ભક્તિના મંદિરમાં એકવાર દાખલ થશો એટલે ત્યાંનું સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાનું મળશે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(22)
સકામ ભક્તિ કરનારો એટલે શું ? કંઈક ઈચ્છા મનમાં રાખી પરમેશ્વર પાસે જનારો સકામ ભક્તિ કરનારો કહેવાય. આમ એવું લાગે કે આ ભક્તિ ઉતરતા પ્રકારની છે. પણ ઘણા લોકો માન આબરૂ મળે એટલા સારું સાર્વજનિક સેવામાં જોડાય છે. માન મળવું જોઈએ તેવું લાગે છે તેનો અર્થ શું હોઈ શકે ? એનો અર્થ એટલો જ કે આપણે જે કામ કરીએ છીએ તે સારામાં સારું છે એવી માન મળવાની ખાતરી જોઈએ છે. મા દીકરાને શાબાશી આપે છે એટલે તેને માનું વધારે કામ કરવાની લાગણી થાય છે. સકામ ભક્તિનું બસ આવું જ છે સકામ ભક્ત સીધો ઈશ્વરને જઈને કહેશે, ‘આપ…’
ઈશ્વર પાસે જઈને બધું માંગવું એ વાત સામાન્ય નથી એ અસામાન્ય વાત છે. જ્ઞાનદેવે નામદેવને પૂછ્યું, ‘યાત્રાએ આવે છે ?’ નામદેવે પૂછ્યું, ‘યાત્રા ? શા સારું ?’ જ્ઞાનદેવે કહ્યું, ‘સાધુ સંતોને મળવાનું થશે.’ નામદેવે કહ્યું, ‘દેવને પૂછીને આવું.’ નામદેવ મંદિરમાં જઈને દેવની સામે ઉભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દેવના બંને ચરણ તે તાકી રહ્યો. છેવટે રડતા રડતા એણે પૂછ્યું, ‘દેવ, હું જાઉં ?’ હવે જ્ઞાનદેવ તો પાસે જ હતા. આ નામદેવને આપણે શું કહેશું ? ગાંડો કહીશું ? પણ ઈશ્વરની પાસે જઈને રડનારો ભક્ત સકામ હશે તો પણ તે અસામાન્ય હશે. ખરેખર માંગવા જેવી વસ્તુ તે માંગતો નથી એ તેનું અજ્ઞાન છે. પણ તેથી તેની સકામ ભક્તિ ત્યાજ્ય છે એવું સાબિત થતું નથી.
તુલસીદાસના કુળમાં રામતીર્થ જનમ્યા. રામતીર્થ ફારસી ભાષાના વિદ્વાન હતા. કોઈએ કહ્યું, “તુલસીદાસના કુળમાંના તમે અને તમને સંસ્કૃત ન આવડે એ કેવું?” રામતીર્થના મન પર આ વચનની અસર થઈ. કુળની સ્મૃતિમાં એટલું સામર્થ્ય હતું. આગળ ઉપર રામતીર્થે એ પ્રેરણાથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ભગવાન કહે છે, “મારો ભક્ત સકામ હશે તો પણ હું તેની ભક્તિ દ્રઢ કરીશ. તેના મનમાં ગોટાળા પેદા નહીં કરું. હે ઈશ્વર ! મારો રોગ મટાડ, એવું તે તાલાવેલીથી કહેશે તો તેની આરોગ્યની ભાવના કેળવીને હું તેનો રોગ મટાડીશ. ગમે તે નિમિત્તે તે મારી પાસે આવશે તો તેની પીઠ પર હાથ ફેરવી તેની કદર કરીશ.” ધ્રુવની વાત યાદ કરો. બાપના ખોળામાં બેસવાનું મળ્યું નહીં એટલે તેની માએ તેને કહ્યું કે, “ઈશ્વર પાસે માગ.” તેણે ઉપાસના કરવા માંડી. ઈશ્વરે તેને અવિચળ પદવી આપી. મન નિષ્કામ નહીં હોય તોયે શું થયું? માણસ કોની પાસે જાય છે, ને કોની પાસે માંગે છે, એ વાત મહત્ત્વની છે. દુનિયાની આગળ મોઢું લાચાર કરવાને બદલે ઈશ્વરને આજીજી કરવાની વૃત્તિ મહત્વની છે.
આ સાતમા અધ્યાયને સ્ફટિક સ્પષ્ટતાથી સમજી લેવા જેવું છે અને તે માટે આપણે સંત શ્રી વિનોબાજીના વચનોનો સહારો લઈએ…
“ભક્તિના મંદિરમાં એકવાર દાખલ થશો એટલે ત્યાંનું સૌંદર્ય અને સામર્થ્ય ઓળખવાનું મળશે. સ્વર્ગમાં જતી વખતે ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે એકલો કૂતરો રહ્યો. ભીમ, અર્જુન બધા રસ્તામાં ગળી પડ્યા. સ્વર્ગને બારણે પહોંચતાં ધર્મને કહેવામાં આવ્યું, “તમને દાખલ થવા દેવાશે, કૂતરાને મનાઈ છે.” મેં કહ્યું, “મારા કૂતરાને દાખવે થવાનું નહીં મળતું હોય તો મારે ય દાખલ થવું નથી.” અનન્ય સેવા કરનારો ભલે કૂતરો કેમ ન હોય, પણ બીજા મૂછ પર લીંબુ ઠેરવનારા કરતાં ચડિયાતો છે. તે કૂતરો ભીમ ને અર્જુન કરતાં પણ ચડિયાતો સાબિત થયો. પરમેશ્વરની પાસે જનારું જીવડું કેમ ન હોય પણ ન જનારા ભલભલા મોટાઓ કરતાં પણ મોટું છે. મંદિરમાં પેસતાં જ જોશો તો કાચબો બેસાડેલો હોય છે, પોઠિયો હોય છે. તેમને સૌ કોઈ નમસ્કાર કરે છે. તે સામાન્ય બળદ નથી. તે ઈશ્વરની સામે બેસનારો છે. બળદ હશે તોયે તે ઈશ્વરનો છે એ વાત ભૂલી નહીં શકાય. ભલભલા અક્કલવાળા ડાહ્યા કરતાં તે ચડિયાતો છે. ઈશ્વરનું સ્મરણ કરનારો મૂરખ જીવ વિશ્વને વંદન કરવા લાયક બને છે.” (ક્રમશ:)
