ગાંધીજીના શબ્દોમાં જ બધું જાણીએ તો સાધાર વાત સમજાશે.
ભદ્રાયુવછરાજાની bhadrayu2@gmail.com
ભારતે મહાત્મા ગાંધીને સાચવ્યા વગર ચાલે એમ નથી, કારણ કે વિશ્વ ગાંધીજીને વધુને વધુ અપનાવી રહ્યું છે. આપણને ગાંધીજીનો વિરોધ કરીને તેને નીચા દેખાડવાનો આફરો ચડ્યો છે ત્યારે આજે આપણે ગાંધીજીના જ શબ્દોમાં અને આધારભૂત રીતે છપાયેલા દસ્તાવેજોમાંથી જ થોડું ઊંડાણથી જાણીએ.
થોડા વર્ષો પહેલા અમેરિકાની એક કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ૪૫૦ વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન પૂછવામાં આવેલો કે ૨૦ મી સદીમાં જીવી ગયેલી મહાન વ્યક્તિઓમાં તમે સૌથી વધુ કોને ચાહો છો ? વિદ્યાર્થીઓને ૧૦૪ વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા હતા. તેમાંથી પોતાની પસંદગીની એક વ્યક્તિનું નામ એમણે આપવાનું હતું. વિદ્યાર્થીઓએ આપેલા જવાબોમાં સૌથી વધુ મત ગાંધીજીને મળ્યા હતા. બહારના દેશોમાં પણ યુવાનોનું મન કઈ દિશામાં વહે છે એની ઝાંખી આ વાત ઉપરથી આપણને મળે છે.
પ્રસિદ્ધ મહાન વૈજ્ઞાનિક અને માનવતાવાદી આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું છે : અમે કોઈ જ્યાં પહોંચી શકતા નહોતા ત્યાં એની પહોંચ હતી. દુનિયામાં આવો કોઈ માણસ આ ધરતી પર ચાલ્યો નહોતો. દેવળોમાં, મંદિરોમાં, મસ્જિદોમાં અને ગુરુદ્વારાઓમાં જે ભગવાન રહે છે તે ભગવાનમાં મને શ્રદ્ધા નથી, મારી નિષ્ઠા નથી પરંતુ પેલા ગાંધીએ જે સત્ય અને ભગવાનની ઉપાસના કરી છે તે વૈજ્ઞાનિક છે. એમાં મારી શ્રદ્ધા એ છે અને નિષ્ઠા પણ છે.
અમેરિકાના પ્રસિદ્ધ પાદરી હોમ્સે વર્ષો પહેલા ૧૯૨૦ માં એક ધર્મ પ્રવચનમાં ગાંધીજીને આધુનિક યુગના સૌથી મહાન પુરુષ તરીકે બિરદાવ્યા હતા. તેમણે કહ્યું કે મને રોલાનો વિચાર આવે છે ત્યારે ટોલ્સટોય યાદ આવે છે. લેનિનનો વિચાર આવે છે તેની સાથે નેપોલિયન યાદ આવે છે. પરંતુ ગાંધીજીનો વિચાર આવે છે ત્યારે તો ઈસુ ખ્રિસ્તનું જ સ્મરણ મને થયા કરે છે.
ગાંધીજી વિશેના અનેક અભિપ્રાયો અને વલણો જાણ્યા પછી એક અભ્યાસી તરીકે મહાત્મા ગાંધી શું કહે છે એ જરા જાણીએ.
હરિજન બંધુમાં ૩૦ મી એપ્રિલ ૧૯૩૩ ના રોજ તેમણે લખ્યું : ‘સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે અને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં ભલે હું વૃદ્ધ થયો હોઉં પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે અને તે પ્રતિક્ષણ સત્યનારાયણની મારી વાણીને અનુસરવાની તત્પરતા છે. અને તેથી કોઈને બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે જો તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તો એક જ વિષયના બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત ગણવા.’ પોતાના લખાણો વિષે આટલી બધી સ્પષ્ટતા જે વ્યક્તિ કરી શકે કે ચાયત રાખી શકે એ માણસ ઈશ્વરમાં, ધર્મમાં, સર્વધર્મમાં કેટલો સ્પષ્ટ અને ચોખ્ખો હશે તે કહેવાની જરૂર ખરી ?
કોઈએ પ્રશ્ન પૂછ્યો, ‘સેવાકાર્ય અને નામસ્મરણ એ બે માં પ્રધાનપદ કોને આપવું ?’ બહુ ત્વરિત જવાબ ગાંધીજીએ આપ્યો અને હરિજનબંધુમાં તેનો ઉલ્લેખ કર્યો. “કઠણ સેવાકાર્ય હોય કે એથી પણ કઠણ પ્રસંગ હોય તો પણ ભગવત ભક્તિ એટલે કે રામનામ બંધ થઇ જ ન શકે. નામસ્મરણનું બાહ્ય સ્વરૂપ પ્રસંગ પ્રમાણે બદલાતું રહેશે. રામનામ હૃદયમાં અંકિત થઇ ચૂક્યું પછી થોડું માળા છોડવાથી છૂટવાનું છે ?” એક તમિલ વચન ગાંધીજીના દિલમાં કોતરાયું હતું તેનો અર્થ એવો હતો કે, ‘સર્વ અસહાય લોકોને સહાય કરનારો ઈશ્વર છે. એની સહાય યાચતી વખતે તમે જેવા હો તેવા તમારું હૃદય પૂરેપૂરું ખુલ્લું કરી તમારે તેની પાસે પહોંચવું જોઈએ. કોઈપણ જાતની ચોરી રાખ્યા વિના તમારે તેની મદદ યાચવી જોઈએ અને આપણા જેવા પતિતને ઈશ્વર ક્યાંથી સહાય કરે એવા વહેમનો ડર તમારા દિલમાં જરાય રાખવાની જરૂર નથી.’
એક મિશનરી પાદરીએ ગાંધીજીને પૂછેલું, ‘તમે કોઈ યૌગિક ક્રિયાઓ કરો છો કે કેમ ?’ તેના જવાબમાં ગાંધીજીએ કહ્યું, “યોગની ક્રિયા હું જાણતો નથી. હું જે ક્રિયા કરું છું તે તો હું બાળપણમાં મારી દાઈ પાસેથી શીખેલો. મને ભૂતનો ડર લાગતો એટલે એ મને કહેતી ભૂત જેવું કઈ છે જ નહીં. છતાં તને ડર લાગે તો રામનામ લેજે. હું બાળપણમાં જે શીખ્યો તેને મારા માનસિક આકાશમાં વિશાળરૂપ ધારણ કર્યું છે. એ સુરીએ મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઈશુનું નામ લેતા અને મુસલમાનને અલ્લાહના નામમાંથી મળે છે. અહીંયા યાદ રાખીએ ઇસ્લામનો અલ્લાહ તે જ ખ્રિસ્તીઓનો ગોડ અને હિન્દુઓનો ઈશ્વર. આ બધી વસ્તુઓનો અર્થ તો એક જ છે. ને સમાન સંજોગોમાં એના સરખા જ પરિણામો આવે. માત્ર એ નામસ્મરણ તે પોપટિયા જેવું ન હોવું જોઈએ પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ. હિન્દુધર્મમાં જેમ ઈશ્વરના અનેક નામ છે તેમ ઇસ્લામમાં પણ ખુદાના ઘણા નામ છે. એ નામોથી જુદી જુદી વ્યક્તિઓનો નહીં પણ ઈશ્વરના જુદા જુદા લક્ષણોનું સૂચન થાય છે.
એક વખત એવો સવાલ પુછાયો કે, ‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેવી રીતે જોડાય ? તેનો જવાબ આપતા ગાંધીજી બોલ્યા : જયારે જયારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારું છે એટલે મુસલમાનો એમાં કેમ જોડાઈ શકે ? ત્યારે મને મનમાં હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી, પારસીઓનો બીજો છે ? ના, સર્વ સમર્થ અને સર્વ વ્યાપી ઈશ્વર તો એક જ છે. એના નામ અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય એ નામથી આપણે એને ઓળખીએ છીએ. મારો રામ જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઇ ગયેલો રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે. કે કદી જન્મ લેતો નથી અને તેના જેવો બીજો કોઈ નથી. હું એક તેને જ ભજું છું એક તેની જ સહાય માંગુ છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો હક છે તેથી તેનું નામ લેવામાં મુસલમાને કે કોઈએ શા સારું વાંધો ઉઠાવવો જોઈએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક મુસલમાને કે બીજા કોઈએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરજસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે. અલ્લાહનું નામ લે કે ખુદાનું નામ લે પણ દેવના સંગીતને કોઈ ન બગાડે એટલું ઘણું.” મુસ્લિમોને જેટલું સ્પષ્ટ ગાંધીજી કહી શક્યા છે તેટલું કોઈએ કહ્યું નથી !!
ગાંધીજીએ પ્રાર્થના સભાને સંબોધીને કરેલા એક પ્રવચનમાં એ પ્રમાણે કહ્યું કે, “મારા પર કાગળોનો અને રોષે ભરેલા સવાલોનો ધોધ છૂટ્યો છે. મને પૂછવામાં આવે છે કે તમે તમારી જાતને મુસલમાન કહીને કેમ ઓળખાવો છો ? રામ અને રહીમ વચ્ચે કશો ફેર નથી એમ તમે શા માટે માનો છો ? મને પોતાને કલમો પઢવાનો જરાય વાંધો નથી એવું કહેવાની હદે તમે શા માટે ગયા છો ?અને તમે પંજાબ કેમ જતા નથી ? એટલે તમે એક અધૂરા હિંદુ નથી કે ? તમે હિંદુ સમાજમાં પાંચમી કતારિયાનું કામ નથી કરતા કે ? અને તમારી અહિંસાથી હિંદુઓ નામરદ નથી બનતા કે ? આવા સવાલોવાળા કાગળો ઉપરાંત એક પરબીડિયું તો ‘મોહમ્મ્દ ગાંધી’ એવા સરનામે મને મોકલવામાં આવ્યું છે. આ બધા સવાલો પૂછનારાઓ સાથે શાંતિથી કામ લઉં છું. અને તેમને ધીરજથી જવાબ આપું છું. હું સામેથી પૂછું છું કે થોડા લોકોના પાપને કારણે આખા ઇસ્લામ ધર્મને કેમ વખોડી શકાય ? હું પોતે સનાતની હિંદુ છું અને હિંદુ ધર્મનો જ નહીં સર્વ ધર્મનો સાર સર્વધર્મ સમભાવ છે તેથી મારો દાવો છે કે હું હિંદુ છું, તેથી એક સારો મુસલમાન છું અને સારો ખ્રિસ્તી પણ છું. બીજાના કરતા આપણે ચડિયાતા છીએ એવો દાવો સાચા ધર્મભાવનો વિરોધી છે અહિંસાને માટે નમ્રતા પરમ આવશ્યક છે. અને હિંદુ શાસ્ત્રોમાં કહ્યું નથી કે ઈશ્વરના સહસ્ત્ર નામ છે અને એક રહીમ શા સારું ન હોય ? સહસ્ત્ર નામમાં એક નામ રહીમ પણ હોય. કલમામાં મારા ઈશ્વરની સ્તુતિ છે.
કદાચ સૌને ખ્યાલ નહીં હોય કે મહાત્મા ગાંધીએ વિવિધ ધર્મોનો ઉંડાણથી અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યો એટલું જ નહીં તેના હાર્દ તત્વો સુધી તેઓ પહોંચ્યા અને તેના ભાષ્ય કહી શકાય એ પ્રકારના પ્રવચનો પણ તેમણે આપ્યા. શ્રીમદ ભગવદ ગીતા એ ગાંધીજીનો પ્રિય ગ્રંથ હતો. અને ગીતાના અનેક સમશ્લોકી અનુવાદો થયા, અનેક ભાષ્યો લખાયા તેમ મહાત્મા ગાંધીએ ગીતા ઉપર સુંદર મજાના ભાષ્ય સાથે બે પુસ્તક બહાર પાડયા, ‘ગીતાબોધ’ અને ‘અનાસક્તિ યોગ.’ એમણે કહ્યું, કૌરવ એટલે આસુરી વૃત્તિઓ અને પાંડવ એટલે દૈવી વૃત્તિઓ. પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કોણ નથી અનુભવતું ?
બાપુએ કહેલી આ વાત વાંચીશું પછી બાપુ વિષે દ્વિધાને કોઈ સ્થાન નહિ રહે : કેટલાક મુસલમાન મિત્રો મને અગાઉથી ખબર આપ્યા મુજબ મળવા આવ્યા.. તેમણે કહ્યું અમે વેદના અપુરુષેયત્વમાં માનીએ છીએ. અમે શ્રીકૃષ્ણજી મહારાજ અને રામચંદ્રજી મહારાજને માનીએ છીએ..(મહારાજ શબ્દ તેમણે જ વાપરેલો) ત્યારે હિંદુઓ પણ કુરાનને અપૌરુષેય ગ્રંથ કેમ ન માની શકે ? અને અમારી સાથે કેમ ન અજાન કેમ ન પોકારી શકે ? અમારો ધર્મ સંકુચિત સર્વત્યાગી નથી એ તો તત્ત્વતઃ સર્વગ્રાહી છે. મેં તમને કહ્યું કે, આ નિરાકરણ તમે કહો છો તેવું સહેલું નથી. તમારો સિદ્ધાંત થોડા કેળવાયેલાને માટે ભલે સફળ હોય પણ સામાન્ય માણસને માટે તો તે નિષ્ફ્ળ પડે છે. સામાન્ય હિન્દુને મન તો ગોરક્ષા અને હરિ કીર્તન એ વસ્તુઓમાં જ હિન્દુત્વનો સાર સર્વસ્વ રહેલો છે. અને સામાન્ય મુસલમાનને મન ગોકશી અને વાજા વગાડતા બંધ કરાવવા એમાં ઇસ્લામનો સાર સર્વસ્વ આવી જાય છે. એટલે હિંદુઓ મુસલમાનોની પાસે પરાણે ગોકશી બંધ કરાવવાનો વિચાર માંડી વાળે અને મુસલમાનો હિન્દુઓની પાસે વાજા પરાણે બંધ ન કરાવે એ જરૂરનું છે. અને પછી ગોકશી કરવાને અને વાજા વગાડવાને વિશે નિયમો કરવાનું તો તે કોમોની ભલમનસાઈ ઉપર છોડી દેવું જોઈએ. જેમ જેમ સહિષ્ણુતા વધતી જશે તેમ તેમ આ બંને પ્રથામાં મર્યાદા આવતી જશે. પણ આ કૂટપ્રશ્નમા હું અહીં વિસ્તારથી ઉતરવા માંગતો નથી. ઈશ્વર ખરેખર એક જ છે તે અદ્વિતીય છે. તે સર્વવ્યાપી છે, આંખ વિના જુએ છે, કાન વિના સાંભળે છે. એ નિરાકાર છે, અભેદ છે, એ અજન્મા છે, એને માતા નથી, પિતા નથી, સંતતિ નથી. આપણે સમજીએ તો તે આપણી પાસે જ બેઠો છે. તેની સર્વવ્યાપક્તા આપણે સમજવા ન માંગીએ તો તે દૂરને દૂર છે. કુરાનને ઈશ્વર પ્રેરિત માનતા હું નથી અચકાતો જેમ બાઇબલ અને જંદ અવસ્તા ગ્રંથ સાહેબ અને બીજા નિર્મળ શાસ્ત્રોને ઈશ્વર પ્રેરિત માનતા હું નથી અચકાતો. ઈશ્વર પ્રેરિત ગ્રંથોનો ઈજારો કોઈ પણ એક રાષ્ટ્ર અથવા જાતિનો નથી. જો હું હિંદુ ધર્મને જરા પણ સમજતો હોઉં તો તે તત્ત્વતઃ, વ્યાપક, સદા વર્ધમાન તથા પરિસ્થિતિ પ્રમાણે નવો થનાર છે. કલ્પના તર્ક અને બુદ્ધિને માટે તેમાં સંપૂર્ણ સ્થાન છે. કુરાન અને પયગમ્બર સાહેબ માટે મન ઉપજાવતા હિંદુઓમાં મને કશી મુશ્કેલી પડી નથી. પણ મુસલમાન મંડળોમાં વેદો અને અવતારો તરફ માન ઉપજાવતા મેં મુશ્કેલી અનુભવી છે. ભગવત ગીતા અને તુલસીદાસના રામાયણમાં મને ભારેમાં ભારે સાંત્વના મળે છે. મારે ખુલ્લે દિલે કહેવું પડે છે કુરાન, બાઇબલ અને દુનિયાના બીજા ધર્મ ગ્રંથો માટે મને ખુબ માન હોવા છતાં તે મને કૃષ્ણની ગીતા અને તુલસીદાસના રામાયણ જેટલી અસર નથી કરતા.
બધા માણસો ધર્મને નામે ઝગડતા જોવામાં આવે છે. હિંદુ, મુસલમાન, બ્રાહ્મણો, શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ એનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ એના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશકાળ ભેદે અને સ્વભાવ ભેદે નામ જુદા જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિંદુઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ નથી પાની કે નથી વોટર, પણ જળ છે અથવા જળ કે પાની નથી પણ વોટર છે, તો તો તે સાચે જ હાસ્યાસ્પદ છે. આ જ વાત વેદમાં ખેલી છે. एकम सत विप्रा बहुधा वदन्ति ગાંધીજી પોતે લખે છે. એક નવાઈ જેવું છે કે દુનિયાના બધા જ ધર્મના માણસો મને પોતાનો સમજે છે. જૈનો મને જૈન માને છે, કેટલાય બૌદ્ધો મને બૌદ્ધ માને છે, એવા સેંકડો ખ્રિસ્તીઓ છે કે જેઓ એમ માને છે કે અમે જાણીએ છીએ કે તમે ખ્રિસ્તી છો પણ ડરના માર્યા તમે કબૂલ કરતા નથી. પણ તમે શા માટે ખુલ્લમ ખુલ્લા કહેતા નથી કે હું ખ્રિસ્તી છું અને પ્રભુ જીસસ નું સામ્રાજ્ય સ્વીકારું છું. ઘણા મુસલમાન ભાઈઓ મને મુસલમાન માને છે. આ બધાથી મને આનંદ થાય છે. આ બધું મારા તરફના પ્રેમ અને લાગણી દર્શાવે છે એમ હું માનું છું. હું પોતે તો મારી જાતને નમ્ર હિંદુ માનું છું. હું પોતે હિંદુ ધર્મનો જેમ વધુને વધુ ઊંડો અભ્યાસ કરું છું તેમ તેમ મને લાગે છે કે આખા વિશ્વ જેટલો વિશાળ છે અને સમગ્ર દુનિયામાં જે કઈ સારું છે તેનો પોતાના માં સમાવેશ કરે છે તેથી જ હું ઇસ્લામની સેવાને વખાણું છું અને એના ગુણગાન ગાઉ છું અને બીજા ધર્મો વિશે પણ એમ જ કહું છું અને છતાં મારો અંતરાત્મા કહે છે કે એ બધું છે તો પણ હું હિંદુ મટી જતો નથી.’
