ગુજરાતમાં ૧૯૭૪ થી લઈને દરેક દસકામાં વીસ મીટર જેટલું ભૂગર્ભજળ નીચે ગયું, ૨૦૦૯ થી લઈને ૨૦૧૮ સુધીમાં ભૂગર્ભ જળમાં ૬૧% નો ઘટાડો થયો છે. !!!
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
વાણી અને પાણી આ બે જોખીને વાપરવા જોઈએ. આપણે વાણીની વાત નથી કરવી પણ પાણીની વાત કરવી છે.
શ્રી મિત્તલ પટેલ બહુ જાણીતું નામ છે, ગુજરાત માટે..તેમની સાથેની વાતચીતમાં પાણીની ભૂગર્ભ સ્થિતિ કેટલી વિકટ થઇ છે તે બહુ સ્પષ્ટ થયું. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ દ્વારા આખા ભારતના ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક વિસ્તારોનો સર્વે થયો. બોર્ડે ભૂગર્ભ જળની પરિસ્થિતિનો સર્વે કર્યો અને એ સર્વેમાં જે આંકડા મળ્યા એ બહુ ચોંકાવનારા છે. આપણે તો ગુજરાતની જ વાત કરવી છે. ગુજરાતમાં સર્વેના કહેવા પ્રમાણે ૧૯૭૪ થી લઈને દરેક દસકામાં વીસ મીટર જેટલું ભૂગર્ભજળ નીચે જઈ રહ્યું છે. એમ કહે છે કે ૨૦૦૯ થી લઈને ૨૦૧૮ સુધીમાં ભૂગર્ભ જળમાં ૬૧% નો ઘટાડો થયો છે. ગુજરાતના કયા જિલ્લામાં પરિસ્થિતિ વધારે વણસી છે તે વિચારીએ તો એમાં ઉત્તર ગુજરાત મોખરે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને અમદાવાદ. પાટણ અને બનાસકાંઠા એકબીજાની પાસે આવેલા જિલ્લાઓ છે.
બનાસકાંઠામાં ભૂગર્ભજળ ઊંડા થયા છે એ તળ ઉપર આવે એ માટે થઈને જળસંચયના કાર્યો કરવા રહ્યા. બનાસકાંઠામાં શું પરિસ્થિતિ થઇ છે ? સર્વે કહે છે કે ૧૯૭૪ માં બનાસકાંઠામાં ભૂગર્ભજળ ૫૪ મીટરે હતું એ આજે ૧૬૦ મીટરે પહોંચ્યા છે. આ આંકડા વાંચીને થોડી વાર માટે તો ખરેખર ગભરાઈ જવાય એવું છે. કેમ કે ૧૬૦ મીટરથી નીચે કેટલા જઈશું ?? એક સમય આવશે કે ભૂગર્ભમાં પાણી જ નહીં હોય અને પાણી જ નહીં હોય તો શું કરીશું ? હા, બોરવેલની ટેક્નોલોજી આવી તે આપણા માટે આશીર્વાદરૂપ થઈ અને એટલે જ અછતવાળા વિસ્તારોમાં ખેતી વધારે સમૃદ્ધ બની. આજે ત્રણ ત્રણ પાક આપણે ખેતીમાં બોરવેલની ટેક્નોલોજીને લીધે લઇ શકીએ છીએ. પણ આપણે ધરતી માતાનું દોહન જ કર્યું છે ને પાણી બહાર કાઢ્યું છે. આપણે ભૂગર્ભમાં પાણી પાછું આપવાનું જેટલી માત્રામાં થવું જોઈએ એટલી માત્રામાં નથી કર્યું, એટલે આપણે આંકડાકીય પરિસ્થિતિને સમજી શકીએ છીએ અને એની ગંભીરતા પણ આપણને સમજાય છે.
બનાસકાંઠામાં વિચરતા સમુદાય સમર્થન મંચ નામની એન.જી.ઓ. દ્વારા તળાવો ઊંડા કરવાનું કામ થયું. ગયા વર્ષથી કુવા અને બોરવેલ રિચાર્જનું કામ પણ શરૂ કર્યું, પણ આ સંસ્થા તો મુખ્યત્વે તળાવો ઊંડા કરવાનું કામ કરે છે. આનું કારણ પણ છે કે તળાવ એ ખુબ મોટો જળસ્રોત છે અને વરસાદનું ટીપેટીપું જો આપણે એમાં બચાવી શકીએ અને એ પાણી સંગ્રહી શકીએ તો બહુ જ મોટું કામ થઈ શકે. આપણા વડાપ્રધાન શ્રી એ હમણાં જ Catch the rain (કેચ ધ રૈન) અભિયાન પણ આ અંતર્ગત જ શરૂ કર્યું છે. બસ એ Catch the rain નું એક સ્ટેપ આગળ અથવા એની સાથેનું ગામમાં પડતું તમામે તમામ પાણી આપણે તળાવમાં અથવા ભૂગર્ભમાં એ જ ગામની સીમમાં અથવા ગામના ગોંદરે કે ઘરના આંગણામાં આપણે એને ઉતારીએ એ મિત્તલનો મુખ્ય ઉદ્દેશ છે.
આ સંસ્થાએ ૧૬૦ જેટલા તળાવો છેલ્લા છ વર્ષમાં કર્યા. દર વર્ષે મનોરથ છે ૩૦-૪૦-૫૦ તળાવો કરવાનો અને આ જ સંસ્થાની ભગવાનને અને મેઘરાજાને પ્રાર્થના છે કે સરસ મજાની રીતે વરસે ત્યાં. બનાસકાંઠામાં વરસાદ પણ અનિયમિત છે પણ સારું એ થયું છે કે ક્યાંક નર્મદા કેનાલ કે નર્મદાની પાઈપલાઈન સાથે સરકારે તળાવો લિંક કર્યા છે અને જે તળાવો લિંક થયા છે એની આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. પણ તકલીફ એ છે તળાવો ગાળવાનું આપણે ભૂલી ગયા છીએ. મિત્તલ પટેલ તો હંમેશા કહેતી હોય છું કે એક સમય એવો આવશે જો તળાવોને નહીં ખોદીએ તો “એક હતું તળાવ” એવી આત્મકથા લખવાનો વારો આવશે.
તળાવો ખોદાય તો શું ફાયદો થાય ? ભટાસણા ગામ છે ત્યાંનું તળાવ ઊંડું કર્યું એ તળાવ ઊંડું થતાં જ ત્યાં પાણીના તળ ખાસ્સા ઊંડા પહોંચી ગયેલા અને ગામનું નસીબ બાજુમાંથી જ નર્મદા પાણીની પાઈપલાઈન જતી હતી અને એ પાઈપલાઈન સાથે એ તળાવ લિંક થયું તો એના કારણે એ છીછરું તળાવ ભરાવાનું શરૂ થયું, પણ તળાવ તો છીછરું હતું. રકાબીમાં કેટલું પાણી ભરાય ? સંસ્થાએ એનો સરસ મજાનો વાટકો કરી આપ્યો. ગામે સહયોગ કર્યો, માટી ઉપાડવાનું એમણે કર્યું, ખોદવા માટે JCB સંસ્થાએ મૂક્યું અને એના પરિણામે આજે ગામમાં શું ફર્ક થયો અને શું ફાયદો થયો તે ત્યાંના રહેવાસી કીર્તિભાઈના મોઢેથી આપણે સાંભળીએ.
“જે તળાવ ગાળવામાં આવ્યું એનાથી મુખ્ય ફાયદો એ થયો કે ગામની અંદર આ બાજુ પાણીની ખુબ તકલીફ છે. અત્યારે હાલ ખેતરમાં ખાડા કરીએ તો ૫૦-૫૦ ફૂટે પાણી મળે છે, તળાવથી એક વર્ષમાં મુખ્ય ફાયદો એ થયો. આવા જો આજુબાજુ ના બે ત્રણ તળાવ વર્ષો વર્ષ પાણીથી ભરાશે તો અમને એમ છે કે આ ગામની આજુબાજુની જમીનનું પાણીનું તળ ઉંચુ આવશે. કારણ કે એક વર્ષમાં અમને આનો મુખ્ય ફાયદો દેખાયો છે. બીજું કે વરસાદ કદાચ લંબાય તો ગામને નજીક તળાવ છે, તો ગામ લોકોને પીવા માટે, પશુપાલન માટે, ઘરગથ્થુ વપરાશ માટે પણ પાણી ઉપયોગમાં લઇ શકાય. રખડતા પશુ પક્ષી ને લાભ થાય. આવનારી પેઢીના નવયુવાનો આ તળાવને જોઈ ને તળાવનું મહત્વ સમજે ને પાણીનું મહત્વ સમજે એ મુખ્ય ઉદ્દેશ છે.”
આ એક માત્ર ભટાસણા ની આ વાત નથી. આવા ઘણા ગામો છે કે જેમને ફાયદો થયો હોય. ઘણા એવું પણ કહે છે કે બનાસકાંઠામાં તો વરસાદ જ કેટલો અનિયમિત છે એટલે ગામ નર્મદા સાથે લિંક થાય તો જ અમારા પાણીના તળ ઉપર આવે. આ વાત સાચી છે પણ નર્મદાની રાહ જોઈને બધા વસ્તારોમાં બેસી રહી તો નહીં શકાય ને જ્યાં નર્મદા કે પાઈપલાઈન નથી આવતી એવા વિસ્તારોમાં જાતે તો મથવું પડશે ને ? આજે ગામમાં ઘર છે, એના કરતા બોરવેલ વધારે છે ત્યારે ટીપેટીપાને આપણે બચાવીશું તો ભૂગર્ભજળ ખાલી થવાના કદાચ દસ વર્ષમાં થવાનું હશે તો એ ટીપેટીપું આપણે તળાવના કે બોરવેલ રિચાર્જનાં માધ્યમથી બચાવ્યું હશે તો એ ૧૫ થી ૨૦ વર્ષ ચાલી શકે અને કોને ખબર કદાચ ત્યાં સુધીમાં નર્મદા આપણી જીવાદોરી બની રહેશે. તો આવી રીતે તળાવ ગાળવાથી ભટાસણાના લોકોને જે ફાયદો થયો છે એ પ્રકારે ગામેગામની ફાયદો થઈ શકે. મિત્તલ પટેલ તો જાહેરમાં અપીલ કરે છે કે, તમારા ગામમાં તમને તળાવ ગળાવવા માટેની ઈચ્છા હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો, પણ ગામની ભગીદારી સાથે અમે તળાવ કરીએ છીએ, એટલે JCB અમે મુકીશું અને માટી ઉપાડવાનું કામ તમારે કરવાનું છે. સાથે સાથે નાનકડો લોકફાળો તમારાથી જેટલો થાય એ ભેગો કરો. એ ફાળો ભેગો કરીશું જેને આપણે ખોદકામમાં જ ખર્ચ કરીશું. અને દરેક આમ જળકર સરકાર ઉઘરાવે છે એ નહીં પણ ગામ પોતાની રીતે જળકર ઉઘરાવાનું શરૂ કરે, ઘરદીઠ ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા બહુ મોટી રકમ નથી એટલી તો ભેગી કરી જ શકીએ તો પણ લાખ દોઢ લાખ રૂપિયા આપણે ભેગા કરી શકીએ અને દોઢ લાખ રૂપિયા જો આપણી પાસે ભેગા થાય છે તો દર વર્ષે ચોમાસા પછી તળાવોમાં આવતો કાપ, માટી કચરો જે પણ હોય એ આપણે સાફ કરીને તળાવને દર વર્ષે સાફ રાખી શકીએ. કોઈ સરકાર કે કોઈ સંસ્થા કે અમારા જેવાની તમને જરૂર નહીં પડે. આવનારી પેઢીને ધન દોલત તો ઘણી આપીને જઈશું પણ જમીનમાં પાણીના તળ સાબદા નહીં આપીએ તો એ આપણને ક્યારેય માફ નહીં કરે. (મિત્તલ પટેલ, વિચરતા સમુદાય સમર્થન મંચ, હરિકુટિર, સદવિચાર પરિવાર કેમ્પસ, સેટેલાઇટ, અમદાવાદ, ગુજરાત-380015)
