગુણ વિકાસ આત્માનાત્મ વિવેક વગેરે વિવિધ પ્રકાર છે. છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ નામનો સાધનાનો પ્રકાર વર્ણવ્યો છે.

ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે.

૧) ચિત્તની એકાગ્રતા

૨) ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું અને

૩) સામ્યદશા અથવા સમદ્રષ્ટિ.

આ ત્રણ બાબત ન હોય તો સાચી સાધના ન થાય. (ક્રમશ:)

સન્યાસ અને કર્મયોગ એ જુદા છે જ નહીં.

સન્યાસ અને કર્મયોગ એ જુદા છે જ નહીં.

સન્યાસી ખાલી ને કોરો દેખાય તો પણ તે અપરંપાર કર્મથી ભરપૂર હોય છે.

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com

(12)

પાંચમા અધ્યાયમાં સન્યાસના બે પ્રકારની તુલના કરેલ છે.
1. કર્મ કરનારો ચોવીસે કલાક કર્મમાં મચ્યો રહે છે છતાં કશું કરતો નથી.
2. ક્ષણભર પણ કર્મ ન કરવા છતાં સર્વ કંઈ કરે છે.
એક, બોલવા છતાં ન બોલવાની રીત છે તો બીજી, ન બોલવા છતાં બોલવાની રીત છે. સન્યાસના બે પ્રકારની સુંદર સરખામણી અહીં કરવામાં આવેલ છે.
વિનોબાજી તો ત્યાં સુધી કહે છે કે, આજ સુધીમાં માણસની બુદ્ધિએ જે જે ઊંચા કુદકા માર્યા છે તેમાંનો સૌથી ઊંચો કૂદકો આ સન્યાસ સુધી પહોંચ્યો છે. એનાથી ઊંચે હજી કોઈએ કૂદકો માર્યો નથી.

ન કરવા છતાં કરવું અને બધું કરતા રહેવા છતાં લેશમાત્ર કરવું નહીં. આ કલ્પનામાં જે આનંદ , ઉત્સાહ, સ્ફૂર્તિ અને દિવ્યતા છે તે પાંચમા અધ્યાયને ખુબ જ ઊંચી ભૂમિકા પર બેસાડે છે. બધું કરવા છતાં કશું ન કરવું એ યોગ છે અને એ જ રીતે કશું ન કરવું તે છતાં બધુંયે કરવું એ પણ યોગ જ છે. કેવળ, તુલના કરતી વખતે એકને યોગ અને એકને સન્યાસ કહ્યો છે. જેમ ભૂમિતિમાં કે ગણિતના દાખલામાં ‘ધારો કે…’ એમ કહીને જે નથી તે ધારી લેવામાં આવે છે તે જ રીતે ભક્તિમાં પણ ધારો કે કહીને આગળ વધવાનું છે.

યાજ્ઞવલ્કય સન્યાસી હતા. જનક કર્મયોગી હતા. સન્યાસી યાજ્ઞવલ્ક્યના શિષ્ય જનક અને જનકનો શિષ્ય શુકદેવ, એ પાછો સન્યાસી !! આમ, માળા જોડાણી પણ કેવી રીતે તે જુઓ :: સન્યાસી-કર્મયોગી-સન્યાસી !! આનો અર્થ તો એવો જ કે યોગ અને સન્યાસ એક પરંપરામાં આવે છે. હવે જરાક લાબું વિચારીએ. રાજા પરીક્ષિતને શાપ હતો તેને દૂર કરવા સળંગ સાત દિવસ શુકદેવજીએ એક પલાંઠીએ બેસીને શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું. કુલ એકસોને અડસઠ કલાક સુધી બેસીને સતત કથા કહેનાર શુકદેવજીને કશો જ ભાર ન લાગ્યો, થાક ન લાગ્યો કે મહેનત કરી એવું પણ ન લાગ્યું. અર્થ એ કે સન્યાસ અને કર્મયોગ એ જુદા છે જ નહીં.

એક મઝાની કથા છે. જ્ઞાનદેવને ચાંગદેવે એક પત્ર મોકલ્યો. એ પત્ર કોરો કાગળ જ હતો. ચાંગદેવ કરતા જ્ઞાનદેવ ઉંમરમાં નાના. “ચિરંજીવી” લખવા જાય તો બીજી બાજુથી જ્ઞાનદેવ જ્ઞાનમાં મોટા. “તીર્થસ્વરૂપ” લખવા જાય તો ઉંમરમાં નાના હતા. સંબોધન સૂઝ્યું નહીં. એટલે ચાંગદેવે કોરો કાગળ પત્રરૂપે મોકલાયો. એ કાગળ પહેલો નિવૃતિનાથના હાથમાં આવ્યો. તેમણે તે કોરો કાગળ વાંચીને જ્ઞાનદેવના હાથમાં મુક્યો. જ્ઞાનદેવે વાંચીને મુક્તાબાઈને આપ્યો. મુક્તાબાઈએ એ વાંચીને કહ્યું : અલ્યા, ચાંગા , આવડો મોટો થયો તો એ હજી કોરો જ રહ્યો!! નિવૃત્તિનાથના વાંચવામાં જુદો અર્થ આવ્યો હતો. તેમણે કહ્યું,: “ચાંગદેવ કોરો છે, શુદ્ધ છે, નિર્મલ છે અને ઉપદેશ આપવાને લાયક છે.” એવું કહીને તેમણે જ્ઞાનદેવને જવાબ લખવાને જણાવ્યું. જ્ઞાનદેવે પાસંઠ ઓવીનો કાગળ મોકલ્યો જે ‘ચાંગદેવ પાસષ્ટિ’ તરીકે ખ્યાત છે. લખેલું વાંચવું સહેલું છે, પણ ન લખેલું વાંચવું અઘરું છે. સાર એટલે જ કે સન્યાસી ખાલી ને કોરો દેખાય તો પણ તે અપરંપાર કર્મથી ભરપૂર હોય છે.

ભગવાને થોડી ગમ્મ્ત પણ કરી છે. કર્મયોગી એટલે સન્યાસી અને સન્યાસી એટલે કર્મયોગી, એવું સમજાવનાર ભગવાન કહે છે કે, સન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે !! ચિંતકોએ એવી સમજ પાડી છે કે ભગવાન એવું કહે કે, કર્મયોગ ચડિયાતો છે ત્યારે ભગવાન સાધકની દ્રષ્ટિથી કહે છે. એક પણ કર્મ ન કરવા છતાં સર્વ કર્મ કરનાર તો સિદ્ધ જ હોઈ શકે !! સાધકને માટે તો આ ઘણું દૂરનું છે. સાધકની નજરે કર્મયોગ ચડિયાતો છે, જયારે સિદ્ધની નજરે સન્યાસ આગળ છે. કર્મયોગ રસ્તા પર પણ છે ને છેક મુકામ પર પણ છે. સન્યાસ એકલા મુકામ પર છે, રસ્તામાં નથી. શાસ્ત્ર આ વાત આમ કહે છે : કર્મયોગ સાધન પણ છે અને નિષ્ઠા પણ છે. સન્યાસ એકલી નિષ્ઠા છે. આ નિષ્ઠા એટલે અંતિમ અવસ્થા.

કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે.

કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે.

પણ અહીં કર્મ ન કરવું એટલે શું ? ‘જેટલા કર્મો કરવાના છે તે કરતા રહેવા છતાં તે બધા ખરી જાય તેવી યુક્તિ હસ્તગત કરી લેવી.’

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com

(11)

મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગમાં આઠ પગથિયાં ચડ્યા પછી સમાધિનું સ્થાન છે. આગળના સાત આયામો સિદ્ધ કર્યા વગર આઠમું સ્થાન દુર્લભ છે અને આ સાતેય પગથિયાં સહજ કર્મ કરી અને મનને કર્મથી પ્રભાવિત થવા દીધા સિવાય હાંસિલ કરવાના છે. ખુદને ખબર ન પડે અને ચિત્ત કોઈ કર્મ કરે તે સાચી ઉપલબ્ધી ગણાય. 

કર્મની વાત આવે એટલે સૂક્ષ્મ જ્ઞાન ધરાવનારાઓ કર્મના અનેક પ્રકારો ગણાવવા લાગશે અને એ નામો આપીને કર્મની ઓળખને ગૂંચવી નાખશે. આ અલ્પજ્ઞાનને છાંટવાની પ્રવૃત્તિ અહંકાર તરફ લઇ જાય છે. કેવળ માહિતી પૂરતું જો આ કર્મોને સમજવા હોય તો….. 

બેન્કનું ચાલુ ખાતું એટલે કે કરંટ  એકાઉન્ટ તે ક્રિયમાણ  કર્મ ..

બેન્કનું બચત ખાતું એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ તે સંચિત કર્મ…

બેન્કનું બાંધી મુદ્દતનું ખાતું એટલે કે ફિક્સ્ડ ડિપોઝીટ તે  પ્રારબ્ધ કર્મ…   

એક વડીલ મિત્રએ બીજા વડીલ દોસ્તને પત્ર લખી કહ્યું કે, પોતે અમુક લાખ રામનામ જાપ કરવાના છે. તમે પણ તેમાં ભાગ લો અને રોજ કેટલા જાપ કરો છો તે મને જણાવજો એટલે હું તે પ્રમાણે ગણતરી રાખીશ. પેલા ભાઈ પોતાની સમજ પ્રમાણે લખી રહ્યા હતા પણ જેમને પત્ર મળ્યો તેમણે  એમ વિચાર્યું કે રામનામના જાપ લેવાના હોય, ગણવાના ન હોય. રામનામ કંઈ  ગણવાની ચીજ નથી. બાળકની સેવા કરનાર મા ક્યાં ગણે છે કે મેં કેટલી વાર ભીનું બાળોતિયું બદલ્યું ? મન પરોવીને અને હૃદય રેડીને જો કર્મ કરીએ તો કર્મ રહેતું જ નથી. જે કરીએ તે અકર્મ બની જાય તો પછી તેમાં ક્લેશ કે કષ્ટ કે વાંધો કશું રહે જ ક્યાંથી ? સૂર્ય ઉગે છે ને આથમે છે, પવન વાય છે, પંખી ઉડે છે, નદી ખળખળ વહે છે, વરસાદ વરસે છે કે પ્રકૃતિ કોઈના કહ્યા વગર નિત્ય કાર્યરત છે, બસ આ સઘળા કર્મો સહજ કર્મો છે, તેની કોઈ ગણતરી નથી કે તેનો કોઈ ભાર નથી એટલે તો એ અકર્મનો દરજ્જો પામે છે. 

અકર્મની એક બાજુ યોગ છે અને અકર્મની બીજી બાજુ સન્યાસ છે. સન્યાસ એટલે સર્વ કર્મો છોડી દેવા. સર્વ કર્મોમાંથી મુક્ત થવું. કર્મો બિલકુલ ન કરવા તે સન્યાસ….પણ અહીં કર્મ ન કરવું એટલે શું ? તે સમજી લેવાની ખાસ જરૂર છે, અન્યથા મોટી ગડબડ થશે. 

એક માણસની વાત છે. તેની પાસે સોનાના મોટા મોટા કીમતી દાગીના હતા. તે બધા તેણે  એક મોટી પેટીમાં બંધ કરીને રાખવા હતા, નોકર એક ખાસી મોટી લોઢાની પેટી કરાવી લાવ્યો. તે જોઈને દાગીનાના ધણીએ કહ્યું, કેવો મૂરખો છે ! અરે ડફોળ, તને સૌંદર્યનો કંઈ ખ્યાલ છે કે નહીં ? આવા સુંદર કીમતી દાગીના તે આવી ભૂંડી લોઢાની પેટીમાં મૂકવાના હોય ? જા, મજાની સોનાની પેટી કરાવી લાવ. નોકર સોનાની પેટી કરાવી લાવ્યો. હવે એનું તાળું, તે પણ સોનાનું લાવ. સોનાની પેટીને સોનાનું તાળું જ શોભે. પેલો ભાઈ દાગીના સંતાડવા ગયો, સોનું ઢાંકવા ગયો. પણ તે સોનું ઢંકાયું કે ઉઘાડું પડ્યું ? ચોરને દાગીના શોધવાની માથાફોડ જ રહી નહીં! પેટી જ આખી ઉઠાવી કે કામ પત્યું. સારાંશ કે કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. આટલું વ્યાપક કર્મ આપણને ઘેરી વળ્યું હોય ત્યાં તેમાં સન્યાસ કઈ રીતે શક્ય બને ? હા, છે એક તરકીબ..જેટલા કર્મો કરવાના છે તે કરતા રહેવા છતાં તે બધા ખરી જાય તેવી યુક્તિ હસ્તગત કરી લેવી. સૂર્ય રાત દિવસ તપે છે. એક ગોળાર્ધમાંથી નીકળી બીજામાં.. પણ સતત પ્રકાશતો જ રહે છે. ચોથા અધ્યાયમાં ભગવાન આખે છે કે : “મેં આ યોગ પહેલા સૂર્યને બતાવ્યો અને તેની પાસેથી મનન કરનાર મનુએ એ યોગ શીખ્યો.” સૂર્ય ચોવીસેય કલાક પ્રવૃત્ત છે છતાં જાને કોઈ જ કર્મ કરતો જ નથી !! 

વિનોબાજી તો ત્યાં સુધી કહે છે કે એક વ્યક્તિ મોજમાં રહીને કર્મ કર્યા  જ કરે છે અને તેનો આનંદ લૂંટે છે અને   બીજી વ્યક્તિ એક બાજુ મૌન ધારણ કરીને બેઠો રહે છે, તો પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા  સો વાર સન્યાસી છે. ટૂંકમાં, સન્યાસી કર્મ કરવા છતાં કરતો નથી. (ક્રમશઃ)

મુસ્લિમોને જેટલું સ્પષ્ટ ગાંધીજી કહી શક્યા છે તેટલું કોઈએ કહ્યું નથી !!

મુસ્લિમોને જેટલું સ્પષ્ટ ગાંધીજી કહી શક્યા છે તેટલું કોઈએ કહ્યું નથી !!

ગાંધીજીના શબ્દોમાં જ બધું  જાણીએ તો સાધાર વાત સમજાશે.

ભદ્રાયુવછરાજાની                               bhadrayu2@gmail.com 

ભારતે મહાત્મા ગાંધીને સાચવ્યા વગર ચાલે એમ નથી, કારણ કે વિશ્વ ગાંધીજીને વધુને વધુ અપનાવી રહ્યું છે. આપણને ગાંધીજીનો વિરોધ કરીને તેને નીચા દેખાડવાનો આફરો ચડ્યો છે ત્યારે આજે આપણે ગાંધીજીના જ શબ્દોમાં અને આધારભૂત રીતે છપાયેલા દસ્તાવેજોમાંથી જ થોડું ઊંડાણથી જાણીએ. 

થોડા વર્ષો પહેલા અમેરિકાની એક કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ૪૫૦ વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન પૂછવામાં આવેલો કે ૨૦ મી સદીમાં જીવી ગયેલી મહાન વ્યક્તિઓમાં તમે સૌથી વધુ કોને ચાહો છો ? વિદ્યાર્થીઓને ૧૦૪ વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા હતા. તેમાંથી પોતાની પસંદગીની એક વ્યક્તિનું નામ એમણે આપવાનું હતું. વિદ્યાર્થીઓએ આપેલા જવાબોમાં સૌથી વધુ મત ગાંધીજીને મળ્યા હતા. બહારના દેશોમાં પણ યુવાનોનું મન કઈ દિશામાં વહે છે એની ઝાંખી આ વાત ઉપરથી આપણને મળે છે.  

પ્રસિદ્ધ મહાન વૈજ્ઞાનિક અને માનવતાવાદી આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું છે : અમે કોઈ જ્યાં પહોંચી શકતા નહોતા ત્યાં એની પહોંચ હતી. દુનિયામાં આવો કોઈ માણસ આ ધરતી પર ચાલ્યો નહોતો. દેવળોમાં, મંદિરોમાં, મસ્જિદોમાં અને ગુરુદ્વારાઓમાં જે ભગવાન રહે છે તે ભગવાનમાં મને શ્રદ્ધા નથી, મારી નિષ્ઠા નથી પરંતુ પેલા ગાંધીએ જે સત્ય અને ભગવાનની ઉપાસના કરી છે તે વૈજ્ઞાનિક છે. એમાં મારી શ્રદ્ધા એ છે અને નિષ્ઠા પણ છે.

અમેરિકાના પ્રસિદ્ધ પાદરી હોમ્સે વર્ષો પહેલા ૧૯૨૦ માં એક ધર્મ પ્રવચનમાં ગાંધીજીને આધુનિક યુગના સૌથી મહાન પુરુષ તરીકે બિરદાવ્યા હતા. તેમણે કહ્યું કે મને રોલાનો વિચાર આવે છે ત્યારે ટોલ્સટોય યાદ આવે છે. લેનિનનો વિચાર આવે છે તેની સાથે નેપોલિયન યાદ આવે છે. પરંતુ ગાંધીજીનો વિચાર આવે છે ત્યારે તો ઈસુ ખ્રિસ્તનું જ સ્મરણ મને થયા કરે છે.

ગાંધીજી વિશેના અનેક અભિપ્રાયો અને વલણો જાણ્યા પછી એક અભ્યાસી તરીકે મહાત્મા ગાંધી શું કહે છે એ જરા જાણીએ.

હરિજન બંધુમાં ૩૦ મી એપ્રિલ ૧૯૩૩ ના રોજ તેમણે લખ્યું : ‘સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે અને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં ભલે હું વૃદ્ધ થયો હોઉં પણ  મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે અને તે પ્રતિક્ષણ સત્યનારાયણની મારી વાણીને અનુસરવાની તત્પરતા છે. અને તેથી કોઈને બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે જો તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તો એક જ વિષયના બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત ગણવા.’ પોતાના લખાણો વિષે આટલી બધી સ્પષ્ટતા જે વ્યક્તિ કરી શકે કે ચાયત રાખી શકે એ માણસ ઈશ્વરમાં, ધર્મમાં, સર્વધર્મમાં કેટલો સ્પષ્ટ અને ચોખ્ખો હશે તે કહેવાની જરૂર ખરી ?  

કોઈએ પ્રશ્ન પૂછ્યો, ‘સેવાકાર્ય અને નામસ્મરણ એ બે માં પ્રધાનપદ કોને આપવું ?’ બહુ ત્વરિત જવાબ ગાંધીજીએ આપ્યો અને હરિજનબંધુમાં તેનો ઉલ્લેખ કર્યો. “કઠણ સેવાકાર્ય હોય કે એથી પણ કઠણ પ્રસંગ હોય તો પણ ભગવત ભક્તિ એટલે કે રામનામ બંધ થઇ જ ન શકે. નામસ્મરણનું બાહ્ય સ્વરૂપ પ્રસંગ પ્રમાણે બદલાતું રહેશે. રામનામ હૃદયમાં અંકિત થઇ ચૂક્યું પછી થોડું માળા છોડવાથી છૂટવાનું છે ?” એક તમિલ વચન ગાંધીજીના દિલમાં કોતરાયું હતું તેનો અર્થ એવો હતો કે,  ‘સર્વ અસહાય લોકોને સહાય કરનારો ઈશ્વર છે. એની સહાય યાચતી વખતે તમે જેવા હો તેવા તમારું હૃદય પૂરેપૂરું ખુલ્લું કરી તમારે તેની પાસે પહોંચવું જોઈએ. કોઈપણ જાતની ચોરી રાખ્યા વિના તમારે તેની મદદ યાચવી જોઈએ અને આપણા જેવા પતિતને ઈશ્વર ક્યાંથી સહાય કરે એવા વહેમનો ડર તમારા દિલમાં જરાય રાખવાની જરૂર નથી.’

એક મિશનરી પાદરીએ ગાંધીજીને પૂછેલું,  ‘તમે કોઈ યૌગિક ક્રિયાઓ કરો છો કે કેમ ?’ તેના જવાબમાં ગાંધીજીએ કહ્યું,  “યોગની ક્રિયા હું જાણતો નથી. હું જે  ક્રિયા કરું છું તે તો હું બાળપણમાં મારી દાઈ પાસેથી શીખેલો. મને ભૂતનો ડર લાગતો એટલે એ મને કહેતી ભૂત જેવું કઈ છે જ નહીં. છતાં તને ડર લાગે તો રામનામ લેજે. હું બાળપણમાં જે શીખ્યો તેને મારા માનસિક આકાશમાં વિશાળરૂપ ધારણ કર્યું છે. એ સુરીએ મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઈશુનું નામ લેતા અને મુસલમાનને અલ્લાહના નામમાંથી મળે છે. અહીંયા યાદ રાખીએ ઇસ્લામનો અલ્લાહ તે જ ખ્રિસ્તીઓનો ગોડ અને હિન્દુઓનો ઈશ્વર. આ બધી વસ્તુઓનો અર્થ તો એક જ છે. ને સમાન સંજોગોમાં એના સરખા જ પરિણામો આવે. માત્ર એ નામસ્મરણ તે પોપટિયા જેવું ન હોવું જોઈએ પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ. હિન્દુધર્મમાં જેમ ઈશ્વરના અનેક નામ છે તેમ ઇસ્લામમાં પણ ખુદાના ઘણા નામ છે. એ નામોથી જુદી જુદી વ્યક્તિઓનો નહીં પણ ઈશ્વરના જુદા જુદા લક્ષણોનું સૂચન થાય છે.

એક વખત એવો સવાલ પુછાયો કે, ‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેવી રીતે જોડાય ? તેનો જવાબ આપતા ગાંધીજી બોલ્યા : જયારે જયારે કોઈ વાંધો ઉઠાવે છે  કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારું છે એટલે મુસલમાનો એમાં કેમ જોડાઈ શકે ? ત્યારે મને મનમાં હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી, પારસીઓનો બીજો છે ? ના, સર્વ સમર્થ અને સર્વ વ્યાપી ઈશ્વર તો એક જ છે. એના નામ અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય એ નામથી આપણે એને ઓળખીએ છીએ. મારો રામ જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઇ ગયેલો રામચંદ્ર નથી.  મારો રામ તો સનાતન છે. કે કદી જન્મ લેતો નથી અને તેના જેવો બીજો કોઈ નથી. હું એક તેને જ ભજું છું એક તેની જ સહાય માંગુ છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો હક છે તેથી તેનું નામ લેવામાં મુસલમાને કે કોઈએ શા સારું વાંધો ઉઠાવવો જોઈએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક મુસલમાને કે બીજા કોઈએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરજસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે. અલ્લાહનું નામ લે કે ખુદાનું નામ લે પણ દેવના  સંગીતને કોઈ ન બગાડે એટલું ઘણું.” મુસ્લિમોને જેટલું સ્પષ્ટ ગાંધીજી કહી શક્યા છે તેટલું કોઈએ કહ્યું નથી !!

ગાંધીજીએ પ્રાર્થના સભાને સંબોધીને કરેલા એક પ્રવચનમાં એ પ્રમાણે કહ્યું કે,  “મારા પર કાગળોનો અને રોષે ભરેલા સવાલોનો ધોધ છૂટ્યો છે. મને પૂછવામાં આવે છે કે તમે તમારી જાતને મુસલમાન કહીને કેમ ઓળખાવો છો ? રામ અને રહીમ વચ્ચે કશો ફેર નથી એમ તમે શા માટે માનો છો ? મને પોતાને કલમો પઢવાનો જરાય વાંધો નથી એવું કહેવાની હદે તમે શા માટે ગયા છો ?અને તમે પંજાબ કેમ જતા નથી ? એટલે તમે એક અધૂરા હિંદુ નથી કે ? તમે હિંદુ સમાજમાં પાંચમી કતારિયાનું  કામ નથી કરતા કે ? અને તમારી અહિંસાથી હિંદુઓ નામરદ નથી બનતા કે ? આવા સવાલોવાળા કાગળો ઉપરાંત એક પરબીડિયું તો ‘મોહમ્મ્દ ગાંધી’ એવા સરનામે મને મોકલવામાં આવ્યું છે. આ બધા સવાલો પૂછનારાઓ સાથે શાંતિથી કામ લઉં છું. અને તેમને ધીરજથી જવાબ આપું છું. હું સામેથી પૂછું છું કે થોડા લોકોના પાપને કારણે આખા ઇસ્લામ ધર્મને કેમ વખોડી શકાય ? હું પોતે સનાતની હિંદુ છું અને હિંદુ ધર્મનો જ નહીં સર્વ ધર્મનો સાર સર્વધર્મ સમભાવ છે તેથી મારો દાવો છે કે હું હિંદુ છું, તેથી એક સારો મુસલમાન છું અને સારો ખ્રિસ્તી પણ છું. બીજાના કરતા આપણે ચડિયાતા છીએ એવો દાવો સાચા ધર્મભાવનો વિરોધી છે અહિંસાને માટે નમ્રતા પરમ આવશ્યક છે. અને હિંદુ શાસ્ત્રોમાં કહ્યું નથી કે ઈશ્વરના સહસ્ત્ર નામ છે અને એક રહીમ શા સારું ન હોય ? સહસ્ત્ર નામમાં એક નામ રહીમ પણ હોય. કલમામાં  મારા  ઈશ્વરની સ્તુતિ છે.  

કદાચ સૌને ખ્યાલ નહીં હોય કે મહાત્મા ગાંધીએ વિવિધ ધર્મોનો ઉંડાણથી અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યો એટલું જ નહીં તેના હાર્દ તત્વો સુધી તેઓ પહોંચ્યા અને તેના ભાષ્ય કહી શકાય એ પ્રકારના પ્રવચનો પણ તેમણે આપ્યા. શ્રીમદ ભગવદ ગીતા એ ગાંધીજીનો પ્રિય ગ્રંથ હતો. અને ગીતાના અનેક સમશ્લોકી અનુવાદો થયા, અનેક ભાષ્યો લખાયા તેમ મહાત્મા ગાંધીએ ગીતા ઉપર સુંદર મજાના ભાષ્ય સાથે બે પુસ્તક બહાર પાડયા, ‘ગીતાબોધ’ અને  ‘અનાસક્તિ યોગ.’ એમણે કહ્યું,  કૌરવ એટલે આસુરી વૃત્તિઓ અને પાંડવ એટલે દૈવી વૃત્તિઓ.  પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કોણ નથી અનુભવતું ?  

બાપુએ કહેલી આ વાત વાંચીશું પછી બાપુ વિષે દ્વિધાને કોઈ સ્થાન નહિ રહે : કેટલાક મુસલમાન મિત્રો મને અગાઉથી ખબર આપ્યા મુજબ મળવા આવ્યા.. તેમણે કહ્યું અમે વેદના અપુરુષેયત્વમાં માનીએ છીએ. અમે શ્રીકૃષ્ણજી મહારાજ અને રામચંદ્રજી મહારાજને માનીએ છીએ..(મહારાજ શબ્દ તેમણે જ વાપરેલો) ત્યારે હિંદુઓ પણ કુરાનને અપૌરુષેય ગ્રંથ કેમ ન માની શકે ? અને અમારી સાથે કેમ ન અજાન કેમ ન પોકારી શકે ? અમારો ધર્મ સંકુચિત સર્વત્યાગી નથી એ તો તત્ત્વતઃ સર્વગ્રાહી છે. મેં તમને કહ્યું કે,  આ નિરાકરણ તમે કહો છો તેવું સહેલું નથી. તમારો સિદ્ધાંત થોડા કેળવાયેલાને માટે ભલે સફળ હોય પણ સામાન્ય માણસને માટે તો તે નિષ્ફ્ળ પડે છે. સામાન્ય હિન્દુને મન તો ગોરક્ષા અને હરિ કીર્તન એ વસ્તુઓમાં જ હિન્દુત્વનો સાર સર્વસ્વ રહેલો છે. અને સામાન્ય મુસલમાનને મન ગોકશી અને વાજા વગાડતા બંધ કરાવવા એમાં ઇસ્લામનો સાર સર્વસ્વ આવી જાય છે. એટલે હિંદુઓ મુસલમાનોની પાસે પરાણે ગોકશી બંધ કરાવવાનો વિચાર માંડી વાળે અને મુસલમાનો હિન્દુઓની પાસે વાજા પરાણે બંધ ન  કરાવે એ જરૂરનું છે. અને પછી ગોકશી કરવાને અને વાજા વગાડવાને વિશે નિયમો કરવાનું તો તે કોમોની ભલમનસાઈ ઉપર છોડી દેવું જોઈએ. જેમ જેમ સહિષ્ણુતા વધતી જશે તેમ તેમ આ બંને પ્રથામાં મર્યાદા આવતી જશે. પણ આ કૂટપ્રશ્નમા હું અહીં વિસ્તારથી ઉતરવા માંગતો નથી. ઈશ્વર ખરેખર એક જ છે તે અદ્વિતીય છે. તે સર્વવ્યાપી છે,  આંખ વિના જુએ છે, કાન વિના સાંભળે છે. એ નિરાકાર છે, અભેદ છે, એ અજન્મા છે, એને માતા નથી,  પિતા નથી,  સંતતિ નથી. આપણે સમજીએ તો તે આપણી પાસે જ બેઠો છે. તેની સર્વવ્યાપક્તા આપણે સમજવા ન માંગીએ તો તે દૂરને દૂર છે. કુરાનને ઈશ્વર પ્રેરિત માનતા હું નથી અચકાતો જેમ બાઇબલ અને જંદ અવસ્તા ગ્રંથ સાહેબ અને બીજા નિર્મળ શાસ્ત્રોને ઈશ્વર પ્રેરિત માનતા હું નથી અચકાતો. ઈશ્વર પ્રેરિત ગ્રંથોનો ઈજારો કોઈ પણ એક રાષ્ટ્ર અથવા જાતિનો નથી. જો હું હિંદુ ધર્મને જરા પણ સમજતો હોઉં તો તે તત્ત્વતઃ, વ્યાપક, સદા વર્ધમાન તથા પરિસ્થિતિ પ્રમાણે નવો થનાર છે. કલ્પના તર્ક અને બુદ્ધિને માટે તેમાં સંપૂર્ણ સ્થાન છે. કુરાન અને પયગમ્બર સાહેબ માટે મન ઉપજાવતા હિંદુઓમાં મને કશી મુશ્કેલી પડી નથી. પણ મુસલમાન મંડળોમાં વેદો અને અવતારો તરફ માન ઉપજાવતા મેં મુશ્કેલી અનુભવી છે.  ભગવત ગીતા અને તુલસીદાસના રામાયણમાં મને ભારેમાં ભારે સાંત્વના મળે છે.  મારે ખુલ્લે દિલે કહેવું પડે છે કુરાન, બાઇબલ અને દુનિયાના બીજા ધર્મ ગ્રંથો માટે મને ખુબ માન હોવા છતાં તે મને કૃષ્ણની ગીતા અને તુલસીદાસના રામાયણ જેટલી અસર નથી કરતા.  

બધા માણસો ધર્મને નામે ઝગડતા જોવામાં આવે છે. હિંદુ, મુસલમાન, બ્રાહ્મણો, શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા  સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ એનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ એના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશકાળ ભેદે અને સ્વભાવ ભેદે નામ જુદા જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિંદુઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ નથી પાની કે નથી વોટર,  પણ જળ છે અથવા જળ કે પાની નથી પણ વોટર છે,  તો તો તે સાચે જ હાસ્યાસ્પદ છે. આ જ વાત વેદમાં ખેલી છે. एकम सत विप्रा बहुधा वदन्ति ગાંધીજી પોતે લખે છે. એક નવાઈ જેવું છે કે દુનિયાના બધા જ ધર્મના માણસો મને પોતાનો સમજે છે. જૈનો મને જૈન માને છે, કેટલાય બૌદ્ધો મને બૌદ્ધ માને છે,  એવા સેંકડો ખ્રિસ્તીઓ છે કે જેઓ એમ માને છે કે અમે જાણીએ છીએ કે તમે ખ્રિસ્તી છો પણ ડરના માર્યા તમે કબૂલ કરતા નથી. પણ તમે શા માટે ખુલ્લમ ખુલ્લા કહેતા નથી કે હું ખ્રિસ્તી છું અને પ્રભુ જીસસ નું સામ્રાજ્ય સ્વીકારું છું. ઘણા મુસલમાન ભાઈઓ મને મુસલમાન માને છે. આ બધાથી મને આનંદ થાય છે. આ બધું મારા તરફના પ્રેમ અને લાગણી દર્શાવે છે એમ હું માનું છું. હું પોતે તો મારી જાતને નમ્ર હિંદુ માનું છું. હું પોતે હિંદુ ધર્મનો જેમ વધુને વધુ ઊંડો અભ્યાસ કરું છું તેમ તેમ મને લાગે છે કે આખા વિશ્વ જેટલો વિશાળ છે અને સમગ્ર દુનિયામાં જે કઈ સારું છે તેનો પોતાના માં સમાવેશ કરે છે તેથી જ હું ઇસ્લામની સેવાને વખાણું છું અને એના ગુણગાન ગાઉ છું અને બીજા ધર્મો  વિશે પણ એમ જ કહું છું અને છતાં મારો અંતરાત્મા કહે છે કે એ બધું છે તો પણ હું હિંદુ મટી જતો નથી.

સંસાર છોડીને ચાલ્યા જનાર તો જ્યાં જાય  ત્યાં સંસાર ઉભો કરે જ છે.!!

સંસાર છોડીને ચાલ્યા જનાર તો જ્યાં જાય  ત્યાં સંસાર ઉભો કરે જ છે.!!

વારંવાર કરેલું કાર્ય ટેવ બની જાય છે. જો  કર્મ સહજતાથી થતું રહેશે તો તે અકર્મ બની જશે.

ભદ્રાયુ વછરાજાની                           bhadrayu2@gmail.com

(10)
ચોથા અધ્યાયનું શીર્ષક છે જ્ઞાનકર્મસન્યાસયોગ તો પાંચમા અધ્યાયનું શીર્ષક છે કર્મસન્યાસયોગ.
ભગવાનશ્રી કૃષ્ણ એક પરમ શિક્ષકની અદાથી એક પછી એક વિષયાંગ પર આગળ ધપીને આપણને
પાથીએ પાથીએ તેલ નાખતી મા ની જેમ વર્તે છે.  જુઓ, બીજા અધ્યાયમાં જ્ઞાનમાર્ગ ની સમજ
આપી તો ત્રીજા અધ્યાયમાં આપણને કર્મમાર્ગનું પગથિયું ચડાવ્યું. ચોથા અધ્યાયમાં જ્ઞાનના માર્ગે કર્મ
કરીને સન્યાસ તરફ વળવા કહ્યું તો હવે પાંચમા અધ્યાયમાં કર્મયોગના રસ્તેથી સન્યાસ કેમ પ્રાપ્ત થાય
તે સમજાવે છે. એટલે આમ જુઓ તો બીજા અધ્યાયના મર્મને  વિસ્તારતા વિસ્તારતા શ્રી કૃષ્ણ
પાંચમા અધ્યાય સુધી આવ્યા છે. આપણી દ્રષ્ટિએ અર્થ એવો થયો કે, જ્ઞાન માર્ગે કે કર્મ માર્ગે આપણે
જવાનું તો છે સન્યાસ તરફ.. ગુણવંત શાહના મતે : સન્યાસ એ જ્ઞાનરૂપી ગંગા અને કર્મરૂપી યમુનાનું
પ્રયાગ આગળનું મિલનસ્થળ છે.
સાંખ્ય (એટલે કે જ્ઞાન) અને યોગ અલગ નથી, બંને માર્ગના સાધકની પ્રાપ્તિ એક જ છે, એવું એક જ
નાના શ્લોક દ્વારા શ્રી કૃષ્ણ એકદમ ચોખ્ખું કરી આપે છે :
એકં સાંખ્યમં ચ યોગં ચ ય: પશ્યતિ સ પશ્યતિ
(એક જ સાંખ્ય ને યોગ, દેખે જે, તે જ દેખતા)
સંસાર સમુદ્ર સમાન છે. સમુદ્રમાં ચોતરફ પાણી જ પાણી હોય તેમ જ આપણી ફરતે જ્યાં જુઓ
ત્યાં સંસાર જ છે. હું સંસાર છોડીને ચાલ્યો જાઉં તો હું જઈશ ક્યાં ?? જ્યાં જઈશ ત્યાં સંસાર તો
મને ઘેરી જ લેવાનો છે. કશુંક છોડ્યું એટલે સંસાર છૂટ્યો એમ માનવું ભૂલ ભરેલું છે. ઘરમાં બેસીએ
કે વનમાં બેસીએ આસક્તિ આપણને છોડતી નથી. પોતાના મસમોટા આશ્રમો ખોલી ‘સન્યાસ લીધો
છે’ એવું  કહેતા મહંતો ત્યાં એક બીજો સંસાર ઉભો કરી તેમાં અટવાય છે. એ ઘરનો વહીવટ કરીને
થાક્યા પણ હવે તેઓ આશ્રમનો વહીવટ કરવામાં પ્રવૃત્ત થઇ ગયા છે !! અનુભવ છે કે આપણે ઘરે
લોકો સાથે ઝાઝો વ્યવહાર કરીને થાકીએ ત્યારે તેઓથી દૂર થવા માટે આપણે હિલસ્ટેશન ભાગીએ
છીએ પણ ત્યાં જઈને પહેલું એ જાણીએ છીએ કે કોઈ આપણું પરિચિત છે ? પ્રવાસનું સુંદર સ્થળ
જોવાને બદલે ત્યાંથી સ્થળના ફોટા લઈને આપણે વોટ્સઅપના સ્ટેટસમાં શેર કરીએ છીએ કે જેથી
‘આપણા’ (જેને છોડીને આવ્યા છીએ તે) મિત્રોને ખ્યાલ આવે કે હું ક્યાં છું..!! જગ્યાની અને
પરિચિતોની ભીડથી ભાગ્યા પણ મનમાંથી એ જગ્યા કે પરિચિતો ગયાં  નથી !! સંસાર તો હવેલીમાં
ય હાજર હોય અને ઝુંપડીમાં પણ હાજર જ હોય. કર્મ કરતા કરતા જે દોષ થાય છે તેને દૂર કરવા
માટે વિકર્મને સાદ દેવો પડશે.

તાત્પર્ય એટલું છે કે મનના સહકાર વગર કોઈ વાતનો પાર આવતો નથી. રોજીંદુ કામ કરીએ કે સાધના
કરીએ માનસિક સહકાર અતિ આવશ્યક છે. સાધના તો બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનના
વિકર્મ બંનેથી શક્ય બને. બહાર જે કર્મો થાય છે તેમાં આપણા મનનું સ્વરૂપ ખુલ્લું થાય છે.  મનનું
અંત:સરોવર તો ઢગલાબંધ કચરો સાચવીને પડ્યું છે. જેવી કશીક બહાર ઘટના ઘટે કે તરત અંદરનો
કચરો બહાર નીકળી આવે, જેને આપણે ગુસ્સો-ક્રોધ-અજંપો એવા નામથી ઓળખીએ  છીએ.
અગાઉ કહેલું તે ફરી યાદ કરીએ કે, ચર્મચક્ષુ બંધ કરીને માળા  હાથમાં લઈને નામજપ કરવા બેસનાર
અચાનક કૂતરાને ડેલીમાં ઘૂસેલું સમજીને  બરાડા પાડી કોઈને કૂતરું હાંકવા કહે તો શું સમજવું ? અરે,
સાધુ કે વૈરાગી લોકો પણ ભિક્ષા માંગવા જાય ત્યાંની સ્થિતિ પોતાના મન-ખ્યાલોથી અલગ હોય તો
ગુસ્સે થઇ જાય છે ત્યારે પ્રતીતિ થાય કે સંસારને એમ છોડી શકાતો  નથી.
આમાંથી મુક્ત થવાના ઉપાય ખરા ?? હા, જરૂર. આપણે નિર્મળ  કર્મ કરવાના સતત સતત પ્રયાસો
કરતા જ રહેવા જોઈએ તો જ નિર્મળ  કર્મ સહજ રીતે થશે. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે કે : રિપિટેડ
એક્શન બીકમ્સ હેબિટ. (વારંવાર કરેલું કાર્ય ટેવ બની જાય છે.) જયારે કર્મ સહજતાથી થતું રહેશે
ત્યારે તે અકર્મ બની જશે. નાનું બાળક પહેલીવાર ચાલતા શીખે ત્યારે તેને બહુ કષ્ટ પડે છે પણ તે
પછીથી સતત કર્યા જ કરશે તો કશી જ મુશ્કેલી વગર ચાલી શકશે. ઘરમાં દીકરીને માતા રોટલી વણતાં
શીખવે છે ત્યારે શરૂઆતમાં તો બહુ મુશ્કેલી પડે જ છે, પણ જો દીકરી રોજ રોટલી બનાવવામાં
લાગી પડે તો તેની હથોટી બંધાય જાય છે. વિનોબાજી સરસ વાત  કરે છે કે, ‘માણસ તરવાની
શરૂઆત કરે છે ત્યારે તેને બહુ થાક લાગે છે, પરંતુ પછીથી જયારે થાકે છે ત્યારે તરવા જાય છે.!!’ કર્મો
સહજ થવા લાગે છે ત્યારે તેનો ભાર લાગતો નથી અને તેથી કર્મ અકર્મ બનીને આનંદમય બને છે.
કર્મયોગની આ કૂંચી છે. કૂંચી જડી જાય એટલે એક જ ક્ષણમાં કામ હર્ષભેર પૂર્ણ … (ક્રમશઃ)

ગીતા ચાર વર્ણો અંગે જુદું જ કહે છે..

ગીતા ચાર વર્ણો અંગે જુદું જ કહે છે..

ચંડીદાસ કહે છે :સબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાઈ’. જગતમાં માણસથી ઉપર કે ચડિયાતું કોઈ નથી.

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                                            (09)

ચોથો અધ્યાય જ્ઞાન દ્વારા કર્મનું શરણ લેવા સૂચવે છે. શરણ એટલે સન્યાસ. ભારતીય સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ સન્યાસ છે. ન્યાસ એટલે ત્યાગ. સન્યાસ એટલે સંપૂર્ણ ત્યાગ !! જ્ઞાન મેળવીને કર્મ કરવાનું અને એ કર્મ મેં કર્યું છે તેવા ભાવમાંથી નીકળી જવાનું એ થયો જ્ઞાનકર્મસન્યાસયોગ. ગુણવન્ત શાહ બહુ મઝાની વ્યાખ્યા આપે છે : સન્યાસ એટલે મૃત્યુને મહોત્સવમાં ફેરવી નાખવા માટેની સાધનાની ચરમ  સીમા.

ચોથા અધ્યાયમાં તેરમો શ્લોક થોડી છણાવટ માંગે છે,  કારણ તે શ્લોકને ટાંકીને ઘણા ભ્રમ ફેલાવાઈ  રહયા છે. તેરમા શ્લોકમાં કહ્યું છે કે : 

ગુણ ને કર્મના ભેદે, સર્જયા મેં ચાર વર્ણને

હું અવ્યય અકર્તા તે, જાણ, કર્તાય તેમનો.

આપણા ચાર આશ્રમો : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ 

માનવના જન્મથી લઈને યુવાની સુધીનો ગાળો જ્ઞાન મેળવવાનો, સમજ કેળવવાનો અને પુખ્તતા પ્રાપ્ત કરતાં  વિકાર રહિત જીવન જીવવાનો ગણાયો છે. અને એ બ્રહ્મચર્યાશ્રમ કહેવાયો. 

માનવના બીજા જીવન ગાળામાં પોતાના દ્વારા કુટુંબ અને તેનું ગુજરાન ચલાવવા માટે,  ગૃહ નિર્માણ કરવા માટે અને કુટુંબ જીવનનો આનંદ લેવા માટે જે પ્રવૃતિઓ થાય છે તે ગૃહસ્થાશ્રમ છે. 

સામાન્ય રીતે પચાસમાં  વર્ષમાં પ્રવેશને વન-પ્રવેશ કહેવામાં આવે છે. જેમાં અત્યાર સુધી જીવાયેલા જીવનને નિહાળી તેની સ્મૃતિઓને વાગોળી ધીરે ધીરે તેમાંથી મુક્ત થવા માટે વ્યાયામ થાય છે અને બાહ્ય યાત્રા સંપેટીને અંતરની યાત્રાનો આરંભ થાય છે, તે વાનપ્રસ્થાશ્રમ  કહેવાય છે. અહીં વનમાં જવાનું નથી,  પણ જીવનમાં સઘળી માયા છોડતા જવાનો આરંભ છે. 

આપણા ચાર વર્ણો : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.

આ વર્ણો અંગેની જુદા જ પ્રકારની ફિલસુફી જાણવા જેવી છે. 

જે જ્ઞાનશક્તિથી જીવનપ્રવૃત્ત છે તે બ્રાહ્મણ છે.

જે દંડશક્તિથી સર્વોચ્ચતા મેળવવા જીવે છે તે ક્ષત્રિય છે. 

જે વિત્તશક્તિથી સભર રહી જીવન ગુજારે છે તે વૈશ્ય છે.

જે શ્રમશક્તિથી સમાજમાં વ્યાપ્ત છે તે શુદ્ર છે.

આપણે કમનશીબે આ સમજને ધર્મ સાથે ચોંટાડી દીધી અને તેના આધારે આપણે કોઈને ઉચ્ચ તો કોઈને નીચ ગણાવા લાગ્યા. શ્રમ  કરે તે પ્રસ્વેદ પાડે છે અને જ્ઞાન દ્વારા વ્યવહાર ચલાવે છે તે ન દેખાય તે રીતે બુદ્ધિ પ્રસ્વેદ પાડે છે અને એટલે શરીરથી શ્રમ કરી સમગ્ર સમાજને સ્વચ્છ અને સુઘડ રાખવા મથતો માણસ નીચો નથી જ નથી અને જેને બ્રાહ્મણ  ગણીએ તે ઊંચો જ, એવું પણ નથી. 

થોડું ઊંડાણથી વિચારીએ તો, પ્રત્યેક માણસ આ ચારેય વર્ણો સ્વયં જીવે છે. વિચારો તો કે જ્ઞાન વગર કોણ આગળ વધે છે ?? કોઈક ઘટનામાં કોણે  દંડશક્તિનો ઉપયોગ નથી કર્યો ? વિત્ત વગર તો જીવન વીતે જ કઈ રીતે ? અને શરીર શ્રમ તો આપણે રોજ એક યા બીજી રીતે કરીએ જ છીએ ને ? 

આથી ઉલટું, વિત્ત કે નાણું  મેળવવા કોઈપણ શરમજનક હોય  તેવું કામ કરનારો શુદ્ર  કેમ ન કહેવાય ? કર્તવ્ય આપણો  ધર્મ છે. હવે જે કર્તવ્યને ગૌણ  ગણીને કેવળ ધન માટે જ જીવે તે વૈશ્ય કેમ ન કહેવાય ? સામે પક્ષે કર્તવ્ય અને ધનલાભ બંનેમાંથી એકને પસંદ કરવાનું આવે ત્યારે જે કર્તવ્યને પ્રાધાન્ય આપે તે  ક્ષત્રિય કહેવાય કે નહિ ? તો જ્ઞાન સામે દ્રવ્યલાભને જતો કરનાર માનવ બ્રાહ્મણ કેમ ન કહેવાય ? ચંડીદાસ કહે છે : સબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાઈ. આ જગતમાં માણસથી ઉપર કે ચડિયાતું કોઈ નથી.

શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો આ તેરમો શ્લોક આપણે જો વર્ણો પાછળની મૂળભૂત શક્તિઓને આધારે મૂલવી ન શકીએ  તો ખાનાખરાબી જ થશે. 

ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં કહેલી ઉપયોગી વાતોની યાદી બનાવીએ તો…

# જ્ઞાનયજ્ઞ એ દ્રવ્યોના યજ્ઞથી રૂડો છે. 

# જ્ઞાન પામવા માટે નમન કરવું, પ્રશ્ન પૂછવો અને ફરી ફરીને પૂછતાં રહેવું.

# તત્ત્વના દ્રષ્ટાઓ સાથે સંવાદ કરતા રહેવો.

# જેમ ભભૂકતો અગ્નિ લાકડાને  ભસ્મ કરી નાખે છે તેમ જ પ્રગટેલ જ્ઞાનનો અગ્નિ કર્મને ભસ્મ કરી નાખે છે. 

# જે શ્રદ્ધાળુ જ્ઞાન મેળવે છે તે ઇન્દ્રિયોને જીતી લે છે અને તેથી તે પરમ શાંતિને પામે છે.

# જેમ યોગથી કર્મ છૂટે તેમ જ જ્ઞાનથી શંકાઓ દૂર થાય છે. આમ,  આત્મને વશ થયેલને કોઈ કર્મો બાંધી શકતા નથી.

# અજ્ઞાનથી હૃદયમાં સંશય થશે તેને જ્ઞાનથી જ હણી શકાશે. (ક્રમશઃ:)

મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી  જશે ??

મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી જશે ??

ચોથો અધ્યાય આપણને ત્રણ શબ્દો વચ્ચેના અનુબંધને સમજાવે છે : કર્મ, વિકર્મ, અકર્મ 

ભદ્રાયુ વછરાજાની                           bhadrayu2@gmail.com 

                                              (08)

ગીતાજીના ત્રીજા અધ્યાયમાં નિષ્કામ કર્મયોગનું વિશ્લેષણ થયું. કર્મફળની અપેક્ષા વગર થતું કર્મ એટલે નિષ્કામ કર્મ. ગાંધીજીની સરળ સમજ પણ આપણને  ટેકો કરી ગઈ કે, 

કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતાં કર્મના ફળ છોડે તે પડે.” 

હું ધંધો કરું છું તો મારે નજદીકમાં કે મારે ત્યાં જે મળી રહે છે તે માલ વેંચવાનો ધંધો કરવો જોઈએ. એટલે કે મારે સ્વદેશી માલનો વેપાર કરવો જોઈએ. હવે તેની સામે હું જો દૂર-સુદૂરથી માલ મંગાવું અને તેને મંગાવવામાં પુષ્કળ નાણું  ખર્ચુ તો મને  ઝાઝો નફો રળવાની લાલચ રહે જ. આ દ્રષ્ટાંતથી સ્વધર્મ અને પરધર્મનો પણ ખ્યાલ આવી જશે. જો કે,  નિષ્કામ રહેવું એ મનનો ધર્મ છે. પણ તેને પ્રગટ કરવા માટે એકલું સ્વધર્મનું આચરણ પૂરતું નથી. મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી  જશે ?? જ્યોત વગર અંધારું કેમ મીટશે ? પ્રશ્ન અહીં જ છે કે એ જ્યોત પ્રગટાવવી કેવી રીતે ?? એ માટે તો મનનું નિરીક્ષણ કરવું પડે. આત્મપરીક્ષણ વગર ચિત્ત પરનો જામી ગયેલો મેલ ધોવાતો નથી. આ સૂચના આપીને પછી ભગવાન શ્રીકૃષ્ણ આપણને ચોથા અધ્યાય તરફ દોરી જાય છે. શ્રી ભગવાન ત્રીજા અધ્યાયના  અંતમાં સુંદર વાત કરે છે, તે સમષ્લોકીમાં માણીએ :

ધુમાડે અગ્નિ  ઢંકાય, રજે  ઢંકાય દર્પણ ,

ઓરથી ગર્ભ ઢંકાય, તેમ જ્ઞાન કર્મથી.

ગીતામાં કર્મ શબ્દ આપણા સ્વધર્મ ના અર્થ તરીકે જ વપરાયો છે. સ્વધર્માચરણરૂપી કર્મ કરતા કરતા આપણે કામ અને ક્રોધને જીતવાના છે. ચિત્ત ગંગાજળ જેવું નિર્મલ થવું જોઈએ, પ્રશાંત થવું જોઈએ, તો અને તો જ નિષ્કામતા કેળવી શકાય. આપણા ચિત્તનું સંશોધન કરવા માટે જે કર્મો કરીએ તેને ગીતાજી ‘વિકર્મ’ કહે છે. 

ચોથો અધ્યાય આપણને ત્રણ શબ્દો વચ્ચેના અનુબંધને સમજાવે છે : 

કર્મ, વિકર્મ, અકર્મ 

સાવ સહેલી રીતે સમજીએ તો…

બહારની સ્વધર્માચરણની સ્થૂળ ક્રિયા એટલે કર્મ. 

બહારની ક્રિયાઓમાં ચિત્ત રેડવું તે વિકર્મ. 

કર્મમાં વિકર્મ રેડવાથી તે  અકર્મ બની જાય.

કર્મ વગર તો આપણને ચેન જ નહિ પડે. કશું જ ન કરવું તે પણ કશુંક કરવા બરાબર  જ છે. સમર્થ ભાષ્યકાર શ્રી ગુણવંત શાહે પોતાના ગીતાભાષ્યમાં ચોથા અધ્યાયના  આરંભે એક વાત ટાંકી છે : 

એક માણસ મરી ગયો પછી સુન્દર જગ્યાએ પહોંચી ગયો. ત્યાં કોઈ સુખ-સગવડની કમી  ન હતી. સફેદ પોશાકમાં સજ્જ એવા માણસે એની પાસે આવીને કહ્યું : ‘ તમે જે જોઈએ તે માણી શકો-ખોરાક,મનોરંજન, ગમે તે. માણસને તો મજા પડી ગઈ. થોડા દિવસ પછી નોકરને બોલાવીને એણે કહ્યું : ‘મને હવે આ બધી વાતોનો કંટાળો આવે છે. આખો દિવસ શું કરવું તે સમજાતું નથી. તું મને કંઈ કામ આપ જેથી કંટાળો દૂર થાય.’ માણસે ડોકું હલાવી કહ્યું : ‘માફ કરજો, એ એક એવી ચીજ છે જે હું  ન આપી શકું.’ પેલા માણસે એને કહ્યું : ‘આના કરતાં તો નરકમાં રહેવું વધારે સારું.’

નોકરે કહ્યું: ‘તે સાહેબ ! તમે નરકમાં જ છો ને !’

કર્મ એટલે શિવજીના લિંગ પર યંત્રવત પાણી રેડી અભિષેક કરવો,,પણ પાણીની એ ધારની  સાથોસાથ માનસિક ચિંતનની અખંડ ધાર ચાલતી ન હોય તો એ અભિષેકની કિંમત જ શી ?? પછી તો સામેનું લિંગ પણ પથ્થર અને અભિષેક કરનારો હું પણ પથ્થર.  બહાર થઇ રહેલા કર્મની સાથે અંદરની ચિત્તશુદ્ધિનું કર્મ જોડાય તો જ એ વિકર્મ  બને અને તો જ નિષ્કામ  ભક્તિયોગના દર્શન થાય. કર્મ અને કર્મની સાથે મનનો મેળ જયારે સધાય ત્યારે તેને ગીતાજી વિકર્મ કહે છે. બહાર થાય તે સાદું કર્મ. અંદર થાય તે વિશેષ કર્મ. આ ચોથા અધ્યાયમાં ભગવાને વિકર્મ ના અનેક ઉદાહરણો આપ્યા છે. 

આ ચોથા અધ્યાયના સોળ-સત્તર-અઢાર શ્લોકોનું સમશ્લોકી વાંચીએ એટલે મૂળ ગીતાભવ પ્રગટ થશે : 

પંડિતોએ મૂંઝાતા કે કર્મ શું ને અકર્મ શું ;

તેથી કર્મ કહું જેને જાણ્યે છૂટીશ પાપથી(16)

કર્મનું જાણવું મર્મ, જાણવુંયે વિકર્મનું;

જાણવું જે અકર્મેય, ગૂઢ છે કર્મની ગતિ(17)

અકર્મ કર્મમાં દેખે, કર્મ દેખે અકર્મમાં;

બુદ્ધિમાન તે મનુષ્યોમાં, યોગી તે પૂર્ણ કર્મવાન(18)   

મન એક બાજુ અને શરીર બીજી બાજુ એવું આપણું ચાલતું હોય છે. શરીર બેઠું છે  ડાઇનિંગ ટેબલ પર અને શરીર કરે છે  ભોજન પણ મન તો ઓફિસમાં મૂકીને આવ્યા છીએ  !! આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે શાસ્ત્રોએ ભક્તિયોગમાં માર્ગ બતાવ્યો કે બહાર તપ ત્યારે અંદર જપ.. બહાર ઉપવાસ ભલે ચાલે,  પણ મન ત્યારે સતત નામસ્મરણમાં વ્યસ્ત હોવું જોઈએ. હોઠેથી નામસ્મરણ ચાલતું હોય અને ચિંતા કૂતરું ઘરમાં ઘુસી ગયાની થતી હોય તો તે  નિરર્થક છે. (ક્રમશ:)

શ્રીમદ્દ ભાગવતમાં પ્રત્યેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે.

શ્રીમદ્દ ભાગવતમાં પ્રત્યેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે.

પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ઘોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવીએ તો  કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ આવે.

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com 

                                                          (07) 

‘ગીતાઈ’  શીર્ષકથી ધૂળીયાની જેલમાં વિનોબાજીએ જે ગીતા પ્રવચનો આપ્યાં તેમાં ગીતાજીના ત્રીજા અધ્યાયમાં  ‘કર્મમાં ભાવના ભળે તો શું ફર્ક પડે’ તે  બહુ રસપ્રદ  રીતે સમજાવવામાં આવેલ છે. તેઓ કહે છે કે…ધારો કે બે જણ ગંગામાં સ્નાન કરવાને જાય છે. તેમાંનો એક કહે છે. “અરે, આ ગંગા ગંગા કરો છો, પણ તે છે શું ? બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઑક્સિજન, એ પ્રમાણમાં બે વાયુ એકઠા કરો કે થઈ ગંગા!” બીજો કહે છે, “ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી એ નીકળી, શંકરની જટામાં અટવાઈ પડી, હજારો બ્રહ્મર્ષિ અને હજારો રાજર્ષિઓએ એને કાંઠે તપ કર્યાં, અને પાર વગરના પુણ્યનાં કામ એને કાંઠે થયાં. ત્યારે જે અવતારી છે એઆ પવિત્ર ગંગામાં છે” આવી ભાવનાથી ભીંજાઈને તે સ્નાન કરે છે. પેલો ઑક્સિજન-હાઈડ્રોજનવાળો પણ સ્નાન તો કરે છે. દેહશુદ્ધિનું ફળ બંનેને મળ્યા વગર ન રહ્યું. પણ બીજા ભક્તને દેહશુદ્ધિની સાથે સાથે ચિત્તશુદ્ધિનું ફળ પણ મળ્યું. ગંગા-સ્નાનથી  શરીરનો મેલ ધોવાશે પણ મનનો મેલ ક્યાંથી ધોવાશે? એકને દેહશુદ્ધિનું નજીવું ફળ મળ્યું, બીજાને તે ઉપરાંત ચિત્તશુદ્ધિનું અમોલ ફળ પણ મળ્યું. 

કર્મયોગીનું કર્મ તેને આખાયે વિશ્વની સાથે સમરસ કરે છે. તુળસીના છોડને પાણી પાયા વગર જમવું નહીં, એ નિયમમાં વનસ્પતિ-સૃષ્ટિ સાથે જોડાયેલા પ્રેમનો સંબંધ છે. તુલસીને ભૂખ્યાં રાખી હું પહેલો કેમ જમી લઉં ? ગાય સાથે, વૃક્ષ-વનસ્પતિ સાથે અને એમ કરતાં કરતાં આખા વિશ્વ સાથે એકરૂપતાનો અનુભવ લેવાનો છે. મહાભારતની લડાઈમાં સાંજ પડતાંવેંત બધા લડનારા સંધ્યા વગેરે કર્મ આટોપવાને જતા. પણ ભગવાન શ્રીકૃષ્ણ રથના ઘોડા છોડી તેમને પાણી પાવાને લઈ જતા, તેમને ખરેરો કરતા, તેમનાં શરીરમાંના કાંટા વીણી કાઢતા. આ સેવામાં ભગવાનને એવો તો આનંદ આવતો ! પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ધોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવીએ તો  કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ આવે. અહીં હરેકેહરેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે.

મહાભારતમાં તુલાધાર વૈશ્યની કથા છે. જાજલિ નામનો એક બ્રાહ્મણ તુલાધાર પાસે જ્ઞાન લેવાને જાય છે. તુલાધાર તેને કહે છે, “ભાઈ, આ ત્રાજવાની દાંડી સીધી રાખવી પડે છે.” એ બહારનું કર્મ કરતાં કરતાં તુલાધારનું મન પણ સરળ, સીધું બન્યું. નાનું છોકરું દુકાને આવે કે મોટું માણસ આવે પણ દાંડીનું રૂપ તેનું તે, નહીં નીચી, નહીં ઊંચી, કર્મયોગીનું કર્મ એક જાતનો જપ જ હોય છે. તેમાંથી ચિત્તશુદ્ધિ થાય અને પછી નિર્મળ ચિત્તમાં જ્ઞાનનું પ્રતિબિંબ ઊઠે છે. ત્રાજવાની દાંડીમાંથી તુલાધારને સમવૃત્તિ જડી. 

  1. સેનો નામનો હજામ. બીજા લોકોનાં માથામાંનો મેલ ઉતારતાં ઉતારતાં સેનાને જ્ઞાન થયું. “બીજાના માથા પરનો મેલ હું કાઢું છું. પણ મારા માથામાંનો, મારી બુદ્ધિમાંનો મેલ મેં કાઢ્યો છે ખરો ?” એવી આધ્યાત્મિક ભાષા તેના મનમાં તે કર્મ કરતાં કરતાં સ્ફૂરવા લાગી.
  2. ખેતરમાં વધી પડેલું નીંદણ કાઢતાં કાઢતાં હૃદયમાં પેદા થનારું વાસના તેમ જ વિકારનું નીંદણ કાઢવાની કર્મયોગીને બુદ્ધિ ઊગે છે.
  3. માટી ગૂંદી ગૂંદીને ગાર બનાવી સમાજને પાકાં માટલાં પૂરાં પાડનારો ગોરો કુંભાર પોતાના જીવનનું પણ પાકું વાસણ કરવું જોઈએ, એવી મનમાં ગાંઠ વાળે છે. હાથમાં ટીપણી રાખી, “માટલાં કાચાં કે પાકાં” એવી સંતોની પરીક્ષા કરનારો તે પરીક્ષક બને છે.

જે તે કર્મયોગીને પોતાના જે તે ધંધાની ભાષામાં ભવ્ય જ્ઞાન મળ્યું છે. એ કર્મો તેમની અધ્યાત્મની નિશાળો હતી. તેમનાં એ કર્મો ઉપાસનામય સેવાવાળાં હતાં.

કર્મયોગીનો પરમેશ્વર તો ઘોડાને ખરેરો કરતો ઊભો છે, રાજસૂય યજ્ઞ પ્રસંગે તે હાથમાં છાણ લઈ વાસીદું કાઢે છે, વનમાં ગાયો ચારવા જાય છે., દ્વારકાનો રાજા ફરી કોઈવાર ગોકુળ જતો ત્યારે મોરલી વગાડીને ગાયો ચારતો. આ ઘોડાની ચાકરી કરવાવાળો, ગાયો ચારવાવાળો, રથ હાંકવાવાળો, છાણાં થાપનારો કર્મયોગી પરમેશ્વર સંતોએ ઊભો કર્યો છે. ખૂબી તો જુઓ કે એ  સંતો પણ કોઈ દરજીકામ તો કોઈ કુંભારકામ, કોઈ કાપડ વણવાનું કામ તો કોઈ માળીકામ, કોઈ દળવાનું કામ તો કોઈ વાણિયાનું કામ, કોઈ હજામનું કામ તો કોઈ મરેલા ઢોર ખેંચી જવાનું કામ કરતાં કરતાં મુક્ત થઈ ગયા. (ક્રમશ:)

કર્મમાં ભાવનાની ભીનાશ ભળે પછી બીજું શું જોઈએ ??

કર્મમાં ભાવનાની ભીનાશ ભળે પછી બીજું શું જોઈએ ??

આપણે ગુરુને જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની રૂપે આપવાનું છે. 

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com 

                                       (06) 

કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતાં તેનાં ફળ છોડે તે ચડે.” 

મહાત્મા ગાંધીજીએ કહેલી આ વાત આપણને હવે સ્પષ્ટ થઈ ગઈ છે. શ્રીમદ્ ગીતાજીનો ત્રીજો અધ્યાય એક સવાલનો જવાબ આપે છે. તે સવાલ છે : કર્મયોગમાં ફળનો ત્યાગ કરવાનો ખરો, પણ પછી ફળ મળે છે કે નહીં??’ સવાલ કર્યા પછી  આ જ ત્રીજો અધ્યાય જવાબ પણ આપે છે કે : ‘કર્મના ફળનો ત્યાગ કરનાર કર્મયોગીને અનંતગણું ફળ મળે છે.’ હા, આ જવાબની વિશદ છણાવટ એટલે ત્રીજો અધ્યાય.

વિનોબાજી  લક્ષ્મીજીની વાત યાદ અપાવે  છે. તેનો સ્વયંવર રચાયો. બધા દેવો ને દાનવો તેને વરવાની આશાએ આવીને એકઠા મળ્યા હતા. લક્ષ્મીજીએ પસંદગીની શરત જાહેર કરી નહોતી. સભામંડપમાં આવીને તેણે કહ્યું. “જેને મારી ઈચ્છા નહીં હોય તેને હું વરમાળા પહેરાવવાની છું.” ત્યાં  તો બધા તેને મેળવવાની લાલચના માર્યા આવેલા. પછી લક્ષ્મીજી  ઈચ્છા વગરનો વર શોધતાં  શોધતાં  નીકળી પડયાં !! . શેષનાગ પર શાંત સૂતેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ તેમણે જોઈ. લક્ષમીજીએ વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી. હજી અત્યાર સુધી તે તેના ચરણ ચાંપતાં બેઠા છે. એમ કહેવાય છે કે :  – ‘ન માંગે ન માગે  તેની રમા થાય દાસી,’  આ  જ તો ખરી ખૂબી છે નિષ્કામ કર્મ કરનારને મળનાર ફળની !! 

કર્મફળની ગતિ સમજીએ તો…  

૧) એક સામાન્ય માણસ કર્મ કરતાં પહેલાં તેનું કેવું અને કેટલું ફળ મળવું જોઈએ તેનો અંદાજ માંડીને એક રીતે સીમિત વાડો બાંધી લે છે. 

૨) સંસારી માણસ ગધ્ધા વૈતરું કરવા છતાં પણ સાવ નજીવું ફળ મેળવે છે.

૩) કર્મયોગી આમ જુઓ તો થોડું સરખું કર્મ કરીને અનંતગણું મેળવે છે.

આ ત્રણેયમાં ફર્ક તો કેવળ ભાવનાનો છે. સામાન્ય કે સંસારી માણસ માટે જેવી વાસના તેવું ફળ. મારી ચીજની કિંમત હું કરું તેનાથી વધુ જગતમાં બીજું કોણ કરે ??

હવે વિચારો..

સુદામા ભગવાનની પાસે તાંદુલ  લઈને ગયા. એ મૂઠીભર તાંદુલના પૌઆની કિંમત પૂરી એક પાઈ પણ નહી હોય. પણ સુદામાને મન તે અણમોલ હતા. તે પૌઆમાં ભક્તિભાવ હતો. તે અભિમંત્રિત હતા. તે પૌઆના કણેકણમાં ભાવના ભરેલી હતી. ચીજ ગમે તેટલી નાની કે નજીવી હોય છતાં મંત્રથી તેની કિંમત તેમ જ તેનું સામર્થ્ય વધે છે. 

ચલણી  નોટનું વજન કેટલું હોય છે? સળગાવીએ તો તેના તાપથી એક ટીપું પાણી યે ગરમ નહીં થાય. પણ એ નોટ પર છાપ હોય છે, એ છાપથી તેની કિંમત થાય છે. કર્મયોગમાં આ જ મુખ્ય ખૂબી છે. કર્મનું ચલણની નોટના જેવું છે. કર્મના કાગળિયાની કે પતાકડાની કિંમત નથી, ભાવનાની અને છાપની કિંમત થાય છે. 

આપણે ઇચ્છીએ તો  મૂર્તિપૂજાનો મર્મ પણ આ ઉદાહરણ પરથી સમજી શકીએ. મૂર્તિ પૂજાની મૂળ કલ્પનામાં પાર વગરનું સૌંદર્ય છે. મૂર્તિ પહેલાં તો એક પથ્થરનો ટુકડો જ હતો ને.આપણે  તેમાં પ્રાણ રેડ્યો, આપણી  ભાવના રેડી. એ ભાવનાના ટુકડા થાય ખરા ? ટુકડા તો પથ્થરના થાય!!  મૂર્તિમાં મૂર્તિ મહત્ત્વની નથી પણ તેમાં રેડાયેલ આપણી ઉદાત્ત ભાવના અને શ્રદ્ધા અગત્યની છે. 

એક સાદી વાત વિચારીએ… બહારગામ જવાનું થાય ત્યારે આપણી માએ પોતે બનાવેલી સુખડીનો ડબ્બો ભેગો આપ્યો હોય અને મિત્રએ કૂર્કુરેનાં મોંઘાં પડીકાં લઈ આપ્યાં હોય તો તે બેમાંથી કોનો સ્વાદ ચાખવાનું પહેલાં મન થાય ?? કર્મમાં ભાવનાની ભીનાશ ભળે પછી બીજું શું જોઈએ ??

બાર વરસ ગુરુને ઘેર રહી શિષ્ય જાનવરમાંથી માણસ બન્યો છે. હવે તેણે ગુરુને આપવું શું? પહેલાંના વખતમાં ભણાવવાને માટે આગળથી ફી લેવાતી નહોતી. બાર વરસ ભણી રહ્યા પછી જે આપવા જેવું લાગે તે આપવાનો રિવાજ હતો. મનુ મહારાજ કહે છે. “ગુરુને એકાદ ફૂલ, એકાદ પંખો, એકાદ પાવડીની જોડ, એકાદ પાણીનો ભરેલ કળશ આપજે.” આમ કેમ કહ્યું હશે ?  કારણ સીધું છે… જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની રૂપે આપવાનું છે. ફૂલમાં વજન નથી. પણ તેમાં રહેલી ભક્તિનું આખા બ્રહ્માંડ જેટલું વજન હોય છે. રૂક્ષ્મણીજીએ એક તુલસીદળથી ગિરધરને તોળ્યા પણ  સત્યભામાના ખાંડી વજનના દરદાગીનાથી એ કામ ન થયું. ભાવભક્તિથી ભરેલું એક તુલસીપત્ર રૂક્ષ્મણીજીએ પલ્લામાં મૂક્તાંવેંત કામ પાર પડ્યું. એ તુલસીપત્ર અભિમંત્રિત હતું. તે તુલસીના છોડનું સાદું પાંદડું રહ્યું નહોતું. કર્મયોગીના કર્મનું પણ એવું છે. (ક્રમશ:) 

શ્રી કૃષ્ણ આપણને પણ અંગો સંકોરવાનો  ઈશારો કરે છે.

શ્રી કૃષ્ણ આપણને પણ અંગો સંકોરવાનો ઈશારો કરે છે.

જ્ઞાન અને યોગનું મહત્ત્વ સમજાવતા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ભગવાન ક્રિસ્ટલ ક્લિયર કરીને અર્જૂનના ગળે  ઉતારવા મથે છે. 

ભદ્રાયુ વછરાજાની                 (05)                         bhadrayu2@gmail.com 

આપણે શ્રીમદ્દ  ગીતાજીના બીજા અધ્યાયમાં કર્મ અને તેના ફળ વિષે સ્પષ્ટ વાત જાણી.

એમ કહેવાયું કે …

કર્મ કરનાર વ્યક્તિ બેવડી વૃત્તિ ધરાવતો જોવા મળે છે.

(પહેલી વૃત્તિ) અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, એ અમારો હક છે.

(બીજી વૃત્તિ) અમને ફળ ચાખવા ન મળવાના હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઉઠબેઠ અમારે શા માટે કરવી ?….

પણ શ્રીમદ ભગવત ગીતા એક  ત્રીજી વૃત્તિ આપણી સમક્ષ રજૂ કરે છે. ગીતા કહે

છે,  ‘કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.’ અહીં વિનોબાજી તો એવું કહે છે કે,  ‘તમે કર્મ કરતી વખતે જે આનંદ પ્રાપ્ત કર્યો તે જ તો કર્મનું ફળ છે, તો બીજા ફળની અપેક્ષા શા માટે ?? ‘

શ્રી કિંશૉરલાલ ઘ. મશરૂવાળા એ 1946માં ‘ગીતાધ્વનિ’ શીર્ષકથી ગીતાજી સમગ્રને ગુજરાતીમાં સમ-શ્લોકી  અનુવાદ બહુત ચાયત રાખીને કર્યો છે. જે લોકો એવી ફરિયાદ કરે છે કે ગીતાજીના સંસ્કૃત શ્લોકો ને સમજાવ બહુ અઘરા પડે છે, તેમના માટે આ સમશ્લોકી બહુ જ સરળ ટેકો ઉભો કરે છે. આપણે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન…જાણીતા શ્લોકનું સમશ્લોકી વાંચીએ…

કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,

મા હો કર્મફળે દ્રષ્ટિ, મા હો રાગ અકર્મમાં”…(47)

કર યોગે  રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;

યશાયશ સમા  માની, –સમતા  તે જ યોગ છે.”…(48) 

અને હા આપણે પુંડરિકના ‘પણ સિદ્ધાંત’ નું ઉદાહરણ પણ જાણ્યું.

ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પુંડરીકને પ્રશ્ન થયા કે પરમેશ્વર માત્ર શું તેમાં જ

હતો ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ શું ખાલી મડદું હતી ? પુંડરીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું “પણ-સિદ્ધાંત” માં માનવાવાળો છું. તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારુ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શકતો નથી. માટે તું મને માફ કરજે.” આમ કહી પાંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.

એક વખત એક સાધુ પાસે જઈને એક ગૃહસ્થે તેને પૂછ્યું, “મોક્ષને માટે શું ઘરે છોડવું જ પડે ?” સાધુએ કહ્યું, “એવું કોણ કહે છે ? જનક જેવાએ રાજમહેલમાં રહીને મોક્ષ મેળવ્યો. પછી તારે ઘર છોડવાની જરૂર શી?” ત્યારબાદ બીજો એક ગૃહસ્થ આવીને સાધુને પૂછવા લાગ્યો, “મહારાજ, ઘર છોડ્યા વગર મોક્ષ મળે ખરો કે ?” સાધુએ કહ્યું કે, “કોણ કહે છે ? ઘરમાં રહીને એમ આરામથી મોક્ષ મળી જતો હોય તો શુક જેવાએ ઘર છોડ્યું તે બેવકૂફ હતા ?” પછી એ બેઉ ગૃહસ્થોનો ભેટો થયો અને તેમની વચ્ચે ઝઘડો પડ્યો. એક કહે સાધુએ ઘર છોડવાનું કહ્યું છે. બીજો કહે ઘર છોડવાની જરૂર નથી એવું કહ્યું છે. બંને સાધુ પાસે પાછા આવ્યા. સાધુએ કહ્યું, “બંને વાત સાચી છે. જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો. અને જેવો જેનો સવાલ તેવો તેને જવાબ. ઘર છોડવાની જરૂર નથી એ પણ ખરું છે અને ઘર છોડવાની જરૂર છે એ પણ ખરું છે.” આનું નામ “પણ-સિદ્ધાંત” છે.

જ્ઞાન અને યોગનું મહત્ત્વ સમજાવતા ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ભગવાન ક્રિસ્ટલ ક્લિયર કરીને અર્જૂનના ગળે  ઉતારવા મથે છે.

# મનની કામનાઓને છોડવાની છે, તો જ આત્મ એટલે કે અંત:સ્વ તરફની યાત્રા  શરુ થશે. અને જે આત્માથી સંતુષ્ટ રહ્યો તેને સ્થિપ્રજ્ઞ  કહેવાય.

# દુઃખમાં ઉદ્વેગ નહીં , સુખોની ઝંખના નહીં, રાગ-ભય-ક્રોધ જતા રહે તેવી  વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ કહેવાય.

# જે ક્યાંય પણ આસક્ત નથી, શુભ કે અશુભ જે ઘટે તેનો ન તો એ હર્ષ કરે કે ન તો દ્વેષ કરે તે વ્યક્તિની પ્રજ્ઞા સ્થિર થઇ છે, તેમ માની  શકાય.

# શ્રી કૃષ્ણ ઉદાહરણ  આપતા કહે છે કે, કાચબો કોઈનો સ્પર્શ થાયને તરત જેમ પોતાના અંગોને સંકોરીને બેસી જાય છે તેમ, વિષય-ભોગ જેની નજદીક આવે ને જે પોતાની બધીજ ઇન્દ્રિયોને સંકોરી લે છે તે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ કહેવાય.

આપણામાં કહેવત છે કે ‘પાંથીએ પાંથીએ  તેલ નાખતા હોય તેમ સમજાવ્યું !’ બસ બરાબર એમ જ શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવીને કેવળ અર્જુનને જ નહી,  પરંતુ આપણને પણ અંગો સંકોરવાનો  ઈશારો કરે છે. (ક્રમશઃ)

‘તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું ‘પણ’ ઈશ્વર છે.’

‘તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું ‘પણ’ ઈશ્વર છે.’

ભક્તનો સ્વધર્મ ભક્તિ છે, ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા દેવા તેની જીવનકળા છે.

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

                                                       (04) 

ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં જીવનના સિદ્ધાંતો બતાવ્યા, પણ ખાલી સિદ્ધાંત બતાવી મૂકવાથી ચાલતું  નથી. આવા સિદ્ધાંતો તો ઉપનિષદોમાં અને સ્મૃતિઓમાં પણ દર્શાવેલા છે. ગીતાએ એ ફરી રજૂ કર્યા છે અને એની સાથે આ સિદ્ધાંતો કેમ આચરણમાં મુકવા એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. 

આપણને થતો એક મહા પ્રશ્ન કે ‘કરવું છે પણ કરવું કેમ ?’,  એ ઉકેલવામાં ગીતા કાબેલ રહી છે. જીવનના સિદ્ધાંત અમલમાં મુકવાની હથોટી અથવા યુક્તિને યોગ કહે છે. સાંખ્ય એટલે સિદ્ધાંત અથવા શાસ્ત્ર અને યોગ એટલે કળા. યોગીઓએ જીવનની કળા હાથ કરી છે એવું જ્ઞાનદેવ કહે છે. દેહને તુચ્છ ગણાવો અને  આત્માનું અમર-અખંડ પણું ધ્યાનમાં રાખી સ્વધર્મનું આચરણ કરવાની કળા કઈ છે તે આપણને બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે.

કર્મ કરનાર વ્યક્તિ બેવડી વૃત્તિ ધરાવતો જોવા મળે છે. 

(પહેલી વૃત્તિ) અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, એ અમારો હક છે. 

(બીજી વૃત્તિ) અમને ફળ ચાખવા ન મળવાના હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઉઠબેઠ અમારે શા માટે કરવી ?…. પણ શ્રીમદ ભગવત ગીતા એક  ત્રીજી વૃત્તિ આપણી સમક્ષ રજૂ કરે છે. ગીતા કહે છે,  ‘કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.’ કર્મ કરનારને ફળનો હક છે પણ તમારો એ હક રાજીખુશીથી છોડી દો,  એવું ગીતા કહે છે. આ જ વાત રજોગુણ કહેશે કે.. ‘લઈશ તો ફળની સાથે લઈશ.’  તમોગુણ કહેશે, ‘ફળ છોડી દઈશ, ફેંકી દઈશ તો ફળ સાથે સાથે કર્મને પણ ફેંકી દઈશ.’  શુદ્ધ સત્વજ્ઞાની કહેશે, ‘કર્મ કરીશ  અને તેનું ફળ છોડીશ.’ કર્મ કરતા પહેલાં કે તે પાર પડ્યા પછી ફળની આશા નહીં રાખીએ. પણ આવું  કહેતી વખતે ‘કર્મ સારામાં સારું થવું જ જોઈએ’ એવું ગીતા આપણને ઢોલ વગાડીને કહે છે. એટલે કે જે ફળ મળશે તેવી આશાથી કર્મ કરે છે તેના કરતા ફળ નહીં મળે તેવી આશાથી જે કર્મ કરે છે તે વધારે સારું હોવું જોઈએ. કારણકે ફળની આસક્તિવાળો તો ફળ બાબતના ચિંતનમાં તેનો થોડો સમય બગાડ્યા  વગર રહેતો નથી. પણ ફળની ઈચ્છા વગરનાની એકે એક ક્ષણ કર્મ પાર પાડવામાં રોકાશે. 

ક્યારેય વિચાર્યું છે કે નદીને, પવનને, સૂર્યને કોઈ દિવસ રજા હોય છે ? એ સતત કર્મ કરે છે એ નિષ્કામ કર્તાઓ છે. સતત સેવા કર્મ કરવાનું બીજી કોઈ ફિકર નહીં રાખવાની. ફળ ત્યાગના બે ઉદાહરણો સરસ રીતે વિનોબાજી પોતાના ગીતા પ્રવચનોમાં આપે છે.

  1. તુકારામની ભક્તિ જોઈ શિવાજી મહારાજને તેમને માટે ઘણા માનની લાગણી થતી. એક વખત પાલખી વગેરે મોકલી તેમણે તેમનું સન્માન કરવાનું શરૂ કર્યું. પોતાના સ્વાગતનો આવો ઠાઠ જોઈ તુકારામને ખૂબ દુખ થયું. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો, મારી ભક્તિનું આ ફળ? આને સારું હું ઈશ્વરની ભક્તિ કરું છું? તેમને થયું કે,  માન સન્માનનું ફળ બતાવી ઈશ્વર જાણે કે પોતાને અળગો કરવા માગે છે. તેમણે કહ્યું, “મારું અંતર જાણવા છતાં તું મારી ઝંઝટ ટાળવાનો પ્રયાસ કરશે? હે પાંડુરંગ, તને આ બહુ બૂરી ટેવ છે. હે ઈશ્વર, તારી ટેવ સારી નથી. તું આવી નજીવી લાલચ બતાવી મને કાઢવા માગતો હશે. તારા મનમાં તું કહેતો હશે કે આ બલા બારણેથી ટળે તો સારું ! પણ હું કંઈ કાચો નથી. હું તારા પગ જોરથી પકડીને બેસીશ.” ભક્તનો સ્વધર્મ ભક્તિ છે અને ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા દેવા તેની જીવનકળા છે.
  1. પુંડરીકનું ચરિત્ર ફળત્યાગનો આનાથીયે ઊંડો આદર્શ બતાવે છે. પુંડરીક માબાપની સેવા કરતો હતો. એ સેવાથી પ્રસન્ન થઈ પાંડુરંગ તેને મળવાને દોડી આવ્યા પણ પાંડુરંગને છંદે ચડીને હાથમાંની સેવા પડતી મૂકવાનો તેણે ઈન્કાર કર્યો. માબાપની આ સેવા તેના માટે સાચી ઈશ્વરભક્તિ હતી.

કોઈક દીકરો બીજાને લૂંટીને માબાપને સુખસગવડ લાવી આપતો હશે અથવા કોઈક દેશસેવક બીજા દેશોનો દ્રોહ કરી સ્વદેશની ચડતી કરવા ધારતો હશે પણ એ બંનેની એ ભક્તિ નહીં કહેવાય, આસક્તિ કહેવાશે. પુંડરીક એવી આસક્તિમાં ફસાયો નહોતો. 

ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પુંડરીકને પ્રશ્ન થયા કે પરમેશ્વર માત્ર તેમાં જ હતો કે ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ ખાલી મડદું હતી કે ? પુંડરીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું “પણ-સિદ્ધાંત” માં માનવાવાળો છું. તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારુ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શકતો નથી. માટે તું મને માફ કરજે.” આમ કહી પાંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.(ક્રમશ:) 

શ્રી ગીતાજીનો બીજો અધ્યાય આપણને જીવનના ત્રણ મહાસિદ્ધાંત આપે છે.

શ્રી ગીતાજીનો બીજો અધ્યાય આપણને જીવનના ત્રણ મહાસિદ્ધાંત આપે છે.

આ જગતમાં આપણા માટે  સ્વધર્મ વગર બીજો કોઈ આધાર નથી. સ્વધર્મને કોઈ ટાળવાનો પ્રયાસ કરે તો એ તો સ્વ ને ટાળવા જેટલું આત્મઘાતી પગલું છે.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com 

                                                   (03)

આપણે એવું જાણ્યું કે ગીતામાં દરેક શબ્દનો અર્થ આપણા જીવન સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલો છે. શબ્દનો અર્થ જાણીએ તો આપણને બહુ સ્પષ્ટ રીતે ગીતાનો સંદેશ પ્રાપ્ત થાય છે. જેમ ગીતામાં રહેલા શબ્દને વારંવાર વાંચવાથી અર્થ બદલાય છે એવું જ ગીતાના ખુદના કિસ્સામાં પણ છે. 

મહાભારતમાં ગીતા એક નથી અનેક છે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુનને જેવો વિષાદ થયો એવો વિષાદ મહાભારતમાં અન્ય પાત્રોને પણ વારંવાર થયો છે. 

  1. યુદ્ધની પૂર્વ સંધ્યાએ રાજા ધૃતરાષ્ટ્ર અને વિદુર વચ્ચે જે સંવાદ થયો છે તેને ‘વિદુર ગીતા’ કહેવામાં આવે છે. 
  2. મહાયુદ્ધ પૂરું થયા પછી શાંતિકાળની એ ક્ષણે અર્જુને પરમ સખા શ્રી કૃષ્ણને કહ્યું : કૃષ્ણ, તમે કુરુક્ષેત્રમાં મને પ્રબોધેલા શબ્દો મારે ફરીથી સાંભળવા છે. આ પ્રશ્નના જવાબમાં એના એ શબ્દો પોતે ફરીવાર સંભળાવી શકે એ વિષે શ્રીકૃષ્ણે અસમર્થતા દાખવી. એ સમયે પોતે યોગયુક્ત થયેલા અને એવી યોગયુક્તતા હવે સ્વૈછિક ધોરણે પુનઃ પ્રાપ્ત કરી શકાતી નથી, એટલે કુરુક્ષેત્રની રણભૂમિમાં જે કહેવાયું હતું એ પુનઃ તો કહી શકાય એમ નથી. પણ પ્રાચીનકાળમાં બનેલી એક ઘટનાનો આશરો લઇને એવી જ બીજી થોડીક વાતો કૃષ્ણે અર્જુનને સંભળાવી અને આ સંવાદ ‘અનુગીતા’ના નામથી ઓળખવામાં આવ્યો. 
  3. શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ દ્વારા જે ગોપી પ્રેમની અનુભૂતિ વિષે કહેવાયું તે ‘ઉદ્ધવ ગીતા’ના નામે પ્રચલિત છે.

એમ કહેવાય છે કે ગીતાની સંરચના એ વિશ્વ સાહિત્યમા બહુ અજોડ છે. આમ તો ગીતાના ૭૦૦ શ્લોક શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ તરીકે છે. એમની વચ્ચે જે સંવાદ થઇ રહ્યો છે એ સંવાદ રણભૂમિથી દૂર હસ્તિનાપુર રાજમહેલમાં બેઠેલો સંજય જોઈ અને સાંભળી શકે છે અને રાજા ધૃતરાષ્ટ્ર જે આજીવન અંધ છે એમની સમક્ષ સંજય પોતે જે જોવે છે અને સાંભળે છે એનું વર્ણન કરી રહ્યો છે. જે ગીતાનું જ્ઞાન કૃષ્ણે ગુહ્યતમ કહ્યું છે અને પૂર્વે તો માત્ર સૂર્ય મન અને ઈશ્વાકુ  જ જાણતા હતા એ જ્ઞાન ધૃતરાષ્ટ્ર જેવા મોહના  આવરણથી વ્યાપ્ત અને અંધના અંતઃકરણ સમક્ષ પણ વ્યક્ત થાય એ કેવો યોગાનુયોગ ? ગીતાની આ લાક્ષણિકતા સમજાવતા સાક્ષરવર્ય શ્રી દિનકર જોશી કહે છે કે,  આ ચાર વચ્ચે જે કંઈ બનતું રહ્યું એની સમગ્ર તસ્વીર મહર્ષિ વ્યાસે શબ્દબદ્ધ કરીને આપણને આપી. આમ ગીતાનું રચના કૌશલ્ય ભારે અભિભૂત કરે તેવું છે. ક્યાં અઢાર અક્ષૌણી વચ્ચે થઇ રહેલો સંવાદ, ક્યાં હસ્તિનાપુરના રાજમહેલમાં થતું એનું પુનરાવર્તન અને ક્યાં મહર્ષિ વ્યાસ દ્વારા શ્રી ગણેશની કલમે આલેખાઈને શબ્દબદ્ધ થયેલું કાવ્ય !!  આપણે જયારે કાવ્ય શબ્દ બોલીએ છીએ ત્યારે આપણને સાહિત્યની વાત અવશ્ય યાદ આવે છે. શું ગીતા એ કાવ્ય હતું ? કાવ્ય પાસે હકીકતમાં રસ અને ચોક્કસ સંદેશની અપેક્ષા રાખવામાં આવે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ગીતાનો ગ્રંથ એ કાવ્ય છે. 

ગીતાના બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત આપણને આપવામાં આવ્યા છે. 

૧) આત્મા અમર છે અને અખંડ છે. 

૨) દેહ ક્ષુદ્ર છે, નાશવંત છે 

અને 

૩) સ્વધર્મ અબાધ્ય છે. 

આ ત્રણમાં સ્વધર્મનો સિદ્ધાંત એ કર્તવ્યરુપ છે એટલે કે એને અમલમાં કે આચરણમાં મુકવાનો છે,  જયારે બાકીના બે જાણવા માટેના છે. 

સ્વધર્મ આપણને કુદરતી રીતે આવીને મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. એવું કંઈ નથી કે આપણે આકાશમાંથી પડ્યા ને ભૂમિનો આધાર મળતા ઊભા  થઇ ગયા. આપણો જન્મ થયો તે પહેલાં આ સમાજ હતો, આપણા મા બાપ હતા, આપણા પાડોશી હતા. આ અસ્તિત્વના બધા જ તત્ત્વો હાજર હતા.  આમ આપણો જન્મ ચાલુ પ્રવાહમાં થયો છે એટલે જે મા બાપને પેટ મેં જન્મ લીધો તેની સેવા કરવાનો ધર્મ જન્મથી મને પ્રાપ્ત થયો છે. જે સમાજમાં હું જન્મ્યો તેની સેવા કરવાનો ધર્મ અને પ્રકૃતિના પ્રત્યેક તત્ત્વની સેવા કરવાનો ધર્મ મને ચાલતા આવેલા પ્રવાહમાંથી આપોઆપ આવીને મળ્યો છે. આપણા જન્મની સાથે જ આપણો સ્વધર્મ જન્મે છે. ક્યારેક તો એવું લાગે કે તે આપણા  જન્મની આગળથી આપણા માટે તૈયાર હોય છે. એનું કારણ એ કે તે આપણા જન્મનો હેતુ છે. કોઈ નિયત હેતુ પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. વિનોબાજી સ્વધર્મને મા ની ઉપમા આપે છે. તેઓ કહે છે મારી મા ની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી. તે આગળથી થઇ ચુકી છે. સિદ્ધ છે. મા ગમે તેવી હોય મા મટી શકતી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણા માટે  સ્વધર્મ વગર બીજો કોઈ આધાર નથી. સ્વધર્મને કોઈ ટાળવાનો પ્રયાસ કરે તો એ તો સ્વ ને ટાળવા જેટલું આત્મઘાતી પગલું છે. (ક્રમશ:)

વિષાદનું હોવું પણ એક યોગ જ છે ને ?

વિષાદનું હોવું પણ એક યોગ જ છે ને ?

સ્વધર્મની આડે આવતો જે મોહ છે, તેના નિવારણ માટે તો ગીતાનો જન્મ છે.

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com                                                    

                                                   (02)

અર્જુનનો વિષાદયોગ એ એની નબળાઈ નથી તો પછી શું છે ? અર્જુને કહેલી વાત એ કોઈ એની ફિલસુફી ન હતી, કારણ એ અનેક યુદ્ધો ખેલી ચુક્યો હતો અને અનેકને મોતને ઘાટ ઉતારી ચુક્યો હતો. અત્યારની તેની દલીલો તો તેનો ‘કોરો પ્રજ્ઞાવાદ’ (વિનોબાજીનો પ્રયોગ)  હતો. શ્રી કૃષ્ણ આ વાત એકદમ જાણી ગયા હતા તેથી તેઓ આ વાતને ધ્યાનમાં જ લેતા નથી. અર્જુન તો યુદ્ધપ્રવૃત્ત જ હતો એટલે  અહિંસાવૃત્તિની કોઈ વાતને ધ્યાનમાં  લીધા વિના શ્રી કૃષ્ણ કહે છે કે : ‘અરે અર્જુન, લડાઈ કરવાની ના પાડે છે એ તારો કેવળ ભ્રમ છે. આજ સુધીમાં તારો જે સ્વભાવ ઘડાયો છે તે તને લડાઈમાં ખેંચ્યા વગર રહેવાનો નથી.’ ટૂંકમાં, ભગવદ ગીતાનું પ્રયોજન જ  સ્વધર્મવિરોધી મોહનું નિરસન કરવાનો છે. 

આ સ્વધર્મ શબ્દ એ ગીતાનો કેન્દ્રવર્તી વિચાર છે. મારી નાનકડી  દ્રષ્ટિએ ગીતા એ બે વિચાર-શબ્દોનો સરવાળો છે : સ્વધર્મ આચરણ અને સર્વ ઈશ્વરાર્પણ . અન્યના ધર્મ વિષે મારે વિચારવાની જ જરૂર નથી, કારણ મને જન્મની સાથે જે મળેલ છે તે મારો સ્વધર્મ જ છે અને તેને મારે જીવનભર વફાદાર રહેવાનું છે. બીજાનો ધર્મ મને સારો લાગે તો પણ એ બીજાનો છે, મારો નથી, એટલે તેને અપનાવવાની જરૂર જ નથી. એમ કરવા જઈશ તો હું મારો ધર્મ ચુકી જઈશ. માછલીને કોઈ કહે કે, પાણીમાં રહે છે તેની બદલે તને હું દૂધનો હોજ ભરી દઉં તો ? માછલી એ વાત સ્વીકારશે ખરી ? ના જી, કારણ માછલી જેવો નાનો જીવ પણ સમજે છે કે પાણીમાં હું સલામત રહીશ અને દૂધમાં તો હું મરી જઈશ. 

સ્વધર્મની આડે આવતો જે મોહ છે, તેના નિવારણ માટે ગીતાનો જન્મ છે એમ માનીને આગળ ચાલીએ તો અર્જુનનો વિષાદ ખરેખર તેનો મોહ છે, અને  તેમાં ન લડવાનું કોઈ લક્ષણ નથી એવું સ્પષ્ટ થશે.  પેલા ન્યાયાધીશ હવે મૂંઝાયા છે,  કારણ કે કેટલાયને ફાંસીની સજા કરી ત્યારે મોહનો પડદો ન હતો અને હવે પોતાના દીકરાની વાત આવી એટલે મામકાઃ થયું છે. આખી ગીતા સંભળાવ્યા પછી ભગવાન પૂછે છે કે, ‘અર્જુન, મોહ ગયો ?’ અર્જુન સરસ  જવાબ આપે છે કે,’ભગવાન, મને હવે સ્વધર્મનું ભાન થયું.’ આમ એનો વિષાદ એ નબળાઈ નથી પણ સ્વજન મોહ છે. 

આપણને સહેજે પ્રશ્ન થાય કે વિષાદ  તો બરાબર પણ એની સાથે ‘યોગ’ શબ્દ લગાડીને ભગવાન શું કહેવા માંગે છે ?? અહીં આપણને અર્જુન જ મદદ કરે છે. અર્જુન બહુ ઋજુ હતો અને સદા હરિશરણ હતો. આ બે ગુણ  હોય તો ગમે તેવો વિષાદ પણ યોગ બની જાય. અને જો આનંદ યોગ હોય, પુરુષોત્તમ યોગ  હોય તો વિષાદનું હોવું પણ એક યોગ જ છે. વિષાદ પછી જ આનંદનું મૂલ્ય સમજાય છે ને ?? સાચા માણસના હૃદયનું મંથન તો વિષાદથી જ થાય છે. વળી વિનોબાજી તો એવું માને છે કે અર્જુનને જ વિષાદ હોય એવું કેમ માની  લેવાય, માણસ માત્રને વિષાદ થાય છે, અર્જુનને નિમિત્ત બનાવીને શ્રી કૃષ્ણ  આપણને  વિષાદની પાછળ છુપાયેલ મોહનું દર્શન કરાવે છે. 

ગીતાના બીજા અધ્યાયમાં આત્મજ્ઞાનની વાત છેડીને ભગવાન સમત્વ બુદ્ધિ માટેના લક્ષણો ગણાવે છે. એમ કહો ને કે, ભગવાન આપણને જીવન જીવવાના સિધ્ધાંતો સમજાવે છે. આપણે ઇચ્છીએ તો આ સિદ્ધાંતો ઉપર આપણે જીવનની ઇમારત ચણી  લઇ શકીએ. આ અધ્યાયમાં  વપરાયેલ શબ્દ ‘સાંખ્યબુદ્ધિ’ એટલે જીવનના મૂળભૂત સિદ્ધાંત. ગીતામાં પ્રયોજાયેલ એકે એક શબ્દ આપણી સાથે કનેક્ટ થયેલ છે, તે યાદ રાખવા જેવું છે. પછી આપણે આપણી સમજ પ્રમાણે તેનું અર્થઘટન કરીએ તે આપનો ગુણ  કે દોષ, જે ગણો તે. 

ઉપનિષદમાં એક મજાની વાત છે. એક વખત દેવ, દાનવ અને માનવ ઉપદેશ લેવાને પ્રજાપતિ પાસે પહોંચ્યા. પ્રજાપતિએ ત્રણેને ઉપદેશમાં “द” એટલો એક જ અક્ષર આપ્યો. તેનો અર્થ કરતાં દેવોએ કહ્યું, “અમે દેવો કામી રહ્યા, અમને ભોગવિલાસનો ચસકો પડી ગયેલો. અમને પ્રજાપતિએ “द” અક્ષરથી દમન કરો એમ શીખવ્યું.” દાનવોએ કહ્યું, “અમે દાનવો ક્રોધી, દયાથી અમે આઘા રહેલા. પ્રજાપતિએ “द” અક્ષર વડે અમને દયા કરો એમ શીખવ્યું.” માનવોએ કહ્યું, “અમે માનવો લોભી, અમે સંઘરો કરવા પાછળ પડેલા. “द” અક્ષરથી દાન કરો, એવું પ્રજાપતિએ અમને શીખવ્યુ.” પ્રજાપતિએ બધાયના અર્થ સાચા ગણ્યા કેમકે બધાયને તે પોતાના અનુભવમાંથી લાધ્યા હતા. અનુભવમાંથી લાધે તે અક્ષર  સાચો. (ક્રમશ:) 

 

અર્જુનનો વિષાદયોગ એ અર્જુનની નબળાઈ નથી

અર્જુનનો વિષાદયોગ એ અર્જુનની નબળાઈ નથી

મહાભારતના મધ્યમાં ગીતાનો ઉપદેશ ઘણું સૂચવી જાય છે.

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com

                                              (01)

મહાભારત આપણો રાષ્ટ્રીય ગ્રંથ છે. એમાં આવતી  વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે. વિનોબાજી મહાભારતને ‘વ્યાપક  સમાજશાસ્ત્ર’ કહે છે. એક લાખ શ્લોકો છે મહાભારતમાં.. જેના દ્વારા વ્યાસજીએ કેટલાંય ચિત્રો, ચરિત્રો  અને ચારિત્ર્યો દોરી આપ્યા છે અને તે પણ આબેહૂબ. ભીષ્મ અને યુધિષ્ઠિરના દોષો બતાવેલા છે તો પછી કર્ણ  અને દુર્યોધનના ગુણો  પણ દર્શાવ્યા છે. આટલું મોટું મહાભારત છે  પણ તેમાં વ્યાસજીનો ઉપદેશ કે તેમનું ખુદનું કશુંક ક્યાં જોવા મળે છે, એવું કોઈ પૂછે તો સ્પષ્ટ જવાબ છે કે,  શ્રીમદ ભગવદ્દ ગીતા !!   સમગ્ર મહાભારતનું નવનીત તે ભગવદગીતા.

 સાતસો શ્લોકોમાં કહેવાયેલ ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ,  તેના સખા અને શિષ્ય અર્જુનને કહી રહ્યા છે. અહીં એક નોંધવા જેવી ખૂબી છે કે વ્યાસજીએ આ ગીતાના ઉદ્ગાતાને જ મહાભારતનું એક મહત્વનું પાત્ર પણ બનાવેલ છે. શ્રીમદ ભાગવતના નાયકનું નામ શ્રી કૃષ્ણ છે. પ્રખર અભ્યાસુ સાક્ષર શ્રી દિનકર જોશી નોંધે છે કે,  ‘વિષ્ણુપુરાણ’, ‘અગ્નિપુરાણ’ અને ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં પણ કૃષ્ણ નામનો સતત ઉલ્લેખ થતો રહે છે. તો ‘છાન્દોગ્યઉપનિષદ’માં ઘોર આંગિરસના શિષ્ય તરીકે પણ દેવકીપુત્ર  કૃષ્ણનો  ઉલ્લેખ થયેલ છે અરે, છેક ઋગ્વેદકાળમાં સ્તુતિમંત્રોમાં પણ કૃષ્ણ  નામના ઋષિનું સ્મરણ છે. આમ છતાં એ સ્વીકારવું રહ્યું કે,  આપણે તો જે કૃષ્ણને ઓળખીએ છીએ તે તો ‘મહાભારતના કૃષ્ણ’ છે.  

ગીતાનું સ્થાન મહાભારતમાં બરાબર મધ્યમાં છે. સમગ્ર મહાભારત પર પ્રકાશ ફેલાવનાર દીવાદાંડી તે ગીતા છે. પાછી આ દીવાદાંડી તો કિનારે નથી, પણ મધ્યમાં છે. એક બાજુ મહાભારતના છ પર્વો છે તો બીજી બાજુ બાર પર્વ છે. એક તરફ સાત અક્ષૌહિણી સેનાઓ છે તો બીજી તરફ અગિયાર અક્ષૌહિણી સેનાઓ  છે અને તેના  મધ્ય ભાગે ગીતાનો ઉપદેશ થયો છે. મહાભારતના મધ્યમાં ગીતાનો ઉપદેશ ઘણું સૂચવી જાય છે.

       ગીતાનો પહેલો જ અધ્યાય લાચારીની મનોદશાથી શરુ થાય છે જે ઉત્સાહવર્ધક નથી તેવું  ઘણાને લાગે છે. અર્જુન જેવો ખરો બાહુબલી નિરાશાના અને શરણાગતિનાં વચનો ઉચ્ચારે તે પણ ઝટ દઈને મનમાં બેસતું નથી. જેને આજે ‘મોટિવેશન’ નું રૂપાળું નામ અપાયું છે તે મોટીવેશનના ભંડાર જેવી ગીતાનો આરંભ આવો કેમ ?? શું અર્જુન નામર્દ અવસ્થામાં મુકાય શકે ? સેંકડો લડાઈઓ ખેલી ચુકેલો અર્જુન અચાનક બીકણ કેમ ભાસે છે ?? વિરાટની ગાયો છોડાવવા માટે એકલે હાથે ભીષ્મ, દ્રોણ  અને કર્ણને હરાવી તેનું બળ હરી  લેનાર અર્જુન આમ ઢીલો થઇ જાય ખરો ?? જેના રોમેરોમમાં વીરવૃત્તિ છે તે અર્જુન હાથિયાર હેઠા મૂકીને કેમ બેસી ગયો ?? આ અને આવા અનેક પ્રશ્નો એક સહજ માણસ તરીકે મને અને તમને થાય છે અને થાય તે સ્વાભાવિક પણ છે. અર્જુનનો વિષાદ આસક્તિજન્ય હતો તેમ તો કહેવા શ્રી કૃષ્ણ ઈચ્છે  છે. અને એટલે તો પહેલા અધ્યાયમાં અર્જુન જેવા વીરને પણ આસક્ત થતા વાર લાગતી નથી તેવું સમજાવીને શ્રી કૃષ્ણ અનાસક્તિયોગ તરફ આપણને લઇ જાય છે. અર્જુનનો વિષાદયોગ એ અર્જુનની નબળાઈ નથી.

         એક ન્યાયાધીશની વાત યાદ આવે છે. એક ન્યાયાધીશ હતો. સેંકડો ગુનેગારોને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મુકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશને માથે આવ્યું. પણ તેમ કરતાં તે ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી. “ફાંસીની સજા અમાનવીય છે, એવી સજા કરવાનું માણસને શોભતું નથી, માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી, ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેનું ઝનુન ઊતરી ગયા પછી પણ ગંભીરતાથી તે માણસને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારું તેમ જ ડાધ લગાડનારું છે.” આ ને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. પોતાનો છોકરો સામો આવ્યો ન હોત તો મરતાં સુધી ન્યાયાધીશ સાહેબ ખાસ ફાંસીની સજાઓ  ફટકારતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યા હતા. તેમનું એ બોલવું અંતરનું નહોતું. તે આસક્તિજન્ય હતું. “આ મારો દીકરો છે” એવા મમત્વમાંથી જન્મેલું એ કથન હતું…

           બસ, આ ન્યાયાધીશ તે ગીતાનો અર્જુન..અને ન્યાયાધીશનો વિલાપ તે અર્જુનનો વિષાદ… (ક્રમશઃ) 

“તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી?”

યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માંગ, પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

નચિકેતાએ ઋષિને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ” પિતાજી કહે હા… તો નચિકેતા કહે “તમે તમારા પુત્રનું દાન કોને કરશો?” પ્રશ્ન સાંભળી ઋષિ એકદમ સંકોચાઈ ગયા. પણ નચિકેતાએ તો આ પ્રશ્ન પૂછવાનું વારંવાર ચાલુ રાખ્યું. ‘તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી? બોલોને તમે કોને કરશો ?’  આ વાતથી ઋષિ ક્રોધિત થયા અને પિતાએ કહ્યું કે, ‘હું તને યમરાજને દાનમાં આપું છું.’ 

પિતાએ તો ક્રોધમાં વાત કરેલી. કોઈ પુત્રનું દાન યમરાજને થોડું આપે ? પણ નચિકેતાએ આ વાત સાચી માની લીધી. નચિકેતાને ખુબ જ દુઃખ થયું કે મારું દાન કરી નાખ્યું અને એ પણ યમરાજાને ? પણ પિતાની આજ્ઞા અને પિતાના વચનને માથે ઓઢી  અને યમરાજાને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. પરંતુ ત્યાં પહોંચીને નચિકેતાને યમપુરીમાં પ્રવેશ ન મળ્યો. કારણ કે યમપુરીમાં તો જેને લેવા આવે ને લઇ જાય એને પ્રવેશ મળે. એને દરવાને રોક્યો કે,  ‘ભાઈ તારા મૃત્યુને વાર છે. તું મૃત્યુ પહેલા અહીં કેવી રીતે પહોંચી ગયો ? તારા માટે આ યમપુરીના દ્વાર બંધ છે.’ પણ નચિકેતા ત્યાં જ બેસી ગયા. યમરાજ બહાર હોવાથી ત્રણ દિવસ ન આવ્યા તો ત્રણ દિવસ સુધી એ ભૂખ્યા અને તરસ્યા યમપુરીના દરવાજા બહાર બેસી રહ્યા. 

યમરાજા આવ્યા એણે જાણ્યું કે એક બાળક તપસ્યાથી પ્રસન્ન છે, એને તો  સ્વયં યમરાજાને જ મળવું છે અને ત્રણ દિવસથી મોઢામાં પાણી મુક્યા  વગર એ ત્યાં બેઠો છે. યમરાજાને સંકોચ થયો. તાત્કાલિક એની પાસે ગયા. એને થયું કે આની સાથે હું સમાધાન કરું એટલે યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માંગ પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’  

નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ કાયમ મળે એવું માગ્યું. બીજુ અગ્નિ વિધીનું જ્ઞાન જોઈએ ત્રીજું વરદાન માગ્યું કે આત્મજ્ઞાન અને મૃત્યુના રહસ્ય વિશે જાણવા મળે એવી તમે કશીક વાત કરો. યમરાજ નચિકેતાના ત્રીજા વરદાનને ટાળવા માંગતા હતા. પહેલાં બે માં  તો કશો વાંધો નથી પણ ત્રીજા વરદાનનો હું જવાબ ન આપું.. નચિકેતાને સાંસારિક સુખ આપવાનો લોભ આપ્યો. ‘બોલ તને શું જોઈએ છે?  તને સંપત્તિ આપું.’ લોભની કોઈ અસર ન થઈ અને અડગ રહ્યા, ત્યારે યમરાજાએ   વિવશ થઈને તેના પ્રશ્નોના જવાબ આપવા જ પડ્યા.

એ પાંચ પ્રશ્નોના જવાબ આત્મસાત કરીને જીવીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.

  • “શરીરથી કેવી રીતે બ્રહ્મજ્ઞાન અને તેના દર્શન થાય છે ?” યમરાજાએ ઉત્તર આપ્યો કે, “મનુષ્ય શરીર એક બ્રહ્મનગરી છે, જેમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કાન, મુખ બ્રહ્મરંધ્ર નાભી, ગુદા અને શિશ્નના રૂપમાં અગિયાર દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને સમજી જાય છે તે દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે. તેને જન્મ અને મૃત્યુના બંધનથી પણ મુક્તિ મળે છે.
  • “આત્માનું સ્વરૂપ શું છે, શું શરીર મરી જાય પછી આત્મા પણ મરી જાય છે ?” યમરાજે ઉત્તર આપ્યો કે, બેટા આત્માનું કોઈ સ્વરૂપ ન હોય. મનુષ્ય શરીરનો નાશ થયા પછી આત્માનો નાશ નથી થતો. આત્મા સાંસારિક સુખ, દુઃખ, ભોગ, વિલાસ એ બધાથી પર હોય છે. આત્માનો ન કોઈ જન્મ થાય છે અને મૃત્યુ પણ નથી થતું.
  • “જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે છે?” યમરાજ સુંદર જવાબ આપે છે કે, “એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનીઓમાં જન્મ થાય છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતું તે અલગ અલગ યોનીઓમાં ભટક્યા કરે છે. જે લોકો ખુબ પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ અને જીવજંતુ જેવી યોનીઓમાં જન્મ લે છે.તેથી એણે વધુ વર્ષ અહીં કાપવા પડે છે.”
  • “શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરનું શું થાય?” યમરાજે જણાવ્યું કે, ‘આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિયજ્ઞાન પણ આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય.’
  • “આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે ?” યમરાજે જણાવ્યું કે, ‘ઓમ’ એ પરબ્રહ્મના પ્રતિકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે.

જીવનમાં બે વિસ્ફોટ થયા અને આપણને મળ્યા ‘સેવા’મૂર્તિ ઈલાબેન ભટ્ટ

શહેરી ભણેલા લોકોનો ટિપિકલ માઈન્ડ સેટ મને બહુ નડ્યો છે !

મારા સાડલાની બોર્ડરનો રંગ કાલે કેવો હશે તેની ચર્ચા થવા લાગી કોર્ટમાં !

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

સેવામૂર્તિ ડૉ. ઇલા ભટ્ટ. જેમના છેલ્લાં સાઠેક વર્ષોના જીવનનો અવિભાજ્ય પર્યાય એટલે ‘સેવા’. હા, આ સેવા એટલે સાદી-સીધી કે નામ-દામ મેળવવાની સેવા નહીં. આ સેવા એટલે SEWA (Self Employed Women’s Association), સ્વાશ્રયી કામદાર મહિલા સંઘ.  સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં આમંત્રણથી યુનોની સંયુક્ત પરિષદને સંબોધનાર ડૉ. ઇલા ભટ્ટ આપણાં ગુજરાતના – અમદાવાદના – ખાડિયાના – દેસાઈની પોળના નિવાસી. બહુ યાદ કરે તેઓ ભાવથી એ દેસાઈની પોળનાં ગરબાને કે જ્યાં તેમના મા વનલીલાબહેન અને માસી તરુલતાબહેન લાંબા ઢાળના ગરબા ગવરાવતા અને આજુબાજુની પોળના લોકો એ સાંભળવા આવતા. “ભદ્રાયુભાઈ, આજે જ્યાં અખાનું પૂતળું મૂક્યું છે ને તે ઘર અમારું, ત્યાં કૂવો ઢાંકીને ચોક કર્યો છે,  બસ એ ગરબા ગાવાનો ચાંચરચોક અમારો.” અન્ય ગોઠવણને અંજામ આપવા જે વિદ્યાપીઠે ઉતાવળમાં કુલપતિ ઇલાબેનનું રાજીનામુ સ્વીકારી લીધું તે જ વિદ્યાપીઠમાં નિરાંત જીવે સંવાદ માંડેલો ત્યારે નિજી જિંદગીનાં કેટલાંય પૃષ્ઠો ખોલેલાં ઇલાબહેને.

સ્વાતંત્ર્યની ચળવળનો સમય હતો એ, જ્યારે ઇલા ભટ્ટનું તારુણ્ય અને યુવાની રંગે ચડ્યાં હતાં. શાળાના ગણિત શિક્ષક તલાટીસાહેબ પારસી હતી. ગણિત તો સરસ ભણાવે જ પણ હારોહાર જીવનનાં મૂલ્યોની વાતો પણ કરે. દેશને આઝાદ કરવાનો છે, દેશનું ચારિત્ર્ય ઘડવાનું છે. એવી વાતો થતી ત્યારે કૉલેજકાળમાં તો દેશનાં નવનિર્માણનાં સ્વપ્નો જોયાં હતાં. મહાત્માજીએ “શું કરવું” અને “કેમ કરવું” તે તો સ્પષ્ટ કરી આપેલું. ગામડામાં જાવ, ત્યાં કામ કરો, ગરીબો-પછાતો-વંચિતો માટે સમય આપો એવું કહેતા કૉલેજમાં અધ્યાપકો. મહાત્માજીની હત્યાનો સમય બરાબર યાદ ઇલાબહેનને. “સમાચાર મળ્યા કે બાપુની હત્યા થઈ છે ત્યારે મહોલ્લામાં ચર્ચા થયેલી કે જરૂર કોઈ મુસલમાને માર્યા હોવા જોઈએ  ગાંધીજીને, ત્યારે મારાં બા અને બાપુજીએ સૌને કહ્યું : ના, આપણા જ લોકોએ હત્યા કરી હશે. આપણો વિરોધ કરનારા જીવ લેવા સુધી ન જાય, એ કામ તો કોઈ અંદરના ને નજીકનાં જ કરી શકે… મારી બા બહુ રડી હતી. દાદાજીએ અઠવાડિયા સુધી મૌન રાખ્યું હતું. અમે પણ શુક્રવારે મૌન રાખતાં થયેલાં. શાળામાં શોકસભા થયેલી તેમાં મેં રચેલી જીવનની પહેલી કવિતા ૨જૂ કરી બાપુને અંજલિ આપેલી…’ 

ઇલાબહેન એગ્રેસિવ કે  ઍક્ટિવિસ્ટ પણ નહીં,  કારણ નાનપણમાં બીકણ, શરમાળ, હિંમત ન ચાલે એવાં. રમવા-કૂદવાનું ન મળ્યું કદી. જલ્દીથી મોટાં ને પીઢ થઈ જવાયું. ધ, સેન્સ ઑફ જસ્ટિસ ભારે. પોતે બેઠાં હોય તે જગ્યા પર પછી કોઈ બેસે તો તેને ઉઠાડે  અને ન ઊઠે તો તેને કહે : “ઊભા થાવ  નહીં તો હું કેસ કરીશ તમારા પર .’ આ વાત પિતાજી કહેતા. કશામાં ભાગ ન લેવો, ડિબેટમાં બોલવું નહીં, દલીલો મનમાં હોય પણ પહેલ કરીને કૂદી પડવું એવું કંઈ નહીં. એમાં એક ર્નિગ પોઈન્ટ આવ્યું . ૧૯૭૧ના સેન્સસની પ્રિ-ટેસ્ટનું કામ કૉલેજને સોંપાયું. કૉલેજ વતી આ કામમાં જોડાયાને નજીકના માછીવાસમાં પહેલીવાર જવાનું બન્યું. તેઓની બધી વિગતો પૂછવાની ને પછી લખવાની. ઘણો સમય માછીમારો વચ્ચે ગાળ્યો. ઘરે આવે ત્યારે કપડાંમાંથી માછીની વાસ આવે. ઘરના પૂછે તો શો જવાબ આપવો? ઇલાબહેન ધીમા અવાજે ભર્યા સાદે કહે : “આ સેન્સસે મારાં જીવનમાં મોટો વિસ્ફોટ કર્યો ! પહેલો અનુભવ હતો જિંદગીનો કે ગરીબોનાં ઝૂંપડાંમાં જવાનું ને જાણવાનું કે તે શું ખાય છે, કેમ જીવે છે, કેટલાં જન્મે છે, એમાંથી કેટલાં મરે છે, શું કરે છે, શું  કરતાં નથી? આપણા  ઘરથી આટલાક દૂર છે તે લોકો વિશે આપણને કશી ખબર નથી ?! આ તો બહુ સ્વાર્થી જીવન ગણાય. આ સમયમાં મારા વર્ગસાથી સાથે મૈત્રી થઈ ને એ પરિણયમાં પરિણમી.”

દાદા ધારાસણા મીઠા સત્યાગ્રહની પ્રથમ ટુકડીના વડા. આમ ફિલ્મસર્જક, કુશળ અને સેવાભાવી. ગાંધીજીને વાંચતાં વાંચતાં બધું છોડી દીધું હતું ! ઇલાબહેનનો ઉછેર – ભણતર – વકીલાતનો આરંભ બધું સુરતમાં. પિતા અને કાકા બન્ને વકીલાત કરતા. દાદાએ કહ્યું કે બન્ને છોકરા એક જ કોર્ટમાં વકીલાત કરે તે બરાબર નહીં એટલે સુરત જવાનું થયું. મા વનલીલાબહેન બહુ ઉત્સાહી, ત્રણ ચોપડી ભણીને સાસરે આવેલાં પણ સાસરે આવીને આગ્રહપૂર્વક ભણ્યાં. દીકરી ઇલાએ જ્યારે બી.એ. કર્યું ત્યારે માએ મૅટ્રિક પાસ કર્યું! દીકરીને વકીલ બનાવવાનું શ્રેય માને જાય. પોતે અખિલ હિંદ મહિલા પરિષદમાં પણ કાર્ય કરે. “ભણવામાં રુચિ કેવી હતી, ઇલાબહેન ?” આ પ્રશ્ન પુછાતાં જ ઇલાબહેન ભટ્ટ તરત બોલી ઉઠેલાં  : “મને મારી રુચિ ન પૂછશો. મારાં માબાપની રુચિ પૂછો. તેઓનો ઉત્સાહ એટલો હતો કે મને ભણવા બેસાડી સીધાં ત્રીજા ધોરણમાં ! તેર વર્ષે મૅટ્રિક, સત્તર વર્ષે બી.એ., ૧૯ વર્ષે એલએલ.બી., વીસ વર્ષે મજૂર મહાજન સંઘમાં વકીલાત શરૂ, એકવીસ વર્ષે પહેલું બાળક, સત્તાવીશ વર્ષે બીજું બાળક અને પછી આઝાદ..’ તેઓની આઝાદીએ સમાજને કેટલું આપ્યું તેની કોઈ ગણતરી કે કોઈ ભાર વગરનાં  ઇલાબહેન હવે સદાકાળ આઝાદ થઇ ગયા. 

મજૂર મહાજન સંઘમાં જોડાયા ને ઇલાબહેને વકીલાત શરૂ કરી. તે સમયના સમર્થ વકીલ સોમનાથ દવેએ ગ્રેચ્યુટીના બિલનું પાયાનું કામ સોંપ્યું. મજૂરોના નાના નાના પ્રશ્નોના કેસોથી વકીલાતનો આરંભ થયો. બહુ નવું લાગતું ત્યારે કારણ બધા જ પુરુષો, કોર્ટમાં પણ અને મહાજનમાં પણ… મારા સાડલાની બોર્ડરનો રંગ કયો હશે કાલે, તેની પણ ચર્ચા થવા લાગી. હું જરા કૉન્શિયસ બની ગઈ અને તેમાંથી ઘણું શીખી! ૧૯૬૯માં હુલ્લડ થયાં તેમાં મિલકામદારો પહેલીવાર ભળ્યા એ ખેદજનક વાત હતી. શ્યામાપ્રસાદ વસાવડા જનરલ સેક્રેટરી. તેમની અને નાનાભાઈ શુક્લની સાથે હુલ્લડો દરમ્યાન બહુ કામ કર્યું. મડદાં ઊંચકી ટ્રકમાં ભર્યા ! મિલકામદારોનાં ધાડેધાડાં મદદ માટે મહાજનમાં આવવા લાગ્યાં. ઈલાબહેન ભટ્ટને કામ સોંપાયું કે ‘સર્વે કરી બહેનોને ક્યાં-કેવી ઈજા થઈ છે?” “આ લોકોનાં ઘર કેમ ચાલે છે?અને આ સર્વેએ ઇલા ભટ્ટના જીવનનો બીજો વિસ્ફોટ કર્યો ! જાણવા મળ્યું કે મિલકામદારોના – શ્રમિકોનાં ઘર તો બહેનોની કમાણીથી જ ચાલે છે. શાક વેચે છે, ખોળાં બનાવે છે, બાંધકામ મજૂરી કરે છે, લારી ખેંચે છે, ખેતમજૂરી કરે છે… અને આ લોકોને કોઈ રક્ષણ તો નથી, કારણ આ સ્વાશ્રયી વર્કર નથી,  માટે વર્કરનો કાયદો તેને લાગુ નથી પડતો. એ સમયે ૮૯% કામદારો એવા હતા કે જેને સામાજિક કે કાયદાકીય રક્ષણ તો હતું જ નહીં ! આ તે કેવું? ઇલાબહેન ભટ્ટે નક્કી કર્યું : “મારે વકીલાત નથી કરવી. અસંગઠિતોનું સંગઠન કેમ નહીં? જેના કોઈ માલિક નથી તેનું યુનિયન ન હોય તે કેમ ચલાવી લેવાય? જેમને કોઈ નામ જ નહોતું તેને અમે self Employed એવું નામ આપ્યું.” વર્કર અને યુનિયન શબ્દોને રીડિફાઈન કરનાર ઈલા ભટ્ટ ૧૯૭૨માં SEWA સ્થાપી, અરવિંદ બુચ પ્રમુખ અને ઇલા ભટ્ટ જનરલ સેક્રેટરી. ‘સેવા’નું રજિસ્ટ્રેશન કરાવવામાં નવ મહિના સંઘર્ષ કરવો પડ્યો. સોસાયટીનો માઇન્ડસેટ કારણભૂત હતો. ઇચ્છા એવી કે આ શ્રમજીવી અદૃશ્ય રહે તો અબોલ રહે અને તો જ શોષિત રહે! “ચૂલાની ડિઝાઈન બદલવી જોઈએ, લારીએ બ્રેક હોવી જોઈએ, લારી નીચે લટકીને સૂતાં શ્રમજીવીના બાળક માટે સગવડતા હોવી જોઈએ, માણસનો માણસ તરીકે સ્વીકાર થવો જોઈએ. વસાવડાસાહેબ, શંકરલાલ બૅન્કર, હંસાબહેન હજારે, ખંડુભાઈ દેસાઈ સૌની સાથે મળી ઘનિષ્ઠ કામ થયું. શનિવારે મહાજન સંઘમાં સ્વાધ્યાય થાય તેમાં ‘ગાંધી સિદ્ધાંતોની ચર્ચાથી કામનો પાયો નંખાય.” ઇઝરાયેલની લેબર ઍન્ડ કો-ઑપરેટિવ ઇન્સ્ટિટયૂટમાં નવ માસનો ડિપ્લોમા કોર્સ કરવા ઇલાબહેનને મોકલવામાં આવ્યાં. ત્યારે ખ્યાલ આવ્યો કે વિચાર આપણો છે, પણ તેનો નમૂનો ઈઝરાયેલે પૂરો  પાડ્યો છે. અહીંથી જીવનને સાર્થકતાનો રસ્તો મળ્યો. 

‘સેવા’ દ્વારા ત્રણ વાતો અમલમાં મુકાવી : (૧) “અમે છીએ તેની નોંધ લો”. (૨) ‘અમારે શું જોઈએ છે?” તે જાણો. (૩) “અમારી પ્રમાણભૂતતાનો સ્વીકાર કરો.” પાથરણાવાળા પણ નેચરલ માર્કેટ છે, એવું સુપ્રિમ કોર્ટ સુધી લડી સેવાએ પ્રસ્થાપિત કર્યું. મજૂરી પણ સેવા છે તેવું સ્વીકૃત કરાવ્યું..” નાના શ્રમિકોને નાનું ધિરાણ આપનાર વચેટિયાને કાઢવા બૅન્ક શરૂ કરી. શ્રમિક રોજ એક રૂપિયો બૅન્કમાં મૂકી શકે, પચાસ રૂપિયા થાય એટલે બૅન્ક તેને ધિરાણ આપે. છ રાજ્યોમાં આ સેવા બૅન્ક આજે ધમધમે છે. સેવાએ યુનિયન, બેંકિંગ, વીમો, કાયદાકીય સલાહ, આવાસ યોજના અને હવે માઇક્રોફાઇનાન્સની યોજનાઓને અમલમાં મૂકી વિશ્વસ્તરે સૌને અચંબિત કર્યા છે. ‘સેવા’ના બાર લાખથી વધુ સભ્યો ! “સેવા’નાં વિધિવત્ પ્રધાનમંત્રીપદે ઈલાબેન ન હતા , છતાં તેની ખાસ કાળી ઑટોરિક્ષા જોઈને કોઈપણ અમદાવાદી કે ગુજરાતી સેવાના પર્યાય ઇલા ભટ્ટને ઓળખી જાય છે ! 

એકસોને પાંચ નાની સહકારી મંડળીઓમાં કાર્યવ્યસ્ત “સેવાના પુરસ્કર્તા ઈલાબેનની વાત કાને ધરવા જેવી છે : “આપણે ઊંચે જઈએ તેના બદલે વિરતારમાં ફેલાઈએ તે જરૂરી છે. ઘરકામ અને માતૃત્વ બહેનો માટે બોજો નથી, તે તો સ્ત્રીના પાવરના મોટા સૉર્સ છે.” છેલ્લે છેલ્લે એક પ્રશ્ન પૂછેલો તે યાદ છે  : ‘તમને જિંદગીમાં સૌથી વધું શું નડયું  છે?’ જવાબ બેધડક અને સ્પષ્ટ હતો : “ શહેરી ભણેલા લોકોનો ટિપિકલ માઇન્ડસેટ બહુ નડયો છે ! આપણી માણસ પ્રત્યેની નિસ્બત ઘટતી જાય છે તેના બધા પ્રશ્નો છે!”

..મંદબુદ્ધિના બાળકોએ ગંગા કાંઠે આરતી કરી ને દીવડા તરાવ્યા…

પાંચ બસ ભરીને અંકુર શાળાના બાળકો અને તેની મમ્મીઓ ઉપડી યાદગાર પ્રવાસે

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

અંકુર સ્કૂલમાંથી યોજાયેલ પ્રવાસમાં મારો પૌત્ર મહમ્મ્દ રઝા અને તેમના મમ્મી યાસ્મીનબેન ગયા હતા. દસ દિવસનો પ્રવાસ પૂરો કરીને ગઈકાલે ઘરે આવીને પ્રવાસનું અને અનુભવોનું વર્ણન કર્યું છે અને તમામ મંદબુદ્ધિના બાળકોની જે સાર સંભાળ લીધી છે અને દરેક સ્થળે જે મજા કરાવી છે અને દરેક જગ્યાએ જે સગવડતાઓ પુરી પાડી છે તે સાંભળીને બહુ જ ખુશી થઈ છે. ખરેખર આવી કાબિલેદાદ સેવા તો ઘરના ધણી પણ આપી ન શકે. આ પ્રવાસ તેઓની જિંદગીનો ન ભૂલી શકાય તેવો યાદગાર પ્રવાસ બની ગયો છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો   તમો બધા કે જેઓએ તન મન ધનથી આવી નેક સેવા કરી છે અને આવું નેક શુભ કાર્ય કરીને માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા નેક કાર્યનો બદલો તો ઉપરવાળો જ આપી શકે. ફરી વખત ધન્યવાદ લિ. માસુમ અલી ભીમાણીના દુઆ સલામ.

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામના માસુમ અલી ઈબ્રાહીમભાઈ ભીમાણીનો આ પત્ર સકારણ અહીં પેશ કરવામાં  આવ્યો છે. આપણને પત્ર વાંચીને થોડીવાર આશ્ચર્ય થાય કે આ રીતે કોણ પોતાનો રાજીપો વ્યક્ત કરી રહ્યું હશે ? પણ આ વાત એક અવિસ્મરણીય મેગા ટુરના આયોજનની છે. અવિસ્મરણીય એટલા માટે કે આ પ્રવાસ ભાવનગરથી હરિદ્વાર સુધીનો નક્કી કરવામાં આવ્યો. આપણને આશ્ચર્ય થાય કે એક, બે કે ત્રણ નહીં પણ પાંચ બસ ભરીને કુલ ૩૧૦ લોકો સાથે મંદબુદ્ધિના બાળકો પ્રવાસે ઉપડે અને તેમને મનગમતા ભોજન અને ભજન સાથેની યાત્રા સુખરૂપ પરિપૂર્ણ થાય. આશ્ચર્ય તો એ છે કે આ પ્રવાસ દરમિયાન કોઈએ જીવનમાં પહેલીવાર પંજાબી સૂટ પહેર્યો તો કોઈએ જીવનમાં ત્રણ ટાઈમ રોજ પહેલીવાર ખાધું. કોઈ બસમાં પહેલીવાર બેઠા, તો કોઈ પોતાની મમ્મી સાથે આ રીતે ઘરની બહાર પહેલીવાર નીકળ્યા. ગંગાસ્નાનમા કોઈએ દીકરાનું,  તો કોઈએ પત્નીનું તો કોઈએ દીકરાની વહુનું તર્પણ કર્યું. કોઈની ત્રીજી પેઢીમાં કોઈ પહેલીવાર કોઈ ગંગા સ્નાન કરવા પામ્યું.

જીવન એક યાત્રા છે. કોઈની યાત્રા મજાની હોય, આરામદાયક સુવિધાયુક્ત પડકાર વગરની હોય, તો પણ થોડીક ફરિયાદ તો એમાં રહેતી જ હોય. પણ આ પ્રવાસ એવા સમાજનો હતો કે જેઓ હંમેશા પોતાના મંદબુદ્ધિના બાળકોના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ લઈને રાત્રે સુવે છે. કેટલાક મા બાપ ઈશ્વરે પોતાને શ્રાપ આપ્યો છે એટલે એવું બાળક જન્મ્યું છે એવું માને છે. તો કેટલાક એવું માને છે કે આના કરતા આત્મહત્યા કરી લઈએ તો સારું. આવા બધા વિચિત્ર મનોવલણો ધરાવતા મંદબુદ્ધિના મા બાપ પોતાના દેવના દીધેલને એક શાળામાં દાખલ કરે છે જે શાળાનું નામ ‘અંકુર સ્કૂલ ફોર મેન્ટલી રિટાર્ડેડ ચિલ્ડ્રન’  એટલે ‘મંદબુદ્ધિવાળા બાળકોની શાળા અંકુર’  છે. આ શાળા છેલ્લા ૪૧ વર્ષથી એકધારો પુરુષાર્થમય પ્રવાસ કરી રહી છે. એમની બધી જ પ્રવૃતિઓ વિષે જાણીએ તો અવાચક રહી જવાય કે આ પ્રકારના બાળકોને કેવી રીતે દાખલ કરીને એમને જીવનનો આનંદ અપાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે.

દરેકે દરેક પર્વ અહીં ઉજવાય, દરેકે દરેક જીવનની નાની મોટી ઘટનાઓના સાક્ષી બનાવવાનું  થાય. અને એ દરેકની અંદર માતાપિતાને સાથે જોડવામાં આવે કારણકે માતા પિતાના સાથ વગર તો આ બાળક એક ડગલું ભરવા પણ શરૂઆતમાં તૈયાર નથી હોતું. નવાઈ લાગશે કે શાળામાં ત્રણ વર્ષથી અઢાર વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. શાળામાં સરકારમાન્ય કરીક્યુલમ એટલે કે અભ્યાસક્રમ અને મંદબુદ્ધિના બાળકો માટેનો વિશિષ્ટ અભ્યાસક્રમ એમ બંનેને સાથે જોડીને બાળકોના શારીરિક અને માનસિક સ્તરને ધ્યાનમાં રાખી ગ્રુપ પ્રમાણે ધોરણ ૧ થી ૬ વર્ગીકૃત કરી પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. અહીં ભણાવવામાં આવતું નથી પણ  અહીં તો સાથે સાથે જીવવામાં આવે છે. શાળામાં આધુનિક ટેક્નોલોજી જેમાં કમ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટ ફોન, સ્માર્ટ બોર્ડ, ઈ લર્નિંગ તેમજ વર્ચ્યુઅલ તાલીમની સગવડતાઓ ઉભી કરવામાં આવી છે. આ શાળાના ઉત્સાહી શિક્ષકો આ બાળકો આનંદમાં રહે જીવનમાં ખુબ સારી એવી મજા માણતા રહે તેના માટે કટિબદ્ધ છે. વર્ષ દરમિયાન વારંવાર અનેક પ્રકારના કાર્યક્રમના આયોજનો થાય છે. અને તેમાં સૌને સામેલ કરવામાં આવે છે. 

માર્ચ ૨૦૨૨ ના ૧૯ મી તારીખથી લઈને ૩૦ મી માર્ચ ૨૦૨૨ સુધી એટલે કે ૧૧ દિવસનો એક અનોખો પ્રવાસ મંદબુદ્ધિનું બાળક અને તેની મમ્મી એમ સાથે યોજવામાં આવ્યો અને એમાં પાંચ બસ ભરીને ૩૧૦ લોકો સાથે તેઓ શ્રીનાથજી, ઉદયપુર, જયપુર, દિલ્હી, આગરા, હરિદ્વાર, મસૂરી, ઋષિકેશ અને વળતા અંબાજી થઈને ભાવનગર પરત આવ્યા. હા દાતાઓએ બહુ મોટો સહકાર આપ્યો અને પરિણામે આ મંદબુદ્ધિના બાળકોની માતાઓ કે જે ક્યારેય ઘરની બહાર નીકળી નથી,  કેટલીક ૪૫ વર્ષથી નથી નીકળી તો કેટલીક તો ૭૦ વર્ષે પણ બહાર નથી નીકળી એવી સ્ત્રીઓ અને બાળક સાથે હોય અને મા દીકરો બહાર નીક્ળ્યાનો અને ચોખ્ખી મજાની હવા મેળવ્યાનો,  ગંગા નદીનું પાણી માથા ઉપર ચડાવ્યાનો આનંદ લે ત્યારે અંકુરણ શિક્ષકો માટે આંખના ખૂણા ભીના થાય.

જયારે ૧૯ માર્ચ ના રોજ આ પ્રવાસનો આરંભ થયો ત્યારે ભાવનગરના ASP શ્રી શફી હસન અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બાબાભાઈ તથા શુભેચ્છકોની વિશાળ હાજરીમાં પ્રવાસને લીલી ઝંડી આપતા પ્રસન્ન બદને ઉભા હતા. આ સમગ્ર પ્રવાસ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોમાં મંદબુદ્ધિના બાળકોને, તેમના મમ્મીઓએ હાથ પકડી પકડીને જોડ્યા છે. કેટલીક મમ્મીઓ એવી હતી કે જેણે ખુલ્લા બજારમાં જઈને પહેલીવાર ખરીદી કરી. અહીં તેમના હાથમાં ઘરની સાવરણી ન હતી અથવા તો મંદબુદ્ધિના બાળકોને બાંધીને જકડી રાખતા વાતાવરણની કોઈ પ્રકારની કેદ ન હતી. બાળકને શિક્ષકોએ સંભાળ્યા. આ યાત્રામાં ઈશ્વર જાણે સંભાળ લેતો હોય એવા અનેક અનુભવો થયા. હરિદ્વારમાં હરકીપેડી આરતીમાં જ્યાં માનવ મહેરામણનો વિસ્ફોટ થતો હોય તેવી જગ્યાએ આ ૩૧૦ લોકો એક સાથે માતા ગંગાની સાંધ્ય આરતીમાં જોડાયા આમ છતાં એક પણ બાળક કે એની માતા ગુમ થયા હોય કે તેને શોધવા નીકળવું પડ્યું હોય એવો એક પણ દાખલો બન્યો નહીં. 

આપણે માર્ચ મહિનામાં સરકારનો ટેક્સ ભરીએ છીએ.. પણ અહીં અનેક દાતા અને અંકુર સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, કાર્યકરોએ  માણસનો અવતાર લઈને તેનો ટેક્સ ભરી ઈશ્વરના ચોપડે બધું જ જાણે સરખું કરી દીધું. મજાની વાત એ છે  જયારે ૧૧ દિવસ પુરા કરીને વહેલી સવારે ૪ વાગ્યે પાંચ બસો ભાવનગરના અંકુર શાળાના પરિસરમાં પ્રવેશી ત્યારે અંકુર શાળાનો સ્ટાફ અને આ બાળકોના બાકીના ઘરના સદસ્યો ઢોલ અને નગારા સાથે આ બાળકોએ કરેલી યાત્રાને વધાવવા વાજતે ગાજતે હાજર હતા. અંકુરમાં ચાલતી ટ્રેનિંગ કોલેજ ના સૌ તાલીમાર્થીઓ કે જે આવતીકાલે આ જ પ્રકારના બાળકોની આંગળી પકડવાના છે એ તાલીમાર્થીઓએ સમગ્ર કેમ્પસને  લાઇટિંગ દ્વારા સુંદર રીતે સુશોભિત કરીને આ બાળકો અને  એની માતાઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રવાસને અંતે અનુભવ સંવાદ  પણ યોજાયો  અને  સંસ્થા દ્વારા સૌને  આકર્ષક સ્મૃતિ અર્પણ કરવામાં આવી.  શાળાના ટ્રસ્ટીઓ અને આ અંકુર શાળાનું સંચાલન કરનાર PNR સોસાયટીના હોદ્દેદારો દ્વારા સૌને સમૂહ ભોજન સાથે  ફરી આવતા વર્ષ માટે તૈયાર થવાનું ઈજન  આપવામાં આવ્યું.

સેવા કાર્ય માટે થઈને આજે બે શબ્દો વપરાય છે. સમાજસેવા અને સમાજકાર્ય કોઈએ તમારી પાસે આવીને કહ્યું કે જમ્યો નથી,  મારી પાસે પૈસા નથી અને અત્યારે જમવું છે,  તો તમે એને નજીકની નાનકડી હોટેલમાં લઇ જઈને જમાડી દ્યો છો એ સમાજસેવા છે પણ કોઈ તમને આવી કહે છે કે હું જમ્યો નથી ત્યારે તમે વિચારો છો, વધુ પૂછો છો, જાણો છો કે આની સ્થિતિ શું છે અને સ્થિતિને કાયમ દૂર કરવી હોય તો શું થઈ શકે ? એ માણસને કામે લગાડી એ રોજ રળતો થાય અને રોજ પોતાનો રોટલો પોતે ખાતો થાય એવું જો ગોઠવવામાં તમે સાથે ચાલો છો તો એને સમાજકાર્ય કહેવાય છે. અંકુર મંદબુદ્ધિના બાળકોની શાળા સમાજકાર્ય કરનારી સંસ્થા છે. અંકુર એ પ્રચલિત નામ છે,  તેના એક શિક્ષિકા સોશિયલ મીડિયા ઉપર બહુ મોટું સ્થાન ધરાવે છે. તેઓ કશું કરતા નથી પણ પોતાને થતા મંદબુદ્ધિના બાળકો સાથેના જીવનને હચમચાવી નાખનાર પ્રસંગોનું તેઓ વર્ણન કરે છે. ઘણા તો એવું જ માને છે કે આ નેહલબેન ગઢવી જ જાણે મંદબુદ્ધિના બાળકોની આ સંસ્થાનું સંચાલન કરે છે. હકીકત એ છે કે તેમણે જ્યાં સરકારની એક સ્થાયી પગારવાળી નોકરી કરવાની છે એ નોકરીને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું છે અને પરિણામે એ જ્યાં જાય ત્યાં આ મંદબુદ્ધિના બાળકો વિષે વાત કરે છે અને  થોડી હમદર્દી લોકોમાં ઉત્પ્ન્ન કરાવે છે. એમના દ્વારા જે કોઈ સહાય મળે એ સહાય આ બાળકો સુધી પહોંચાડીને એ દેવના દીધેલને રાજી રાખે છે. ક્યારેક ભાવનગર જઈએ ત્યારે PNR સોસાયટી દ્વારા સંચાલિત આ અંકુર મંદબુદ્ધિના બાળકોની શાળાએ પ્રત્યક્ષ જઈને તેઓના આ સેવાકર્મ યજ્ઞને નિહાળવાની જરૂર છે જેથી કરીને આજે નહીં તો કાલે આપણે થોડું નહીં તો ઘણું પણ પોતાનું યોગદાન આ કાર્યમાં આપી શકીએ.

વિદ્યા અને અવિદ્યા  બંનેની આવશ્યકતા છે.

વિદ્યા અને અવિદ્યા બંનેની આવશ્યકતા છે.

જે જ્ઞાનની સ્વધર્માચરણમાં કશી આવશ્યકતા નથી અને જેનાથી બુદ્ધિભેદ થાય એ જ્ઞાનનો ચિત્ત પર બોજ નાખવો ન જોઈએ.

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

ઈશોપનિષદનો આ  અગિયારમોં  શ્લોક છે, તેમાં સમજાવ્યા મુજબ વિદ્યા બે પ્રકારની છે, ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’.

‘વિદ્યા’ એટલે  જ્ઞાન, અધ્યાત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા…

’અવિદ્યા’ એટલે જીવનનિર્વાહ માટેની જરૂરી તમામ ભૌતિકવિદ્યાઓ અને કૌશલ્યો.

જે માણસ ‘અવિદ્યા’નું સેવન કરે છે તે ગૃહસ્થજીવનની જવાબદારીઓ અને સામાજિક ફરજો પૂર્ણ કરી સંસારસાગર સારી રીતે પાર કરી શકે છે. સાથોસાથ ‘વિદ્યા’નું પણ અભ્યાસપૂર્ણ આચરણ કરીને તે મૃત્યુ પછી અમૃતતત્ત્વ પ્રાપ્ત કરે છે.

આ અગિયારમો મંત્ર એ 1953માં ઋષિવર્ય નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોલી દ્વારા સ્થપાયેલ લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો ધ્યાનમંત્ર છે. ‘લોકભારતી’નો મનોરથ ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ના સમન્વિત અનુષ્ઠાન દ્વારા માનવીના આંતરિક તથા બાહ્ય જગતને ઉન્નત અને નિર્મળ  બનાવવાનો છે.

આ જ ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ ના ૯ માં મંત્રમાં ‘જે વિદ્યામાં રમમાણ છે તે જાણે, તેનાથીયે વધારે ગાઢ અંધકારમાં પેસે છે ‘, એમ કહ્યું છે. આ  વિધાન ઝટ સમજાતું નથી.

‘ઈશાવાસ્યવૃત્તિ’ નામની નાનકડી પણ સમૃદ્ધ પુસ્તિકામાં વિનોબાજી બહુ બધી સ્પષ્ટતાઓ કરે છે. તેઓ આરંભમાં જ કહે છે કે, ઈશાવાસ્ય એક નાની-શી ચીજ છે પણ તેના ચિંતનનો સાર ઓછામાં ઓછા શબ્દોમાં ‘ઈશાવાસ્યવૃત્તિ’માં આપવાની મેં કોશિશ કરી છે. મારી દ્રષ્ટિએ ઈશાવાસ્ય એ એક પૂર્ણ ઉપનિષદ છે એટલે કે પારમાર્થિક જીવનનો એક આખો નકશો તેમાં ટૂંકાણમાં દોરેલો છે. વેદોનો એ સાર છે અને ગીતાનું બીજ છે.  આપણા ગળે  આ ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ શબ્દોને ઉતારવાનો સફળ પ્રયોગ અહીં કરે છે. તેઓ કહે છે કે, ઈશાવાસ્ય ઉપનિષદના વિદ્યા – અવિદ્યાવાળા મંત્રો કઠણ છે. ત્યાં ‘આત્મજ્ઞાન’ ને વિદ્યા નથી કહી. લોકો માને છે કે હર હાલતમાં વિદ્યા ઉત્તમ વસ્તુ છે. પરંતુ આત્મજ્ઞાન અને વિદ્યાને અલગ કરીએ તો વિદ્યા ઉત્તમ વસ્તુ સિદ્ધ નહીં થાય. એમ તો મનુષ્ય માટે વિદ્યા અને અવિદ્યા બંને  આવશ્યક છે. સમજવા જેવું છે કે દુનિયામાં હજારો પ્રકારનાં શાસ્ત્ર છે અને હજારો જાતનાં જ્ઞાન છે. એ બધું પ્રાપ્ત કરવામાં પડ્યા તો આપણાથી કોઈપણ કામ બનશે નહીં. એટલા માટે એ હજારો વિષયો  વિશે અજ્ઞાન જ જોઈએ. દરેક જ્ઞાન પ્રાપ્ત કરવું ઠીક નથી. જે જ્ઞાનની સ્વધર્માચરણમાં કશી આવશ્યકતા નથી અને જેનાથી બુદ્ધિભેદ થાય એ જ્ઞાનનો ચિત્ત પર બોજ નાખવો ન જોઈએ, એ બાબતમાં વિનોબાજી બહુ જ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે,  અવિદ્યાને અજ્ઞાન જ રહેવા દો .

અનાવશ્યક જ્ઞાન ન હોય તો ચિત્ત પર બોજ પડતો  નથી. એનાથી શરીરની પ્રાણશક્તિ ક્ષીણ થતી નથી અને એનો સદુપયોગ થાય છે. પરંતુ આવશ્યક જ્ઞાન પણ ન હોય તો મનુષ્ય અંધકારમાં ગરકાવ થઈ જશે. એથી ઊલટું જો  આપણે હજારો પ્રકારના જ્ઞાનમાં ગળાડૂબ રહીશું તો એથી અધિક ઘોર અંધકારમાં જઈશું. આજના શિક્ષિતોની આ જ હાલત છે. અર્જુનની આવી જ હાલત થઈ હતી. એથી ભગવાને એને કહ્યું : “તેં  શાસ્ત્રો બહુ વાંચી લીધાં છે. તું શ્રુતિ-વિપ્રતિપન્ન-મતિ થઈ ગયેલ છો. તેં  ઘણું સાંભળી લીધું. એ શ્રવણથી મુક્ત થઈશ ત્યારે પ્રજ્ઞા સ્થિર થશે.” આમ, સમજવાનું એ છે કે વિદ્યા અને અવિદ્યા બન્નેની જરૂર છે.

એક મનુષ્ય પાસે વિદ્યા છે, પણ આત્મજ્ઞાન નથી, તો એ વિદ્યાનો અહંકાર પેદા થશે અને તે મનુષ્ય ઘોર અંધકારમાં પ્રવેશ કરશે. દુનિયામાં ઘણા એવા લોકો જોવા મળે છે, જે વિદ્વાન છે અને વિદ્વત્તાનો અહંકાર પણ ધરાવે છે. અજ્ઞાની મનુષ્ય તો અંધકારમાં છે જ પણ આવા વિદ્વાનો  તો  અધિક ઘોર અંધકારમાં જાય છે. એક મનુષ્ય ઘણો ઊંચો ચડે અને ત્યાંથી પડે તો એને બહુ તકલીફ થશે. બીજો  મનુષ્ય એટલી ઊંચાઈએ ન ચડ્યો હોય અને પડે તો એને પેલાના જેટલી તકલીફ નહીં થાય. માટે વિદ્યા અને અવિદ્યા બંનેથી ભિન્ન જે આત્મજ્ઞાન છે એ તરફ મનુષ્યનું ધ્યાન રહેવું જોઈએ.

વિનોબાજીની નિખાલસ અને ખુલ્લી વાત જાણવા જેવી છે કે, આજ લગી મને એકેય ધર્મગ્રંથ એવો નથી મળ્યો કે  એકેય  માણસ એવો  નથી મળ્યો, જેણે કહ્યું હોય કે અજ્ઞાનની જરૂર છે. એક ઈશાવાસ્ય જ પહેલો ગ્રંથ છે, જે કહે છે કે જેટલી જ્ઞાનની જરૂર છે, તેટલી જ અજ્ઞાનની પણ છે. એકલું જ્ઞાન યા એકલું અજ્ઞાન, બંને  અંધકારમાં લઈ જાય છે. એટલા વાસ્તે થોડી જોઈએ વિદ્યા અને થોડી જઈએ અવિદ્યા. જો કે આત્મજ્ઞાન વિદ્યા અને અવિદ્યા બંનેથી પર છે. જરાયે ભ્રમ ન રહે એટલે આટલા ઊંડાણમાં ઈશાવાસ્ય આપણને લઈ જાય છે.’

આજકાલ હર કોઈ જ્ઞાનની પાછળ પડ્યું હોય એમ દેખાય છે. આ શીખે છે, પછી તે શીખે છે, એક પછી બીજુ એમ શીખતાં જ જાય છે. બધા જ્ઞાનને લીધે  ચિત્ત વહેતું રહે છે. પરિણામે ચિંતન-શક્તિ ક્ષીણ થઈ જાય છે. ગીતામાં કહ્યું છે કે,  તું “શ્રુતિવિપ્રતિપન્ન-મતિ” છે. અનેક વાત સાંભળી સાંભળીને તારી મતિ ગૂંચવાઈ ગઈ છે. અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરીને તું વિદ્વાન બન્યો, પંડિત બન્યો, પણ પરિણામ એ આવ્યું કે ચિત્તમાંથી નિર્ણયશક્તિ જતી રહી. ચિત્ત અનિર્ણયની અવસ્થામાં પડી ગયું.’ આપણે પણ  વાતવાતમાં કહીએ છીએ કે : Something can be said on both the sides–બંને  બાજુ કાંઈક કહી શકાય તેમ છે. “To be or not to be’ની હાલત થાય છે. સમસ્યા જ સમસ્યા નજરે પડે છે. સમસ્યાનું નિવારણ થતું જ નથી. અનંત સમસ્યાઓ ખડી દેખાય છે. બુદ્ધિ ચાલે છે, પણ વિપરીત ચાલે છે. એથી મનુષ્ય નિષ્પ્રાણ, નિર્વીર્ય અને ભ્રાંત બની જાય છે. એથી ઊલટું અજ્ઞાન હોય તે ચિત્ત પર કશો બોજો રહેતો નથી.

ઋષિ અત્યંત નમ્રતાથી કહી રહ્યા છે : “ હે પરમાત્મા, હું સત્ય દર્શન ચાહું છું, એને મેં મારો  ધર્મ માન્યો છે. હું સત્ય ધર્મનો ઉપાસક. મારા દર્શન માટે તું સત્યને ઉઘાડું કર. મારે સત્યનાં દર્શન કરવાં છે અને સુવર્ણમય પાત્ર વડે, સત્યનું મુખ ઢંકાયેલું છે. ‘  એક પાત્ર ખોલતાં બીજું પાત્ર દેખાય છે, બીજું ખોલતાં ત્રીજું. એ રીતે અંદર ને અંદર ખોલતાં જતાં સત્યનું દર્શન થાય છે. કોબીજના અનેક પડ હોય છે તેમ ચિત્તનાં પણ અનેક સ્તર હોય છે. સૌથી ઉપરના સ્તરમાં બધા મતભેદ, પક્ષભેદ વગેરે આવે છે. એ બધા સ્તરોને હટાવીને અંદર જતાં સત્ય દેખાશે. સંભવ છે, અંદરના કોઈક સ્તરને પણ વિકલ્પનો સ્પર્શ થયો હોય, તે તેને પણ હઠાવવો પડશે. ત્યારે અંદરના ભગવાન સત્યનારાયણનાં દર્શન થશે. એવું સ્મરણીય દર્શન આ ઉપનિષદમાં છે.

પોતાની કઠિન ભૂદાનયાત્રા દરમિયાન બાબા (વિનોબાજી) ઉપનિષદગોષ્ઠી નિયમિત કરતા. એવી જ એક ગોષ્ઠીમાં તેઓએ ઈશાવાસ્ય ઉપનિષદ વિષે રસપ્રદ વાતો કરેલી, તે આત્મસાત કરવા જેવી છે.

કોઈ દૂર-સુદૂરથી કહેતું હતું કે, ‘આ જ તો જીવન છે, દોસ્ત.’

દેહ એ ગરબો જ છે અને ગરબાને વળાવીએ એમ દેહને પણ વળાવીએ જ છીએ ને !! આટલું સહજ સત્ય પણ નથી સ્વીકારી શકાતું ?

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

 શરદ પૂર્ણિમાની રાત્રી વીતી કે તરત જ, છેલ્લા પંદર દિવસથી તે  આજ સુધી જેમાં સવાર સાંજ દીવો કરી માતાજીની સ્તુતિ કરી તે ગરબો મારી  સામે  જોવા લાગ્યો હોય એવો મને ભાસ થયો !!

હું સતર્ક બની ગયો અને આ ગરબા દ્વારા થઇ રહેલ ઈશારા અંગે  વિચારવા લાગ્યો.

અંદરથી તરત જવાબ મળ્યો કે, દોસ્ત, હવે ગરબાનું વિસર્જન કરવાનું ટાણું થયું છે. એ તો સંકેત આપે છે કે ‘ચાલો, મને વળાવો હવે !!’ આ જવાબ સાંભળીને થોડી પળ  માટે તો મન ખિન્ન થઇ ગયું . બસ, જવા ટાણું થઇ ગયું ?? હવે આ ગરબાને વિસર્જિત કરી દેવાનો અને તે પણ આપણા જ હાથે ?? પંદર દિવસ જેનું તેજ અને હૂંફ દિન પ્રતિ દિન વધુ ને વધુ દેદિપ્યમાન થતા રહ્યા તેને હવે વળાવી દેવાની ઘડી આવી ગઈ ??!! મન માનતું ન હતું પણ હવનાષ્ટમી ના હવન પછી ગરબાના દીપકનું તેજ ઘટવા લાગ્યું હતું તે સાંભર્યું ! અને નૈવેદ્ય ધર્યા પછી તો સ્પષ્ટ એવું લાગતું હતું કે તેજ હવે સંકોરાઈ રહ્યું છે…પણ આપણું મમત કે શરદ પૂર્ણિમા સુધી તો રાસ-ગરબા લેવાતા હોય છે અને માતાજીની આરાધના ક્યાંક ક્યાંક તો થતી જ હોય છે ને એટલે આપણે પણ ગરબામાં દીપ પ્રગટાવીશું છે’ક પૂનમ સુધી.. પણ હવે બધું ડહાપણ મને આવ્યું હતું..ગઈકાલે પૂનમની રાત્રીએ દૂધ-પૌવા ખાધા પછી કોણ જાણે  કેમ મારું  ધ્યાન વધુ ને વધુ ગરબા તરફ દોરાતું હતું.. અને અંતે આજે સવારે છેલ્લીવાર ગરબામાં દીવો કરી તેને બે હાથે ઉઠાવીને ચાલ્યો પરિસરના ખુલ્લા ઉદ્યાન તરફ..સરસ ભીની જગ્યા જોઈને ગરબાને ત્યાં મૂકી દીધો અને  ખિન્ન હૃદયે સહેજ ભીની થતી આંખે પાછું ફરી ગયો મારી મઢુલી તરફ…પંદર દિવસ ચડતી ચંદ્રકલા દરમ્યાન મારી સાથે રહેલો ગરબો હવે માટી સાથે ભળી જવાનો હતો અને એક-બે દિવસમાં તો એ જે માટીમાંથી બન્યો હતો તે માટીમાં મળી જવાનો હતો !! જો કે, આ સત્ય સ્વીકારવામાં મને અને મારા મનને બહુ તકલીફ પડી રહી હતી કારણ હવે હું ઘરમાંથી કોઈને જતું જોઈ શકતો નથી..હા, એક  આત્મીય દેહને અમે આમ જ માટીમાં ભેળવી દેવા  નીકળ્યા હતા ને પછી ખાલ્લી હાથે પાછા ફર્યા હતા એ દિવસ હજુ મનમાંથી ખસતો નથી. 

હવે મને કોણ સમજાવે કે દેહ એ ગરબો જ છે અને ગરબાને વળાવીએ એમ દેહને પણ વળાવીએ જ છીએ ને !! આટલું સહજ સત્ય પણ નથી સ્વીકારી શકાતું ?? દેહમાં નવ દ્વાર અને એ નવ દ્વારની ફરતે હાડ માંસનો બનેલો દેહ. દીવો તો આપણા  આત્માનું પ્રતીક છે…ગરબો તો પ્રતીક થઇ આપણને યાદ અપાવે છે કે મારામાં પણ નવ છિદ્રો છે અને બરાબર મધ્યમાં  આતમદીપની જેમ  પ્રગટે છે. એકમ થી લઈને પૂર્ણિમા સુધીનું આપણું આયુષ્ય છે. એ ચડતી ભાંજણી આપણી વૃદ્ધિ અને વિકાસ. એ આયુષ્ય પૂરું થાય જ અને એની પૂર્ણતાએ એને અલવિદા કહેવું જ પડે. પૂર્ણિમા પછી અંધકાર તરફની ગતિ શરુ થાય અને પંદર દિવસે ફરી ઘર ઘર દીપ પ્રગટે એટલે કે ફરી પ્રકાશપૂંજનું સ્વાગત કરવાની તૈયારી થાય.. એક દીપક ગયો અને અનેક દીપક આવ્યા.. 

નાના હતા ત્યારે સાત તાળી રમતા ત્યારે તો કશી ગતાગમ ન હતી અને એટલે  કેવળ ગમ્મતમાં જ  રમમાણ રહેતાં. હવે મોટા થયા ત્યારે સમજાય છે કે સાત તાળીની રમત એ પણ આવનાર જીવનનું સત્ય સમજાવતી હતી…લુપાછુપીની આ રમતમાં  કોઈ મળે અને એ મળે મળે ત્યાં તો એ ગુમ  પણ થઇ જાય.. ઘણી બધી ગૂઢ વાતો એ રમતમાં હતી એ આજે ગરબાને વિદાય આપી પાછો ફર્યો ને સાંભરી…

મુંબઈની મોહમયી નગરીના કવિ શ્રી હરીશ દાસાણી મને મદદે આવ્યા અને એમણે  સ્પષ્ટ કરી આપ્યું કે નવરાત્રીના નવ દિવસ ગણો કે શરદ પૂર્ણિમા સુધીના પંદર દિવસ ગણો અંતે તો જીવન એ સાત તાળીની રમત છે, મારા ભાઈ !! ..

સાત તાળી પાડો ને તમે રમવા લાગો.

એક તાળીથી પકડો આકાશ મનજીભાઇ.

તાળી પાડીને તમે રમવા લાગો.

                                                                   નથી આકાશે સૂર્ય ચન્દ્ર, કોઈ નથી.

                                                                  નથી નક્ષત્ર નમણું, નિહારિકા નથી.

                                                             એક તાળીમાં પકડો આકાર મનજીભાઇ.

                                                                      તાળી પાડીને તમે રમવા આવો.

બીજી તાળીએ ચંચળ, પવનને પકડો.

પ્રાણ પાથરી પોતાનો, જકડી લેજો.

તમે તાળીએ સૂંઘો સુગંધ મનજીભાઇ.

તાળીએ તાળીએ રમવા લાગો.

                                                                  ત્રીજી તાળીમાં તેજનો ખોબો ભરો.

                                                           ઓગળી પીગળી અંદરનો ઓરડો ભરો.

                                                          આધિ વ્યાધિ ઉપાધિનો ધૂમાડો ઉડાડો.

                                                                    તમે તાળીએ આભમાં ઊંચે ઉડો.

ચોથી તાળીમાં ડુંગરથી નીચે આવો.

શિવજટામાંથી નીકળીને સીધા આવો.

સહુ યુગોને ધોઇ ધોઇને ઉજળાં કરો.

તમે તાળીથી સાગરમાં ડૂબકી ભરો.

                                                                  પાંચમી તાળીએ પ્રણામ મા ને કરો.

                                                                    માટી માથે ચડાવો ને વિશ્વમાં ફરો.

                                                                  બીજ થઈને દટાવ ડાળીઓ ફેલાવો.

                                                                   તમે તાળી દઇ માતાને ખોળે સરો 

છઠ્ઠી તાળીમાં હાથપગ

માથું ધરજો. શિર સાટે નટવર વરજો

ઉરમાં ઠરજો, ઇન્દ્રિયોથી જ ઇન્દ્રને ઓળખજો.

તમે તાળીએ ખેતર આ ખૂંદી વળજો.

                                                                  સાતમી તાળી પોતાને કાયમ દેજો.

                                                                 ઊંઘજો જાગજો અને રમતા રહેજો.

                                                               એક મતવાલા માધવનેઆજે મળજો.

                                                             તમે સર્જન વિસર્જન પણ કરતાં રહેજો.

સાત તાળી પાડો ને તમે રમવા લાગો.

  • કવિશ્રી હરીશ દાસાણી 

પણ આ સાત તાળીમાં પાંચ સૃષ્ટિ તત્ત્વોને આપણે પામવાના છે. અને આ પાંચે ય સૃષ્ટિ તત્ત્વોમાંથી જ આપણે ઘડાયા છીએ અને અંતે એ પાંચેય સૃષ્ટિ તત્વોમાં જ આપણે ભળી જવાનું છે….અરે, જેને વિદાય કરીને હું વિચારે ચડ્યો એ ગરબો પણ આ પાંચેય તત્ત્વોનો જ તો બનેલો છે ને !! એમાં માટી છે, તેમાં આકાશ છે, તેને બનાવવા  માટે જળ અને અગ્નિનો ઉપયોગ થયો  છે અને એ ગરબાના અવકાશમાં વાયુ પણ હાજર જ હોય છે ને !! 

કવિનો ઈશારો બહુ માર્મિક છે કે…. 

સાતમી તાળી પોતાને કાયમ દેજો 

તમે સર્જન વિસર્જન પણ કરતાં રહેજો.

જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે અને તે આપણે ખુદે જ કરવાનું છે…એટલે તો ગણપતિ પધારે છે અને આપણા જ હાથે વિસર્જિત થાય છે..માતાજીને  પણ આપણે જ પધરાવીએ છીએ  ને આપણે જ તેને વળાવી દઈએ છીએ..

કોઈ દૂર-સુદૂરથી કહેતું હતું કે, આ જ તો જીવન છે, દોસ્ત. 

‘સ’ એટલે કમાલ… અક્ષર સાથે ‘સ’ સાક્ષર અને આંકડા સાથે ‘સ’ સાંકડા !!

સદ્અનેસતબંને જેમની સાથે જોડાય તેને સારપના દ્યોતક બનાવે છે.. 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

‘સ’ અક્ષર હકાર છે. 

‘સ’ અક્ષર સત્યનો દ્યોતક છે. 

સારપ, સકારાત્મક, સર્જનાત્મક અને કલ્યાણકારી હોય તે સત સથવા સદ. 

હૈયે વસે તે ભાવના. 

હાથથી ઉતરે તે કર્મ. 

આ હૈયા અને હાથની જુગલબંધીમાં મસ્તક વચ્ચે આવવાનું ટાળે ત્યારે સદભાવના અને સત્કર્મનો યોગ રચાય.

સદભાવના અને સત્કર્મ એ શબ્દો નથી, આપણી આંતરિક લાગણી છે, દિવ્ય ભેટ છે, કારણ એ જન્મ સાથે જ આપણી માટીમાં ભળેલ છે. 

ઉમાશંકર જોશીએ કહ્યું :

ત્રણ વાનાં  મુજને મળ્યાં, હૈયું – મસ્તક – હાથ

ચોથું નથી માંગવું, બહુ દઈ દીધું નાથ !

પણ નાથ જબરો છે, એણે હૈયું અને હાથની વચ્ચે મસ્તક નામધારી મમરો મૂકી દીધો ! માનવ માત્ર આ મસ્તકના કારણે ધંધે લાગી ગયો. હૈયે જન્મેલી લાગણી હાથ દ્વારા પ્રકટ થાય એ પહેલાં મસ્તકમાંથી આંટો લગાવીને આવી હોય એટલે સદભાવનાની પ્રત્યેક અભિવ્યક્તિ સત્કર્મ જ હોય તેવું નક્કી નહીં ! બસ, અહીં થયો ગોટાળો. શરૂ થઇ ચડસાચડસી. મેં જે કર્યું તેને સત્કર્મ ગણવું કે નહીં તે સામેનાનું મસ્તક નક્કી કરે અને મેં જે વિચાર્યું તે સદભાવનાથી વિચાર્યું કે નહીં તે પણ કસોટીની એરણે ચડે !

સદભાવના અને સત્કર્મ : બે સારા શબ્દો, બે દિવ્ય ભાવો આ કળિયુગમાં રાજકારણીઓની હડફેટે ચડી ગયા. શાસ્ત્રાર્થના બે શબ્દો વાણીવિલાસ બની રહ્યા ! સદભાવનાના નામે તમાશો અને સત્કર્મના નામે ખેલ થવા લાગે તેને ઘોર કળિયુગ ગણવો, એવી વ્યાખ્યા કરવાનું મન થાય તેવો માહોલ જામ્યો છે… ત્યારે સદભાવના અને સત્કર્મ ખરેખર કેવાં હોય ? જવાબ ખોળતાં ખોળતાં એક પુસ્તકની આંગળી પકડાઈ ગઈ…

“એ દિવસોમાં હું શ્રી અરવિંદ આશ્રમ પોન્ડિચેરીમાં રહેતો હતો. નિત્યના ક્રમ પ્રમાણે સાંજના ભોજન પછી સમુદ્રકિનારે ફરવા જતો. ટમટમતા તારાઓની વચ્ચે રાત્રીના પ્રારંભે મોજાઓનો ગંભીર નાદ સંભળાતો હતો. અચાનક મારી નજર એક બાળક પર પડી. તેણે લીલી ચડ્ડી પહેરી હતી હું સમજી ગયો કે આશ્રમની શાળાનો વિદ્યાર્થી છે. આશ્રમની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લીલી ચડ્ડી પહેરે છે, તેમનું ગ્રીન ગ્રુપ કહેવાય છે. બાળક હશે દસેક વર્ષનું. બાળક સમુદ્રના મોજાં સાથે રમવામાં મશગુલ છે. થોડી વાર સમુદ્રના પાણીની અંદર જાય છે. મોજું આવતા દોડીને બહાર નીકળે છે. ફરી અંદર જાય છે. બાળકની આ જોખમી રમત જોઈને મને ધ્રાસ્કો પડયો. પોન્ડિચેરીનો દરિયો તે જોખમી ગણાય છે, અંધારું છે, બાળક નાનું છે. મોજાં સાથે બલ્કે ધીંગામસ્તી ચાલુ રાખી, તેમાં એકાદ મોજાંથી તો તે માંડ બચ્યું. હું બૂમ પડી ઊઠયો : ‘અરે, બેટા ! આ તું શું કરી રહ્યો છે ? મોજું ખેંચી જશે તો ? બહાર નીકળી જા. એકલો દરિયાકિનારે ફરી આવીશ નહીં..’

બાળક ખસિયાણો પડી તુરત પાણીમાંથી બહાર નીકળી આવ્યો. તેના બંને પગ લગભગ આખા જ ભીના હતા. ચડ્ડી પણ થોડી ભીની થઇ ગયેલી. બાળકની નજીક જઈને હું ફરીથી બોલ્યો : ‘બેટા ! આ રીતે મોજાં સાથે રમત ન કરાય. મોજું અંદર ખેંચી જાય તો શું થાય ? રમવા માટે અહીં ક્યાં ઓછી રમતો છે ?  ફરી ક્યારેય દરિયાકિનારે એકલા નહીં આવવાનું હો…’ બાળક ચૂપચાપ છાત્રાલય તરફ ચાલવા લાગ્યો.. મને લાગ્યું કે પ્રકરણ અહીં પૂરું થયું. 

પણ પ્રકરણ હવે શરૂ થાય છે. બાળકના ગયા પછી તુરત અંધારામાંથી એક વ્યક્તિ મારી પાસે આવી. તે આશ્રમની શાળાના શિક્ષક અને ગૃહપતિ હતા. શાંત અને સ્વસ્થ ભાવે મારી પાસે ઉભા રહ્યા. અંધારામાં પણ અમારી આંખો મળી. થોડા વધુ નજીક આવીને બોલ્યા : ‘આપે જે કર્યું તે ઠીક કર્યું છે અને સદભાવથી કર્યું છે, પણ આપ એવી છાપ લઈને ન જશો કે એ બાળકની સંભાળ લેનાર અહીં કોઈ નથી. હું એ બાળકનો શિક્ષક છું અને એ બાળકની રમત છુપાઈને જોઈ રહ્યો હતો. માત્ર સલામતીની દ્રષ્ટિએ જોઈએ તો તમારું વલણ બરાબર છે, પરંતુ જીવનમાં સલામતી જ સર્વસ્વ નથી. સલામતી જ જોઈએ તો પીંજરાનો પોપટ મુક્ત પંખી કરતા વધુ સલામત છે, પણ તેની પાસે ઉડ્ડયનની સ્વતંત્રતા નથી અને લાંબે ગાળે તે ઉડ્ડયનની સ્વતંત્રતા નથી ત્યાં વિકાસ ક્યાં છે ? અને વિકાસહીન જીવનમાં જીવન ક્યાં છે ? એ બાળક જે અનુભવી રહ્યો હતો તેનું પણ મૂલ્ય છે, જુઓ આ અંધકાર. આ આકાશ, આ તારાઓ, આ સમુદ્ર ! આ મોજાંઓ ! આ રેતી અને તેની સાથે બાળકની મુક્ત અને નિર્ભય રમત ! એક બાળક માટે આ અનેરો અનુભવ છે. બાળક આવા રોમાંચક અનુભવોમાંથી તૃપ્ત થઈને બહાર આવે તે એના જીવનવિકાસનો ભાગ છે. બૌદ્ધિક વિકાસ જ પર્યાપ્ત નથી, હ્ર્દયનો વિકાસ પણ થવો જોઈએ ને ?

બાળકને છાત્રાલયમાંથી સમુદ્ર તરફ દોડતો આવતો જોઈને તુરત જ હું એની પાછળ પાછળ આવ્યો છું. મેં તેને  રોક્યો નહીં  કારણ મારે એને આ અનુભવમાંથી પસાર થવા દેવો હતો. હું પોતે સારો તરવૈયો છું અને આ જોખમ વિશે જાગૃત છું. મુશ્કેલી ઊભી થાત તો જાનના જોખમે પણ હું તેને બચાવી લેત. મારી હાજરીને લીધે તે સલામત હતો. છાત્રાલયમાં ગયા પછી, હું તેને આ રીતે એકલા ન રમવા સમજાવીશ પણ ખરો, પણ આ વખતે તો મારે તેને આ મૂલ્યવાન અનુભવમાંથી પસાર થવા દેવો હતો અને એટલે મેં તેને રોક્યો નહીં આપનો સદભાવ અને મારુ સત્કર્મ, બંને ધન્ય થયાં…’ 

મારા ચિત્તમાં જાણે પ્રકાશ ફેલાઈ ગયો. મન ઘડીભર જાણે કે સ્તબ્ધ બની ગયું. મારું મસ્તક મનોમન એક સાચા  શિક્ષકના ચરણોમાં ઢળી પડયું. મનમાં ને મનમાં ‘ધન્ય, ધન્ય’ ના ઉદગારો નીકળી ગયા..’ સદ્અનેસતબંને જેમની સાથે જોડાય તેને સારપના દ્યોતક બનાવે છે.. 

એક અભૂતપૂર્વ શિક્ષક શ્રી ભાણદેવજીનું લખેલું એ પુસ્તક : શિક્ષકનું દર્શન. (પ્રવીણ પ્રકાશન, એસ. ટી. સામે, રાજકોટ – ૩૬૦૦૦૧) શ્રી ભાણદેવજી  તત્વજ્ઞાન સાથે M. A. , લોકભારતી સણોસરામાં છ વર્ષ અધ્યાપન અને છાત્રાલય – સંચાલન કર્યું. પછી યોગવિદ્યાનો શાસ્ત્રીય અભ્યાસ લોનાવાલા ખાતે સાત વર્ષ. હાલ જોધપર નદી, મોરબી પાસે પરમની શોધમાં ધૂણી ધખાવી બેઠા છે. ઉપરના પ્રસંગમાં બાળકને પાણીમાંથી બહાર લાવવા મથનાર અને અંતે ધન્ય થનાર તે શ્રી ભાણદેવજી  …! એટલે કમાલ…  અક્ષર સાથેસાક્ષર  અને  આંકડા સાથેસાંકડા !!

કટારલેખનને સાહિત્ય ગણી શકાય ??

કટાર  લેખનમાં તથ્ય આપી શકાય, પથ્ય આપી શકાય ને અકથ્ય પણ આપી શકાય ! !

ભદ્રાયુ વછરાજાની                                                         bhadrayu2@gmail.com   

  આમ જુઓ તો વર્ષોથી પૂછાતો અને જવાબ ન મેળવી શકાતો પ્રશ્ન છે “ શું કટાર લેખનને સાહિત્ય ગણી શકાય કે ??” સ્મરણ છે કે શ્રી ગુણવંત શાહને સાહિત્ય અંગેનો પ્રતિષ્ઠિત એવોર્ડ ઘણા વર્ષો સુધી અપાયો ન હતો, કારણ તેઓ પ્રસિદ્ધ કટારલેખક હતા તેથી એમને સાહિત્યકાર ગણવા નહીં એવો એક મત જોર કરી ગયો હતો. 

   આ પ્રશ્નની વાત કરતા પહેલા આપણે કટારલેખન અને સાહિત્ય બંનેને અલગ સમજવાં પડે. 

     ‘કટારલેખન’ એક શબ્દ તરીકે કે ‘કટાર લેખન’ એમ બે શબ્દો તરીકે ભગવદગોમંડળના ગુજરાતી શબ્દકોષમાં મળતા નથી. હા, કટાર (સ્ત્રી) એટલે ‘વર્તમાનપત્રનું કોલમ’ કે ‘પાનાના લખાણનો ઊભો ભાગ’ એવો અર્થ જડે છે. જો કે, અંગ્રેજી શબ્દકોષ column writing ને સારી રીતે વ્યાખ્યાયિત કરે છે. A column is a recurring piece or article in a newspaper, opinion in few columns allotted to them by the newspaper organization. વળી એક સ્પષ્ટતા બહુ સૂચક રીતે કરવામાં આવી છે કે : Columns are written by columnists અર્થ સ્પષ્ટ થયો કે કોલમ (કટાર) કટારલેખકો દ્વારા લખાય છે ! કોઈ સાહિત્યકારો કટારલેખન કરે, એવું અહીં અભિપ્રેત નથી ..! આમ જોઈએ તો કટારલેખન અને સાહિત્યને સીધો કોઈ નાતો નથી અથવા નાતો હોવો જરૂરી નહીં અથવા કટાર લખનારને સાહિત્યનો આછોપાતળો કે સઘન અભ્યાસ સાહિત્યનો હોય તો તે ગુણ ગણી આવકારપાત્ર ગણી શકાય ! સાદી વાત એ કે, “વર્તમાનપત્ર દ્વારા અપાયેલ નિયત જગ્યામાં પ્રતિ સપ્તાહ કટારલેખક પોતાની કોલમના મથાળાંને વફાદાર રહીને કોઈ વિષય પર પોતાના વિચારો / મંતવ્યો / અભિપ્રાયો વ્યક્ત કરે તે કટારલેખન થયું ક્હેવાય.” એ વાત અલગ છે કે ઘણા કટારલેખકોનાં લેખનના ફળસ્વરૂપે પુસ્તકો પ્રગટ થાય અને તે બહુ સ્વીકૃત બને અને તે ખ્યાત સાહિત્યકાર તરીકે સ્વીકારાય..

    હવે સાહિત્ય તો સમાજ સાથે સ-હિત સર્જાનાર કોઈ એક કે વધુ સ્વરૂપનું લેખન છે કે કહો, સર્જન છે. તેમાં નિયતકાલીન વાતને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં  નિરૂપવામાં આવે છે.  તેમાં કેવળ નેરેશન એટલે કે કેવળ કથન હોતું નથી. અહીં સ્થળ-કાળ-સમયની મર્યાદાઓ નથી. સર્જક પોતાની મરજીનો માલિક છે, એટલે એ ખુલીને વ્યક્ત થઇ શકે છે. સાહિત્ય દીર્ઘકાલીન અસર છોડી જાય છે અને સમાજના એક કે વધુ વર્ગને ક્વચિત માર્ગદર્શન પણ આપી જાય છે તો કેટલાકને પોતીકી બાનીનો અનુભવ આપી જાય છે. 

    હવે પ્રશ્ન એ આવે કે કટારલેખનમાં સાહિત્ય આવે છે ને આવે છે તો કેવું – ક્યારે – કેટલું આવે છે ? એવું બની શકે કે આ દસ પાયાના પ્રશ્નો કટારલેખક સ્વયમને પૂછે અને તેના નિખાલસતા ઉત્તર મેળવે તો ઘણું  સ્પષ્ટ થાય.

(૧) તમે શા માટે કટાર લખો છો ? 

(૨) તમે તમારાં અભિપ્રાય લખો છો કે કોઈના વિચારો ટાંકો છો ? 

(૩) તમે પ્રમાણભૂત વિષયો પસંદ કરો છો ? 

(૪) તમે કોઈ વ્યક્તિવિશેષ અંગે કશું લખો છો ? 

(૫) તમે સ્થાનિક કે વ્યક્તિગત બાબતો વિષે લખો છો ? 

(૬) તમે તમારી થીમને વળગી રહીને કટાર લખો કે ના, સ્વૈવિહાર કરતાં કરતાં લખવા ટેવાયેલ છો ? 

(૭) તમે વ્યક્તિગત બાબતો વિષે અભિપ્રાય લખો છો કે સાહિત્યિક / સામાજિક / સાંવેગિક મુદ્દાને છેડો છો ? 

(૮) તમારે લખવું હોય તે જ લખે જાઓ છો કે તમારાં વાચકોને પણ નજર સમક્ષ રાખો છો ? 

(૯) તમને સતત નવાં શબ્દો, નવું પ્રારૂપ, નવું વિષયવસ્તુ, નવાં વિચારો ‘કોઈન’ કરવાં તત્પર હો છો કે એક ઘરેડબદ્ધ ઢાંચામાં ચાલ્યા જવાનું પસંદ કરો છો ? 

(૧૦) તમે પ્રતિ લેખ ઉમળકો જાળવીને કટાર લખો છો કે ટાઈમલાઈન જાળવવા માટે પણ લખો છો ?

કોઈ કટારને મારીમચકોડીને પણ સાહિત્યપ્રદ બનાવે એ તો અત્યાચારને આમંત્રણ આપ્યું ગણાય ! અહીં બે આયામો છે ખરા : 

(૧) સાહિત્યસર્જક પ્રમાણમાં ઠીક ઠીક સાહિત્ય રચ્યા પછી કટારલેખક બને તો તેની કટારમાં સાહિત્યનો બહુ સહજતાથી પડઘો રહેવાનો 

(૨) કટારલેખનમાં જ સીધો હાથ અજમાવનાર, યાદ રાખીને સાહિત્યના છબછબિયાં રૂપે પોતાની કટારમાં સાહિત્યને ટચી લેવાનો પ્રયાસ કરતો રહેવાનો…. 

અને એમ બંને આયામોથી સાહિત્યનો નાતો કટારલેખન સાથે જોડાશે, એ નફામાં ખરું… જો કે, તેથી કરીને કટારલેખનમાં ઉચ્ચ કે મધ્યમ સાહિત્ય છાંટ હોવી જ જોઈએ એમ કહેવું અતિશયોક્તિ ગણાશે. અને તેથી ઉલ્ટું કે કટારમાં વળી સાહિત્ય છાંટ્યા કરવાની શી જરૂર ? એવો પ્રશ્ન પણ અસ્થાને ગણાશે.

કટારલેખન એ એક વિશેષ જવાબદારી છે, કારણ તમને નિયત જગ્યા મળી છે કે જેમાં  તમારાં વિચારો લઈને પ્રતિ સપ્તાહ તમે વાચકના ઘરે જાઓ છો. એટલે તમે (૧) તથ્ય આપો કે (૨) પથ્ય આપો કે (૩) અકથ્ય આપો તેથી થોડી વધુ અસર તો રહે જ છે. વાચક જો નિયમિત અમને વાંચવા ટેવાય જાય તો તે લેખકને પૂજવા સુધી પહોંચી જાય છે એટલે કટારલેખક વાંચનથી ને વિચારથી નિત્યવર્ધનશીલ બને તે અપેક્ષિત અને આવકાર્ય બંને છે. આમ પણ આપણો દેશ સ્પષ્ટ – રસાળ – ઉચ્ચ વિચારોને જ તો આવકારતો આવ્યો છે. ગૂગળ દેવના સહારે કટ – કોપી – પેસ્ટ કરીને થાય તેને ‘કાતરલેખન‘ ક્હેવાય. વાંચન – વિચાર – મનન પછી અભિવ્યક્તિ થાય તેને ‘કટારલેખન‘ ક્હેવાય અને એને સાહિત્ય સાથે દોસ્તી હોય ખરી…

 

‘કર્તવ્યની ભાવનાનો વિકાસ સમુદાયમાં જ થાય છે.’.. પંડિત સુખલાલજી

જો કોઈ ભંગી કે બહેનો ભણવા આવશે અને તેને વધારે વખતની જરૂર હશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈશ અને એમને ભણાવવા જઈશ.’

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com

શીતળા માતાના પ્રકોપથી પંડિતજીએ દ્રષ્ટિ ગુમાવી પણ એનો એણે બહુ જ સારો લાભ લીધો. કોઈકને કહે કે હું તને ભણાવું,  તું મને વાંચી દે. પરીક્ષા આપવા લાગ્યા. પરીક્ષાવાળા પરીક્ષકોએ નક્કી કર્યું કે અમે મૌખિક પરીક્ષા લઈશું. મૌખિક પરીક્ષામાં ગાડું આગળ ચાલતું હતું પણ એક વખત કોઈ વિચિત્ર  પરીક્ષક હશે એને થોડી વાયડાઈ સૂઝી. એટલે મૌખિકમાં ન પૂછવાના પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. સુખલાલજી  તો સ્વમાની હતા એટલે ઉભા થઈ ગયા કે આવી અન્ચી કરવી હોય તો મારે હવે કોઈ દિવસ પરીક્ષા આપવી જ  નથી. ભણવાનું મૂક્યું પડતું પણ અભ્યાસ જિંદગીભર ચાલુ રાખ્યો. એટલા બધા ગ્રંથો એણે વાંચ્યા કે તેમાં  પારંગત થયા. 

જૈન દર્શન ઉપર એમનું મહાત્મ્ય વધ્યું કે જૈન ધર્મના સાધુઓને એ ભણાવવા જાય. પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ કોઈ હાથ પકડીને લઇ જાય, બેસાડે અને સાધુઓ, મુનિઓને ધર્મજ્ઞાન આપે. પરંતુ એવું બન્યું કે એ ભણાવતા હતા ત્યારે વર્ગની બહાર કોઈ એક બહેન આવીને સાંભળવા બેસે. અને બેન બેસે છે એ તો પંડિત સુખલાલને ખબર ન પડે. પણ ધર્મચાર્યોએ ફરિયાદ કરી કે આ યોગ્ય ન કહેવાય.  તમે અમને ભણાવો ત્યારે કોઈ બેન અહીંયા આવવા ન જોઈએ. તો એણે મુનિઓનું  માન રાખ્યું કે,  કંઈ વાંધો નહીં,  હું એ બહેનને ઘરે જઈને ભણાવીશ, બસ. એટલે એમણે ઘરે જઈને ભણાવવાનું શરૂ કર્યું. એ જૈન ધર્માચાર્યોને ખબર પડી તો એનો પણ વિરોધ કર્યો કે,  ના અમને ભણાવવું હોય તો અમને જ ભણાવવાના,  બીજા કોઈને નહીં ભણાવવાના. એટલે કહ્યું કે,  ‘જો કોઈ ભંગી કે બહેનો ભણવા આવશે અને તેને વધારે વખતની જરૂર હશે એવું મને લાગશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈશ અને એમને ભણાવવા જઈશ.’ વિચાર કરો કે એક વખત શીતળા માતાને હેરાન કરવા નીકળેલો માણસ એટલો બધો નિર્ભય બન્યો કે એણે જૈન ધર્માચાર્યોને પણ કહ્યું કે ભાઈ,  તમારું એવું કંઈ ચાલવાનું નથી.  તમારે ભણવું હોય તો ભણો,  બાકી તમે જેને નિમ્નમાં નિમ્ન માનો છો એને પણ હું ભણાવીશ. અને ભણાવીશ એટલું નહીં એને ઘરે જઈને ભણાવીશ.  પછી એમને એવું લાગ્યું કે આપણે શું કામ આવું કરવું ?  ખાલી જૈન ધર્મ ઉપર થોડો આધાર છે એટલે બધા જ ધર્મના દર્શન એમણે વાંચ્યા. આપણા રાષ્ટ્રપતિ પંડિત રાધાકૃષ્ણન જે ફિલોસોફી ઓફ ઇન્ડિયા ના ગુરુ ગણાય એ પણ પોતાના ફિલોસોફર તરીકે પંડિત સુખલાલજીને પોતાની વાતની અંદર ટાંકે છે. હિન્દી શીખ્યું, સંસ્કૃત શીખ્યું, પ્રાકૃત શીખ્યા બધી જ પ્રકારની વિદ્યાઓ કહેવાય એમાં  એમણે માસ્ટરી મેળવી લીધી. 

સોળ વર્ષ સુધી જયારે આંખ હતી ત્યાં સુધીમાં જેટલું જોયું હતું એ બધું યાદ કરી કરીને લખાવી નાખ્યું. અને એમ કહે છે કે પ્રવાસવર્ણનો તો એવા વર્ણનો છે કે કોઈ આંખે દેખતો માણસ જોઈને ન લખાવી શકે. એમના લેખનમાંથી  ધર્મના તુલનાત્મક અભ્યાસો અને એમણે કરેલા પ્રવાસવર્ણનો એ ઉત્તમ કહેવાય છે.

કહે છે કે ઈશ્વર સાથેનું અનુસંધાન ધૂન ભજનથી કરવાને બદલે નામસ્મરણથી કરે અને પથારીમાં પડે તો પણ એની ટચલી આંગળી વેઢા ઉપર ફરતી હોય, મૌન હોય તો પણ ફરતી હોય, એકબાજુ બેઠા હોય તો પણ આંગળી ફરતી હોય અને આપણને ખબર પડે કે એમનું નામ સ્મરણ સતત ચાલી રહ્યું છે. 

પંડિત સુખલાલજીને પૂછ્યું કે  કર્તવ્યની ભાવના એટલે શું ?? કહે, કર્તવ્યની ભાવના જુદા જુદા પ્રકારની હોય. ઉદાહરણ આપું ગાંધીજીનું. ગાંધીજીએ દેશ માટે જીવન અર્પણ કર્યું તે એની દેશ માટેની કર્તવ્ય ભાવના કહેવાય.ગઈકાલે જ છાપામાંથી વાંચ્યું  કે વિનોબાજીની પાસે આવીને એક ડાકુની મા રજપૂતાણી એમ કહે છે કે તમે માનો છો કે મારો દીકરો ડાકુ છે પણ એ તો બહારવટે ચડેલો છે એટલે તો બધાને મારવા કાપવાના જ હોય એમાં કંઈ એ ખોટું નથી કરતો. એ એને એમના નેતા દ્વારા સોંપાયેલું કામ જ છે..  સુખલાલજી કહે છે કે આ એમની વ્યક્તિગત કર્તવ્ય ભાવના છે.  કર્તવ્યભાવના ગાંધીજીની પણ સાચી અને કર્તવ્યભાવના પેલા ડાકુની પણ સાચી. બંને પોતાના કર્તવ્ય માટે અડગ છે. એકદમ અનિષ્ટ બન્યા વગર એ એવું ગણે છે કારણ કે એ ડાકુની મા છે. અને દીકરો ગમે  તે કરે તો એને ડાકુ લાગે નહીં. આ પ્રેમ છે. એટલે કર્તવ્યભાવના કોઈમાં તે  કુટુંબ સુધી વિકસે છે, કોઈમાં દેશ સુધી વિકસે છે, કોઈમાં વિશ્વ સુધી પણ વિકસે છે . પણ એક વાત ચોક્કસ કે કર્તવ્યની ભાવનાનો વિકાસ સમુદાયમાં જ થાય છે. સુખલાલજીનું વાક્ય છે : એક વાત તો ચોક્કસ છે કે કર્તવ્યની ભાવના તો  સમુદાયમાં જ વિકસે છે. જંગલમાં કોણ કોના પ્રત્યે કર્તવ્ય અદા કરે ? તમે જાઓ જંગલમાં એકલા રહો. પછી તમે એમ કહો કે મારે તમારી સેવા કરવી છે,  કોઈ છે જ નહીં તો સેવા કોની કરો ?  જંગલમાં કોણ કોની કર્તવ્યભાવના અદા કરે. સમુદાયનું મોટામાં મોટું ઘટક વિશ્વ છે અને નાનામાં નાનું ઘટક કુટુંબ છે.

‘આ બધા શીતળા સાતમે ચૂલો શું કામ ઠારે છે.?”

અંધશ્રદ્ધામાં માનવાનું કારણ નથી. આ તો કાગને બેસવું ને ડાળને પડવું એટલે મારો વારો આવ્યો.પંડિતજીએ સમાધાન શોધી કાઢ્યું..!!

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

૧૯૮૦ માં જન્મેલા સુખલાલજીનો ખરો જ્ઞાનદીપ સોળ વર્ષ પછી જયારે એમની આંખ જતી રહી ત્યાર પછી ખુલ્યો છે. એમણે એક પુસ્તકમાં નોંધ્યું છે કે,  ‘લોકો એમ કહેતા હતા કે હું જન્મ્યો ત્યારથી બધું પામ્યો છું. પણ મને હવે જયારે બહારની દુનિયા જોઈ નથી શકતો પણ અનુભવી શકું છું,  ત્યારે લાગે છે હવે મારી પ્રાપ્તિ શરૂ થઈ છે.’

સત્તર વર્ષની ઉંમરે માતાનો પ્રકોપ થયો શીતળા માતાનો. એ વખતની એક બહુ જ ઉંડાણવાળી વાત અથવા મજા આવે એવી વાત કરું. મિત્રો એવું ન માનશો કે મહાત્માઓ જે હોય કે બુદ્ધ પુરુષો જે હોય એ બધા ખામી વગરના જ હોય. એમાં પણ કંઈક ખોટખાંપણ હોય. સ્વભાવની હોય કે વ્યવહારની હોય. પણ મહાનપુરુષ એ  થાય કે જે ખામી હોય એને પોતે સ્વીકારે, સ્વીકારીને પછી એ ખામી દૂર થાય એના માટે સઘન પ્રયાસ કરે અને એ પ્રયાસ કરે એમાંથી જે કંઈ શીખે એ પોતાનામાં ઉમેરે,  એ મહાત્મા બને. શીતળા માતા નીકળ્યા તો સુખલાલજી વહેમમાં બહુ માનતા હતા. નાના હતા ત્યારે બહુ વહેમીલા હતા. અંધશ્રધ્ધાળુ હતા. આ વાત ઘણા લોકોને ખબર નથી પણ એમના દ્વારા જ પુસ્તકમાં નોંધાયેલી છે એટલે મને ખબર છે. જેની સાથે રહીને આ કારસ્તાન કર્યું એ બંનેએ  નક્કી કર્યું હતું કે આ વાત આપણે કોઈને કહેવી નહીં કારણકે હું અને તું બે જ જણા જાણીએ. એના એક મિત્ર હતા ચુનીલાલ.

મિત્ર સાથે રહી એને વિચાર આવ્યો કે આ બધા શીતળા સાતમે ચૂલો ઠારે છે તો શું કામ ઠારે છે.?? એટલે એણે ઘરમાં મા ને પૂછ્યું તો મા એ કહ્યું કે શીતળા માતા છે ને એ આગલી રાતે ચૂલામાં સુવા આવે.  એ ચૂલામાં સુવા આવતા હોય તો  આપણે ચૂલો ન પેટાવીએ નહિતર એ બળી મરે. હવે  આ વાત એના મનમાં બેઠી. પણ જુઓ જેમ મોજીલું શિક્ષણ છે એમ ખોજીલુ મન છે. મન તમને ખોજવા માટે પ્રેરે. તો એમને વિચાર આવ્યો એટલે એણે ભાઈબંધ ચુનીલાલ ને કીધું કે તને લાગે છે આ સાચી વાત હોય ?  તો કહે લાગતું તો નથી પણ હવે મા કહે છે તો સાચું હશે. તો કે ના એમ નહીં ચાલ આપણે પ્રયોગ કરીએ. એટલે એમણે પ્રયોગ કર્યો. જયારે શીતળામાતા થયા એના પહેલાના ત્રણ વર્ષ પહેલા ઘરના બારણાં બંધ કરી કોઈ નહોતું એનું ધ્યાન રાખી અને ચૂલો પેટાવી નાખ્યો. ભડકો કર્યો અને ભડકો કરીને બે જણા ત્યાં બેઠા એની ઉપર દૂધ મૂક્યું એમાં સાકાર નાખી, દૂધને ગરમ કર્યું એટલે સાકાર ઓગળીને એને ગ્લાસમાં કાઢીને બંને જણા પી ગયા. અને રાત્રે સુઈ ગયા કંઈ થયું નહોતું એટલે  કહે  જુઓ પેલી  વાત સાચી નથી ને કંઈ થતું નથી. અંધશ્રદ્ધાથી દૂર ભાગવું જોઈએ એનો પાયો ખરેખર આવા ખાપરા ખોડીયાંવેડા  માંથી થતો હોય છે. એમણે જૈન ધર્માચાર્યોને પણ કહ્યું કે ભાઈ તમે આમાં માનતા હો તો માનજો,  હું નહીં માનું.  જે જૈન ધર્માચાર્યોને એ પોતે ભણાવવા જતા એને પણ કહી દીધું. હવે થયું એવું કે એ વર્ષે તો સુખલાલ અને ચુનીલાલ બન્નેને  કંઈ ન થયું અને પછીના વર્ષે ય કંઈ ન થયું. ત્રીજે વર્ષે સુખલાલજીને શીતળા માતા નીકળ્યા અને શીતળા માતા નીકળ્યા એટલે અંદર બેઠેલો ભય હતો એ પાછો ઉંચકાણો અને એમ થયું કે ભારે કરી. આ ત્રણ વર્ષ પહેલા જે ચૂલામાં સુતેલા શીતળા માતાને આપણે સળગાવ્યા એણે આપણો દા કાઢયો. ચુનીલાલને વાત કરી  કે જોયું આ ત્રણ વર્ષ પહેલાનું પરિણામ મળ્યું….. આંખનો  ડોળો બહાર  આવી ગયેલો એવી પરિસ્થિતિ !! બધા દયાજનક રીતે જુએ પણ ચુનીલાલને સતત કહે કે કોઈને કહેતો નહીં આ વાત આપણે બે જ જણા જાણીએ છીએ

અને પછી પંડિત સુખલાલજીએ પોતે પોતાના જીવન વૃતાંન્તમાં લખ્યું છે કે,  “મેં નક્કી કર્યું કે શું આવી રીતે મેં આ કામ કર્યું માટે મને શીતળા નીકળ્યા ? તો તો મારા ભેગો ચુનીલાલ પણ હતો તો ચુનીલાલને કાં આવતા વર્ષે નીકળવા જોઈએ કાં પછીના વર્ષે નીકળવા જોઈએ. ચુનીલાલને કોઈ દિવસ નીકળ્યા નહીં. અરે, જેમણે વિરોધ નથી કર્યો એમને પણ માતાનો પ્રકોપ થાય છે તો એ લોકોનો શો દોષ ?? એટલે મેં નક્કી કર્યું કે અંધશ્રદ્ધામાં માનવાનું કારણ નથી. આ તો કાગને બેસવું ને ડાળને પડવું એટલે મારો વારો આવ્યો. ત્યારથી મારી અંધશ્રદ્ધા દૂર થઈ.” પોતાની  દ્રષ્ટિ ગુમાવીને સહન કરનાર પંડિતજીએ કેવું સમાધાન મેળવ્યું !!

આપણને ખબર છે મહાત્મા ગાંધીએ પણ બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે નાનો હતો ત્યારે મને અંધારાથી બહુ ડર લાગતો અને ડર લાગતો ત્યારે એના આઈ મા એ કહેલું કે જયારે ડર લાગે અંધારું હોય ત્યારે રામ રામ બોલવું. હવે એ વખતે એ રામ રામ શબ્દ પકડાયો એ ત્રણ ગોળી વાગીને ત્યારે પણ રામ રામ શબ્દ બહાર આવ્યો. અંતર આત્મામાં ગયેલો હતો એ રામ એ વખતે પાછો આવ્યો. (ક્રમશઃ )

પંડિત સુખલાલજી એક વિરલ બહુશ્રુત વિદ્વતજન

સાથે રહેવાનો મહિમા પણ મહિમા ગ્રહણ કરવાનો છે.’ 

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

વ્યક્તિને પારખવા માટે ગમે તેટલો સમય ઓછો જ  કહેવાય. પણ મનુભાઈ પંચોલી દર્શક સરસ વાત અહીં ઉમેરે છે કે …’સાથે રહેવાનો મહિમા પણ મહિમા ગ્રહણ કરવાનો છે.આપણે કોઈની સાથે રહીએ તો સાથે રહીને શું જોવાનું છે ? એને કોણ મળવા આવે છે ? મળવા આવે એ એનું  કેવી રીતે મૂલ્ય કરે છે ? પોતે એના પ્રત્યે કેમ પેશ થાય છે ?? આવે છે એ આપણી અજાણમાં હોય તો એના વિશે એ કેવી વાતો કરે છે ? આ મૂલ્ય ગ્રહણ છે. હું ગયો કોઈ વ્યક્તિ પાસે અને સાવ અજાણ્યો છું પણ એની પાસે જો અડધી કલાક બેસું તો એ વહેતી ગંગાના માણસ હોય તો એની પાસે લોકો આવ્યા જ કરે એના ઉપરથી મને ખ્યાલ આવી જાય ખરો કે હું જેને મળવા આવ્યો છું તે કોઈ વ્યક્તિત્વ છે, સાદી વ્યક્તિ નથી. એટલે દર્શક દાદા એમ કહે છે કે સાથે રહેવાનો મહિમા એ મહિમા ગ્રહણ કરવાનો જ છે. સામેની વ્યક્તિનો મહિમા શું છે ? એ તમે ત્યારે જ જાણી શકો છો, જયારે તમે દિલથી એમની સાથે રહો. . દર્શક દાદાએ કહ્યું છે કે, પોતાના ભૂતકાળને જે સમજેસંસ્કારે. (કેવળ  સ્વીકારે નહીં સંસ્કારે એટલે  કે સંવર્ધન કરવું to add something into what exists,  જે છે તેમાં કશુંક ઉમેરવું તે સંસ્કારે) અને સંવર્ધે નહીં ત્યાં સુધી એ માણસ નવનિર્માણ પામતો નથી. મારો ભૂતકાળ મોટો છે, આજથી દસ વર્ષ પહેલાનો હું અને આજનો હું અથવા આજથી પાંચ વર્ષ પછીનો હું જુદો હશે કે એનો એ હશે, એણે કઈ વાંચ્યું હશે ? એણે કંઈ વિચાર્યું હશે ? એણે કંઈ લખ્યું હશે ? એણે કંઈ સાંભળ્યું હશે ? એણે કંઈ આદાનપ્રદાન કર્યું હશે ? એણે કોઈની વાત ધ્યાનથી સાંભળી હશે ?… આ સંસ્કરવું છે. આપણે લગભગ કોઈને સાંભળવા તૈયાર નથી હોતા. પણ યાદ રાખીએ કે સમજવું, સંસ્કરવું અને સંવર્ધન કરવું એ જ હંમેશા નવનિર્માણ પામે છે.

આપણે વાત કરવી છે પંડિત સુખલાલજીની કે મનુભાઈએ જેમને ‘લોકભારતીના પિતામહ’ કહ્યા !!  લોકભારતીના અધિપ્ષ્ઠાતા દર્શકદાદા પંડિત સુખલાલજીને પિતામહ કહે છે એટલે તેઓનું વ્યક્તિત્વ કૈંક વિશેષ  પ્રતિભાવંત હશે તેનો ખ્યાલ આવે છે. પંડિતજી  દ્રષ્ટિહીન દ્રષ્ટા હતા. આપણને અષ્ટાવક્ર ગીતામાં કહ્યું છે કે ‘તમે દ્રષ્ટા બનો.’  આપણે બધાને  આંખ છે એટલે આપણી ઇન્દ્રિય હંમેશા ખુલ્લી રહે છે , ખુલ્લી રહે છે એટલે બહારનું જોઈએ છીએ, જોઈએ છીએ એટલે બહારની અસર અંદર જાય છે,  અંદર જાય છે એટલે અંદરના ચેતાતંત્રને મેસેજ મળે છે, એ ચેતાતંત્ર અંદર મોકલે છે કે સામે કંઈક આવું છે, એ અંદર મેસેજ જાય છે એટલે રિફ્લેક્ટ કરે છે અને રિફ્લેક્ટ કરે છે એ પ્રમાણે આપણે વર્તીએ છીએ. પણ પંડિતજીને મોટી શાંતિ હતી એમની આ ઈન્દ્રિય જ બંધ હતી. સુખલાલજીએ એક જગ્યાએ લખ્યું છે કે,  સોળ વર્ષે જયારે મારા ચર્મચક્ષુ લઇ લીધા ત્યારે  મારા દિવ્યચક્ષુનો ઉઘાડ થયો. ચર્મચક્ષુ લઇ લેવા એટલે બહુ મોટી વાત છે. તમે દસ મિનિટ આંખ બંધ કરી રાખજો પછી પણ તમને ન અનુભવ થતો હોય તો દસ મિનિટ આંખ બંધ કરીને થોડું  ચાલજો એટલે તમને ખ્યાલ આવે કે આંખ ન હોવી એ એ કેટલો મોટો વિષાદ  છે. પણ એમણે અભિશાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. 

૧૯૮૦ માં જન્મેલા સુખલાલજીનો ખરો જ્ઞાનદીપ સોળ વર્ષ પછી જયારે એમની આંખ જતી રહી ત્યાર પછી ખુલ્યો છે. એમણે એક પુસ્તકમાં નોંધ્યું છે કે,  ‘લોકો એમ કહેતા હતા કે હું જન્મ્યો ત્યારથી બધું પામ્યો છું. પણ મને હવે જયારે બહારની દુનિયા જોઈ નથી શકતો પણ અનુભવી શકું છું,  ત્યારે લાગે છે હવે મારી પ્રાપ્તિ શરૂ થઈ છે.’  આ પ્રાપ્તિની ઘટનાને એમણે સુંદર રીતે ઉપયોગમાં લીધી. ભણવામાં ખુબ હોશિયાર, અક્ષર એના ખુબ મરોડદાર, અક્ષર સારા હોવા એ પણ અત્યારની સાયકોલોજી એવું કહે છે કે તમારા વ્યક્તિત્વની એક પ્રકારની છાપ છે. તમારા અક્ષર ખરાબ હોય તો તમને ખબર હોવી જોઈએ કે ખરાબ છે.  મહાત્મા ગાંધીએ લખ્યું હતું કે મારા ખરાબ અક્ષર એ મારી અધૂરી કેળવણીની નિશાની છે. તો એમના અક્ષર બહુ મરોડદાર હતા. 

બેનના લગ્ન થયા ત્યારે સુખલાલજીને પરણાવી દેવાના  હતા. ત્યારે સામે વેવાઈ લોકોએ ના પાડી કે ઉતાવળ કરવાની જરૂર નથી. એમાં સુખલાલજી બચી ગયા. કેમ બચી ગયા ? એવે ટાણે ના પાડી પણ પછી આંખ ગઈ. તો  વેવાઈ લોકોએ કીધું કે આવું હોય તો હવે અમારે લગ્ન કરવા નથી. સુખલાલજીએ સુંદર વાક્ય લખ્યું છે કે, હું મારા જીવનના એક પરિમાણમાંથી છૂટો થયો અને જીવનના વ્યાપક પરિમાણમાં જોડાઈ ગયો. કંઈક ગુમાવીએ છીએ ત્યારે ઘણું જતું રહે છે. આ, કંઈ જતું રહે છે ત્યારે પણ કંઈક આપવાની જ નજર આપણા પરમપિતાની હોય છે. સુખલાલજીને  બહુ વાંચવાની ટેવ, ગણિત એમનું એટલું પાક્કું, કુટુંબીઓએ તો બહુ પ્રયાસ કર્યા કે ધંધો સંભાળે. 

બે જ બાબત એની વિશેષતા હતી. જ્ઞાન જિજ્ઞાસા. જ્ઞાન જિજ્ઞાસા એટલે કશુંક નવું જાણ્યા કરવું. Something to know કારણ એમ કહેવાય છે કે something to know હશે તો જ something to do આવશે. જો તમે જાણશો તો જ કશુંક કરશો અને તમે કશુંક કરશો તો જ તમે કશુંક અનુભવશો. અનુભૂતિ શું છે, સ્પર્શાનુભૂતિ શું છે. If you dont touch you dont experience એવી જ રીતે એમની જ્ઞાન જિજ્ઞાસા જોરદાર અને ભણતરની ભૂખ જોરદાર. ભણવાનું કોઈ પણ સંજોગોમાં મૂકે નહીં અને એ વાત એટલી આગળ ચાલી કે જેમ જેમ મોટા થતા ગયા એમ ભણવાની સાથોસાથ એમને ભણાવવાની લગની લાગી. એમને ગમે ત્યાંથી શિષ્યો મળી જ રહેતા. એમની પાસે કોઈક કોઈક તો એવું આવી જ જતું કે જે એની પાસે શીખવા બેસી જાય. આ  વાત શિક્ષકોને પણ લાગુ પડે છે કે શીખવવું હોય તો વિદ્યાર્થી નથી એવી ફરિયાદ કરવા જેવું રહેતું નથી. તમે જો સાચા શીખવનારા હશો તો તમારી સ્કૂલના નહીં તો બીજા વિદ્યાર્થી તમારી પાસે આવીને બેસી જશે. શિક્ષક તરીકેનો તમારો ઓરા (તેજ વર્તુળ) કેવું  છે એના ઉપર આધારિત છે. (ક્રમશઃ)

ગ્રામસ્વરાજના સમર્પિત યાત્રીના આંખ ઉઘાડનાર બે પત્રો

ગાંધી સમર્પિત શ્રી મણિલાલ સંઘવી કોંગ્રેસ અંગે જે કહી ગયા તે આજે પણ ગાંધી સંસ્થાઓના મુખિઓ વાંચે  તો ??

ભદ્રાયુ વછરાજાની                                                          bhadrayu2@gmail.com 

લેખના આરંભમાં શ્રી મણિલાલ સંઘવીનો પરિચય આપવાની ઈચ્છા નથી, કારણ કે એમના જ બે પત્રો એમની ઓળખ સ્પષ્ટ કરે છે. હા, એટલું નક્કી કે આ પત્રો આપણને તેઓના શતાબ્દી ગ્રંથમાંથી મળ્યા છે કે જયારે ભારત સ્વાતંત્ર્યના પંચોતેર વર્ષ ઉજવી રહ્યું છે. એ સમયના કાર્યકરો કેટલા સુસ્પષ્ટ હતા તેનો ચિતાર મેળવવા આવો, આજના લેખનો આરંભ તેઓશ્રીની એક કેફીયતથી કરીએ :: 

“માણસને પોતાને પોતાનો જ ભય લાગતો હોય છે. મારું પણ એવું જ લાગે , જેટલી ભક્તિ અને શક્તિથી ગ્રામસ્વરાજ સંઘની જવાબદારી સંભાળી એટલી જ ભક્તિ અને શક્તિથી સાઠ વરસમાં ફતેગઢ – ખાદી કેન્દ્રની, ગઢસીસા-ખાદી કેન્દ્ર અને કચ્છ – ખાદીગ્રામોદ્યોગ સંઘની જવાબદારી સંભાળી. ભૂદાન – ગ્રામદાન પ્રવૃત્તિની અને બીજી કેટલીયે સંસ્થાઓની જવાબદારી સંભાળી. ક્યાંય પણ આસક્તિ ચીટકી ન શકી પણ ગ્રામસ્વરાજ સંઘ અંગે એવું કહેવાની સ્થિતિમાં હું આજે પણ નથી. એની આસક્તિ એટલે એનાં શુભકાર્યોની આસક્તિ મને હજુ પણ ચીટકી રહી છે. બીજા અનેક સ્વજનોની જેમ મને પણ લાગે છે કે છેલ્લાં વરસોમાં સંઘે ઉત્તમ રીતે પોતાની ફરજો બજાવી છે એ ફરજો બજાવવામાં ભૂલો પણ થઈ છે. પણ એ ભૂલો સહિત પણ સંઘે સરસ કામ કર્યું છે. પણ તોય મારા મનમાં કેટલીય બાબતો વિશે અસંતોષ કેમ રહે છે ? અનેક કાર્યોમાં, કાર્યોની શુદ્ધતા માટેની જાગૃતિનો અભાવ મને ઘણે ઠેકાણે દેખાય છે. એ પીડે છે. એમાં તટસ્થતા જળવાવી જોઈએ તે મન જાળવી શકતું નથી. આ વાત હવે સમજાય છે. એટલે એમાંથી નીકળી શકાશે એમ લાગે છે.”

                                                 (01)

ગામસ્વરાજ સંઘ  … નીલપર

બાપુ શ્રાદ્ધ દિનઃ તા. 12-02-2003

પ્રિય ગોવિંદભાઈ તથા જેસંગભાઈ,

નઈ તાલીમ સંઘ  – અમદાવાદ,

તા 24-2ના પરમ આદરણીય શ્રી ઝીણાભાઈની ઉપસ્થિતિમાં નઈ તાલીમમાં રસ લેતા મિત્રોનું મિલન કરી રહ્યા છો, તે જાણીને આનંદ થયો.

ઉંમરને કારણે પ્રવાસો ઉપર સહેજે મોટો કાપ મૂક્યો  છે. એટલે આવી ન શકવા બદલ ક્ષમા કરશો.

પણ તમારી માંગણીથી આ સાથે મારા વિચારો ટૂંકમાં મૂકું છું .

(1) જે જમાનામાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય – રાષ્ટ્રીય સંસ્થા હતી. તે જમાનામાં ગાંધીજી  કોંગ્રેસના સામાન્ય સભ્યપદેથી સન 1934માં મુક્ત થયા હતા.

(2) આઝાદી આવતાં કોમી કટ્ટરતાએ બાપુનો ભોગ લીધો.

(3) વિનોબાએ બાપુનાં કામો સંભાળ્યાં, “બાપથી બેટા સવાયા” ની લોક-કહેવત વિનોબાની બાબતમાં સો ટકા ચરિતાર્થ થઈ. પણ આપણે ગાંધીવાળાઓ ખાદી, નઈ તાલીમ વગેરે રચનાત્મક સંસ્થાઓ અને તેના કાર્યકર્તાઓ પૂરી શક્તિથી અને ભક્તિથી તેમાં લાગી શક્યા નહીં. તેનો મર્મ પકડી શક્યા નહીં. દિવસોદિવસ સરકાર આધારિત મોહક રચનાત્મક કામોમાં ફસાતા ગયા, અને તેની ઝાક ઝમાળમાં અંજાતા ગયા. પરિણામે આપણું દૈવત્વ – સ્વત્વ ગુમાવતા ગયા. આજે આપણી જમાત, બિચારી બાપડી જેવી સ્થિતિમાં છે.

(4) જાગ્યા ત્યારથી સવાર ગણીએ. બધાના સહયોગને પ્રેમભાવે આવકારીએ. પણ રાજકીય પક્ષોનો કે રાજકીય સત્તાધારીઓનો આધાર સમજપૂર્વક છોડીએ. પાર્ટી પોલિટિક્સ કે પાવર પોલિટિક્સના આધારથી અને પ્રભાવથી સર્વથા મુક્ત રહીને આપણા નઈ તાલીમનાં અને બીજા બધાં રચનાત્મક કામો નવેસરથી ગોઠવીએ. નમ્રતાપૂર્વક બધાનાં સહયોગને આવકારીએ.

(5) એટલે મૂળ બાબત મોઢું બદલવાની – દિશા બદલવાની છે. એમાં આપણે સાફ થવું જોઈએ. મોઢું ફેરવવાનો નિર્ણય આપણે સમજપૂર્વક અને નિશ્ચયાત્મક રીતે લઈ શકીએ તો આપણું કરવું અને હળવું મન સહજ રીતે આગળનું સુઝાડશે.

(6) પરમ આદરણીય ઝીણાભાઈને તથા મિલનમાં આવેલ સર્વે ભાઈ-બહેનોને સ્નેહભાવે પ્રણામ.

 

સસ્નેહ ભાઈ

મણિલાલ સંઘવીનાં પ્રણામ.

(ગુજરાત નઈ તાલીમના સંવાહકો ગોવિંદભાઈ રાવલ તેમજ જેસંગભાઈ ડાભીને પત્ર)

                                                                      (02)

ઉરુલી કાંચન (પુના, મહારાષ્ટ્ર)

તા. 10-12-1956

પ્રિય ભાઈશ્રી દયારામ તથા છગનભાઈ,

ભાઈ દયારામનો તા.05-12 નો લખેલો પત્ર મળ્યો. તેમાં આદિપરને અંબર-સેટ આપવાનું ત્યાં જ નક્કી કરી આવ્યા તે અંગેની વિગતો તથા ભાઈ મટાણી અને દસ્તુર આવનાર છે વ. હકીકતો વાંચી. તે બાબતમાં મારાં નમ્ર સૂચનો હું અહીં મૂકું છું

(1) તમે બંને મિત્રોએ એક ગાંઠ બાંધવી કે નિર્ણયો બંને સાથે વિચાર્યા એ નક્કી કર્યા પછી જ લેવાશે.

 (2) જે બાબત બંનેનો મત ભિન્ન રહેતો હોય તે બાબત વધારે બાબત વધારે વિચારણા માટે મોકૂફ રાખવી. અને એ બાબતમાં બંનેનો એક વિચાર થાય ત્યારે જ તે અમલમાં લાવવી.

(3) વહીવટી કામની સરળતા માટે આપણે એટલે કે ટ્રસ્ટે ચાર ભાઈઓની એક સમિતિ બનાવી છે તેનો ઉપયોગ કરવો. દર માસે કે બે માસે કે તમને મિત્રોને જેટલું અંતર અનુકૂળ લાગે તેટલે અંતરે, પણ નિયમિત, તેની બેઠક મળે અને તેમાં તે સમય દરમિયાનના બધા પ્રશ્નો ચર્ચાય તેવું ખુલ્લું વાતાવરણ રાખવું. મને તો પૂરો ભરોસો છે કે એમ કરવાથી આપણા વહીવટીપ્રશ્નો ઘણા સરળ થઈ જશે.

(4) વહીવટી પ્રશ્નોને લાગેવળગે છે ત્યાં સુધી આપણે ટ્રસ્ટને વચ્ચે લાવવું જ ન જોઈએ. તેમાં આપણી ખામી જ દેખાય છે. પણ કોઈ વખતે આપણે ટ્રસ્ટને વચ્ચે લાવીએ તો તેને આપણી લાચારી અને આપણા પરસ્પરના સદ્ભાવની ખામી ગણીને આપણે વધારે સજાગ બનવું જોઈએ.

(5) ખાદી – ગ્રામોદ્યોગ અંગેનો રોજિંદો વહેવાર – વહીવટ, છગનભાઈ એમની શક્તિ, સમજ, સૂઝ અને હથોટી પ્રમાણે ગોઠવે તેમાં કેટલીક વસ્તુ દયારામભાઈને ન ગમે તેવી થતી હોય તોપણ તેની ટીકા ન કરે. તે તરફ અણગમો કે નફરત તો વ્યક્ત ન જ કરાય. સહ કે સમૂહજીવનમાં આ પાયાની વસ્તુનો આપણે જયાં સુધી પૂરો સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી આપણાં બધાં કામો કાચાં અને પરિણામે નિર્વીર્ય પુરવાર થવાનાં જ છે.

મને તો હવે એ સ્પષ્ટ અનુભવ થતો જાય છે કે જ્યાં સુધી, સામી વ્યક્તિને આપણા તરફ સદ્ભાવ તથા આદરભાવ પેદા થયો નથી હોતો ત્યાં સુધી આપણે તેને પ્રેમપૂર્વક અને પૂરી સદૂભાવનાથી કરેલી વાતો પણ અસરકારક નીવડતી નથી. એટલું જ નહિ પણ વિપરીત પ્રત્યાઘાતો જન્માવે છે. ત્યાં મૌન જ એકમાત્ર સાચું સાધન છે. પણ તે મૌનમાં આંતરિક કચવાટ, બબડાટ કે ધિક્કારની લાગણી હોય તો તે પણ નકામું પુરવાર થશે. તે મૌનમાં પણ સામી વ્યક્તિ તરફ પ્રેમ અને સહાનુભૂતિ જ નીતરતી હોવી જોઈએ. તો તે મૌન યોગ્ય કાળે સામી વ્યક્તિ ઉપર અસર કરશે એમ મને ચોક્કસ લાગે છે. પણ યોગ્ય કાળનું કોઈ માપ આપણી પાસે નથી. માનસિક ભૂમિકામાં આંદોલનો ઊઠે છે અને આપણને ઘણી વખત ખબર ન પડે તે રીતે સામેની વ્યક્તિમાં જ નહીં પણ અરસપરસના મનમાં પણ અનુકૂળ ભાવનાઓ પેદા કરે છે.

લિ. તમારા ભાઈ

મણિલાલના પ્રણામ

(શ્રી દયારામભાઈ કેવરિયા અને છગનભાઈ ભીમની ખાદીગ્રામોદ્યોગ સંઘ, લીલપુરને સંયુક્ત પત્ર, સંસ્થાના વહીવટ સંદર્ભે)

****************************************************************

નઈ  તાલીમની સંસ્થાઓની આજે જે હાલત છે તેને આ બંને પત્રો સીધા જ સ્પર્શે છે. વ્યક્તિગત અહમ અને મમત્વ સંસ્થાઓને કોરી રહ્યું છે તે સ્વીકાર્યા  વગર ચાલે તેમ નથી. ગાંધીજીનો પાયાનો વિચાર આજે પક્ષાપક્ષીમાં એટલો  ગરકાવ થયો છે કે દેશનું રાજકારણ તેની પાસે સારું લાગે !! શ્રી મણીલાલ  ગાંધી જેવા પાયાના સમર્પિત કાર્યકરની ખોટ આજે એટલે વર્તાય છે કે આટલું સ્પષ્ટ કહેનાર અને તે પણ  લખીને કહેનાર આજે  છે જ ક્યાં  ??  પંચોતેર વર્ષે ગાંધી-સંસ્થાઓએ આ મંથન પણ કરવા જેવું છે, તેમ નથી લાગતું ??   

 

ગુજરાતના લોકલાડીલા “લાલાકાકા”: શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલા

માણેકચોકમાં ભરાયેલી જંગી સભામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે શ્રી ભોગીલાલ લાલાને લાલાકાકાના બિરુદથી નવાજ્યા.

ભદ્રાયુ વછરાજાની                                                               bhadrayu2@gmail.com 

સ્વાતંત્ર્ય સમયના સંનિષ્ઠ લોકસેવક લાલાકાકા અંગે કંઈપણ લખું તે પહેલા લાલાકાકાની સ્મૃતિને તેની ચોથી પેઢીએ સમાજ સમક્ષ પ્રસ્તુત કરી છે તેનો રાજીપો વ્યક્ત કરું છું. આપણે દાદાના નામથી આગળ કાંઈ જાણતા ન હોઈએ એવા કાળમાં આજે જીવીએ છીએ ત્યારે લાલકાકાના દીકરા અર્જુનલાલના દીકરા ભુપેન્દ્રભાઈની દીકરી ધૃતિ દ્વારા એક સુંદર પુસ્તક લખાયું અને તે રાજકોટમાં સાક્ષરવર્ય શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના વરદ હસ્તે લોકાર્પિત થયું. ચોથી પેઢીએ કુટુંબના વડીલોનું આ રીતે ઋણ-તર્પણ કર્યું એમ કહી શકાય. 

૧૯૩૩ ના સત્યાગ્રહ વખતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ગાઢ પરિચયમાં આવતાં માણેકચોકમાં ભરાયેલી જંગી સભામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે શ્રી ભોગીલાલ લાલાને “લાલાકાકા” ના બિરુદથી નવાજ્યા ત્યારથી શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલા ગુજરાતમાં “લાલાકાકા” તરીકે પ્રસિદ્ધ થયા.

શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલાનો જન્મ તા. ૦૬/૧૨/૧૮૭૭ ના રોજ અમદાવાદમાં મેજીસ્ટ્રેટ પિતાને ત્યાં થયો. ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાના પરંતુ કુશાગ્ર બુદ્ધિ, ખંતીલા તેમજ મહેનતુ હતા. ઉચ્ચ શિક્ષણ વડોદરામાં મેળવ્યા બાદ ઈ.સ. ૧૯૦૧ માં માત્ર ૨૪ વર્ષની વયે વકીલાત ચાલુ કરી. તેમની વકીલ તરીકેની દલીલ કરવાની શક્તિ તેમજ વકીલાતનું ઊંડું જ્ઞાન જોઈ ન્યાયાધીશ પણ આ ફોજદારી વકીલ પર આફરીન થતા હતા. ઈ. સ. ૧૯૨૦ માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ દેશે અસહકાર અને સત્યાગ્રહનું આંદોલન ઉપાડ્યું ત્યારે ‘વકીલો વકીલાત છોડો! સરકારી કોરટો છોડો’ આ વાતને લઈને લાલાકાકા વકીલાતને તિલાંજલિ આપવાના વિચારોમાં મગ્ન હતા ત્યાં જ તેમનો ૧૮ વર્ષનો પુત્ર અર્જુન લાલ લાલા પિકેટીંગમાં (બહિષ્કાર) નેતૃત્વ લેવામાં નામ નોંધાવે છે. સાથોસાથ ૧૩ વર્ષની દીકરી શશીકળા લાલા ગાંધીજી સમક્ષ આજીવન ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લે છે. દીકરા દીકરીના અદભુત કતૃત્વને જોઈને તેઓએ વકીલાતનો તિલાંજલિ આપી અને લડતના કામમાં પુરેપુરો સમય આપવા લાગ્યા. 

તા. 01-03-1906 માં ઈન્દુરાવ પ્રાણશંકર દેસાઈ તેમજ મથુરાદાસ નામનાબે વિદ્યાર્થીઓથી પ્રાણશંકરભાઈના ખાડિયાના નિવાસસ્થાને બહેરામુંગા શાળાની શરૂઆત થઈ. ઈ. સ. ૧૯૧૫ માં  ખાડિયાના નિવાસસ્થાનથી નવા દરવાજા પાસે મોટું મકાન રાખી શાળા ત્યાં તબદીલ કરાઈ. તા. ૦૭/૦૩/૧૯૧૬ માં ગાંધીજીએ  આ  શાળાની મુલાકાત લીધી. ઈ. સ. ૧૯૧૭ માં લાલાકાકા બહેરા-મુંગા શાળામાં મંત્રી પદે જોડાયા. મંગળ ગિરધર જેવા ખ્યાતનામ નગરશેઠ અને ખ્યાતનામ બાહોશ વકીલ લાલાકાકા જાહેરજીવનમાં અત્યંત સાદર સન્માન ધરાવતા હતા. ઈ. સ. ૧૯૨૫ માં લાલાકાકા, મંગળદાસ શેઠ અને પ્રાણશંકર દાદાની અથાગ મહેનતથી જ બહેરામૂંગા શાળાનું નવું મકાન બન્યું. અમદાવાદ શહેરની બહાર નવરંગપુરા ગામની સીમમાં સરકારશ્રી અને મ્યુનિસિપાલીટીની મદદથી જમીન મળી અને નવા મકાનનું ખાતમુહૂર્ત પૂ. મહાત્મા ગાંધીજીના શુભ હસ્તે તા. ૦૭/૦૯/૧૯૨૮ ના રોજ થયું. આ સમયે ભાષણમાં ગાંધીજીએ કહેલું કે:  ‘આ શાળાની ઉત્પત્તિ પાછળ સ્વાર્થ સાથે પરમાર્થ જોડાયો,  તેથી આ શાળા અસ્તિત્વમાં આવી. રાયબહાદુર પ્રાણશંકરભાઈએ આંકડા રજુ કર્યા કે ૭૦ હજાર બહેરા-મૂંગા માટે ઈલાકામાં ત્રણ શાળાઓ  છે. બે લાખ બહેરા-મૂંગાઓમાંથી માત્ર ૫૦૦ ની જ દરકાર લેવાય છે. એક આળસુ માણસ બે માણસના ખભા પર ચડી બેસે છે. એવી કહેવત છે. આપણે બહેરા-મૂંગાઓને આળસુ ન બનાવવા જોઇએ, પણ તેમને કમાતા શીખવવું જોઈએ. આ શાળા પ્રતિદિન વધારે ને વધારે આબાદ થાય તેમ ઈચ્છું છું,’ મહાત્માજીના આ વક્તવ્યને જાણે લાલાકાકાએ સંપૂર્ણપણે તેમના જીવનમાં વણી લીધું. અને જીવ્યા ત્યાં સુધી આ સંસ્થાને પોતાના જીવનનું એક અંગ સમજી બહેરા-મૂંગાઓ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.

શાળાના નવા મકાનનું ઉદ્દઘાટન મહાત્મા ગાંધીજીના હસ્તે તા. ૧૬/૧૦/૧૯૨૯ ના રોજ થયું હતું. ત્યાં જ લાલાકાકાના જીવનમાં જબરજસ્ત ઘટના બની તા. ૧૬/૧૧/૧૯૩૦ ના રોજ ભોગીલાલ લાલાના પુત્ર શ્રી અર્જુનલાલ લાલાને ઘરે હેમેન્દ્ર નામનું મૂક બધિર સંતાન અવતર્યું. જાણે ઈશ્વરે લાલાકાકાને બહેરામૂંગા બાળકના દાદા બનાવી આ ક્ષેત્રમાં તલ્લીન બની જવાનો સંકેત કર્યો. બધિર બાળકના દાદા બનવાના આ બનાવથી તેઓ બધિરોની સેવામાં પૂર્ણતઃ જોતરાઈ ગયા. (વર્તમાનમાં આ સંસ્થા બહેરા-મૂંગા શાળા સોસાયટી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કાર્યરત છે.)

બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮) પછી બારડોલીના ખેડૂતોના પ્રશ્ને (૧૯૩૩ – ૩૫) માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી નરહરિ પરીખ, શ્રી મોહનભાઈ વ્યાસ સાથે લવાદી સ્વીકાર્યા બાદ શ્રી ભોગીલાલ લાલાના સરદાર સાથે એકદમ નિકટતમ સબંધો સ્થપાઈ ચૂક્યા હતા. બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા. સરદારના સાનિધ્યમાં સરદારના સાથીઓ વિશેના લેખમાં તેઓએ ટાંક્યું છે કે, બહારથી સિંહ જેવા લાગતા સરદારશ્રીએ એમની હૂંફ અને મમતાને પરિણામે ગુજરાતના ઉદ્યોગપતિઓ, મજૂર મહાજન, અમદાવાદ મ્યુનિસિપાલિટી આ તમામ ક્ષેત્રે ગુજરાતમાં આગેવાનોની એક એવી “ટીમ” ઊભી કરી હતી. જેના પરિણામે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતમાં પોતાનું ધાર્યું કામ કરાવી શકતા હતા. સરદારશ્રીના આ સાથી મંડળમાં માનનીય શ્રી મોરારજી દેસાઈ, સ્વ. માળવંકર દાદા,લાલાકાકા, શ્રી રવિશંકર મહારાજ, શ્રી જુગતરામ દવે વગેરે મુખ્ય હતા.  

૭૫ વર્ષ પહેલાં ૧૫ મી ઓગસ્ટે ભારતના પહેલા સ્વાતંત્ર્ય દિવસે અમદાવાદમાં આજે જ્યાં સરદારબાગ અને બસ ટર્મિનસ છે ત્યાં લાલ દરવાજા મેદાન ખાતે એક લાખ લોકો આઝાદીને વધાવવા તેમજ ત્રિરંગાને સલામી આપવા એકઠા થઈ ગયા હતા. સવારે ૮.૩૦ વાગ્યે લાલ દરવાજા મેદાનની મધ્યમાં બાંધવામાં આવેલો ત્રિરંગો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગુલામ રસૂલ કુરેશી દ્વારા લહેરાવવામાં આવેલો. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની એક મિનિટ પહેલાં હજારો લોકોએ દેશની સ્વતંત્રતાને બે હાથે વધાવી લીધી હતી. ત્રિરંગો લહેરાવ્યો એ ક્ષણે આઝાદ હિંદ ફોજની અદામાં તેને સલામી આપવામાં આવી હતી. એકત્રિત લોકોએ “વંદે માતરમ્” અને “ઝંડા ઊંચા રહે હમારા” તેમજ “ભારત માતા કી જય” ના નારા લગાવ્યા. આ પ્રસંગે કલેક્ટર ડુમરી, શહેર નગરપાલિકાના પ્રમુખ મણિલાલ શાહ, ગુજરાત પ્રદેશ કમિટીના પ્રમુખ શ્રી ભોગીલાલ લાલા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વકતવ્ય પૂર્ણ થયા બાદ રાઈફલ એસોસિએશન અને જ્યુપિટર મિલ્સ વચ્ચે ફૂટબોલ મેચ યોજાઈ હતી. જેમાં રાઈફલ એસોસિએશનની જીત થઈ હતી.

ઈ. સ. ૧૯૫૭ માં લાલાકાકાની બૃહદ મુંબઈ રાજ્યની લેજીસ્લેટીવ કાઉન્સિલના અધ્યક્ષપદે નિયુક્તિ થતાં તેમજ લાલાકાકાની વધતી જતી રાજકીય પ્રવૃત્તિને કારણે બહેરા- મૂંગા શાળા સોસાયટીનો કાર્યભાર શ્રી પાંડુરાવને સોપવામાં આવેલો. તા. ૧૭/૦૬/૧૯૬૧, શનિવાર ના રોજ ગુજરાતના લોકોએ-પ્રેમના પ્રતીકરૂપે રૂપિયા બે લાખની થેલી તેમને અર્પણ કરી અને તે નાણાં તેઓએ ગ્રામોત્થાનનાં કાર્યમાં પરત કર્યા હતાં. આ સમારંભમાં પૂજ્ય રવિશંકર મહારાજ,પરીક્ષિત મજુમદાર હાજર હતા. શ્રી મજુમદારે કહ્યું હતું કે, “લાલાકાકા ગુજરાતનું ધન છે. પ્રાતઃ કાળે એમના દર્શન કરીએ એવો એ પવિત્ર પુરુષ છે.”

લાલાકાકા સંનિષ્ઠ સામાજિક કાર્યકર હતા. બહેનોના હક્કો માટે સદાય લડતા. ૧૯૪૫ ની સાલમાં  ધારાસભાની ચૂંટણી આવી. ચૂંટાવું મુશ્કેલ તો બનશે પણ માણસના કાર્યની નિષ્ઠાની લોકમત એ એક પારાશીશી છે,  એ ખરેખર પ્રજાએ એ સમયે સાબિત કરી આપ્યું. ઘણી બહુમતીથી પોતાના પ્રિય નેતાને ચૂંટી લોકોએ સત્યનો, ઉદ્યમનો ને સાચી કાર્યનિષ્ઠાનો વિજયધ્વજ ફરકાવ્યો. લાલાકાકા ત્યારપછી મુંબઈ લેજીસ્લેટીવ કાઉન્સિલમાં ૧૯૫૬ ના નવેમ્બરમાં ચેરમેન તરીકે ચૂંટાયા ને ૧૯૬૦ માં ગુજરાત રાજય જુદું થતાં નિવૃત્ત થયા. ૧૯૬ર માં ગુજરાતનાં ગામડે ગામડેથી પોતાના પ્રેમના પ્રતીક રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે ભેટ આપી તે રૂ. ૨,00,000/- ની થેલી શ્રી મોરારજીભાઈના  હસ્તે તેમને અર્પણ થઈ. તેનું તેમણે ટ્રસ્ટ બનાવ્યું. સૂચિત ફાળો અર્પણ કરવામાં આવે તે પહેલાં તેમની સૂચનાથી તા. ૨૫/0૫/૧૯૬૧ ના રોજ “શ્રી લાલાકાકા સન્માન ટ્રસ્ટ” એ નામનું ટ્રસ્ટ નોધાવવામાં આવ્યું હતું. 

અમદાવાદ તેમજ આસપાસના લોકોની ચાહનાએ શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલાને  સૌના પ્રેમાળ ‘કાકા’ બનાવી સ્મૃતિમાં અંકિત કર્યા. સ્વાતંત્ર્યના પંચોતેર વર્ષે આપણા કેટલાય લોકસેવકોનું સ્મરણ આપણે કરવું ઘટે અને રાષ્ટ્ર શતાયુ થાય ત્યાં સુધીમાં આવા વ્યક્તિત્વોનું દસ્તાવેજીકરણ થાય તો ઉત્તમ સ્મરણો આવતી પેઢી માટે છોડી જવાનું શ્રેય પ્રાપ્ત કરી શકાય. લાલકાકાને આપણી વચ્ચે જીવંત કરવા બાદલ લાલાકાકાના કુટુંબની દીકરી ધૃતિને અઢળક અભિવંદન ઘટે છે. 

સરદાર પટેલના પડછાયા જેવા ઉત્તમચંદ શાહનું પુણ્ય સ્મરણ

ઉત્તમભાઈએ જોયું કે, બાપુ ખોરાકમાં પાંચ વસ્તુ જ લે છે અને તે પણ વજન કરીને જ.

ભદ્રાયુ વછરાજાની  bhadrayu2@gmail.com 

‘સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાંથી છૂટી ઘરે તો જશે નહીં, તો પછી એમના આરામ ને આશ્રયનું શું ?’ એવું વિચારીને સરદાર પટેલે બારડોલીમાં સ્વરાજ આશ્રમનું નિર્માણ કર્યું.   જાણીને આશ્ચર્ય થશે કે સરદાર પટેલે સ્વખર્ચે અને સ્વેચ્છાએ સ્વરાજ આશ્રમ બનાવવાનું  કાર્ય કર્યું હતું. 

બારડોલી સત્યાગ્રહ વખતે સ્વરાજ આશ્રમના મંત્રી તરીકે ખુશાલભાઈ કાર્ય કરતા. ઓફિસનું કાર્ય એકદમ વધી ગયું. ખુશાલભાઈને મદદની જરૂર ઊભી થઈ. કોણ મદદ કરે ? એવો પ્રશ્ન થયો કે તરત જવાબ મળ્યો.  મૌન-અવિરત-કાર્યકર ઉત્તમચંદ શાહનું નામ સૂચવાયું.   

ઉત્તમચંદભાઈ સરભોણ છોડી બારડોલી આશ્રમમાં આવ્યા. ખુશાલભાઈ કહે, “ઉત્તમચંદ, તું તો વિદ્યાપીઠનો સ્નાતક. તારી લાયકાત તો ભાઈ બહુ મોટી. તારો તો પગાર પણ બહુ  મોટો હોય. બોલ શું લઈશ ?” ઉત્તમચંદભાઈ કહે, “રોટલો અને ઓટલો મળશે તો બસ. આપણે તો આઝાદી મેળવવી છે એ જ પગાર. તમે રૂ. ૪૦ લો છો તો મારે રૂ. ૩૫ લેવા.”

ખુશાલભાઈ તો ઉત્તમભાઈની રાષ્ટ્રભક્તિ જોઈને ખુશ થયા. સરદાર અને ગાંધીજી પાસે કેવા યુવકો આવી શકે છે તેનો  ઉત્તમ નમૂનો ઉત્તમચંદ શાહે  પૂરો પાડયો. તેઓએ સરદાર પટેલને કહેલું કે હું પચાસ વર્ષ સ્વરાજ આશ્રમને સાચવીશ. ઉત્તમચંદ શાહની આ ત્યાગભાવના અને નિષ્ઠાની પ્રતીતિ રૂપે બરાબર પચાસ વર્ષ પછી પોતાની ૯૯ વર્ષની ઉંમરે પરલોક સિધાવ્યા. 

અહીં આપણે સ્વરાજ આશ્રમ, સરદાર પટેલ અને ઉત્તમચંદ શાહને સાંકળતી ઘટનાઓને જાણવી છે અને તેની પાછળ રહેલી દેશપ્રેમની ખેવનાને આત્મસાત કરવી છે. 

@ ડ્રાફ્ટિંગની બાબતમાં ગાંધીજીની માસ્ટરી કહેવાય. બારડોલી વર્કિંગ કમિટી મળે. ગાંધીજી અને સરદારશ્રી સ્વરાજ અંગે વિચારણા કરવા ઘણી વિચારક વ્યક્તિઓને બોલાવે. ઉત્તમભાઈ વર્કિંગ કમિટીનું ડ્રાફ્ટિંગ કરે અને બાપુને બતાવે. જવાહરલાલજી બાપુની પાસે બેસે અને લખે. જવાહરલાલજી બહુ લાબું લખીને આવે. ગાંધીજી એમાં ફેરફાર સૂચવે. જવાહરલાલજી લેખક એટલે એમનાથી લાંબું  જ લખાઈ જાય. બાપુ ટૂંકું લખાણ કરાવે એટલે બહુ ગુસ્સે થાય. ગાંધીજી ઉત્તમચંદભાઈ પાસે ટૂંકું લખાવે. અંગ્રેજ સરકાર પાસે આ લખાણ જાય. ટૂંકું અને ભાષાના પ્રભુત્વવાળું લખાણ જોઈ સરકાર દંગ થઈ જતી ! જવાહરલાલજીને ટૂંકું કરેલું લખાણ પ્રથમ તો નહીં ગમતું,  પરંતુ લખાણની સફળતા જોતા ત્યારે ગાંધીજીને લખતા, ‘યુ આર રાઈટ.’

ગાંધીજીનું ડ્રાફ્ટિંગ કરી કરીને ભાષાનું પ્રભુત્વ ઉત્તમચંદભાઈએ અનાયાસે જ શીખી લીધું.

@ ગુજરાતના માજી શિક્ષણપ્રધાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોરધનદાસ ચોખાવાળા ઉત્તમભાઈના મિત્ર. તેમના લગ્નનો પ્રસંગ. સૌને ઉત્તમચંદભાઈ આ અંગે કહેતા. ગોરધનદાસ ચોખાવાળાએ પોતાના સમાજમાં (ન્યાતમાં) લગ્ન ન કરવા એવો નિર્ણય કર્યો હતો.

ગાંધીજી સાથે ચીમનભાઈ શાહ નામના સેવાગ્રામના કાર્યકરની દીકરી શારદાબહેન બારડોલી આવેલાં. ગાંધીજીએ એક વાર સવારે ઉત્તમચંદભાઈની હાજરીમાં જ કહ્યું કે, “શારદા, તું હવે લગ્ન કરી લે, કારણ કે બ્રિટિશ સરકાર અમારી ધરપકડ ક્યારે કરે એનું નક્કી નહીં, તેથી તારું શું થશે તેની મને ચિંતા થાય છે.” શારદાબહેને થોડી દલીલો પછી લગ્ન કરવાની ‘હા’ પાડી, જો ગાંધીજી છોકરો શોધી આપે તો.

બાપુની આ વાત ચાલતી હતી ત્યારે ઉત્તમભાઈ હાજર હતા. બાપુની વાત પૂરી થઈ એટલે ઉત્તમભાઈએ ગાંધીજીએ કહ્યું : ‘અહીં એક ગોરધનભાઈ કરીને સરસ કાર્યકર્તા છે. સારો છોકરો છે. તેમણે પોતાના સમાજમાં લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું છે. જો આપની સંમતિ હોય તો સુરત જઈ વાત કરું અને આપને મળવા લઇ આવું.”

ગાંધીજીએ સંમતિ આપી. ઉત્તમભાઈએ સુરત જઈ ગોરધનદાસભાઈને વાત કરી. ગોરધનભાઈ તૈયાર થયા. તે જ સાંજે ગોરધનભાઈને લઈને ઉત્તમભાઈ બારડોલી આવી પહોંચ્યા.

ગાંધીજીએ શારદાબહેન તથા ગોરધનભાઈને બેસીને વાત કરવાનો સમય આપ્યો. બંને લગ્ન કરવા સંમત થયાં. બીજે જ દિવસે શારદાબહેન અને ચોખાવાળાના ચાંલ્લા નક્કી થયા. સરદારસાહેબ અને ગાંધીજીએ આ વાત જાહેર કરી. ઉત્તમચંદભાઈ ગોળધાણા લઈ આવ્યા. બા ચોખા ને કંકુ લાવ્યાં. કસ્તૂરબાએ ચાંલ્લા કર્યા. સૌએ આશીર્વાદ આપવાના શરૂ કર્યા. પ્રથમ બાપુએ આશીર્વાદ આપ્યા. પછી બાએ, પછી સરદારસાહેબે.

આ સમારંભમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અંગ્રેજ મિત્ર કેલનબૅક પણ હાજર હતા. કેલનબૅક કુંવારા હતા. એમણે ગોરધનભાઈના હાથ મજબૂત પકડી ખૂબ હાથ હલાવીને ખુશીમાં અભિનંદન આપ્યાં. સરદારસાહેબે કેલનબૅકની મશ્કરી કરતાં કહ્યું : “મિ. કેલનબૅક, તમે ગોરધનભાઈના હાથ કેમ બહુ હલાવ્યા ? મને લાગે છે કે તમે કુંવારા રહી ગયા છો, તેનો તમને અફસોસ છે.” કેલનબેકે પણ હસતાં હસતાં જ જવાબ ગાંધીજી તરફ જોઈને ઉત્તર આપ્યો કે, “હું કુંવારો રહી ગયો છું તે આ ગાંધીને પાપે.” બધા ખૂબ હસ્યા. ત્યાં તો ગાંધીજી બોલ્યા, “મારી ભૂલને કારણે તમે કુંવારા રહ્યા છો તેથી હવે આ બેને પરણાવી એ ભૂલનું પ્રાયશ્ચિત કરી લઉં છું.”

ઉત્તમભાઈ ઉપરનો પ્રસંગ વર્ણવતાં કહે છે કે, “ગાંધીજી દેશની સ્વતંત્રતાના આંદોલનનની સાથે સામાન્ય કાર્યકર્તાની સામાજિક વાતો પર પણ કેટલું બધું ધ્યાન રાખતા તે આવા પ્રસંગ પરથી સમજાય છે.”

@ બાપુના બારડોલી આવવાના કારણે ઉત્તમચંદભાઈને મહાત્મા ગાંધીજીને નજીકથી જોવાનું, સેવા કરવાનું અહોભાગ્ય સાંપડયું હતું. બાપુની ચોવીસ કલાકની દિનચર્યામાં ઉત્તમચંદભાઈ હાજર જ હોય. સરદારસાહેબની પાછી સૂચના કે, “બાપુને કોઈ વાતનું કષ્ટ ન પડે તેનું ઉત્તમચંદ બરાબર ધ્યાન રાખજે.”

ઉત્તમભાઈએ જોયું કે, બાપુ ખોરાકમાં પાંચ વસ્તુ જ લે છે અને તે પણ વજન કરીને જ.

ઉત્તમભાઈ બાપુને પૂછતાં કે, “આ શું બાપુ ? ખોરાક વજન કરીને ? વળી, એમાં મરચું નહીં, હળદર નહીં, ખાંડ નહીં.” ગાંધીજી પાસે ઉત્તર તો તૈયાર જ હતો, “તમે આડુંઅવળું ખાઈને જીભને બગાડી મૂકો છો. મને તો આમાં જ સ્વાદ આવે છે.”

@ બારડોલી આશ્રમમાં મહાત્મા ગાંધીજીનો મુકામ હતો. બારડોલીથી રોજ સાંજના પાંચ વાગ્યે ટપાલ નીકળી જાય. અગત્યની ટપાલ હોય તો પાંચ વાગ્યા પછી લેટ ફી ભરીને પત્રો સ્ટેશને પહોંચાડવા પડે. એક વખત બાપુનો કોઈ અગત્યનો પત્ર ટપાલમાં આપવો રહી ગયો. ટપાલ નીકળી ગયેલી. બારડોલી સ્ટેશને લેટ ફીવાળી ટપાલ પણ લેવાની ના પાડી. મહાદેવભાઈએ ઉત્તમભાઈને સુરત જઈ ટપાલ પોસ્ટ કરવાનું કહ્યું.

ઉત્તમભાઈએ પેલો પત્ર સાંજે ૫-૧૦ વાગ્યે લીધો. ૫-૨૦ વાગ્યે ગાડી આવે. ઉત્તમભાઈએ મહાદેવભાઇને કહ્યું, “માણસ મોકલીને ટપાલ સુરત નંખાવું છું.” આ વાત ચાલતી હતી ત્યાં જુગતરામભાઈ આવ્યા. કહે, “હું સુરત જાઉં છું, હું ટપાલ પોસ્ટ કરી આવીશ.” મહાદેવભાઈ બોલ્યા, “ઉત્તમભાઈ, પેલો પત્ર જુગતરામભાઈને આપો. તે સુરત સ્ટેશનેથી રવાના કરશે.”

બાપુ બાજુમાં બેઠેલા હતા. આ વ્યવસ્થા થતી હતી તે વાતો પૂ. બાપુ સાંભળતા હતા. જુગતરામભાઈ ટપાલ લઈ સુરત ગયા. સવારે પાછા આવ્યા. બાપુ ત્યારે માલિશ કરી સ્નાન કરવા બેસતા જ હતા. બાપુએ જુગતરામભાઈને પૂછ્યું, “કેમ, પેલો પત્ર રવાના કર્યો કે ?”

જુગતરામભાઈ તો વિમાસણમાં પડયા. કારણ કે તેઓ પત્ર પોસ્ટ કરવાનું ભૂલી ગયા હતા. બાપુ આ જોઈને ખડખડાટ હસ્યા અને બોલ્યા, “ઉત્તમચંદ, આવાં કામો કવિને ન સોંપાય. એમને એવું યાદ જ ન રહે.” પછી તરત જ બોલ્યા, “હવે આ પત્ર આજની ટપાલમાં રવાના કરજો.”

હા, ભારત રાષ્ટ્રની બંને સુવર્ણ ઘટનાઓ ઘટી પંદરમી ઓગસ્ટે !!

ભારતના સ્વાતંત્ર્યના પંચોતેર અને મહર્ષિ ઓરોબિંદોના દોઢસો વર્ષ !! ..પણ શ્રી અરવિંદ પર મુકાયેલો રાજદ્રોહનો આરોપ !!

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

“સામાન્ય લોકો સ્વદેશને એક જડ વસ્તુ, અમુક મેદાનો, ખેતરો, જંગલો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ ગણે છે. હું સ્વદેશને મા તરીકે જોઉ છું, તેની ભક્તિ કરું છું, પૂજા કરું છું, માની છાતી ઉપર બેસીને કોઈ રાક્ષસ એનું લોહી પીવા તૈયાર થયો હોય ત્યારે તેનું સંતાન શું કરે ? શું એ નિશ્ચિન્ત બની ભોજન કરવા બેસશે કે પત્ની અને બાળકો સાથે આનંદ પ્રમોદ કરશે કે પછી માતાનું રક્ષણ કરવા દોડી જશે ? હું જાણી ગયો છું કે મારી પાસે આ દેશના પતિત લોકોનો ઉદ્ધાર કરવાનું બળ છે, સામર્થ્ય છે. એ કાંઈ શારીરિક બળ નથી. હું કંઈ તલવાર કે બંદૂક લઈ લડવા જવાની તૈયારી કરતો નથી, પણ જ્ઞાનનું બળ છે. ક્ષાત્રતેજ એજ કંઈ એકમાત્ર તેજ નથી. બ્રહ્મતેજ પણ છે અને એ તેજ જ્ઞાનની ઉપર પ્રતિષ્ઠિત છે આ ભાવના, જે મારામાં નવી નથી. હું તો આ ભાવનાને લઈને જ જન્મ્યો છું. એ મારી નસેનસમાં છે. અણુએ અણુમાં છે. સર્વત્ર ઓતપ્રોત છે. આ ભાવનાને, જીવન-કર્તવ્યને, મહાધ્યેયને સાધવા અને પરિપૂર્ણ કરવા માટે ભગવાને મને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે.”
શ્રી અરવિંદ
(મૃણાલિનીને લખેલા પત્રમાંથી ૩૦ ઓગસ્ટ, ૧૯૦૫)

આપણું લોહી ઉકળી જાય તેવા આ શબ્દો શ્રી અરવિંદના છે.
આપણે મહર્ષિ ઓરોબિંદો, શ્રી માતાજી કે ધ મધર, પોન્ડિચેરી કે ઓરોવીલેથી કેટલેક અંશે જ્ઞાત છીએ પણ આપણને ખબર છે કે ભારત રાષ્ટ્ર સ્વતંત્ર થયું તે દિવસે શ્રી અરવિંદનો પંચોતેરમૉ જન્મદિન હતો ?? એ કહાની જાણવા જેવી છે. (અહીં ટૂંકમાં પેશ કરું છું,,આથી વિશેષ જાણવું હોય તો હમણાં જ માર્ચમાં પ્રકાશિત થયેલ શ્રી જ્યોતિ થાનકી લિખિત “સ્વાતંત્ર્ય સંગ્રામના પથદર્શક શ્રી અરવિંદ” પુસ્તક વાંચવું રહ્યું.)

‘વંદે માતરમ્’ ના ધારદાર લેખોથી બ્રિટિશ સરકાર ચોકી ઉઠી હતી, કેમ કે તેમાં સરકારની કૂટનીતિને પ્રજા સમક્ષ ખુલ્લી પાડવામાં આવતી હતી, પણ તે બધું એવી કુશળતાથી લખવામાં આવતું હતું કે આ લેખો પર રાજદ્રોહનો આરોપ મૂકી શકાય તેમ ન હતો, પરંતુ આવાં લખાણો સતત ચાલુ રહે તો બ્રિટિશ સરકારને હિંદમાં રાજ કરવું ભારે થઈ પડે. એટલે સર્વપ્રથમ તો સરકારનું પગલું એ હતું કે ‘વંદે માતરમ્’ દૈનિકને જ બંધ કરાવી દેવું, આથી સરકારે એક લેખમાં રાજદ્રોહનો આરોપ મૂકીને બિપિનચંદ્ર પાલ અને શ્રી અરવિંદની ધરપકડ કરી, આ ધરપકડથી ફક્ત બંગાળમાં જ નહીં, પરંતુ સમગ્ર હિંદભરમાં ખળભળાટ મચી ગયો. બ્રિટિશ સરકાર શ્રી અરવિંદને પ્રજાથી વિમુખ કરવા ઇચ્છતી હતી, પણ થયું એથી ઊલટું જ. એથી તો શ્રી અરવિંદની લોકચાહના ખૂબ જ વધી ગઈ, આ ધરપકડ થતાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે શ્રી અરવિંદને પ્રણામ કરતું એક કાવ્ય લખ્યું. આ કાવ્ય સમગ્ર દેશમાં પ્રસરી ગયું. તેમાં લખ્યું હતું ; “હે અરવિંદ, રવીન્દ્રર લહો નમસ્કાર’ – તેમાં તેમણે શ્રી અરવિંદને ભારતમાતાના આત્માના ઉદગાર તરીકે સંબોધન કર્યું હતું અને અંતે જણાવ્યું હતું, “આવ્યો છે, જે રુદ્ર – દૂત તેને કયા બલે કયો રાજા કઈ શિક્ષા દેવાને સમર્થ છે?”

ભારતના આત્માના ઉદગાર
હે અરવિંદ, રવિન્દ્રના લિયો નમસ્કાર,
હે બંધુ , હે દેશબંધુ, તમે છો ઉદગાર
ભારતના આત્માકેરા, તમારે ના માન,
ધન, સુખ તણી ભૂખ, કોઈ શુદ્ર દાન.
કોઈ શુદ્ર કૃપા નહીં પાંચો, ભિક્ષાકાજ
પસારો ના દીન હસ્ત, જાગોછો સદાય
પરિપૂર્ણતાની સાધનામાં મગ્ન,
સર્વ આધિ ઉપાધિ ને વિઘ્ન કરી ભગ્ન.
પૂર્ણતાએ ઝંખી રહ્યા નિત્યરાત્રિ દિન,
દેવો અને માનવો સૌ તપે થઈ લીન.
દેવો તણો અહીં દીપ લઈ ધરાતલે
આવ્યો છે જે રૂદ્ર-દૂત, તેને ક્યા બલે
ક્યો રાજા કઈ શિક્ષા દેવાને સમર્થ.
… શ્રી રવિન્દ્રનાથ ટાગોર

આ કાવ્યમાં ટાગોરે શ્રી અરવિંદના મહાન કાર્યને અંજલિ આપી હતી. એ સમયે આ કાવ્ય બંગાળના એકએક શિક્ષિત જનના મુખે ગવાતું હતું. શ્રી અરવિંદની આવી લોકચાહના જોઈને બ્રિટિશ સરકાર હવે કોઈપણ રીતે શ્રી અરવિંદને જેલમાં પૂરી દેવા તત્પર બની ગઈ. ‘વંદે માતરમ્’ ની ઓફિસની જડતી લેવામાં આવી. પણ કંઈ વાંધાજનક મળ્યું નહીં. એકાદ બે પુરાવાઓ એવા હતા કે જેના આધારે શ્રી અરવિંદ તંત્રી તરીકે સાબિત થઈ જાય તેમ હતું, પરંતુ જડતી પહેલાં જ એનો નિકાલ કરી દેવામાં આવ્યો. આથી સરકારે એક એક કાગળિયું ફેંદયું પણ ક્યાંયથી એક પણ લીટી એવી લખાયેલી ન મળી કે જેને આધારે એમ કહી શકાય કે શ્રી અરવિંદ ‘વંદેમાતરમ્’ ના તંત્રી છે. આથી સરકારને અનિચ્છાએ શ્રી અરવિંદને નિર્દોષ જાહેર કરી છોડી દેવા પડ્યા.

શ્રી અરવિંદ નિર્દોષ છૂટી ગયા તેથી બધા આનંદોત્સવ મનાવી રહ્યા હતા. ત્યારે રવીન્દ્રનાથ શ્રી અરવિંદને અભિનંદન આપવા માટે ત્યાં આવ્યા અને શ્રી અરવિંદને ભેટીને સ્નેહપૂર્વક બોલી ઊઠયા; “કિં મોશાય , આમાકે ઠોકાલેન ! – ભાઈ આપે મને છેતર્યો હો!” એટલે કે તમે છૂટી ગયા, ત્યારે શ્રી અરવિંદે હસતાં હસતાં કહ્યું, ‘બહુ લાંબા સમય માટે નહીં”, ત્યારે શ્રી અરવિંદના મિત્ર ચારૂબાબુએ કહ્યું, “આ તો હજી શરૂઆત છે, આપની કવિતા આખરે સાચી પડવાની જ છે. “

શ્રી અરવિંદ નિર્દોષ છુટી ગયા તેમનું અભિવાદન કરવા કલકત્તા કૉલેજ સ્કવેરમાં એક જાહેર સભા યોજવામાં આવી. તે દિવસ રક્ષાબંધનનો હતો. રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં રક્ષાબંધનનો નવો જ અર્થ સમજાવતાં તેમણે બંગાળી ભાષામાં પ્રવચન આપ્યું. તેમાં તેમણે કહ્યું; “પરદેશી ભાષામાં બોલવું મને પસંદ નથી, પણ માતૃભાષામાં બોલવા માટે હું કદી ટેવાયેલો નથી. પરંતુ આજે હું તમને માતૃભાષામાં એક વાત કહીશ. રક્ષાબંધન વખતે ફક્ત સૂતરના તાંતણા જ બાંધવામાં આવતા નથી, પણ સાથે બીજું ઘણું બધું બાંધવામાં આવે છે. અવિભક્ત બંગાળના લાખો બંગાળીઓનાં હૃદયોને બાંધવાનું પવિત્ર આયોજન આ રક્ષાબંધનના દિવસે હોય છે. રાખડી તો એક દિવસ પછી હાથ પરથી દૂર થઈ જશે, પરંતુ આપણાં હૃદયોનું પવિત્ર જોડાણ યુગો સુધી કાયમ રહેશે. દુનિયામાં એવી કોઈ તાકાત નથી, જે આપણી આ પવિત્ર ગ્રંથિને તોડી શકે. એ તો રાષ્ટ્રીય બંધન છે. તેના માટે આપણે પ્રતિજ્ઞા લીધી છે, તેને દઢતાપૂર્વક નિભાવવી રહી.”

શબ્દેશબ્દે રાષ્ટ્રભક્તિને પ્રગટ કરતી, રાષ્ટ્રીય એકતાને દઢ કરતી શ્રી અરવિંદની આવી વાણીએ હિંદની પ્રજામાં વિદ્યુત શક્તિનો સંચાર કર્યો. પ્રજાની અંદર રહેલી સુષુપ્ત ચેતના જાગી ઊઠી અને ઈંગ્લેન્ડમાંની હિંદી કચેરી ફફડી ઊઠી અને તેમણે નિર્ણય કર્યો કોઈપણ ભોગે અરવિંદ ઘોષને પ્રજાની નજરમાંથી દૂર કરવા. એ માટેની તક બ્રિટિશ સરકાર ફરીથી શોધવા લાગી.

બ્રિટિશ સરકારે કોઈપણ જાતના ગુના વગર, ખોટો આરોપ મૂકીને શ્રી અરવિંદને કેદીના રૂપમાં અલીપુરની જેલની બંધ કોટડીમાં પૂરી દીધા. આ જૂઠો આરોપ સાચો ઠરાવીને સરકાર તેમને ફાંસી કે આજીવન કારાવાસ આપીને પ્રજાથી હંમેશાં દૂર કરવા ઇચ્છતી હતી. કેસ ચાલે તે દરમિયાનમાં સંપૂર્ણ એકાંત કેદમાં રાખીને તેમની આંતરિક તાકાતને ખતમ કરી દેવા ઇચ્છતી હતી. આ માટે સરકારે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા. પણ થયું તેનાથી ઊલટું જ. જેલમાં તો શ્રી અરવિંદની આંતરિક શક્તિઓ વધુ પ્રબળ બની. એક વર્ષ સુધી, એમનો કેસ ચાલ્યો ત્યાં સુધી એમને જેલમાં રહેવું પડ્યું. પરંતુ જેલના એકાંતવાસમાં તેમણે ઉત્કટપણે યોગસાધના કરી. પરિણામે તેમને અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત થઈ. ભગવાન વાસુદેવનો સાક્ષાત્કાર થયો. વાસુદેવમ્ સર્વમિતિ, આ અનુભૂતિ થતાં સમગ્ર વિશ્વ વાસુદવમય બની ગયું. ભગવાન વાસુદેવે તેમને કહ્યું; “હું સર્વ મનુષ્યોમાં છું અને તેમનાં વચન અને કર્મની ગતિ ઉપર મારી આણ પ્રવર્તે છે. તારે ભયનું લેશમાત્ર કારણ નથી. તારા ઉપરના આ કેસની ચિંતા તું મને સોંપી દે. આ કેસ તારે ખાતર ઊભો થયો નથી. હું તને અહીં તારા પર કેસ ચલાવવા માટે નથી લાવ્યો. તને અહીં લાવવાનો હેતુ એક બીજો જ છે. આ કેસ તો મારા કાર્યમાં એક સાધનરૂપ જ છે.” શ્રી અરવિંદની સમક્ષ તેમના જેલવાસનો હેતુ ભગવાને સ્પષ્ટ કરતાં તેમની બધી ચિંતા નિર્મૂળ થઈ ગઈ અને ભગવાન હવે પોતાના કાર્ય માટે શ્રી અરવિંદને તૈયાર કરવા લાગ્યા. એ જેલની એકાંત કોટડીમાં ભગવાન દિનપ્રતિદિન શ્રી અરવિંદ સમક્ષ હિંદુધર્મનાં ગહન રહસ્યો પ્રગટ કરવા લાગ્યા. એમના પાશ્ચાત્ય સંસ્કારવાળા અજ્ઞેયવાદી મનમાં હિંદુધર્મનાં સત્યોનો સાક્ષાત્કાર થવા લાગ્યો. શ્રી અરવિંદ માટે જેલની એ એકાંત કોટડી યોગાશ્રમ બની ગઈ. કોર્ટમાં ભારે કોલાહલની વચ્ચે પણ તેઓ સતત ધ્યાનાવસ્થામાં જ ડૂબેલા રહેતા.
આપણે જેમને ‘મહર્ષિ ઓરોબિંદો’ તરીકે ઓળખીએ છીએ તે શ્રી અરવિંદના જીવનનો આ ટ્રેનિંગ પોઈન્ટ હતો. કેવળ 79 પાનામાં શ્રી જ્યોતિબેન થાનકીએ શ્રી અરવિંદને અખંડ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પથદર્શક તરીકે આપણી સમક્ષ બહુ લાઘવથી પેશ કર્યા છે.

માત્ર ‘ભણેલો માણસ’ નહીં પણ ‘સાચો માણસ’

નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…!

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmai.com

જેમ જુલાઈ મહિનો ગુરુ મહિમાનો છે તેમ જ ઓગસ્ટ મહિનો રાષ્ટ-મહિમાનો છે. એક સમયે જેને ‘ઓગસ્ટ ક્રાંતિ’ કહેવામાં ગૌરવ થતો તે મહિનો, આવો, આપણે રાષ્ટ્રના સ્વતંત્રતાના પંચોતેર વર્ષો પરથી ધૂળ ખંખેરીને કેટલીક વાતો કરીએ.

આપણા દાદાસાહેબ માવળંકરના પુત્ર પુરુષોત્તમ માવળંકરે આજથી ચાલીસેક વર્ષ પહેલાં એક સરસ વાત કહેલી : ગાંધીજીએ સ્વરાજની વાત લઈને ભારતની સ્વતંત્રતા માટે અનોખી લડત ચલાવી તેની પાછળ બે મુખ્ય વાતો હતી :

૧) ભારતની આઝાદી વિશ્વશાંતિ માટે જરૂરી છે. ભારતની પરાધીન અવસ્થા વિશ્વના સ્વસ્થ વાતાવરણ માટે જોખમકારક છે.

૨) ભારત આઝાદ હોય તો દેશનો નાનામાં નાનો મનુષ્ય પણ સ્વમાનથી જીવી શકે. હું સ્વતંત્ર હોઉં તો જ મારું સ્વત્વ ખીલી શકે.

પ્રોફેસર હૅરલ્ડ લેસ્કીને કોઈકે પૂછ્યું કે બ્રિટનની લોકશાહી વિશે તમારું શું માનવું છે, તો તેના જવાબમાં લેસ્કીએ કહ્યું કે, “મને પૂછવાનો બહુ અર્થ નથી, બહાર નીકળીને પેલા શેરીના નાકે બેઠેલા મોચીને પૂછીને જુઓ, અને તમને દેશની લોકશાહીની પરિસ્થિતિનો સાચો ખ્યાલ એના જવાબ પરથી મળી જશે !” ગાંધીજીએ એક વાર “પ્રતિકારક ભાષા”માં સુંદર અને સ્પષ્ટ રીતે કહેલું કે : સાચી લોકશાહી અને સાચી સ્વતંત્રતા ત્યારે આવી ગણાય કે જયારે એક ભંગીબાળા દેશના રાષ્ટ્રપ્રમુખપદે આરૂઢ થઈ હોય !
આ ક્યારે શક્ય બને ?..એવો પ્રશ્નાર્થ ગાંધીજી મૂકી ન ગયા, તેનો માર્ગ પણ ચીંધતા ગયા. ગાંધીજી ‘શિક્ષણ’ શબ્દ લગભગ નથી ઉચ્ચારતા, તેઓ કેળવણીનું જ રટણ કરે છે. સાચી કેળવણી કેવી હોય ? ‘કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા.’ ગાંધીજી બહુ સ્પષ્ટ હતા. તેઓ માનતા કે ‘અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તેમ તેનો આરંભ પણ નથી.’ કેળવણી દ્વારા ગાંધી બાળકમાં પડેલા ઉત્તમ અંશોને બહાર આણવા માગતા હતા અને તેને માત્ર ‘ભણેલો માણસ’ નહીં પણ ‘સાચો માણસ’ બનાવવા ઈચ્છતા હતા. ત્રીસ વરસ સુધી વિચાર કરીને તેમણે ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવાની પદ્ધતિ દાખલ કરી. ત્રેસઠ વરસની ઉંમરે તેમણે જેલમાં રહીને પોતાની કેળવણી વિશેની યોજના ઘડી કાઢી. પાછળથી તેનો ‘પાયાની કેળવણી’ તરીકે વિકાસ થયો. તેનું ધ્યેય માત્ર ઈતિહાસ, વ્યાકરણ, ગણિત વગેરે શીખવવાનું નહીં, પણ જીવન જીવતાં શીખવવાનું છે. પ્રત્યક્ષ કાર્ય કરતાં કરતાં જે સવાલ ઊભા થાય, તેના જવાબ શોધતાં શોધતાં જે મળતું જાય, એ જ તો શિક્ષણ ! સ્વયં શીખવાનું છે. પોતે ઘડાવાનું છે…તો અને તો જ, કામકાજ અંગે કોઈ ઊંચા સ્થાન પર બેસવાનું થાય તો વિદ્યાર્થી ફુલાઈ ન જાય અને હાથમાં સાવરણી લઈ કચરો વાળવાનો પ્રસંગ આવે તો તે શરમાઈ ન જાય !

૧૯૪૪ માં અંગ્રેજ સરકારે ગાંધીજીને જેલમાંથી છોડયા. તરત જ ગાંધીજીએ દેશના યુવાનોને નવી ચેતના અને દિશા દેવા માટે સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. ગાંધીજીએ યુવાનોને કહ્યું : નિરાશા છોડો, બહુ જલદી આપણે સ્વતંત્ર થઈશું. સ્વાતંત્ર્ય મળ્યા પછી સૌ પોતપોતાના કામમાં પડી જશે અને છેવાડાનો માણસ વિસરાઈ જશે. તેને કેળવણી આપી આત્મસન્માન કોણ અપાવશે ? સૌ ગામડાંમાં જાવ અને ગ્રામસેવા – ખાદી ગ્રામોદ્યોગ – શ્રમની કેળવણી દ્વારા વંચિતોને બેઠા કરો. ગામડાંમાં જવા માટે બાપુએ ત્રણ શરતો રાખી : ૧) ગામ નાનું, પાંચસોથી ઓછી વસતિવાળું હોય ૨) ગામમાં પ્રાથમિક શાળા ન હોય ૩) ગામ કોઈ સડક કે રોડ પર ન હોય અને રેલવે સ્ટેશનથી ઓછામાં ઓછું પાંચ કિમી દૂર હોય.. બસ, આ ત્રણ શરતો લઈને યુવાનો નીકળી પડયા. તેમાંથી સર્જન થયું લોકભારતી – સણોસરાનું, ગ્રામ દક્ષિણામૂર્તિ – આંબલાનું, લોકવિદ્યાલય – વાળુકડનું, વિશ્વમંગલમ – અનેરાનું, ગાંધી વિદ્યાપીઠ – વેડછીનું, સરદાર કન્યા વિદ્યાલય-સ્વરાજ આશ્રમ-બારડોલીનું, લોકશાળા – ખડસલીનું…આ સઘળાં ગાંધીની કલ્પનાના કેળવણીધામ ! ચારે તરફ વનરાજી, સાદા – સુઘડ મકાન, ખેલકૂદના વિશાળ મેદાનો, ગાયોની ઘંટડીનો મધુર અવાજ, કેસર કેરી – ચીકુ – નાળિયેર – લીંબુ અને અંજીર થી છલકતાં ખેતરો, કુમાર અને કન્યા માટે છાત્રાલયો, છોકરાઓ માટે ખેતી અને છોકરીઓ માટે ગૃહવિજ્ઞાન વિદ્યાના ઉદ્યોગોનું શિક્ષણ, પ્રાર્થના – વિદ્યાર્થીની આમ સભા – સફાઈ – શ્રમ અપરંપાર. ભણવું ન પડે, શીખવું ન પડે પણ જીવતાં જીવતાં શીખાતું જાય ! ગાંધી – કેળવણીનું હાર્દ એટલું જ કે : નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…!

ગાંધીની કેળવણીમાં મસ્તકનું શિક્ષણ છે, હૈયાંની સમજણ છે અને હાથ પગની પ્રવૃત્તિઓ છે. અહીં હૈયું – મસ્તક – હાથના સરવાળાથી આખા માણસનો સર્વાંગી વિકાસ થાય છે. મસ્તક અને હાથ નવરા પાડવા નથી એટલે શયતાનિયત જન્મ લેતી નથી અને હૈયું વેરઝેરનો હિસાબ માંડતું નથી એટલે ત્રાસવાદનો કોરડો વીંઝાતો નથી. ગાંધી કેળવણીમાં તો તરુણ ભરચક્ક જીવતો જાય અને કરતાં – કરતાં શીખતો જાય !

દુઃખની વાત છે કે આજે ભારતમાં આથી વિપરિત થઈ રહ્યું છે શિક્ષણમાં અને તે પણ મોટા પ્રમાણમાં..!! તેનો વિચાર લોકભારતી + આંબલા + મણારની ગાંધી સંસ્થાઓના ઋષિતુલ્ય શિક્ષક મનુભાઈ પંચોળી ‘દર્શક’ ના શબ્દોમાં : ‘આજની ભૂંડી કેળવણીથી હરામના હાડકાં કરવા અને સમાજદ્રોહ કરવા સિવાય બીજી કોઈ વૃત્તિ પોષાતી નથી. પહેલાં તો દસ – વીસ ટકા ભણતા, તેટલો બેઠાડુ વર્ગ કદાચ પરવડી શકે, કારણ કે બાકીનો એંશી ટકા વર્ગ કામ કરતો હોય; વીસ ટકા બેસી રહે તે પણ અન્યાય છે, છતાંય તેથી સમાજ સ્થગિત ન થાય. પરંતુ સો ટકા લોકો બેઠાડુ થાય તે સમાજનું તો સત્યાનાશ જ વળે ને ?..આપણે કહીએ છીએ કે કામ કરનારા નથી મળતા, પણ શેના મળે ? આ શિક્ષણથી તો કામ ન કરે તેવાની જ સંખ્યા વધે છે..એનું આ શિક્ષણ ચાલુ રહ્યું તો દસવીસ વરસે નવી પેઢી સમૂળગી પાંગળી અને સ્વાર્થી, સમાજદ્રોહી અને દેશદ્રોહી બની જશે અને ત્યારે પેલા ‘અરેબિયન નાઈટ્સ’ ના લોટમાંના રાક્ષસ જેવા ઘાટ થશે. તે હમણાં ભલે બંધ લોટે છે, પણ પછી બહાર નીકળશે…જરૂર.’

એક પ્રશ્ન થવો જોઈએ કે શિક્ષણનો અભ્યાક્રમ કેવો હોવો જોઈએ ? જો કે, આ પ્રશ્નનો બહુ ઊંડાણથી વિચાર તો છેક વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ અને છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યાં :

1) શારીરિક (શિક્ષણ) : રસોઈ કરવી, સફાઈશાસ્ત્ર, દળવું, પાણી ભરવું, અન્ય વ્યાયામ, આરોગ્યશાસ્ત્ર

2) ઔદ્યોગિક (કલ્પ) : વણાટ, ખેતી, સુથારીકામ, લુહારી કામ, સિલાઈ કામ,

3) ભાષાકીય (વ્યાકરણ) : સંસ્કૃત, હિન્દુસ્તાની, સ્વભાષા, પરભાષા

4) સામાજિક(નિરુક્ત) : રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઈતિહાસ વગેરે..

5) કલાવિષયક (છંદસ ) : સંગીત, ચિત્રકલા વગેરે.

6) વ્યાવહારિક (જ્યોતિષ) : અંક-બીજ- રેખા ગણિત, જમાખર્ચ, ભૂગોળ, આધિભૌતિક વિજ્ઞાન વગેરે.

શિક્ષણનાં આ છ મુખ્ય અંગો છે. આ બધી બાબતોમાં ઓછું-વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે.. પણ આજે આપણે તેના માળખાગત-ચોકઠાબદ્ધ-ક્રેડિટબંધા અભ્યાસક્રમો રચવામાં એવા રત થઈ ગયા છીએ કે “તે શા માટે ?” નું હાર્દ મરી જાય છે અને “તે આ જ રીતે..” ની જડતા ઘર કરી જાય છે. અભ્યાસક્રમમાં છે એટલે ભણાવવાનું છે કે પછી જીવનની કિતાબમાં આનો અનુભવ થવાનો છે એટલે શીખવાનું છે, તેની સ્પષ્ટતા નથી. શિક્ષણની, તેના અભ્યાસક્રમની આદર્શ પદ્ધતિ એ છે કે વિદ્યાર્થીને એમ લાગે જ નહીં કે હું શિક્ષણ મેળવી રહેલ છું અને શિક્ષકને એમ લાગે નહીં કે હું શિક્ષણ આપી રહેલ છું !!

શિક્ષણ સહજ પ્રક્રિયા છે. સૂર્ય પ્રકાશ આપતો નથી, તેની પાસેથી સહજ જ પ્રકાશ મળતો રહે છે. શિક્ષણનું પણ એવું જ થવું જોઈએ. એકદમ શરૂઆતમાં માબાપ પાસેથી બાળકને સહજ સંસ્કાર મળવા જોઈએ અને પછીના દરેક તબક્કે અત્યંત સહજપણે તેનું શિક્ષણ ચાલવું જોઈએ.

ગાંધીજીનું એક જ વાક્ય આજના અને આવતીકાલના શિક્ષણની દીવાદાંડી બની રહે તેવું પ્રાર્થીએ : ‘જે કાંઈ થતું હોય, તે જીવનની ભીતરથી ઊગતું હોવું જોઈએ.’

‘મારો આ દેહ મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે.’

ગણિકા પિંગળા, કુંવારી કન્યા, કરોળિયો અને ભમરી પણ ગુરુઓ છે.

ભદ્રાયુ વછરાજાની                      bhadrayu2@gmail.com 

પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ પિંગળા હતું. પિંગળા પાસેથી પણ બોધ ગ્રહણ કર્યો એની વાત આપણે જાણીએ. તે વેશ્યા સ્વૈચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ  કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખુબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજીધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા ઉપર ઉભી રહી, શ્રેષ્ઠ પુરુષને શું હતું ? ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે, તે સંકેતથી જીવનારી પિંગળા પછી જયારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે એવું માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે અને મને ખુબ પૈસા આપશે પરંતુ જયારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે તે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે અને નક્કી મને ખુબ વધારે પૈસા આપશે. પિંગળાનાં ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય  સુધી  નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી.  આ રીતે મધ્ય રાત્રી વીતી ગઈ ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે.  ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું.  હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું તેમાં તેને દુઃખબુદ્ધિ થઈ ગઈ.  આ વૈરાગ્ય જ એના સુખનું કારણ બની ગયું. જયારે પિંગળાનાં ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડયું અર્થાત તેના અંતરના જે ઉદગાર નીકળ્યા તે આ પ્રમાણે હતા : ‘વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો, અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી.’ પિંગળાએ જે ગીત ગયું એનો સાર એવો હતો કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ છું.  મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર જુઓ કે પરાયા પુરુષને કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી છું . મારો પરમ પ્રિયતમ શાશ્વતરૂપે મારી પાસે જ છે,  તે પરમાનંદ સ્વરૂપ છે,  સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું.

કુંવારી કન્યાનું ઉદાહરણ લઈને તેને ગુરુ ગણવા પાછળનું કારણ રાજન કહી રહ્યા છે. એક વાર કોઈ કુંવારી કન્યાને ઘેર તેની સગાઈ કરવા માટે કેટલાય લોકો આવ્યા. તે દિવસે તેના ઘરના લોકો ક્યાંક બહાર ગયેલા હતા,તેથી તે કન્યાએ પોતે તેમનો આતિથ્યસત્કાર કર્યો. ભોજન કરાવવા માટે તે ઘરમાં એકાંતમાં  ડાંગર ખાંડવા લાગી.  તે વખતે તેના હાથમાં પહેરેલા કંકણનો ખુબ અવાજ આવ્યા લાગ્યો. કન્યાએ વિચાર્યું કે આ અવાજથી મહેમાનોને લાગશે કે ઘર ગરીબ છે અન્યથા કન્યા અત્યારે શા માટે ડાંગર ખાંડવા બેસે છે ? અને તેણે માત્ર બે બે કંકણ રાખી વધારાના કંકણ કાઢી નાખ્યા. કંકણ ઉતારીને તે ફરી ડાંગર ખાંડવા લાગી ત્યારે તે બે કંકણ પણ ખખડવા લાગ્યા ત્યારે તેણે એક એક કંકણ કાઢી નાખ્યું.  જયારે બંને હાથમાં માત્ર એક જ કંકણ રહ્યું ત્યારે કોઈ પ્રકારનો અવાજ થયો નહીં. એ કન્યા પાસેથી એવો બોધ મળ્યો કે જયારે ઘણા લોકો એકસાથે રહે છે ત્યારે કલહ થાય છે અને જયારે બે માણસ સાથે રહે છે ત્યારે પણ વ્યર્થ વાતો થાય છે. તેથી કુંવારી કન્યાની ચૂડીની જેમ એકલા વિચરવું જોઈએ.

કરોળિયો આપણને શીખવે છે કે એક નારાયણ દેવે જ પોતાની માયાથી આ વિશ્વનું નિર્માણ કર્યું છે. તે જ પ્રભુ અંતમાં પોતાની કાળશક્તિ દ્વારા તેનો ઉપસંહાર પણ કરે છે. તે પરમાત્મા એક છે, અદ્વિતીય છે. કરોળિયો આપણને એવું શીખવે છે કે ગમે તેટલા પ્રલોભનો આપણે લઈને નિર્માણ કરીએ પણ અંતે તો પરમાત્મા એક માત્ર સર્જક છે. જેમ કરોળિયો પોતાના હૃદયમાંથી મુખ દ્વારા જાળ બનાવે છે તેમાં જ વિહાર કરે છે અને છેવટે ગળી જાય છે તે જ પ્રમાણે પરમેશ્વર પણ આ જગતને પોતાનામાંથી ઉત્ત્પન્ન કરે છે, તેમાં જીવરૂપે વિહાર કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે. 

ભમરી પાસેથી બોધ ગ્રહણ કરવામાં આવ્યો કે ભમરી કોઈ કીડાને લઇ જઈને દીવાલ પર બંધ કરી દે છે. બહારથી વારંવાર આવીને તેને ડરાવતી રહે છે. તે કીડો ભયથી જ પોતાનું ધ્યાન કરતો પોતાનું શરીર ત્યજ્યાં વિના જ ભમરી રૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે ચાહે પ્રેમથી અથવા ભયથી ભગવાનનું સતત ચિંતન કરવાથી મનુષ્ય પણ પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.

અંતમાં ગુરુ શ્રી દત્તાત્રેયજી દ્વારા કહેવાયું કે આ પ્રમાણે મેં આટલા બધા ગુરુઓ પાસેથી બોધ લીધો છે.  હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને કહું છું. મારો આ દેહ પણ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે. એ તો જન્મે છે અને મરે છે પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે તેથી તે આપણું નથી પ્રકૃતિનું જ છે,  તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરતો રહું છું. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે તે અત્યંત દુર્લભ છે ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. (સમાપન) 

મધમાખી અને મધને લૂંટનાર લાલચુ બંને આપણા ગુરુઓ છે

કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં…પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરવું.  

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

ગુરુઓની શૃંખલાને આપણે જાણી રહ્યા છીએ ત્યારે, આજે ગુરુ દત્તાત્રેયજી કોનો પરિચય કરાવે છે તેની પ્રતીક્ષા કરીએ.  

સમુદ્રને પોતાના ગુરુ માનવા  પાછળનું કારણ સમજાવતા કહેવાયું કે સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો બુદ્ધ, ઉલ્લંઘન ન થાય તેવો અગાઢ અને પ્રભાવશાળી છે. તેને કામ ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી. અચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે. સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી. અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી. તે જ પ્રમાણે સાધુએ પણ સમૃદ્ધિથી હરખાવું નહીં અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો. બંને અવસ્થામાં સમુદ્રની જેમ એકસરખા રહેવું. 

નાનકડા દેખાતા પતંગિયાને પણ ગુરુ માનવું  રહે છે. જે રીતે પતંગિયું મોહવશ અગ્નિમાં બળી જાય છે તે જ રીતે અજિતેન્દ્રિય વ્યક્તિ દેવ માયારૂપી સ્ત્રીને જોઈને તેના મોહમાં ફસાઈને અંધકારમય ઘોર લપમાં પડે છે. કંચન, કામિની, આભૂષણ, વસ્ત્રાદિ જેટલા પણ દ્રવ્યો છે તે બધા માયાથી બનેલા છે. મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય ઉપભોગ બુદ્ધિથી તેમનામાં આસક્ત થઈને પોતાનું વિવેક ગુમાવી બેસે છે અને પેલા પતંગિયા ની જેમ સ્વયં તેમાં જઈને પોતાનો નાશ કરી બેસે છે.

ભમરો અથવા ભ્રમર જે રીતે જુદી જુદી જગ્યાએ જઈ જુદી જુદી જાતના પુષ્પો ઉપરથી પુષ્પોનો રસ ગ્રહણ કરે છે એ જ રીતે મનનશીલ મુનિ થોડું થોડું અન્ન માધુકરી વૃત્તિથી થોડું થોડું અન્ન અનેક ઘરેથી લાવે છે. આમ કરવાથી શરીરનો નિર્વાહ પણ થઇ જાય છે અને આપવામાં કોઈને ક્લેશ થતો નથી, જે રીતે ભ્રમર નાના મોટા સર્વ પુષ્પોનો સાર ગ્રહણ કરે છે તે જ પ્રમાણે કુશળ મનુષ્યએ નાના મોટા શાસ્ત્રોનું સારતત્ત્વ  ગ્રહણ કરવું અને વિવાદ ન કરવો.

આપણે જેને મધમાખી કહીએ છીએ એ મધુમક્ષિકા પણ આપણી ગુરુ છે. સાધુએ ભિક્ષાનું અન્ન સાંજના ભોજન માટે અથવા બીજા દિવસ માટે બચાવીને ન રાખવું પોતાના હાથરૂપી પાત્રમાં સચવાય તેટલું જ અન્ન લેવું અને તેના સંગ્રહ માટે ફક્ત પેટરૂપી પાત્ર રાખવું કારણકે ઉદરપોષણથી અતિ સંગ્રહ કરનાર મધમાખીની જેમ સાધુનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. આવું સમજીને સન્યાસીએ કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં.

હવે હાથીનું ઉદાહરણ સમજાવવા માટે બે શ્લોકને શરણે ભગવાન દત્તાત્રેય જાય છે. હાથી પાસેથી જ સ્પર્શ સુખની લાલસાના ત્યાગનો બોધ લેવો જોઈએ. સન્યાસીએ સાવધાન રહી લાકડાંથી બનાવેલી સ્ત્રીની પુતળીને પગથી પણ સ્પર્શ ન કરવો. અન્યથા હાથણીમાં આસક્ત હાથી જે રીતે બંધાઈ જાય તેમ બંધનમાં બંધાઈ જવાય છે. એક જગ્યાએ હાથીને પકડવા માટે ઘાસના તણખલાથી ઢંકાયેલા ખાડા ઉપર કાગળની હાથણી ઉભી રાખવામાં આવે છે, તેને જોઈને હાથી ત્યાં જાય છે અને હાથણીને પામવા જતા ખાડામા પડીને ફસાઈ જાય છે.

મધમાખીની વાત કરી તો મધ લૂંટી લેનારા લાલચુ પણ આપણા ગુરુ છે. લોભી મનુષ્ય ન તો કોઈને આપે છે, ન ઉપભોગ પણ કરે છે. જેની સંપત્તિને બીજો જ કોઈ ભોગવે છે. જેમકે મધ કાઢવાવાળા પાસે મધ છે એવી ખબર પડતા તેની પાસેથી યુક્તિપૂર્વક તે લઇ લેવામાં આવે છે, તે સ્વયં તેના ઉપભોગથી વંચિત રહી જાય છે. મધમાખીઓનું ભેગું કરેલું મધ તે ભોગવે તે પહેલા જ લૂંટનારો મધ લઇ જાય છે. તે જ પ્રમાણે ગુરહસ્થોએ બહુ મહેનતે મેળવેલા પદાર્થોને તેમનાથી પહેલા સન્યાસીઓ અને બ્રહ્મચારીઓ ભોગવે છે કારણકે ગુરહસ્થો પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરે છે.

હરણ પાસેથી બોધ મળે છે કે જંગલમાં રહેતા સન્યાસીએ ક્યારેય સાંસારિક વિષયના ગીત ન સાંભળવા. તેણે એ બોધ હરણ પાસેથી ગ્રહણ કરવો જે શિકારીના મધુર ગીતોમાં મોહિત થઈને પકડાઈ જાય છે. હરણીના ગર્ભથી ઉતપન્ન થયેલા ઋષ્યશૃંગ મુનિ સ્ત્રીઓના નાચ ગાન વગેરે સાંભળીને  તેમનામાં આસક્ત થઈ ગયેલા અને તે સ્ત્રીઓના હાથની કઠપુતળી બની ગયા હતા આ વાત સર્વવિદિત છે.

જેમ માછલી કાંટામાં રહેલા માંસના ટુકડાના લોભમાં પોતાના પ્રાણ ગુમાવે છે તે જ પ્રમાણે સ્વાદઘેલા દુર્બુદ્ધિ મનુષ્યો પણ મનને વલોવીને વ્યાકુળ કરનારી પોતાની જીભના વશમાં થઈ જાય છે અને મરી જાય છે, કેટલાક વિવેકી પુરુષ ઉપવાસ અને ભોજનનો ત્યાગ કરીને બીજી ઈંદ્રિયો ઉપર તો ખુબ ત્વરાથી વિજય મેળવી લે છે. પરંતુ તેનાથી તેની રસનેન્દ્રિય વશમાં આવતી નથી તે તો ભોજન છોડી દેવાથી વધારે પ્રબળ બને છે.

એક ટીટોડી નું દ્રષ્ટાંત આપતા કહેવાયું કે ટીંટોડી  પણ આપણો  ગુરુ છે એ ટીટોડી ને ક્યાંકથી માંસનો ટુકડો મળ્યો તેને જોઈને બીજા માંસલોભી પક્ષીઓ તેના પર તૂટી પડયા. ટીટોડીએ આ મુસીબતમાંથી બચવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો ત્યારે તે બચી ગઈ અને સુખી થઈ. આનાથી સાર એવો નીકળ્યો કે સંગ્રહ કરવો એ જ આપત્તિને આમંત્રણ આપવા બરાબર છે. જે રીતે બાળક પોતાનામાં જ રમે છે તેને કોઈ ચિંતા થતી નથી એમ આપણે પણ માત્ર આત્મ આનંદમાં  મગ્ન રહેવાનું છે. સંસારમાં બે વ્યક્તિ જ ચિંતામુક્ત છે,  એક તો જે અણસમજુ બાળક છે તે અને બીજો જે ગુણાતીત છે તે. આ બંને પરમ આનંદના માર્ગીઓ છે. અહીં બાળક પણ આપણા માટે  ગુરુસ્થાન પ્રાપ્ત કરે છે.

બાણ બનાવનાર પાસેથી પણ બોધ લઇ શકાય. આસન અને શ્વાસને જીતીને વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પોતાના મનને વશમાં રાખવું અને પછી ખુબ સાવધાની સાથે તેને એક લક્ષ્યમાં પરોવી દેવું. જયારે પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં  મન સ્થિર થઈ જાય છે ત્યારે ધીરે ધીરે કર્મ વાસનાઓની ધૂળને ધોઈ નાખે છે. સત્વગુણની વૃદ્ધિ થાય છે અને તે રજોગુણ, તમોગુણની વૃત્તિઓને છોડીને એવું શાંત થઈ જાય છે જેમ લાકડા વિનાનો અગ્નિ હોય છે તેમ. સર્પ માંથી એવો બોધ મળે છે કે કોઈ પણ સાધુ વ્યક્તિએ સર્પની જેમ એકલા જ રહેવું, મંડળ ન બનાવવું, રહેવાના સ્થાનમાં મમતા ન રાખવી, હંમેશા સાવધાન રહેવું, એકાંતમાં અથવા ગુફામાં રહેવું. પોતાના આહકાર વ્યવહારથી પોતાને કોઈની સામે પ્રગટ ન કરવો અને મિતભાષી રહેવું. હવે અનિત્ય શરીર માટે આટલા કષ્ટ વેઠીને ઉંદરે બનાવેલા ઘરમાં સાપ આરામથી રહે છે તે જ પ્રમાણે યોગી ક્યાંય પણ રહીને પોતાનો નિર્વાહ કરી શકે છે. (ક્રમશઃ)

અહો આશ્ચર્યમ !! કબૂતર અને અજગર પણ આપણા ગુરુ??

કબૂતર દંપતિની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડે છે.

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

ગુરુપૂર્ણિમા પર્વનું સ્વાગત કરવા માટે આપણે શાસ્ત્રસિદ્ધ ગુરુઓનો મહિમા કરી રહ્યા છીએ. ગુરુ દત્તાત્રેયજીએ ચોવીસ ગુરુઓ કરેલા એ વાતથી તો આપણે વિદિત છીએ પણ આપણને પ્રશ્ન છે કે ચોવીસ ગુરુઓ અને એ પણ પાછા રોજબરોજના જીવનમાં આપણને સામે મળતા જીવો આપણા ગુરુ ?? હા, આપણી આ મૂંઝવણને સ્પષ્ટ કરવા આપણે ચાર લેખોની આ લેખમાળામાં એ ગુરુઓ અને તે કેમ ગુરુઓ ?? તે જાણી રહ્યા છીએ. 

કબૂતર અને કબુતરીનું દ્રષ્ટાંત  વિસ્તૃત રીતે સમજાવીને કબૂતર શા માટે ગુરુ બની શકે એના અંગેની  વાત દત્તાત્રેયજી કરી રહયા છે. ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં, અન્યથા તેને કબુતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડે છે. 

કથા આ મુજબ છે :: કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેણે એક વૃક્ષ પર પોતાનો માળો બનાવ્યો. પોતાની માદા  કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગૃહસ્થધર્મમાં એટલા આસક્ત થઇ ગયા કે તેમણે એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા. તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો કે તેઓ નિઃશંક થઈને ત્યાંની વૃક્ષતામાં એક સાથે સુઈ જતા, બેસતા, હરતા ફરતા, રમતા, વાતચીત કરતા અને ખાતાંપીતાં હતા. કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે કાંઈ ઈચ્છતી તો કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પુરી કરતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી હંમેશા ખુશ રાખતી હતી. સમય આવ્યે કબુતરીને પ્રથમ ગર્ભ રહ્યો. તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઈંડા મૂક્યા. ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમય એ ઈંડા ફૂટ્યા અને ઈંડામાંથી અવયવોવાળા અત્યંત કોમળ બચ્ચા નીકળ્યા. હવે તે કબૂતર કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી. તેઓ ખુબ જ પ્રેમથી તેમના બચ્ચાનું લાલન પાલન, લાડપ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા કાલા ભાષણોથી  આનંદમગ્ન થઇ જતા. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા. તેમનો કલરવ અને મુગ્ધ ચેષ્ટાઓને જોઈજોઈને તેમને અત્યંત આનંદ આવતો જયારે તેઓ ઉછળી ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી  આવતા ત્યારે આ બંને ખુબ આનંદિત થઇ જતા. આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઇ ગયા. તેમનું હૈયું એકબીજાના સ્નેહથી બંધાયું. તે રાંક બુદ્ધિવાળું કબૂતર દંપતિ પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું વ્યગ્ર થઇ ગયું કે તેમને દિવસ કે દુનિયા, લોક કે પરલોકનું સ્મરણ રહ્યું નહીં.

એક દિવસ બંને નર માદા પોતાના બચ્ચા માટે દાણા લેવા જંગલમાં ગયા કેમ કે એનો પરિવાર મોટો થઇ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડયો તેણે જોયું કે માળાની આજુબાજુ કબુતરના બચ્ચા ઉછરી રહ્યા છે. તેણે જાળ નાખીને બચ્ચાને પકડી લીધા. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા. હવે તો દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા. કબુતરીએ જોયું કે તે નાના બચ્ચા, તેના હૃદયના ટુકડા તો શિકારીની જાળમાં ફસાયા છે અને દુઃખથી ચીસો પડી રહ્યા છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબુતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી, ચીસો પાડતી તેની પાસે દોડી ગઈ. ભગવાનની માયાથી તેનું ચિત્ત  અત્યંત  દુઃખી થઇ ગયું. તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહપાશમાં જકડાયેલી હોવાથી અને પોતાના બચ્ચા જાળમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જાળમાં ફસાઈ ગઈ.

હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા જાળમાં ફસાયા અને મારી પ્રાણ પ્રિય પત્ની પણ એ જ દશાને પ્રાપ્ત થઇ ગઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરતા કરતા ‘હું અભાગ્યો છું, મંદ બુદ્ધિ છું. અરે, મારું તો સત્યાનાશ થઇ ગયું !  જુઓ તો ખરા. ન મને હજી તૃપ્તિ થઇ અને ન મારી તૃષાઓ પૂરી થઇ ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઇ ગયો, મારી પ્રાણપ્રિય તો મને જ પોતાનો ઇષ્ટદેવ સમજતી હતી, મારી દરેક વાત માનતી હતી, મારા ઈશારે નાચતી હતી તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સૂના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સિધાવી રહી છે, મારા બચ્ચા મરી ગયા, મારી પત્ની જઈ રહી છે, મારું હવે સંસારમાં શું કામ છે ? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે. હવે હું આ સૂના ઘરમાં કોના માટે જીવું ??’  કબુતરના બચ્ચા જાળમાં ફસાઈને તરફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ મોતના મુખમાં છે પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને સ્વયં પણ જાણી જોઈને જાળમાં કૂદી પડયું.

પારઘી ઘણો ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો. તેણે જાણ્યું કે મારું કામ થઇ ગયું અને તે તેમને લઈને ચાલવા માંડયો. કબૂતર અને કબુતરીના આ દ્રષ્ટાંત પરથી તેમને ગુરુ ગણવાનું કારણ એટલું જ કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણપોષણમાં વ્યસ્ત રહીને કબૂતર દંપતિની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. તે માટે જે આ શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર છે. તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર પરિવારમા કબૂતર દંપતિની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડે છે એમ માનવું, શાસ્ત્રની ભાષામાં તે આરૂઢચ્યુત કહેવામાં છે.

અજગરનું દ્રષ્ટાંત ત્રણ શ્લોકોમાં સમજાવવામાં આવ્યું છે. યોગીની જેમ આપમેળે જે ભોજન મળે તે ખાઈને સંતુષ્ટ રહેવું. તે ભોજન ચાહે મધુર હોય, રસહીન હોય, ઓછું હોય કે વધારે હોય. અજગરની જેમ જીવનનિર્વાહ કરી લેવો અને ઉદાસીન રહેવું. જો ઘણા દિવસો સુધી ભોજન ન મળે તો પણ તેના માટે પ્રયત્ન ન કરવો. પ્રારબ્ધનું કાર્ય માનીને અજગરની જેમ પડયા રહેવું. મનોબળ, ઇન્દ્રિયબળ, શારીરિકબળ આ ત્રણેય બળ હોવા છતાં પણ અને ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ જાણે સૂતો હોય એમ પડી રહે અર્થાત સંસારની ઝંઝટમાં ન પડે તે અજગર છે. (ક્રમશઃ)

ગુરુ મહિમાના માસમાં આવો, ચોવીસ ગુરુઓને ઓળખીએ

ગુરુ દત્તાત્રેયજીના ચોવીસ ગુરુઓને  આપણે  પણ ગુરુ બનાવવા જોઈએ

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

સામાન્ય રીતે જુલાઈ મહિનામાં   ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ ઉજવાતું હોય છે. ‘ગુરુ જ પૂર્ણ છે’ તેની પ્રતીતિ રૂપે પણ આ ગુરુ-પૂર્ણિમા આપણને હૈયે વસેલી છે. ભારતીય સંસ્કૃતિની પરંપરામાં અનેક ગુરુઓએ આપણો  માર્ગ ચીંધ્યો છે. પણ આપણે તો  શાસ્ત્ર ઇંગિત ગુરુઓની અહીં ઓળખ મેળવવી છે. આપણે ચાર લેખમાં એ પરિચય-વિહાર કરીશું. 

મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય ખંડના ૧૧ માં સ્કંદમાં બહુ જ વિસ્તૃત રીતે ગુરુ અને ગુરુની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુરુ દત્તાત્રેયજીને ચોવીસ ગુરુઓ હતા. આપણને આશ્ચર્ય થાય કે એટલા બધા ગુરુઓ ? પણ જો એ ચોવીસ ગુરુઓની વાત સાંભળીએ કે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ ગુરુપદ પ્રાપ્ત કરવા માટે સમર્થ ચરિત્રો છે. જયારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનમ્રભાવે મહાભાગ્યશાળી અવધૂત દત્તાત્રેયજીનું સન્માન કર્યું ત્યારે તેમને પુછાયેલો પ્રશ્ન અને તેનો જવાબ આપણી  લેખમાળાનું હાર્દ બની રહેશે.

ગુરુ દત્તાત્રેયજીએ કહ્યું, હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્તભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સૌએ જાણવા યોગ્ય છે. મારા ગુરુઓના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારઘી, હરણ, માછલી, પિંગલા, ટિટોડી , બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો , સર્પ, કરોળિયો અને ભમરી આ ચોવીસે ગુરુઓ પાસેથી ગુરુશ્રી દત્તાત્રેયજીએ જીવનના આચરણના પાઠ શીખ્યા છે.

પૃથ્વીનું દ્રષ્ટાંત આપતા તેમણે કહ્યું કે અન્ય લોકો તેને ચાહે એટલું દુઃખ કેમ ન આપે પૃથ્વીની સમગ્ર ક્રિયા પરોપકાર માટે જ છે. પૃથ્વીને ધારણ કરનારા પર્વતો અને વૃક્ષોથી પણ આવા જ પરોપકારની ભાવના શીખી શકાય છે.

વાયુના સંબંધમાં એમ કહેવાયું કે વાયુ જે રીતે સર્વત્ર જાય છે. પરંતુ જે ક્યાંય આસક્ત થતો નથી. ગંધ લે છે અને છોડી દે છે. ગંધને ગ્રહણ કરે છે પરંતુ તેના ગુણદોષથી તે અસંગ જ રહે છે તે જ પ્રમાણે યોગીએ સર્વત્ર વિચરણ કરતા રહીને પણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણદોષથી પોતાને સર્વથા દૂર રાખવો જોઈએ એટલે કે તેનામાં આસક્ત ન થવું જોઈએ. ક્યાંય પણ ગુણદોષમાં લપેટાવું જોઈએ નહીં. 

આકાશને ગુરુ તરીકે સ્થાપિત કરવા અંગે  દત્તાત્રેયજી બે શ્લોકનો આધાર લે છે. જે પ્રમાણે આકાશ બધી જગ્યાએ ફેલાયેલું છે, સર્વ વ્યાપક છે તે જ પ્રમાણે આકાશ બ્રહ્મ સ્થાવર જંગમ બધા જ પ્રાણીઓમાં સમાનરૂપે અને અન્વયરૂપે સર્વ વ્યાપક છે. અર્થાત અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. વાયુ દ્વારા પ્રેરિત વાદળોનો સમૂહ આકાશમાં જ રહે છે પરંતુ આકાશ તેમાંથી નિર્લિપ્ત છે. 

જળ સ્વભાવથી સ્વચ્છ છે, પ્રિય છે અને તીર્થરૂપ છે તેથી મનુષ્યોને પવિત્ર કરે છે, આ પ્રમાણે જ કોઈ પણ મુનિનો સ્વભાવ પણ સ્વચ્છ હોય છે તે સર્વને પ્રિય હોય છે. 

અગ્નિનું ઉદાહરણ આપતા કહે છે કે પોતાના તપના તેજથી તેજસ્વી બનવું જોઈએ. તે પોતાના તપ દ્વારા પ્રકાશિત થાય છે તથા તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. અગ્નિમાં જે રીતે શુદ્ધ અશુદ્ધ જે પણ નાખવામાં આવે બધું જ ભસ્મ થઇ જાય છે તે જ પ્રમાણે જે જિતેન્દ્રિય કાંઈ પણ ખાઈ લે તે ભસ્મ થઇ જાય છે તેને કોઈ દોષ લાગતો નથી. અગ્નિ ક્યાંક પ્રગટ થાય છે ક્યાંક અપ્રગટ હોય છે તથા તેની ઉપાસના પણ કરવામાં આવે છે. તેવી જ રીતે સાધુ ક્યાંક તો પોતાને ગુપ્ત રાખે છે અને ક્યાંક પ્રગટ કરે છે. કલ્યાણ ઈચ્છનારા લોકો માટે તેઓ ઉપાસ્ય પણ હોય છે. અગ્નિ બધા જ લાકડામાં વ્યાપ્ત છે. જે આકારનું લાકડું હોય તે જ આકારમાં અગ્નિ દેખાય છે. તે જ પ્રમાણે પોતાની માયાથી બનેલા સત અને અસત બધા જ પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઈને એક જ આત્મા તે તે રૂપમાં દેખાય છે.

હવે ચંદ્રમાને ગુરુ શા માટે ગણે છે ? કાળના વેગના પ્રભાવથી ચંદ્રમાની કળા ઘટે અને વધે છે તે જ પ્રમાણે શરીરની ઉત્પતિથી લઈને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલાતી રહે છે. જેનો આત્મા સાથે કોઈ સબંધ હોતો નથી. આમ તમારે કાળની કળા પ્રમાણે તમારી કળાને ગોઠવવી પડે છે.

સૂર્યના દ્રષ્ટાંત  માટે બે શ્લોકમાં વાત કરવામાં આવી છે. જે રીતે સૂર્ય પોતાના કિરણોથી યથા સમયે જળ ખેંચે છે અને તેને વરસાવી દે છે. પરંતુ તેમાં ક્યાંય સૂર્ય આસક્ત થતો નથી. તે જ પ્રમાણે યોગીએ ગ્રહણ કરવામાં અને આપવામાં ક્યાંય પણ આસક્ત થવું જોઈએ નહીં. સૂર્ય તો એક જ છે પરંતુ ચલ, અચલ ઉપાધિઓના ભેદથી અલગ અલગ દેખાય. સૂર્યના દ્રષ્ટાંત દ્વારા તૂટસ્થ આત્માને અખંડ સમજવાની જરૂર છે.

 અજગરનું દ્રષ્ટાંત ત્રણ શ્લોકોમાં સમજાવવામાં આવ્યું છે. યોગીની જેમ આપમેળે જે ભોજન મળે તે ખાઈને સંતુષ્ટ રહેવું. તે ભોજન ચાહે મધુર હોય, રસહીન હોય, ઓછું હોય કે વધારે હોય. અજગરની જેમ જીવનનિર્વાહ કરી લેવો અને ઉદાસીન રહેવું. જો ઘણા દિવસો સુધી ભોજન ન મળે તો પણ તેના માટે પ્રયત્ન ન કરવો. પ્રારબ્ધનું કાર્ય માનીને અજગરની જેમ પડયા રહેવું. મનોબળ, ઇન્દ્રિયબળ, શારીરિકબળ આ ત્રણેય બળ હોવા છતાં પણ અને ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ જાણે સૂતો હોય એમ પડી રહે અર્થાત સંસારની ઝંઝટમાં ન પડે તે અજગર છે.

સમુદ્રને પોતાના ગુરુ માનવા  પાછળનું કારણ સમજાવતા કહેવાયું કે સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો બુદ્ધ, ઉલ્લંઘન ન થાય તેવો અગાઢ અને પ્રભાવશાળી છે. તેને કામ ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી. અચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે. સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી. અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી. તે જ પ્રમાણે સાધુએ પણ સમૃદ્ધિથી હરખાવું નહીં અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો. બંને અવસ્થામાં સમુદ્રની જેમ એકસરખા રહેવું. (ક્રમશઃ)

દિવ્યાંગની તારુણ્યની તાસીર પારખી લેવી પડે

આપણા દિવ્યાંગ સંતાનને એના શરીરમાં થઈ રહેલા બદલાવ, ફેરફાર અંગે  નાના નાના શબ્દોમાં, મુદ્દાઓમાં સતર્ક કરવા લાગીએ. 

ભદ્રાયુ  વછરાજાની                                bhadrayu2@gmail.com 

દિવ્યાંગ બાળકની તારૂણ્યની તાસીરને આપણે સ્પષ્ટ ન જોઈ શકતા હોઈએ  તો  એ જોઈ કેવી રીતે શકાય ?, એના પ્રશ્નો કેવા હોય એની ચર્ચા હું તમારી સાથે કરીશ. દરમિયાનમાં આપ સૌને આપને ત્યાં પધારેલા દિવ્ય અંગવાળા ઈશ્વરને હંમેશા માટે સ્વાગત કરવા, સ્વીકાર કરવા અને સત્કાર કરવા ઈશ્વર બળ આપે તેવી હું પ્રાર્થના કરું છું.

પહેલી વાત એ આવીને ઊભી રહે કે આપણે આપણા દિવ્યાંગ તરુણ કે તરુણીને એના શરીરમાં થઈ રહેલા બદલાવ, ફેરફાર અંગે  નાના નાના શબ્દોમાં, નાના નાના મુદ્દાઓમાં સતર્ક કરવા લાગીએ. એને મારી વાત પહોંચશે કે નહીં તેની ચિંતા કર્યા વગર આપણે એને કહેતા રહીએ કે આવું બનશે શરીરમાં જે  જીવવૈજ્ઞાનિક ઘટના હોય છે. આ સમયે આપણે એને ઉદાહરણ આપીએ. ઘરમાં કોઈ બીજું બાળક હોય તો એ કેવી રીતે મોટું થયું અથવા આપણા સંતાનનો કોઈ મિત્ર હોય તો આપણે એના તરફ અંગુલી નિર્દેશ કરીને કહી શકીએ કે,  “જો આ હિતેશ, તેં  જોયું  ને કેટલો નાનો હતો અને હિતેશ ધીમે ધીમે મોટો થતો જાય છે. હિતેશનો અવાજ તીણો હતો ને હવે ઘોઘરો થતો જાય છે. હિતેષના ચહેરા ઉપર નાના નાના મૂછના વાળ ફૂટતા જાય છે. આ બધી બાબતની તું નોંધ લે તો તને ખ્યાલ આવશે કે હવે તું પણ મોટો થઈ ગયો છો. અને તું મોટો થયો છો એટલે તારા શરીરમાં અંદરથી આવા ફેરફાર થવાના છે,  થઈ રહ્યા છે. આ ફેરફારથી ડરવાની જરૂર નથી. બધામાં થાય, મમ્મીમાં થયા છે, પપ્પામાં થયા છે, દાદામાં થયા છે. દાદા દાદી આજે કેમ વૃદ્ધ બન્યા ? એના શરીરમાં ફેરફાર થયો એટલે .. તું પણ એમાંથી પસાર થવાનો છો. બેટા, આ તો આનંદનો વિષય છે હો…!” 

બીજી વાત..આપણે એના બદલાતા સંવેગો વિશે પણ થોડા સતર્ક બનીએ. અત્યાર સુધી એ આપણી આંગણી પકડીને ચાલનાર અથવા આપણે જ્યાં લઈ જવા ઈચ્છીએ ત્યાં સાથે જોડાઈ જનારું સંતાન હતું. પણ હવે એમને ક્યાંક નથી આવવું. હવે એમને પોતાની પસંદગીની જગ્યાએ જ જવું છે. હવે એને તમારી આંગળી પકડવી ગમતી નથી. આ બાબતની આપણે નોંધ લેવી પડે અને એનો આપણે હકારાત્મક સ્વીકાર કરવો પડે. ‘તું બગડી ગયો છે’ અથવા ‘તું હવે ધ્યાન નથી આપતો, તને બેટા હવે મમ્મી ગમતી નથી, તને અમે લોકો હવે સારા નથી લાગતા..’ આવા વ્યંગાત્મ્ક વિધાનો માતાપિતા કરતા હોય છે, જે ન જ કરવાં જોઈએ. આવા વિધાનો તો સંતાનને દુઃખી કરશે અને તે તમારાથી વધુ દૂર થતું જશે. ખાસ ખ્યાલ રાખજો કે આ પ્રકારના સંવેગોના બદલાવને હકારાત્મક રીતે સ્વીકારીને એને ટૂંકા શબ્દોમાં મુદ્દાસર કહેતા પણ રહેવું. એને તમારી સાથે ન આવું હોય તો તમે એના માટે દુરાગ્રહ ન કરશો. એમને હવે પૂછવું પડશે તમારે કે,… ‘તો તારે હવે શું કરવું છે ?’  જુઓ કિશોરાવસ્થા સુધીનું બાળક  આપણે જ કાંઈ કરતા હોઈએ તેનું  હંમેશા નિરીક્ષણ કર્યા કરે છે અને તેને જે સૂચના આપીએ તેનું તે અનુસરણ કરે છે. પણ કિશોરાવસ્થા પછીનો જે ગાળો છે તરુણાવસ્થાનો, એ ગાળામાં એ અત્યાર સુધી કરેલા નિરીક્ષણોમાંથી પોતાનું એનાલિસિસ શરૂ કરે છે, પોતાનું પૃથ્થકરણ શરૂ કરે છે. એમાંથી મને શું ગમ્યું અને શું ન ગમ્યું એ નક્કી કરવાનો સમય તે  આ તરુણાવસ્થા છે. જુઓ, શારીરિક ફેરફાર થાય છે, સાંવેગિક ફેરફાર થાય છે, લાગણીના ફેરફારો થાય છે,  અનુકૂલનના ફેરફારો થાય છે. આ બધું એ અનુભવી રહેલ  છે પણ સમજતો નથી કારણકે આપણા સંતાનને આ આખી જીવવૈજ્ઞાનિક ઘટના કોઈ સમજાવતું જ નથી એટલે એને તો પોતાના શરીર સાથે કોઈ જાદુ થઈ રહ્યું હોય એવું લાગે છે અને પરિણામે તે હવે ડિસ્ટર્બ રહે છે. આપણને થોડું એમ લાગ્યા કરે છે કે હવે એ પોતે એરોગન્ટ બની ગયો છે, હવે એ મોટો થઈ ગયો એવું દેખાય છે, આપણું કહ્યું માનતો નથી. વાત સાચી તમારી,  પણ એવું નથી,  એ મૂંઝાય છે. એને અંદર જે ફેરફાર થઈ રહ્યા છે તે  ફેરફારના આધારે એને બહાર કશુંક ગમે છે તો કશુંક નથી ગમતું, એને હવે આ ખાવું છે અને પેલું નથી ખાવું, અત્યાર સુધી એ ચોઈસ વગર તમે જે આપો તે ખાતો… આવા જે બદલાવ છે એ બદલાવ પ્રત્યે તિરસ્કાર આપણાથી ન જ થાય તેની કાળજી રાખીએ. આ બદલાવનો આપણે સહર્ષ સ્વીકાર કરીએ, એને શાબાશી આપીએ.. ‘વાહ બેટા,  તું તો મોટો થઈ રહ્યો છે,’ ‘મારી દીકરી છે તો  હવે મોટી થવાની છે,બહુ જ સુંદર..’  આટલું કહીને એ સંતાન તમારી પાસે જે  ઈચ્છા પ્રગટ કરી રહ્યું છે એના હકારાત્મક અને નકારાત્મક પાસાં  બંને  એમની સામે મૂકી દો, સમજાવી દો, “ચોક્કસ તું કહે છે એમ કરીએ,  પણ તને ખબર છે ને કે એમાં તને આમ થશે,” પહેલા હકારાત્મક પાસા મુકજો,  બહુ મજા આવશે તે ને…’બધા સાથે હળવા મળવાનું થશે.. તું કેટલાયને નથી ઓળખતો એને તું ઓળખી શકીશ’ .. “તારે એકલા જવાનું થાય તો તો મમ્મી પપ્પા ખુબ રાજી થશે. બેટા સાથોસાથ તારે બહુ કાળજી રાખવી પડશે. અમે નહીં હોઈએ તો તારે તારા વર્તનમાં અને બધા જ પ્રકારના જે તોફાનો તું કરે છે ને એમાં તારે બરાબર ધ્યાન રાખવું પડશે. તું તારી  કાળજી રાખીશ ને ? હા, એમ કરવાથી કદાચ તું પડી જા, તને વાગી જાય એવું પણ બને. પણ કાંઈ વાંધો નહીં, વાગે એ તો…, વાગે.” 

જો આપણે એમને હકારાત્મકતા તરફ ફેરવવાનાં જ  હોય તો આપણા દિવ્યાંગ તરુણને અને તરુણીને પહેલા આપણે સ્વીકારીએ. હસ્તે મુખે સ્વીકારીએ અને એના તારુણ્યનું  સ્વાગત કરીએ. અને પછી આપણે ધીમેક રહીને એને જે બંને પાસા કહેવા છે એ કહીએ અને પછીની ચોઈસ શું નક્કી કરવું તે તેની ઉપર છોડીએ. પછી એને થોડે અંશે એ નક્કી કરે તે કરવા દઈએ. કરવા દઈએ તો પછી એને અનુભવ થશે અને તો એ નક્કી કરશે કે મેં આ કર્યું હતું એ સાચું હતું કે ખોટું હતું ??. ફરીવાર હું આવું કરું કે ન કરું??, મમ્મી પપ્પા જે કહેતા હતા એ સાચું હતું કે ના મેં નક્કી કર્યું હતું તે સાચું?? . Let him decide આ બહુ મહત્વની વાત છે. 

હું માનું છું કે તરુણાવસ્થાના ઘણા પ્રશ્નો એ પ્રશ્નો નથી, પણ  એની અંદર થઈ રહેલા ફેરફારોની અસર છે. જેમ મને ને તમને ખ્યાલ છે કે બહેનો છે એ મેનાપોઝમાંથી જયારે પસાર થાય છે ત્યારે એના શરીરમાં ફેરફાર થાય છે, એના સ્વભાવમાં ફેરફાર થાય છે, એનો સ્વભાવ થોડો ચીડિયો બને છે. એવા જ આ ફેરફારો છે. જેમ પેલા ફેરફારોનું સ્વાગત તેમ આ ફેરફારોનું પણ આપણે પૂરા હૃદયથી સ્વાગત કરતા શીખીએ.

જે સંતાનને ઈશ્વરે “વિશિષ્ઠ બાળક” તરીકે જન્મ આપ્યો તે દિવ્યાંગ

આપણે તેને આવકારીએ, હસ્તે મુખે સ્વીકારીએ અને એના તારુણ્યનું સ્વાગત કરીએ.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com 

‘દિવ્યાંગ’ કેટલો સુંદર શબ્દ છે આ…. વર્ષો પહેલા આપણે ‘ખોડખાપણ’ એવો શબ્દ વાપરતા પછી આપણે ‘વિકલાંગ’ એવો શબ્દ વાપરવા લાગ્યા અને હમણાં હમણાં છેલ્લા દશકથી આપણે ‘દિવ્યાંગ’ એવા શબ્દનો આવિષ્કાર કર્યો છે. બહુ જ ઉત્તમ શબ્દ છે આ અને એનો અર્થ બહુ સીધો છે :  જેમના અંગ વાંકાચૂકા નથી, જેમની માનસિકતા અલ્પ વિકસિત નથી, જેમની પ્રવૃતિઓ મુશ્કેલ લાગે તેવી નથી પરંતુ જેમના અંગો, જેમનું મન અને મનની પ્રક્રિયાઓ અને જેમની પ્રવૃતિઓ દિવ્ય અંગ દ્વારા થઈ રહેલ  છે એને દિવ્યાંગ કહેવાય. 

ઈશ્વરે વિશિષ્ઠ બાળક તરીકે મારા અને તમારા સંતાનને જન્મ આપ્યો હોય ત્યારે દિવ્યાંગ કહેવાય છે. આ તો બહુ સીધી વાત છે.  જેમ માણસનું ઘડતર થાય ત્યારે પરમાત્મા એકસરખી ક્ષમતા બધામાં મૂકે. પછી આપણામાંથી કોઈ એ ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરે અને વિકાસ કરે અને કોઈ ક્ષમતાનો ડબ્બો ખોલે જ નહીં અને જેવા આવ્યા હતા એવા ને એવા પાછા જાય.  આ બે શક્યતાઓ છે. એવી જ રીતે ઈશ્વરે જે દિવ્યાંગ સર્જ્યા છે તેને પોતાના ખાસ આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ શા માટે ? ઈશ્વરે કહ્યું બીજા લોકોને તો મેં  બધું આપ્યું છે અને એ બધું કરવાના છે, કરી રહ્યા છે પણ લે મેં તને દિવ્ય અંગો આપ્યા અને દિવ્યાંગોની હાજરીથી હું તારી ભેગો રહીશ. હવે તું જગતને જીતી બતાવ. ચાલ, મારી આંગળી પકડ…. આ દિવ્યાંગ છે.

 

વિચારવાનું એ છે કે જો ઈશ્વરે આ પ્રકારનું સર્જન કર્યું તો આ દિવ્યાંગ સંતાનો મુશ્કેલી કેમ અનુભવે છે ? જે વસ્તુ આપણે લોકો નોર્મલી કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પ્રવૃત થઈ શકીએ છીએ તે આ દિવ્યાંગ કેમ નથી કરી શકતા ? કેમ નથી સમજી શકતા ? એ આપણને મૂંઝવતા  પ્રશ્નો  છે. સમજવા જેવી સરસ વાત એ પણ છે કે આપણા ઘરમાં દિવ્યાંગ બાળક આપીને ઈશ્વરે આપણને પણ એમના ઉત્તમ સર્જન સાથે જોડી આપ્યું છે. અને પરિણામે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણે દિવસમાં ઘણી વખત ઈશ્વરને યાદ કરીએ છીએ,,,જયારે આપણા દિવ્યાંગ સંતાન સામે આપણી નજર પડે છે !!  કેવું વિચક્ષણ સર્જન છે ! જેને બધું આપ્યું છે છતાં બધા માટે એણે ખાસ મહેનત કરવાની છે. એને કોઈ વસ્તુ સરળ નથી, એને કોઈ વસ્તુ સામે નથી, સામે હોય તે તેના હાથમાં નથી, હાથમાં હોય તે તેના મોઢામાં નથી પરંતુ એ દરેક સ્થાને પહોંચાડવા માટે આ બાળકે  ખુબ મહેનત કરવાની છે. એ મહેનત કરાવનાર એના સાથીદાર તરીકે,  એના સારથી તરીકે ઈશ્વરે આપણને મૂક્યાં છે. બરાબર સમજી લઈએ.   માત્ર શારીરિક દિવ્યાંગ હોવું એ દિવ્યાંગતા નથી.  આપણા રોજબરોજના જીવનમાં આપણે  ભણેલા ગણેલા ને મોટું સ્થાન ધરાવતા હોય માનસિક દિવ્યાંગોને  જોયા છે. શક્તિ હોય તેનો અર્થ એવો નથી કે તે જોઈએ ત્યારે કામ લાગે. મહાન ધનુષવિધ અને મહાભારતનું કેન્દ્રનું પાત્ર એવા ભગવાન શ્રીકૃષ્ણના શિષ્ય  અર્જુનને પણ જો માનસિક હતાશા શરીરના અંગોને લુલા બનાવી દે, પાંગળા બનાવી દે એવી સ્થિતિમાં મુકતા હોય તો મારું અને તમારું સંતાન અર્જુન છે એમ માનીને એનો આપણે સ્વીકાર કરવો પડે.

ત્રણ મુદ્દા આપણા દિવ્યાંગ સંતાન માટે આપણે બરાબર માનસપટ ઉપર કોતરી રાખવા જોઈએ. 

પહેલો મુદ્દો એ ઈશ્વરે આપેલી ભેટ છે. કહોને ઈશ્વરના એ ઓટોગ્રાફ છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે,  ‘દરેક બાળક જન્મે છે એ એની સાબિતી આપે છે કે હજુ ઈશ્વરને આપણાંમાં શ્રદ્ધા છે પરિણામે એ પોતાનું સર્જન આપણા હાથમાં સોંપી દે છે.’ એટલે આપણે એનો સ્વીકાર કરવાનો છે. 

બીજો મુદ્દો એ એનો જેવો છે તેવો સ્વીકાર કરવાનો… અર્થ જ એ કે તેનું પુરા હૃદયના ઉમળકાથી સ્વાગત કરવાનું છે. દરેક પળે એ જયારે જયારે ઠેસ ખાય ત્યારે, એને જયારે જયારે ઠોકર વાગે ત્યારે, એ જયારે જયારે પ્રવૃત થઈને પ્રવુતિ ન કરી શકે ત્યારે શબ્દથી, લાગણીથી, હાવભાવથી, બોડીલેંગ્વેજથી આપણે એનું કાયમ સ્વાગત કરવાનું છે. એ એક ક્ષણ પણ હલે છે, ચલે છે કે આગળ વધે છે એ ઈશ્વર તરફનું એવું ડગલું છે એમ માનીને એનું સ્વાગત કરવાનું છે. 

અને ત્રીજો મુદ્દો ઈશ્વરે આ સંતાન આપણા ઘરમાં આપ્યું છે એટલે એણે પોતાના સભાગૃહના સદસ્ય તરીકે આપણને પસંદ કર્યા છે. એમ કહોને કે લોકસભામાં ૫૦૦ થી વધુ મેમ્બર બેઠા હોય એમાંથી વડાપ્રધાન આપણને કોઈ મંત્રીપદ આપે તો એણે વિશિષ્ઠ કેટેગરીમાં આપણને પસંદ કર્યા કહેવાય…એમ ઈશ્વરે પોતાના દરબારમાં આપણને વિશિષ્ઠ સ્થાન આપવા માટે આ બાળકને આપણે ત્યાં મોકલ્યું છે.  એટલે આપણે ત્યાં કાયમ માટે એનો સત્કાર કરવાનો છે. સત્કાર એટલે આવકાર માત્ર નહીં, એમના જીવનની એક દિશા પ્રાપ્ત થતી જાય એવી રીતે એની સાથે ને સાથે રહેવાનું છે.

દિવ્યાંગ બાળકોને ઉછેરવા સહેલાં  છે એવું હું કહેવા નથી લાગતો, કહી શકું પણ નહીં. પણ ઈશ્વરે આપણા માટે અઘરું પેપર કાઢ્યું છે.  એને  ખબર છે કે આ ઉકેલી શકે એવા મા-બાપ છે. ગણિતના અઘરા દાખલ ઉકેલવા માટે ટેવાયેલ મા બાપ છે એટલે અઘરું પેપર કાઢ્યું છે. એમાં પણ આ બાળક જયારે મોટું થતું જાય અને તારુણ્યની તાસીર અનુભવતું જાય ત્યારે આપણી સામે બહુ મોટો પડકાર આવે છે. આ પડકાર આપણને મૂંઝવે છે. આ પડકાર આપણને નિરાશ કરે છે, આ પડકાર આપણી સામે મોટો પ્રશ્નાર્થ રજૂ કરે છે કારણ આપણા એ દિવ્યાંગ તરુણ કે તરુણીને શું જોઈએ છીએ તે એ અભિવ્યક્ત નથી કરી શકતા. બીજું,  અભિવ્યક્ત કરે તો એને સમજી આપણે નથી શકતા,.ત્રીજું,  આપણે સમજી શકીએ તો એના જવાબરૂપે આપણે કશું નક્કર પરત નથી કરી શકતા. આ ત્રણ જે સ્પીડબ્રેકર્સ છે એ આપણા તરુણ કે તરુણી દિવ્યાંગ સામેના બહુ મોટા પ્રશ્નાર્થો છે, આપણી મૂંઝવણ છે, આપણી ચિંતા છે.

પણ મૂંઝવણને મૂંઝવણ તરીકે જોવાથી એ હલ નહીં થઈ જાય. આપણે ઘડાવું પડે, આપણે આપણી માનસિકતા, આપણી સાંવેગિકતા અને આપણી ચપળતા ત્રણ  વાતોને ભેગી જોડવી પડે. કેવી રીતે જોડી શકાય એ તમે સૌએ અનુભવ્યું પણ હશે. હું વિશેષ વાત કહીશ એવું કંઈ નથી પણ હું અને તમે જે કરી રહ્યા છીએ એની તરફ જોવાની આપણી એક દ્રષ્ટિને હું ચોખ્ખી કરવા માંગુ છું. શક્યતા છે કે આપણી આંખમાં ધીમે ધીમે મોતિયો આવ્યો હોય અને મોતિયાને લઈને આપણે  દિવ્યાંગ બાળકની તારૂણ્યની તાસીરને આપણે સ્પષ્ટ ન જોઈ શકતા હોઈએ  તો  એ જોઈ કેવી રીતે શકાય ?, એના પ્રશ્નો કેવા હોય એની ચર્ચા હું તમારી સાથે કરીશ. દરમિયાનમાં આપ સૌને આપને ત્યાં પધારેલા દિવ્ય અંગવાળા ઈશ્વરને હંમેશા માટે સ્વાગત કરવા, સ્વીકાર કરવા અને સત્કાર કરવા ઈશ્વર બળ આપે તેવી હું પ્રાર્થના કરું છું.

 

‘મરો ત્યાં સુધી જીવો.’ પણ જીવો એટલે હસતાં અને હસાવતાં

‘મરો ત્યાં સુધી જીવો.’ પણ જીવો એટલે હસતાં અને હસાવતાં

રોહીન્ટન નરીમન કેરાવાલાએ નવ વર્ષ લડત આપી પણ સાવ સહજ ભાવે,,જાણે કાંઈ બન્યું જ નથી !!
******************************************************************
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
==========================================================

અસહાય પરિસ્થિતિમાં માણસ આનંદીત રહી શકે ખરો ? લગભગ ૯ વર્ષ હાથ-પગ ચલાવી ન શકાય, ૫૦ વર્ષની ઉંમરથી ૫૯ વર્ષની ઉંમર સુધી નર્સીગ સ્ટાફની મદદથી બધા જ સંદેશ વ્યવહાર કરવાના , અરે, આજે શું ખાવું છે તે ઘર આખા માટે નક્કી કરવાનું તેમજ બધા સાથે ફોન ઉપર વાત કરવાની અને આ પાછો નિયમિત ક્રમ !! શક્ય છે ?? નહીં ને,, પણ રોહીન્ટન માટે આ બધું સહજ હતું. આવૈ લાગશે પણ, દિવસમાં બે થી ત્રણ સારા પિક્ચર જોવા અને અગત્યની સિરીયલો જોવી એ પણ એનો નિત્યક્રમ હતો.

નાની ઉંમરમાં બે’ક વર્ષની ઉંમરે તેને મેનેન્ઝાઈટીસ થયો અને પરિણામે અભ્યાસમાં વિઘ્ન આવ્યું , છતાં તે મહેનત કરીને એસ.એસ.સી. પસાર થયો. આ શક્ય બન્યું કારણ કે એમના માતુશ્રી વ્યવસાયે શિક્ષક હતા અને તેથી એમને મૂળભૂત વાંચવા, લખવા અને સમજવાની જરૂરીયાત તો મારા પાસે જ પુરી થાય. ડાબા પગમાં ચાલવાની થોડી તકલીફ રહી ગયેલી. અમદાવાદના અંધજન મંડળમાં સેવાભાવ કર્યો અને થોડો હુન્નર શીખ્યો ત્યારે આનંદ અને ઉલ્લાસ સાથે એવા પ્રજ્ઞાચક્ષુઓ સાથે તેણે મૈત્રીના સંબંધ કેળવ્યા. તે પરગજુ એટલો કે પોતાની પાસેથી કોઈ નાની વસ્તુ કોઈને ગમે તો તુર્ત જ તે આપી દેતો.

લગભગ ૪૮ – ૪૯ વર્ષની ઉંમરે તેના પગમાં અને હાથમાં તાકાત ઓછી થવા માંડી. તપાસ કરતાં માલુમ પડયું કે મેનેન્ઝાઈટીસની પગને જે અસર થયેલી અને કરોડરજ્જુનો જે સ્તંભ હોય તે ધીમે ધીમે ખવાઈ ગયો. હવે ધીમે ધીમે હલનચલન મુશ્કેલ થવા માંડયું. સ્વાભાવિક રીતે તેમના માતુશ્રી અને બહેનને ચિંતા થવા લાગી અને ભારતના નિષ્ણાંત ડોક્ટરને પણ આ અંગે પુછવામાં આવ્યું તો એમ.આર.આઈ. દ્વારા જાણવા મળ્યું કે આનું ઓપરેશન તો લગભગ અસંભવ છે અને તે બધું ખોલવા જતાં બાકીની ચેતનાઓ પણ ગુમાવી દેવાય એવું બને અને ભય રહે કે વ્યકિત જીવીત ન રહે.

ભગવાને આપણા શરીરની એવી સુંદર રચના કરી છે કે કરોડરજ્જુ અને મગજ દ્વારા આપણા શરીરના દરેક અંગોને સૂચના મળતી હોય છે. રોહીન્ટનની હાથપગ ચલાવવાની શકિત ક્ષીણ થવા માંડી અને એક તબક્કે એવી પરિસ્થિતિ આવી કે અમદાવાદની સ્ટર્લીગ હોસ્પીટલમાં શ્વાસ લેવાની તકલીફ માટે ઈમરજન્સી રૂમમાં તેને દાખલ કરવામાં આવ્યો. ઈમરજન્સી ટીમના વડા ડૉ.પ્રતિભા દિલીપ અને તેમની ટીમે ત્રણ-ચાર દિવસ પછી કુટુંબને કહ્યું કે તેના ગળામાં એક સાધન બેસાડવું પડશે કે જેના દ્વારા એ વાત કરી શકે. ધીમે ધીમે ઓક્સીજન દ્વારા ફેફસાંમાં સતત શ્વસનતંત્રને ધબકતું કરવાનું શક્ય બન્યું. આ પધ્ધતિને મેડીકલ ભાષામાં ટ્રેકીયોસ્ટોમી કહેવામાં આવે છે અને એક બાયપેપ મશીન દ્વારા શરીરમાં ઓક્સીજન જાય અને તેને પરિણામે વ્યકિત શ્વસનતંત્ર ચાલુ રાખી શકે. તેમના માતુશ્રી અને બહેન દ્વારા ૨૪ કલાકનો વારાફરતી નર્સીગ સ્ટાફ રાખવામાં આવ્યો અને ધીમે ધીમે ઓક્સીજનની જરૂર ઓછી થતી ગઈ અને બોલવાનું પણ વધવા માંડ્યું. જો કે, ડોક્ટર્સ એવું માનતા હતા કે એક ફેફસાંમાં અસર થઈ હોવાથી અને હાથપગ ન ચાલતા હોય લાંબો સમય આ દર્દી કાઢી શકશે નહીં.

રોહીન્ટનની જવામર્દીની વાત હવે શરૂ થાય છે. એમણે આનંદથી અસહાય પરિસ્થિતિમાં પોતાની રીતે દુઃખમાં મોજ માણી અને જીવન પસાર કર્યું. આ નવ વર્ષમાં કોઈપણ દિવસ એમણે કોઈ કાગારોળ મચાવી નહી અને કોઈ નિરાશા કે અફસોસ કર્યો નહીં. તેમનાથી પથારીમાં પણ હલનચલન થઈ શકાતું ન હતું. કોઈને કોઈ ફિઝીયોથેરાપીસ્ટ નિયમીત રીતે એમને હાથપગની કસરત કરાવવા આવતા હતા તેની સાથે પણ હસતાં હસતાં એ બધું કરતા. દરરોજ તેમના બેન પુછે કે આજે શું ખાવું છે તો એ એની ફરમાઈશ કરે. બધું ખાવાની છૂટ હતી પણ કોઈએ ખવડાવવું પડતું. જો કોઈનો સવારનો ગુડ મોર્નીગનો મેસેજ અથવા ફોન ન આવે તો એ સામેથી કહેતા કે ‘ગુડ મોર્નીગ કેમ કર્યું નહીં ?’. તેમનું કામ ઘડીયાળના ટકોરે ચાલતું અને સમયસર એમનું શરીર સાફ કરવામાં આવતું. સમયના ટકોરે ફિઝીયોથેરાપી અને ભોજન લેવામાં આવતાં અને પછી થોડો આરામ કરીને હિન્દી અને સબટાઈટલવાળા બીજી ભાષાના પિક્ચરો પલંગમાંથી જ જોવાનાં. એમને ફિલ્મી સંગીતનો અને ખાસ કરીને કિશોરકુમાર તથ્ય અન્ય કલાકારોના ગીત સાંભળવાનો એટલો શોખ હતો (કે તેમના નિધન બાદ તેમનો ફિલ્મ-સંગીતનો સમગ્ર સંગ્રહ જયારે એક વિડીયો – ઓડીયો લાયબ્રેરી ચલાવતા ભાઈને આપ્યો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા અને એમનાથી સહજ કહેવાય ગયું કે, “વાહ દોસ્ત તું તો મારાથી આગળ નીકળી ગયો”. એમને લાગ્યું કે આ એવા ફિલ્મ સંગીતનો સંગ્રહ છે કે જે ભાગ્યે જ કોઈની પાસે મળે. આ સંગ્રહ તેમને અમે ભેટ તરીકે આપ્યો ત્યારે તેને સ્વીકારતાં તેઓ ગળગળા થઈ ગયા.)
એમને ધીમે ધીમે મોટુ સ્કીન અને હેડફોન પણ આપવામાં આવ્યા. દર દોઢ – બે મહિને ટ્રેકીયોસ્ટોમી બદલવાવાળા ડોક્ટર આવે તો તેને નાસ્તો કરાવ્યા વગર તે જવા ન દે. તેમના માહરૂકબેને ઓફિસે જવું કે નહીં તેની અસમંજસમાં હતા ત્યારે તેમને કહ્યું, “જાઓ અને સાંજે સમયસર આવજો.” તેમનો ભાણો ઉર્વાક્ષ તેમને અતિપ્રિય હતો. તેને લંડન, સીંગાપોર અને દુબઈ જવું પડ્યું પરંતુ મામો-ભાણેજ નિશ્ચિત સમયે ઓડીયો – વિડીયો દ્વારા વાત કરે અને દિવસ દરમ્યાન તેમના દિલમાં જે વાતો કહેવાની હોય તે કરે અને એ વાત પછી એ ઘણા આનંદમાં આવી જાય. એમને દરેકનું હુલામણું નામ પડવાનો શોખ હતો. જ્યારે તેમને ખબર પડી કે નિયમીત કપડાં નહીં પહેરાય ત્યારે તેમણે તેમના બધાં જ કપડાં એમના નસીંગ સ્ટાફને ભેટ આપી દીધાં. એમને જે કોઈ મળવા આવે તેમની સાથે હંમેશાં વિનોદમાં રહેતા. બધાંના જન્મદિવસ એ આનંદથી ઉજવે અને કોઈ દિવસ પોતાના ભાગ્યની અને પોતાના શરીરની વાત ન કરે.

જેને આપણે ‘જીજીવિષા’ કહીએ છીએ તે તેમનામાં ભારોભાર અને ફરીયાદ નામનો શબ્દ એમના શબ્દકોષમાં જ નહીં. આ રોહીન્ટન નરીમન કેરાવાલાની સેવા – સુશ્રુષા તેમના માતુશ્રી ઝરીનબેન અને બેન મારૂકબેન કરતા. કમનસીબે એમના માતુશ્રીને પાછલી ઉંમરે અલ્ઝાઈમરનો રોગ થયો. જયારે ડોક્ટરોએ જણાવ્યું કે હવે લાંબું નહીં ખેચી શકે ત્યારે એમના માતુશ્રી ભગવાનને પ્રાર્થના કરતા હતા કે, મારા દિકરા પહેલાં મને લઈ લેજે અને ભગવાને તેમની પ્રાર્થના સાંભળી. બે જ વખત ભાઈ રોહીન્ટનની આંખમાં આંસુ જોયેલા તે ૧૯૯૯ માં જયારે તેમના પિતાશ્રી અવસાન પામ્યા અને ર૦૦૧ માં જયારે એમના માતુશ્રી અવસાન પામ્યા.
માતા સાથેનો દીકરાનો નાતો કેવો દિવ્ય હશે કે માતાની વિદાય પછી બરાબર એક અઠવાડીયા પછી રોહીન્ટને દુનિયાથી વિદાય લીધી.
આ વ્યકિતનો નવ વર્ષનો સંઘર્ષ જે લોકો માંદા હોય અને ટર્મીનલ માંદા હોય તેના માટે બોધપાઠ જેવો છે. ન કોઈ ફરીયાદ કરવી અને જીંદગી માણવી એ જવામર્દીની કહાની છે.
એ સાચું છે કે ‘મરો ત્યાં સુધી જીવો.’ પણ જીવો એટલે હસતાં અને હસાવતાં. ગંભીર માંદગી પછી તો જીવન માં વર્ષો કે દિવસો નહીં ઉમેરવાના, પણ વર્ષો અને દિવસોમાં જીવન ઉમેરાતા રહેવાનું.

‘સ્ટેટસ’નો ‘પડઘો’ સંભળાયો કે ‘દેશપ્રેમની ઋતુ’ વર્ષ આખું કેમ નહીં ?

સુરતના આદિત્ય ઝાલાની સ્પર્શીલી વાર્તાઓનું પુસ્તકઉજાસ

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

સ્ટેટસ

“પપ્પા.આ વખતે મને નવી સાઇકલ લઈ દેશોને જન્મદિવસ ઉપર?”

“નવીની શું જરૂર છે? બે વરસ પહેલાં જ્યારે લીધી, ત્યારે જ મેં કહ્યું’તું કે આ સાઇકલ પાંચ વરસ ચલાવવાની છે. ખાસ એટલે તો આપણે એડજસ્ટેબલ સીટવાળી લીધી છે.”

“પણપપ્પા, મારે ગિયરવાળી લેવી છે.”

“આ બધાં નખરાં કહેવાય નખરાં. મૂળ તો પેડલ મારીને ચલાવવાની હોય સાઇકલને. સમજ્યો?” આટલું કહી નિનાદે રીટા સામે જોયું.

“ખરું ખરું આવી ગયું છે નહીં આજકાલ ! બોલો, ભાઈને ગિયરવાળી સાઇકલ જોઈએ છે…હં ! “

“આ લો, તમારો ફોન. અંદરના રૂમમાં હતો. મનનભાઈના બે મિસ્ડ કોલ છે.” રીટાએ સોફા ઉપર બેઠેલ નિનાદને ફોન આપ્યો.  ત્યાં જ ફરી રિંગ વાગી.

“લે, પાછો એનો જ છે.” કહી નિનાદે ફોન ઉપાડ્યો.

“હલ્લો.. કેમ છે બોસ… આજે બપોરે તને એટલે ફોન કર્યો હતો કે એક સમાચાર આપવાના છે. મેં આઈફોન એઈટ બુક કરાવ્યો….ના..ના  જૂનો બગડ્યો નથી, આ તો શું હાથમાં આઈફોન હોય, તો વટ પડે.”

 પડઘો

“પપ્પા,  આરુષને શું કહીને બોલાવે?”

“ચીક્કુ..દીક્કુ.” અઢી વર્ષનો આરુષ પાપડની પેલી જાણીતી જાહેરાતના સસલા જેવા અવાજમાં જવાબ આપે. 

અને પછી જોનારાં બધાં જ હસી પડે.

જ્યારથી આરુષ બોલતો થયો, ત્યારથી રોજ કાલીઘેલી ભાષામાં મમ્મી-પપ્પા, દાદા-દાદી બધાં સાથે આવું કંઈકને કંઈક ચાલ્યા કરે અને માણસ ઘેલો આરુષ મહેમાનની હાજરીમાં તો ઓર ખીલે.

આજે તો પહેલી વાર ઇંગ્લેન્ડથી ફઈ-ફુઆ આવવાનાં હતાં. ઘરમાં તડામાર તૈયારી ચાલતી હતી. આરુષના જન્મ પછી પહેલી વાર દીકરી ઘરે આવવાની હતી, એટલે દાદા-દાદીનો ઉત્સાહ મા’તો નહોતો. આરુષના પપ્પા ઘરની સજાવટમાં લાગી ગયા હતા અને મમ્મી પણ નણંદના આગમન માટે રસોડામાં પરસેવો પાડતાં હતાં.

“ચાલો, રસોઈ રેડી. હવે હું તૈયાર થવા જાઉં.” કહેતાં કહેતાં મમ્મી બહાર આવ્યાં અને ત્યાં જ પોતાનો દડો ઉછાળતો આરુષ મમ્મી સાથે અથડાયો. મમ્મીના હાથમાં રહેલું કઢીનું તપેલું ઉલળીને પડ્યું. સદનસીબે કોઈ દાઝયું નહીં, પણ શો-કેસ ગોઠવતા પપ્પાએ ત્રા પાડી….”આરુઉઉઉષષષ…” પપ્પાનો ગુસ્સો જોઈ હેબતાઈ ગયેલ આરુષ મમ્મીના પાલવમાં સંતાઈ રહ્યો.

જેમ બીજા ઘરોમાં બનતું હોય, તેમ જ ૧૫-૨૦ મિનિટના તંગ વાતાવરણ પછી ધીમે ધીમે બધું થાળે પડવા માંડ્યું. નવી કઢી પણ તૈયાર થઈ ગઈ અને ફઈના આગમનનો સમય પાસે આવતા સઘળું વિસરાઈ ગયું.

રાતે જમીને બધાં દીવાનખંડમાં વાતો કરવા બેઠાં. ફઈ-ફુઆએ આરુષ માટે લાવેલ રમકડાંની બેગ ખોલી અને સાથે સાથે જૂની નવી વાતો પણ ચાલુ થઈ.

“મોટી બેન, હવે જો હું તમને બતાવું. હું નાનો હતો, ત્યારે યાદ છે તમે મને શું કહેતાં?! હવે જોજો. હમણાં આરુષ તમને કહેશે. બેટા, પપ્પા આરુષને શું કહીને બોલાવે?” કહેતા જ પપ્પા આરુષ તરફ ફર્યા.

“આરુઉઉઉઉઉષ.” અને આરુષની ત્રાડમાં સવારનો પડઘો સંભળાઈ રહ્યો.

દેશપ્રેમની ઋતુ!

“સા’બ, લે લો ના સુબહ સે કુછ નહી ખાયા. તીસ રૂપયે મેં દો ઝંડે દે દૂંગા, લે લો ના….”

નિત્યક્રમ મુજબ એ દીકરાને નિશાળેથી લઈને ચાર રસ્તા પર પહોંચ્યો, ત્યાં ૧૨-૧૫ વર્ષના એક છોકરાએ ગાડીના કાચ ઉપર ટકોરા મારી ઉપર મુજબ ઉચ્ચાર્યું.

પપ્પા, આ તો પેલા જ અંકલ છે કે જેની પાસેથી આપણે કાચ  સાફ કરવાનું લીધું હતું. પેલું સ્પ્રેવાળું ?” ચાર વર્ષનો દીકરો ઓળખી ગયો.

“હા, બેટા લગભગ એ જ છે.”

“પપ્પા, લઈ લો ને…મને ઝંડો લેવો છે.”

દીકરાની ઇચ્છા પૂરી કરવા બાપે કાચ ઉતારી, ૩૦ રૂપિયા આપીને બે ઝંડા ખરીદી લીધા.

“પપ્પા, કેટલો સરસ લાગે છે તિરંગો!” ડેશબોર્ડ પરથી એક ઝંડો હાથમાં લેતાં દીકરો બોલ્યો.

“હા, બેટા! સાચી વાત…” સિગ્નલ ખુલ્યું, એટલે પપ્પાએ ગાડી આગળ હંકારી.

“તો હેં પપ્પા, અંકલ પાસે આટલા સરસ તિરંગા છે, તો આખું વરસ એ કેમ તિરંગા નથી વેચતા?”

 

……..આ ત્રણ વાર્તાઓ સુરતના આદિત્ય દેવાંગ ઝાલાએ પોતાના પુસ્તક “ઉજાસ” માં સમાવેલી છે. વાર્તા એ માનવજાતિની ધરોહર છે. શિયાળો હોય કે ઉનાળો કે વરસતો વરસાદ પણ વાર્તા તો બારેમાસે તાજી ને તાજી. વર્તા સમગ્ર માનવજાતિની અમાનત છે, પછી તે પંચતંત્રની હોય કે હિતોપદેશની હોય  કે સિંહાસન બત્રીસીની હોય કે વિક્રમ વેતાળની હોય કે કથાસરિત્ત સાગર હોય કે અરેબિયન નાઈટ્સ હોય કે સિંદબાદ દ સૈલર હોય કે ઈસપની બોધકથાઓ  હોય… પ્રાચીનકાળથી વાર્તાકારો વાર્તાઓ કહેતા આવ્યા છે ને લોકો સાંભળતા આવ્યા છે અને પોતાના દુઃખો ભૂલી વાર્તાનાં પાત્રો સાથે તાદાત્મ્ય સાધતા આવ્યા છે. 

ઉમાશંકર જોશીના મતે,  શોર્ટ સ્ટોરીનું અત્યારનું જે ફોર્મ છે તે અંગ્રેજી સાહિત્યની દેન છે’. તો  મુનશીજીએ કહ્યું છે કેવાર્તા એ અર્વાચીન સાહિત્યનું અપૂર્વ પુષ્પ છે.ધૂમકેતુએ બહુ સરસ ભેદ કહ્યો છે : નવલકથામાં જે કહેવાયું હોય, તે કહી નાખે છે. ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાડીને જે કહેવાનું હોય, તેનો માત્ર ધ્વનિ-તણખો જ મૂકે છે.

‘ઉજાસ’ ના વાર્તાકારો છે  ભાઈ-બહેન, ખ્યાતિ કેયુર ખારોડ અને આદિત્ય દેવાંગ ઝાલા. ખ્યાતિ અનુવાદ ક્ષેત્રે બારેક વર્ષથી કાર્યરત છે, તો આદિત્ય માઇક્રોબાયોલોજીનો વિષય ભણાવે છે અને પોતાની એકેડેમિક સેવાઓ પ્રોફેશનલી સમાજને આપે છે. બાળઉછેર આદિત્યનો ઉંડાણનો વિષય છે. આજના લેખમાં આપણે આદિત્ય ઝાલાની ત્રણ શોર્ટ સ્ટોરીનો લ્હાવો લીધો છે. આદિત્ય શિક્ષણ અને બાળઉછેર વચ્ચે જ જીવતા હોવાથી તેમની આ ત્રણ વાર્તાઓમાં આપણને આપણી વાત કોઈક કહી રહ્યું હોય તેવો અહેસાસ થાય છે. 

‘સ્ટેટસ’, ‘પડઘો’, અને ‘દેશપ્રેમની ઋતુ’ આ ત્રણેય વાર્તાઓ ધૂમેકેતુજીએ કહ્યું તેવો તણખો મૂકી જાય છે.  સ્ટેટસમાં ‘પિતા તરીકે આપણે સલાહ આપીએ તેથી ઉલટું જીવીએ તો ??’, પડઘો માં  ‘બાળક ઉપર આપણા આક્રોશની કેવી કાતિલ અસર હોય છે !!’ અને દેશપ્રેમની ઋતુ માં વાર્તાકાર  આપણને ભાવવાહી બનાવી મૂકે તેમ કહી જાય છે કે ‘દેશપ્રેમનો ઝંડો આખું વર્ષ કેમ લહેરાતો નથી ??’ આ ત્રણ વાર્તાઓ આપણને સ્પર્શી જાય છે કારણ એ ક્યારેક આપણા જીવનમાં પણ એ બનેલી ઘટનાઓ છે. 

 

સાડી ભારતીય નારીની ઓળખ છે, સુંદરતા અને સંપૂર્ણતાનો અહેસાસ છે.

રાજા રવિ વર્માને સ્ત્રીઓનાં અંગોને ઢાંકવા માટે એક પરિધાન સાડી બધી જ જગ્યાએ જોવા મળી.!!!

ભદ્રાયુ વછરાજાની                                                             bhadrayu2@gmail.com

ગુજરાતના દૂર છેવાડાના મલકમાં રાજસ્થાનને પડખે એક  ગરબાડા નામનું ગામ છે, ત્યાં એક અભ્યાસુ  અધ્યાપક ભરત ખેની ગુજરાતી ભણે છે અને ભણાવે છે.  “રાજા રવિ વર્મા” શીર્ષકથી પ્રકાશિત થયેલું ભરત ખેનીનું પુસ્તક આપણને ભારતની પ્રાચીનતાના સમયમાં લઈ  જાય છે.  

ઈ. સ. ૧૮૮૮માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના પરમ મિત્ર રવિ વર્માનાં ચિત્રો કિલિમાનુર મહેલમાં જઈને જોવાનો આગ્રહ કર્યો પણ એ શક્ય ન બનવાના કારણે તેઓ નીલગિરિ ગયા. રવિ વર્મા આ સમય દરમિયાન નીલગિરિ રહેતા હતા. રવિ વર્મા અને સયાજીરાવ ગાયકવાડ આ મુલાકાતથી ખૂબ જ નજીક આવ્યા. વડોદરાના મહારાજા દીર્ઘદ્રષ્ટા, ઘણું જ ફરેલા, ખૂબ ધાર્મિક તથા આસ્તિક હતા. તેમણે રવિ વર્માને રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથો તરફ ઉન્મુખ કરતાં કહ્યું કે, “હકીકતે આ બંને ધર્મગ્રંથોમાં ભારતનો સાચો આત્મા છુપાયેલો છે. તેથી તમે આ ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ લઈને ભારતીય જનમાનસને પ્રથમ નજરે જ સ્પર્શી જાય એ પ્રકારના ચિત્રો બનાવો.” રવિ વર્માએ મહારાજાના આ સુચનનો સહર્ષ સ્વીકાર કર્યો.

ચિત્ર બનાવતાં પહેલાં રામાયણ અને મહાભારત બંને મહાન ગ્રંથોના પુરુષપાત્રો અને સ્ત્રીપાત્રોનો પહેરવેશ, અલંકારો વગેરે મેળવવો ખૂબ જ જરૂરી હતો. એ હેતુથી આખા દેશનો મૂળ આત્મા જાણવો જરૂરી છે. તેથી સમગ્ર દેશમાં ફરવાની ઈચ્છા રવિ વર્માને થઈ, તેમણે આ વાત મહારાજા ગાયકવાડને કહી. મહારાજાએ ટી. માધવરાવને કહીને પ્રવાસની બધી વ્યવસ્થા કરી આપી. પોતાના ભાઈ રાજા વર્મા તથા નોકરો સાથે રવિ વર્માએ રાજસ્થાન, દિલ્હી, આગ્રા, અવધ, કાશી, કલકત્તા વગેરે શહેરોની મુલાકાત લીધી.

ભારતમાં ધર્મ અને જાતિના આધારે કોઈ ને કોઈ પહેરવેશ અને અલંકારોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એ પણ જુદાં જુદાં રાજ્યોમાં જુદાં જુદાં જોવા મળે છે. એમાંથી કોઈને આત્મસાત્ કરવાથી મહાભારત અને રામાયણનાં પાત્રોની આવશ્યકતા પૂર્ણ નહીં થાય અને વસ્ત્રોને ધારણ કરનાર પાત્રોને ચિત્ર જોનાર પસંદ કરશે નહીં. આમ લાગવાથી રવિ વર્માની યાત્રા આગળ વધતી રહી અને તેમણે તાંજોર, માયાવરમ્, ચિદમ્બરમ્, શ્રીરંગમ્, મદુરાઈ વગેરે સ્થાનોનાં મંદિરોનાં દર્શન કર્યા. તહેવારો અને ઉત્સવો, વેશ-પરિધાનો, હથિયારો, ઘરેણાંઓ તેમજ અન્ય વસ્તુઓનો ઝીણવટથી અભ્યાસ કરીને તેનાં રેખાંકનો કર્યા. રાજમહેલો અને ખંડેરોની મુલાકાત પણ લીધી, તેઓ આંખોમાં વસી જાય એવાં સુંદર દશ્યોની શોધમાં નદીને કાંઠે-કાંઠે, ઘાટ-ઘાટે અને વગડામાં દૂર સુધી અભ્યાસાર્થે ફરવા નીકળી પડતા. પરોઢથી માંડીને સંધ્યાનાં અંધારાં ઊતરે ત્યાં સુધી તેઓ સતત ફરતા રહેતા અને પછી રાત્રે પોતાના ઉતારા પર આવી દીવાના અજવાળે દિવસ દરમિયાન જોયેલું હોય તેનું આલેખન અને નકલો કરતા. 

આ આખાયે ભ્રમણ દરમિયાન રવિ વર્માએ એક ખાસ બાબતની નોંધ લીધી કે પ્રદેશગત વિવિધતાથી ભર્યા ભર્યા આ દેશની સ્ત્રીઓએ  જે સાડીઓ પહેરી છે એ ભારે આકર્ષણનું કેન્દ્ર હતી. સ્ત્રીઓનાં અંગોને ઢાંકવા માટે એક પરિધાન સાડી બધી જ જગ્યાએ એમને જોવા મળી. પ્રદેશ ભિન્નતાને કારણે એનાં નામ અને રંગરૂપ બદલાતાં રહ્યાં છતાં તેની અચૂક હાજરી દરેક જગ્યાએ હતી, રવિ વર્માએ યાત્રા દરમિયાન ચંદેરી, માહેશ્વરી, રેશમ, બાંધણી, પટોળા, પૈઠણી, બનારસી, નવવારી (નૌવારી), તાંચી, જામદાની, બાલુચેરી,બોમકઈ, કાંજીવરમ, ગારા (પારસી) વગેરે જેવી અનેક નામધારી, રૂપધારી જુજવે રૂપે અનંત ભાસે એવી અને સૌંદર્યનાં સરનામાં જેવી સાડીઓ જોવા મળી. સાડી સ્ત્રીને ઓળખ આપે છે, સુંદરતા અને સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે. આપણે આંખ બંધ કરીને માત્ર એક શબ્દ બોલીએ : ‘ભારતીય નારી.’ એ પછી એના દેખાવ અંગે કલ્પના કરીએ તો એના કે ચામડીના રંગોમાં આપણી કલ્પના મુજબ વૈવિધ્ય જોવા મળશે. પરંતુ જે સામ્ય દેખાશે તે સાડીનું  હશે. ભારતીય નારીના પરિધાન અંગે સાડી એ એકમાત્ર એવો પોષાક છે જેનાથી ઉમર, કદ, દેખાવ અને ચામડીના રંગની પેલે પાર જઈ સ્ત્રીને સમજી શકાય છે. આવા કારણથી વસ્ત્રોના રંગાભાસને રવિ વર્મા ઝડપવા માંગતા હતા. અંતે, તેમણે પૌરાણિક સ્ત્રી-પાત્રો માટે સાડીની પસંદગી કરી. એની સારી (હકારાત્મક) અસર આખા દેશ પર પડી. કેરળની સ્ત્રીઓ જેઓ ફક્ત સફેદ ધોતી પહેરનારી હતી, એમણે રંગબેરંગી સાડીને અપનાવી. 

આમ  રવિ વર્મા પોતાનાં ચિત્રોમાં આવતી ભારતીય સ્ત્રીઓ માટે એ જ પહેરવેશ  ઈચ્છતા હતા જેને દેશના લોકો પસંદ કરે. આ બાબત રવિ વર્માની  અંદર રહેલી રાષ્ટ્રીય ભાવનાને પ્રગટ કરે છે. જ્યારે તેઓ ૨૫ વર્ષના હતા ત્યારે અંગ્રેજી વિશે કહ્યું હતું કે, ‘અમે આ વિદેશી ભાષા તથા સભ્યતાને આગળ ક્યાં સુધી ચલાવીશું? જે આવ્યું છે, તેને જવું જોઇએ.’ આપણે એક વાત માની શકીએ કે બાળપણથી જ જે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત રહ્યા છે તેવા રવિ વર્મા આપણી ભવ્ય અને મહાન પરંપરાને ચિત્રના માધ્યમથી જાળવી રાખવાનો મૃત્યુપર્યત પ્રયત્ન કરે છે. તેમણે પોતાનામાં રહેલો દેશીય અને સાંસ્કૃતિક ભાવબોધને જીવંત રાખવા, વિકસિત કરવા અને પોતાના દ્વારા નિર્મિત અનન્ય કલારૂપો(ચિત્રો) માં એ ઢાળવા માટે હંમેશા જાગ્રત પ્રયત્નો કર્યા હતા. આ પ્રયાસોમાંથી સમગ્ર ભારત દેશને પહરવેશને એક તાંતણે બાંધે તેવું નારી વસ્ત્ર એટલે ‘સાડી’ ચરિતાર્થ થયું. 

ભલે, આપણે ગુજરાતી હોવા છતાં ગુજરાતી કે અન્ય કોઈ ઢબની સાડી પહેરવાનું છોડી રહ્યા છીએ પરંતુ આજે પણ ગ્રામનારી તો રાજા રવિ વર્માએ પ્રમાણેલી સાડી જ પહેરતી જોવા  મળે  છે. દક્ષિણના રાજ્યોમાં તો ઘણેખરે અંશે સાડી જ નારી અંગે ઢાંકે છે તેવું અચૂક જોવા મળે છે. વળી સાડી એ ગરીબ અને શાહુકાર બંને ને જોડાતી કડી  છે.

 

મુદ્દાઓ વિચાર કરવા યોગ્ય તો ખરા જ….

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા વર્ગખંડના અભ્યાસમાં સામેલ કરવા અંગે કેટલાક અલગ મતો પ્રત્યે ધ્યાન તો આપવું જોઈએ.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com

ખબર નથી શા માટે પણ ગુજરાત સરકારે ધોરણ છ થી બાર માં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની અચાનક જાહેરાત કરી નાખી છે. અલબત્ત, કહે છે કે ઉત્તરપ્રદેશમાં આવી જાહેરાતના ત્રણ વર્ષ પછી પણ હજુ તેનો અમલ શક્ય બન્યો નથી. એ જે હોય તે પણ, આપણી રાજ્ય સરકારે બહુ પુખ્ત વિચારણા કરીને કે રાજ્યના શિક્ષાવિદો અને  બહુશ્રુત સંસ્કૃત પંડિતો સાથે વિચાર વિમર્શ કરીને આ નિર્ણય ઘોષિત કર્યો હોવાનું બહાર આવ્યું નથી. કદાચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ માથે ગાજે છે ત્યારે આવી જાહેરાત કરી નાખવાની ચેષ્ટા થઈ  હોય એવું પણ બને. અલબત્ત, આપણને તે જાહેરાત સાથે બહુ લેવાદેવા નથી પણ આ વૈશ્વિક પ્રશસ્ત ધર્મગ્રંથને વર્ગખંડમાં ભણાવાવવાના વિષય તરીકે લઇ જવો કેટલો ઉચિત છે તે અવશ્ય ચિંતાનો વિષય છે, અને તે પણ વળી અગિયાર વર્ષના વિદ્યાર્થી થી સત્તર વર્ષના તારૂણ્ય છલકતા  વર્ષોમાં તેનો વિષય તરીકે સમાવેશ ભવિષ્યમાં ઘણા પ્રશ્નાર્થો ઉભા કરશે તેવું ઘણા લોકોને  લાગે છે. 

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાજી અવશ્ય આત્મવિશ્વાસને દ્રઢ બનાવનાર ગ્રંથ છે પણ તેની પશ્ચાદભૂ માં  તો યુદ્ધ માટે આત્મવિશ્વાસ વધારવાનો સંદેશ છે. ચચેરા ભાઈઓ ઝગડે છે, પછી ભલે એમાં એક ધર્મ પક્ષે અને બીજા અધર્મ પક્ષે હોય,  પણ છે તો ઝગડાની અને ભૂમિભાગની જ વાતો..તેમાં ‘ચચેરા ભાઈઓ કે ગુરુઓમાં તું દેહને નિહાળ  અને તેઓનો વધ કરવામાં હિચકિચાટ ન અનુભવ’ તેવો શ્રી કૃષ્ણ સંદેશ શુભના કલ્યાણ માટે છે તેવું વિદ્યાર્થીઓને કેમ અને કોણ સમજાવી શકશે , એ બહુ મોટો પડકાર છે. અર્જૂનને આત્મબળ બક્ષવા માટે જે જ્ઞાન શ્રી કૃષ્ણ દ્વારા અપાય છે તેને સામે પહોંચાડવું અતિ કપરું છે. આપણા સંસ્કૃતનાં શિક્ષકો જ નહીં પણ અધ્યાપકો પણ ગીતાજીનું પઠન  કે સહજ અર્થઘટન કરી શકવાનું પૂર્ણ સામર્થ્ય ધરાવતા  નથી ત્યારે આપણે વર્ગખંડમાં ઉણા  ઉતરીએ એવું બનવાના ચાન્સીસ વધશે એ યાદ રાખવું પડે. આમ થશે તો એક ઉત્તમ ગ્રંથ આપણી ક્ષમતાને લઈને વગોવાશે અને તેનો દોષ આપણે સ્વીકારવો પડશે. 

આ ગ્રંથમાં ચાતુર્વણ્યવ્યવસ્થાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવા વર્ગોમાં પ્રતિપાદિત કરવામાં આવી છે.. આ ગ્રંથ ધર્મમૂલાંક  જરૂર છે પણ સાથેસાથે આ રાજકીય અને યુદ્ધ-પ્રેરક પણ છે ત્યારે  બાળકોના કુમળા માનસમાં ગુઢાર્થ પહોંચાડવાનું કામ યથાર્થ થશે તેની ખાતરી કેવી રીતે કરીશું? વળી, ભારતના બંધારણમાં ભારતને  બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ગણીને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રીય એકતા-અખંડિતતા માટે બદ્ધ  કરવામાં આવેલ છે. તારીખ 26મી નવેમ્બર,1949ના રોજ બંધારણ સભાએ રાષ્ટ્રીય આશાઓ-આકાંક્ષાઓ સાથે જે બંધારણ પ્રસ્તુત કર્યું હતું અને બંધારણને ભારતની પ્રજાએ સ્વીકાર્યું, કાયદાનું સ્વરૂપ આપીને સમર્પિત કર્યું હતું તે બંધારણના આર્ટિકલ-28માં જણાવેલ છે કે  Article -28(1) ‘No religious instruction shall be provided in any educational institution wholly maintained out of state funds. Article -28(3) અનુસાર ‘No person attending any educational institution recognised by the state or receiving aid out of state funds shall be required to take part in any religious instruction that may be imparted in such institution or to attend any religious worship that may be conducted in such institution or in any premises attached there to unless that person or, if such person is minor, his guardian has given his consent thereto.’ એ જ રીતે, ભારતના બંધારણના પાર્ટ -IV-A Fundamental duties (નાગરિકોના મૂળભૂત કર્તવ્યો) મુજબ Article-51-A(a), (e), (h) કહે છે કે : સંવિધાનનું પાલન કરવું અને તેના આદર્શો,  સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવો,  ભારતના બધા લોકોમાં સમાન ભ્રાતૃભાવનું નિર્માણ કરવું જોઈએ.  ધર્મ, ભાષા અને પ્રદેશ કે વર્ગ પર આધારિત ભેદભાવોથી પર હોવું જોઈએ.  શિક્ષણમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ જેથી માનવતાવાદની ભાવનાનો વિકાસ થાય. આજના વિકાસના યુગમાં  આપણા સહુની ભાવના, નિષ્ઠા, નિસબત, પ્રતિબદ્ધતા, વર્ણવ્યવસ્થા પ્રેરિત અસ્પૃશ્યતાનું નિર્મૂલન કરી એને અતલ તળિયામાં દફનાવી દેવાનું હોવું જોઈએ. હવે જુઓ,  અહીં એવી દલીલ થાય કે, બીજા ધર્મોના શિક્ષણમાં તો તેના ધર્મગ્રંથને શીખવવાની છૂટ સૌએ લઇ જ લીધી છે ને ?? આ દલીલ સો ટકા સાચી ગણીએ તો શું  એવી  સૌને છૂટ આપી દેવી ?? ના, બીજા ધર્મના નામે જે  આવું કરતા હોય તો તેને સજ્જડ રીતે બંધ કરાવવાની પણ  છૂટ આપણું આ જ બંધારણ આપે જ છે,, આપણે તેનો કડક અમલ કરાવીએ. 

એક દલીલ છે કે,ભગવદ ગીતામાં કેટલીક વાતો આજના સંદર્ભમાં વિરોધાભાસી બની રહેલ છે. ઉદાહરણ તરીકે ગીતાના – 9(20) શ્લોકમાં सोमपा: पूतपापा:I સોમરસ એટલે કે, દારૂ પીનારા શુદ્ધ થાય છે તેમ ગીતાના આ શ્લોકમાં કહેવાયું છે. દારૂડિયાઓનાં પાપ નાશ થાય છે અને તેમને તો સ્વર્ગ મળે છે. ઇંદ્રલોકમાં સ્થાન મળે છે. ગીતા ગ્રંથમાં સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રોને પાપયોનિમાંથી પેદા થયેલાનું કહ્યું  છે. હવે  અહીં  આ વાતના સંદર્ભો ચકાસવા જરૂરી બને છે અને તેનો સંદર્ભ આપીને મૂળ વાતને સ્પષ્ટ કરવાની રહે છે. આટલું ઊંડાણથી આપણા શિક્ષકો વાત મૂકે તેવું અપેક્ષિત છે ખરું અને અપેક્ષિત હોય તો તેમ થશે તેવું માનવાને આજે કારણ છે ખરું ??  

ગીતાના અધ્યાય 18 ના શ્લોકો 41,42,43,44,45 માં, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, અને શૂદ્રોએ કયાં કયાં કામો કરવાં તે વર્ણ પ્રમાણે ભગવાને પોતે નક્કી કર્યા છે. વાસ્તવમાં તો એવું આજે રહ્યું નથી. ચાલો, આ અંગે કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછી બેસે તો વર્ગમાં શિક્ષક શો જવાબ આપશે ? શિક્ષક કશોક ભળતો જવાબ આપી બેસે તો ??   

ઊંડું ચિંતન અને તટસ્થ અભ્યાસ કરતાં, બે બાબતો તારવી શકાય :

  1. શ્રીમદ ભગવદ્દ ગીતા એક વિષય તરીકે દાખલ કરીએ તે પહેલા ખુબ બધું મંથન કરીએ અને હોમવર્ક કરીએ. ગીતાસાર રૂપે અર્જુનનું આત્મબળ વધારતા અને મનુષ્યને સ્વધર્મ-આચરણ અને સર્વ-ઈશ્વરાર્પણ બરાબર સમજાવતા શ્લોકો તારવીએ અને તેની પૂર્ણ સમજ ઉદાહરણ સાથે આપીએ.
  2. સમગ્ર ગીતાજીના અઢાર અધ્યાયોને શ્રુતિ અને સ્મૃતિના આધારે તબક્કાવાર ધોરણમાં વહેંચીને એક સુંદર પરિચય તો આપીએ જ  કે જેથી શાળેય ઉંમરમાં વિદ્યાર્થીના કાનમાં એ શબ્દો પડે. ભવિષ્યમાં પ્રત્યેક વિદ્યાર્થી ગીતા  શ્લોકોથી પરિચિત હશે તો તે પોતાનો માર્ગ શોધીને ગીતાજીનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. આપણે જ્ઞાનની બારી ખોલી આપીએ તો ય શ્રેયકર રહેશે.

તળાવોને નહીં ખોદીએ તો “એક હતું તળાવ” એવી આત્મકથા લખવાનો વારો આવશે.

ગુજરાતમાં ૧૯૭૪ થી લઈને દરેક દસકામાં વીસ મીટર જેટલું ભૂગર્ભજળ નીચે ગયું, ૨૦૦૯ થી લઈને ૨૦૧૮ સુધીમાં ભૂગર્ભ જળમાં ૬૧% નો ઘટાડો થયો છે. !!!

ભદ્રાયુ વછરાજાની                                                            bhadrayu2@gmail.com 

વાણી અને પાણી આ બે જોખીને વાપરવા જોઈએ. આપણે વાણીની વાત નથી કરવી પણ પાણીની વાત કરવી છે. 

શ્રી મિત્તલ પટેલ બહુ જાણીતું નામ છે, ગુજરાત માટે..તેમની સાથેની વાતચીતમાં પાણીની ભૂગર્ભ સ્થિતિ કેટલી વિકટ થઇ છે તે બહુ સ્પષ્ટ થયું. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ દ્વારા  આખા ભારતના ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક વિસ્તારોનો સર્વે થયો. બોર્ડે  ભૂગર્ભ જળની પરિસ્થિતિનો સર્વે કર્યો અને એ સર્વેમાં જે આંકડા  મળ્યા  એ બહુ ચોંકાવનારા છે. આપણે  તો ગુજરાતની જ વાત કરવી છે. ગુજરાતમાં સર્વેના કહેવા પ્રમાણે ૧૯૭૪ થી લઈને દરેક દસકામાં વીસ મીટર જેટલું ભૂગર્ભજળ નીચે જઈ રહ્યું છે. એમ કહે છે કે ૨૦૦૯ થી લઈને ૨૦૧૮ સુધીમાં ભૂગર્ભ જળમાં ૬૧% નો ઘટાડો થયો છે. ગુજરાતના કયા જિલ્લામાં પરિસ્થિતિ વધારે વણસી છે તે વિચારીએ તો એમાં ઉત્તર ગુજરાત મોખરે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને અમદાવાદ. પાટણ અને બનાસકાંઠા એકબીજાની પાસે આવેલા જિલ્લાઓ છે.

બનાસકાંઠામાં ભૂગર્ભજળ ઊંડા થયા છે એ તળ  ઉપર આવે એ માટે થઈને જળસંચયના કાર્યો કરવા રહ્યા.  બનાસકાંઠામાં શું પરિસ્થિતિ થઇ છે ? સર્વે કહે છે કે ૧૯૭૪ માં બનાસકાંઠામાં ભૂગર્ભજળ ૫૪ મીટરે હતું એ આજે ૧૬૦ મીટરે પહોંચ્યા છે. આ આંકડા વાંચીને  થોડી વાર માટે તો ખરેખર ગભરાઈ જવાય એવું છે. કેમ કે ૧૬૦ મીટરથી નીચે કેટલા જઈશું ?? એક સમય આવશે કે ભૂગર્ભમાં પાણી જ નહીં હોય અને પાણી જ નહીં હોય તો શું કરીશું ? હા, બોરવેલની ટેક્નોલોજી આવી તે આપણા માટે આશીર્વાદરૂપ થઈ અને એટલે જ અછતવાળા વિસ્તારોમાં ખેતી વધારે સમૃદ્ધ બની. આજે ત્રણ ત્રણ પાક આપણે ખેતીમાં બોરવેલની ટેક્નોલોજીને લીધે  લઇ શકીએ છીએ. પણ આપણે ધરતી  માતાનું દોહન જ કર્યું છે ને  પાણી બહાર કાઢ્યું છે. આપણે ભૂગર્ભમાં પાણી પાછું આપવાનું જેટલી માત્રામાં થવું જોઈએ એટલી માત્રામાં નથી કર્યું, એટલે આપણે આંકડાકીય પરિસ્થિતિને સમજી શકીએ છીએ અને એની ગંભીરતા પણ આપણને સમજાય છે. 

બનાસકાંઠામાં વિચરતા સમુદાય સમર્થન મંચ નામની એન.જી.ઓ. દ્વારા  તળાવો ઊંડા કરવાનું કામ થયું. ગયા વર્ષથી કુવા અને બોરવેલ રિચાર્જનું કામ પણ શરૂ કર્યું,  પણ આ સંસ્થા તો મુખ્યત્વે તળાવો ઊંડા કરવાનું કામ કરે છે.  આનું કારણ પણ છે કે  તળાવ એ ખુબ મોટો જળસ્રોત છે અને વરસાદનું ટીપેટીપું જો આપણે એમાં બચાવી શકીએ અને  એ પાણી સંગ્રહી શકીએ તો બહુ જ મોટું કામ થઈ શકે. આપણા વડાપ્રધાન શ્રી એ હમણાં જ Catch the rain (કેચ ધ રૈન) અભિયાન પણ આ અંતર્ગત જ શરૂ કર્યું છે. બસ એ Catch the rain નું એક સ્ટેપ આગળ અથવા એની સાથેનું ગામમાં પડતું તમામે તમામ પાણી આપણે તળાવમાં અથવા ભૂગર્ભમાં એ જ ગામની સીમમાં અથવા ગામના ગોંદરે કે ઘરના આંગણામાં આપણે એને ઉતારીએ એ મિત્તલનો મુખ્ય ઉદ્દેશ છે. 

આ સંસ્થાએ ૧૬૦ જેટલા તળાવો છેલ્લા છ વર્ષમાં કર્યા. દર વર્ષે મનોરથ છે ૩૦-૪૦-૫૦ તળાવો કરવાનો અને આ જ સંસ્થાની  ભગવાનને અને મેઘરાજાને પ્રાર્થના છે  કે સરસ મજાની રીતે વરસે ત્યાં. બનાસકાંઠામાં વરસાદ પણ અનિયમિત છે પણ સારું એ થયું છે કે ક્યાંક નર્મદા કેનાલ કે નર્મદાની પાઈપલાઈન સાથે સરકારે તળાવો લિંક કર્યા છે અને જે તળાવો લિંક થયા છે એની આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. પણ તકલીફ એ છે તળાવો ગાળવાનું આપણે ભૂલી ગયા છીએ. મિત્તલ પટેલ તો હંમેશા કહેતી હોય  છું કે એક સમય એવો આવશે જો તળાવોને નહીં ખોદીએ તો “એક હતું તળાવ” એવી આત્મકથા લખવાનો વારો આવશે. 

તળાવો ખોદાય તો શું ફાયદો થાય ? ભટાસણા ગામ છે ત્યાંનું તળાવ ઊંડું કર્યું એ તળાવ ઊંડું થતાં જ ત્યાં પાણીના તળ ખાસ્સા ઊંડા પહોંચી ગયેલા અને ગામનું નસીબ બાજુમાંથી જ નર્મદા પાણીની પાઈપલાઈન જતી હતી અને એ પાઈપલાઈન સાથે એ તળાવ લિંક થયું તો  એના કારણે એ છીછરું તળાવ ભરાવાનું શરૂ થયું, પણ તળાવ તો છીછરું હતું. રકાબીમાં કેટલું પાણી ભરાય ? સંસ્થાએ  એનો સરસ મજાનો વાટકો કરી આપ્યો.  ગામે સહયોગ કર્યો, માટી ઉપાડવાનું એમણે કર્યું, ખોદવા માટે JCB સંસ્થાએ  મૂક્યું અને એના પરિણામે આજે ગામમાં શું ફર્ક થયો અને શું ફાયદો થયો તે ત્યાંના રહેવાસી કીર્તિભાઈના મોઢેથી આપણે સાંભળીએ.

“જે તળાવ ગાળવામાં આવ્યું એનાથી મુખ્ય ફાયદો એ થયો કે ગામની અંદર આ બાજુ પાણીની ખુબ તકલીફ છે. અત્યારે હાલ ખેતરમાં ખાડા કરીએ તો ૫૦-૫૦ ફૂટે પાણી મળે છે, તળાવથી એક વર્ષમાં મુખ્ય ફાયદો એ થયો. આવા જો આજુબાજુ ના બે ત્રણ  તળાવ વર્ષો વર્ષ પાણીથી ભરાશે તો અમને એમ છે કે આ ગામની આજુબાજુની જમીનનું પાણીનું તળ ઉંચુ આવશે. કારણ કે એક  વર્ષમાં અમને આનો મુખ્ય ફાયદો દેખાયો છે. બીજું કે વરસાદ કદાચ લંબાય  તો ગામને નજીક તળાવ છે, તો ગામ લોકોને પીવા માટે, પશુપાલન માટે, ઘરગથ્થુ વપરાશ માટે પણ પાણી ઉપયોગમાં લઇ શકાય. રખડતા પશુ પક્ષી ને લાભ થાય. આવનારી પેઢીના  નવયુવાનો  આ તળાવને જોઈ ને તળાવનું મહત્વ સમજે ને પાણીનું મહત્વ સમજે એ મુખ્ય ઉદ્દેશ છે.”  

આ એક માત્ર ભટાસણા ની આ વાત નથી.  આવા ઘણા ગામો છે કે જેમને ફાયદો થયો હોય. ઘણા એવું પણ કહે છે કે બનાસકાંઠામાં તો વરસાદ જ કેટલો અનિયમિત છે એટલે ગામ નર્મદા સાથે લિંક થાય તો જ અમારા પાણીના તળ ઉપર આવે. આ  વાત સાચી છે પણ નર્મદાની રાહ જોઈને બધા વસ્તારોમાં બેસી રહી તો નહીં શકાય ને જ્યાં નર્મદા કે પાઈપલાઈન નથી આવતી એવા વિસ્તારોમાં જાતે તો મથવું પડશે ને ? આજે ગામમાં ઘર છે,  એના કરતા બોરવેલ વધારે છે ત્યારે ટીપેટીપાને આપણે બચાવીશું તો ભૂગર્ભજળ ખાલી થવાના કદાચ દસ વર્ષમાં થવાનું હશે તો એ ટીપેટીપું આપણે તળાવના કે બોરવેલ રિચાર્જનાં માધ્યમથી બચાવ્યું હશે તો એ ૧૫ થી ૨૦ વર્ષ ચાલી શકે અને કોને ખબર કદાચ ત્યાં સુધીમાં નર્મદા આપણી જીવાદોરી બની રહેશે. તો આવી રીતે તળાવ ગાળવાથી  ભટાસણાના લોકોને જે ફાયદો થયો છે એ પ્રકારે ગામેગામની  ફાયદો થઈ શકે. મિત્તલ પટેલ તો જાહેરમાં અપીલ કરે છે કે,  તમારા ગામમાં તમને તળાવ ગળાવવા માટેની ઈચ્છા હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો,  પણ ગામની ભગીદારી સાથે અમે તળાવ કરીએ છીએ,  એટલે JCB અમે મુકીશું અને માટી ઉપાડવાનું કામ તમારે કરવાનું છે. સાથે સાથે નાનકડો લોકફાળો તમારાથી જેટલો થાય એ ભેગો કરો. એ ફાળો ભેગો કરીશું જેને આપણે ખોદકામમાં જ ખર્ચ કરીશું. અને દરેક આમ જળકર સરકાર ઉઘરાવે છે એ નહીં પણ ગામ પોતાની રીતે જળકર ઉઘરાવાનું શરૂ કરે,  ઘરદીઠ ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા બહુ મોટી રકમ નથી એટલી તો ભેગી કરી જ શકીએ તો પણ લાખ દોઢ લાખ રૂપિયા આપણે ભેગા કરી શકીએ અને દોઢ લાખ રૂપિયા જો આપણી પાસે ભેગા થાય છે તો દર વર્ષે ચોમાસા પછી તળાવોમાં આવતો કાપ, માટી કચરો જે પણ હોય એ આપણે સાફ કરીને તળાવને દર વર્ષે સાફ રાખી શકીએ. કોઈ સરકાર કે કોઈ સંસ્થા કે અમારા જેવાની તમને જરૂર નહીં પડે. આવનારી પેઢીને ધન દોલત તો ઘણી આપીને જઈશું પણ જમીનમાં પાણીના તળ સાબદા નહીં આપીએ તો એ આપણને  ક્યારેય માફ નહીં કરે. (મિત્તલ પટેલ, વિચરતા સમુદાય સમર્થન મંચ, હરિકુટિર, સદવિચાર પરિવાર કેમ્પસ, સેટેલાઇટ, અમદાવાદ, ગુજરાત-380015)

“પુસ્તક તમને પસ્તી થતા બચાવે છે..!!”

રાજકોટનું  સાહિત્યસેતુ અને નવસારીની લાઈબ્રેરી માર્ગ ચીંધે છે

ભદ્રાયુ વછરાજાની         bhadrayu2@gmail.com 

“આજે ક્યાં કોઈ વાંચે છે ?”

“બધા મોબાઈલમાં જ માથું નાખીને બેઠા છે ને !”

‘હવે પુસ્તકો સુધી તો કોઈ પહોંચતું જ નથી ..”

આ અને આવા અનેક ઉદગારો આપણે વારંવાર સાંભળ્યા  કરીએ છીએ અને ક્યારેક તો આપણે જ ઉચ્ચારીએ પણ છીએ…

પણ ખરું કહેજો,,, આપણે પોતે કેટલા પ્રયત્નો કર્યા  કે કોઈને વંચાવીએ ?? લાવો, કોઈના ઘર સુધી કે કોઈના હાથ સુધી પુસ્તકો પહોંચાડીએ ?? હા, આપણે પુસ્તક દિને ઢગલાબંધ મેસેજો ફોરવર્ડ કર્યા  અને પુસ્તક વાંચવા જોઈએ ને એવી બધી  સુફિયાણી  સલાહોના ધોધ વહાવ્યા અને તે દિવસે એ જ વોટ્સએપ પર સૌને વાંચતા કર્યા !! ખરું કે નહીં ?? કડવું છતાં સત્ય છે કે નહીં ??

હા, રાજકોટમાં સર્જક-લેખક-કવિ કે એવું કશું જ નથી એ અનુપમભાઇ દોશીએ ‘સાહિત્ય સેતુ’ના બેનર હેઠળ લોકો સુધી પુસ્તકને લઇ જવા માટે આખો દિવસ ફાળવ્યો. એ ‘પુસ્તક પરબ’ ચલાવે છે. કોઈ આવે ને પુસ્તક દઈ જાય અને કોઈ આવીને ગમતું પુસ્તક લઇ જાય !! મહિનામાં પહેલા રવિવારે કાલાવડ રોડ પર કોટેચા સ્કૂલના સભાખંડમાં..કોઈ ચાર્જ નહીં કોઈ ફોર્માલિટી નહિ..પુસ્તક દિને આ ‘સાહિત્ય સેતુ’ છેક પહોંચ્યું બાલાજી હનુમાનના મંદિરે , રાજશ્રી ટોકીઝની બાજુમાં, ગીર્દીવાળા સ્થળે..અને એ  પણ શનિવારે કે જ્યાં હનુમાન ભક્તોની જબરી ભીડ જામી હોય ત્યાં જઈને  પુસ્તકો પાથરી દીધા. દર્શન કરવા આવનારની નઝર પડી ને નજીક આવ્યા અને પુસ્તક હાથમાં લઇ જોવા લાગ્યા અને પછી પ્રેમથી ઘરે લઇ જવા લાગ્યા.. આ જોઈને અનુપમભાઈ અને તેની ટોળી તો રાજી રાજી… હા, તેઓએ  રાજકોટની અગિયાર શાળાઓને સો-સો પુસ્તકો ભેટ આપીને ત્રેવીસમી એપ્રિલનો પુસ્તક દિન સાચા અર્થમાં ઉજવ્યો. એવા વિરલા કો’ક કે જેમણે ન તો વોટ્સએપ જોયું કે ન તો કોઈને જોવા દીધું,,પુસ્તક દિને !!

આવી જ લાંબા ગાળાની અસર ઉભી કરતી પ્રવૃત્તિ થઇ નવસારીમાં. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારી દ્વારા તો વેકેશન વાંચનોત્સવ નો પુસ્તક દિને શુભારંભ થયો. તેઓ દર વર્ષે બાળકોને વાંચન તરફ પ્રવૃત કરવા  માટે વેકેશનમાં સુંદર પ્રવૃત્તિ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પુસ્તકાલય બાળકો-વિધાર્થીઓ માટે વેકેશન દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર છે. ૨૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિનથી આરંભ થયેલ  “વેકેશન વાંચનોત્સવ”  અંતર્ગત થનારી પ્રવૃત્તિઓ ૪ જુન ર૦રર સુધી ચાલશે. જેમાં વિવિધ શીર્ષક હેઠળ સુંદર કાર્ય થતું રહેશે.

એક) ચાલો વાચીએ – ચાલો લાઈબ્રેરીમાં

છેલ્લા એક દાયકાથી વેકેશનમાં યોજાતી આ પ્રવૃત્તિમાં સામેલ થતાં જ બાળકને એક નોટબુક મળશે. જેમાં વાંચેલ પુસ્તકોની નોંધ અને વિચારસાર લખવાના રહેશે. પાંચ પુસ્તકોના વિચારસાર  લખનાર વિદ્યાર્થીને એક ફુલસ્કેપ નોટબુક પુરસ્કાર રૂપે મળશે. વધુમાં વધુ 10 નોટબુકો એટલે આખા વર્ષની નોટબુકો વિદ્યાર્થી પોતે જ પુસ્તકો વાંચી મેળવી શકે.

બે) નમન ક્રાંતિવીરોને (આઝાદીના લડવૈયાઓને) અને વીરબાળાઓને

આઝાદીના અમૃતમહોત્સવના વર્ષમાં વિધાર્થી આપણા ક્રાંતિવીરો અને વીરબાળાઓના જીવન, સંઘર્ષ, ત્યાગ, સમર્પણ, બલિદાન વિષયે જાણીને રાષ્ટ્રભાવનાનું મુલ્ય સમજશે, એમના વિશે પુસ્તકો વાંચીને લખશે. વેકેશનના અંતે એની પાસે પોતાના શબ્દોમાં લખાયેલો ઓછામાં ઓછા ૧૫ આવા ક્રાંતિવીરો અને વીરબાળાઓનો ઈતિહાસ હશે જે એમના માટે કાયમનું સંભારણું બનીને રહેશે. આ બધા  વિધાર્થીઓને પુસ્તકાલય આગવી રીતે પુરસ્કૃત કરશે.

ત્રણ) બુદ્ધિ, તર્ક, કલ્પના વિસ્તારનારી રમતો :: 

ધોરણ ૧ થી ૧૨ ના બાળકો માટે વેકેશન દરમિયાન દરરોજ સવારે ૧૦.૦૦ થી ૧ર.૦૦, પ્રોજેક્ટર સ્ક્રીન પર સંવેદના સંકોરતી, સંસ્કાર ઘડતરની ફિલ્મો બુધવાર અને શુક્રવાર સમય સાંજે ૪.૦૦ વાગ્યા થી.. જેવા  ૧૦ કે ૧૫ વિદ્યાર્થીઓ થયેથી ફિલ્મ બતાવાશે. ફિલ્મના અંતે એના વિશેની માહિતીસભર ચર્ચા વિદ્યાર્થીશ્રોતાઓ કરશે.

ચાર) વાર્તાકથન અને વાતલેખન વર્કશોપ

ધોરણ ૫ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે મે મહિનામાં પુર્વ જાણ કરીને નક્કી કરેલી તારીખે એક દિવસીય એવા વાર્તાલેખન અને વાર્તાકથન અથવા વાચિકમના એવા બે અલગ વર્કશોપના આયોજન વિદ્વતજનના માર્ગદર્શન હેઠળ થશે. આ વર્કશોપ હેઠળ મળેલ માર્ગદર્શન વિદ્યાર્થીઓને શાળાકીય ઈતર પ્રવૃત્તિઓમાં અને જીવનમાં પણ ખુબ ઉપયોગી નીવડશે.

પાંચ) પુસ્તક વિશ્વમાં પખવાડિયું

ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ બે થી ચાર સપ્તાહ દરરોજ ચાર થી પાંચ કલાક પુસ્તકવિશ્વ (પુસ્તકાલયમાં) આવશે. પુસ્તકો તથા મેગેઝીનોને જોવા, વર્ગીકૃત કરવા, નોંધવા એવા કાર્યો દ્વારા પુસ્તકાલયને જાણશે. બાળકોની ઈતર પ્રવૃતિઓમાં સહયોગ આપશે. આ પ્રવૃત્તિમાં જોડાનાર દરેક વિધાર્થીને પુસ્તકાલય આગવી રીતે  પુરસ્કૃત કરશે. આ સાથે વિદ્યાર્થી પોતાના જીવનમાં સારો બદલાવ આવ્યાનું અનુભવશે.

જે વિદ્યાર્થીઓની પરીક્ષા વહેલી પૂરી થાય છે તેઓ 23 એપ્રિલથી વેકેશન વાંચનોત્સવમાં જોડાઈ શકે છે. વેકેશન વાંચનોત્સવનો શુભારંભ કરાવ્યો  જાણીતા કવિ-લેખક અને વિવેચક શ્રી વિનોદ જોશીએ.

વેકેશન વાંચનોત્સવનો ઉદેશ સ્પષ્ટ છે :: મોબાઈલ ટીવીથી દુર રહી લાયબ્રેરીમાં જઈશું.  લાયબ્રેરીમાંથી લાવેલ પુસ્તકોનું વાંચન કરી સ્વવિકાસ કરીશું

 

સોશ્યલ મીડિયા માં આ નવસારી વાળો મેસેજ બહુ વાઇરલ થયેલ છે, કારણ કે સૌને ભૂખ તો લાગે જ છે પણ કોઈ મેસેજ ફોરવર્ડ કરીને તે સંતોષે છે તો કોઈના માટે નવસારીની લાઈબ્રેરી અને સાહિત્યસેતુ જેવી સંસ્થાઓ પહેલ કરે છે.

 

મમ્મી-પપ્પા પોતાના સંતાનોને સ્વિમિંગ કે સ્કેટિંગ કે જિમ કરાવે તેનો વિરોધ નથી પણ શરીર સારું હશે પણ બુદ્ધિ બુઠ્ઠી હશે તો…? બુદ્ધિમાં સાત્વિક વિચાર હશે તો શરીર પ્રભાવશાળી બનશે,  આ વાત સમજીને મા-બાપ પણ વેકેશનમાં પોતાના સંતાનને કોઈ લાઈબ્રેરીના સભ્ય બનાવે તેવી વિનંતી એક શુભેચ્છક તરીકે કરું છું.

 

ભગવદ ગીતા ભણાવીશું કઈ રીતે ?

મૂળ ગીતાને સમજવી અને સમજાવવી ખૂબ અઘરી છે, ત્યારે વર્ગખંડ  માટે ગીતાનું કયું માધ્યમ યોગ્ય ગણાશે ?

ભદ્રાયુ વછરાજાની                                                           bhadrayu2@gmail.com

શિક્ષણમાં ધર્મના કોઈ પણ તત્વોને દાખલ કરતા પહેલા બહુ ઊંડો વિચાર કરવાની જરૂર રહે છે. આ ઊંડાણથી વિચાર કર્યા વગર જો કેવળ ભાવાત્મકતાથી કોઈ બાબત અભ્યાસક્રમનો ભાગ બનાવી દેવામાં આવે તો તે મુદ્દો ભવિષ્યમાં બૂમરેંગ  થાય તેવી પૂરી શક્યતાઓ છે.

કહે છે કે  આપણા શિક્ષણ કાર્યમાં શ્રીમદ ભગવદ્દ  ગીતાને સ્થાન આપવામાં આવશે. જ્યાં સુધી શ્રીમદ ભાગવત ગીતાને સબંધ છે ત્યાં સુધી એ કોઈ ધર્મનો ગ્રંથ નથી,  પરંતુ  એ વૈશ્વિક વ્યવસ્થાપન માટેની આચારસંહિતા નક્કી કરતો ગ્રંથ છે એટલે ભગવદ્દ  ગીતાના અભ્યાસમાં દાખલ થવા અંગે કોઈ વિવાદી વાત કરવાની આવશ્યકતા કોઈ તરફથી રહેતી નથી. આપણે જો પંચતંત્રની વાર્તાઓ ભણાવીને અથવા બૌદ્ધ કથાઓ ભણાવીને તેમાંથી મૂલ્ય પ્રતિસ્થાપન કરી શકતા હોઈએ તો  તે જ રીતે શ્રીમદ ભગવદ્દ ગીતામાં વૈશ્વિક  સ્તરને સ્પર્શે તેવું જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને માધ્યમ બનાવીને આપણને આપવામાં આવ્યું છે તેનો વ્યાપક ફેલાવો શિક્ષણના નાના વર્ગથી થાય તે સર્વથા આવકાર્ય છે.

ધોરણ ૬ થી ભગવદ્દ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવાનો પ્રસ્તાવ છે . અલબત્ત આ પ્રસ્તાવ મુકનાર અને તે અંગે અનુકાર્ય કરનાર ખૂબ સજાગ લોકો જ હશે.  મહાભારત મહાગ્રંથના એક પર્વમાંથી ૭૦૦ શ્લોક એ ભગવદ્દ  ગીતા છે. પણ ૧૮ અધ્યાયમાં વહેંચાયેલ આ ૭૦૦ શ્લોક મૂળ સંસ્કૃતમાં વાંચવા કે ઉચ્ચરિત કરવા એ પણ બહુ આવડત માંગે છે. એ માટે સજ્જતા જોઈએ અને એ સજ્જતા કેળવાય તેના માટે સક્ષમ શિક્ષકો જોઈએ. આપણી પાસે આ બંને નથી, તે સહજ સ્વીકારવામાં વાંધો નથી. મૂળ ગીતાને સમજવી અને સમજાવવી ખૂબ અઘરી છે, ત્યારે વર્ગખંડ  માટે ગીતાનું કયું માધ્યમ યોગ્ય ગણાશે ? વળી, છઠ્ઠા ધોરણથી ભગવદ્દ ગીતાના સંસ્કૃતના શ્લોકોને માત્ર ગોખાવી નાખવા અથવા તેના અર્થઘટનને જ ગોખાવીને વિદ્યાર્થીઓ તૈયાર થયા છે એમ માની લેવું તે આપણી જાત સાથેની છેતરપિંડી બની રહેશે ત્યારે ભગવદ્દ  ગીતાને સરળતાથી વિદ્યાર્થીઓના હૃદય સુધી કેમ પહોંચાડી શકાય એ વિચાર માંગે તેવો મુદ્દો છે. આ અંગે નીતિ નિર્ણાયકો ખૂબ ઊંડો અભ્યાસ કરી રહ્યા હશે એ નક્કી.

શ્રીમદ  ભગવદ્દ ગીતા ઉપરના અનેકાનેક ભાષ્યો આપણી પાસે ઉપલબ્ધ છે. જો ગુજરાતની અને ગુજરાતીની વાત કરીએ તો આપણે કેટલાક મુદ્દાઓ તારવી શકીએ :

(૧) શ્રીમદ ભગવદ્દ ગીતાના ૧૮ અધ્યાયને ધોરણ ૬ થી લઈને ધોરણ ૧૨ સુધીમાં એમ જ વહેંચી દઈને ભણાવવાનું આપણને અઘરું પડશે, કારણકે મૂળ શ્લોકો બહુ જ તૈયારી માંગે છે અને તૈયારી છતાં સ્પષ્ટ સમજ ન થઇ શકે તેવા એ શ્લોકો છે.

(૨) આ મુશ્કેલીનો સરળ રસ્તો છે. ગુજરાતમાં કેટલાક સમર્થ ગુજરાતીઓએ શ્રીમદ ભગવદ્દ ગીતાનું  સમશ્લોકી ભાષાંતર કરેલું છે. એ સમશ્લોકી ભાષાંતરમાં સૌથી પહેલું અને પ્રખ્યાત નામ શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાલાનું આવે. જેમણે અતિ સુંદર રીતે સહજતાથી સમજાય જાય તે રીતે સમગ્ર ગીતાના ૭૦૦ શ્લોકોનું સમશ્લોકી ગુજરાતી એવી રીતે કર્યું છે કે જાણે તમે એ વાંચતા જાઓ અને તમને તેનો અર્થ સમજાતો જાય. ઉદાહરણ તરીકે નીચેના  શ્લોકો  જોઈએ જે અધ્યાય બીજામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવતાં  કહેવામાં આવેલ   છે.

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ?  

બોલે, રહે, ફરે, કેમ મુનિ તે સ્થિર બુદ્ધિનો.

 

ક્રોધથી મૂઢતા આવે ને મૂઢતા સ્મૃતિને હરે 

સ્મૃતિ લોપે બુદ્ધિ નાશબુદ્ધિ નાશે વિનાશ છે.

આ બે શ્લોક વાંચીશું તો તાત્કાલિક એના અર્થ કોઈ ન સમજાવે તો પણ આપણને સમજાઈ જશે. આ સમશ્લોકી ‘ગીતા ધ્વનિ’ના નામથી આજે  ઉપલબ્ધ છે.

(૩) પોતાના સહજભાવથી જેમણે ભગવદ્દ ગીતાને સ્મશ્લોકીમાં સુંદર રીતે ઉતારી આપ્યું તે શ્રી પૂજ્ય મોટા છે. પૂજ્ય મોટા દ્વારા ‘જીવનગીતા’ નામે સમશ્લોકી ગીતા  આપણને મળે છે.

અધ્યાય બીજાના કેટલાક શ્લોકો જે સમશ્લોકી પૂજ્ય મોટાએ તારવ્યા છે એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે કેટલા સરળતાથી એમાં હાર્દરૂપ વાત કહેવામાં આવી છે.

કૈંક પાર્થ થયો સ્વસ્થ ત્યાં કૃષ્ણે ઠપકો દીધો;

આવો મોહ તને ક્યાંથી ? અરે, અર્જુન ! કાં ડગ્યો ?”

 

દેહ ને દેહમાં રહેતા આત્માનો ભેદ કાં ભુલ્યો ?

મરે છે, આત્મા તો કદી નાશ ન પામતો .

 

જો આપણે ‘જીવનગીતા’માંથી ગીતાગાન કરીએ તો આપણને ખ્યાલ આવે કે સંસ્કૃતની કેટલીક આપણા પક્ષની મર્યાદાઓને ઉવેખીને આપણા સુધી ભગવદ્દ ગીતાને પહોંચાડવાનું કામ આ સમશ્લોકી ગીતા  કરાવી શકે એમ છે.  (ક્રમશ:)