‘મારા માટે મોક્ષનગરી તો મારું તલગાજરડું…’
તલગાજરડા કરતાં મારા માટે જગતમાં બીજું કોઈ સ્થાન નથી.
મને કલકતામાં પૂછેલું લોકોએ કે, ‘કલકત્તા એ ધર્મ નગરી છે બાપૂ,’
પછી કહે કે, ‘મુંબઈ અર્થ નગરી છે. ત્યાં શેઠિયાઓ બેઠા હતા અને મારી કથા હતી ત્યાં અને એ વખતે કલકત્તામાં ઘણી કથાઓ ચાલેલી. છાપામાં રોજ આવે એટલે બે ચાર વેપારીએ કીધું કે, ‘બાપૂ, અમારી કલકત્તા તો ધર્મનગરી છે. વળી કોઈકે કીધું કે, મુંબઈ અર્થનગરી છે, એ તો હકીકત છે, અર્થનું પાટનગર મુંબઈ ગણાય, હિન્દુસ્તાનનું. એ પછી મને પૂછ્યું કે બાપૂ કામનગરી કઈ ? તો મેં કહ્યું દિલ્લી. દિલ્લી કામનગરી, કામનાવાળા જ ત્યાં ભેગા થયા છે બધા. કોને પછાડવો ને કોને બેસી જવું ને… એ કામનગરી. પછી કોઈકે પૂછ્યું કે, મોક્ષ નગરી કઈ ? મેં કીધું, ભાઈ મારા માટે કહેતા હો તો મારા માટે મોક્ષનગરી તલગાજરડું… મારા માટે તો એ ભૂમિ છે. સૌને પોતપોતાની ભૂમિ હોય. ‘ફરક ઇતના હૈ સૈયાદ કફ્સ ઔર આસિયાનેમેં, યે તેરા દસ્તુર હૈ ઉસે મૈં ને બનાયા હૈ…’
આપણો કવિ ત્રાપજકરે દોહો લખ્યો કે, ‘કબૂતર ઉડ્યું કચ્છથી અને મુંબઈ આવ્યું જોઈ, આખા કચ્છને આંટો મારી ઊપડ્યું કબૂતર કે, લાવ મુંબઈ આંટો મારી આવું… કબૂતર ઉડ્યું કચ્છથી અને મુંબઈ આવ્યું જોઈ પણ એને વ્હાલું ન લાગ્યું કોઈ વાગડ જેવું વિઠ્ઠલા..‘ એને વાગડ જેવું કોઈ વ્હાલું ન લાગ્યું એટલે ફરી પાછું ત્યાં ગયું.
‘મેરો મન અનત કહાઁ સુખ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી ફીર જહાજ પે આવે’…
શું કામ ફરવાનું? હા જરૂર, તમને મળીને આનંદ થાય બાપ ! મારા દેશનાં ભાઈ-બહેનોના સંસ્કાર, એની સમૃદ્ધિ, એની સમજણ જોઈને હું રાજી થાઉં. અપાતું હોય તો અમે બધુ આપી દઈએ તમને. એટલો મારો ભાવ છે.
મેં કેટલીએ વાર કહ્યું છે અને ફરી એકવાર દોહરાઉ છું, ‘મમતા બંધન છે, છતાંય મારા શ્રોતાઓ તરફ મારી મમતા છે એ બંધન મને મંજુર છે, એ બંધન મને સ્વીકાર્ય છે. હું રાજી થઈશ પણ એનો અર્થ એમ નથી કે, અમને ઘરે ગમતું નથી. અમે ત્યાં બેઠા હોઈએ તો ય લહેર છે. પણ આ બહાને જો બે-ત્રણ દિવા પ્રગટી જતા હોય તો ભલે પ્રગટે..ભલે બે ચાર જ્યોતો પ્રગટી જાય… ‘હમ ફકીરો સે જો ચાહે વો દુઆ લે જાયે…’
હું કોઈનું ધર્મ પરિવર્તન કરાવવા બ્રાઝીલ નહોતો આવ્યો….
હું બ્રાઝિલમાં કથા કરીને નીકળ્યો અને અમે બોટમાં જઈ રહ્યા હતા. આ નવ દિવસમાં આજુબાજુમાં રહેલા બ્રાઝિલવાસીઓ એટલા ભાવમાં આવી ગયા કે એક સજ્જને મને કહ્યું કે, બાપુ મને હિન્દૂ ધર્મની દીક્ષા આપો. એમના આ શબ્દો સાંભળીને મારો જવાબ હતો કે, હું કોઈનું ધર્મ પરિવર્તન કરાવવા બ્રાઝીલ નહોતો આવ્યો. મારું એ કામ જ નથી. હું એ કામ માટે નીકળ્યો જ નથી. તમે સત્ય, પ્રેમ અને કરુણામાં જીવો એટલો જ મારો સંદેશ બસ. બાકી તમે તમારા ધર્મમાં રહીને બંદગી કરો. આ બધું છોડવાની શી જરૂર છે ?? મારી પાસે કંઠી જ નથી તો બાંઘું શું ? હું તો કોઈના ગળામાં ખોટી કંઠી આવી ગઈ હોય તો તેને ઝુંટવી લેવાની કોશીષ માં છું. અને સૂફીઓમાં ફકીરોમાં તો બધું જ છીનવી લેવામાં આવે છે.
આમિર ખુસરો કહે છે કે, જયારે મારા સદ્ગુરુ નિઝામુદ્દીન ઔલિયાને હું મળ્યો અને અમારી આંખ ચાર થઈ તો એવી ઘટના ઘટી કે હું બીજા દિવસથી દીક્ષિત થઇ ગયો !! ક્યાંકથી વિચાર મળ્યો, ક્યાંકથી સૂત્ર મળ્યું, કોઈ સાધુ સંતના સત્સંગથી થોડો પ્રકાશ મળ્યો ..આ સૌએ તો બધું આપ્યું છે. સાધુને માધુકરીનો અધિકાર છે. માધુકરી ત્યાંથી મળે છે જ્યાંથી એકબીજાનો સુર મળે છે…
છાપ તિલક..એ આમિર ખુસરોના શબ્દો છે જે તેમણે પોતાના ગુરુની સમક્ષ ગાયા હતા. ભાઈ, હું તો રામનામનું ગીત ગાવા નીકળ્યો છું, ધર્મ પરિવર્તન કરાવવા નથી નીકળ્યો.