ૐકારનું સતત રટણ,ચિંતન,મનન કરનારા પાપમુક્ત થઈ જતા હોય છે, તેથી તે પવિત્ર છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(36)
શ્રીમદ ભાગવત ગીતાએ એવું કહ્યું કે, મહાત્માઓ સતત કીર્તન કરતા રહે એ પ્રભુ સેવાનો એક માર્ગ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ પણ છે ? એવો જયારે પ્રશ્ન થયો ત્યારે એક નવી વાત લઈને ભગવત ગીતા આવે છે. કહે છે, ‘જ્ઞાનયજ્ઞ દ્વારા ઈશ્વરનું આહુતિઓ આપીને યજન કરનારા છે. મારું મુખ પૂરું વિશ્વ છે એટલે કે કોઈ મુખમાં મને ખવડાવે તો હું ખાઉં છું.’ આ યાજકોએ અગ્નિ મુખને જ મહત્વ આપી દીધું અને યજ્ઞ દ્વારા આહુતિઓ આપવામાં વ્યસ્ત બની ગયા. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી યજ્ઞના બધા ઘટકોમાં ઈશ્વર તત્વ કેવી રીતે છે અને ગીતા શું દર્શાવે છે તેની વાત સ્પષ્ટ કરે છે. દેવનું મુખ માત્ર અગ્નિ ન હતું, એના સિવાય દરિદ્ર મુખ, અનાથ મુખ, વિધવા મુખ, લાચાર મુખ તરફ પણ ધ્યાન જવાની જરૂર હતી. પણ આપણે માણસોએ અગ્નિ સિવાયના આ બધા મુખને આહુતિ વિનાના રાખી દીધા. કેટલાય યજ્ઞમાર્ગીઓની શક્તિ અગ્નિ તરફ વળી ગઈ. બધું ભવ્યાતિભવ્ય અગ્નિમાં હોમાતું રહ્યું પણ આપણા જગતમાં ગરીબ. નિર્ધન, કંગાળ તરફ એઠવાડનો કોળિયો પણ ન હોમાયો. પરિણામે દરિદ્રો વિદેશીઓ અને વિધર્મીઓ તરફ વળ્યાં. કારણ કે ત્યાં તેમને કોળિયો મળતો હતો. કોળિયો એ તો જાણે મોટો ભગવાન મળ્યો. આ બંને માર્ગોની કચાશનો લાભ પેલા કોળિયાવાદીઓને મળ્યો અથવા તો મળી રહ્યો છે.
ભગવાન અહીં પોતાની વિશેષ ઓળખ આપે છે. એ કહે છે, આ જગતનો પિતા હું છું, માતા હું છું, ધાતા હું છું, પિતામહ હું છું, પવિત્ર ૐકાર હું છું, ઋગ્વેદ-યજુર્વેદ- સામવેદ પણ હું જ છું. પરમેશ્વર પોતાનું અસ્તિત્વ બધામાં બતાવે છે. તે એટલી હદે કે તે તે મહત્વની વસ્તુઓ જ પરમેશ્વર છે,એવું કહી દે છે. પિતાનો પિતા એને પિતામહ કહેવામાં આવ્યો છે. પવિત્ર ૐકાર તત્વ પણ પરમેશ્વર છે, એવું સોળમા શ્લોકમાં કહ્યું છે. પવિત્ર ઓમકારની વ્યાખ્યા માંડુક્ય ઉપનિષદે કરી છે. ચારે વેદ તેનું વ્યાખ્યાન છે તેમાં બધું જ્ઞાન આવી જાય છે. અર્થાત જો ૐ કારને સારી રીતે જાણવામાં આવે તો બધું જાણી શકાય. ૐકારના જપથી પાપી પણ પાપ મુક્ત થાય છે તેથી તેને પવિત્ર કહ્યો. પાપ જ અપવિત્ર તત્વ છે. પાપમાંથી મુક્ત કરાવે તેને પવિત્ર કહેવાય. ૐકારનું સતત રટણ, ચિંતન, મનન કરનારા પાપ મુક્ત થઇ જતા હોય છે તેથી તેને પવિત્ર કહ્યા છે. ચારેય વેદો પરમેશ્વર છે, કારણ કે એ જ્ઞાનના ભંડાર છે. જ્ઞાનબ્રહ્મ છે તેથી આ બધું જ બ્રહ્મમય છે. હજુ ભગવાન પોતાનું વધુ રૂપ બતાવી રહ્યા છે.
નવમાં અધ્યાયના અઢારમાં શ્લોકમાં પરમેશ્વર એમ કહે છે કે, ગતિ અને લક્ષ્યપ્રાપ્તિ હું છું, ભર્તા હું છું, પ્રભુ હું છું, સાક્ષી હું છું, નિવાસ હું છું, શરણ હું છું, સુહૃદ હું છું, પ્રભુત્વ હું છું, પ્રલય હું છું, સ્થાન હું છું, નિધાન હું છું, બીજ હું છું અને અવ્યય પણ હું જ છું. આ બધા જ તત્વો પરમેશ્વરની વિશિષ્ટ વિભૂતિઓ છે તેમ માનવાનું અથવા તો તે બધા તત્વો પરમેશ્વરમય છે એમ માનવાનું આપણને કહેવામાં આવ્યું છે. ભગવાનના જુદા જુદા જે રૂપો દેખાડ્યા છે તેની થોડી સમજ આપણે મેળવી લઈએ.
ગતિ એટલે ગમન કરવું. ગતિના ત્રણ પ્રકાર. અધોગતિ, સ્થગતિ અને ઉર્ધ્વગતિ.. અધોગતિ એટલે જળને નીચે વહાવવા પ્રયત્ન ન કરવો પડે. તે આપોઆપ વહે છે. તેમ જીવાત્માને પણ ભોગસુખ તરફ વાળવો નથી પડતો તે આપોઆપ વળી જાય છે તેને અધોગતિ કહ્યું છે. સ્થગતિ એટલે જ્યાં છે ત્યાંને ત્યાં ટકી રહેવું તે સ્થગતિ છે. તેમાં પણ ખાસ મહેનત કરવી ન પડે. જયારે ઉર્ધ્વગતિ જ્યાં છે ત્યાંથી ઉપર ઉર્ધ્વ તરફ જવું તે ઉર્ધ્વગતિ છે. આ પ્રયત્ન સાધ્ય હોય છે, એટલે કે તે આપોઆપ થતું નથી.
ભગવાન કહે છે કે, ભર્તા હું છું. ભરે તેને ભર્તા કહેવાય છે. પતિ પત્નીને ભરે છે તેથી પતિને ભર્તા કહેવામાં આવ્યો છે. પરમેશ્વર ભર્તા છે બંને રીતે. તે પ્રકૃતિરૂપી પત્નીને સામગ્રીઓથી ભરી દે છે અને બીજ પ્રદાતા હોવાથી પણ તે ભર્તા છે.
પ્રભુ એટલે સ્વામી શાસક, તે જગતનો શાસક છે, તેથી પ્રભુ છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારાઓ, બ્રહ્માંડ, અણુ અણુ તેના શાસનમાં શિસ્તબદ્ધ વર્તી રહ્યા છે તેથી તે પ્રભુ છે.
સાક્ષી એટલે જોનારું આપણું નાનું અથવા મોટું, ગુપ્ત અથવા જાહેર કશું જ એવું નથી જેનો ઈશ્વર સાક્ષી ન હોય.
નિવાસ એટલે રહેવાની જગ્યા. ગીતા કહે છે કે, ભક્ત માટે ભગવાન નિવાસરૂપ છે, ધામ છે, પરમધામ છે, જ્યાંથી કદી કોઈને જાકારો મળતો નથી.
શરણ એટલે રક્ષણ આપનારું,, રક્ષણ આપી શકે તેવો આશરો. પરમેશ્વર ભક્તો માટે શરણ સ્થળ છે. જેને કોઈનું શરણ ન હોય તે પરમેશ્વરના શરણે રક્ષિત રહી શકે છે.
સુહૃદ એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ જેનું હૃદય સારું અને ભલું વિચારે તે. ભક્ત માટે ભગવાન સુહૃદ પણ છે. તે કદી પણ ભક્તનું અહિત ન કરે. ન ઈચ્છતાં પણ ભલે ભક્ત ભૂલ કરે તો કરે, ભગવાન તો સુહૃદ જ રહે છે.
પ્રભવ એટલે વિશેષ સત્તાવાળો. અહીં અસ્તિત્વનું નામ સત્તા છે.
પ્રલય એટલે લીન થવું અથવા લીન થવાની જગ્યા. અંતમાં બધું ભગવાનમાં જ લીન થવાનું છે.
જ્યાં સ્થિર થવાય તેને સ્થાન કહેવાય. સાધુઓ પરસ્પર મળે છે ત્યારે પૂછે છે આપકા સ્થાન કહા હે ? જેને સ્થાન નથી હોતું તે વિચરતા રહે છે. વિચરતા રહેવાની ત્રણ કક્ષા છે. ૧) ભટકવું રખડવું, ૨) માંગતા ફરવું અને ૩) ભ્રમણ કરવું.
નિધાનમ એટલે નિધિ ખજાનો. ભક્ત માટે ભગવાન નિધિ છે. એવી જ રીતે બીજ એટલે ફરી ફરીને છોડ, વૃક્ષ, ખેતી, બાળક વગેરેને ઉત્પન્ન કરે છે તેવું વીર્ય એ બીજ છે. આ બધું જ કાર્ય એ ઈશ્વર કરી રહ્યા છે.
