‘અંધશ્રદ્ધામાં માનવાનું કારણ નથી. આ તો કાગને બેસવું ને ડાળને પડવું એટલે મારો વારો આવ્યો.’ પંડિતજીએ સમાધાન શોધી કાઢ્યું..!!
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
૧૯૮૦ માં જન્મેલા સુખલાલજીનો ખરો જ્ઞાનદીપ સોળ વર્ષ પછી જયારે એમની આંખ જતી રહી ત્યાર પછી ખુલ્યો છે. એમણે એક પુસ્તકમાં નોંધ્યું છે કે, ‘લોકો એમ કહેતા હતા કે હું જન્મ્યો ત્યારથી બધું પામ્યો છું. પણ મને હવે જયારે બહારની દુનિયા જોઈ નથી શકતો પણ અનુભવી શકું છું, ત્યારે લાગે છે હવે મારી પ્રાપ્તિ શરૂ થઈ છે.’
સત્તર વર્ષની ઉંમરે માતાનો પ્રકોપ થયો શીતળા માતાનો. એ વખતની એક બહુ જ ઉંડાણવાળી વાત અથવા મજા આવે એવી વાત કરું. મિત્રો એવું ન માનશો કે મહાત્માઓ જે હોય કે બુદ્ધ પુરુષો જે હોય એ બધા ખામી વગરના જ હોય. એમાં પણ કંઈક ખોટખાંપણ હોય. સ્વભાવની હોય કે વ્યવહારની હોય. પણ મહાનપુરુષ એ થાય કે જે ખામી હોય એને પોતે સ્વીકારે, સ્વીકારીને પછી એ ખામી દૂર થાય એના માટે સઘન પ્રયાસ કરે અને એ પ્રયાસ કરે એમાંથી જે કંઈ શીખે એ પોતાનામાં ઉમેરે, એ મહાત્મા બને. શીતળા માતા નીકળ્યા તો સુખલાલજી વહેમમાં બહુ માનતા હતા. નાના હતા ત્યારે બહુ વહેમીલા હતા. અંધશ્રધ્ધાળુ હતા. આ વાત ઘણા લોકોને ખબર નથી પણ એમના દ્વારા જ પુસ્તકમાં નોંધાયેલી છે એટલે મને ખબર છે. જેની સાથે રહીને આ કારસ્તાન કર્યું એ બંનેએ નક્કી કર્યું હતું કે આ વાત આપણે કોઈને કહેવી નહીં કારણકે હું અને તું બે જ જણા જાણીએ. એના એક મિત્ર હતા ચુનીલાલ.
મિત્ર સાથે રહી એને વિચાર આવ્યો કે આ બધા શીતળા સાતમે ચૂલો ઠારે છે તો શું કામ ઠારે છે.?? એટલે એણે ઘરમાં મા ને પૂછ્યું તો મા એ કહ્યું કે શીતળા માતા છે ને એ આગલી રાતે ચૂલામાં સુવા આવે. એ ચૂલામાં સુવા આવતા હોય તો આપણે ચૂલો ન પેટાવીએ નહિતર એ બળી મરે. હવે આ વાત એના મનમાં બેઠી. પણ જુઓ જેમ મોજીલું શિક્ષણ છે એમ ખોજીલુ મન છે. મન તમને ખોજવા માટે પ્રેરે. તો એમને વિચાર આવ્યો એટલે એણે ભાઈબંધ ચુનીલાલ ને કીધું કે તને લાગે છે આ સાચી વાત હોય ? તો કહે લાગતું તો નથી પણ હવે મા કહે છે તો સાચું હશે. તો કે ના એમ નહીં ચાલ આપણે પ્રયોગ કરીએ. એટલે એમણે પ્રયોગ કર્યો. જયારે શીતળામાતા થયા એના પહેલાના ત્રણ વર્ષ પહેલા ઘરના બારણાં બંધ કરી કોઈ નહોતું એનું ધ્યાન રાખી અને ચૂલો પેટાવી નાખ્યો. ભડકો કર્યો અને ભડકો કરીને બે જણા ત્યાં બેઠા એની ઉપર દૂધ મૂક્યું એમાં સાકાર નાખી, દૂધને ગરમ કર્યું એટલે સાકાર ઓગળીને એને ગ્લાસમાં કાઢીને બંને જણા પી ગયા. અને રાત્રે સુઈ ગયા કંઈ થયું નહોતું એટલે કહે જુઓ પેલી વાત સાચી નથી ને કંઈ થતું નથી. અંધશ્રદ્ધાથી દૂર ભાગવું જોઈએ એનો પાયો ખરેખર આવા ખાપરા ખોડીયાંવેડા માંથી થતો હોય છે. એમણે જૈન ધર્માચાર્યોને પણ કહ્યું કે ભાઈ તમે આમાં માનતા હો તો માનજો, હું નહીં માનું. જે જૈન ધર્માચાર્યોને એ પોતે ભણાવવા જતા એને પણ કહી દીધું. હવે થયું એવું કે એ વર્ષે તો સુખલાલ અને ચુનીલાલ બન્નેને કંઈ ન થયું અને પછીના વર્ષે ય કંઈ ન થયું. ત્રીજે વર્ષે સુખલાલજીને શીતળા માતા નીકળ્યા અને શીતળા માતા નીકળ્યા એટલે અંદર બેઠેલો ભય હતો એ પાછો ઉંચકાણો અને એમ થયું કે ભારે કરી. આ ત્રણ વર્ષ પહેલા જે ચૂલામાં સુતેલા શીતળા માતાને આપણે સળગાવ્યા એણે આપણો દા કાઢયો. ચુનીલાલને વાત કરી કે જોયું આ ત્રણ વર્ષ પહેલાનું પરિણામ મળ્યું….. આંખનો ડોળો બહાર આવી ગયેલો એવી પરિસ્થિતિ !! બધા દયાજનક રીતે જુએ પણ ચુનીલાલને સતત કહે કે કોઈને કહેતો નહીં આ વાત આપણે બે જ જણા જાણીએ છીએ
અને પછી પંડિત સુખલાલજીએ પોતે પોતાના જીવન વૃતાંન્તમાં લખ્યું છે કે, “મેં નક્કી કર્યું કે શું આવી રીતે મેં આ કામ કર્યું માટે મને શીતળા નીકળ્યા ? તો તો મારા ભેગો ચુનીલાલ પણ હતો તો ચુનીલાલને કાં આવતા વર્ષે નીકળવા જોઈએ કાં પછીના વર્ષે નીકળવા જોઈએ. ચુનીલાલને કોઈ દિવસ નીકળ્યા નહીં. અરે, જેમણે વિરોધ નથી કર્યો એમને પણ માતાનો પ્રકોપ થાય છે તો એ લોકોનો શો દોષ ?? એટલે મેં નક્કી કર્યું કે અંધશ્રદ્ધામાં માનવાનું કારણ નથી. આ તો કાગને બેસવું ને ડાળને પડવું એટલે મારો વારો આવ્યો. ત્યારથી મારી અંધશ્રદ્ધા દૂર થઈ.” પોતાની દ્રષ્ટિ ગુમાવીને સહન કરનાર પંડિતજીએ કેવું સમાધાન મેળવ્યું !!
આપણને ખબર છે મહાત્મા ગાંધીએ પણ બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે નાનો હતો ત્યારે મને અંધારાથી બહુ ડર લાગતો અને ડર લાગતો ત્યારે એના આઈ મા એ કહેલું કે જયારે ડર લાગે અંધારું હોય ત્યારે રામ રામ બોલવું. હવે એ વખતે એ રામ રામ શબ્દ પકડાયો એ ત્રણ ગોળી વાગીને ત્યારે પણ રામ રામ શબ્દ બહાર આવ્યો. અંતર આત્મામાં ગયેલો હતો એ રામ એ વખતે પાછો આવ્યો. (ક્રમશઃ )
