જે જ્ઞાનની સ્વધર્માચરણમાં કશી આવશ્યકતા નથી અને જેનાથી બુદ્ધિભેદ થાય એ જ્ઞાનનો ચિત્ત પર બોજ નાખવો ન જોઈએ.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

ઈશોપનિષદનો આ અગિયારમોં શ્લોક છે, તેમાં સમજાવ્યા મુજબ વિદ્યા બે પ્રકારની છે, ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’.
‘વિદ્યા’ એટલે જ્ઞાન, અધ્યાત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા…
’અવિદ્યા’ એટલે જીવનનિર્વાહ માટેની જરૂરી તમામ ભૌતિકવિદ્યાઓ અને કૌશલ્યો.
જે માણસ ‘અવિદ્યા’નું સેવન કરે છે તે ગૃહસ્થજીવનની જવાબદારીઓ અને સામાજિક ફરજો પૂર્ણ કરી સંસારસાગર સારી રીતે પાર કરી શકે છે. સાથોસાથ ‘વિદ્યા’નું પણ અભ્યાસપૂર્ણ આચરણ કરીને તે મૃત્યુ પછી અમૃતતત્ત્વ પ્રાપ્ત કરે છે.
આ અગિયારમો મંત્ર એ 1953માં ઋષિવર્ય નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોલી દ્વારા સ્થપાયેલ લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો ધ્યાનમંત્ર છે. ‘લોકભારતી’નો મનોરથ ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ના સમન્વિત અનુષ્ઠાન દ્વારા માનવીના આંતરિક તથા બાહ્ય જગતને ઉન્નત અને નિર્મળ બનાવવાનો છે.
આ જ ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ ના ૯ માં મંત્રમાં ‘જે વિદ્યામાં રમમાણ છે તે જાણે, તેનાથીયે વધારે ગાઢ અંધકારમાં પેસે છે ‘, એમ કહ્યું છે. આ વિધાન ઝટ સમજાતું નથી.
‘ઈશાવાસ્યવૃત્તિ’ નામની નાનકડી પણ સમૃદ્ધ પુસ્તિકામાં વિનોબાજી બહુ બધી સ્પષ્ટતાઓ કરે છે. તેઓ આરંભમાં જ કહે છે કે, ઈશાવાસ્ય એક નાની-શી ચીજ છે પણ તેના ચિંતનનો સાર ઓછામાં ઓછા શબ્દોમાં ‘ઈશાવાસ્યવૃત્તિ’માં આપવાની મેં કોશિશ કરી છે. મારી દ્રષ્ટિએ ઈશાવાસ્ય એ એક પૂર્ણ ઉપનિષદ છે એટલે કે પારમાર્થિક જીવનનો એક આખો નકશો તેમાં ટૂંકાણમાં દોરેલો છે. વેદોનો એ સાર છે અને ગીતાનું બીજ છે. આપણા ગળે આ ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ શબ્દોને ઉતારવાનો સફળ પ્રયોગ અહીં કરે છે. તેઓ કહે છે કે, ઈશાવાસ્ય ઉપનિષદના વિદ્યા – અવિદ્યાવાળા મંત્રો કઠણ છે. ત્યાં ‘આત્મજ્ઞાન’ ને વિદ્યા નથી કહી. લોકો માને છે કે હર હાલતમાં વિદ્યા ઉત્તમ વસ્તુ છે. પરંતુ આત્મજ્ઞાન અને વિદ્યાને અલગ કરીએ તો વિદ્યા ઉત્તમ વસ્તુ સિદ્ધ નહીં થાય. એમ તો મનુષ્ય માટે વિદ્યા અને અવિદ્યા બંને આવશ્યક છે. સમજવા જેવું છે કે દુનિયામાં હજારો પ્રકારનાં શાસ્ત્ર છે અને હજારો જાતનાં જ્ઞાન છે. એ બધું પ્રાપ્ત કરવામાં પડ્યા તો આપણાથી કોઈપણ કામ બનશે નહીં. એટલા માટે એ હજારો વિષયો વિશે અજ્ઞાન જ જોઈએ. દરેક જ્ઞાન પ્રાપ્ત કરવું ઠીક નથી. જે જ્ઞાનની સ્વધર્માચરણમાં કશી આવશ્યકતા નથી અને જેનાથી બુદ્ધિભેદ થાય એ જ્ઞાનનો ચિત્ત પર બોજ નાખવો ન જોઈએ, એ બાબતમાં વિનોબાજી બહુ જ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે, અવિદ્યાને અજ્ઞાન જ રહેવા દો .
અનાવશ્યક જ્ઞાન ન હોય તો ચિત્ત પર બોજ પડતો નથી. એનાથી શરીરની પ્રાણશક્તિ ક્ષીણ થતી નથી અને એનો સદુપયોગ થાય છે. પરંતુ આવશ્યક જ્ઞાન પણ ન હોય તો મનુષ્ય અંધકારમાં ગરકાવ થઈ જશે. એથી ઊલટું જો આપણે હજારો પ્રકારના જ્ઞાનમાં ગળાડૂબ રહીશું તો એથી અધિક ઘોર અંધકારમાં જઈશું. આજના શિક્ષિતોની આ જ હાલત છે. અર્જુનની આવી જ હાલત થઈ હતી. એથી ભગવાને એને કહ્યું : “તેં શાસ્ત્રો બહુ વાંચી લીધાં છે. તું શ્રુતિ-વિપ્રતિપન્ન-મતિ થઈ ગયેલ છો. તેં ઘણું સાંભળી લીધું. એ શ્રવણથી મુક્ત થઈશ ત્યારે પ્રજ્ઞા સ્થિર થશે.” આમ, સમજવાનું એ છે કે વિદ્યા અને અવિદ્યા બન્નેની જરૂર છે.
એક મનુષ્ય પાસે વિદ્યા છે, પણ આત્મજ્ઞાન નથી, તો એ વિદ્યાનો અહંકાર પેદા થશે અને તે મનુષ્ય ઘોર અંધકારમાં પ્રવેશ કરશે. દુનિયામાં ઘણા એવા લોકો જોવા મળે છે, જે વિદ્વાન છે અને વિદ્વત્તાનો અહંકાર પણ ધરાવે છે. અજ્ઞાની મનુષ્ય તો અંધકારમાં છે જ પણ આવા વિદ્વાનો તો અધિક ઘોર અંધકારમાં જાય છે. એક મનુષ્ય ઘણો ઊંચો ચડે અને ત્યાંથી પડે તો એને બહુ તકલીફ થશે. બીજો મનુષ્ય એટલી ઊંચાઈએ ન ચડ્યો હોય અને પડે તો એને પેલાના જેટલી તકલીફ નહીં થાય. માટે વિદ્યા અને અવિદ્યા બંનેથી ભિન્ન જે આત્મજ્ઞાન છે એ તરફ મનુષ્યનું ધ્યાન રહેવું જોઈએ.
વિનોબાજીની નિખાલસ અને ખુલ્લી વાત જાણવા જેવી છે કે, આજ લગી મને એકેય ધર્મગ્રંથ એવો નથી મળ્યો કે એકેય માણસ એવો નથી મળ્યો, જેણે કહ્યું હોય કે અજ્ઞાનની જરૂર છે. એક ઈશાવાસ્ય જ પહેલો ગ્રંથ છે, જે કહે છે કે જેટલી જ્ઞાનની જરૂર છે, તેટલી જ અજ્ઞાનની પણ છે. એકલું જ્ઞાન યા એકલું અજ્ઞાન, બંને અંધકારમાં લઈ જાય છે. એટલા વાસ્તે થોડી જોઈએ વિદ્યા અને થોડી જઈએ અવિદ્યા. જો કે આત્મજ્ઞાન વિદ્યા અને અવિદ્યા બંનેથી પર છે. જરાયે ભ્રમ ન રહે એટલે આટલા ઊંડાણમાં ઈશાવાસ્ય આપણને લઈ જાય છે.’
આજકાલ હર કોઈ જ્ઞાનની પાછળ પડ્યું હોય એમ દેખાય છે. આ શીખે છે, પછી તે શીખે છે, એક પછી બીજુ એમ શીખતાં જ જાય છે. બધા જ્ઞાનને લીધે ચિત્ત વહેતું રહે છે. પરિણામે ચિંતન-શક્તિ ક્ષીણ થઈ જાય છે. ગીતામાં કહ્યું છે કે, તું “શ્રુતિવિપ્રતિપન્ન-મતિ” છે. અનેક વાત સાંભળી સાંભળીને તારી મતિ ગૂંચવાઈ ગઈ છે. અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરીને તું વિદ્વાન બન્યો, પંડિત બન્યો, પણ પરિણામ એ આવ્યું કે ચિત્તમાંથી નિર્ણયશક્તિ જતી રહી. ચિત્ત અનિર્ણયની અવસ્થામાં પડી ગયું.’ આપણે પણ વાતવાતમાં કહીએ છીએ કે : Something can be said on both the sides–બંને બાજુ કાંઈક કહી શકાય તેમ છે. “To be or not to be’ની હાલત થાય છે. સમસ્યા જ સમસ્યા નજરે પડે છે. સમસ્યાનું નિવારણ થતું જ નથી. અનંત સમસ્યાઓ ખડી દેખાય છે. બુદ્ધિ ચાલે છે, પણ વિપરીત ચાલે છે. એથી મનુષ્ય નિષ્પ્રાણ, નિર્વીર્ય અને ભ્રાંત બની જાય છે. એથી ઊલટું અજ્ઞાન હોય તે ચિત્ત પર કશો બોજો રહેતો નથી.
ઋષિ અત્યંત નમ્રતાથી કહી રહ્યા છે : “ હે પરમાત્મા, હું સત્ય દર્શન ચાહું છું, એને મેં મારો ધર્મ માન્યો છે. હું સત્ય ધર્મનો ઉપાસક. મારા દર્શન માટે તું સત્યને ઉઘાડું કર. મારે સત્યનાં દર્શન કરવાં છે અને સુવર્ણમય પાત્ર વડે, સત્યનું મુખ ઢંકાયેલું છે. ‘ એક પાત્ર ખોલતાં બીજું પાત્ર દેખાય છે, બીજું ખોલતાં ત્રીજું. એ રીતે અંદર ને અંદર ખોલતાં જતાં સત્યનું દર્શન થાય છે. કોબીજના અનેક પડ હોય છે તેમ ચિત્તનાં પણ અનેક સ્તર હોય છે. સૌથી ઉપરના સ્તરમાં બધા મતભેદ, પક્ષભેદ વગેરે આવે છે. એ બધા સ્તરોને હટાવીને અંદર જતાં સત્ય દેખાશે. સંભવ છે, અંદરના કોઈક સ્તરને પણ વિકલ્પનો સ્પર્શ થયો હોય, તે તેને પણ હઠાવવો પડશે. ત્યારે અંદરના ભગવાન સત્યનારાયણનાં દર્શન થશે. એવું સ્મરણીય દર્શન આ ઉપનિષદમાં છે.
પોતાની કઠિન ભૂદાનયાત્રા દરમિયાન બાબા (વિનોબાજી) ઉપનિષદગોષ્ઠી નિયમિત કરતા. એવી જ એક ગોષ્ઠીમાં તેઓએ ઈશાવાસ્ય ઉપનિષદ વિષે રસપ્રદ વાતો કરેલી, તે આત્મસાત કરવા જેવી છે.
