“નરસિંહ મહેતાએ એકોતેર કુળ તાર્યા.. હું કબૂલ કરું કે, મારું  મૂળ તો સાહેબ અહીંયા છે, જૂનાગઢમાં.. એટલે મને લગાવ છે. અમસ્તુ અમસ્તું કાંઈ થતું નથી. જીવણદાસ મહેતા નાગર કૉંજળી  ના નાગર અને  ધ્યાનસ્વામી બાપા  એક અવધૂત અદભુત સંત સૌરાષ્ટ્રમાં આવ્યા અને એમની પાસે જઈને એમણે દીક્ષા લીધી. પણ એમણે કહ્યું કે,  જીવણદાસ મહેતા તમે નાગર છો. એક જ્ઞાતિમાં આબદ્ધ છો. પણ હું તો એ બધાથી ‘જાતિ પાતી નહીં રે હરિ કેરા દેશ’ માં એવો એક સાધુ છું. હું દીક્ષા આપું પણ એક શરતે, તમારે વિરક્ત નથી રહેવાનું, તમારે ગૃહસ્થ થવાનું છે. અને જીવણદાસ મહેતા કોંજળી માં આખો આજે મહેતા પરિવાર છે.  કાલ સુધી યોગેન્દ્રભાઈ મહેતા, યોગિનીબહેન મહેતા જે ફિલોસોફીસ્ટ હતા તે  ભાવનગરમાં રહેતા હતા. સાહેબ,  કોંજળીમાં હજી નાગર પરંપરાના લક્ષણો છે.

હું જાણું ત્યાં સુધી,  હવે ખબર નહિ હવે ભેળાઈ ગયું હોય તો… કોંજળી એટલે તલગાજરડાથી બે  કિલોમીટર દૂર. વચ્ચે વાયા પીઠોરીયા હનુમાન.  ત્યાં કોઈ બીડી નોહ્તું પીતું, ત્યાં નાગર પરિવાર સિવાય કોઈ પાન ન ખાતું. આ લક્ષણો મેં મારી નજરે જોયેલા છે. એવા સમયમાં એ જીવણદાસ મહેતા મૂળ નાગર પુરુષ,  અમારી સાત પેઢી તરી. એકોતેરતો નહિ, ભદ્રાયુભાઈ…પણ સાત તરી,  મારા બાપ. જીવણદાસ મહેતા ગૃહસ્થ થયા અને એના દીકરા પછી ગૃહસ્થને ત્યાં જન્મ્યો એ નારાયણદાસ બાપૂ. નારાયણદાસ બાપૂને ત્યાં જન્મ્યો એ પ્રેમદાસ બાપુ. પ્રેમદાસબાપૂ ને ત્યાં જન્મ્યો એ રઘુરામ બાપૂ, રઘુરામબાપૂ  ને ત્યાં જન્મ્યો એ ત્રિભુવનદાસ દાદા,,, ત્રિભુવનદાસ દાદા ને ત્યાં જન્મ્યા એ પ્રભુદાસ બાપૂ, અને એને ત્યાં જન્મ્યો એ મોરારી બાપુ… અમારા સાતેય કુળ તાર્યા. અમારા તો સાતેય તરી ગયા અને હું તો આ માનસ નાગરમાં નરસિંહ મહેતાનો મોટો ભંડારો કરવા આજે જૂનાગઢ આવ્યો છું.

મારા બાપ નરસિંહ  મહેતાની તો એક જ હૂંડી સ્વીકારી હશે. તલગાજરડાની મારા ઠાકુરે અનેક હૂંડી સ્વીકારી. એનો આ જ 21મી સદીનો અનુભવ તમને કહું છું. એ આ સંતોની કૃપા, મને જૂનાગઢ કોલેજ કરવાની શું કામ ઈચ્છા થઈ ? જૂનાગઢ કરતાં ભાવનગર નજીક હતું. પણ મારા મનમાં ક્યાંક ચેતનામાં કે જો આગળ ભણવું હોય તો જૂનાગઢ ભણવું કારણ કે ત્યાં મારો નાગરો થયો છે. આ મારી ચેતના ઝંખતી હતી. ભલે બહાઉદીન કોલેજે મને એડમિશન ન આપ્યું. કેમ ન આપ્યું ને… મને સાવ આટલા માર્ક્સમાં ?? જાઓ પાછા … આમ સૌ ચોખ્ખી ધડ દઈને ના પાડી . જેમ નરસિંહ  મહેતાના પિતાના શ્રાદ્ધ માટે નરસિંહ મહેતો જૂનાગઢની બજારમાં ઘી લેવા નીકળ્યો અને જયારે ખબર પડી વ્યાપારીઓને કે આના પૈસા તો મહિના દિવસ પછી આવશે એટલે ધડ દઈને ના પાડી દેતા હતા,  એમ બાઉદીન કોલેજના પ્રિન્સિપાલે મને ધડ દઈને ના પાડી. ને સાહેબ મોરારી બાપુએ પછી નક્કી કર્યું કે,  જૂનાગઢની કોલેજ આપણને ન ભણાવે તો કાંઈ નહિ પણ જૂનાગઢ જિલ્લામાં તો ભણવું છે,  જ્યાં મારી નાગરી ચેતના ઘૂમી રહી છે. અને તેથી હું શાહપુર ભણ્યો. જૂનાગઢ જિલ્લાએ મને પી.ટી.સી. બનાવ્યો. પી.ટી.સી. કાંઈ જેવી તેવી … જુનીયર પી.ટી.સી. પછી સિનિયર ઘરે બેસીને… એટલે તમે એમ ના  માનતા કે બાપુ  સાવ ઠોઠ છે.

તમને કહું કે, પહેલો વહેલો મને માસ્તરમાં નોકરીમાં લીધો એ પણ એક નાગર હતો, ઉમા કાન્ત વોરા.. જેમણે મને પહેલી વખત નિમ્યો પ્રાઇમરી ટીચર તરીકે એ નાગર હતો. યાદ છે. એમનો નિમણૂક પત્ર મને મળેલો. એટલે નાગરનું ઋણ છે. ત્યાં કથા કરી, પછી અધ્યાપન મંદિરમાં કરી, આપણે  સોમનાથ નો ફાંટો ફાટે,  એ પછી આમથી વેરાવળ આવીએ ને આમથી આમ આવીએ ત્યાં વચ્ચે અધ્યાપન મંદિર આવે. છાયાસાહેબ પ્રિન્સિપાલ હતા. ત્યાં એક કથા કરી પછી જ શિશુ મંગલ કથા કરી. ભીખુદાનભાઈ મને કહે કે,  મારા બાપુજી તમને સાંભળવા આવતા.

અને પછી તો પુષ્પાબેન,  મારા ઉપર થોડી ગુરુ કૃપા કે હું એમને  થોડોક આમ કબુલ થવા માંડ્યા. નહિતર એના વિચારો એટલે… સ્વાભાવિક છે. તો કહેવાનો મારો અર્થ એ બાપ કે,  ત્રણ ત્રણ કથાઓ મેં એની પાસે કરી.  નહીંતર એનું મને થોડુંક ‘એવું’  હતું. પણ જૂનાગઢમાં તો મંડાણ જ એમને જ  કરાવેલું. એ મારા બૂચસાહેબ..વિક્રમભાઈ બુચ. આ બધા આયોજકો હતા એ મને યાદ છે. આ બધા વિષ્ણુ સહસ્ત્રનામ છે મારા માટે. તો બાપ આખું જગત બ્રહ્મમય લાગે.

અને હું મારા શ્રોતાઓને હૃદયથી કહું સાહેબ. થોડું થોડું સમજાયું છે એ કહું કે તમને ત્યાં સુધી બીજો તમારાથી નાનો દેખાય કે આ મારા માટે ઓછું ભણેલો છે, કે મારા કરતાં એની પદવી નીચી છે, કે આ મારા કરતાં જાતનાતમાં જરાક ઓલો છે, કે મારા કરતાં આમ પેલો છે એવું જ્યાં સુધી તમને બીજું દેખાય ત્યાં સુધી યાદ રાખજો,  તમારું કે મારું મન શુદ્ધ નથી થયું સાહેબ.

જેનું મન શુદ્ધ થશે તેને આખું જગત બ્રહ્મમય ભાસશે. આ જગતમાં આંખ ઉઘડે ને ખબર છે કે બધું શુદ્ધ જ છે,  અશુભ કાંઈ છે જ નહીં સાહેબ. જેને આ સમજાય જાય એને બ્રહ્મમય દ્રષ્ટિ મળી , સમજો.”

5478 5471