બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે.
ભદ્રાયુ વછરાજાની (62) bhadrayu2@gmail.com
આપણે ગીતાજીના અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ. વિનોબાજી આ અધ્યાયને સમગ્ર ગીતાનો ઉપસંહાર કહે છે. વળી તેઓ આ અધ્યાયને ‘ફળત્યાગની પૂર્ણતા એટલે કે ઈશ્વર પ્રસાદ’ એવું શીર્ષક આપે છે. કુલ અઠયોતેર શ્લોકોમાં વિસ્તૃત રીતે સ્પષ્ટતા કરીને ભગવાન અર્જુનના છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપે છે.
ચૌદ માં અધ્યાયમાં સાત્વિક, રાજસ, અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડ્યા છે. તે પૈકી રાજસ ને અને તામસને છોડી સાત્વિક નો સ્વીકાર કરવાનો છે, એ આપણે જોયું છે. ત્યારબાદ સત્તરમાં અધ્યાયમાં તે જ વાત જરા જુદી રીતે જોઈ. યજ્ઞ, દાન, અને તપ, (અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય) તો ‘યજ્ઞ’ એ જીવનનો સાર છે.
આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવા જોઈએ. એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય. આ બધી વાતો પરથી એમ લાગે છે કે, કેટલાક કર્મો ટાળવાના હોય છે, તો કેટલાક કર્મો કરવાના હોય છે. ગીતાની આખી શીખ જોઈએ તો ઠેક ઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવું, અને ફળનો ત્યાગ કરવો, એ જ ગીતાની શીખ છે એ બધે જોવા મળે છે. કેટલાક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાકનો ત્યાગ કરવાનો છે. એટલે છેવટે અઢાર માં અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો કે, ‘કોઈપણ કર્મ ફળત્યાગ પૂર્વક કરવું એ એક બાજુ થઈ. વળી કેટલાક કર્મો બરાબર કરીને છોડવા, અને કેટલાક કરવા એ બીજી બાજુ થઈ. આ બે વાતનો મેળ કેમ બેસાડવો,? તે મને કહો ભગવાન!’
કર્મનું જે આપણી સમક્ષ સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. આ પ્રશ્નના જવાબ આપતાં ભગવાને એક વાત સાફ કહી દીધી કે, ફળ ત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. કેટલાક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરતા વેત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગ પૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે, કેટલાક કર્મો છોડવા જ પડે. જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગ પૂર્વક કરો એમ કહેતા ની સાથે જ તે ખરી પડે છે. કેટલાક લોકો કહે છે કે ગીતા ફળત્યાગ પૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે. કયા કર્મો કરવા તે સૂચવતી નથી. ચોક્કસ આવો ભાસ થાય ખરો, પણ વસ્તુત્ એ સાચું નથી. કારણ કે ફળત્યાગ પૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ ક્યું કરવું અને કયું ન કરવું, તે સમજાઈ જાય છે.
હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીના કર્મો, ને એવા બધા કર્મો ફળત્યાગ પૂર્વક કરી શકાતા જ નથી. ફળત્યાગની કસોટી લગાડતા ની સાથે જ એ કર્મો ખરી પડે છે. કર્મોને ફળ ત્યાગની કસોટી પર કસી લેવાના હોય છે. ‘જે કર્મ હું કરવા ધારું છું, તે અનાસક્તિપૂર્વક ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાખતા હું કરી શકીશ ખરો કે?’ એવું આપણે વિચારવું છે એ પહેલા જોઈ લેવાનું છે. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.
આપણે ત્રણ વાતો જોઈ, પહેલી વાત એ કે જે કર્મો કરવાના છે તે ફળત્યાગ પૂર્વક કરવાના છે, બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો ને સિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતા વેત આપમેળે ખરી પડે છે. અને ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય, તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવે. આટલો ત્યાગ ‘મેં કર્યો’ એવો અહંકાર પેદા ન થાય તેની કાળજી લેવી.
વિનોબાજી કહે છે કે, મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું, તેણે વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે, પણ અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી. આવી રીતે કર્મ સંકોચ કરતો-કરતો માણસ વર્તે તો છેવટે તો આત્મનાશ વ્હોરી લે. કરવામાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે, તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકને કોઈકે ખેતી તો નહીં કરવી પડે? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી? કપાસને પકવવો એ જો પાપ છે, તો નીપજેલો કપાસ વેંચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે. માટે તે કર્મ છોડી દેવાનું સુજે એ બુદ્ધિની ખામી છે. ઝાડને ફુટેલો નવો પાલવ ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી, ઉલટું ફાલે છે.
ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે. ગોરખનાથને મચ્છન્દરનાથે કહ્યું, ‘આ છોકરાને ધોઈ લાવો.’ ગોરખનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો, અને તેને વાળ પકડી તાર પર સૂકવવા નાખ્યો. મચ્છન્દરનાથે કહ્યું, ‘છોકરાને ધોઇ આણ્યો કે?’ ગોરખનાથ બોલ્યા, ‘તેને ઝીંકી ને ધોઈને સુકવવા નાખ્યો છે.’ છોકરાને ધોવાની આ રીત! કપડાં ધોવાની ને માણસોને ધોવાની રીત એક નથી, તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ, અને સાત્વિક કર્મોનો ત્યાગ, એ બે માં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે. વિનોબાજી બેધડક કહે છે કે લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઉભો કરવો, તેને બદલે પહેરણ અને બંડી પહેરવા વધારે સારા. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે, તેની રીત જુદી બતાવી છે. તે બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે. કેટલાક કર્મો સમૂળગા છોડી દેવાના હોય છે. કેટલાકના ફળ તોડી નાખવાના હોય છે.
એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામમાં જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો. ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, મર્યા વગર હવે અહીંથી છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે ચિતા સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “અલ્યા કેમ આપધાત કરે છે ?” પેલાએ કહ્યું, “આ દુનિયા અમંગળ છે તેથી.” પેલા ગૃહસ્થ કહ્યું, “તારું આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે? અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગધ મારશે તેનો તો કંઈ વિચાર કર !” પેલા માણસે ત્રાસીને કહ્યું, “આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ?”
સારાંશ, અમંગળ કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે અને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.