
મન ઝંઝીર, મન ઝાંઝર
મન એ welcome box છે.
મનના ત્રણ લક્ષણો છે::મનની શુદ્ધતા, મનની એકાગ્રતા અને મનની સૂક્ષ્મતા.
પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજના મારા વિષયમાં પ્રવેશ કરું તે પહેલા એક સુંદર મજાનું અવતરણ મારે આપની સમક્ષ રજૂ કરવું છે. અરુણાચલમના રમણ મહર્ષિનું આ અવતરણ છે. તેઓ કહે છે “Correcting oneself is correcting the whole world. The Sun is simply bright. It does not correct anyone. Because it shines, the whole world is full of light, transforming yourself is a means of giving light to the whole world” આ અવતરણથી શરુ કરવાનું કારણ એ છે કે મારો આજે વિષય છે “મન ઝંઝીર, મન ઝાંઝર”
અહીં બે વિરોધાભાસ છે અથવા તો બે સમાનધર્મીઓ છે, એમ કહીએ તો પણ ચાલે. કારણ કે ઝંઝીર અને ઝાંઝર એ બંને આપણને પહેરવાનું ગમે એવા પણ છે અને કોઈ પહેરાવે તે ન ગમે એવું પણ છે. શ્રી રમણ મહર્ષિનું આ વાક્ય આપણને એવું કહે છે કે, એક વ્યક્તિની અંદર તમારે ફેરફાર થોડોક સુધારો કરવો હોય તો એ આખા વિશ્વને સુધારવા જેવું મોટું કામ છે. કેમ એમ કહ્યું હશે તેનું મને આશ્ચર્ય થાય…શ્રી રમણ તો બહુ ટૂંકા જવાબ દેવાયેલો મહર્ષિ હતા. કોઈએ એને ચાલતા ચાલતા પૂછ્યું કે, ‘મહર્ષિ આ પર્વત, નદી, નાળા એ બધું ક્યાંથી આવે છે?’ મહર્ષિએ સરસ જવાબ આપ્યો, ‘તમારો પ્રશ્ન ક્યાંથી આવે છે…?’ આ જવાબમાં એક પ્રશ્ન હતો.
આજે આપણી સામે પણ પ્રશ્ન છે કે મન ઝંઝીર છે કે મન ઝાંઝર છે? મહર્ષિ એવું કહે છે કે, સૂર્ય માત્ર પ્રકાશે છે. એનો ધર્મ છે, સ્વધર્મ માટે એ પ્રકાશે છે. એ આપણને અજવાળું આપવાના ઉદ્દેશ્યથી પ્રકાશતો નથી. પરંતુ સૂર્ય એની મેળે પ્રકાશે એના ફળ સ્વરૂપે આખું વિશ્વ પ્રકાશ-પ્રકાશ બને છે. એટલે કે તમારી એક જાતને બદલવી હોય તો તમારે આખા વિશ્વને પ્રકાશિત કરવા માટેનો ઉદ્દેશ્ય લઈને નીકળવું પડે ત્યારે તમે તમારી જાતને બદલી શકો છો.
આપણને ખબર છે આ મન જેને આપણે અનેક રીતે વખોડયું છે અને અનેક રીતે સંવાર્યું છે એના ઉપરના કેટલા બધા સુંદર મજાના લોકગીતો અને સુગમ ગીતો લખાયા છે. “મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ… આ મૂળ ટાગોરની રચના અને એને મેઘાણીભાઈ આપણી પાસે લઈ આવ્યા. આજે પણ એ ગીત આપણે સાંભળીએ છીએ તો આપણું મન મોર બનીને થનગાટ કરવા લાગે છે. આ મારો, તમારો આપણા સૌનો અનુભવ છે. પણ છતાં આ મન છે એ એકલવાયું છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એ નિરાશ્રિત છે. મનનો આટલો બધો પ્રભાવ આપણા ઉપર હોવા છતાં મન dependent છે. મન પોતે હકીકતની અંદર પરાવલંબી છે. આપણા અવલંબનમાં રહેલ છે એટલે આ મન વિચિત્ર છે. જે મન હું અને તમે પકડી શકતા નથી અથવા તો પામી શકતા નથી. સતત એવું અનુભવાય કે મન સમય નિરર્થકતામાં પસાર કરવા માટેનું સાધન છે. પણ એનો ખ્યાલ તો એ પસાર થઈ ગયા પછી આવે. ખુબ વિચારે ચડીએ અને વિચારનાં ચકડોળમાં ફરી લઈએ પછી અડધી કલાક પછી ખ્યાલ આવે કે, આ હું શું વિચાર કરતો હતો…? એ રીતે એ dependent છે.
આપણી ઈચ્છાઓને પોષવામાં, આપણી વાસનાઓને સંતોષવામાં, શબ્દોને વાંચવામાં, સિદ્ધાંતોને સમજવામાં, સલામતીને શોધવામાં, કશું બનવાની દોડમાં, કશુંક પુરવાર કરવાની દોડમાં, સ્વયંને સાબિત કરવા માટેની દોડમાં, ઘટનાઓની રાહ જોવામાં, અન્યને સમજવામાં, અનેક ને સાચવવામાં, આપણો અહમ છે એને મોટો કરવામાં, ક્યારેક અહમને સંતાડવામાં, અને અરે ક્યારેક આપણા જ અહમનો ભાર આપણને લાગે ત્યારે એને ઉપાડવામાં આપણું જીવન બરાબર વ્યતીત થાય છે. આ જે શૃંખલાઓ મેં રજૂ કરી એ શૃંખલા એવું કહે છે કે, મન ઝંઝીર છે. ઝંઝીર એટલા માટે છે કે આટલા બધા પરિમાણો થી મન મને બાંધી રાખે છે. મારા બાહ્ય પ્રતિભાઓને કોઈ મૂલ્ય આપવા માટે હું મનનો ઉપયોગ કરવા માટે પ્રેરાઉ છું, પરિણામે આજે એવું બન્યું છે કે મનનો હું ગુલામ બનું છું. અને એટલે મન ઝંઝીર છે.
વિચારવા જેવો મુદ્દો બહુ મહત્વનો છે. પણ એક વાત નિશ્ચિત છે કે બહારથી જે ઇન્દ્રિયો મેસેજ મોકલે છે તે મેસેજ હકીકતમાં મન પાસે જાય છે. એક સાદી વાત છે કે, શરીર, મન, અને પ્રજ્ઞા આ આત્મનના ત્રણ પરિમાણો છે. શરીર છે એ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા અભિવ્યક્ત થાય છે, હાલવા ચાલવાના અંગો આપે છે, એ દુનિયાથી સંપર્કમાં આવે છે. અને દુનિયામાં સંપર્કમાં આવે ત્યારે જે એને સંદેશા મળે, આ સારું છે, આ સારું નથી, આ ખાટું છે, આ તીખું છે, બહુ દુઃખી થયો, આ બધા સંદેશાઓ છે. એ સંદેશા તે અંદર મોકલે છે. મન એને વેલકમ કરે છે. મન છે એ welcome box છે. એ પોતે deny નથી કરતું. અને welcome કર્યા પછી એ intellect સુધી લઈ જાય એ દરમીયાન પોતાના મત, પોતાના દૃષ્ટિકોણ, અથવા પોતાના અભિપ્રાય સાથે એ intellectમાં બાહ્ય ઇન્દ્રિયોના સંદેશાને મોકલે છે. intellect એટલે પ્રજ્ઞા… એ પ્રજ્ઞા આપણા past data જેવા અગાઉના અનુભવોના આધારે એનાલિસિસ કરીને એનો જવાબ આપે છે. એટલે આમ કહો તો મન એ receiver છે અને આમ કહો તો મન એ deliver છે. એ કશુંક receive કરે છે, આગળ મોકલે છે. પ્રજ્ઞા મોકલે છે એ receive કરે છે. એ પાછું આપણને બહાર અંગો ઉપર આવી મળે છે. સામેની વસ્તુ ખરાબ છે કે સારી તે જોઈએ છીએ પણ એ સાચો સંદેશો આપણને અંદરથી મળે છે એ મન આપે છે. મનમાં તમારો પ્રતિભાવ કેવો પડ્યો, મનને તમે કેવી રીતે એનું મૂલ્યાંકન કરવાની છૂટ આપી એના ઉપર તમારો બધો જ જીવન પ્રભાવ છે.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન એક વખત વ્હાઈટ હૉઉસ તરફ જતા હતા. એ દરમિયાન એમણે એક ભૂંડ ને કીચડમાં પડેલું જોયું અને એ પોતે મરી જાય એવું તરફડતું હતું. પ્રમુખ ત્યારે અમેરીકાનાં પ્રમુખ ન રહ્યા. પણ એ સ્વ જેનો આત્મન અબ્રાહમ લિંકન છે એ બની ગયા અને પરિણામે એણે પોતાના કપડાંની પરવાહ કર્યા વગર કાદવમાં ઝંપલાવ્યું અને ગમે તેમ કરીને ભૂંડને બહાર કાઢી બચાવી લીધું. ત્યાં ઉભેલા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે પ્રેસિડેન્ટ છો, તમે તમારા કપડાંને પણ ગંદા કરવાનું વિચારી શકો છો, તમે ખરા છો. તમે હમણાં વ્હાઈટ હૉઉસમાં જશો આ સ્થિતમાં? બહુ શાંતિથી અબ્રાહમ લિંકને કહ્યું, આમાં કાંઈ નવું નથી. મેં ભૂંડને નથી બચાવ્યું, હકીકતની અંદર ભૂંડને બચાવીને મેં ઉપકાર નથી કર્યો, મેં તો મારી જાતને બચાવી છે. એ ભૂંડમાં મેં મારી જાતને જોઈ કે જે કીચડમાં ફસાયેલી હતી એટલે મેં કશી પરવાહ કર્યા વગર એને મેં બચાવી લીધું છે. મેં કોઈ કામ કર્યું નથી. મેં કોઈનું દુઃખ દૂર કર્યું નથી, હકીકતમાં મને એને જોઈને જે દુઃખ થયું એ દુઃખને દૂર કરવા માટે અંદર ઝંપલાવ્યું છે. આ વાત મનને એકદમ rational રીતે વાળવાની વાત છે. આવી રીતે બધા પોતાની લાગણી વાળી શકે? હા, વાળી શકે. પણ એમાં practice makes a man perfect… તમારે પ્રયાસ કરવો પડે, to be positive, to see the right side, never think about the other side, આ બધા નાના-નાના સૂત્રો છે પણ તેની તમારે practise કરવી પડે.
કોઈ ફિલ્મી ગીત તમને ન ગમતું હોય પણ દસ દિવસ રોજ સાંભળો તો તમને ગમવા લાગે. આ સાદી થિયરી આમાં કામ લાગે છે બીજું કશું જ નથી. આજે કશુંક એવું બન્યું કે, જે તમારા મને positively સ્વીકાર્યું, તમે રાજી થયા, તમારો સમય સરસ મજાનો પસાર થયો, now wait for the other time to get such message from your mind એવું કરીએ તો મન ઝાંઝર છે, ઝંઝીર નથી. મન આપણું ગુલામ બને તે જોવું પડે. મનના આપણે ગુલામ બનીએ તે નહિ ચાલે. વાત થોડી ઊંડાણથી કરું, આપણે જે મનની વાત કરીએ છીએ એ મનના હકીકતમાં ત્રણ લક્ષણો છે. પહેલું છે મનની શુદ્ધતા, બીજું છે મનની એકાગ્રતા, અને ત્રીજું છે મનની સૂક્ષ્મતા. આ ત્રણ શબ્દો સમજવા થોડા અઘરા છે. પણ આપણે તેને સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ.
મનની શુદ્ધતા એટલે “Ability to be clear”. સ્પષ્ટ થવા માટેની તમારી ક્ષમતા. શુદ્ધતા એટલે મને સ્વચ્છ જ જોઈએ, મને ગંદકી ન જોઈએ, મને જ્યાં બેસું ત્યાં સ્વચ્છતા પહેલી ગમે, હું મારા કપડાં પહેરું તો મને સુઘડ કપડા ગમશે, મને મારો ચહેરો સુંદર લઈને નીકળવાનો આદત છે, આ બધી શુદ્ધતા છે બહારની. એ બહારની શુદ્ધતા અંદરના મનને પણ શુદ્ધ બનાવશે, કઈ રીતે? તમારા મનમાં આવું ઠાની લીધું અને બીજી વખત જો તમે ગંદી જગ્યામાં બેસવાનો પ્રયાસ કર્યો તો મન તાત્કાલિક પાછું વળશે. એટલે બહુ સીધી વાત એ કે “Ability to be clear” એ મનની શુદ્ધતા છે.
મનની એકાગ્રતા એટલે “Ability to focus”. આ એકાગ્રતા શબ્દ બહુ જ સુંદર છે. એક અગ્ર. આગળ એક જ વસ્તુ રાખો. તમે જે મનમાં વિચારી રહ્યા છો તે તમારે કરવું છે, તો એક જ લક્ષ્ય રાખો. one-way ટ્રાફિક કરો. don’t allow other vehicles to their street. આ એકાગ્રતા એટલે “Ability to focus”. તમે નિશ્ચિત છો કે તમારે શું કરવું છે, ક્યારે કરવું છે, કેમ કરવું છે, તમારા માઇન્ડમાં એનો કોઈ નકશો છે? નથી તો પહેલા ઘડો. ઘડીને પછી એમાં આગળ વધો તો તમારા માટે મન ઝાંઝર બની જશે.
મનની સૂક્ષ્મતા એટલે બહુ સીધી ને સટ વાત, “Ability to go deep”. ઊંડા ઉતરવાની ક્ષમતા. હું જે વિચાર પામીશ એમાં ઊંડો ઉતરીશ, હું જે કાર્ય કરવાનું નક્કી કરીશ એમાં પહેલાં ઉંડો ઉતરીશ, એના બધા જ પાસાઓ વિશે વિચારીશ અને પછી જ એ કામ હું શરૂ કરીશ. આ જ તો Ability to go deep. જે કરો છો એના ઊંડાણમાં જાઓ. કોઈની સાથે વાત કરતા તમે કામ સ્વીકારો છો તો કામમાં ખરેખર શું કરવાનું છે તે ઊંડે સુધી જઈને જાણી લો.
મનના આ ત્રણ લક્ષણો જો આપણને મનમાં બેસી જાય તો હું માનું છું કે મન ઝંઝીર ન બને પરંતુ ઝાંઝર બને. મનની શુદ્ધતા, મનની એકાગ્રતા, અને મનની સૂક્ષ્મતા. જીવન જીવવાનું કામ એ બહુ ક્ષમતાનું કામ છે આનંદનું કામ છે. ઈશ્વર સુધી જવાનો એક સરળ રસ્તો છે કે તમે આજની ક્ષણને આનંદમાં જીવો એટલે તમે ઈશ્વરની સાથે છો. તો પછી આ કામની અંદર શુદ્ધતા હોય, એકાગ્રતા હોય, સૂક્ષ્મતા હોય તો જ મન છે એ તમારી સાથે ઝાંઝરની જેમ જમકતું ચાલ્યા કરવાનું છે.
મનનાં આ ત્રણ લક્ષણો પછી થોડી સૈદ્ધાંતિક વાત આપણે સમજીએ. વેદાંતિક સાહિત્યમાં ‘અંતઃકરણ’ એવો શબ્દ છે. અને આ અંતઃકરણ મનનાં ચાર કાર્યો છે. આ ચાર કાર્યો એ હકીકતમાં મન ઝંઝીર બને કે ઝાંઝર બને તેના લિટમસ પેપર ટેસ્ટ જેવા છે. અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ આપણે સાધુ ભગવંતો પાસેથી સાંભળેલા ચાર સરસ મજાના આધ્યાત્મિક શબ્દો છે. પણ જુઓ તેની શરૂઆત પહેલાં મનથી થાય છે. અને એ મન કયું? પહેલું સરફેસ ઉપરનું સૌથી નીચેનું મન. પછી બુદ્ધિ આવે છે. એ બુદ્ધિ એટલે ઉચ્ચ મન. પછી ચિત્ત આવે છે. ચિત્ત એટલે આપણું સ્મરણ, આપણી સ્મૃતિ જેમાં પડી છે તે ઉપરથી એક શબ્દ આવ્યો “ચૈતન્ય”, તમારામાં શું પડ્યું છે તે. અને છેલ્લું આવે છે અહંકાર. હું પણું … આ મારું, આ મારું મકાન, આ મારી સ્થાવર મિલકત, આ મારી FD એવું વારંવાર જેને બોલવાની ટેવ હોય છે એ આ ચારમાંથી ચોથા સ્ટેજમાં જીવે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર. મિત્રો બે સ્પષ્ટતા કરવા જેવી છે. આપણે બે શબ્દો એવા બોલીએ છીએ કે જેનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી. ભૌતિક અસ્તિત્વ નથી. જે વારંવાર આપણે બોલીએ છીએ. મારું મન દુઃખી થઈ ગયું, મને મનમાં લાગી આવ્યું, અથવા મને તો દિલ ઉપર ઘા પડ્યો. હવે જરા વિચારો. આ મન અને દિલ નામના જે બે શબ્દો આપણે બોલ્યા કરીએ છીએ. શું કોઈ મેડિકલ સર્જન એની સર્જરી કરીને આપણને એ બહાર કાઢીને આપી શકે? જવાબ મળશે ના… યાદ રાખીએ અહીંયા મનની મગજ સાથે જોડાયેલ છે અને તેની સર્જરી કરવાની વાત છે. એવી રીતે દિલ એ હૃદય સાથે જોડાયેલ છે તો મગજ અને હૃદયની સર્જરી થાય, બાયપાસ થાય, transplant થાય, પણ મન કે દિલ તમને ક્યાંય જોવા ન મળે it’s not a physical substance… પણ એ physical substance ન હોવા છતાં આ મન અને દિલ એ આપણા જીવનને જકડીને બેઠેલા છે. આપણને મનમાં લાગી આવે, આપણું દિલ દુભાય જાય, એવું આપણે વારંવાર બોલીએ છીએ. તો યાદ રાખવું પડે કે ખરેખર મન એ એવા પ્રકારની સંકલ્પના છે કે જે નથી છતાં છે. દિલ એ એવા પ્રકારની સંકલ્પના છે એક જે નથી છતાં છે. આપણે અક્ષાંશ-રેખાંશ માટે કહીએ છીએ કે, રેખાઓ છે પણ શોધવા જાઓ તો ક્યાંય રેખાઓ દોરેલી મળતી નથી. મન અને દિલનું આવું જ છે. એવા મનને જાળવવા અથવા સાચવવાની વાત આવે ત્યારે આપણે ખાસ્સો વિચાર કરવો પડે. જે નથી છતાં છે.
આપણે આંખો બંધ કરીએ, આપણે ચાલતા હોઈએ, આપણે ખાતા હોઈએ કે આપણે સુઈ ગયા હોઈએ તો પણ જે કાર્યરત છે એ આપણું મન છે. આપણે લોકો ધીમે-ધીમે કરતાં ડર અનુભવીએ છીએ એનું કારણ પણ આ મન છે જેને આપણે સમજ્યા નથી. પછી આમ થશે તો…, અકસ્માત થશે તો…, માનો કે પ્લેન તૂટી પડશે તો…, આ ત્રણ મણ ના ‘તો’ જેટલા છે એ હકીકતમાં ભય છે. ભય સૂચક છે કે જે ભય આપણને વારંવાર ડિસ્ટર્બ કરે છે. અને એ પહેલા મનમાંથી આવે છે. એટલે એમ કહેવાય કે એવે સમયે મન ઝંઝીર છે.
મન કેવી રીતે અસર કરે છે? એનો એક સુંદર મજાનું ઉદાહરણ હું તમારી સાથે શેર કરું… એકનાથ મહારાજ મહારાષ્ટ્રનું બહુ મોટું નામ, મોટા સાધુ. ભક્તિ, ધ્યાન અને ઉપાસનામાં ને સાધનામાં જીવન ગુજારે, નામના પણ મોટી. એક વખત એક વ્યક્તિ રોજ આવે, ત્યાં બેસે અને રોજ જતો રહે. એક દિવસ એણે એકનાથજીને આવીને કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હું રોજ આવું છું, તમને રોજ જોઉં છું, મારે એક પ્રશ્ન પૂછવો છે તમે એક સિદ્ધહસ્ત વ્યક્તિ ને સાધુ છો. પણ શું તમે ખરેખર બહારથી જેટલા પવિત્ર છો એટલા અંદરથી પણ છો? આ મને સહજ જિજ્ઞાસા થઈ છે એટલે મારે પૂછવું છે. એકનાથ મહારાજે કહ્યું કે, તારા પ્રશ્નનો તો જવાબ આપું, પણ તું મારી સાથે વાત કરતી વખતે જે હાથના હાવભાવ કરતો હતો ને દોસ્ત એમાં મેં તારી રેખા જોઈ છે. એટલે હું જવાબ આપું એ પહેલા તારું ધ્યાન દોરું. તારી મૃત્યુની રેખા કહે છે કે, તારું મૃત્યુ નજદીક છે. સાત દિવસની અંદર તારું મૃત્યુ થઈ જશે. એટલે તારું ધ્યાન દોરું. હવે હું તને જવાબ આપું. પેલો યુવક કહે હવે મારે જવાબ નથી જોઈતો. મારે હવે અહિયાં હાજર જ નથી રહેવું. અને હજી એને એકનાથ મહારાજ કંઈક કહે ત્યાં તો એ ભાગ્યો. એકનાથ મહારાજ સમજતા હતા કે મેં આવું કેમ કીધું છે. પેલો માણસ ઝડપથી ગયો, પોતાના જેટલા લેણા-દેણા જેટલું હતું એ બધું પૂરું કરી નાખ્યું. જેને ક્ષમાયાચના કરવાની હતી એને ક્ષમા યાચના કરી. સાત દિવસની મુદ્દતમાં ભવિષ્યનું થાય એટલું આયોજન કર્યું, પોતાની પત્ની, મા-બાપ સૌની ક્ષમા માંગી, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો…. અને સાતમા દિવસે મૃત્યુની બરાબર અપેક્ષા રાખીને બેઠો હતો ત્યાં સાંજે એકનાથ મહારાજ એને ઘરે આવ્યા. એને જોઈને ઘરના બધા રડવા લાગ્યા કે આ મહારાજે કહ્યું એમાં અમારો દીકરો સાતમે દિવસે જવાનો છે. પણ એકનાથજીએ કીધું કે તમે રડો નહિ, મને એમની પાસે લઈ જાઓ, એ ક્યાં છે? તો એ અંદર ખાટલા ઉપર સૂતો છે. એ બીમાર છે? ના પણ એ એકદમ માનસિક બીમારીમાં આવી ગયો છે. એકનાથ મહારાજ એની નજીકમાં જાય છે. પેલો સુતા-સુતા પ્રણામ કરે છે, અને કહે છે કે, પ્રશ્ન પૂછવામાં મારી કોઈ ભૂલ થઈ હોય, મારાથી કંઈ એવું થઈ ગયું હોય તો માફ કરજો, હું કાલે વિદાય લેવાનો છું. એકનાથ મહારાજે કહ્યું, બેટા તું ઉભો થા, તારી વિદાય કાલે નથી. શું વાત કરો છો? હા, તારી વિદાય કાલે નથી, સાત દિવસ બાકી છે એવું કહ્યું ત્યારે આ સાત દિવસમાં તેં કોઈ પાપ કર્યું છે? તેં કોઈને દુઃખ પહોંચાડ્યું છે? તેં કોઈની હત્યા કરી છે? કોઈને મારવાનો પ્રયાસ કર્યો છે? કોઈને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો છે? બોલ શું કર્યું છે? છોકરાએ કહ્યું કે, કેવી વાત કરો છો? સાતમે દિવસે મરી જવાનું નક્કી હોય તો કોઈ આવું કરે? એકનાથ મહારાજે કહ્યું કે, તેં તે દિવસે મને પૂછેલ પ્રશ્નનો જવાબ તારા આ છેલ્લા પ્રશ્નમાં આવી ગયો?? હું તો તારા પ્રશ્નનો જવાબ આપવા જ આવ્યો છું. તેં કહ્યું એ જ તારો જવાબ છે. જો સાત દિવસ હોય અને તમે કાંઈ ખોટું ન કરો, તમારું મન એવું પ્રબળ બની જાય કે સત્ય સિવાય કાંઈ નહીં, અહિંસા સિવાય કાંઈ નહિ, કરુણા સિવાય કાંઈ નહિ તો જે કાલે મરી જવાનો છે એવી તૈયારી કરીને બેઠો છે એ ભીતરથી ન સુધર્યો હોય એવું તું માને છે? મને તો એમ જ છે કે હું કાલે જતો રહેવાનો છું. એટલે હું જેવો બહાર દેખાઉ છું એવો અંદર છું. સૌ સ્વજનો, મારે ને તમારે જીવવાની આ પ્રક્રિયા સમજી લેવાની જરૂરત છે.
સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કરે છે. તે એમ કહે છે કે રોજ રાત્રે એવું માનીને સુવો કે આજે મારી છેલ્લી રાત્રી છે. તો તમે બીજે દિવસે ઉઠશો ત્યારે આજે મારું નવું જીવન છે એનો સંતોષ તમારી સાથે હશે. વિવેકાનંદજી કહે છે કે, આપણને મૃત્યુનો ભય એટલો ડરાવે છે. આપણે રોજ સામે જોઈએ છીએ કોઈક ને કોઈક તો મરે જ છે. પણ આપણે એમ માનીએ કે એ તો કોઈ ને કોઈ મરે છે. મારું મરવાનું થવાનું નથી. તો મનને આપણામાં રાખવાનો એક સરસ ઉપાય એ છે કે શુદ્ધ રાખવાનું, એને એકાગ્ર રાખવાનું, એને સૂક્ષ્મ રાખવાનો રોજ વિચાર કરીએ કે આજે મારો છેલ્લો દિવસ છે. બીજે દિવસે સવારે નક્કી કરીએ કે આખી જિંદગી મારી છે અને એવી રીતે આપણે કામ કરીને આગળ વધીએ. આપણે એવું યાદ રાખીએ છીએ કે, મન કહે છે તે કરવું પડે છે. આ વાત સાચી નથી. જો આપણે વિચારીએ કે નાનો નિર્ણય લેવામાં પણ હું દ્રઢતાપૂર્વક નિર્ણય લઈ શકું છું તો મન આપને ફોલો કરે છે. ટેકનોલોજીએ પણ હવે આપણી સમક્ષ આ વાતને સ્પષ્ટ કરી દીધી છે. આજે સવારના ઊઠીને મેં ભયની બે વાત કરી, તો મારો આખો દિવસ ભયજનક જવાનો છે. સવાર પડીને મેં શંકા વ્યક્ત કરી તો મારા 24 કલાક શંકામાં વીતવાના છે. જે ઇનપુટ તમે પહેલો આપ્યો છે એ જ ઇનપુટ અલ્ગોરિધમ પ્રમાણે વારંવાર આવતો રહેવાનો છે. આપણે સૌ વાતો કરીએ છીએ કે ભાઈ નાના છોકરાઓને તમે મોબાઈલ ન આપવો, કેમ ન આપવો? તો જવાબ મળે છે કે, એ લોકો ન જોવું જોઈએ એવું જોવા લાગે. આનો અર્થ શો? અર્થ બહુ સીધો. વિજ્ઞાન અને ટેકનોલોજીના લોકો એમ કહે છે કે, આને અલ્ગોરિધમ કહેવાય. એટલે કે તમારી નજરે મોબાઇલમાં બીજું કશું જોતા જોતા એક ખરાબ વસ્તુ જોવાઈ ગઈ એટલે એ પેલું મન નામનું અંદરનું બોક્સ પકડે છે કે આમણે આ જોયું, તેથી આની સામે હવે આવું જ રજુ કરો, એને કહેવાય અલ્ગોરિધમ. આ મેં દેશી ભાષામાં અલ્ગોરિધમ સમજાવ્યું. હવે વિચાર કરો દિવસ ઉગે ત્યારે તમે ભય નો ઈનપુટ આપ્યો છે. અને એ ભયનો ઇનપુટ અંદર મનમાં જાય છે એટલે એ નક્કી કરે છે કે આને ભયવાળી વસ્તુઓ સાથે સારો નાતો છે એમાં એ આપણી ભેગો રહે છે એટલે એને ભય દેખાડ્યા કરો. આવું હકીકતમાં જે ટેક્નોલોજીમાં બને છે એ આપણામાં મન સાથે પણ બનતું આવ્યું છે. તમને ખબર છે કે ટેક્નોલીજીમાં તમે એક શબ્દ લખો તો હવે શું લખવાના એ પણ ઉપર લખાઈ જાય છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જે દુનિયામાં આપણી ઉપર સતત એક કેમેરો છે. અને એ કેમેરો મને અને તમને સતત ઓબ્ઝર્વ કરે છે. એમાં મને ગમ્યું, મને ન ગમ્યું, મને સારું લાગ્યું, મને ન લાગ્યું, આ ખાવાનું સારું, આ ખાવાનું નથી સારું, એ બધું અંદર કેમેરામાં જાય છે અને એમાંથી કેમેરો પકડે છે અને એક કરતાં બીજી વાર શું કર્યું એ વારંવાર આપો. આ પણ જીવનમાં સાબિત થતી રચના છે. તમને ખબર છે કે તમે કોઈ સંબંઘીને ઘરે જમવા ગયા હોવ અને મોહનથાળ કર્યો હોય અને તમે એક બટકો ખાઈ જાઓ તો તાત્કાલિક બીજો ટુકડો આવશે. બીજું ખાઈ જશો તો ત્રીજું આવશે. કારણ એને ખબર પડી કે આને મોહનથાળ ભાવે છે. બસ એ જ ટેક્નોલોજી કરે છે એને અલ્ગોરિધમ કહેવાય છે.
હવે યાદ રાખો અલ્ગોરિધમની મદદથી તમારી આંખ સામે શું મૂકવું, તમારા વિચારમાં શું લઈ આવું, આ બધી વાત જો નિશ્ચિત થતી હોય તો મનને સારા વિચાર આપ્યા વગર આપણે સારું મળે એવી અપેક્ષા નહીં રાખીશું. અને એટલા માટે મનને ઝાંઝર બનાવવું એ આપણા હાથમાં છે. તમે જે આપશો તે તમને મળશે. સીધી જ વાત. ગાઈડ નામનું પિક્ચર આપણે જોયું હશે એમાં દેવાનંદ છે એ હિરોઈનને લઈને ગુફા પાસે જાય છે. અને ગુફા પાસે જઈને એમ કહે છે કે જો આ ગુફામાંથી મારી ઈચ્છા છે એનો જવાબ મળશે. એટલે એ ગુફામાં મોઢું રાખીને બોલે છે, में उनसे प्यार करता हूँ? એટલે જવાબ આવે કે करता हूँ… करता हूँ…. करता हूँ… એટલે હિરોઈનને કહે છે કે જો ગુફા પણ એમ કહે છે કે હું તને પ્રેમ કરું છું. હવે આપણને ખબર છે કે આ પડઘો છે તો એટલું સમજી લેવાની જરૂર છે કે ઘા અને પડઘા જો સરખા હોય તો આપણો ઘા નરમ હશે તો જવાબમાં નરમ મળશે. તમે જે આપશો તે તમને મળશે. સ્પષ્ટ વાત કે આપણું મન ઝંઝીર બનીને ન રહે પણ ઝાંઝર બનીને રહે.
એક બહુ જાણીતું ઉદાહરણ મને યાદ આવ્યું છે આપની સમક્ષ રજુ કરું. ફરી એકવાર એકનાથ મહારાજને યાદ કરું, આમ તો ત્રણ મહાન સંતોની વાત છે. એકનાથ મહારાજ, તુકારામજી અને આપણા નરસિંહ મહેતા. એકનાથ મહારાજ છે એ પંઢરપુરમાં દર્શને જાય અને વિઠ્ઠલની સાથે આખો આખો દિવસ કાઢે. એકનાથજીને લાયક પત્ની મળી હતી. પત્ની બહુ સારી હતી. પત્નીએ એમ કહ્યું હતું કે તમે ધર્મધ્યાન કરો, તમે ભગવાનની પૂજા અર્ચનમાં રહો, તમે ઘરની ચિંતા ન કરતા એ હું સંભાળી લઈશ. સમજવાનો પ્રયાસ કરીએ. એ હકારાત્મક પત્ની હતી. એકનાથજીએ પંઢરપુરમાં મંદિરમાં જઈને આભાર માન્યો ભગવાનનો. શું આભાર માન્યો, ક્યા શબ્દમાં? કે, હે વિઠ્ઠલ, હું બહુ રાજી થયો છું, બહુ આભાર માનું છું કે મને ઘરની ચિંતા જ નથી. મારી પત્ની એટલી બધી સરસ આપી છે કે એણે કીધું કે ઘર હું સંભાળીશ તમે ધર્મ સંભાળો. હે વિઠ્ઠલ, આ તારી કૃપાથી મને આટલો ફાયદો થયો. તુકારામજી મહારાજમાં આનાથી ઉલટું હતું. તુકારામ મહારાજની પત્ની કર્કશા હતી. બહુ ત્રાસ વિતાવતી. કોઈ શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે ક્યારેક ક્યારેક તુકારામ મહારાજની ઉપર ગુસ્સો કરીને ધોલ ધપાટ કરી લે. પણ તુકારામ મહારાજ હંમેશા આનંદમાં રહેતા. એકનાથજી જે મંદિરમાં ગયા એમાં તુકારામજી દાખલ થયા. અને એણે જઈને કીધું, ભગવાન તારો ખૂબ આભાર માનું છું. તેં એટલી સરસ પત્ની આપી છે કે એ એના કંકાશમાં પડી છે એટલે મારે ઘર સામું જોવાની જ કોઈ જરૂર નથી પડતી. હું ઘરે નથી જતો અને તારી પાસે પડ્યો રહું છું એટલે હું તારો આભાર માનું છું. અને નરસિંહ મહેતાનાં કિસ્સામાં તો એના પત્નીનું અવસાન વહેલું થઈ ગયું. એના દીકરાનું અવસાન થયું, પણ નરસિંહ છે તે ફરી એકવાર એકનાથ અને તુકારામની જેમ ઈશ્વરનો આભાર માને છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ... ત્રણ વ્યક્તિઓ છે, એકની પત્ની ખુબ સરસ છે, એકની કર્કશા છે, એકની પત્ની જ નથી, જતી રહી છે દેવ પાસે છે. ત્રણેય લોકો વિચારે છે ત્યારે ભગવાનનો આભાર માને છે. બસ આ મનને હકારાત્મકતાથી કેમ ઠેલી શકાય, કેમ ભેગું લઈ શકાય એનું સાદર ઉદાહરણ છે.
એકહાર્ટ ટોલે નામનો બહુ મોટો તત્ત્વચિંતક થઈ ગયો. એણે કહેલું “How you take it and how you make it” કોઈપણ બાબતને તમે કેવી રીતે લ્યો છો એના ઉપરથી એ કેવી રીતે બનશે એ નક્કી થાય છે. તમે હાય-હાય જો કરીને લેશો તો જવાબ હાય હાયમાં આવશે. એક બહુ funny વાત છે કે, મહિલા સંગઠન હતું અને મહિલા સંગઠનમાં એક અગ્રણી મહિલા પ્રવચન કરવા આવવન છે અને એને વિષય આપ્યો “મહિલાઓની હાય-હાય બોલવાની ટેવ” એમણે અડધી કલાક પ્રવચન કર્યું. પ્રવચન પૂરું થવા આવ્યું જ પણ પેલો વિષય ક્યાંય ન આવ્યો. પ્રવચનનો વિષય હતો “મહિલાઓની હાય-હાય બોલવાની ટેવ”… વક્તવ્ય પૂરું થતું હતું ત્યાં એનાઉન્સરે જઈને વક્તાના કાનમાં કહ્યું કે, તમારો વિષય તો રહી ગયો. તો મહિલાએ કીધું, હાય હાય એ તો હું ભૂલી જ ગઈ. અને પ્રવચન પૂરું થયુ. તમારા મનમાં જે શબ્દો પડ્યા છે એ શબ્દો તમને છોડીને જતા નથી જ્યાં સુધી તમે એને જાકારો ન આપો. તમારા મનમાં જે વિચારો પડ્યા છે એ વિચારો સ્થાયી થઈને રહેશે જ્યાં સુધી તમે એને નહીં હડસેલી કાઢો. તમારે ટેવ પાડવી પડશે મનને, મન માટે વિચારને અને વિચારની પ્રક્રિયા તમે જે પ્રમાણે આગળ ધપાવશો એમ Either or તમારી પ્રશસ્તિ અથવા તો તમારું જે થવાનું હશે તે થતું રહેશે.
મન જો મોબાઇલની જેમ વર્ક કરતું હોય, અલ્ગોરિધમ એમાં પણ છે, પણ એ અલ્ગોરિધમ મને અને તમને કાયમ માટે શિકાર બનાવ્યા કરે તો એના માટે છૂટવા માટે કયો રસ્તો છે? છૂટવાનો બહુ સીધો સાદો રસ્તો છે. પહેલી વસ્તુ છે મનની સજાગતા. to be aware for your mind. એક વિચાર આવે એટલે વિચારને સજાગતા પૂર્વક ઓબ્ઝર્વ કરવો પડશે. હું આપને એક નાનું ઉદાહરણ આપું, આપણને બહુ સરળતાથી આ મુદ્દો સમજાય એવી તાર્કિક વાત કરું. આ પણ કદાચ તમે કોઈ એક ગામડિયા જેવા ગિરધર કાનાણી નામના ભાઈ છે અને એ બહુ તાત્ત્વિક વાત એકદમ હળવાશથી કરે છે. એમણે કહેલી આ વાત છે. (જુઓ આ મેં જેની વાત કરી એનું નામ મેં આપને જણાવી દીધું, કારણ કે મારે એનો અપરાધ નથી કરવો. જૈન દર્શન કહે છે કે, જે જેનું છે તે તેનું છે એમ કહેવામાં તમે સમય પસાર ન કરો અથવા વિનમ્રતા બતાવો એ તમારી અહિંસા છે.) એ સુંદર વાત કરે છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શું છે? એમણે કીધું, બેઠો હતો ને વિચાર આવ્યો કે હાલો ગામને છેડે આંટો મારી આવું. એટલે બાઇકને કિક મારીને નીકળ્યો. મારા મને કીધું કે નવરો છો તો હાલ ઉપડ, લટાર માર, મજા આવશે. હું નીકળ્યો. નીકળ્યો ત્યાં રસ્તામાં મારો ભાઈબંધ મળ્યો અને કહે કે કઈ બાજુ જાય છે ? તો કહે ગામ ને છેડે, તો કહે ધ્યાન રાખજે ત્યાં પોલીસ ઉભા છે અને હેલ્મેટ ન પેહેરે એનો દંડ કરે છે. તો તરત જ મારી બુદ્ધિ જાગી અને બુદ્ધિએ કહ્યું કે ભાઈ હજાર રૂપિયાનો દંડ ભરવા લટાર મારવા ક્યાંય ન જવાય. પાછો વળ… ત્યાં પેલું ચિત્તની અંદર વિશ્લેષણ થઈને ડેટા આવ્યો. કાંઈ હજાર રૂપિયાનો દંડ ન હોય એ તો એ ન જોવે એમ ચાતરીને વયા જવાય... મન, બુદ્ધિ, ચિત્ત ત્યાં પેલો અહંકાર જાગ્યો. મને કોણ રોકે? રોકે તો ખરો જોઈ લેવું છે. આ ચાર સ્ટેપ વિચારનાં ચાલ્યા. એકમાં આનંદથી ઉપડ્યા, બીજામાં તમને કોઈએ ડરાવ્યા, વિચારવા માંડ્યાં, ત્રીજામાં તમારા ચિત્તે કહ્યું કે ભાઈ એવું બનવાનું નથી અને ચોથામાં અહંકારે વસ્તુ પકડી લીધી. કાંઈ કોઈ ન કરે તને કોણ કોઈ કરે? આ તને કહ્યું એ એટલું મોટું થયું કે નક્કી કર્યું કે જવું છે. અને પછી જે થયું તે થયું. પછીની વાત નથી કરવી. વાત તો આપણે એ કરવી છે કે તમને મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર કેવી રીતે ભેગા આવે, તમને ખબર ન પડે. વિચારો બદલવાની આખી ફ્રીક્વન્સી એટલી ફાસ્ટ હોય કે તમને એનો ખ્યાલ નથી આવતો. છતાં બદલી જાય છે અને એની અસર થઈ જાય છે તે આપણને ખબર છે. આ જ પ્રક્રિયા ઉંધી પણ ચાલે. તમે નીકળી ગયા અહંકારને લઈને, તમને રોકવામાં આવ્યા, હજાર રૂપિયા દંડ થયો, અને તમે દંડ ભરીને પાછા ફર્યા, ત્યારે એ અહંકાર શાંત થઈ જશે જેણે તમને ઉશ્કેર્યા હતા. એ વખતે તમને પેલું મન શાંત થયેલું લાગશે. તમને પેલી બુદ્ધિ થશે કાંઈ કોઈ ન લે. ચાલ ને નિકળ ને… તો એવે ટાણે બુદ્ધિગમ્ય કામ કર્યું ગણાશે, કે અહંકારે શૂન્ય કામ કર્યું ગણાશે. એટલે આ ચાર પગથિયાં એકબીજા સાથે અંદરો અંદર પરોવાયેલા છે. અને પરોવાયેલા પગથિયામાં આપણે ક્યારેય ભેળવાઈ જઈએ એ નક્કી નથી. આપણા જીવનની અંદર ઘણી ઘટના બને છે. મેં તો સાદી સરળ ઘટનાથી તમારી સાથે વાત કરી.
મન નામનો આ જે સિદ્ધાંત છે એને આપણે માકડું કહીએ, એને આપણે કુદાકુદ કરતું જીવજંતુ કહીએ, મન છે એ ચોર છે એવું આપણે બોલીએ છીએ, જે વિશેષણ આપીએ તે આપી શકાય. ખોટા નથી. પ્રસંગે-પ્રસંગે મન પોતાના વિશેષણો ને સાચા પાડે છે. પણ એટલું નિશ્ચિત, આ મનની અંદર એક વખત જે વિચાર ઘુસી જાય એ જો બહાર કાઢવાની સતર્કતા ન રાખીએ તો મન તમને સુખ શાંતિથી બેસવા દેતું નથી. એક નાનકડી મજાની વાત કરું, એક રાજા હતા બધી વાતે સુખ હતું અને માટે ટાલ પડી ગઈ. ધીમે ધીમે વાળ ઉતરવા લાગ્યા અને ટાલ પડી ગઈ. હવે રાજાને ખૂબ ખરાબ લાગ્યું કે મારા માથે વાળ નથી? આ તો બરાબર ન કહેવાય. પાઘડી પહેરી રાખે, મૂંઝાયા કરે, પોતાનો ચહેરો પોતાને ગમતો નથી, એટલે રાજાએ એક વખત એલાન કર્યું કે મારા માથા ઉપર જે વાળ ઉગાડી આપે એને એક સો સોનામહોર આપું. નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો. બાદશાહનો કોઈ નજીકનો માણસ હતો. મંત્રી એને જઈને ગામમાં કહ્યું કે આવું કોઈ માણસ મળે તો આપો, આપણા રાજા ખૂબ દુઃખી છે, એમની ટાલ ઉપર વાળ ઉગાડવા છે. એક વાણંદ બહાર આવ્યો. અને એણે આવીને કહ્યું કે હું કરી દઉં. તો કહે ધ્યાન રાખ ભાઈ, સો સોનામહોરના લોભમાં કાંઈ નક્કી ન કરતો. વાળ નહિ ઉગે તો આ રાજા છે એ વાત તું યાદ રાખજે. વાંણદે કહ્યું કે, કહેવાય તો ગયું છે હવે શું કરવું? એટલે એણે કીધું પણ મારી એક શરત… લઈ ગયા રાજા પાસે, રાજાએ કીધું કે તારી શરત શું છે? તો કહે હું વાળ ઉગાડી દઉં તો સો હીરામણી આપવાના તમારે. ન ઉગાડું તો મારી ઉપર કોઈ પ્રત્યાઘાત નહી આપવાનો. પણ મારી શરત એ છે કે, હું જ્યારે માથામાં તેલથી માલિશ કરવાની શરૂઆત કરું ત્યારે તમારે વાંદરાનો વિચાર નહીં કરવાનો. રાજાને થયું આપણે ક્યાં વાંદરાનું વિચારીએ જ છીએ ભાઈ… અને અમથું અમથું થોડી કોઈ વાંદરા વિષે વિચારે…. કાંઈ વાંધો નહિ ચાલ તારી શરતનું હું પાલન કરીશ. હું વાંદરા વિષે નહિ વિચારું. સમજજો, આ વ્યંગથી આપણને આધ્યાત્મ તરફ લોકો લઈ જાય છે. પેલા વાંણદે માલીશ શરુ કર્યું. અને પાંચ મિનિટ થઇ ત્યાં રાજાને વિચાર આવ્યો કે, વાંદરાની વાત આમણે કેમ કરી હશે? હું તો કોઈ દિવસ વાંદરાને યાદ કરતો જ નથી. પછી થયું એવું કે ઉપર પેલો માલિશ કરતો જાય અને રાજા વાંદરાની ભેગા ઘુમરીએ ઘુમરીએ વિચારમાં ચડતા જાય. વાંદરો ક્યાંય નહોતો એની ખાતરી હતી છતાં પણ વાળ ઉગાડવાની આખી પ્રક્રિયાને વાંદરો યાદ ન આવવો જોઈએ એ એક વિચારે ડિસ્ટર્બ કર્યો. કોઈકે નાખ્યો શબ્દ, શરત કોઈકની હતી, પણ એ કોઈકની વાત મારા મનમાં આવી ગઈ એટલે હું એના ચક્રમાં ફસાયો. હકીકતમાં ‘મન ઝાંઝર મન ઝંઝીર’ એ વિષયને આપણે બદલીને એવું કહેવું પડશે કે ‘મન મંદિર, મન પ્રાર્થના.’ ઝાંઝર અને ઝંઝીર બે માંથી કશું નથી જોતું, કારણ કે બંનેમાં એક્સ્ટ્રીમ, બંને અંતિમ, બંને છેડાઓ છે. ઝંઝીર તો છે જ પણ ઝાંઝર સાથે રાખીને આખી જીંદગી ન જીવી શકાય. પરિણામે આપણે એમ કહેવું પડે ‘મન મંદિર, મન પ્રાર્થના.’ અને હકીકતમાં આપણા સંતો મહંતો પણ એવું કહે છે કે પ્રાર્થના એ મનમાં કરવાની વસ્તુ છે. આપણે એમ પણ કહીએ કે, પ્રાર્થના એ મનને કરવાની વસ્તુ છે. કે ‘હે મન તું મને સાચો માર્ગ દેખાડ જે.’
આપણે કોઈ બાહ્ય સંત – ફકીરને મળવું હોય છે અને તે આપણને નાનકડો ફાયદો કરાવીને સાચો રાહ પકડાવી દે છે. મહમદ પેગંબર સાહેબ પાસે ઘણા લોકો દુઆ લેવા આવે. એક વ્યક્તિએ આવીને કહ્યું કે, પયગંબર સાહેબ, હું અલ્લાહને વાસ્તે લડાઈમાં જવા ઈચ્છુ છું. પયગંબર સાહેબ બોલ્યા, વિચાર બહુ સારો છે, પણ તારી મા જીવે છે? હા, મારી મા જીવે છે ને… પયગંબર સાહેબે પાછો પ્રશ્ન પૂછ્યો કે, તું જતો રહે તો એની સારવાર કરવા માટે કોઈ ઘરે છે? તો કહે, ના એની સારવાર કરવા માટે તો કોઈ નથી હું જ છું. પયગંબર સાહેબે સરસ જવાબ આપ્યો કે, તો જા તારી માની સેવા કર, કારણ કે એના પગમાં જ જન્નત છે. જે જન્નત માટે થઈને તું લડાઈ કરવા જવાનું નક્કી કરી બેઠો છે…. સમજદાર કો ઈશારા કાફી હૈ, એવું આપણે બોલીએ છીએ. આપણા કોઈ બુદ્ધ પુરુષ, આપણા કોઈ આત્મીય પુરુષ, સંત મહંત, સુફી લોકો ક્યારેક ક્યારેક એક નાનકડો ચમકારો કરી જતા હોય છે અને એ ચમકારા ના માર્ગે આપણે વળવાનું શરૂ કરીએ તો અનેક પ્રશ્નો અનેક ભ્રમણાઓ આપણી દૂર થઈ જાય છે. પેલી જાણીતી વાત છે કે નાસ્તિકને આવીને સંત સાથે જરા ગરબડ કરવી હતી એટલે એણે પૂછ્યું કે તમે ભગવાનમાં માનો છો? હા માનું છું, ભગવાન છે એવું તમે માનો છો? તો કહે હા માનું છું. અત્યારે છે એવું ય તમે માનો? તો કહે હા માનું છું…સાબિત કરો, નાસ્તિક નાસ્તિક છે અને આસ્તિક આસ્તિક છે. જેમ નાસ્તિકે નકાર પકડી રાખ્યો તેમ પેલા આસ્તિક ફકીરે હકાર પકડી રાખ્યો. બરાબર આ યુદ્ધ જીવનમાં ચાલતું હોય ત્યારે આપણે સમજવાની જરૂર છે કે હકાર જ જીતશે નકાર જીતશે નહીં. માટે આપણો પક્ષ હકાર તરફ હોવો જોઈએ. પેલા નાસ્તિકે કહ્યું કે સાબિત કરો કે ભગવાન છે. હવે પેલા સંત ફકીર તો શું કરે ભગવાનની પૂજા કરતા હતા અને એણે પંચ પાત્રની અંદર સરસ મજાનું પંચામૃત ભર્યું હતું એ એક આચમની ભરી અને પેલાને કીધું કે લે, એણે પોતે આચમની લીધી પછી એણે પૂછ્યું કે આ શું છે? તો કહે એ પ્રસાદી છે, પંચામૃત છે. તો કહે એમ નહિ આ શું છે? તો કહે દૂધ છે. શું કરવું? પી જા. એટલે પેલો માનીને પી ગયો. કેવું લાગ્યું દૂધ તો કહે ગળ્યું લાગ્યું. ખાંડ છે અંદર. તે જે દૂધ પીધું ને એ દૂધ આમાં પંચપાત્રમાં પડ્યું છે. આ પંચપાત્રમાં ભર્યું બધું લઈને જા. અને ત્યાં ખૂણે બેસી જા. ખૂણે જઈને મને બે જુદા કરી દે, ખાંડ ને દૂધ જુદા કરી આપ. પેલો માણસ તો મૂંઝવણમાં મુકાઈ ગયો કે એ કેવી રીતે થાય? અને એ નતમસ્તક થયો અને કીધું કે, મારી ભૂલ થઈ ગઈ. તો કહે બેટા તારી ભૂલ નથી થઈ, સારું થયું તે પૂછી લીધું. તારી આ ઉંમરે કોઈકને પૂછતો રહેજે. પછીની જિંદગી આપણી બહુ સુંદર રીતે ચાલે. અને તે પૂછ્યું એટલે મેં તને જવાબ ન આપ્યો સાબિતી જ આપી. જેવી રીતે આ દૂધની અંદર સાકર છે છતાં દેખાતી નથી અનુભવાય છે. એવી જ રીતે આ ઈશ્વર આપણી આજુબાજુ છે જ, પણ એને અનુભવવાનો હોય. ક્યારેય વિચાર કર્યો કે રાત કોણ પાડે છે? ક્યારેય વિચાર કર્યો કે દિવસ કોણ ઉગાડે છે? ક્યારેય વિચાર કર્યો કે મેં ખાધેલો ખોરાક બીજે દિવસે અંદર કોણ પચાવી નાખે છે? આ પ્રશ્ન પૂછ્યા વગર જે જવાબ નથી એ આપણો ઈશ્વર છે. વાત તો બહુ નાની અને સમજની છે. કદાચ ઈશ્વરનો સાક્ષાતકાર જેને થયો હોય એના જેટલી જ આ દ્રઢ વાત છે કે જેમાં માણસે પોતે પોતાના મનને કેવી રીતે કોઈના ઈશારે સુધારવાનું પગલું ભરવું તે મહત્વનો વિષય છે.
રાખવા જેવું એ છે કે, જેવું મન એવો મનુષ્ય. બીજી વાત એ યાદ રાખવા જેવું છે કે મનમાં જે જશે તે પાછું આવશે. ત્રીજી વાત એ યાદ રાખવાની છે કે મન તો આપણને હંમેશા બીજી દિશામાં જ ખેંચશે. ચોથી વાત એ યાદ રાખવાની છે મન છે એના ભરોસે કાયમ રહેવાય નહીં. જરા આજની ભાષામાં કહેવું હોય તો હમણાં જ બનેલી એક ઘટના સાથે વાત કહું. હમણાં આપે સૌ એ કદાચ જાણ્યું હશે કે એક બેન ઓડી ગાડી ની અંદર બેઠા હતા. પોતે ગાડી ચલાવતા હતા અને એમને ક્યાંક જવું હતું. એટલે એમણે જીપીએસ માં એ લોકેશન નાખેલું હતું. જીપીએસ માં લોકેશન નાખી દીધું પછી એ બેન હતા. અને નિસફીકર થઈને આનંદથી ગાડી ચલાવતા હતા. બન્યું એવું કે એક સમય આવ્યો કે ગાડી ચાલવાને બદલે ઊંડા નદીનાં પ્રવાહમાં પડી. જયારે જીપીએસ હજી આગળનો રસ્તો દેખાડતું હતું. એ તો સારું થયું કે નજીકમાં કેટલાક લોકો હતા એને પાછળ ને પાછળ ઝંપલાવ્યુ અને બહેનને જીવતા બહાર લઈ લીધા. મારે કહેવું હોય તો એમ કહી શકું કે આપણું મન છે ને એ જીપીએસ જેવું છે. જીપીએસમાં તમે નાખીને નિશ્ચિત થઈ જશો તો નહિ ચાલે. તમારે દરેક વખતે નિશ્ચિન્તતા સાથે રાખીને શું થઈ રહ્યું છે ત્યાં મનને હાજર રાખવું પડશે. તમને એ પણ કદાચ ખ્યાલ હશે કે તમે જીપીએસમાં લોકેશન નાખી દ્યો અને એ લોકેશન નજીક આવે એટલે જીપીએસ પોતાની દુકાન બંધ કરી લે. હવે તમે અહીંયા ગોતી લો. મનનું પણ આવું જ છે. તમને એવી સિચ્યુએશનમાં મૂકી દે છે કે હવે તું લડી લે. તો એવે ટાણે આપણે રસ્તો બોલીને ક્યાંક નદીમાં ખાબકી ન પડીએ એના માટે પણ મનની સાથે દોડવું, મનની સાથે રહેવું, મનને આપણાથી થોડું પાછળ રાખવું. પહેલા વિચારીને પછી નિર્ણય લેવો.
વિચાર મનને સાધવા માટેનો ઉત્તમ રસ્તો છે. અને આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે विचार प्रवाह: इति मनः… મન એટલે શું છે? વિચારોનો પ્રવાહ, ઢગલો, ધોધમાર. મને લાગે છે કે આપણે મનને ઝાંઝર તરીકે શોધવાને બદલે, મનને ઝંઝીર તરીકે શોધવાને બદલે મનને મંદિર તરીકે શોધીએ. આ પર્વ આપણને એવું શીખવે છે કે, પર્વ તરીકે હું દર વર્ષે આવું છું દોસ્ત, આ વર્ષે કશાક સંકલ્પ કરી લે, મનમાં હકારાત્મકતા બેસાડી દે, એ બેસાડી દઈશ તો આવતું વર્ષ તારું અદ્ભૂત જશે. Take away શું? પર્યુષણ, પર્વાધિરાજ દર વર્ષે આવે તો કેમ આવે દર વર્ષે? એને ખબર છે કે એક વર્ષમાં આ મારા ભક્તનું ઇનબોક્સ ભરાઈ ગયું હશે. ઠાંસોઠાંસ ભરાણું હશે. ચાલો હું પર્વ તરીકે જાઉં, એ લોકો સાથે અમુક દિવસ રહું, અને એને વિચારવા મજબુર કરું કે આ ભરાઈ ગયેલું ઇનબોક્સ ખાલી કરો, નવા વિચારને સ્થાન આપો, અને મનની લગામ તમારા હાથમાં રાખો. નમસ્કાર….
(શ્રી મુંબઈ જૈન યુવક મંડળ, મુંબઈ દ્વારા પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાન માળામાં 2025 ના વર્ષમાં આપેલ વ્યાખ્યાનના હોમવર્ક પરથી આ લેખ તૈયાર કરેલ છે.)
