અધ્યાય એક થી છ નું સાર દોહન
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(17)
કુલ અઢાર અધ્યાયમાં કહેવાયેલી શ્રીમદ ભગવદ ગીતાના ત્રીજા ભાગની યથામતિ ચર્ચા આપણે કરી ચુક્યા છીએ, ત્યારે આપણે છ અધ્યાયનું વિહંગાવલોકન કરીએ અને શ્રી કૃષ્ણની પવિત્ર શીખને દોહરાવી લઈએ.
અધ્યાય : ૦૧
- આખાયે મહાભારત પર પ્રકાશ ફેલાવતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ ઊભી છે.
- ગીતા શ્રીકૃષ્ણે કહી છે અને આ મહાન સંદેશ અર્જુને ઝીલ્યો છે.
- ગીતાનું પ્રયોજન સ્વધર્મવિરોધી મોહનું નિરસન છે. સ્વધર્મની આડે આવનારો
જે મોહ છે, તેના નિવારણ માટે ગીતાનો જન્મ છે.
- અર્જુન કૃષ્ણશરણ થયો એમ જ આપણે કરીશું તો તે પાર્થસારથી આપણું પણ સારથીપણું કર્યા વગર નહીં રહે.
અધ્યાય : ૦૨
- ગીતાના બીજા અધ્યાયથી ગીતાની શીખ નો આરંભ થયો છે.
- બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત રજૂ થયેલા છે :
(૧) આત્માની અમરતા ને અખંડતા
(૨) દેહની ક્ષુદ્રતા
(૩) સ્વધર્મની અબાધ્યતા
- સ્વધર્મનો સિદ્ધાંત કર્તવ્યરૂપ છે એટલે કે આચરણમાં મૂકવાનો છે…અને બાકીના બે જ્ઞાતવ્ય છે એટલે કે જાણવાના છે.
- દેહ વસ્ત્ર જેવો છે. જૂનો ફાટી જાય છે તેથી નવો લઈ શકાય.
- બ્રહ્માંડ એક સુંદર વણેલું લૂગડું છે. દેહ જેવડી કાતર લઈ આ વિશ્વાત્માના કકડા પાડવા એના જેવી બીજી કોઈ નાદાની છે ખરી કે ?
- દેહાસક્તિ છૂટી જાય તો દેહ સેવાનું સાધન છે.
- ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને જીવન જીવવાના સિદ્ધાંતો અને તેનું આચરણ દર્શાવી કાબેલપણું પેશ કર્યું.
- જીવનના સિદ્ધાંત અમલમાં મૂકવાની હાથોટીને જ યોગ કહે છે.
- કર્મ કરનારાઓની વૃત્તિ બેવડી હોય છે.
(૧) અમે કર્મ કરીએ તો તે કર્મનાં ફળ ચાખવાં અમારો હક્ક છે.
(૨) અમને ફળ ચાખવાના ન મળવાનાં હોય તો અમે કર્મ કરવાના નથી…
- ગીતા ત્રીજી વૃત્તિ નું પ્રતિપાદન કરે છે : કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર ન રાખશો.
- કર્મ કરતી વખતે જે સંતોષ ને જે આનંદ મળ્યો તે જ કર્મનું ફળ છે !!
- ફળ ત્યાગનાં સુફળ સંતોનાં જીવનમાંથી અહીં રજૂ થયાં છે.
- આ બીજા અધ્યાયના છેવટના અઢાર શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞનું ગંભીર તેમ જ ઉદાત્ત ચરિત્ર ભગવાને વર્ણવ્યું છે.
- નિર્ગુણ+સગુણ+સાકાર=સંપૂર્ણ જીવનશાસ્ત્ર.
અધ્યાય : ૦ ૩
- ત્રીજો અધ્યાય કર્મયોગ અને તેનાં વિવિધ પ્રયોજનો તથા કર્મયોગ-વ્રતમાં આવતા અંતરાય વિગતે સ્પષ્ટ કરે છે.
- કર્મયોગમાં ફળનો ત્યાગ મહત્વની વાત છે. કર્મનું ચલણી નોટ જેવું છે, તેના કાગળિયાની કિંમત નથી, પણ ભાવનાની ને છાપની કિંમત થાય છે.
- કર્મ એકનું એક હોવા છતાં ભાવનાના ભેદને લીધે ફેર પડે છે. પરમાર્થીનું કર્મ આત્મવિકાસ કરનારું નીવડે તો સંસારીનું કર્મ આત્માને બાંધનારું છે.
- કર્મયોગીનું કર્મ તેને આખાયે વિશ્વની સાથે સમરસ કરે છે.
- નિષ્કામ કર્મયોગમાં અદભુત સામર્થ્ય છે. તે કર્મ વડે વ્યક્તિનું તેમ જ સમાજનું પરમ કલ્યાણ થાય છે.
- કર્મયોગી ફળની ઈચ્છા છોડવા છતાં પાર વગરનાં ફળો મેળવશે અને તેના જીવનનો પવિત્ર આદર્શ ખુલ્લો થશે.
- કર્મયોગના દિવ્ય વ્રત માટે બે બાબતોથી દૂર રહેવું :
ü અમુક જોઈએ ને અમુક નહીં
ü આ લે ને પેલું ફેંકી દે.
અધ્યાય : ૦ ૪
- ગીતામાં કર્મ શબ્દ સ્વધર્મ ના અર્થમાં વપરાયો છે.
- કર્મ, વિકર્મ અને અકર્મ એ ત્રણ શબ્દો અહીં મહત્વના છે.
- કર્મ એટલે બહારની સ્વધર્માંચરણની સ્થૂળ ક્રિયા. આ બહારની ક્રિયામાં ચિત્ત રેડવું તેનું જ નામ વિકર્મ છે.
- બહારના કર્મની સાથે અંદરનું ચિત્તશુદ્ધિનું કર્મ જોડાય તો જ નિષ્કામ કર્મયોગ પ્રાપ્ત થાય.
- કર્મમાં વિકર્મ રેડવાથી અકર્મ નીપજે છે, એનો અર્થ એટલો કે કર્મ કર્યા જેવું લાગતું નથી, તેનો ભાર લાગતો નથી.
- કર્મની સાથે વિકર્મની જોડી બંધાવાથી શક્તિસ્ફોટ થાય છે અને તેમાંથી અકર્મ નિર્માણ થાય છે.
- કર્મનું અકર્મ કરવાની કળા સંતો પાસેથી શીખવી રહે.
અધ્યાય : ૦ ૫
- સંસાર બધે ઠેકાણે ભરેલો છે. વિસ્તાર છોડો, ફેલાવો ઓછો કરો તેટલાથી સંસાર ઓછો થતો નથી.
- અલિપ્તપણું મેળવવા માટે મનોમય પ્રયત્નની જરૂર છે. મનના સહકાર વગર કોઈ વાત પાર પડતી નથી.
- સાધના માટે બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનનું વિકર્મ બંને જોઈએ.
- કર્મનું અકર્મ બને એ આપણું ધ્યેય છે. એ ધ્યેય હાંસલ કરવાને સારુ સ્વધર્માચરણરૂપી કર્મ કરવાનાં હોય છે
- સંન્યાસ એ પરમ ધન્ય અકર્મ સ્થિતિ છે, એ દશાને જ કર્મયોગ પણ કહે છે.
- કર્મ કરવાનું ચાલુ હોય છે માટે તે “યોગ” છે પણ કરવા છતાં કરું છું એમ કરનારને લાગતું નથી એટલે તે “સંન્યાસ” છે
- કર્મનો સંન્યાસ એટલે જેટલાં જેટલાં કર્મો કરવાનાં હોય તે બધાંયે કરતા રહેવા છતાં તે બધાં ખરી જાય તેવી તરકીબ સાધવી.
- જ્ઞાની પુરુષનું અકર્મ-તેનું શાંત રહેવું પ્રચંડ કર્મ કરે છે, પ્રચંડ સામર્થ્ય ઉત્પન્ન કરે છે. અકર્મી રહીને તે એટલું બધું કર્મ કરે છે કે તેટલું ક્રિયાથી કદી પ્રગટ ન થાત.
- અહીં સંન્યાસના બે પ્રકારની તુલના કરી છે. એકમાં કર્મ કરનારો ચોવીસે કલાક કર્મમાં મચ્યો રહે છે છતાં કશું કરતો નથી અને બીજામાં ક્ષણભર પણ કર્મ ન કરવા છતાં સર્વ કંઈ કરે છે.
- વેદમાં કહ્યું છે કે : ઈન્દ્ર શબ્દ એ જ એનું રૂપ છે, એ જ એનું સ્વરૂપ છે, એ જ એનું પ્રમાણ છે ને એ જ એની મૂર્તિ છે !! એવું જ વરુણ નું અને એવું જ ઈશ્વર નું છે. ધારીને-માનીને જ આગળ વધવાનું છે.
- સંન્યાસ અને યોગ એ બે બહુ ઊંચા કુદકા છે. પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ યોગ એ બે કલ્પનાઓ આ દેહમાં સમાય એવી નથી.
- આમ જુઓ તો પૂર્ણ યોગી અને પૂર્ણ સન્યાસી વ્યાખ્યામાં જ રહેવાના, ધ્યેયભૂત અને અપ્રાપ્ય જ રહેવાના.
- ભગવાન કહે છે કે : સંન્યાસ અને યોગ બંનેમાં જે એકરૂપતા જોશે તે જ સાચું રહસ્ય સમજ્યો જાણવો.
- ટૂંકમાં, કર્મયોગી એટલે સન્યાસી અને સન્યાસી એટલે કર્મયોગી.
- છેવટને મુકામે પહોંચ્યા પછી જ્ઞાન+કર્મ=જ્ઞાન+કર્માભાવ
- કર્મયોગ સાધન પણ છે અને નિષ્ઠા પણ છે, પણ સંન્યાસ એકલી નિષ્ઠા છે. નિષ્ઠા એટલે અંતિમ અવસ્થા.
અધ્યાય : ૦ ૬
- કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરશ: એકરૂપ છે. ફક્ત દૃષ્ટિમાં ફેર છે.
- માણસ પોતાનો વહેવાર શુદ્ધ કરતો કરતો પરમોચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે. એટલા ખાતર જ ગીતાની હયાતી છે.
- ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે :
(૧) ચિત્તની એકાગ્રતા
(૨) ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા: તેનું માપસરપણું
(૩) સામ્યદશા અથવા સમદ્રષ્ટિ. આ ત્રણ મળીને ધ્યાનયોગ બને છે. આ ત્રણે સાધનોની
કેળવણીને માટે બીજાં બે સાધનો છે : અભ્યાસ અને વૈરાગ્ય
- ટૂંકમાં, વહેવાર હો કે પરમાર્થ હો, તેમાં ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે.
- ચિત્તની એકાગ્રતા આવશ્યક છે એટલું એક વખત માણસને ગળે ઉતરી જશે પછી તે જાતે જ તે માટેની સાધના શોધી કાઢ્યા વગર નહીં રહે.
- ચિત્તની એકાગ્રતામાં મદદગાર થાય તે જીવનની પરિમિતતા.
- જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવો. ખરાબ કશું ન ખપે કે આપણાથી ન થાય.
- વાંકા ચૂકા ચાલ્યા તો અંદર બેઠેલો માલિક સજા કર્યા વગર રહેવાનો નથી એવી બધી ઇન્દ્રિયોને ધાક રહેવી જોઈએ.
- નિયમિત આચરણને જ જીવનની પરિમિતતા કહીને ઓળખીશું.
- સમદ્રષ્ટિ એટલે શુભદ્રષ્ટિ અને એ ન કેળવાય તો ચિત્ત કદી એકાગ્ર નહીં થાય.
- ચિત્તની એકાગ્રતા, જીવનમાં પરિમિતતા અને શુભ સામ્યદ્રષ્ટિ એટલું ધ્યાનયોગ માટે જરૂરી છે.
- છઠ્ઠા અધ્યાયનાં સમાપનમાં એક વાક્ય ખાસ યાદ રાખીએ : કલ્યાણમાર્ગનું સેવન કરનારનું કશુંયે ફોગટ જતું નથી.
શ્રીમદ ભગવદ ગીતાના આપણે ચર્ચેલા પહેલા છ અધ્યાયોનું આ Take Away છે. મુખ્ય મુખ્ય મુદ્દાઓ તારવેલા છે કે જેથી કરીને ગીતા ના બીજા ભાગમાં પ્રવેશતા પહેલા આપણને પુનરાવર્તન થઇ જાય. (ક્રમશ:)
