…તારી કરુણાનો કોઈ પાર નથી…
….આવો વિચાર જેને આવે તે સંત અને એ સંત એટલે મોરારિબાપુ !!
સૌને આશ્ચર્ય છે કે, મોરારિબાપુ ગુજરાતમાં હવે હેલિકોપ્ટરમાં જ આવ જા કરે છે !! આશ્ચર્ય સકારણ છે. બાપુના એવા અનેક ચાહક યજમાનો છે કે જેને માટે બાપુ સર્વસ્વ છે. બાપુને તકલીફ ન પડે તેની તેઓ સદાય કાળજી લેતા હોય છે. ..પણ આ સેવા માટે બાપુની અપાર કરુણા જ મુખ્ય છે.
“સત્ય – પ્રેમ – કરુણા” નું જીવન સૂત્ર લઈને બાપુ વિશ્વભરમાં માનસની પોથી દ્વારા વ્યાપી ગયા છે. બાપુ કહે છે કે, “સત્ય ખુદ માટે, પ્રેમ સામેના જીવ માટે અને કરુણા સૌ માટે !” અને આ સૌ માટેની કરુણા બાપુના જીવનનાં ડગલે ડગલે વરસે છે.
હમણાં બે ઘટના એવી બની કે, સૌને બાપુએ વિચારતા કરી મુક્યા.
બાપુ જોડિયાથી ગીતા જયંતિ નો ઉત્સવ પૂર્ણ કરી તલગાજરડા હેલિકોપ્ટરમાં પધાર્યા. તેઓને મૂકીને હેલિકોપ્ટર તો પાછું અમદાવાદ જતું રહેવાનું હતું. પણ નિયમ મુજબ છેક અમદાવાદ સુધીની વિત્તજા સેવા તો કરી દીધેલ હતી. હવે જુઓ, અહીં બાપુની કરુણાને વિચાર આવ્યો કે, હેલિકોપ્ટર ખાલી અમદાવાદ જાય એની બદલે તેમાં કોઈને સફર કરાવીએ તો ?? બાપુએ ત્યાં હેલિપેડ પર જે ત્રણ સેવકો હતા એમને કહ્યું કે, તમે અમદાવાદ સુધી ઉડી આવો. વળતાં બસમાં આવી જજો. બસની ટિકિટ અને હાથ ખર્ચીની રકમ સૌના હાથમાં આપી “જય સિયારામ” કહીને હેલિકોપ્ટર ઉડ્યું. સૌ વિચારતા રહી ગયા કે, આવો વિચાર તો બાપુને જ આવે!
વાત આટલેથી અટકતી નથી. બાપુ બારડોલી અને અમદાવાદનો પુરુષોત્તમભાઈને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂર્ણ કરી બાપુ હેલીકોપ્ટરમાં તલગાજરડા આવવા નીકળ્યા. બાપુએ ફરી કરુણા વરસાવી. આ ઉડન ખટોલાનું બધું તો છેક અમદાવાદ સુધીનું અપાઈ ગયું છે. તરત બાપુએ નીલેશભાઈને કહેણ મોકલ્યું કે, ચિત્રકૂટધામના સેવક વિઠ્ઠલભાઈ અને બાપુનાં ઘરે સેવા કરતાં ઉજી માડી અને રસીલા માડીને હેલિકોપ્ટરમાં બેસી અમદાવાદ ફરી આવવાનું કહો. તેઓને બસની ટિકિટ અને હાથ ખર્ચીના આપી દેજો. હેલિપેડ ઉપર વિઠ્ઠલભાઈ ને બે માડીઓ તૈયાર હતાં. બાપુ ઉતર્યાને ત્રણેય સેવકો તેમાં બેસી ઉડ્યા !
નાના માણસ માટે આમ ચાર્ટર ફ્લાઈટ માં સેર કરવી એ જીવનનું ક્યારેય પૂરું ન થનારું સ્વપ્ન હોય છે. અશક્ય જ રહેવા ટેવાયેલા આ નાના માણસના સ્વપ્નને બાપુએ સાકાર કર્યું !! જરા વિચારીએ કે વિશ્વ સ્તરે જેમનો પડ્યો બોલ ઝીલવા અનેક લોકો રાહ જુએ છે તેવા જગ વિખ્યાત વ્યક્તિ નાના સેવકોને યાદ કરે ખરા ?? કોઈ ન કરે તો તે જાણે પણ બાપુ તો કરે જ.
આવો વિચાર જેને આવે તે સંત અને એ સંત એટલે આપણા સૌના પ્રિય મોરારિબાપુ.
સંત પરમ હિતકારી….. આ સૂત્ર બોલાતું બહુ સાંભળ્યું છે, પણ અમલમાં મુકાયું હોય એવું બહુ ભાળ્યું નથી. બાપુ અશક્યને શક્ય કરનાર યુગપુરુષ છે.
ભદ્રાયુ ના જય સિયારામ
+++++++++++++++++++++
વિગત+ફોટાનું સૌજન્ય:
નીલેશભાઈ,
સંગીતની દુનિયા, મહુવા