સ્વધર્મની આડે આવતો જે મોહ છે, તેના નિવારણ માટે તો ગીતાનો જન્મ છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(02)
અર્જુનનો વિષાદયોગ એ એની નબળાઈ નથી તો પછી શું છે ? અર્જુને કહેલી વાત એ કોઈ એની ફિલસુફી ન હતી, કારણ એ અનેક યુદ્ધો ખેલી ચુક્યો હતો અને અનેકને મોતને ઘાટ ઉતારી ચુક્યો હતો. અત્યારની તેની દલીલો તો તેનો ‘કોરો પ્રજ્ઞાવાદ’ (વિનોબાજીનો પ્રયોગ) હતો. શ્રી કૃષ્ણ આ વાત એકદમ જાણી ગયા હતા તેથી તેઓ આ વાતને ધ્યાનમાં જ લેતા નથી. અર્જુન તો યુદ્ધપ્રવૃત્ત જ હતો એટલે અહિંસાવૃત્તિની કોઈ વાતને ધ્યાનમાં લીધા વિના શ્રી કૃષ્ણ કહે છે કે : ‘અરે અર્જુન, લડાઈ કરવાની ના પાડે છે એ તારો કેવળ ભ્રમ છે. આજ સુધીમાં તારો જે સ્વભાવ ઘડાયો છે તે તને લડાઈમાં ખેંચ્યા વગર રહેવાનો નથી.’ ટૂંકમાં, ભગવદ ગીતાનું પ્રયોજન જ સ્વધર્મવિરોધી મોહનું નિરસન કરવાનો છે.
આ સ્વધર્મ શબ્દ એ ગીતાનો કેન્દ્રવર્તી વિચાર છે. મારી નાનકડી દ્રષ્ટિએ ગીતા એ બે વિચાર-શબ્દોનો સરવાળો છે : સ્વધર્મ આચરણ અને સર્વ ઈશ્વરાર્પણ . અન્યના ધર્મ વિષે મારે વિચારવાની જ જરૂર નથી, કારણ મને જન્મની સાથે જે મળેલ છે તે મારો સ્વધર્મ જ છે અને તેને મારે જીવનભર વફાદાર રહેવાનું છે. બીજાનો ધર્મ મને સારો લાગે તો પણ એ બીજાનો છે, મારો નથી, એટલે તેને અપનાવવાની જરૂર જ નથી. એમ કરવા જઈશ તો હું મારો ધર્મ ચુકી જઈશ. માછલીને કોઈ કહે કે, પાણીમાં રહે છે તેની બદલે તને હું દૂધનો હોજ ભરી દઉં તો ? માછલી એ વાત સ્વીકારશે ખરી ? ના જી, કારણ માછલી જેવો નાનો જીવ પણ સમજે છે કે પાણીમાં હું સલામત રહીશ અને દૂધમાં તો હું મરી જઈશ.
સ્વધર્મની આડે આવતો જે મોહ છે, તેના નિવારણ માટે ગીતાનો જન્મ છે એમ માનીને આગળ ચાલીએ તો અર્જુનનો વિષાદ ખરેખર તેનો મોહ છે, અને તેમાં ન લડવાનું કોઈ લક્ષણ નથી એવું સ્પષ્ટ થશે. પેલા ન્યાયાધીશ હવે મૂંઝાયા છે, કારણ કે કેટલાયને ફાંસીની સજા કરી ત્યારે મોહનો પડદો ન હતો અને હવે પોતાના દીકરાની વાત આવી એટલે મામકાઃ થયું છે. આખી ગીતા સંભળાવ્યા પછી ભગવાન પૂછે છે કે, ‘અર્જુન, મોહ ગયો ?’ અર્જુન સરસ જવાબ આપે છે કે,’ભગવાન, મને હવે સ્વધર્મનું ભાન થયું.’ આમ એનો વિષાદ એ નબળાઈ નથી પણ સ્વજન મોહ છે.
આપણને સહેજે પ્રશ્ન થાય કે વિષાદ તો બરાબર પણ એની સાથે ‘યોગ’ શબ્દ લગાડીને ભગવાન શું કહેવા માંગે છે ?? અહીં આપણને અર્જુન જ મદદ કરે છે. અર્જુન બહુ ઋજુ હતો અને સદા હરિશરણ હતો. આ બે ગુણ હોય તો ગમે તેવો વિષાદ પણ યોગ બની જાય. અને જો આનંદ યોગ હોય, પુરુષોત્તમ યોગ હોય તો વિષાદનું હોવું પણ એક યોગ જ છે. વિષાદ પછી જ આનંદનું મૂલ્ય સમજાય છે ને ?? સાચા માણસના હૃદયનું મંથન તો વિષાદથી જ થાય છે. વળી વિનોબાજી તો એવું માને છે કે અર્જુનને જ વિષાદ હોય એવું કેમ માની લેવાય, માણસ માત્રને વિષાદ થાય છે, અર્જુનને નિમિત્ત બનાવીને શ્રી કૃષ્ણ આપણને વિષાદની પાછળ છુપાયેલ મોહનું દર્શન કરાવે છે.
ગીતાના બીજા અધ્યાયમાં આત્મજ્ઞાનની વાત છેડીને ભગવાન સમત્વ બુદ્ધિ માટેના લક્ષણો ગણાવે છે. એમ કહો ને કે, ભગવાન આપણને જીવન જીવવાના સિધ્ધાંતો સમજાવે છે. આપણે ઇચ્છીએ તો આ સિદ્ધાંતો ઉપર આપણે જીવનની ઇમારત ચણી લઇ શકીએ. આ અધ્યાયમાં વપરાયેલ શબ્દ ‘સાંખ્યબુદ્ધિ’ એટલે જીવનના મૂળભૂત સિદ્ધાંત. ગીતામાં પ્રયોજાયેલ એકે એક શબ્દ આપણી સાથે કનેક્ટ થયેલ છે, તે યાદ રાખવા જેવું છે. પછી આપણે આપણી સમજ પ્રમાણે તેનું અર્થઘટન કરીએ તે આપનો ગુણ કે દોષ, જે ગણો તે.
ઉપનિષદમાં એક મજાની વાત છે. એક વખત દેવ, દાનવ અને માનવ ઉપદેશ લેવાને પ્રજાપતિ પાસે પહોંચ્યા. પ્રજાપતિએ ત્રણેને ઉપદેશમાં “द” એટલો એક જ અક્ષર આપ્યો. તેનો અર્થ કરતાં દેવોએ કહ્યું, “અમે દેવો કામી રહ્યા, અમને ભોગવિલાસનો ચસકો પડી ગયેલો. અમને પ્રજાપતિએ “द” અક્ષરથી દમન કરો એમ શીખવ્યું.” દાનવોએ કહ્યું, “અમે દાનવો ક્રોધી, દયાથી અમે આઘા રહેલા. પ્રજાપતિએ “द” અક્ષર વડે અમને દયા કરો એમ શીખવ્યું.” માનવોએ કહ્યું, “અમે માનવો લોભી, અમે સંઘરો કરવા પાછળ પડેલા. “द” અક્ષરથી દાન કરો, એવું પ્રજાપતિએ અમને શીખવ્યુ.” પ્રજાપતિએ બધાયના અર્થ સાચા ગણ્યા કેમકે બધાયને તે પોતાના અનુભવમાંથી લાધ્યા હતા. અનુભવમાંથી લાધે તે અક્ષર સાચો. (ક્રમશ:)
