પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ઘોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવીએ તો કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ આવે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(07)
‘ગીતાઈ’ શીર્ષકથી ધૂળીયાની જેલમાં વિનોબાજીએ જે ગીતા પ્રવચનો આપ્યાં તેમાં ગીતાજીના ત્રીજા અધ્યાયમાં ‘કર્મમાં ભાવના ભળે તો શું ફર્ક પડે’ તે બહુ રસપ્રદ રીતે સમજાવવામાં આવેલ છે. તેઓ કહે છે કે…ધારો કે બે જણ ગંગામાં સ્નાન કરવાને જાય છે. તેમાંનો એક કહે છે. “અરે, આ ગંગા ગંગા કરો છો, પણ તે છે શું ? બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઑક્સિજન, એ પ્રમાણમાં બે વાયુ એકઠા કરો કે થઈ ગંગા!” બીજો કહે છે, “ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી એ નીકળી, શંકરની જટામાં અટવાઈ પડી, હજારો બ્રહ્મર્ષિ અને હજારો રાજર્ષિઓએ એને કાંઠે તપ કર્યાં, અને પાર વગરના પુણ્યનાં કામ એને કાંઠે થયાં. ત્યારે જે અવતારી છે એઆ પવિત્ર ગંગામાં છે” આવી ભાવનાથી ભીંજાઈને તે સ્નાન કરે છે. પેલો ઑક્સિજન-હાઈડ્રોજનવાળો પણ સ્નાન તો કરે છે. દેહશુદ્ધિનું ફળ બંનેને મળ્યા વગર ન રહ્યું. પણ બીજા ભક્તને દેહશુદ્ધિની સાથે સાથે ચિત્તશુદ્ધિનું ફળ પણ મળ્યું. ગંગા-સ્નાનથી શરીરનો મેલ ધોવાશે પણ મનનો મેલ ક્યાંથી ધોવાશે? એકને દેહશુદ્ધિનું નજીવું ફળ મળ્યું, બીજાને તે ઉપરાંત ચિત્તશુદ્ધિનું અમોલ ફળ પણ મળ્યું.
કર્મયોગીનું કર્મ તેને આખાયે વિશ્વની સાથે સમરસ કરે છે. તુળસીના છોડને પાણી પાયા વગર જમવું નહીં, એ નિયમમાં વનસ્પતિ-સૃષ્ટિ સાથે જોડાયેલા પ્રેમનો સંબંધ છે. તુલસીને ભૂખ્યાં રાખી હું પહેલો કેમ જમી લઉં ? ગાય સાથે, વૃક્ષ-વનસ્પતિ સાથે અને એમ કરતાં કરતાં આખા વિશ્વ સાથે એકરૂપતાનો અનુભવ લેવાનો છે. મહાભારતની લડાઈમાં સાંજ પડતાંવેંત બધા લડનારા સંધ્યા વગેરે કર્મ આટોપવાને જતા. પણ ભગવાન શ્રીકૃષ્ણ રથના ઘોડા છોડી તેમને પાણી પાવાને લઈ જતા, તેમને ખરેરો કરતા, તેમનાં શરીરમાંના કાંટા વીણી કાઢતા. આ સેવામાં ભગવાનને એવો તો આનંદ આવતો ! પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ધોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવીએ તો કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ આવે. અહીં હરેકેહરેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે.
મહાભારતમાં તુલાધાર વૈશ્યની કથા છે. જાજલિ નામનો એક બ્રાહ્મણ તુલાધાર પાસે જ્ઞાન લેવાને જાય છે. તુલાધાર તેને કહે છે, “ભાઈ, આ ત્રાજવાની દાંડી સીધી રાખવી પડે છે.” એ બહારનું કર્મ કરતાં કરતાં તુલાધારનું મન પણ સરળ, સીધું બન્યું. નાનું છોકરું દુકાને આવે કે મોટું માણસ આવે પણ દાંડીનું રૂપ તેનું તે, નહીં નીચી, નહીં ઊંચી, કર્મયોગીનું કર્મ એક જાતનો જપ જ હોય છે. તેમાંથી ચિત્તશુદ્ધિ થાય અને પછી નિર્મળ ચિત્તમાં જ્ઞાનનું પ્રતિબિંબ ઊઠે છે. ત્રાજવાની દાંડીમાંથી તુલાધારને સમવૃત્તિ જડી.
- સેનો નામનો હજામ. બીજા લોકોનાં માથામાંનો મેલ ઉતારતાં ઉતારતાં સેનાને જ્ઞાન થયું. “બીજાના માથા પરનો મેલ હું કાઢું છું. પણ મારા માથામાંનો, મારી બુદ્ધિમાંનો મેલ મેં કાઢ્યો છે ખરો ?” એવી આધ્યાત્મિક ભાષા તેના મનમાં તે કર્મ કરતાં કરતાં સ્ફૂરવા લાગી.
- ખેતરમાં વધી પડેલું નીંદણ કાઢતાં કાઢતાં હૃદયમાં પેદા થનારું વાસના તેમ જ વિકારનું નીંદણ કાઢવાની કર્મયોગીને બુદ્ધિ ઊગે છે.
- માટી ગૂંદી ગૂંદીને ગાર બનાવી સમાજને પાકાં માટલાં પૂરાં પાડનારો ગોરો કુંભાર પોતાના જીવનનું પણ પાકું વાસણ કરવું જોઈએ, એવી મનમાં ગાંઠ વાળે છે. હાથમાં ટીપણી રાખી, “માટલાં કાચાં કે પાકાં” એવી સંતોની પરીક્ષા કરનારો તે પરીક્ષક બને છે.
જે તે કર્મયોગીને પોતાના જે તે ધંધાની ભાષામાં ભવ્ય જ્ઞાન મળ્યું છે. એ કર્મો તેમની અધ્યાત્મની નિશાળો હતી. તેમનાં એ કર્મો ઉપાસનામય સેવાવાળાં હતાં.
કર્મયોગીનો પરમેશ્વર તો ઘોડાને ખરેરો કરતો ઊભો છે, રાજસૂય યજ્ઞ પ્રસંગે તે હાથમાં છાણ લઈ વાસીદું કાઢે છે, વનમાં ગાયો ચારવા જાય છે., દ્વારકાનો રાજા ફરી કોઈવાર ગોકુળ જતો ત્યારે મોરલી વગાડીને ગાયો ચારતો. આ ઘોડાની ચાકરી કરવાવાળો, ગાયો ચારવાવાળો, રથ હાંકવાવાળો, છાણાં થાપનારો કર્મયોગી પરમેશ્વર સંતોએ ઊભો કર્યો છે. ખૂબી તો જુઓ કે એ સંતો પણ કોઈ દરજીકામ તો કોઈ કુંભારકામ, કોઈ કાપડ વણવાનું કામ તો કોઈ માળીકામ, કોઈ દળવાનું કામ તો કોઈ વાણિયાનું કામ, કોઈ હજામનું કામ તો કોઈ મરેલા ઢોર ખેંચી જવાનું કામ કરતાં કરતાં મુક્ત થઈ ગયા. (ક્રમશ:)
