મહાભારતના મધ્યમાં ગીતાનો ઉપદેશ ઘણું સૂચવી જાય છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(01)
મહાભારત આપણો રાષ્ટ્રીય ગ્રંથ છે. એમાં આવતી વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે. વિનોબાજી મહાભારતને ‘વ્યાપક સમાજશાસ્ત્ર’ કહે છે. એક લાખ શ્લોકો છે મહાભારતમાં.. જેના દ્વારા વ્યાસજીએ કેટલાંય ચિત્રો, ચરિત્રો અને ચારિત્ર્યો દોરી આપ્યા છે અને તે પણ આબેહૂબ. ભીષ્મ અને યુધિષ્ઠિરના દોષો બતાવેલા છે તો પછી કર્ણ અને દુર્યોધનના ગુણો પણ દર્શાવ્યા છે. આટલું મોટું મહાભારત છે પણ તેમાં વ્યાસજીનો ઉપદેશ કે તેમનું ખુદનું કશુંક ક્યાં જોવા મળે છે, એવું કોઈ પૂછે તો સ્પષ્ટ જવાબ છે કે, શ્રીમદ ભગવદ્દ ગીતા !! સમગ્ર મહાભારતનું નવનીત તે ભગવદગીતા.
સાતસો શ્લોકોમાં કહેવાયેલ ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ, તેના સખા અને શિષ્ય અર્જુનને કહી રહ્યા છે. અહીં એક નોંધવા જેવી ખૂબી છે કે વ્યાસજીએ આ ગીતાના ઉદ્ગાતાને જ મહાભારતનું એક મહત્વનું પાત્ર પણ બનાવેલ છે. શ્રીમદ ભાગવતના નાયકનું નામ શ્રી કૃષ્ણ છે. પ્રખર અભ્યાસુ સાક્ષર શ્રી દિનકર જોશી નોંધે છે કે, ‘વિષ્ણુપુરાણ’, ‘અગ્નિપુરાણ’ અને ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં પણ કૃષ્ણ નામનો સતત ઉલ્લેખ થતો રહે છે. તો ‘છાન્દોગ્યઉપનિષદ’માં ઘોર આંગિરસના શિષ્ય તરીકે પણ દેવકીપુત્ર કૃષ્ણનો ઉલ્લેખ થયેલ છે અરે, છેક ઋગ્વેદકાળમાં સ્તુતિમંત્રોમાં પણ કૃષ્ણ નામના ઋષિનું સ્મરણ છે. આમ છતાં એ સ્વીકારવું રહ્યું કે, આપણે તો જે કૃષ્ણને ઓળખીએ છીએ તે તો ‘મહાભારતના કૃષ્ણ’ છે.
ગીતાનું સ્થાન મહાભારતમાં બરાબર મધ્યમાં છે. સમગ્ર મહાભારત પર પ્રકાશ ફેલાવનાર દીવાદાંડી તે ગીતા છે. પાછી આ દીવાદાંડી તો કિનારે નથી, પણ મધ્યમાં છે. એક બાજુ મહાભારતના છ પર્વો છે તો બીજી બાજુ બાર પર્વ છે. એક તરફ સાત અક્ષૌહિણી સેનાઓ છે તો બીજી તરફ અગિયાર અક્ષૌહિણી સેનાઓ છે અને તેના મધ્ય ભાગે ગીતાનો ઉપદેશ થયો છે. મહાભારતના મધ્યમાં ગીતાનો ઉપદેશ ઘણું સૂચવી જાય છે.
ગીતાનો પહેલો જ અધ્યાય લાચારીની મનોદશાથી શરુ થાય છે જે ઉત્સાહવર્ધક નથી તેવું ઘણાને લાગે છે. અર્જુન જેવો ખરો બાહુબલી નિરાશાના અને શરણાગતિનાં વચનો ઉચ્ચારે તે પણ ઝટ દઈને મનમાં બેસતું નથી. જેને આજે ‘મોટિવેશન’ નું રૂપાળું નામ અપાયું છે તે મોટીવેશનના ભંડાર જેવી ગીતાનો આરંભ આવો કેમ ?? શું અર્જુન નામર્દ અવસ્થામાં મુકાય શકે ? સેંકડો લડાઈઓ ખેલી ચુકેલો અર્જુન અચાનક બીકણ કેમ ભાસે છે ?? વિરાટની ગાયો છોડાવવા માટે એકલે હાથે ભીષ્મ, દ્રોણ અને કર્ણને હરાવી તેનું બળ હરી લેનાર અર્જુન આમ ઢીલો થઇ જાય ખરો ?? જેના રોમેરોમમાં વીરવૃત્તિ છે તે અર્જુન હાથિયાર હેઠા મૂકીને કેમ બેસી ગયો ?? આ અને આવા અનેક પ્રશ્નો એક સહજ માણસ તરીકે મને અને તમને થાય છે અને થાય તે સ્વાભાવિક પણ છે. અર્જુનનો વિષાદ આસક્તિજન્ય હતો તેમ તો કહેવા શ્રી કૃષ્ણ ઈચ્છે છે. અને એટલે તો પહેલા અધ્યાયમાં અર્જુન જેવા વીરને પણ આસક્ત થતા વાર લાગતી નથી તેવું સમજાવીને શ્રી કૃષ્ણ અનાસક્તિયોગ તરફ આપણને લઇ જાય છે. અર્જુનનો વિષાદયોગ એ અર્જુનની નબળાઈ નથી.
એક ન્યાયાધીશની વાત યાદ આવે છે. એક ન્યાયાધીશ હતો. સેંકડો ગુનેગારોને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મુકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશને માથે આવ્યું. પણ તેમ કરતાં તે ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી. “ફાંસીની સજા અમાનવીય છે, એવી સજા કરવાનું માણસને શોભતું નથી, માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી, ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેનું ઝનુન ઊતરી ગયા પછી પણ ગંભીરતાથી તે માણસને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારું તેમ જ ડાધ લગાડનારું છે.” આ ને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. પોતાનો છોકરો સામો આવ્યો ન હોત તો મરતાં સુધી ન્યાયાધીશ સાહેબ ખાસ ફાંસીની સજાઓ ફટકારતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યા હતા. તેમનું એ બોલવું અંતરનું નહોતું. તે આસક્તિજન્ય હતું. “આ મારો દીકરો છે” એવા મમત્વમાંથી જન્મેલું એ કથન હતું…
બસ, આ ન્યાયાધીશ તે ગીતાનો અર્જુન..અને ન્યાયાધીશનો વિલાપ તે અર્જુનનો વિષાદ… (ક્રમશઃ)
