એકાગ્રનો અર્થ એવો કે અગ્ર રહેલા એક ઉપર ધ્યાન બરાબર લગાવો.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(13)
છઠ્ઠા અધ્યાયનું શીર્ષક છે ચિત્ત નિરોધ. ઋષિ પતંજલિ ચિત્ત વૃત્ત્તિ નિરોધ કહે છે, તે આ છઠ્ઠા અધ્યાયનો પાયો છે. આપણે કર્મ અને સંન્યાસ એ બંને બાબતો વિશે પાંચમા અધ્યાયમાં જાણી ચૂક્યા છીએ. કર્મ, વિકર્મ અને અકર્મ મળીને બધી સાધના પૂર્ણ થાય છે. કર્મ સ્થૂળ વસ્તુ છે. જે સ્વધર્મ-કર્મ આપણે કરીએ તેમાં આપણા મનનો સહકાર હોવો જોઈએ. મનની કેળવણીને માટે જે કર્મ કરવાનું છે તે વિકર્મ છે એટલે કે વિશેષ કર્મ છે અથવા તો સૂક્ષ્મ કર્મ છે. કર્મને વિકર્મ બંને જાણવા જરૂરી છે. એ બંનેનો પ્રયોગ કરતા કરતા અકર્મની ભૂમિકા તૈયાર થાય છે. આપણે અગાઉ જોયું કે એ ભૂમિકામાં કર્મ અને સંન્યાસ બંને એક જ રૂપ થઈ જાય છે. કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતા અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે એવું આ છઠ્ઠો અધ્યાય કહે છે. ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. શ્રી ભગવાન બોલ્યા :
ફળનો આશરો છોડી કરે કર્તવ્ય કર્મ જે,
એ સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ નિષ્ક્રિય.
સંન્યાસ જે કહે લોકો તેને તું યોગ જાણજે,
વિના સંકલ્પને છોડી યોગી થાય ન કોઈએ.
યોગમાં ચડવા કાજે કારણ કર્મ તો કહ્યું,
યોગે સિદ્ધ થયેલાને કારણ શાંતિ તો કહ્યું.
જયારે વિષય ભોગે કે કર્મે આસક્ત થાય ના
સર્વ સંકલ્પ સંન્યાસી યોગસિદ્ધ થયો ઘણો.
એક સુંદર સંદેશ છઠ્ઠો અધ્યાય આપણને આપે છે. ગાંઠે બાંધવા જેવો,,,
આપને તારવી આપે, આપને ન ડુબાડવો,
આપ જ આપનો બંધુ, આપ જ શત્રુ આપનો.
જીતે જે આપને આપ તે આત્મા આત્માનું સખા
જો અજીતેલ આત્મ તો આત્મજ શત્રુશો.
શાંત ચિત્ત જિતાત્માનો પરમાત્મા સમાધિમાં
ટાઢે, તાપે, સુખે દુખે માનાપમાનમાં રહે,
વાલા વેરી સખા મધ્ય, ઉદાસી દ્વૈષયને સગા.
સાધુ અસાધુમાં જેને સમબુદ્ધિ વિશેષ તે.
મારો આધાર હું છું, મને ડુબાડનારો હું છું, મને તારનારો હું છું, જે કાંઈ કરું તે મારા માટે મારે કરવાનું છે.
છઠ્ઠા અધ્યાયમાં હકીકતમાં પાંચમા અધ્યાયનું વિસ્તૃતીકરણ છે. જે જે અવસ્થાઓનું વર્ણન તે અધ્યાયમાં થયું તેના સાધનો ક્યાં ક્યાં તેનો ઉલ્લેખ આ છઠઠા અધ્યાયમાં થયો છે.
લોકમાન્ય તિલકે ગીતા રહસ્ય લખ્યું છે અને એમાં એમણે એક બાબત તરફ ધ્યાન ખેંચ્યું છે. “ગીતા એ ગ્રંથ સર્વ સાધારણ વ્યવહારુ લોકોને માટે છે. ભગવત ગીતા તમામ દુનિયાને સારું છે. પરમાર્થમાં આવતું એકે એક સાધન દરેક વ્યવહારુ માણસને માટે છે.” આપનો વ્યવહાર શુદ્ધ તેમજ નિર્મળ થાય અને મનને સમાધાન તેમજ શાંતિ કઇ રીતે મળે એ વાત પરમાર્થ શીખવે છે. હકીકતમાં તો વ્યવહાર શુદ્ધ કેમ કરવો તે શીખવા માટે ગીતા છે. જ્યાં જ્યાં વવ્યહાર કરો ત્યાં બધે જ ગીતા આવે જ આવે. પણ તે તમને ત્યાંને ત્યાં રહેવા દેવા માંગતી નથી. ગીતા તમારો હાથ ઝાલીને તમને છેવટે મુકામ પહોંચાડશે. પેલી કહેવત છે : ‘પર્વત મોહમ્મ્દ પાસે આવતો નહીં હોય તો મોહમ્મ્દ પર્વત પાસે જશે.’ એટલે કે પોતાનો સંદેશો જડ પર્વતને પહોંચે એવી ફિકર મોહમ્મ્દને હતી. પર્વત જડ હોવાથી તેના આવવાની વાટ જોઈને મોહમ્મ્દ બેસી રહેવા માંગતો ન હતો. આ જ વાત ગીતા ગ્રંથને પણ લાગુ પડે છે. ગરીબ, દુબળા, અણઘડમાં અણઘડ જે કોઈ હોય તે સૌની પાસે ગીતા પહોંચી જશે. પણ તે જ્યાં હશે ત્યાંને ત્યાં તેને કાયમ રાખવા માટે નહીં, તેનો હાથ ઝાલીને આગળ લઈ જવા, ઉંચે ઉઠાવવા ગીતા જશે. માણસ પોતાનો વ્યવહાર શુદ્ધ કરતો કરતો પરમ ઉચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે અને હકીકતમાં ગીતાની હયાતી એટલા ખાતર છે.
આપણે લોકો છટકબારી શોધનારા વ્ય્વહારિયા છીએ. ‘હું સંસારી જીવ છું, મારાથી શું થાય ? આ સાડા ત્રણ હાથનો દેહ છે એમાં જે કયો તે બધું આવી ગયું.’ આ બધું બોલવું એ બંધનોની દીવાલ પોતાની આજુબાજુ ઉભી કરીને વર્તવા જેવું છે. આમ તો પશુઓ વર્તે. આગળ વધવાની, ઉંચે ચડવાની હિંમત રાખવી પડે. હું મારી જાતને ઉંચે લઈ જનાર છું એવું તો સતત મનમાં રટણ કરવું પડે. મનની શક્તિને હણવા માટે થઈને આપણે જાણે અજાણે એવું બોલતા હોઈએ કે, ‘હું તો શુદ્ર સંસારી જીવ છું.’ એમ કરીને આપણે કલ્પનાની પાંખો તોડીએ છીએ. કલ્પનાને તો વિશાળ કરવાની છે. કલ્પનાની શક્તિથી તો સૂર્ય સુધી પહોંચી જ શકાય છે આપણે. સૌ એનાથી ઉલટી રીતે ચાલીએ છીએ. આપણામાં રહેલી શક્તિને આપણે હીનભાવને લીધે મારી નાખીએ છીએ. ખુદ કલ્પનાના પગ તોડી નાખીએ તો પછી નીચે પડવા સિવાય બીજું કંઈ છે ? એટલે જ ગીતા કહે છે, ધોરી રસ્તો ના છોડીશ. આત્માનું અપમાન ન કરીશ.’’ સાધકમાં તો વિશાળ કલ્પના હોવી જોઈએ. આત્મવિશ્વાસ હશે તો જ તે ટકવાના છે. અને એમ થશે તો ઉદ્ધાર થશે.
આપણે એવું માનીએ છીએ કે ધર્મ કેવળ સંતો માટે છે. અને સંતો પાસે જઈએ ત્યારે પણ એવું પ્રમાણપત્ર લેવાનું કે ‘હું જે રીતે વર્તુ છું તે બરાબર છે’ આ તો દુન્યવી અને ક્ષુલ્લ્ક બાબત થઈ. કર્મની મદદમાં વિકર્મ હંમેશા રહેવું જોઈએ. એ બંનેની મદદથી અકર્મની જે દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે તેની અને તેના પ્રકારોની વાત પાંચમા અધ્યાયમાં કરી છે. છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાની શરૂઆત થઈ છે. માનસિક સાધનાની વાત અહીં બતાવી છે. ગીતા કહે છે, અરે જીવ, તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું રાખી પાંખ બરાબર મજબૂત રાખ… સાધનાના વિકર્મના જુદા જુદા પ્રકારો છે. ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાન વિજ્ઞાન, ગુણ વિકાસ આત્માનાત્મ વિવેક વગેરે વિવિધ પ્રકાર છે. છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ નામનો સાધનાનો પ્રકાર વર્ણવ્યો છે.
ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે.
૧) ચિત્તની એકાગ્રતા
૨) ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું અને
૩) સામ્યદશા અથવા સમદ્રષ્ટિ.
આ ત્રણ બાબત ન હોય તો સાચી સાધના ન થાય. (ક્રમશ:)
