દેહ એ ગરબો જ છે અને ગરબાને વળાવીએ એમ દેહને પણ વળાવીએ જ છીએ ને !! આટલું સહજ સત્ય પણ નથી સ્વીકારી શકાતું ?
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
શરદ પૂર્ણિમાની રાત્રી વીતી કે તરત જ, છેલ્લા પંદર દિવસથી તે આજ સુધી જેમાં સવાર સાંજ દીવો કરી માતાજીની સ્તુતિ કરી તે ગરબો મારી સામે જોવા લાગ્યો હોય એવો મને ભાસ થયો !!
હું સતર્ક બની ગયો અને આ ગરબા દ્વારા થઇ રહેલ ઈશારા અંગે વિચારવા લાગ્યો.
અંદરથી તરત જવાબ મળ્યો કે, દોસ્ત, હવે ગરબાનું વિસર્જન કરવાનું ટાણું થયું છે. એ તો સંકેત આપે છે કે ‘ચાલો, મને વળાવો હવે !!’ આ જવાબ સાંભળીને થોડી પળ માટે તો મન ખિન્ન થઇ ગયું . બસ, જવા ટાણું થઇ ગયું ?? હવે આ ગરબાને વિસર્જિત કરી દેવાનો અને તે પણ આપણા જ હાથે ?? પંદર દિવસ જેનું તેજ અને હૂંફ દિન પ્રતિ દિન વધુ ને વધુ દેદિપ્યમાન થતા રહ્યા તેને હવે વળાવી દેવાની ઘડી આવી ગઈ ??!! મન માનતું ન હતું પણ હવનાષ્ટમી ના હવન પછી ગરબાના દીપકનું તેજ ઘટવા લાગ્યું હતું તે સાંભર્યું ! અને નૈવેદ્ય ધર્યા પછી તો સ્પષ્ટ એવું લાગતું હતું કે તેજ હવે સંકોરાઈ રહ્યું છે…પણ આપણું મમત કે શરદ પૂર્ણિમા સુધી તો રાસ-ગરબા લેવાતા હોય છે અને માતાજીની આરાધના ક્યાંક ક્યાંક તો થતી જ હોય છે ને એટલે આપણે પણ ગરબામાં દીપ પ્રગટાવીશું છે’ક પૂનમ સુધી.. પણ હવે બધું ડહાપણ મને આવ્યું હતું..ગઈકાલે પૂનમની રાત્રીએ દૂધ-પૌવા ખાધા પછી કોણ જાણે કેમ મારું ધ્યાન વધુ ને વધુ ગરબા તરફ દોરાતું હતું.. અને અંતે આજે સવારે છેલ્લીવાર ગરબામાં દીવો કરી તેને બે હાથે ઉઠાવીને ચાલ્યો પરિસરના ખુલ્લા ઉદ્યાન તરફ..સરસ ભીની જગ્યા જોઈને ગરબાને ત્યાં મૂકી દીધો અને ખિન્ન હૃદયે સહેજ ભીની થતી આંખે પાછું ફરી ગયો મારી મઢુલી તરફ…પંદર દિવસ ચડતી ચંદ્રકલા દરમ્યાન મારી સાથે રહેલો ગરબો હવે માટી સાથે ભળી જવાનો હતો અને એક-બે દિવસમાં તો એ જે માટીમાંથી બન્યો હતો તે માટીમાં મળી જવાનો હતો !! જો કે, આ સત્ય સ્વીકારવામાં મને અને મારા મનને બહુ તકલીફ પડી રહી હતી કારણ હવે હું ઘરમાંથી કોઈને જતું જોઈ શકતો નથી..હા, એક આત્મીય દેહને અમે આમ જ માટીમાં ભેળવી દેવા નીકળ્યા હતા ને પછી ખાલ્લી હાથે પાછા ફર્યા હતા એ દિવસ હજુ મનમાંથી ખસતો નથી.
હવે મને કોણ સમજાવે કે દેહ એ ગરબો જ છે અને ગરબાને વળાવીએ એમ દેહને પણ વળાવીએ જ છીએ ને !! આટલું સહજ સત્ય પણ નથી સ્વીકારી શકાતું ?? દેહમાં નવ દ્વાર અને એ નવ દ્વારની ફરતે હાડ માંસનો બનેલો દેહ. દીવો તો આપણા આત્માનું પ્રતીક છે…ગરબો તો પ્રતીક થઇ આપણને યાદ અપાવે છે કે મારામાં પણ નવ છિદ્રો છે અને બરાબર મધ્યમાં આતમદીપની જેમ પ્રગટે છે. એકમ થી લઈને પૂર્ણિમા સુધીનું આપણું આયુષ્ય છે. એ ચડતી ભાંજણી આપણી વૃદ્ધિ અને વિકાસ. એ આયુષ્ય પૂરું થાય જ અને એની પૂર્ણતાએ એને અલવિદા કહેવું જ પડે. પૂર્ણિમા પછી અંધકાર તરફની ગતિ શરુ થાય અને પંદર દિવસે ફરી ઘર ઘર દીપ પ્રગટે એટલે કે ફરી પ્રકાશપૂંજનું સ્વાગત કરવાની તૈયારી થાય.. એક દીપક ગયો અને અનેક દીપક આવ્યા..
નાના હતા ત્યારે સાત તાળી રમતા ત્યારે તો કશી ગતાગમ ન હતી અને એટલે કેવળ ગમ્મતમાં જ રમમાણ રહેતાં. હવે મોટા થયા ત્યારે સમજાય છે કે સાત તાળીની રમત એ પણ આવનાર જીવનનું સત્ય સમજાવતી હતી…લુપાછુપીની આ રમતમાં કોઈ મળે અને એ મળે મળે ત્યાં તો એ ગુમ પણ થઇ જાય.. ઘણી બધી ગૂઢ વાતો એ રમતમાં હતી એ આજે ગરબાને વિદાય આપી પાછો ફર્યો ને સાંભરી…
મુંબઈની મોહમયી નગરીના કવિ શ્રી હરીશ દાસાણી મને મદદે આવ્યા અને એમણે સ્પષ્ટ કરી આપ્યું કે નવરાત્રીના નવ દિવસ ગણો કે શરદ પૂર્ણિમા સુધીના પંદર દિવસ ગણો અંતે તો જીવન એ સાત તાળીની રમત છે, મારા ભાઈ !! ..
સાત તાળી પાડો ને તમે રમવા લાગો.
એક તાળીથી પકડો આકાશ મનજીભાઇ.
તાળી પાડીને તમે રમવા લાગો.
નથી આકાશે સૂર્ય ચન્દ્ર, કોઈ નથી.
નથી નક્ષત્ર નમણું, નિહારિકા નથી.
એક તાળીમાં પકડો આકાર મનજીભાઇ.
તાળી પાડીને તમે રમવા આવો.
બીજી તાળીએ ચંચળ, પવનને પકડો.
પ્રાણ પાથરી પોતાનો, જકડી લેજો.
તમે તાળીએ સૂંઘો સુગંધ મનજીભાઇ.
તાળીએ તાળીએ રમવા લાગો.
ત્રીજી તાળીમાં તેજનો ખોબો ભરો.
ઓગળી પીગળી અંદરનો ઓરડો ભરો.
આધિ વ્યાધિ ઉપાધિનો ધૂમાડો ઉડાડો.
તમે તાળીએ આભમાં ઊંચે ઉડો.
ચોથી તાળીમાં ડુંગરથી નીચે આવો.
શિવજટામાંથી નીકળીને સીધા આવો.
સહુ યુગોને ધોઇ ધોઇને ઉજળાં કરો.
તમે તાળીથી સાગરમાં ડૂબકી ભરો.
પાંચમી તાળીએ પ્રણામ મા ને કરો.
માટી માથે ચડાવો ને વિશ્વમાં ફરો.
બીજ થઈને દટાવ ડાળીઓ ફેલાવો.
તમે તાળી દઇ માતાને ખોળે સરો
છઠ્ઠી તાળીમાં હાથપગ
માથું ધરજો. શિર સાટે નટવર વરજો
ઉરમાં ઠરજો, ઇન્દ્રિયોથી જ ઇન્દ્રને ઓળખજો.
તમે તાળીએ ખેતર આ ખૂંદી વળજો.
સાતમી તાળી પોતાને કાયમ દેજો.
ઊંઘજો જાગજો અને રમતા રહેજો.
એક મતવાલા માધવનેઆજે મળજો.
તમે સર્જન વિસર્જન પણ કરતાં રહેજો.
સાત તાળી પાડો ને તમે રમવા લાગો.
- કવિશ્રી હરીશ દાસાણી
પણ આ સાત તાળીમાં પાંચ સૃષ્ટિ તત્ત્વોને આપણે પામવાના છે. અને આ પાંચે ય સૃષ્ટિ તત્ત્વોમાંથી જ આપણે ઘડાયા છીએ અને અંતે એ પાંચેય સૃષ્ટિ તત્વોમાં જ આપણે ભળી જવાનું છે….અરે, જેને વિદાય કરીને હું વિચારે ચડ્યો એ ગરબો પણ આ પાંચેય તત્ત્વોનો જ તો બનેલો છે ને !! એમાં માટી છે, તેમાં આકાશ છે, તેને બનાવવા માટે જળ અને અગ્નિનો ઉપયોગ થયો છે અને એ ગરબાના અવકાશમાં વાયુ પણ હાજર જ હોય છે ને !!
કવિનો ઈશારો બહુ માર્મિક છે કે….
સાતમી તાળી પોતાને કાયમ દેજો
તમે સર્જન વિસર્જન પણ કરતાં રહેજો.
જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે અને તે આપણે ખુદે જ કરવાનું છે…એટલે તો ગણપતિ પધારે છે અને આપણા જ હાથે વિસર્જિત થાય છે..માતાજીને પણ આપણે જ પધરાવીએ છીએ ને આપણે જ તેને વળાવી દઈએ છીએ..
કોઈ દૂર-સુદૂરથી કહેતું હતું કે, ‘આ જ તો જીવન છે, દોસ્ત.’
