માણેકચોકમાં ભરાયેલી જંગી સભામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે શ્રી ભોગીલાલ લાલાને લાલાકાકાના બિરુદથી નવાજ્યા.

ભદ્રાયુ વછરાજાની                                                               bhadrayu2@gmail.com 

સ્વાતંત્ર્ય સમયના સંનિષ્ઠ લોકસેવક લાલાકાકા અંગે કંઈપણ લખું તે પહેલા લાલાકાકાની સ્મૃતિને તેની ચોથી પેઢીએ સમાજ સમક્ષ પ્રસ્તુત કરી છે તેનો રાજીપો વ્યક્ત કરું છું. આપણે દાદાના નામથી આગળ કાંઈ જાણતા ન હોઈએ એવા કાળમાં આજે જીવીએ છીએ ત્યારે લાલકાકાના દીકરા અર્જુનલાલના દીકરા ભુપેન્દ્રભાઈની દીકરી ધૃતિ દ્વારા એક સુંદર પુસ્તક લખાયું અને તે રાજકોટમાં સાક્ષરવર્ય શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના વરદ હસ્તે લોકાર્પિત થયું. ચોથી પેઢીએ કુટુંબના વડીલોનું આ રીતે ઋણ-તર્પણ કર્યું એમ કહી શકાય. 

૧૯૩૩ ના સત્યાગ્રહ વખતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ગાઢ પરિચયમાં આવતાં માણેકચોકમાં ભરાયેલી જંગી સભામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે શ્રી ભોગીલાલ લાલાને “લાલાકાકા” ના બિરુદથી નવાજ્યા ત્યારથી શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલા ગુજરાતમાં “લાલાકાકા” તરીકે પ્રસિદ્ધ થયા.

શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલાનો જન્મ તા. ૦૬/૧૨/૧૮૭૭ ના રોજ અમદાવાદમાં મેજીસ્ટ્રેટ પિતાને ત્યાં થયો. ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાના પરંતુ કુશાગ્ર બુદ્ધિ, ખંતીલા તેમજ મહેનતુ હતા. ઉચ્ચ શિક્ષણ વડોદરામાં મેળવ્યા બાદ ઈ.સ. ૧૯૦૧ માં માત્ર ૨૪ વર્ષની વયે વકીલાત ચાલુ કરી. તેમની વકીલ તરીકેની દલીલ કરવાની શક્તિ તેમજ વકીલાતનું ઊંડું જ્ઞાન જોઈ ન્યાયાધીશ પણ આ ફોજદારી વકીલ પર આફરીન થતા હતા. ઈ. સ. ૧૯૨૦ માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ દેશે અસહકાર અને સત્યાગ્રહનું આંદોલન ઉપાડ્યું ત્યારે ‘વકીલો વકીલાત છોડો! સરકારી કોરટો છોડો’ આ વાતને લઈને લાલાકાકા વકીલાતને તિલાંજલિ આપવાના વિચારોમાં મગ્ન હતા ત્યાં જ તેમનો ૧૮ વર્ષનો પુત્ર અર્જુન લાલ લાલા પિકેટીંગમાં (બહિષ્કાર) નેતૃત્વ લેવામાં નામ નોંધાવે છે. સાથોસાથ ૧૩ વર્ષની દીકરી શશીકળા લાલા ગાંધીજી સમક્ષ આજીવન ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લે છે. દીકરા દીકરીના અદભુત કતૃત્વને જોઈને તેઓએ વકીલાતનો તિલાંજલિ આપી અને લડતના કામમાં પુરેપુરો સમય આપવા લાગ્યા. 

તા. 01-03-1906 માં ઈન્દુરાવ પ્રાણશંકર દેસાઈ તેમજ મથુરાદાસ નામનાબે વિદ્યાર્થીઓથી પ્રાણશંકરભાઈના ખાડિયાના નિવાસસ્થાને બહેરામુંગા શાળાની શરૂઆત થઈ. ઈ. સ. ૧૯૧૫ માં  ખાડિયાના નિવાસસ્થાનથી નવા દરવાજા પાસે મોટું મકાન રાખી શાળા ત્યાં તબદીલ કરાઈ. તા. ૦૭/૦૩/૧૯૧૬ માં ગાંધીજીએ  આ  શાળાની મુલાકાત લીધી. ઈ. સ. ૧૯૧૭ માં લાલાકાકા બહેરા-મુંગા શાળામાં મંત્રી પદે જોડાયા. મંગળ ગિરધર જેવા ખ્યાતનામ નગરશેઠ અને ખ્યાતનામ બાહોશ વકીલ લાલાકાકા જાહેરજીવનમાં અત્યંત સાદર સન્માન ધરાવતા હતા. ઈ. સ. ૧૯૨૫ માં લાલાકાકા, મંગળદાસ શેઠ અને પ્રાણશંકર દાદાની અથાગ મહેનતથી જ બહેરામૂંગા શાળાનું નવું મકાન બન્યું. અમદાવાદ શહેરની બહાર નવરંગપુરા ગામની સીમમાં સરકારશ્રી અને મ્યુનિસિપાલીટીની મદદથી જમીન મળી અને નવા મકાનનું ખાતમુહૂર્ત પૂ. મહાત્મા ગાંધીજીના શુભ હસ્તે તા. ૦૭/૦૯/૧૯૨૮ ના રોજ થયું. આ સમયે ભાષણમાં ગાંધીજીએ કહેલું કે:  ‘આ શાળાની ઉત્પત્તિ પાછળ સ્વાર્થ સાથે પરમાર્થ જોડાયો,  તેથી આ શાળા અસ્તિત્વમાં આવી. રાયબહાદુર પ્રાણશંકરભાઈએ આંકડા રજુ કર્યા કે ૭૦ હજાર બહેરા-મૂંગા માટે ઈલાકામાં ત્રણ શાળાઓ  છે. બે લાખ બહેરા-મૂંગાઓમાંથી માત્ર ૫૦૦ ની જ દરકાર લેવાય છે. એક આળસુ માણસ બે માણસના ખભા પર ચડી બેસે છે. એવી કહેવત છે. આપણે બહેરા-મૂંગાઓને આળસુ ન બનાવવા જોઇએ, પણ તેમને કમાતા શીખવવું જોઈએ. આ શાળા પ્રતિદિન વધારે ને વધારે આબાદ થાય તેમ ઈચ્છું છું,’ મહાત્માજીના આ વક્તવ્યને જાણે લાલાકાકાએ સંપૂર્ણપણે તેમના જીવનમાં વણી લીધું. અને જીવ્યા ત્યાં સુધી આ સંસ્થાને પોતાના જીવનનું એક અંગ સમજી બહેરા-મૂંગાઓ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.

શાળાના નવા મકાનનું ઉદ્દઘાટન મહાત્મા ગાંધીજીના હસ્તે તા. ૧૬/૧૦/૧૯૨૯ ના રોજ થયું હતું. ત્યાં જ લાલાકાકાના જીવનમાં જબરજસ્ત ઘટના બની તા. ૧૬/૧૧/૧૯૩૦ ના રોજ ભોગીલાલ લાલાના પુત્ર શ્રી અર્જુનલાલ લાલાને ઘરે હેમેન્દ્ર નામનું મૂક બધિર સંતાન અવતર્યું. જાણે ઈશ્વરે લાલાકાકાને બહેરામૂંગા બાળકના દાદા બનાવી આ ક્ષેત્રમાં તલ્લીન બની જવાનો સંકેત કર્યો. બધિર બાળકના દાદા બનવાના આ બનાવથી તેઓ બધિરોની સેવામાં પૂર્ણતઃ જોતરાઈ ગયા. (વર્તમાનમાં આ સંસ્થા બહેરા-મૂંગા શાળા સોસાયટી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કાર્યરત છે.)

બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮) પછી બારડોલીના ખેડૂતોના પ્રશ્ને (૧૯૩૩ – ૩૫) માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી નરહરિ પરીખ, શ્રી મોહનભાઈ વ્યાસ સાથે લવાદી સ્વીકાર્યા બાદ શ્રી ભોગીલાલ લાલાના સરદાર સાથે એકદમ નિકટતમ સબંધો સ્થપાઈ ચૂક્યા હતા. બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા. સરદારના સાનિધ્યમાં સરદારના સાથીઓ વિશેના લેખમાં તેઓએ ટાંક્યું છે કે, બહારથી સિંહ જેવા લાગતા સરદારશ્રીએ એમની હૂંફ અને મમતાને પરિણામે ગુજરાતના ઉદ્યોગપતિઓ, મજૂર મહાજન, અમદાવાદ મ્યુનિસિપાલિટી આ તમામ ક્ષેત્રે ગુજરાતમાં આગેવાનોની એક એવી “ટીમ” ઊભી કરી હતી. જેના પરિણામે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતમાં પોતાનું ધાર્યું કામ કરાવી શકતા હતા. સરદારશ્રીના આ સાથી મંડળમાં માનનીય શ્રી મોરારજી દેસાઈ, સ્વ. માળવંકર દાદા,લાલાકાકા, શ્રી રવિશંકર મહારાજ, શ્રી જુગતરામ દવે વગેરે મુખ્ય હતા.  

૭૫ વર્ષ પહેલાં ૧૫ મી ઓગસ્ટે ભારતના પહેલા સ્વાતંત્ર્ય દિવસે અમદાવાદમાં આજે જ્યાં સરદારબાગ અને બસ ટર્મિનસ છે ત્યાં લાલ દરવાજા મેદાન ખાતે એક લાખ લોકો આઝાદીને વધાવવા તેમજ ત્રિરંગાને સલામી આપવા એકઠા થઈ ગયા હતા. સવારે ૮.૩૦ વાગ્યે લાલ દરવાજા મેદાનની મધ્યમાં બાંધવામાં આવેલો ત્રિરંગો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગુલામ રસૂલ કુરેશી દ્વારા લહેરાવવામાં આવેલો. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની એક મિનિટ પહેલાં હજારો લોકોએ દેશની સ્વતંત્રતાને બે હાથે વધાવી લીધી હતી. ત્રિરંગો લહેરાવ્યો એ ક્ષણે આઝાદ હિંદ ફોજની અદામાં તેને સલામી આપવામાં આવી હતી. એકત્રિત લોકોએ “વંદે માતરમ્” અને “ઝંડા ઊંચા રહે હમારા” તેમજ “ભારત માતા કી જય” ના નારા લગાવ્યા. આ પ્રસંગે કલેક્ટર ડુમરી, શહેર નગરપાલિકાના પ્રમુખ મણિલાલ શાહ, ગુજરાત પ્રદેશ કમિટીના પ્રમુખ શ્રી ભોગીલાલ લાલા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વકતવ્ય પૂર્ણ થયા બાદ રાઈફલ એસોસિએશન અને જ્યુપિટર મિલ્સ વચ્ચે ફૂટબોલ મેચ યોજાઈ હતી. જેમાં રાઈફલ એસોસિએશનની જીત થઈ હતી.

ઈ. સ. ૧૯૫૭ માં લાલાકાકાની બૃહદ મુંબઈ રાજ્યની લેજીસ્લેટીવ કાઉન્સિલના અધ્યક્ષપદે નિયુક્તિ થતાં તેમજ લાલાકાકાની વધતી જતી રાજકીય પ્રવૃત્તિને કારણે બહેરા- મૂંગા શાળા સોસાયટીનો કાર્યભાર શ્રી પાંડુરાવને સોપવામાં આવેલો. તા. ૧૭/૦૬/૧૯૬૧, શનિવાર ના રોજ ગુજરાતના લોકોએ-પ્રેમના પ્રતીકરૂપે રૂપિયા બે લાખની થેલી તેમને અર્પણ કરી અને તે નાણાં તેઓએ ગ્રામોત્થાનનાં કાર્યમાં પરત કર્યા હતાં. આ સમારંભમાં પૂજ્ય રવિશંકર મહારાજ,પરીક્ષિત મજુમદાર હાજર હતા. શ્રી મજુમદારે કહ્યું હતું કે, “લાલાકાકા ગુજરાતનું ધન છે. પ્રાતઃ કાળે એમના દર્શન કરીએ એવો એ પવિત્ર પુરુષ છે.”

લાલાકાકા સંનિષ્ઠ સામાજિક કાર્યકર હતા. બહેનોના હક્કો માટે સદાય લડતા. ૧૯૪૫ ની સાલમાં  ધારાસભાની ચૂંટણી આવી. ચૂંટાવું મુશ્કેલ તો બનશે પણ માણસના કાર્યની નિષ્ઠાની લોકમત એ એક પારાશીશી છે,  એ ખરેખર પ્રજાએ એ સમયે સાબિત કરી આપ્યું. ઘણી બહુમતીથી પોતાના પ્રિય નેતાને ચૂંટી લોકોએ સત્યનો, ઉદ્યમનો ને સાચી કાર્યનિષ્ઠાનો વિજયધ્વજ ફરકાવ્યો. લાલાકાકા ત્યારપછી મુંબઈ લેજીસ્લેટીવ કાઉન્સિલમાં ૧૯૫૬ ના નવેમ્બરમાં ચેરમેન તરીકે ચૂંટાયા ને ૧૯૬૦ માં ગુજરાત રાજય જુદું થતાં નિવૃત્ત થયા. ૧૯૬ર માં ગુજરાતનાં ગામડે ગામડેથી પોતાના પ્રેમના પ્રતીક રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે ભેટ આપી તે રૂ. ૨,00,000/- ની થેલી શ્રી મોરારજીભાઈના  હસ્તે તેમને અર્પણ થઈ. તેનું તેમણે ટ્રસ્ટ બનાવ્યું. સૂચિત ફાળો અર્પણ કરવામાં આવે તે પહેલાં તેમની સૂચનાથી તા. ૨૫/0૫/૧૯૬૧ ના રોજ “શ્રી લાલાકાકા સન્માન ટ્રસ્ટ” એ નામનું ટ્રસ્ટ નોધાવવામાં આવ્યું હતું. 

અમદાવાદ તેમજ આસપાસના લોકોની ચાહનાએ શ્રી ભોગીલાલ ધીરજલાલ લાલાને  સૌના પ્રેમાળ ‘કાકા’ બનાવી સ્મૃતિમાં અંકિત કર્યા. સ્વાતંત્ર્યના પંચોતેર વર્ષે આપણા કેટલાય લોકસેવકોનું સ્મરણ આપણે કરવું ઘટે અને રાષ્ટ્ર શતાયુ થાય ત્યાં સુધીમાં આવા વ્યક્તિત્વોનું દસ્તાવેજીકરણ થાય તો ઉત્તમ સ્મરણો આવતી પેઢી માટે છોડી જવાનું શ્રેય પ્રાપ્ત કરી શકાય. લાલકાકાને આપણી વચ્ચે જીવંત કરવા બાદલ લાલાકાકાના કુટુંબની દીકરી ધૃતિને અઢળક અભિવંદન ઘટે છે.