કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં…પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરવું.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ગુરુઓની શૃંખલાને આપણે જાણી રહ્યા છીએ ત્યારે, આજે ગુરુ દત્તાત્રેયજી કોનો પરિચય કરાવે છે તેની પ્રતીક્ષા કરીએ.
સમુદ્રને પોતાના ગુરુ માનવા પાછળનું કારણ સમજાવતા કહેવાયું કે સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો બુદ્ધ, ઉલ્લંઘન ન થાય તેવો અગાઢ અને પ્રભાવશાળી છે. તેને કામ ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી. અચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે. સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી. અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી. તે જ પ્રમાણે સાધુએ પણ સમૃદ્ધિથી હરખાવું નહીં અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો. બંને અવસ્થામાં સમુદ્રની જેમ એકસરખા રહેવું.
નાનકડા દેખાતા પતંગિયાને પણ ગુરુ માનવું રહે છે. જે રીતે પતંગિયું મોહવશ અગ્નિમાં બળી જાય છે તે જ રીતે અજિતેન્દ્રિય વ્યક્તિ દેવ માયારૂપી સ્ત્રીને જોઈને તેના મોહમાં ફસાઈને અંધકારમય ઘોર લપમાં પડે છે. કંચન, કામિની, આભૂષણ, વસ્ત્રાદિ જેટલા પણ દ્રવ્યો છે તે બધા માયાથી બનેલા છે. મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય ઉપભોગ બુદ્ધિથી તેમનામાં આસક્ત થઈને પોતાનું વિવેક ગુમાવી બેસે છે અને પેલા પતંગિયા ની જેમ સ્વયં તેમાં જઈને પોતાનો નાશ કરી બેસે છે.
ભમરો અથવા ભ્રમર જે રીતે જુદી જુદી જગ્યાએ જઈ જુદી જુદી જાતના પુષ્પો ઉપરથી પુષ્પોનો રસ ગ્રહણ કરે છે એ જ રીતે મનનશીલ મુનિ થોડું થોડું અન્ન માધુકરી વૃત્તિથી થોડું થોડું અન્ન અનેક ઘરેથી લાવે છે. આમ કરવાથી શરીરનો નિર્વાહ પણ થઇ જાય છે અને આપવામાં કોઈને ક્લેશ થતો નથી, જે રીતે ભ્રમર નાના મોટા સર્વ પુષ્પોનો સાર ગ્રહણ કરે છે તે જ પ્રમાણે કુશળ મનુષ્યએ નાના મોટા શાસ્ત્રોનું સારતત્ત્વ ગ્રહણ કરવું અને વિવાદ ન કરવો.
આપણે જેને મધમાખી કહીએ છીએ એ મધુમક્ષિકા પણ આપણી ગુરુ છે. સાધુએ ભિક્ષાનું અન્ન સાંજના ભોજન માટે અથવા બીજા દિવસ માટે બચાવીને ન રાખવું પોતાના હાથરૂપી પાત્રમાં સચવાય તેટલું જ અન્ન લેવું અને તેના સંગ્રહ માટે ફક્ત પેટરૂપી પાત્ર રાખવું કારણકે ઉદરપોષણથી અતિ સંગ્રહ કરનાર મધમાખીની જેમ સાધુનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. આવું સમજીને સન્યાસીએ કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં.
હવે હાથીનું ઉદાહરણ સમજાવવા માટે બે શ્લોકને શરણે ભગવાન દત્તાત્રેય જાય છે. હાથી પાસેથી જ સ્પર્શ સુખની લાલસાના ત્યાગનો બોધ લેવો જોઈએ. સન્યાસીએ સાવધાન રહી લાકડાંથી બનાવેલી સ્ત્રીની પુતળીને પગથી પણ સ્પર્શ ન કરવો. અન્યથા હાથણીમાં આસક્ત હાથી જે રીતે બંધાઈ જાય તેમ બંધનમાં બંધાઈ જવાય છે. એક જગ્યાએ હાથીને પકડવા માટે ઘાસના તણખલાથી ઢંકાયેલા ખાડા ઉપર કાગળની હાથણી ઉભી રાખવામાં આવે છે, તેને જોઈને હાથી ત્યાં જાય છે અને હાથણીને પામવા જતા ખાડામા પડીને ફસાઈ જાય છે.
મધમાખીની વાત કરી તો મધ લૂંટી લેનારા લાલચુ પણ આપણા ગુરુ છે. લોભી મનુષ્ય ન તો કોઈને આપે છે, ન ઉપભોગ પણ કરે છે. જેની સંપત્તિને બીજો જ કોઈ ભોગવે છે. જેમકે મધ કાઢવાવાળા પાસે મધ છે એવી ખબર પડતા તેની પાસેથી યુક્તિપૂર્વક તે લઇ લેવામાં આવે છે, તે સ્વયં તેના ઉપભોગથી વંચિત રહી જાય છે. મધમાખીઓનું ભેગું કરેલું મધ તે ભોગવે તે પહેલા જ લૂંટનારો મધ લઇ જાય છે. તે જ પ્રમાણે ગુરહસ્થોએ બહુ મહેનતે મેળવેલા પદાર્થોને તેમનાથી પહેલા સન્યાસીઓ અને બ્રહ્મચારીઓ ભોગવે છે કારણકે ગુરહસ્થો પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરે છે.
હરણ પાસેથી બોધ મળે છે કે જંગલમાં રહેતા સન્યાસીએ ક્યારેય સાંસારિક વિષયના ગીત ન સાંભળવા. તેણે એ બોધ હરણ પાસેથી ગ્રહણ કરવો જે શિકારીના મધુર ગીતોમાં મોહિત થઈને પકડાઈ જાય છે. હરણીના ગર્ભથી ઉતપન્ન થયેલા ઋષ્યશૃંગ મુનિ સ્ત્રીઓના નાચ ગાન વગેરે સાંભળીને તેમનામાં આસક્ત થઈ ગયેલા અને તે સ્ત્રીઓના હાથની કઠપુતળી બની ગયા હતા આ વાત સર્વવિદિત છે.
જેમ માછલી કાંટામાં રહેલા માંસના ટુકડાના લોભમાં પોતાના પ્રાણ ગુમાવે છે તે જ પ્રમાણે સ્વાદઘેલા દુર્બુદ્ધિ મનુષ્યો પણ મનને વલોવીને વ્યાકુળ કરનારી પોતાની જીભના વશમાં થઈ જાય છે અને મરી જાય છે, કેટલાક વિવેકી પુરુષ ઉપવાસ અને ભોજનનો ત્યાગ કરીને બીજી ઈંદ્રિયો ઉપર તો ખુબ ત્વરાથી વિજય મેળવી લે છે. પરંતુ તેનાથી તેની રસનેન્દ્રિય વશમાં આવતી નથી તે તો ભોજન છોડી દેવાથી વધારે પ્રબળ બને છે.
એક ટીટોડી નું દ્રષ્ટાંત આપતા કહેવાયું કે ટીંટોડી પણ આપણો ગુરુ છે એ ટીટોડી ને ક્યાંકથી માંસનો ટુકડો મળ્યો તેને જોઈને બીજા માંસલોભી પક્ષીઓ તેના પર તૂટી પડયા. ટીટોડીએ આ મુસીબતમાંથી બચવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો ત્યારે તે બચી ગઈ અને સુખી થઈ. આનાથી સાર એવો નીકળ્યો કે સંગ્રહ કરવો એ જ આપત્તિને આમંત્રણ આપવા બરાબર છે. જે રીતે બાળક પોતાનામાં જ રમે છે તેને કોઈ ચિંતા થતી નથી એમ આપણે પણ માત્ર આત્મ આનંદમાં મગ્ન રહેવાનું છે. સંસારમાં બે વ્યક્તિ જ ચિંતામુક્ત છે, એક તો જે અણસમજુ બાળક છે તે અને બીજો જે ગુણાતીત છે તે. આ બંને પરમ આનંદના માર્ગીઓ છે. અહીં બાળક પણ આપણા માટે ગુરુસ્થાન પ્રાપ્ત કરે છે.
બાણ બનાવનાર પાસેથી પણ બોધ લઇ શકાય. આસન અને શ્વાસને જીતીને વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પોતાના મનને વશમાં રાખવું અને પછી ખુબ સાવધાની સાથે તેને એક લક્ષ્યમાં પરોવી દેવું. જયારે પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં મન સ્થિર થઈ જાય છે ત્યારે ધીરે ધીરે કર્મ વાસનાઓની ધૂળને ધોઈ નાખે છે. સત્વગુણની વૃદ્ધિ થાય છે અને તે રજોગુણ, તમોગુણની વૃત્તિઓને છોડીને એવું શાંત થઈ જાય છે જેમ લાકડા વિનાનો અગ્નિ હોય છે તેમ. સર્પ માંથી એવો બોધ મળે છે કે કોઈ પણ સાધુ વ્યક્તિએ સર્પની જેમ એકલા જ રહેવું, મંડળ ન બનાવવું, રહેવાના સ્થાનમાં મમતા ન રાખવી, હંમેશા સાવધાન રહેવું, એકાંતમાં અથવા ગુફામાં રહેવું. પોતાના આહકાર વ્યવહારથી પોતાને કોઈની સામે પ્રગટ ન કરવો અને મિતભાષી રહેવું. હવે અનિત્ય શરીર માટે આટલા કષ્ટ વેઠીને ઉંદરે બનાવેલા ઘરમાં સાપ આરામથી રહે છે તે જ પ્રમાણે યોગી ક્યાંય પણ રહીને પોતાનો નિર્વાહ કરી શકે છે. (ક્રમશઃ)
