રાજકોટનું સાહિત્યસેતુ અને નવસારીની લાઈબ્રેરી માર્ગ ચીંધે છે
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
“આજે ક્યાં કોઈ વાંચે છે ?”
“બધા મોબાઈલમાં જ માથું નાખીને બેઠા છે ને !”
‘હવે પુસ્તકો સુધી તો કોઈ પહોંચતું જ નથી ..”
આ અને આવા અનેક ઉદગારો આપણે વારંવાર સાંભળ્યા કરીએ છીએ અને ક્યારેક તો આપણે જ ઉચ્ચારીએ પણ છીએ…
પણ ખરું કહેજો,,, આપણે પોતે કેટલા પ્રયત્નો કર્યા કે કોઈને વંચાવીએ ?? લાવો, કોઈના ઘર સુધી કે કોઈના હાથ સુધી પુસ્તકો પહોંચાડીએ ?? હા, આપણે પુસ્તક દિને ઢગલાબંધ મેસેજો ફોરવર્ડ કર્યા અને પુસ્તક વાંચવા જોઈએ ને એવી બધી સુફિયાણી સલાહોના ધોધ વહાવ્યા અને તે દિવસે એ જ વોટ્સએપ પર સૌને વાંચતા કર્યા !! ખરું કે નહીં ?? કડવું છતાં સત્ય છે કે નહીં ??
હા, રાજકોટમાં સર્જક-લેખક-કવિ કે એવું કશું જ નથી એ અનુપમભાઇ દોશીએ ‘સાહિત્ય સેતુ’ના બેનર હેઠળ લોકો સુધી પુસ્તકને લઇ જવા માટે આખો દિવસ ફાળવ્યો. એ ‘પુસ્તક પરબ’ ચલાવે છે. કોઈ આવે ને પુસ્તક દઈ જાય અને કોઈ આવીને ગમતું પુસ્તક લઇ જાય !! મહિનામાં પહેલા રવિવારે કાલાવડ રોડ પર કોટેચા સ્કૂલના સભાખંડમાં..કોઈ ચાર્જ નહીં કોઈ ફોર્માલિટી નહિ..પુસ્તક દિને આ ‘સાહિત્ય સેતુ’ છેક પહોંચ્યું બાલાજી હનુમાનના મંદિરે , રાજશ્રી ટોકીઝની બાજુમાં, ગીર્દીવાળા સ્થળે..અને એ પણ શનિવારે કે જ્યાં હનુમાન ભક્તોની જબરી ભીડ જામી હોય ત્યાં જઈને પુસ્તકો પાથરી દીધા. દર્શન કરવા આવનારની નઝર પડી ને નજીક આવ્યા અને પુસ્તક હાથમાં લઇ જોવા લાગ્યા અને પછી પ્રેમથી ઘરે લઇ જવા લાગ્યા.. આ જોઈને અનુપમભાઈ અને તેની ટોળી તો રાજી રાજી… હા, તેઓએ રાજકોટની અગિયાર શાળાઓને સો-સો પુસ્તકો ભેટ આપીને ત્રેવીસમી એપ્રિલનો પુસ્તક દિન સાચા અર્થમાં ઉજવ્યો. એવા વિરલા કો’ક કે જેમણે ન તો વોટ્સએપ જોયું કે ન તો કોઈને જોવા દીધું,,પુસ્તક દિને !!
આવી જ લાંબા ગાળાની અસર ઉભી કરતી પ્રવૃત્તિ થઇ નવસારીમાં. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારી દ્વારા તો “વેકેશન વાંચનોત્સવ” નો પુસ્તક દિને શુભારંભ થયો. તેઓ દર વર્ષે બાળકોને વાંચન તરફ પ્રવૃત કરવા માટે વેકેશનમાં સુંદર પ્રવૃત્તિ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પુસ્તકાલય બાળકો-વિધાર્થીઓ માટે વેકેશન દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર છે. ૨૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિનથી આરંભ થયેલ “વેકેશન વાંચનોત્સવ” અંતર્ગત થનારી પ્રવૃત્તિઓ ૪ જુન ર૦રર સુધી ચાલશે. જેમાં વિવિધ શીર્ષક હેઠળ સુંદર કાર્ય થતું રહેશે.
એક) ચાલો વાચીએ – ચાલો લાઈબ્રેરીમાં
છેલ્લા એક દાયકાથી વેકેશનમાં યોજાતી આ પ્રવૃત્તિમાં સામેલ થતાં જ બાળકને એક નોટબુક મળશે. જેમાં વાંચેલ પુસ્તકોની નોંધ અને વિચારસાર લખવાના રહેશે. પાંચ પુસ્તકોના વિચારસાર લખનાર વિદ્યાર્થીને એક ફુલસ્કેપ નોટબુક પુરસ્કાર રૂપે મળશે. વધુમાં વધુ 10 નોટબુકો એટલે આખા વર્ષની નોટબુકો વિદ્યાર્થી પોતે જ પુસ્તકો વાંચી મેળવી શકે.
બે) નમન ક્રાંતિવીરોને (આઝાદીના લડવૈયાઓને) અને વીરબાળાઓને
આઝાદીના અમૃતમહોત્સવના વર્ષમાં વિધાર્થી આપણા ક્રાંતિવીરો અને વીરબાળાઓના જીવન, સંઘર્ષ, ત્યાગ, સમર્પણ, બલિદાન વિષયે જાણીને રાષ્ટ્રભાવનાનું મુલ્ય સમજશે, એમના વિશે પુસ્તકો વાંચીને લખશે. વેકેશનના અંતે એની પાસે પોતાના શબ્દોમાં લખાયેલો ઓછામાં ઓછા ૧૫ આવા ક્રાંતિવીરો અને વીરબાળાઓનો ઈતિહાસ હશે જે એમના માટે કાયમનું સંભારણું બનીને રહેશે. આ બધા વિધાર્થીઓને પુસ્તકાલય આગવી રીતે પુરસ્કૃત કરશે.
ત્રણ) બુદ્ધિ, તર્ક, કલ્પના વિસ્તારનારી રમતો ::
ધોરણ ૧ થી ૧૨ ના બાળકો માટે વેકેશન દરમિયાન દરરોજ સવારે ૧૦.૦૦ થી ૧ર.૦૦, પ્રોજેક્ટર સ્ક્રીન પર સંવેદના સંકોરતી, સંસ્કાર ઘડતરની ફિલ્મો બુધવાર અને શુક્રવાર સમય સાંજે ૪.૦૦ વાગ્યા થી.. જેવા ૧૦ કે ૧૫ વિદ્યાર્થીઓ થયેથી ફિલ્મ બતાવાશે. ફિલ્મના અંતે એના વિશેની માહિતીસભર ચર્ચા વિદ્યાર્થીશ્રોતાઓ કરશે.
ચાર) વાર્તાકથન અને વાતલેખન વર્કશોપ
ધોરણ ૫ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે મે મહિનામાં પુર્વ જાણ કરીને નક્કી કરેલી તારીખે એક દિવસીય એવા વાર્તાલેખન અને વાર્તાકથન અથવા વાચિકમના એવા બે અલગ વર્કશોપના આયોજન વિદ્વતજનના માર્ગદર્શન હેઠળ થશે. આ વર્કશોપ હેઠળ મળેલ માર્ગદર્શન વિદ્યાર્થીઓને શાળાકીય ઈતર પ્રવૃત્તિઓમાં અને જીવનમાં પણ ખુબ ઉપયોગી નીવડશે.
પાંચ) પુસ્તક વિશ્વમાં પખવાડિયું
ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ બે થી ચાર સપ્તાહ દરરોજ ચાર થી પાંચ કલાક પુસ્તકવિશ્વ (પુસ્તકાલયમાં) આવશે. પુસ્તકો તથા મેગેઝીનોને જોવા, વર્ગીકૃત કરવા, નોંધવા એવા કાર્યો દ્વારા પુસ્તકાલયને જાણશે. બાળકોની ઈતર પ્રવૃતિઓમાં સહયોગ આપશે. આ પ્રવૃત્તિમાં જોડાનાર દરેક વિધાર્થીને પુસ્તકાલય આગવી રીતે પુરસ્કૃત કરશે. આ સાથે વિદ્યાર્થી પોતાના જીવનમાં સારો બદલાવ આવ્યાનું અનુભવશે.
જે વિદ્યાર્થીઓની પરીક્ષા વહેલી પૂરી થાય છે તેઓ 23 એપ્રિલથી વેકેશન વાંચનોત્સવમાં જોડાઈ શકે છે. વેકેશન વાંચનોત્સવનો શુભારંભ કરાવ્યો જાણીતા કવિ-લેખક અને વિવેચક શ્રી વિનોદ જોશીએ.
વેકેશન વાંચનોત્સવનો ઉદેશ સ્પષ્ટ છે :: મોબાઈલ ટીવીથી દુર રહી લાયબ્રેરીમાં જઈશું. લાયબ્રેરીમાંથી લાવેલ પુસ્તકોનું વાંચન કરી સ્વવિકાસ કરીશું.
સોશ્યલ મીડિયા માં આ નવસારી વાળો મેસેજ બહુ વાઇરલ થયેલ છે, કારણ કે સૌને ભૂખ તો લાગે જ છે પણ કોઈ મેસેજ ફોરવર્ડ કરીને તે સંતોષે છે તો કોઈના માટે નવસારીની લાઈબ્રેરી અને સાહિત્યસેતુ જેવી સંસ્થાઓ પહેલ કરે છે.
મમ્મી-પપ્પા પોતાના સંતાનોને સ્વિમિંગ કે સ્કેટિંગ કે જિમ કરાવે તેનો વિરોધ નથી પણ શરીર સારું હશે પણ બુદ્ધિ બુઠ્ઠી હશે તો…? બુદ્ધિમાં સાત્વિક વિચાર હશે તો શરીર પ્રભાવશાળી બનશે, આ વાત સમજીને મા-બાપ પણ વેકેશનમાં પોતાના સંતાનને કોઈ લાઈબ્રેરીના સભ્ય બનાવે તેવી વિનંતી એક શુભેચ્છક તરીકે કરું છું.
