‘મારો કોઈ મિત્ર નથી અને તેથી કોઈ શત્રુ પણ નથી.’
મને ઘણા લોકો પૂછે છે કે, બાપુ તમારો કોઈ મિત્ર છે ?? લોકો ઉદારતાથી પૂછતા હશે પણ હું એવો જવાબ આપું છું કે, ના મારે કોઈ મિત્ર નથી પણ હું આનંદિત છું, કારણ કે કોઈ મારો મિત્ર નથી અને એટલે મારો કોઈ દુશ્મન પણ નથી !!
હું તો બસ એ લહેરમાં ફર્યા કરું છું. કોઈને દુશ્મની કરવી હોય તો કરે, એ એના સંસ્કાર છે, એમાં હું શું કરું ? તમારી સમજ માં આવતું હશે કે, ‘ મેં ક્યાં કરું?’ બધાને માલૂમ છે કે હું પીયક્ક્ડ નથી એ તો આપ જાણો છો ને ? કે બસ ફરી એ બતાવું પડશે ? પરંતુ તુલસી માનસ રસ પીવડાવે તો પછી હું શું કરું? આ મારા દાદા ની પાઘડી મને પીવડાવે તો હું શું કરું?
મા જ્યારે દૂધ બાળકને પાતી હોય છે ને ત્યારે કપડાનો એક છેડો દૂધમાં બોળી અને બાળકના મોઢામાં નીચોવતી હોય છે, પણ આવી રીતે મને નીચોવી નીચોવીને દૂધ પાયું છે આ પાઘડીએ !! મારા દાદા મને જો પીવડાવે તો મારાથી કાંઈ થઈ શકે નહીં. હવે તમે જ સમજો કે આવી રીતે બને તો હું શું કરું?
અધ્યાત્મમાં મૈત્રી થોડી છે ?? મૈત્રી તો ધરાની વાત છે. પતંજલિએ જરૂર મૈત્રી શબ્દનો ઉપયોગ કર્યો છે અને મારા રામચરિત માનસમાં સંતના એક લક્ષણ તરીકે મૈત્રી ની વાત કરી છે. આ વાતનો હું સ્વીકાર કરું છું, પણ ઈશ્વર ઈચ્છા હશે કે મારે કોઈ મિત્ર નથી, પણ એનો મોટો ફાયદો છે કે મારે કોઈ દુશ્મન પણ નથી. કોઈ કશું બોલે તો ભલે બોલે, આખરે તો તેઓ પોતાના સંસ્કાર બતાવે છે, બીજું શું ?? એવી ફિકરમાં પડતો જ નથી.
બાપુ લોટ માંગવા નીકળ્યા !!
મારા મનમાં એવું તો ખરું કે, આપણે ભૂલી ન જઈએ એટલે વરસમાં એક વખત તો લોટ માંગવા નીકળવું. ને મારા ગામમાં કોઈ બ્રાહ્મણ દેવતા હવે લોટ માંગવા નીકળતા નથી. અને મારા સાધુ સમાજમાં પણ હવે કોઈ લોટ લેવા જતું નથી. એક અતિત ગોસાઈ અમારા ત્રિલિંગ મહાદેવના પૂજારી મઠના. એમાંથી એક ભાઈ નીકળે છે, એ રોજ નીકળે… સાધુ બ્રાહ્મણ લોટે નીકળે તો લગભગ સવાર નીકળે અને ગોસાઈ નીકળે એ સાંજે નીકળે. ઘણી વખત હું સવારમાં દર્શને જાવ ત્યાં હોય અને હું એને કહું કે, આ લોટ તો તામડીમાં ભેગો થાય એમાંથી બે રોટલા કરીને મને સાંજે આપી જજો ને તો હું આ ગંગાજળ આપું. એ મને લઈ આવી આપે. હવે તે દિવસે બહુ માણસો નહોતા અને હું દર્શન કરીને આવ્યો અને એ પોતે ઉભા હતા, કહે, બાપુ જય સીયારામ… મેં કીધું, બાપુ શરૂ કર્યું કે નહીં ? તો કહે, હજી તો નીકળ્યો છું બે મુઠ્ઠી લોટ નાખીને આમાં. ને મેં ચારે બાજુ જોયું કે કોઈ ફોટા પાડતા નથી ને ?? … મારે લોટે નીકળવું છે. અને મેં તામડી લીધી સાહેબ.
એકવાર આ બજારમાં નીકળ્યો. અમારે રામજી મંદિરની પહેલી ગલી, એમાં કણબી પટેલ નું ઘર પછી, નાની એવી ગલીમાં અમારે કવિરાજ બારોટ પરિવાર રહે. મેં કીધું પાછળ કોઈ આવતા નહીં.. અને લીધી તામડી સાહેબ… હવે કોઈને ભરોસો આવે નહીં. જણ ઘરે નહીં, બેનો દીકરીઓ ઘરે… મેં જઈને અમારો શબ્દ નાખ્યો, ‘ભજલે રામ’… અમારા સાધુ નીકળે ને ત્યારે ‘ભજલે રામ’ કહે. બ્રહ્મદેવતા નીકળે તો ‘દયા પ્રભુની’ આ શબ્દ બોલે. હું ગયો એટલે ઓલી બેન નીકળી તે પહેલા તો લાજ લઈને મને ઓળખી ગઈ કહે, બાપુ…?? મેં કીધું, દીકરા, પહેલા તો આ લાજ કાઢી નાખો… એણે કીધું પણ બાપુ તમે ? એને ભરોસો નહોતો.. મેં કીધું, મારા બાપ હવે નીકળ્યો છું તો નાખ ને બે મુઠી… સાહેબ આમ ધ્રુજતી ધ્રુજતી એણે લોટ નાખ્યો. પછી કવિરાજ ની ઘરે ગયો. કવિરાજને ઘરેથી લીધો, પછી જોગીનું ઘર એને ઘરે લીધો, પછી બે કોળીના ઘર એના ઘરનો લોટ લીધો. એક કણબી પટેલનું ઘર… આઠ ઘરે માંગ્યો ત્યાં તો તામડી ભરાઈ ગઈ. મારે દબાવીને દબાવીને અંદર નાખવો પડ્યો. આઠ ઘરે આખી તામડી ભરાણી અને મેં ગોસાઈ બાપુને કીધું, લ્યો બાપુ, તમારો ફેરો આજનો પૂરો થઈ ગયો. હવે ઘરે વયા જાવ અને આનો એક રોટલો કરીને મને રાત્રે આપી જજો. આવું મને બધું બહુ સુજે છે હમણાં. અને પછી મોકો આવે ત્યારે આપણે કરી લઈએ,,બાપ.
