આકાશમાં એક હજાર સૂર્યનો ઉદય થાય ત્યારે જે પ્રકાશ થશે તે વિશ્વરૂપ પરમાત્મા જેવો હશે. એક હજાર સૂર્ય અને સમયનો પ્રકાશ એવું વિશ્વરૂપ સ્વરૂપ હશે.’

ભદ્રાયુ વછરાજાની                                (43)                      bhadrayu2@gmail.com 

અગિયારમો અધ્યાય વિરાટ રૂપ દર્શનનો અધ્યાય છે અને આપણે જોયું કે શ્રી અર્જુનની વિનંતીને લઈને આ વિશ્વરૂપ દર્શન મહાનાયક યોગેશ્વર કરાવી રહ્યા છે. વિચારવાનું એ છે કે, ત્રણ કાળમાં અને ત્રણ સ્થળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં અને તે જ પ્રમાણે ઉપર, નીચે અને અહીં એમ સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જ જોવાનો મળે અને પરમેશ્વરના તે રૂપનું  દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે અને એ ઇચ્છામાંથી આ અગિયારમો પ્રગટ થયો છે. 

ભગવાન આપણને ઈચ્છા, અપેક્ષા, કામ, વાસનાથી દૂર રહેવાનું કહે છે પણ તેઓ અર્જુનની એક સદ્ ઈચ્છાને અહીં માન આપીને પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. દિવ્ય રૂપ નીરખવાની અર્જુનની ઈચ્છા તેને દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને પૂરી કરી. અર્જુનને તેમણે પ્રેમનો પ્રસાદ આપ્યો એમ ભાષ્યકારો કહે છે. આ આખી વાત આપણને જાણવા, સમજવા, જોવા મળી એ સંજયને લઈને.. કારણકે સંજય પાસે અગાઉથી દિવ્ય દ્રષ્ટિ હતી અને સંજયનું  પોતાનું કાર્ય ધૃતરાષ્ટ્રને રણમેદાનમાં શું બની રહ્યું છે, કુરુક્ષેત્રમાં શું થઈ રહ્યું છે તેનું જીવંત પ્રસારણથી માહિતી આપવાનું  છે, જે ખરેખર ધૃતરાષ્ટ્રની સાથે આપણને સૌને પણ લાભાન્વિત કરે છે. સંજયે વાત કરી કે કેવા પ્રકારનું સ્વરૂપ ઘડાઈ રહ્યું છે, પણ સાથે સાથે એમણે  એવું પણ કહ્યું કે આકાશમાં એક હજાર સૂર્યનો ઉદય થાય ત્યારે જે પ્રકાશ થશે તે વિશ્વરૂપ પરમાત્મા જેવો હશે. એક હજાર સૂર્ય અને એ સમયનો પ્રકાશ એવું વિશ્વરૂપ સ્વરૂપ હશે. સંજય કહે છે કે, પાંડુપુત્ર અર્જુને તે સમયે અનેક પ્રકારે વિભક્ત થયેલા સંપૂર્ણ જગતને દેવોના દેવ શ્રી કૃષ્ણના શરીરમાં એક સ્થાન પર સ્થિત થયેલું જોયું છે. અનંત ભાતનું વિશ્વ આખુંયે એક ભાગમાં દેવાધિદેવના દેહે અર્જુને જોયું તે  સંજય કહે છે, 

પછી અર્જુન આશ્ચર્યે હર્ષ, રોમાન્ચ ગાત્રથી

દેવને હાથ જોડીને નમાવી શિરને વદ્યો

આ સ્વરૂપ જોયા પછી આશ્ચર્યચકિત થયેલો, રોમાંચિત થયેલો અર્જુન શ્રદ્ધા ભક્તિ સાથે વિશ્વરૂપ દેવને પોતાનું  મસ્તક ઝુકાવીને પ્રણામ કરે છે અને હાથ જોડીને ઉભો રહીને બોલે છે,,,  

હે દેવ, હું આપના શરીરમાં સમસ્ત દેવતાઓને તથા અનેક પ્રકારના પ્રાણીઓના સમુદાયોને અને કમળ જેવા આસાન પર સ્થિત સૃષ્ટિના સ્વામી બ્રહ્માજીને, ઋષિઓને, દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.’ 

હે વિશ્વેશ્વર, હું આપને અનેક બાહુ, ઉદર, મુખ અને નેત્રોવાળા તથા બધી બાજુથી અનંતરૂપોવાળા જોઉં છું.’ 

હે વિશ્વરૂપ, હું ન આપના અંતને જોઉં છું અને ન મધ્યને અને ન આદિને. હું આપને મુગટધારી, ગદાધારી, ચક્રધારી તથા બધી બાજુથી પ્રકાશમાન તેજના પુંજ પ્રદીપ્ત અગ્નિ અને સૂર્ય જેવા પ્રકાશમય જોવામાં બહુ કઠિન અને અપ્રમેય સ્વરૂપ બધી બાજુથી જોઉં છું.’ 

અર્જુન ગદગદ થઈ રહ્યો છે. અર્જુન પોતાના શબ્દો શોધી રહ્યો છે. અને એ શબ્દો શોધીને તે ભગવાનના સ્વરૂપનું આપણને વર્ણન કરી રહ્યો છે. 

આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો. આપ જ આ વિશ્વના પરમ આશ્રય છો. આપ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ સનાતન પુરુષ છો એવું મને લાગે છે. હું આપને આદિ, અંત અને મધ્યરહિત તથા અનંત સામર્થ્યથી ભરેલા અનંત બાહુઓવાળા તથા  સૂર્ય, ચંદ્ર રૂપી નેત્રોવાળા અને પ્રજવલ્લિત  અગ્નિમય મુખવાળા તથા પોતાના તેજથી આ વિશ્વને તપાવતા હોય તેવા આપને હું જોઈ રહ્યો છું.’ 

હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની મધ્યનું આ આકાશ તથા સમગ્ર દિશાઓ એક માત્ર આપથી જ વ્યાપ્ત છે. આપના આ અદભુત અને ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક ભયભીત થઈ ગયા છે.’ 

વીસમાં શ્લોકમાં જે વાત અર્જુન કહે છે તે જ વાતને શ્રી વિનોબા ભાવે, વિનોબાજી જરા જુદી રીતે કહે છે. તેઓ એમ કહે છે કે,  ‘ભગવાનના દિવ્ય રૂપનું સુંદર વર્ણન, ભવ્ય વર્ણન આ અધ્યાયમાં છે, આ બધી વાત સાચી હોવા છતાં આ વિશ્વરૂપને માટે મને જાજુ ખેંચાણ નથી. મને નાના રૂપથી સંતોષ છે. જે રૂડું, રૂપાળું, નાજુક રૂપ મને દેખાય છે તેની મીઠાશ અનુભવવાનું હું શીખ્યો છું. પરમેશ્વરના જુદા જુદા કકડા નથી, પરમેશ્વરનું જે રૂપ જોવાનું મળ્યું હોય તે એનો એક કકડો છે અને બાકીનો પરમેશ્વર તેની બહાર રહી ગયો છે, તેવું મને જરાય લાગતું નથી.’ 

વિનોબાજી આપણને સુંદર વાત કરે છે. તેઓ કહે છે કે,  જે પરમેશ્વર વિરાટ વિશ્વમાં ભરેલો છે તે પૂરો પૂરો તેવો ને તેવો નાનકડી મૂર્તિમાં માટીના એકાદ કણમાં પણ છે અને જરાય ઓછો નથી. અમૃતના સાગરમાં જે મીઠાશ છે તે એક ટીપામાં પણ છે. અમૂર્તનું નાનું સ્વરૂપ ટીપું જે મને મળ્યું છે તેની મીઠાશ મારે ચાખવી એવી મારી લાગણી છે.’  અને પરિણામે વિનોબાજી સતત સતત કહે છે કે,  મને વિરાટરૂપ જોવામાં રસ પડે છે એના કરતા એના સૂક્ષ્મ એક કણ કે એક બિંદુમાં રૂપ જોવાનું વધુ ગમે છે. હર એક ચીજની સાથે પરમેશ્વરનો સબંધ બાંધવાનો છે. મારામાં પરમેશ્વર છે તે પેલી વસ્તુમાં છે. આવો સબંધ વધારવો તેનું નામ આનંદ. આનંદની બીજી ઉત્પત્તિ જ નથી. પ્રેમનો સબંધ બધે બાંધવા લાગીએ અને પછી જોઈએ કે, શું થાય છે પછી અનંત સૃષ્ટિમાં રહેલો પરમાત્મા અણુ વેણુમાં પણ દેખાશે. 

એક વખત આ દ્રષ્ટિ કેળવાય પછી બીજું શું જોઈએ ? પણ એ માટે ઈન્દ્રિયોને વળગણ  પાડવું જોઈએ. ભોગની વાસના છૂટી જવી જોઈએ અને પ્રેમની પવિત્ર દ્રષ્ટિ આવી મળે પછી હર એક ચીજમાં ઈશ્વર સિવાય બીજું કંઈ  નજરે નહીં પડે. વિનોબાજી અર્જુનથી સાવ બીજા છેડા  ઉપર રહીને આપણને કહે છે કે, ‘અર્જુને વિરાટ સ્વરૂપ માટે ભલે પ્રાર્થના કરી ને એણે જોયું, પણ હું અને તમે તો આખું વિરાટ સ્વરૂપ જોઈ શકીએ એવી આપણી શક્તિ જ નથી.’ સ્વામી સચ્ચિદાનંદજી તો એવું પણ કહે છે કે વિરાટ સ્વરૂપ જોવા જઈએ તો આપણે તો ભયભીત થઈ ઉઠીએ. એટલે આપણે તો અર્જુનની દિવ્ય દ્રષ્ટિથી જોવાયેલું અને સંજયની દિવ્ય દ્રષ્ટિથી વર્ણવાયેલું જે વિશ્વરૂપ દર્શન છે એને જ માન્ય ગણીને આગળ વધવાનું  છે. એના જ દર્શનથી સંતૃપ્ત થવાનું છે. 

ત્રણેય લોક ભયભીત છે એવું વીસમાં શ્લોકમાં કહેવામાં આવ્યું એ વાત સંદર્ભે  સ્વામીશ્રી સચ્ચિદાનંદજી પણ કહે છે કે,  આ સ્વરૂપ જાણ્યા પછી તો ત્રણેય લોકની અંદર એક ભય પ્રાપ્ત થયો છે કે આપણે જેને ભગવાન કૃષ્ણ કહીએ છીએ એનું આ વિરાટ સ્વરૂપ ? આવું ? એટલે અર્જુન કહે છે કે, સમસ્ત દેવતાના સમૂહો આપમાં જ પ્રવેશ કરી રહ્યા છે. અને બીજા કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોના સમુદાયો ‘કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ’ એમ કહીને ઉત્તમ સ્તોત્રો  દ્વારા આપની સ્તુતિ કરે છે. અનેક દિવ્ય સમુદાયો વિસ્મિત થઈને આપને જોઈ રહ્યા છે. 

એક પછી એક અર્જુન વિષરૂપ દર્શન કરતો જાય છે અને તેની સ્તુતિ કરતો જાય છે. અર્જુનની સ્થિતિ મોં ખોલતા પતાસું મળ્યા જેવી થઈ ગઈ છે.