પાંચ બસ ભરીને અંકુર શાળાના બાળકો અને તેની મમ્મીઓ ઉપડી યાદગાર પ્રવાસે
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
“અંકુર સ્કૂલમાંથી યોજાયેલ પ્રવાસમાં મારો પૌત્ર મહમ્મ્દ રઝા અને તેમના મમ્મી યાસ્મીનબેન ગયા હતા. દસ દિવસનો પ્રવાસ પૂરો કરીને ગઈકાલે ઘરે આવીને પ્રવાસનું અને અનુભવોનું વર્ણન કર્યું છે અને તમામ મંદબુદ્ધિના બાળકોની જે સાર સંભાળ લીધી છે અને દરેક સ્થળે જે મજા કરાવી છે અને દરેક જગ્યાએ જે સગવડતાઓ પુરી પાડી છે તે સાંભળીને બહુ જ ખુશી થઈ છે. ખરેખર આવી કાબિલેદાદ સેવા તો ઘરના ધણી પણ આપી ન શકે. આ પ્રવાસ તેઓની જિંદગીનો ન ભૂલી શકાય તેવો યાદગાર પ્રવાસ બની ગયો છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો તમો બધા કે જેઓએ તન મન ધનથી આવી નેક સેવા કરી છે અને આવું નેક શુભ કાર્ય કરીને માનવતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા નેક કાર્યનો બદલો તો ઉપરવાળો જ આપી શકે. ફરી વખત ધન્યવાદ લિ. માસુમ અલી ભીમાણીના દુઆ સલામ.“
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામના માસુમ અલી ઈબ્રાહીમભાઈ ભીમાણીનો આ પત્ર સકારણ અહીં પેશ કરવામાં આવ્યો છે. આપણને પત્ર વાંચીને થોડીવાર આશ્ચર્ય થાય કે આ રીતે કોણ પોતાનો રાજીપો વ્યક્ત કરી રહ્યું હશે ? પણ આ વાત એક અવિસ્મરણીય મેગા ટુરના આયોજનની છે. અવિસ્મરણીય એટલા માટે કે આ પ્રવાસ ભાવનગરથી હરિદ્વાર સુધીનો નક્કી કરવામાં આવ્યો. આપણને આશ્ચર્ય થાય કે એક, બે કે ત્રણ નહીં પણ પાંચ બસ ભરીને કુલ ૩૧૦ લોકો સાથે મંદબુદ્ધિના બાળકો પ્રવાસે ઉપડે અને તેમને મનગમતા ભોજન અને ભજન સાથેની યાત્રા સુખરૂપ પરિપૂર્ણ થાય. આશ્ચર્ય તો એ છે કે આ પ્રવાસ દરમિયાન કોઈએ જીવનમાં પહેલીવાર પંજાબી સૂટ પહેર્યો તો કોઈએ જીવનમાં ત્રણ ટાઈમ રોજ પહેલીવાર ખાધું. કોઈ બસમાં પહેલીવાર બેઠા, તો કોઈ પોતાની મમ્મી સાથે આ રીતે ઘરની બહાર પહેલીવાર નીકળ્યા. ગંગાસ્નાનમા કોઈએ દીકરાનું, તો કોઈએ પત્નીનું તો કોઈએ દીકરાની વહુનું તર્પણ કર્યું. કોઈની ત્રીજી પેઢીમાં કોઈ પહેલીવાર કોઈ ગંગા સ્નાન કરવા પામ્યું.
જીવન એક યાત્રા છે. કોઈની યાત્રા મજાની હોય, આરામદાયક સુવિધાયુક્ત પડકાર વગરની હોય, તો પણ થોડીક ફરિયાદ તો એમાં રહેતી જ હોય. પણ આ પ્રવાસ એવા સમાજનો હતો કે જેઓ હંમેશા પોતાના મંદબુદ્ધિના બાળકોના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ લઈને રાત્રે સુવે છે. કેટલાક મા બાપ ઈશ્વરે પોતાને શ્રાપ આપ્યો છે એટલે એવું બાળક જન્મ્યું છે એવું માને છે. તો કેટલાક એવું માને છે કે આના કરતા આત્મહત્યા કરી લઈએ તો સારું. આવા બધા વિચિત્ર મનોવલણો ધરાવતા મંદબુદ્ધિના મા બાપ પોતાના દેવના દીધેલને એક શાળામાં દાખલ કરે છે જે શાળાનું નામ ‘અંકુર સ્કૂલ ફોર મેન્ટલી રિટાર્ડેડ ચિલ્ડ્રન’ એટલે ‘મંદબુદ્ધિવાળા બાળકોની શાળા અંકુર’ છે. આ શાળા છેલ્લા ૪૧ વર્ષથી એકધારો પુરુષાર્થમય પ્રવાસ કરી રહી છે. એમની બધી જ પ્રવૃતિઓ વિષે જાણીએ તો અવાચક રહી જવાય કે આ પ્રકારના બાળકોને કેવી રીતે દાખલ કરીને એમને જીવનનો આનંદ અપાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે.
દરેકે દરેક પર્વ અહીં ઉજવાય, દરેકે દરેક જીવનની નાની મોટી ઘટનાઓના સાક્ષી બનાવવાનું થાય. અને એ દરેકની અંદર માતાપિતાને સાથે જોડવામાં આવે કારણકે માતા પિતાના સાથ વગર તો આ બાળક એક ડગલું ભરવા પણ શરૂઆતમાં તૈયાર નથી હોતું. નવાઈ લાગશે કે શાળામાં ત્રણ વર્ષથી અઢાર વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. શાળામાં સરકારમાન્ય કરીક્યુલમ એટલે કે અભ્યાસક્રમ અને મંદબુદ્ધિના બાળકો માટેનો વિશિષ્ટ અભ્યાસક્રમ એમ બંનેને સાથે જોડીને બાળકોના શારીરિક અને માનસિક સ્તરને ધ્યાનમાં રાખી ગ્રુપ પ્રમાણે ધોરણ ૧ થી ૬ વર્ગીકૃત કરી પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. અહીં ભણાવવામાં આવતું નથી પણ અહીં તો સાથે સાથે જીવવામાં આવે છે. શાળામાં આધુનિક ટેક્નોલોજી જેમાં કમ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટ ફોન, સ્માર્ટ બોર્ડ, ઈ લર્નિંગ તેમજ વર્ચ્યુઅલ તાલીમની સગવડતાઓ ઉભી કરવામાં આવી છે. આ શાળાના ઉત્સાહી શિક્ષકો આ બાળકો આનંદમાં રહે જીવનમાં ખુબ સારી એવી મજા માણતા રહે તેના માટે કટિબદ્ધ છે. વર્ષ દરમિયાન વારંવાર અનેક પ્રકારના કાર્યક્રમના આયોજનો થાય છે. અને તેમાં સૌને સામેલ કરવામાં આવે છે.
માર્ચ ૨૦૨૨ ના ૧૯ મી તારીખથી લઈને ૩૦ મી માર્ચ ૨૦૨૨ સુધી એટલે કે ૧૧ દિવસનો એક અનોખો પ્રવાસ મંદબુદ્ધિનું બાળક અને તેની મમ્મી એમ સાથે યોજવામાં આવ્યો અને એમાં પાંચ બસ ભરીને ૩૧૦ લોકો સાથે તેઓ શ્રીનાથજી, ઉદયપુર, જયપુર, દિલ્હી, આગરા, હરિદ્વાર, મસૂરી, ઋષિકેશ અને વળતા અંબાજી થઈને ભાવનગર પરત આવ્યા. હા દાતાઓએ બહુ મોટો સહકાર આપ્યો અને પરિણામે આ મંદબુદ્ધિના બાળકોની માતાઓ કે જે ક્યારેય ઘરની બહાર નીકળી નથી, કેટલીક ૪૫ વર્ષથી નથી નીકળી તો કેટલીક તો ૭૦ વર્ષે પણ બહાર નથી નીકળી એવી સ્ત્રીઓ અને બાળક સાથે હોય અને મા દીકરો બહાર નીક્ળ્યાનો અને ચોખ્ખી મજાની હવા મેળવ્યાનો, ગંગા નદીનું પાણી માથા ઉપર ચડાવ્યાનો આનંદ લે ત્યારે અંકુરણ શિક્ષકો માટે આંખના ખૂણા ભીના થાય.
જયારે ૧૯ માર્ચ ના રોજ આ પ્રવાસનો આરંભ થયો ત્યારે ભાવનગરના ASP શ્રી શફી હસન અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બાબાભાઈ તથા શુભેચ્છકોની વિશાળ હાજરીમાં પ્રવાસને લીલી ઝંડી આપતા પ્રસન્ન બદને ઉભા હતા. આ સમગ્ર પ્રવાસ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોમાં મંદબુદ્ધિના બાળકોને, તેમના મમ્મીઓએ હાથ પકડી પકડીને જોડ્યા છે. કેટલીક મમ્મીઓ એવી હતી કે જેણે ખુલ્લા બજારમાં જઈને પહેલીવાર ખરીદી કરી. અહીં તેમના હાથમાં ઘરની સાવરણી ન હતી અથવા તો મંદબુદ્ધિના બાળકોને બાંધીને જકડી રાખતા વાતાવરણની કોઈ પ્રકારની કેદ ન હતી. બાળકને શિક્ષકોએ સંભાળ્યા. આ યાત્રામાં ઈશ્વર જાણે સંભાળ લેતો હોય એવા અનેક અનુભવો થયા. હરિદ્વારમાં હરકીપેડી આરતીમાં જ્યાં માનવ મહેરામણનો વિસ્ફોટ થતો હોય તેવી જગ્યાએ આ ૩૧૦ લોકો એક સાથે માતા ગંગાની સાંધ્ય આરતીમાં જોડાયા આમ છતાં એક પણ બાળક કે એની માતા ગુમ થયા હોય કે તેને શોધવા નીકળવું પડ્યું હોય એવો એક પણ દાખલો બન્યો નહીં.
આપણે માર્ચ મહિનામાં સરકારનો ટેક્સ ભરીએ છીએ.. પણ અહીં અનેક દાતા અને અંકુર સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, કાર્યકરોએ માણસનો અવતાર લઈને તેનો ટેક્સ ભરી ઈશ્વરના ચોપડે બધું જ જાણે સરખું કરી દીધું. મજાની વાત એ છે જયારે ૧૧ દિવસ પુરા કરીને વહેલી સવારે ૪ વાગ્યે પાંચ બસો ભાવનગરના અંકુર શાળાના પરિસરમાં પ્રવેશી ત્યારે અંકુર શાળાનો સ્ટાફ અને આ બાળકોના બાકીના ઘરના સદસ્યો ઢોલ અને નગારા સાથે આ બાળકોએ કરેલી યાત્રાને વધાવવા વાજતે ગાજતે હાજર હતા. અંકુરમાં ચાલતી ટ્રેનિંગ કોલેજ ના સૌ તાલીમાર્થીઓ કે જે આવતીકાલે આ જ પ્રકારના બાળકોની આંગળી પકડવાના છે એ તાલીમાર્થીઓએ સમગ્ર કેમ્પસને લાઇટિંગ દ્વારા સુંદર રીતે સુશોભિત કરીને આ બાળકો અને એની માતાઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રવાસને અંતે અનુભવ સંવાદ પણ યોજાયો અને સંસ્થા દ્વારા સૌને આકર્ષક સ્મૃતિ અર્પણ કરવામાં આવી. શાળાના ટ્રસ્ટીઓ અને આ અંકુર શાળાનું સંચાલન કરનાર PNR સોસાયટીના હોદ્દેદારો દ્વારા સૌને સમૂહ ભોજન સાથે ફરી આવતા વર્ષ માટે તૈયાર થવાનું ઈજન આપવામાં આવ્યું.
સેવા કાર્ય માટે થઈને આજે બે શબ્દો વપરાય છે. સમાજસેવા અને સમાજકાર્ય કોઈએ તમારી પાસે આવીને કહ્યું કે જમ્યો નથી, મારી પાસે પૈસા નથી અને અત્યારે જમવું છે, તો તમે એને નજીકની નાનકડી હોટેલમાં લઇ જઈને જમાડી દ્યો છો એ સમાજસેવા છે પણ કોઈ તમને આવી કહે છે કે હું જમ્યો નથી ત્યારે તમે વિચારો છો, વધુ પૂછો છો, જાણો છો કે આની સ્થિતિ શું છે અને સ્થિતિને કાયમ દૂર કરવી હોય તો શું થઈ શકે ? એ માણસને કામે લગાડી એ રોજ રળતો થાય અને રોજ પોતાનો રોટલો પોતે ખાતો થાય એવું જો ગોઠવવામાં તમે સાથે ચાલો છો તો એને સમાજકાર્ય કહેવાય છે. અંકુર મંદબુદ્ધિના બાળકોની શાળા સમાજકાર્ય કરનારી સંસ્થા છે. અંકુર એ પ્રચલિત નામ છે, તેના એક શિક્ષિકા સોશિયલ મીડિયા ઉપર બહુ મોટું સ્થાન ધરાવે છે. તેઓ કશું કરતા નથી પણ પોતાને થતા મંદબુદ્ધિના બાળકો સાથેના જીવનને હચમચાવી નાખનાર પ્રસંગોનું તેઓ વર્ણન કરે છે. ઘણા તો એવું જ માને છે કે આ નેહલબેન ગઢવી જ જાણે મંદબુદ્ધિના બાળકોની આ સંસ્થાનું સંચાલન કરે છે. હકીકત એ છે કે તેમણે જ્યાં સરકારની એક સ્થાયી પગારવાળી નોકરી કરવાની છે એ નોકરીને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું છે અને પરિણામે એ જ્યાં જાય ત્યાં આ મંદબુદ્ધિના બાળકો વિષે વાત કરે છે અને થોડી હમદર્દી લોકોમાં ઉત્પ્ન્ન કરાવે છે. એમના દ્વારા જે કોઈ સહાય મળે એ સહાય આ બાળકો સુધી પહોંચાડીને એ દેવના દીધેલને રાજી રાખે છે. ક્યારેક ભાવનગર જઈએ ત્યારે PNR સોસાયટી દ્વારા સંચાલિત આ અંકુર મંદબુદ્ધિના બાળકોની શાળાએ પ્રત્યક્ષ જઈને તેઓના આ સેવાકર્મ યજ્ઞને નિહાળવાની જરૂર છે જેથી કરીને આજે નહીં તો કાલે આપણે થોડું નહીં તો ઘણું પણ પોતાનું યોગદાન આ કાર્યમાં આપી શકીએ.
